તમારા માટે, તમારી સાથે, સતત…

વિરાટ સરદાર પ્રતિમાની સર્જન પ્રક્રિયા કેવી હતી?

ગુજરાતની ધરતી પર સ્થાપિત કરવાની પરિકલ્પના નરેન્દ્ર મોદીએ રજૂ કરી

0 358
  • સરદાર સ્મૃતિ – દેવેન્દ્ર જાની

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ર મીટરની પ્રતિમાનું સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામ સાથે લોકાર્પણ થતાંની સાથે જ વિશ્વની સોૈથી ઊંચી પ્રતિમાનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થઈ જશે. ઇજનેરી કોૈશલ્યના ઉત્તમ નમૂના સમી આ પ્રતિમાને તૈયાર કરવામાં અનેક પહેલુઓને ધ્યાનમાં રખાયા છે. ખાસ કરીને દુનિયાની આ સોૈથી ઊંચી પ્રતિમા માત્ર લોખંડ કે સ્ટીલનું સ્ટ્રક્ચર ન બની રહે, પણ આ પ્રતિમામાં સરદારના આબેહૂબ હાવભાવનાં દર્શન થાય તેનો પણ બખૂબી ખ્યાલ રખાયો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા ડેમની સામે સ્થાપિત કરી ગુજરાતના પ્રવાસનને એક નવી ઊંચાઈએ લઈ જવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની ગુજરાતના આંગણે લોકાર્પણ થવા જઈ રહી છે એ ગુજરાત માટે ગૌરવની ઘડી છે. કચ્છના રણની કાયાપલટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સરદારની સૌથી ઊંચી પ્રતિમાનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સાકાર થયો છે. તા. ૩૧ ઑક્ટોબરે સરદારની જન્મજયંતીએ જ્યારે આ પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ થશે ત્યારે ગુજરાતની ધરતી સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ જોડાઈ જશે.

માત્ર ૧૮ર મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડની પ્રતિમા તૈયાર કરવા પૂરતંુ આ કાર્ય સીમિત નહીં રહે, પણ આ પ્રતિમા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે આ પ્રતિમાને નિહાળનાર સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વનો અહેસાસ પણ કરી શકે. પ્રતિમાનો ચહેરો દૃઢ નિર્ધાર વ્યક્ત કરતો હોય તેવા ભાવનાં દર્શન કરાવે તો વળી તેમના પગના પંજા મક્કમ ગતિનો ધબકાર ઝીલતા હોય તેવો આભાસ કરાવે તેવી સૂક્ષ્મ બાબતોનું પણ ધ્યાન રખાયું છે. એટલંુ જ નહીં, સરદારના ચહેરા પરની રેખાઓને ઉપસાવવા માટે ખાસ માઈક્રો ડિઝાઇન વર્ક કરવામાં આવ્યું છે. સરદારના વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝીલાય તેવી આ અદ્ભુત પ્રતિમા બનાવવાનું કામ આસાન ન હતું, આ એક ભગીરથ કાર્ય હતંુ. સ્થળ પસંદગીથી માંડી વિરાટ પ્રતિમાને સરદારની પ્રતિભા સાથેના ખાસ અંદાજમાં તૈયાર કરવા માટે અદ્ભુત ઇજનેરી કૌશલ્યની સાથે સંવેદનાને ઉમેરીને આ ભગીરથ કાર્ય પૂરું કરવામાં આવ્યંુ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેક્ટ સાથે જોડાયેલા સચિવ સ્તરના એક અધિકારી કહે છે, ‘રપ૦ ઇજનેરો અને ત્રણ હજાર કારીગરો આ કાર્યમાં જોડાયેલા છે. વાત માત્ર આવા આંકડાઓથી અટકતી નથી, પણ આ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વની કામગીરી એ હતી કે સરદારની વિરાટ પ્રતિમા જે તૈયાર થાય તેમાં સરદારની જીવનશૈલીનો પડઘો પડવો જોઈએ એટલે એક એવી ટીમ તૈયાર કરવામાં આવી હતી જે સતત સરદારના જીવન ચરિત્રનો અભ્યાસ કરતી હતી. આ ટીમના સભ્યોએ જુદાં-જુદાં પુસ્તકો, ચિત્રો અને સાહિત્યનો અભ્યાસ કરીને સરદાર વિશેની માહિતી તો એકત્ર કરી, પણ તેનાથી સંતોષ માન્યો ન હતો. આ ખાસ ટીમના સભ્યોએ સરદાર સાથે રહી કામ કરી ચૂકેલા લોકોને મળી સરદારની જીવનશૈલીનો પરિચય મેળવ્યો હતો. દિલ્હી, કરમસદ, બારડોલી અને અમદાવાદ સહિતનાં સ્થળોએ રહેતાં અનેક લોકોને આ ટીમ મળી હતી. દિલ્હી અને કરમસદમાં તો આ કાર્ય માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યંુ હતું. અધિકારીઓને કેવી રીતે સરદારના જીવન વિશે માહિતી મેળવવી તેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ખાસ પ્રકારની કોટી, શાલ અને લાંબો કુરતો એ તેમની ઓળખ બની ગઈ હતી એટલે પ્રતિમા તૈયાર કરાઈ તેમાં તેને સ્થાન અપાયું છે.’

Related Posts
1 of 319

…પણ મોદી મક્કમ રહ્યા
અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતની ધરતી પર સ્થાપિત કરવાની પરિકલ્પના વર્ષ ર૦૧૦માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરી હતી. આ વિચારને મૂર્તિમંત કરવા માટે સરકારી સ્તર પર જુદા-જુદા વિભાગો દ્વારા સંશોધન અને અભ્યાસ કરીને અહેવાલો અપાયા હતા.

સૌથી મહત્ત્વની વાત હતી ગુજરાતનાં કયા સ્થળે વિરાટ પ્રતિમા મૂકવી, આ માટે ફિઝિબિલિટી રિપોર્ટ પણ ચકાસવામાં આવ્યા હતા. એ વખતે સ્થળ પસંદગી માટેની પ્રોસેસમાં સામેલ સરકારના એક સિનિયર મંત્રી કહે છે, ‘કેટલાક ઉચ્ચ અધિકારીઓ સરદારની પ્રતિમા બારડોલી, કરમસદ જેવા સરદારના જીવન સાથે જોડાયેલાં અન્ય સ્થળો પર મૂકવાનો મત ધરાવતા હતા. આ વાત નરેન્દ્ર મોદી સુધી પણ લવાઈ હતી, પણ મોદી એ વાત પર મક્કમ રહ્યા હતા કે સરદારની વિરાટ પ્રતિમા સરદાર સરોવર ડેમની નજીક જ સ્થાપિત કરવી છે. નર્મદા ડેમ એ સરદારનું સપનંુ હતું અને આ ડેમની પરિયોજનાને સરદારના નામ સાથે જોડવામાં આવ્યું છે. બીજું, આ સ્થળ પસંદ કરવા પાછળનો એક હેતુ આદિવાસી વિસ્તારને એક ઉત્તમ પ્રવાસન સ્થળની ભેટ આપવાનો પણ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તેની પ્રવાસીઓને માહિતી આપવા માટે સ્થાનિક ૧૦૦ આદિવાસી યુવાનોને ગાઈડ તરીકે તૈયાર કરાયા છે. આસપાસના ૧૭ કિ.મી.ના એરિયામાં ફ્લાવર ઓફ વેલી પણ તૈયાર કરવામાં આવી છે, તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.’

પ્રતિમાની ઊંચાઈ ૧૮ર મીટર કેમ રખાઈ?
વર્તમાનમાં ચીનમાં આવેલી સ્પ્રિંગ ટેમ્પલની ૧પ૩ મીટરની પ્રતિમા એ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું સ્થાન ધરાવે છે. સરદારની પ્રતિમાના લોકાર્પણ બાદ આ રેકોર્ડ તૂટશે અને ગુજરાત – ભારતના નામે થઈ જશે. સરદારની પ્રતિમાના પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ કહે છે, ‘ચીનનો રેકોર્ડ તોડવા માટે તો ૧પપ કે એનાથી થોડી વધારે મીટરની સરદારની પ્રતિમા તૈયાર કરવામાં આવી હોત તો પણ તે થઈ શક્યું હોત, પણ નરેન્દ્ર મોદીનો સરદારની પ્રતિમા ૧૮ર મીટર રાખવાનો મત હતો. સરદારની પ્રતિમા ૧૮ર મીટર રાખવા પાછળનો એક તર્ક એ છે કે ગુજરાત વિધાનસભાની સીટ ૧૮ર છે એટલે ગુજરાતના લોકશાહીના આ મંદિર સાથે સરદારના તાર જોડી શકાય. બીજો એક હેતુ એ રહેલો છે કે ર૯ ફૂટનો ઊંચો તફાવત એટલે રાખવામાં આવ્યો છે કે નજીકના ભવિષ્યમાં આ રેકોર્ડ કોઈ તોડી શકે નહીં.’

ચાર વર્ષમાં રેકોર્ડ-બ્રેક કામ થયું
સરદારની પ્રતિમા તૈયાર કરવાનું કામ ડિસેમ્બર ર૦૧૪માં શરૃ કરવામાં આવ્યંુ હતું. આશરે રૃ.૩ હજાર કરોડના બજેટનું આ વિરાટ કામ સમયસર પૂરું કરવા પચાસ જેટલી જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. અલગ-અલગ સ્થળે તેનાં કામ ચાલે છે.

જુદી-જુદી કંપનીઓને અલગ-અલગ કામ સોંપીને આ કાર્ય કરવામાં આવ્યું છે. બ્રોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં ૭૦ હજાર ટન તો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે. તા.૩૧ ઑક્ટોબર, ર૦૧૮ના દિવસે લોકાર્પણ કરવાનું હોઈ રાત-દિવસ કામ ચાલ્યું છે. ચાર વર્ષના રેકોર્ડ-બ્રેક સમયમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
——————–.

પ્રતિમાના પડદા પાછળના કસબી છે રામ સુતાર
સરદાર પટેલની વિશ્વની સોૈથી ઊંચી પ્રતિમાની ચર્ચા દેશભરમાં છવાઈ છે, પણ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે આ વિરાટ પ્રતિમાને આબેહૂબ સરદારની આગવી ઇમેજ સાથે તૈયાર કરવા પાછળ અસલી હીરો રામ વાણજી સુતાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બેનર હેઠળ સરદારની જે પ્રતિમા તૈયાર થઈ છે તેના મુખ્ય ડિઝાઇનર રામ સુતારની પસંદગી કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન મુજબ પ્રતિમા તૈયાર થઈ છે. દિલ્હી નજીક નોઈડા એરિયામાં રહેતા ૯૩ વર્ષીય મૂર્તિકાર દુનિયાભરમાં શિલ્પકળા માટે વિખ્યાત છે. ભારતના શ્રેષ્ઠ એવા પદ્મભૂષણ, પદ્મશ્રી ઍવૉર્ડ મળી ચૂક્યા છે. રામ વી. સુતાર વિશે એવું કહેવાય છે કે, તેઓ પ્રતિમામાં પ્રાણ જ પૂરી શકતા નથી, પણ જે મહાનુભાવની પ્રતિમા તૈયાર કરી હોય તેમના આબેહૂબ હાવભાવ પણ જોવા મળે છે. રામ સુતાર એવા શિલ્પકાર છે કે તેઓ જે કોઈની પ્રતિમા તૈયાર કરે તેની જીવનશૈલીનો ઊંડો અભ્યાસ કરે છે જેથી પ્રતિમામાં તેના હાવભાવ લાવી શકાય. છેલ્લા પાંચ દસકામાં દુનિયાભરમાં તેમણે તૈયાર કરેલી પ૦થી વધારે મૂર્તિઓ મૂકવામાં આવી છે. દિલ્હીમાં પાર્લામેન્ટની બહાર ૧૯૯૩માં મહાત્મા ગાંધીની જે પ્રતિમા મૂકવામાં આવી તે રામ સુતારે તૈયાર કરી છે. ગાંધીજીના જીવનનો મોટો પ્રભાવ આ શિલ્પકાર પર રહ્યો છે. આજે ૯૩ વર્ષે પણ તેઓ તેમના વર્કશોપમાં આઠ-આઠ કલાક કામ કરે છે અને દરેક કાર્ય પર બારીકાઈથી નજર રાખે છે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »