તમારા માટે, તમારી સાથે, સતત…

અંધશ્રદ્ધાથી કચ્છના વાગડમાં બાળ આરોગ્ય પર ખતરો…

વાગડ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઘણુ વધુ છે,

0 170
  • સુચિતા બોઘાણી કનર

પૂર્વ કચ્છના ભચાઉ, રાપર અને ખડીર બેટ મળીને બનતા વાગડ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઘણુ વધુ છે, અહીંની પ્રજામાં શિક્ષણનું પ્રમાણ પણ ઘણુ ઓછું છે. તેથી અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે. નવજાત શિશુઓની પૂરતી કાળજી લેવાતી નથી કે નાનાં બાળકોના આરોગ્ય પ્રત્યે પણ ગંભીરતાથી ધ્યાન દેવાતું નથી. કુપોષણનું પ્રમાણ પણ વધુ હોવાથી બાળકોના આરોગ્ય પર માઠી અસર થાય છે. આ વિસ્તારમાં સરકારી અને ખાનગી આરોગ્યની સેવાઓ ખૂબ જ અપૂરતી છે. અહીં આરોગ્ય કેન્દ્રો વધારાય, ત્યાં કાયમી રહે તેવો સ્ટાફ મુકાય અને પૂરતી સગવડો આપીને લોકોમાં જાગૃતિનું પ્રમાણ વધારાય તો બાળકોનું આરોગ્ય સુધરી શકે.

કચ્છ અત્યાર સુધી પછાત વિસ્તાર મનાતો રહ્યો છે, પરંતુ ભૂકંપ પછી થયેલા પુનર્વસને તેની સિકલ ફેરવી નાખી છે. ભુજ, ગાંધીધામ જેવા વિસ્તારો આજે મોટાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, પરંતુ અંતરિયાળ વિસ્તારો હજુ પણ જૂની પરંપરા સાચવીને બેઠા છે. અહીં સરકારી યોજનાઓના પૂરતા લાભો પહોંચતા નથી, નથી લોકોમાં પૂરતું શિક્ષણ. આથી આ વિસ્તારો અત્યારે પણ અનેક પાયાની સુવિધાઓથી વંચિત રહી જાય છે. આવો જ વિસ્તાર છે વાગડ પંથક. ભચાઉ તાલુકાનો થોડો ભાગ, રાપર તાલુકો અને ખડીર બેટ મળીને વાગડ તરીકે ઓળખાય છે. ખૂબ દુર્ગમ એવો આ વિસ્તાર વિકાસની મુખ્ય ધારાથી ઘણો દૂર છે. સરકારી અને ખાનગી તબીબોની ગેરહાજરીના કારણે આ વિસ્તારમાં ઊંટવૈદોનું પ્રમાણ ઘણુ વધુ છે. લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મજબૂરીવશ ઊંટવૈદોના શરણે જવું પડે છે અથવા તો ઘરમાં જ ડોશી વૈદુ અજમાવવું પડે છે. લોકોમાં શિક્ષણનું નહિવત્ પ્રમાણ હોવાથી મોટા ભાગે પ્રસૂતિ ઘરે જ કરાવાય છે. આથી માતા અને શિશુના આરોગ્યને ભારે જોખમ ઊભું થાય છે. અનેક ગૂંચવણો પણ પ્રસૂતિ દરમિયાન થાય છે. આથી જ અહીં નવજાત શિશુઓનાં મૃત્યુનું પ્રમાણ વધુ છે અને જીવતાં રહી ગયેલાં અનેક બાળકો ખોડખાંપણનો ભોગ બને છે. અનેક લોકો બાળકોને રસી અપાવતા નથી. તો પોતાની માન્યતાઓના કારણે બાળકનું પૂરતું ધ્યાન પણ રાખતા નથી. તેને જન્મતાવેંત કપડાં પહેરાવતાં નથી કે નથી તેને સ્તનપાન કરાવતાં. આથી જન્મેલું બાળક પણ અનેક રોગોનો ભોગ બને છે અને ક્યારેક જીવ પણ ગુમાવે છે.

તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા રસીકરણ વિજ્ઞાન પરના સેમિનારમાં પશ્ચિમ ભારતમાંથી ભાગ લેનારા એકમાત્ર એવા ગાંધીધામના બાળરોગ તજજ્ઞ ડૉ.રાજેશ માહેશ્વરી આ વિસ્તારના લોકોમાં બાળકોના આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે વર્ષોથી પ્રયત્ન કરે છે. તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ખોટી માન્યતાઓના કારણે અહીં નવજાત શિશુઓનાં મૃત્યુ વધુ થાય છે તો અધૂરે મહિને બાળકો જન્મવાનું પ્રમાણ પણ વધુ છે. બાળકને ૩-૪ દિવસ સુધી સ્તનપાન કરાવતા નથી આથી જરૃરી પોષક દ્રવ્યો અને રોગ પ્રતિકારક શક્તિનાં તત્ત્વો બાળકને મળતાં નથી. અહીં વારંવાર કેમ્પ કરીને અને વક્તવ્ય આપીને લોકોને સમજાવવા ભારે પ્રયત્ન કરાયો છે, પરંતુ લોકો હજુ પણ આ બાબતે જાગૃતિ બતાવતા નથી. બળતણમાં મોટા ભાગે બાવળનાં લાકડાં વાપરે છે તથા ગાંડા બાવળના કોલસા બનાવવાનું કામ કરે છે. આથી પણ બાળકોના શ્વસનતંત્ર પર અસર થાય છે. આજથી એકાદ દાયકા પહેલાં તો ડામ આપવાનું પ્રમાણ ખૂબ હતું. તેના કારણે કેટલાંય બાળકોનાં મોત પણ થયાં હતાં. પોલીસની કાર્યવાહી અને લોકજાગૃતિ માટેની ઝુંબેશના કારણે હવે ડામ આપવાનું પ્રમાણ ઘટ્યું છે છતાં સદંતર બંધ થયું છે તેવું તો કહી ન શકાય. જો સરકાર દ્વારા આ વિસ્તારમાં આરોગ્યની સેવા વધુ સારી રીતે પૂરી પડાય, તબીબી સ્ટાફ સ્થળ પર જ રહેતો હોય અને લોકજાગૃતિ માટે વધુ મોટા પાયે ઝુંબેશ ચલાવાય તો જ આ વિસ્તારમાંથી બાળમૃત્યુનું પ્રમાણ ઘટી શકે તેમ છે.’

Related Posts
1 of 319

ખાસ તો રાપર તાલુકાની વાંઢોમાં રહેતા લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે. તેઓ ઘરે પ્રસૂતિ કરાવે છે. બાળકના જન્મ પછી તેને તરત જ કપડાં પહેરાવવાના બદલે પાતળાં કપડાંથી વીંટાળે છે, તેનું માથું પણ ખુલ્લું હોય છે. છ દિવસ પછી કપડાં પહેરાવે છે. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે તે ૩૭ ડિગ્રી તાપમાનમાં હોય છે, પરંતુ જન્મ્યા પછી તેના શરીરનું તાપમાન ઘટે છે. તેને જાળવવા માટે કપડાં પહેરાવવા ખૂબ જરૃરી હોય છે, પરંતુ અહીંના લોકો બાળકોને કપડાં પહેરાવતાં ન હોવાથી તેેને હવા લાગી જાય છે, બાળક ઠંડું પડી જાય છે અને હાઈપોથર્મિયા થાય છે. તેના કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણ પણ ઘટે છે. તેના પરિણામે રતવા થાય અને સારવાર ન મળે તો બાળકનું મોત થવાનો ભય રહે છે.

આવી જ માન્યતા માતાનાં ધાવણ બાબતે અહીંના લોકોની છે. તેઓ બાળક જન્મ્યા પછી તરત જ સ્તનપાન કરાવતાં નથી. તેમના મતે માતા જ્યાં સુધી પૂરતો ખોરાક ન લે ત્યાં સુધી ધાવણ આવે નહીં. સ્તનપાન પણ ૩-૪ દિવસ સુધી કરાવતાં નથી. આથી બાળકના જન્મ પછી આવતાં ધાવણમાં રહેલાં પોષક દ્રવ્યો અને રોગપ્રતિકારક શક્તિનાં દ્રવ્યો બાળકને મળતાં નથી. તેઓ બાળકને મધનું પાણી કે સાદું પાણી, ગાય-ભેંસ કે બકરીનું દૂધ, ચા કે કૉફી પણ આપે છે. તેમાં પોષક તત્ત્વો હોતાં નથી. આ ઉપરાંત પાણી કે દૂધ શુદ્ધ જ હોય તેની કોઈ ખાતરી હોતી નથી. તેઓ જે બાટલી કે ચમચીથી દૂધ બાળકને આપે છે તે પણ સ્વચ્છ જ હોય તેવું હોતું નથી. આના કારણે નબળા બાળકને ચેપ લાગે છે, ઝાડા કે રતવા જેવા રોગ થાય છે. અહીંના અનેક લોકો નવજાત શિશુને આપવાની બી.સી.જી, પોલિયો કે હિપેટાઇટીસ બીની રસી પણ તરત જ મુકાવતા નથી. અમુક લોકો મોડી મુકાવે છે તો અમુક તે મુકાવવામાં માનતા જ નથી. આ વિસ્તારમાં રસોઈ કરવા લાકડાંનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેમ જ અનેક લોકો ગાંડા બાવળમાંથી કોલસો બનાવવાનું કામ કરે છે. લાકડાંનો ધુમાડો નાના બાળકને શ્વસનતંત્રની બીમારીઓ આપે છે. ટી.બી., ન્યુમોનિયા જેવા રોગથી અનેક બાળકો પીડાય છે. આ વિસ્તારનાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ છે. મંદબુદ્ધિવાળા, ખોડખાંપણવાળા બાળકો પણ વધુ છે. આ અંગે જિલ્લા એપેડેમિક અધિકારી ડૉ. કુર્મી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં લોકો દવાખાનાના બદલે ઘરે જ પ્રસૂતિ કરાવતાં હોવાથી બાળકોનાં મૃત્યુ થાય જ છે, સાથે અનેક વખત માતાનું મોત પણ થાય છે. અનેક જગ્યાએ લોકો સરકારી અધિકારીને આવવા દેતા નથી કે મારવા દોડે છે. રસીકરણ માટે સમજાવવા ગયેલા લોકો સામે તલવાર લઈને લોકો સામે થયાના પણ દાખલા છે. સરકારી દવાખાનાઓમાં અપૂરતો સ્ટાફ છે. છતાં અમારા દ્વારા અમે પૂરી કોશિશ કરીએ છીએ કે બાળકોમાં રસીકરણ થાય, તેમને જરૃરિયાતના સમયે સારવાર મળે.’

આવી જ વાત કરતાં રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પોલ જણાવે છે, ‘આખા વિસ્તારમાં એક પણ બાળરોગ નિષ્ણાત નથી. ખાનગી પણ નહીં અને સરકારી પણ નહીં. અહીં એમ.બી.બી.એસ. ડૉક્ટરો પણ ખૂબ જ ઓછા છે. ૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી માત્ર બેમાં જ તબીબ છે, જ્યારે ૨ સી.એચ.સી.માં પણ એક જ એમ.બી.બી.એસ. તબીબ છે. ગુજરાતમાં દર એક હજાર બાળકોએ ૩૦ બાળકોનાં મોત થાય છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ૩૦ છે, જ્યારે આ વિસ્તારનો રેટ ૩૬થી ૪૦ જેટલો હોય છે.’

આમ કચ્છના સરહદી અને દુર્ગમ એવા વાગડ વિસ્તારમાં ગરીબ અને ઓછું ભણેલાં, અભણ માતા-પિતાની અંધશ્રદ્ધા, અપૂરતી આરોગ્યની સગવડોના કારણે અહીં બાળકોને આરોગ્યની સેવાઓ મળતી નથી. તેથી જ આ વિસ્તારની નવી પેઢીનાં અનેક બાળકો માંદલા અને ખોડખાંપણવાળા હોય છે. જો લોકજાગૃતિ નહીં આવે તો સ્થિતિમાં લાંબે ગાળે પણ ફરક પડવાની શક્યતા નથી.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »