તમારા માટે, તમારી સાથે, સતત…

હાજી કાસમની ‘વીજળી’નાં નવાં તથ્યો હવે ઉજાગર થાય છે

વીજળીને લઈને જે કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે

0 5,711

કવર સ્ટોરી – નરેશ મકવાણા

૧૩૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી વીજળીનામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો, દંતકથાઓ, લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ. સમસ્યા એ છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પનાતત્ત્વ વધુ હોવાથી દુર્ઘટનાને લઈને અનેક અફવાઓ, લોકવાયકાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે. આ પરિસ્થિતિમાં અહીં આધારભૂત દસ્તાવેજોના અભ્યાસ, નિષ્ણાતોના મત અને વૈજ્ઞાનિક તથ્યોને આધારે અહીં વીજળીની વાસ્તવિકતા સામે લાવવા પ્રયત્ન કરાયો છે…

આજની તારીખે પણ કચ્છ-સૌરાષ્ટ્રના લોકડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો ભીંજાયા વિના રહેતી નથી. અહીંના દ્વારકા, વેરાવળ, પોરબંદર અને માંગરોળ કાંઠાની ખારવણ કન્યાઓ ટાઢીબોળ રાતે દેશી ઢોલ અને શરણાઈના તાલે જ્યારે તેમના અસલ કાઠિયાવાડી લહેકામાં આ લોકગીત પર રાસડા લે છે ત્યારે વીજળી વેરણ થયાનું તેર દાયકા જૂનું દર્દ ઊથલો મારીને બહાર આવી જાય છે. ‘ફટ – રે ભૂંડી વીજળી તુને, તેરસો માણસ જાય..’ પર દરિયાછોરુંઓનાં હૈયાંમાં દર્દનાં મહાકાય મોજાં ઊછળવા માંડે છે. વીજળી ડૂબ્યાને આજકાલ કરતાં ૧૩૦ વર્ષ થવા આવ્યાં છતાં તેનો વિયોગ યથાવત્ છે. લોકવાયકા પ્રમાણે તેમાં મુસાફરો ઉપરાંત વરરાજા, જાનૈયા અને એ વખતે મુંબઈમાં લેવાતી મેટ્રિકની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ સામેલ હતાં જે તમામ દરિયાદેવને વ્હાલાં થઈ ગયેલાં. એ પછી માણસ તો ઠીક, આગબોટ વીજળીના પણ કોઈ અવશેષો હાથ લાગ્યા નહોતા. મોટા પાયે થયેલી એ જાનહાનિએ વીજળીને ગુજરાતના માનસપટ પર હંમેશ માટે અંકિત કરી દીધી છે, પણ સમય વીતતા ઐતિહાસિક હકીકતોને બદલે લોકવાયકાઓ પ્રચલિત બની. કાળક્રમે તેમાં જાતભાતની વાતો ઉમેરાવા માંડી. લાંબા ગાળે આ બધાંનું પરિણામ એ આવ્યું કે વીજળીની ઘટનાને લઈને જનમાનસમાં તથ્યવસ્તુને બદલે અતિશયોક્તિ અને આવેગોએ પકડ જમાવી લીધી. એનું એક કારણ તો એ હતું કે ‘વીજળી’ને ડૂબતાં કોઈએ જોઈ નહોતી. વળી, મૃત્યુઆંક ઘણો મોટો હોવા છતાં ન તો એકેય મૃતદેહ હાથ લાગ્યો હતો ન તો કશો કાટમાળ મળ્યો હતો. અફવાના ફેલાવા માટે આવા સંદિગ્ધ કારણો પૂરતાં હતાં. આજે સ્થિતિ એ છે કે વીજળીની હકીકતો કરતાં લોકવાયકાઓ વધુ પ્રચલિત બની ચૂકી છે. આ સ્ટોરીનો ઉદ્દેશ્ય એ ધારણાઓ, અતિશયોક્તિ અને લોકવાયકાઓ સામે વીજળીની વાસ્તવિકતા રજૂ કરવાનો છે.

વીજળી‘, વાયકા અને વાસ્તવિકતા
વીજળીને લઈને જે કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે તેમાં સૌથી પહેલી એ કે તે એકદમ નવી અને વિશાળ આગબોટ હતી. તેના પર ઇલેક્ટ્રિક લાઈટો ફિટ કરેલી હોઈ લોકો તેને વીજળી કહેતા હતા. તેનો કેપ્ટન એક અંગ્રેજ હતો અને માલિકી શેઠ હાજી કાસમની હતી જે મુંબઈમાં રહેતા હતા અને ધી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીના ડિરેક્ટર પણ હતા. – આ માન્યતાઓ સામે વિદ્વાન સંશોધક શ્રી યુનુસભાઈ એમ. ચીતલવાલાએ પોતાના સંશોધન પુસ્તક ‘વીજળી હાજી કાસમની’માં જણાવ્યું છે કે, વીજળી એક સામાન્ય કહી શકાય તેવી મધ્યમ કદની સ્ટીમર હતી. તે નવી નક્કોર નહીં, પણ ત્રણ વર્ષ જૂની હતી અને દુર્ઘટનાના ચાર વર્ષ અગાઉ ઈ.સ. ૧૮૮૫માં તૈયાર થઈ હતી. એ વખતે માત્ર વીજળી નહીં, ઘણી સ્ટીમરો પર ઇલેક્ટ્રિક લાઈટો ફિટ થયેલી હતી અને લોકો એ લાઈટોને કારણે તેને વીજળી કહેતા હતા. અસલમાં તેનું નામ ‘વૈતરણા’ હતું જે મુંબઈ નજીક આવેલ એક નદીના નામ પરથી રખાયેલું. ૧૭૦  ફૂટ લાંબી, ૨૬ ફૂટ પહોળી અને ૯ ફૂટ ઊંડી વીજળીની માલિકી બોમ્બે સ્ટીમ નેવિગેશન નહીં, પણ લંડનમાં રજિસ્ટર્ડ છતાં દરિયાઈ વેપારના મહત્ત્વને ધ્યાનમાં રાખીને મુંબઈમાં હેડ ઑફિસ ધરાવતી શેફર્ડ એન્ડ કંપનીની હતી જેના ડિરેક્ટર એ.જે. શેફર્ડ હતા. વીજળીના કેપ્ટન કોઈ અંગ્રેજ નહીં, પણ કાસમ ઇબ્રાહીમ નામના એક હિન્દુસ્તાની હતા અને લોકગીતોમાં જેમને સ્થાન મળ્યું છે તે ‘હાજી કાસમ નૂરમોહમ્મદ’ તો કંપનીના પોરબંદર સ્થિત એક બુકિંગ એજન્ટ હતા અને આખી દુર્ઘટનામાં ક્યાંય ચિત્રમાં જ નહોતા. હકીકતમાં વીજળી સાથે જે ‘કાસમ’નું નામ જોડાયેલું છે તે અન્ય કોઈ નહીં પણ કેપ્ટન કાસમ ઈબ્રાહીમ હતા. સામાન્ય રીતે મુસ્લિમોમાં આધેડ વયની વ્યક્તિના નામ આગળ ‘હાજી’ જોડવાનું એક સામાન્ય ચલણ છે, ભલે પછી તેણે હજ ન પઢ્યું હોય. આમ વીજળીના કપ્તાન ‘કાસમ ઇબ્રાહીમ’ આગળ ‘હાજી’ શબ્દ લાગવો સહજ છે. એટલે હાજી કાસમ ઈબ્રાહીમ વીજળીના કેપ્ટન હતા જ્યારે હાજી કાસમ નૂરમોહમ્મદ મેમણ તેના પોરબંદરના બુકિંગ એજન્ટ હતા.

બીજી માન્યતા એવી છે કે, વીજળી કરાચીથી માંડવી અને ત્યાંથી દ્વારકા, પોરબંદર, માંગરોળ, ઘોઘા થઈને મુંબઈના ફેરા કરતી હતી. તે મુંબઈથી પ્રથમવાર ઊપડી હતી અને એ રૃટની તેની પ્રથમ મુસાફરી હતી – આ વાત પણ હકીકતથી વેગળી છે. અસલમાં છેક ૧૮૮૫થી વીજળી મુંબઈ-માંડવી માર્ગ પર જ ચાલતી હતી, નહીં કે મુંબઈ-કરાચી માર્ગે. એટલે જળસમાધિના ચાર દિવસ પહેલાં ૫ નવેમ્બર, ૧૮૮૮ના રોજ જ્યારે તે માંડવી માટે મુંબઈથી રવાના થઈ ત્યારે એ તેની પ્રથમ મુસાફરી હતી. તે માંડવીથી દ્વારકા, પોરબંદર અને માંગરોળ થઈ મુંબઈ જતી. જ્યારે વેરાવળ, જાફરાબાદ, દીવ અને ઘોઘા જવા માટે બીજી સ્ટીમરો ચાલતી.

એક વાત એવી પણ ચાલે છે કે, વીજળી માંગરોળ નજીકના દરિયામાં નહીં, પણ તેનાથી પણ ક્યાંય આગળ ડૂબેલી. આયખાના ૬૫ વર્ષ દરિયો ખેડનાર માંડવીના ૮૨ વર્ષીય શિવજી ભુદા ફોફીંડી કહે છે, જે જગ્યાએ વીજળી ડૂબ્યાની લોકો વાતો કરે છે ત્યાં એ સમયે દરિયો એટલો ઊંડો હતો જ નહીં. ત્યાં કેટલીક જગ્યા તો એવી છે કે વહાણોમાંથી કોઈ વસ્તુ ફેંકો તો પણ જમીન પર પડે. માંગરોળમાં આવો જ સાગરકાંઠો હતો. એટલે વીજળી ત્યાં ડૂબે એવી શક્યતા ઓછી છે. જોકે ચીતલવાલાએ સંશોધનમાં નોંધ્યા મુજબ વીજળીના માંગરોળના એજન્ટ બાલકૃષ્ણ બાવાજીએ તેને તારીખ ૯-૧૧-૧૮૮૮ને શુક્રવારના વહેલી સવારે ૧ વાગ્યે માંગરોળ પાસેથી પસાર થતાં જોઈ હતી.  માંગરોળ પસાર કર્યા બાદ ઉત્તર બાજુથી આવતા ઝંઝાવાતી પવનને ખાળવા તે મુંબઈ તરફ વળી હશે ત્યારે જ ચક્રવાતી તોફાનમાં સપડાઈને દરિયામાં ગરકાવ થઈ હશે. આખી દુર્ઘટના વહેલી સવારના ૪-૫ વાગ્યા વચ્ચે બની હોવાની શક્યતા વધુ છે. કેમ કે તે પછી વાવાઝોડું સૌરાષ્ટ્ર પાર કરીને નબળું પડ્યું હતું અને ૧૦-૧૧-૧૮૮૮ના રોજ વિખેરાઈ ગયું હતું. એટલે તે માંગરોળથી ૨૫-૩૦ કિલોમીટર દૂર જ ડૂબી હોવાનું વધારે સાચું લાગે છે.

પ્રચલિત લોકગીતો, કવિતાઓમાં વીજળીના ઉતારુઓને લઈને જુદા-જુદા આંકડાઓ મળે છે. ‘હાજી કાસમ તારી વીજળી રે..’ ગીતમાં ૧૩૦૦ અને એકમાં ૧૬૦૦ મુસાફરો કહ્યા છે. અન્ય એક કાવ્યસંગ્રહ ‘વીજળી વિલાપ’માં ૮૦૦ આસપાસ ઉતારુઓ કહ્યા છે, જેમાં માંડવીથી ૪૦૦ જેટલાં મેટ્રિકનાં વિદ્યાર્થીઓ ઉપરાંત કુલ ૧૩ જાનો અને જાનૈયા ગણ્યાં છે. જોકે યુનુસ ચીતલવાલાએ વીજળીની વેચાયેલી ટિકિટોના આધારે શોધી કાઢ્યું છે કે તેમાં ૪૩ ક્રૂ મેમ્બર્સ મળીને કુલ ૭૪૩ પેસેન્જરો હતા જે પૈકી મોટા ભાગના માંડવી અને દ્વારકાથી ચડ્યા હતા. અહીં ૪૦૦ વિદ્યાર્થીઓનો આંકડો વધુ પડતો છે કેમ કે એ વખતે બહુ ઓછા લોકો મેટ્રિક સુધી ભણી શકતા હતા. વળી, બોમ્બે પ્રેસિડેન્સીનું પ્રમુખ શહેર અને વહીવટી પાટનગર મુંબઈ હોઈ એ રીતે પણ આ આંકડો વાસ્તવિક લાગતો નથી. જોકે ૧૩ જાનોવાળી વાતમાં તથ્ય છે, કેમ કે દુર્ઘટનાના એક વર્ષ બાદ લખાયેલ ‘વીજળી વિલાપ’ ગીતમાં પણ આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે.

આ બાબત પર પ્રકાશ પાડતાં માંડવી નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ શાહ કહે છે, ‘એ વખતે માંડવી દરિયાઈ સફરનું મોટું કેન્દ્ર હતું. મુંબઈમાં રહેતાં કચ્છીઓ મોટા ભાગે અહીંથી જ મુસાફરી કરતા. રેલવે હજુ આ તરફ પહોંચી નહોતી અને મુંબઈ જવું દરિયાઈમાર્ગે વધુ સરળ હતું. એ રીતે વીજળીની ઘટનામાં જે જાનોનો ઉલ્લેખ છે તે સાચો લાગે છે, કારણ કે કચ્છ આખામાંથી મુંબઈ તરફ આ રીતે અનેક જાનો જતી હતી. કચ્છથી મુંબઈ તરફ જવા માંગતા લોકોએ અહીંથી જ મુસાફરી શરૃ કરવાની રહેતી.’

‘અભિયાન’ના કહેવાથી ભુજના યુવા સંશોધક જય પોકારે આ મામલે વધુ જાણકારી મેળવવા એક અઠવાડિયું ભુજ, માંડવી અને તેની આસપાસમાં ગામોમાં ગાળ્યું હતું, પણ વીજળીની પેસેન્જર રહેલી એકેય વ્યક્તિના કુટુંબની ભાળ મળી નહોતી. જયનું કહેવું છે કે, લોકગીતમાં જે ઉલ્લેખ છે તે પૈકી એકેય જાન મૂળ માંડવીની હોય તેવા પુરાવા મળતા નથી. વળી, ઘટના તેર દાયકા જૂની હોઈ વીજળીમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને શોધવું વધારે મુશ્કેલ છે. છતાં એક વાત ચોક્કસ છે કે એ ૧૩ જાનોના મુસાફરો માંડવીથી જ ચડેલા અને કોઈ બચ્યું નહોતું.

‘હાજી કાસમ તારી વીજળી…’ લોકગીતમાં કહેવાયા મુજબ વીજળી માંડવીથી સવારે ૧૧ઃ૦૦ વાગ્યે રવાના થઈ હતી(દસ વાગે તો ટિકટું લીધી, અગિયારે વેતી થઈ કાસમ) અને સાંજે ૫ઃ૩૦ કલાકે પોરબંદર પેસેન્જર લેવા રોકાઈ હતી, પણ તોફાની હવામાનને કારણે એ વખતના પોરબંદરના ઍડ્મિનિસ્ટ્રેટર મિ. લેલીએ કપ્તાનને આગળ ન જવા ફરમાન કર્યું હતું, પણ તેણે વાત કાને ધરી નહીં અને વીજળી આગળ હંકારી મૂકી જેથી દુર્ઘટના ઘટી. – આ વાત પણ ખોટી ઠરે છે, કેમ કે વીજળી જ્યારે પોરબંદર પહોંચી ત્યારે દરિયો તોફાની હતો અને તે બંદરમાં આવી શકે તેમ જ નહોતી. વળી, તોફાન બાબતે કપ્તાનને ન કોઈ એડવાન્સ ચેતવણી આપવામાં આવી હતી, ન પોર્ટ પર કોઈ ભયસૂચક સિગ્નલો ચઢાવાયાં હતાં. આથી બંદરથી દોઢ કિલોમીટર દૂર તે ઊભી રહી હતી કેમ કે દરિયામાં વાવાઝોડાની અસર જમીનની સરખામણીએ ઓછી હતી છતાં બંદરમાં દાખલ થવું જોખમી હતું. વાવાઝોડું સમીસાંજે સક્રિય થઈ ગયું હતું, પણ એટલું બધું નહોતું કે તેમાંથી સ્ટીમર પસાર ન થઈ શકે. વીજળી પહેલાં જ આગબોટ ‘સાવિત્રી’ અને અન્ય એક સ્ટીમર ‘પાચુમ્બા’ તોફાની પવનોમાંથી પસાર થઈ હતી. આથી પોરબંદરમાં લંગર નાખ્યા વિના માત્ર પાંચ- સાત મિનિટમાં જ તે ત્યાંથી રવાના થઈ ગયેલી જેના કારણે ત્યાંથી ચડનારા ૧૦૦ પેસેન્જરોએ પરત ફરવું પડ્યું હતું અને એ રીતે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. આખી ઘટનામાં લેલી સાહેબની કોઈ ભૂમિકા નહોતી.

ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં લખેલી તેમની નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, બે પેસેન્જરો દ્વારકા ઊતરી જવાથી બચી ગયા હતા. જે પૈકી એક ભગવાનજી અજરામર હતા. તેઓ દ્વારકાના રહેવાસી હતા અને ગોરપદું કરતા હતા. તેમની તબિયત બગડતાં તેઓ દ્વારકા ઊતરી જતાં બચી ગયા હતા, પણ  યુનુસ ચીતલવાલાના સંશોધનમાં આમાંની મોટા ભાગની વિગતો સત્યથી અલગ જણાઈ છે. ખરેખર ભગવાનજીની તબિયત ખરાબ નહોતી થઈ કે ન તો તેઓ ગોરપદું કરતા હતા. તેમનું ખરું નામ ભગવાનજી રામજી કપટા હતું અને તેઓ ગાયકવાડ રાજઘરાનાના મેતાજી હતા જે બંદરે યાત્રાર્થે આવ્યા હતા. તેમણે સમુદ્ર કિનારે આવેલી ‘જામપુરાની છેલ્લી અગાશીએ’થી વીજળીને બારામાં આવતી અને પછી ત્યાંથી વિદાય લેતી જોઈ હતી. બપોર પછી તોફાન વધી જતાં તેમને તે અંગે ચિંતા થઈ અને ભાળ મેળવવા તેઓ ખુદ દ્વારકાથી ‘હિન્દુ’ નામની સ્ટીમરમાં પોરબંદર અને ત્યાંથી વેરાવળ પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચૂક્યું હતું. વીજળીના ગુમ થવાથી આઘાત પામેલા ભગવાનજીભાઈએ એ પછી પોતાની વ્યથા જામનગરના દુર્લભજી શ્યામજી ધ્રુવને કહી. જેના આધારે તેમણે ‘વીજળી વિલાપ’ નામની કાવ્ય પુસ્તિકા રચી જે વીજળી ડૂબ્યાના એકાદ મહિનામાં જ અમદાવાદના આર્યોદય પ્રેસે પ્રકાશિત કરેલી. એ પુસ્તિકામાં તત્કાલીન પરિસ્થિતિનું કંઈક આ રીતે પ્રતિબિંબ પડતું હતું,

Related Posts
1 of 262

બૂરી યાદ રહી ગઈ તારી, તે જખમ લગાવ્યો કારી
તારું નામ પડ્યું વૈતરણી, તે ધ્રૂજાવી દીધી ધરણી
તારું નામ જ છેક અકારું, કર્યું વીજ છતાં અંધારું
શું ઉલટ ગતિ નિરધારી, તે જખમ લગાવ્યો કારી

લોકગીત સિવાયના સાહિત્યમાંથી વીજળીગાયબ!
સામાન્યતઃ મોટી કોઈ દુર્ઘટના બાદ તેના વિશે તરહતરહની વાર્તાઓ, ગીતો વગેરે લખાતાં હોય છે. ૧૯૧૨માં ટાઈટેનિક ડૂબી જેની વિશ્વ આખાએ નોંધ લીધેલી. તેમાં બચી ગયેલા લોકોના છાપાંઓમાં આવેલા ઈન્ટરવ્યૂના આધારે કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં. જેનો આધાર લઈને પછી વર્લ્ડક્લાસ ફિલ્મ પણ બની, પરંતુ તેનાં ૨૪ વર્ષ પહેલાં ઘટેલી વીજળીની દુર્ઘટનામાં આવું ન બન્યું. તેની જળસમાધિથી લઈને છેક ૨૦૦૯ સુધીનાં ૧૨૦ વર્ષના ગાળામાં માત્ર ‘હાજી કાસમ તારી વીજળી રે..’ લોકગીત, ‘વીજળી વિલાપ’ નામથી કાવ્યોની બે પુસ્તિકા અને ગુણવંતરાય આચાર્યની નવલકથા સિવાય કશું લખાયું નહીં. એય પાછું સાંભળેલી વાતો પર વધારે આધારિત હોઈ ખરેખર શું બન્યું હતું તે જાણી શકાતું નહોતું. આ કમી છેક ૨૦૧૦માં ધોરાજીના વિદ્વાન સંશોધક યુનુસ ચીતલવાલાએ પુરી કરી આપી. એક દાયકાની મહેનત અને સંશોધન બાદ તેમણે તૈયાર કરેલું પુસ્તક ‘વીજળી – હાજી કાસમની’ આપણને આખી દુર્ઘટના વિશે સત્ય વાત પુરાવા સાથે આપે છે. આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય ઘણુ ઊંચું છે, પણ કમનસીબે આપણે તેમનું સન્માન કરવામાં ઊણા ઊતર્યા છીએ. જો આવું પુસ્તક વિદેશની કોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થી કે સંશોધકે તૈયાર કર્યું હોત તો અત્યાર સુધીમાં તે અનેક સન્માનોનો હકદાર હોય. નજીકના ભવિષ્યમાં આ હોનારત પર હાઈટેક ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે ત્યારે તેમને યોગ્ય સન્માન મળે તે જરૃરી છે. કેમ કે તેમની મહેનતના કારણે જ ૧૨૦ વર્ષ બાદ આપણને વીજળી વિશે સત્ય માહિતી મળી શકી છે.

છતાં અહીં એક વાત સ્વીકારવી રહી કે વીજળીની દર્દભરી દાસ્તાનને જનજન સુધી પહોંચાડવાનું શ્રેય લોકગીત ‘હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ..’ને જાય છે. તેમાં તબાહીનું ખૂબીપૂર્વકનું ચિત્રાંકન પણ છે અને સેંકડો લોકો માર્યા ગયાનો માતમ પણ. આ ગીત કોણે અને ક્યારે લખ્યું તેના વિશે ચોક્કસ જાણકારી મળતી નથી, પણ ચીતલવાલાનો મત છે કે, કોઈ કચ્છીમાડુએ લખ્યું હોવું જોઈએ. કેમ કે તેમાં ભુજ-અંજારનો ઉલ્લેખ આવે છે. એ વખતે મુંબઈમાં કચ્છના લોહાણા, ભાટિયા, મેમણ, ખોજા લોકોની મોટી વસ્તી હતી અને તેઓ લગ્નપ્રસંગે કચ્છથી મુંબઈ દરિયાઈ મુસાફરી કરતાં રહેતાં હતાં. ‘સાત વિસું માંય શેઠિયા બેઠા’ પંક્તિ પણ કચ્છના સમૃદ્ધ શેઠોની તરફેણમાં જાય છે. આ લોકગીતમાં સમયાંતરે ઉમેરા થતાં રહ્યા અને આગળ જતાં વીજળીના કેપ્ટનને બદલે આખી વાત તેના એજન્ટ હાજી કાસમ પર આવીને ઊભી રહી ગઈ. જેમ કે,

દેશ પરદેશ તાર વછૂટ્યા, વીજળી વેરણ થાય- કાસમ
વાણિયો વાંચે ભાટિયા વાંચે, ઘરોઘર રૃગા થાય કાસમ
મામો-ભાણેજ ડૂસકે રૃવે, રોય-ઘરની નાર, કાસમ
સગા રોવે ને સગવા રોવે, બેની રોવે બાર માસ કાસમ

ઉપરની કડી ધ્યાનથી વાંચો પછી ‘રઢિયાળી રાત’માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે તે નીચેનું વાંચો.

દેશ પરદેશ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય,
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણા થાય -કાસમ, તારી…
પીઠી ભરી તો લાડકી રૃએ, માંડવે ઊઠી આગ,
સગું રૃવે એનું સાગવી રૃએ, બેની રૃએ બાર માસ કાસમ, તારી…
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ! શેઠ
કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ!

અહીં પહેલી કડીઓમાં માત્ર ‘કાસમ’નો ઉલ્લેખ છે. જ્યારે એ પછીની કડીઓમાં ‘હાજી કાસમ’ પ્રાસ આવી જાય છે. આ સ્ટોરીની શરૃઆતમાં જ આપણે ચોખવટ કરી ચૂક્યા છીએ કે વીજળીના કપ્તાનનું નામ ‘કાસમ ઇબ્રાહીમ’ હતું. જ્યારે ‘હાજી કાસમ’ પોરબંદર ખાતેના તેના બુકિંગ એજન્ટ હતા. આ હકીકતને ધ્યાનમાં રાખીને જોઈએ તો પ્રથમ કાસમ એ વીજળીના કપ્તાન કામસ ઇબ્રાહીમ જ હોઈ શકે, પણ થયું એવું કે, વીજળીના ડૂબી ગયા પછી તેમનું નામ ભુલાઈ ગયું અને કાળક્રમે લોકગીતમાં થોડા ફેરફાર અને ઉમેરા થતાં રહ્યા જેમાં કંપનીના પોરબંદર ખાતેના એજન્ટ હાજી કાસમનું નામ પ્રચલિત થઈ ગયું.

વીજળીડૂબ્યા પછીની વાત
ઈ.સ. ૧૯૧૨માં ટાઈટેનિક ડૂબેલી. તેની માલિક વ્હાઈટ સ્ટાર કંપની દ્વારા તેમાં મૃત્યુ પામનારના પરિવારજનોને વળતર આપવામાં આવેલું, પણ તમને જાણીને આઘાત લાગશે કે, વીજળીમાં મોતને ભેટનાર કોઈને વળતર નહોતું અપાયું, કારણ કે તે આકસ્મિક કુદરતી કારણોસર ડૂબી હોવાનું તારણ આગળ ધરવામાં આવ્યું હતું. ટાઈટેનિક સાથે અડધા ઉપરાંત ઉતારુઓએ જળસમાધિ લીધેલી. જેનું મુખ્ય કારણ કંપની દ્વારા પેસેન્જરોના બચાવ માટેની અપૂરતી સગવડ અને તૈયારીઓને બતાવાઈ હતી. આ એક જ મુદ્દાએ વ્હાઈટ સ્ટાર કંપનીને કરોડો ડૉલર વળતર ચૂકવવા મજબૂર કરી હતી. વળતરની રકમ એટલી તગડી હતી કે બોજો ન ખમાતા આખરે કંપની ફડચામાં ગયેલી. વીજળીમાં આનાથી તદ્દન ઊંધું બન્યું. તેના ડૂબ્યા પછી એક મહિના બાદ બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લૉર્ડ રેએ ચીફ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ મિસ્ટર સી.પી. કૂપરના અધ્યક્ષ સ્થાને એક મેરિન કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બેસાડેલી. ત્રણ સભ્યોની કોર્ટમાં બીજા બે હતા આસિસ્ટન્ટ પોર્ટ ઓફિસર એમ. બિન અને ‘સુરત’ નામની સ્ટીમરના કેપ્ટન જે.ડી. હોર્ન. ૭ અને ૧૦ ડિસેમ્બર ૧૮૮૮ના રોજ તેની બેઠકો મળેલી.

આ મરિન કોર્ટમાં હાજી કાસમ નૂરમોહમ્મદ સહિતના અલગ-અલગ લોકોએ આપેલી જુબાની પરથી ખ્યાલ આવે છે કે, વીજળી પર માત્ર ચાર લાઈફ-બોટ હતી જે બધાં મુસાફરોને બચાવી શકે તેમ નહોતી. આ એક જ બાબત કંપની વિરુદ્ધ જતી હોવા છતાં મરિન કોર્ટે તેને નજરઅંદાજ કરી હતી અને સરકાર તરફથી પણ એ અંગે કોઈ દલીલ કરાઈ નહોતી. દરિયાઈ તોફાન વખતે તેમાં ૩૬૫ પેસેન્જરો લઈ જવાની છૂટ હતી, પણ તેમાં મુસાફરોનો આંકડો ક્રૂ સિવાય ૭૦૧ હતો. જો મરિન કોર્ટમાં એવું પુરવાર થાય કે તોફાનના અણસાર છતાં વીજળીમાં વધુ પેસેન્જરો ભર્યાં હતાં તો શેપહર્ડ કંપની મુશ્કેલીમાં મુકાય. આથી

આ બાબતોને જાણી જોઈને અવગણવામાં આવી હતી. આમ થવું સ્વાભાવિક એટલા માટે પણ હતું કેમ કે, કોર્ટની કાર્યવાહી એકતરફી હતી. જુબાની આપનારા મોટા ભાગના કંપનીના જ માણસો હતા જેમણે મળીને આખી બાબતનો વીંટો વાળી દીધેલો અને વીજળીમાં મોતને ભેટનારાઓને વળતરના નામે ફદિયું ય મળ્યું નહીં. જો મૃતકના પરિવારોને થોડું વળતર અપાયું હોત તો તેમના પર થયેલા વજ્રાઘાતને થોડો હળવો જરૃર બનાવી શકાયો હોત.

વીજળીનું ભૂત અને હકીકત
આ સ્ટોરીના રિપોર્ટિંગ દરમિયાન એકથી વધુ વ્યક્તિના મોંએ સાંભળવા મળ્યું કે, તેમને ક્યારેક વીજળી દરિયામાં દેખા દે છે. ખાસ કરીને શિયાળામાં અડધી રાત્રે ‘વીજળી’ દરિયામાં ફરતી જોઈ હોવાનું જાફરાબાદ, માંડવી, ઓખા, પોરબંદર અને વેરાવળના માછીમારોએ કહ્યું. દરિયાખેડુ તરીકે ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં માંડવીના કૈલાસભાઈ ચુડાસમા અને જાફરાબાદના યુવા વાર્તાકાર વિષ્ણુભાઈ ભાલિયા કહે છે કે, તેમણે એકથી વધુ વડીલો પાસેથી ‘વીજળીનું ભૂત’ જોયાની વાતો સાંભળી છે. શિયાળો શરૃ થતાં જ (વીજળી નવેમ્બર માસમાં જ ડૂબી હતી.) આ ઘટનાનું પુનરાવર્તન થયા કરે છે. આવું જોકે અવારનવાર નોંધાયું છે કે કોઈ જહાજ ડૂબ્યા કે લાપતા થયા પછી તેણે ફરી દેખા દીધી હોય, પણ ગાંધીનગર સ્થિત દરિયાઈ સુરક્ષા વિભાગના પોલીસ અધિક્ષક કિશોર બલોલિયા સાહેબ આ વાતને સમર્થન નથી આપતા. તેમના મતે શિયાળાની ઋતુમાં દરિયા પર સતત ધુમ્મસ છવાયેલું રહેતું હોય છે. એ પરિસ્થિતિમાં દિવસ દરમિયાન પણ દૂરથી કોઈ જહાજ આવતું હોય તો ધૂંધળું દેખાય. ત્યારે રાત્રિ દરમિયાન ધુમ્મસનું પ્રમાણ વધુ ઘેરું હોય છે એ પરિસ્થિતિમાં અમુક કિલોમીટરના અંતરે કોઈ જહાજ હોય તો પણ ધુમ્મસ વચ્ચે તે કઈ દિશામાં જઈ રહ્યું છે તે કળાય નહીં. વીજળીના ભૂત મામલે પણ આવું જ છે. તેમાં તથ્યનો અંશ નથી. બલોલિયા સાહેબની વાત એટલા માટે પણ માનવી પડે કેમ કે તેમણે જાતે આ બાબતની ખરાઈ કરવા માટે એકથી વધુ વખત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટાના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. જેમાં આખી વાત માત્ર એક અફવા સાબિત થઈ છે.

છેલ્લે, વીજળી કેવી પરિસ્થિતિમાં ડૂબી હોઈ શકે તેનો જવાબ ગુજરાતના જાણીતા મરિન એન્જિનિયર રાજેશભાઈ દોશીના શબ્દોમાં સમજીએ. તેમના મતે, ‘તોફાનમાં વીજળીના પેસેન્જરો ડેકમાં ભરાયા હશે અને ઉપરથી હેચ બંધ કર્યા હશે. વીજળીમાં વૅન્ટિલેશનની પૂરતી સુવિધા હોઈ ગૂંગળાવાની શક્યતા નહોતી, પણ મોજાંની પ્રચંડ થપાટે તેને દરિયાના પેટાળમાં ઊંડે સુધી ધકેલી દીધી હશે અને ડૂબી ગઈ હશે. કેટલાક મુસાફરો બહાર નીકળી શક્યા હોય તો પણ સમુદ્રમાં ક્યાંય તણાઈ ગયા હશે અથવા તો દરિયાઈ જીવોનો ભોગ બન્યા હશે. આમ વીજળીનો બંધ ડેક તેના મુસાફરો માટે કૉફિન્ફ બની ગયો હશે.’
——————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »