તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રદેશ વિશેષઃ સોળ માસની રિયોનાએ આપ્યું ચારને જીવન

મેટ્રોનું કામ ચાલુ નહીં 'આલુ' છે

0 240
  • પ્રદેશ વિશેષ

મેટ્રોનું કામ ચાલુ નહીં ‘આલુ’ છે
પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા આવા સૂત્રો આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ. એટલુ જ નહીં, પણ આવાં સૂત્રો નેતાઓ અને ઘણીવાર અભિનેતાઓ પણ બોલતાં હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે તેની જગ્યાએ આલુ છે તેવું લખાઈ જાય તો સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે શું ખરેખર આવી રીતે ભારત આગળ આવશે. ભૂલ તો દરેક જણથી થાય, પરંતુ જ્યારે આવા મોટા પાયે કામ ચાલતંુ હોય અને રોજ અહીંથી પસાર થતાં લોકો તેને જોતાં હોય ત્યારે ભૂલ થવી ન જોઈએ અને થાય તો પણ તેને સુધારવાની તસ્દી તો લેવી જ જોઈએ. થોડા દિવસ પહેલાં વિશાલા સર્કલ પાસેથી પસાર થતી હતી. ત્યાં આગળ મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલે છે. જેના બોર્ડ પર લખાણ હતું કે, ‘૪૦૦ મીટર આગળ મેટ્રોનું કામ આલુ છે.’ પહેલા તો વાંચીને લાગ્યંુ મારાથી જ ભૂલ થઈ છે, પરંતુ બીજી વાર વાચ્યું ત્યારે લાગ્યું કે મારાથી નહીં, પણ લખનાર, લખાવનાર અને બોર્ડ બનાવનાર ત્રણેથી ભૂલ થઈ છે. સામાન્ય નાગરિકની જેમ ત્યાં હાજર કર્મચારીને પૂછ્યું કે, ભાઈ આ તો ભૂલમાં ચાલુની જગ્યાએ આલુ લખાઈ ગયું છે ત્યારે જવાબ મળ્યો, ‘તમને વાંચતા આવડે છે ને, તમે ચાલુ વાંચો. મગજ ના ખાશો આવું બધંુ તો થતું રહે.’ પ્રશ્ન એ થાય કે જો આવું બધું થતું રહેશે તો ઇન્ડિયા પઢેગા ભી કેસે ઔર આગે બઢેગા ભી કેસે..!
————————-.

સોળ માસની રિયોનાએ આપ્યું ચારને જીવન
માત્ર ૧૬ માસની ઉંમરે મૃત્યુ પામેલી પોતાની દીકરીનાં અંગોનું દાન કરીને ભચાઉમાં રહેતા પરિવારે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ ટંકારા તાલુકાના ઉમિયાનગરના પરંતુ ત્રણેક વર્ષથી કચ્છના ભચાઉમાં રહેતા મનોજભાઈ ઘેટિયા માટે રક્ષાબંધનનું પર્વ ગોઝારું સાબિત થયું હતું. આ પ્રસંગની વાત કરતાં રિયોનાના પિતા મનોજભાઈ ગળગળા સાદે કહે છે, ‘હું જિંદગીભર આ રક્ષાબંધનને ભૂલી નહીં શકું. મારે બે દીકરીઓ છે. મોટી ૭ વર્ષની અને નાની ૧૬ માસની. હું ઘરમાં બેઠો હતો. રિયોના સામે જ રમતી હતી. હજુ બે માસ પહેલાં જ તે ચાલતાં શીખી હતી. રમતાં-રમતાં તે અચાનક જ પડી ગઈ. માથામાં વાગ્યું, પરંતુ લોહી નીકળ્યું ન હતું. તેને ખેંચ આવવા લાગી તેથી તરત જ ભચાઉમાં ડૉક્ટર પાસે લઈ ગયા. તેમણે અમને ગાંધીધામ મોકલ્યા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ આવ્યા. ડૉક્ટરોએ તો તેને બચાવવા ઘણી મહેનત કરી, પરંતુ અમારી પરી જેવી દીકરી ઈશ્વરને પણ ખૂબ પસંદ આવી હશે તેથી જ તેને બ્રેઇન ડેડ જાહેર કરવી પડી. ડૉક્ટરોની સમજાવટ તથા તેના મામા અને કાકાઓની પ્રેરણાથી મેં અને તેની માતા બીનાબહેને તેનાં અંગોના દાનની મંજૂર આપી. અમારું ફૂલ તો કરમાયું પરંતુ બીજા માટે તેનાં અંગોથી નવજીવનનું પ્રભાત થાય તેવી ભાવના અમારી હતી.’ તેની બે આંખનું દાન રાજકોટ આઈ બેન્કને અને બે કિડનીઓનું દાન અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને અપાયું હતું, તેનું હૃદય અને લિવર બીજાને કામ આવી શકે તેવું હોવા છતાં તેની જરૃરિયાતવાળા કોઈ દર્દી ન મળતાં તેનું દાન થઈ ન શક્યું. ૧૬ માસની રિયોનાની પહેલાં રાજકોટની ગ્રેસી અલ્પેશ લાખાણી નામની એક વર્ષની બાળકીની કિડનીનું દાન પણ કરાયું હતું. આ રાજ્યની સૌથી નાની ઉંમરની અંગદાતા હતી અને હવે રિયોના રાજ્યની બીજી સૌથી નાની વયની અંગદાતા બની છે.
————————-.

Related Posts
1 of 142

શિક્ષકદિને મૂળ શિક્ષક એવા મંત્રી જ ભુલાયા
રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તા.પમીએ જિલ્લાના શ્રેષ્ડ શિક્ષકોનું સન્માન કરવાનો મુખ્ય સમારોહ શહેરના હેમુ ગઢવી હૉલ ખાતે યોજાયો હતો. આ સમારોહના નિમંત્રણ કાર્ડ કલેક્ટર અને ડીડીઓના નામથી છાપીને મહાનુભાવોને મોકલવામાં આવ્યા હતા. હવે બન્યું એવું કે નિમંત્રણ કાર્ડમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટના બે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું નામ લખ્યું હતું, પણ રાજકોટ જિલ્લાના અન્ય એક કેબિનેટ મંત્રી અને મૂળ શિક્ષક એવા કુંવરજી બાવળિયાનું નામ જ લખ્યું ન હતું. બાવળિયા શિક્ષક હોવા ઉપરાંત એક શાળા પણ ચલાવે છે. પ્રોટોકોલ મુજબ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ ન હતું. વસોયાએ આ મુદ્દે વાંધો લઈ ડીડીઓને ઉગ્ર રજૂઆત કરી કાર્યક્રમના બહિષ્કારની ચીમકી આપી હતી. આ મામલો કલેક્ટર સુધી પહોંચ્યો હતો. અંતે વિના વિઘ્ને શિક્ષકોનું સન્માન થઈ શકે તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચેે કાર્યક્રમ યોજવો પડ્યો હતો. શિક્ષકો – ગુરુઓનું માન જાળવવા ધારાસભ્યએ પણ વિરોધનો કાર્યક્રમ પડતો મૂકતા અંતે તંત્રએ રાહતનો દમ લીધો હતો. આમ કેટલીક વાર અધિકારીઓની ઉતાવળ ઉપાધિ નોતરતી હોય છે..!

————————-.

માહિતીઃ દેવેન્દ્ર જાની, સુચિતા બોઘાણી, હેતલ રાવ

Leave A Reply

Your email address will not be published.

Translate »