તમારા માટે, તમારી સાથે, સતત…

‘સુરત મુજ ઘાયલ ભૂમિ…’ સ્વ. ભગવતીકુમાર શર્માને શ્રદ્ધાંજલિ

ભગવતીકુમાર હરગોવિંદ શર્માનું તાજેતરમાં શિક્ષકદિન, તા.૫-૯-૨૦૧૮ના રોજ અવસાન થયું.

0 74

શ્રદ્ધાંજલિ – પરીક્ષિત જોશી

સુરત મુજ ઘાયલ ભૂમિ…

ગુજરાતી સાહિત્યનાં વિવિધ સાહિત્ય-સ્વરૃપો અને ગુજરાતી પત્રકારત્વમાં એકસમાન રીતે, ગુણવત્તાસભર વિપુલ ખેડાણ કરનારા આજીવન સુરતી એવા ભગવતીકુમાર હરગોવિંદ શર્માનું તાજેતરમાં શિક્ષકદિન, તા.૫-૯-૨૦૧૮ના રોજ અવસાન થયું.

૩૧-૫-૧૯૩૪ના રોજ સુરતમાં જન્મેલા અને આજીવન સુરતને ચાહનારા આ નખશિખ સુરતીએ જ્યારે આત્મકથા લખી ત્યારે એનું શીર્ષક પણ પસંદ કર્યું છે – સુરત મુજ ઘાયલભૂમિ. હજુ હમણાં જ આપણે ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઉજવણી જે પહેલી ગુજરાતી આત્મકથાના નિમિત્તે કરી એ, સુરતના પોતાના પ્રતાપી પૂર્વજ વીર કવિ નર્મદને અર્પણ કરેલી આ આત્મકથાને લેખક પોતે તો પોતાની શબ્દકથા અને નગરકથા તરીકે જ ઓળખાવે છે. કારણ, એમના જીવનમાં એ બેય બાબતો એકબીજામાં અત્યંત ઓતપ્રોત છે. શબ્દનો વ્યાસંગ અને સુરતમાં એમનો નિવાસ, એ સિવાય પોતાનું જીવન શૂન્યવત્ છે એમ કહેતાં લેખક ત્યાં સુધી કહે છે કે શબ્દ અને સુરતે જ મને ટકાવ્યો છે. બિલકુલ પૂર્વસૂરિ કવિ નર્મદ જેવી જ નિખાલસ કબૂલાત.

ભગવતીકુમાર મૂળ અમદાવાદના, પણ પાંચેક પેઢીથી શુદ્ધ સુરતી. માતા-પિતા વાચન-કળારસિક. નાનપણથી નબળી આંખને લીધે અભ્યાસ અટક્યો. ૧૯૫૦માં એસ.એસ.સી. પછી લાંબો સમય અભ્યાસથી દૂર રહ્યા. ફરી ૧૯૬૯માં અભ્યાસ શરૃ કર્યો અને ૪૦ વર્ષની વયે ગુજરાતી-અંગ્રેજી સાથે સ્નાતક થયા અને સમગ્ર યુનિવર્સિટીમાં અવ્વલ આવ્યા. બસ, પછી તો શારીરિક તકલીફો વચ્ચેય એમનો શબ્દ સાથેનો સંબંધ આજીવન ટક્યો.

Related Posts
1 of 90

-અજાતશત્રુ ભગવતીકુમારના ખાતામાં ૨૦૦૯માં વિના વિરોધે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાવાનું સૌભાગ્ય પણ નોંધાયેલું છે. ૧૯૪૮માં ગાંધીજીની હત્યાથી આઘાત પામેલા કવિ ભગવતીકુમારે પહેલી કવિતા લખી. પછી જીવનપર્યન્ત લેખનકાર્ય અવિરત ચાલતું જ રહ્યું. ૧૯૫૩માં પહેલી વાર્તા પતનની એક પળ લખાઈ અને સવિતા વાર્તામાસિકમાં પ્રગટ થઈ. ૧૯૫૬માં પહેલી નવલકથા આરતી અને અંગારા પ્રકાશિત થઈ. પછી તો એમની કલમ કવિતાથી શરૃ કરીને પ્રવાસકથા, આત્મકથા, વિવેચન, હાસ્યવ્યંગ, અનુવાદ, નાટ્યરૃપાંતર જેવા લગભગ સાહિત્યનાં તમામ સ્વરૃપોમાં સતત અને સત્ત્વશીલ સર્જન કરતી રહી.

એમના સ્વભાવની જેમ સાવ નિર્લેપતાથી નિર્લેપના ઉપનામે એમણે કેટલુંક સાહિત્યસર્જન કરેલું. સાહિત્ય-સ્વરૃપની દૃષ્ટિએ જોઈએ તો કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક પરંતુ વ્યવસાયે ગુજરાતમિત્ર દૈનિકના તંત્રી વિભાગ સાથે સંલગ્ન. સાહિત્ય અને પત્રકારત્વની એમની આ ઉભય ભૂમિકા બેય પક્ષે ઘણી ઉપકારક નીવડી એનું પ્રમાણ એમના બહુલ સર્જનમાંથી મળી રહે છે. શબ્દના સહવાસે એમને જ્ઞાનપીઠને બાદ કરીએ તો સાહિત્ય-જગતના લગભગ બધાં જ માનઅકરામથી વિભૂષિત થવાનું સૌભાગ્ય આપ્યું છે. છતાં એમની મોટી ઓળખ નવલકથાકારની. સમયદ્વીપ એ બ્રાહ્મણ નીલકંઠ અને એની અબ્રાહ્મણ પત્ની નીરા વચ્ચેના સંબંધને લીધે થતાં મૂલ્યસંઘર્ષની કથા છે. તો ઊર્ધ્વમૂલ ત્રણ ખંડ ઃ અશ્વ, સર્પ અને અશ્વસ્થ એમ ત્રણ ખંડમાં ૬૩૦ પાનાં પટ પર વિસ્તરેલી નાયિકા ક્ષમાની સ્મરણ-વેદનાકથા છે. ભારતીય સાહિત્ય અકાદમીના પારિતોષિક દ્વારા પોંખાયેલી એમની નવલકથા અસૂર્યલોક પ્રજ્ઞાચક્ષુ નાયકના સંબંધવિશ્વને બૃહદ્ સાંસ્કૃતિક ફલક ઉપર નિરૃપતી એમની યશદા કૃતિ છે. અસૂર્યલોક વિશે રઘુવીર ચૌધરી કહે છે કે એમાં લેખકે આંતર-બાહ્ય દ્વિવિધ સ્તરે કામ કર્યું છે અને જીવનધર્મને અનુસ્યૂત કર્યો છે. સામવેદી પિતાના પુત્ર શબ્દબ્રહ્મના માધ્યમથી શાન્ત વીરતાભરી તપસ્યાથી ધર્મનું નવું અર્થઘટન કરી આપણી સામાજિક પરિસ્થિતિમાં રહેલા અંધાપાને આંતરદૃષ્ટિ ચીંધે છે.

સાહિત્યસર્જનને ઉપકારક એવી એમની અખબાર સાથેની લાંબી કારકિર્દીનો ઉલ્લેખ કર્યા વિના ભગવતીકુમારના વ્યક્તિત્વનો ખરો ક્યાસ ન મળી શકે. છેક ૧૯૫૪માં ગુજરાતમિત્રમાં જોડાયા અને ૧૯૯૪માં સહાયક તંત્રી તરીકે નિવૃત્ત થયા પછી પણ કાર્યપ્રવૃત્ત રહ્યા. એમની જાહેરજીવન સાથેની, સમાજજીવન સાથેની આ અખબારી નિસ્બતે એમને ગુજરાત રત્ન પુરસ્કાર, યજ્ઞેશ શુક્લ સન્માન, પત્રકાર સંઘ સન્માન સહિત સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના નોંધનીય પારિતોષિક-પુરસ્કારના હકદાર બનાવ્યા. સુરતની નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એમને સાહિત્ય અને પત્રકારત્વમાં એમના ઉત્કૃષ્ઠ યોગદાનને લીધે માનદ્ ડૉક્ટર ઓફ લેટર્સ-ડી.લિટ્.થી  નવાજ્યા.

તેમની સાહિત્યસંપદામાં નવલકથાઓમાં આરતી અને અંગારાથી શરૃ કરીને નિર્વિકલ્પ સુધીની ૧૩ નવલકથાઓ, અન્ય ભાષામાં અનુદિત ૩, અસૂર્યલોક, સમયદ્વીપ અને નિર્વિકલ્પ નવલકથાઓ. નવલિકાસંગ્રહોમાં દીપ સે દીપ જલેથી શરૃ કરીને અકથ્ય સુધીના ૧૦ વાર્તાસંગ્રહો, જેમાંથી દ્વાર નહીં ખૂલે, ભારતીય જ્ઞાનપીઠ દ્વારા હિન્દીમાં અનુદિત વાર્તાસંગ્રહ. નિબંધસંગ્રહોમાં, શબ્દાતીતથી એક ડાળખીના બે પાન સુધીના ૯ સંગ્રહો, કાવ્યસંગ્રહોમાં સંભવથી માંડીને એ ક્ષણો ગઝલની છે સુધીના ૧૫ કાવ્યસંગ્રહો, જેમાં કવિતાનો માણેકસ્તંભ, સમગ્ર કવિતા એમ કુલ મળીને ૭૮ પુસ્તકો મળે છે.

આજીવન સાહિત્ય અને પત્રકારત્વના માધ્યમથી શબ્દસેવા સાથે સંકળાયેલા ભગવતીકુમાર સાચા અર્થમાં નર્મદના ખરા વારસદાર છે. એટલેસ્તો, એમની આત્મકથાનું શીર્ષક એમના શબ્દજીવન-નગરજીવનનો એક જીવતોજાગતો દાખલો છે. પોતાની અશક્તિઓને જ પોતાની શક્તિ બનાવીને સમાજ, સાહિત્ય, સુરત અને પત્રકારત્વને સમૃદ્ધ કરનારા ભગવતીકુમાર શર્માને વંદન.

———————

Leave A Reply

Your email address will not be published.

Translate »