તમારા માટે, તમારી સાથે, સતત…

શિક્ષણ ક્ષેત્રે અઢળક વિકલ્પો છે

નોકરીની કોઈ જ કમી નથી

0 155
  •  હેતલ રાવ

શિક્ષણનું સ્તર ઊંચંુ આવે તે માટે એવા શિક્ષકોની જરૃર છે જે માત્ર ભણાવવામાં જ નહીં, પણ બદલાતા સમય સાથે પોતાની જાતને પણ આધુનિક રિવાજોમાં ઢાળી શકે. એટલે કે આજના યુગ પ્રમાણે બાળકોને અભ્યાસ કરાવી શકે અને આવા યુવાનો માટે શૈક્ષણિક ક્ષેત્રે વિકલ્પો રહેલા છે.

વિકસતા સમયમાં ટૅક્નિકલ શિક્ષણ કાર્યમાં ઇ-લર્નિંગ મોડલ અને ઓનલાઇન વેબ ટીચિંગના નવા વિકલ્પો દરવાજા ખટખટાવી રહ્યા છે. હાઈપર એક્ટિવ પેઢીને અભ્યાસ કરાવવા માટે શિક્ષકોએ પણ તેમના વિચારો સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું પડે છે. અભ્યાસની સાથે જોડાયેલા કોર્સ અને પાઠ્યક્રમને વધુ સારા બનાવવાની કવાયત પણ હાથ ધરાઈ છે. આવનારા સમયમાં સરકાર ઇન્ટીગ્રેડ બી.એડ્, કોર્સ લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં શિક્ષણમાં રસ દાખવનાર યુવાનો ૧૨ ધોરણ પછી જ ઍડ્મિશન લઈ શકે છે.

રોજગારના અનેક વિકલ્પો
અભ્યાસના કાર્યમાં નોકરીની કોઈ જ કમી નથી. સૌથી વધારે આ ક્ષેત્રમાં જ નોકરી રહેલી છે. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં શિક્ષકોની અછત રહેલી છે. નવેમ્બર ૨૦૧૭ની આંકડાકીય માહિતી પ્રમાણે દેશભરમાં ૧૧૮૩ કેન્દ્રીય વિદ્યાલયોમાં ૭૦૦૦ શિક્ષકોની અછત છે. જેમાં સરકારી શાળામાં સંખ્યા સૌથી વધુ છે. આવનારા સમયમાં યોગ્ય શિક્ષકોને સારી તક મળી રહેશે. અભ્યાસ કરાવવાની રીત જે રીતે બદલાઈ રહી છે તે જોતા પ્રાઇવેટ શાળાઓમાં પણ સારી તક મળી રહે છે.

ટીચિંગમાં આવવાનો માર્ગ
અધ્યાપનમાં કારકિર્દી બનાવવા માટે ઉમેદવારે પહેલા નિર્ણય લેવો જોઈએ કે તે શાળામાં પ્રાથમિક, માધ્યમિક, કે ઉચ્ચ માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માગે છે કે પછી તેની રુચિ સ્નાતક વિદ્યાર્થીઓમાં છે. આના આધારે જ વિદ્યાર્થીએ કોર્સ કરવા જોઈએ.

બીટીસી (બેઝિક ટ્રેનિંગ સર્ટિફિકેટ)
બીટીસીનો કોર્સ માત્ર ઉત્તર પ્રદેશના ઉમેદવારો માટે જ છે. આ બે વર્ષનો કોર્સ છે અને જેના માટે પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ કાઉન્સિલિંગ કરાવવામાં આવે છે. પરીક્ષામાં બેસવા માટે સ્નાતક હોવું જરૃરી છે અને ૧૮થી ૩૦ વર્ષના યુવાનો જ પરીક્ષામાં બેસી શકે છે. આ પરીક્ષા પાસ કર્યા પછી પ્રાઈમરી અને અપરપ્રાઈમરી વિભાગમાં શિક્ષક બનવાની યોગ્યતા મળે છે.

બી.એડ્. (બેચલર ઈન એજ્યુકેશન)
કરિયર બનાવવા માટે આ સૌથી વધુ જાણીતો કોર્સ છે જે સ્નાતક થયા પછી થાય છે. તેમાં પણ ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે ગ્રેજ્યુએટ હોવું જરૃરી છે. પહેલા આ કોર્સ એક વર્ષનો હતો જે ૨૦૧૫થી બે વર્ષનો થઈ ગયો છે. રાજ્ય લેવલે દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. આ ઉપરાંત ઈગ્નુ, કાશી વિદ્યાપીઠ, બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય, દિલ્હી વિદ્યાલાયના અભ્યાસક્રમને વધુ સારા ગણવામાં આવે છે. બી.એડ્.ની ડિગ્રી ઉમેદવારને શાળામાં શિક્ષક, કૉલેજમાં લેક્ચરલ અને સેનામાં પ્રશિક્ષક બનવાના વિકલ્પો આપે છે.

ડી.એડ્.(ડિપ્લોમા ઈન એજ્યુકેશન)
આ બે વર્ષનો કોર્સ મધ્યપ્રદેશ અને બિહારમાં પ્રાઈમરી શિક્ષક બનવા માટે કરવામાં આવે છે. ૧૨ ધોરણના આધારે આ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે.

એનટીટી (નર્સરી ટીચર ટ્રેનિંગ)
આ બે વર્ષનો કોર્સ છે જેમાં બારમા ધોરણના આધારે અથવા તો પ્રવેશ પરીક્ષાના આધારે ઍડ્મિશન આપવામાં આવે છે. આ કોર્સ કર્યા પછી ઉમેદવાર પ્રાઈમરી ટીચર બનવા માટે ક્વૉલિફાઈડ બની જાય છે.

બી.પી.એડ્.(બેચલર ઈન ફિઝિકલ એજ્યુકેશન)
વિદ્યાર્થીઓની ફિઝિકલ ફિટનેસને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવે છે. જેના માટે શિક્ષકોની જરૃર પડે છે. પ્રાઈવેટ અને સરકારી બંને જગ્યાએ ફિઝિકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જેની માટે બે પ્રકારના કોર્સ હોય છે. ફિઝિકલ વિષય સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ એક વર્ષનો બી.પી.એડ્,નો કોર્સ કરી શકે છે. જ્યારે ૧૨ ધોરણમાં ફિઝિકલ વિષયનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ત્રણ વર્ષનો કોર્સ કરવો પડે છે.

જેબીટી(જુનિયર બેઝિક ટ્રેનિંગ)
આ કોર્સ માટે ૧૨ ધોરણ પાસ હોવું જરૃરી છે. જેમાં મેરિટના આધારે તો ઘણી જગ્યાએ પરીક્ષાના બેઝ પર પ્રવેશ મળે છે. આ કોર્સ કર્યા પછી પ્રાઈમરી ટીચર બનવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે.

Related Posts
1 of 319

આ પરીક્ષા પાસ કરવી જરૃરી
સ્ટડી સાથે જોડાયેલા કોર્સ પછી એવી પરીક્ષાઓ હોય છે જે પાસ કરવી જરૃરી હોય છે. ખાસ કરીને સરકારી નોકરી કરવાની ઇચ્છા હોય તો આ પરીક્ષાઓ પાસ કરવી જ પડે છે.

ટીઈટી (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ)
દેશનાં ઘણા રાજ્યોમાં બી.એડ્. અને ટી.એડ્. કરનારે આ પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા પાસ કર્યા પછી સરકાર પાંચ, સાત વર્ષ માટે એક સર્ટિફિકેટ આપે છે. જેના આધારે ઉમેદવાર શિક્ષકની ભરતીમાં અરજી કરી શકે છે.

સીટીઈટી(સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ)
કેન્દ્રીય વિદ્યાલય, રાજધાની ક્ષેત્ર દિલ્હીની શાળાઓ, તિબ્બતી શાળાઓ અને નવોદય વિદ્યાલયમાં શિક્ષક બનવા માટે આ પરીક્ષા પાસ કરવી જરૃરી છે. આ પરીક્ષાનું આયોજન સીબીએસઈ કરે છે. આ પરીક્ષા ગ્રેજ્યુએટ અને બી.એડ્.ની ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ જ આપી શકે છે. પરીક્ષામાં વિદ્યાર્થીએ ૬૦ ટકા લાવવા જરૃરી છે. પાસ થયા પછી વિદ્યાર્થીને સર્ટિ. આપવામાં આવે છે જે સાત વર્ષ સુધી માન્ય રહે છે.

ટીજીટી અને પીજીટી
આ પરીક્ષાનું આયોજન રાજ્ય સ્તર પર કરવામાં આવે છે. મુખ્યરૃપે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પરીક્ષા મહત્ત્વની છે. ટીજીટી(ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર) માટે ગ્રેજ્યુએટ અને બી.એડ્. હોવું જરૃરી છે. જે ૬થી લઈને ૧૦મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. પીજીટી(પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ) માટે બી.એડ્. અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી જરૃરી છે. આ શિક્ષકો સિનિયર સેકન્ડરી અને સેકન્ડરી વિદ્યાર્થીઓને ભણાવી શકે છે.

યુજીસી (નેટ)
કૉલેજમાં લેક્ચરલ બનવા માટે આ પરીક્ષામાં પાસ થવું ખૂબ જ જરૃરી છે.  વર્ષમાં બે વાર લેવામાં આવતી આ પરીક્ષામાં પોસ્ટ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવાર પરીક્ષા આપી શકે છે.

પડકારો
સામાન્ય રીતે તો કોઈ પણ સ્તર પર અભ્યાસ કરાવવો તે એક પડકાર જ છે, પરંતુ ખાસ કરીને પ્રાઈમરીનાં બાળકોને અભ્યાસ કરાવવો તે એક મોટો પડકાર ગણાય છે. આ શિક્ષકોને ઘણી મહેનત કરવી પડે છે. સૌથી વધારે આવડત ધરાવતાં શિક્ષકોની જરૃરિયાત આ ધોરણમાં રહેલી છે.

કુશળતા
શિક્ષકો પર બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત કરવાની જવાબદારી હોય છે. જરૃરી છે કે દરેક બાળકની આવડતને શિક્ષક ઓળખે. આ માટે મનોવિજ્ઞાનને પણ અભ્યાસક્રમમાં સમાવવામાં આવે છે. જેના કારણે મનોવિજ્ઞાન પર પણ ધ્યાન આપી શકાય. એક શિક્ષક તરીકે હંમેશાં સરળ હોવું જરૃરી છે. સાથે જ સમય પ્રમાણે સખત હોવું પણ એટલું જ આવશ્યક છે. શિક્ષકોએ ભણાવવાની નવી-નવી રીતોને અપનાવવી જોઈએ.

શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા
સરકારી રિપોર્ટ પ્રમાણે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ૯,૦૭,૫૮૫ જેટલી જ્ગ્યા ખાલી છે. જ્યારે માધ્યમિક શાળાઓમાં ૧,૦૬.૯૦૬ જગ્યા ખાલી છે. તો વળી ૬૫ ટકા સ્પેશિયલ એજ્યુકેટર્સના હોદ્દા પર હોદ્દેદારોની જગ્યા ખાલી છે.

કોર્સ અહીં કરી શકાય
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય (ઇગ્નુ) નવી દિલ્હી, ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી નવી દિલ્હી, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન નવી દિલ્હી, બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ) વારાસણી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એએમયુ) અલીગઢ, એમિટી યુનિવર્સિટી, ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલય, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઓફ એજ્યુકેશન, પટના.

ઓનલાઇન ટીચિંગના વિકલ્પો
ટૅક્નિકલી ઈ-લર્નિંગ મોડલન અને ઓનલાઇન વેબ અભ્યાસક્રમને નવા વિકલ્પ આપ્યા છે. યોગ્ય ઉમેદવાર પોતાના યુ-ટ્યૂબ ચેનલથી કામ શરૃ કરી શકે છે. ઓનલાઇન અનેક તક રહેલી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશાળ મેદાન શિક્ષકો માટે બની રહ્યું છે.

એ ધારણા ખોટી છે તે બી.એડ્. કે એમ.એડ્. કરીને શિક્ષક જ બની શકાય. આ કોર્સ પછી એમ.ફિલ કે પીએચ.ડી. પણ કરી શકાય છે. આ ક્ષેત્રમાં અનુભવી સુપરવાઈઝર, ઇન્ચાર્જ, ઉપ-પ્રિન્સિપાલ, પ્રધાનાચાર્ય, નિરીક્ષક, અધિકારી, ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઓફિસર, ડેવલપમેન્ટ ઓફિસર, એજ્યુકેશન ચીફ ઓફિસર, પ્રબંધક કાઉન્સેલર તરીકે પણ કામ કરી શકાય છે.  સરકારી નોકરી ન મળે તો પણ પ્રાઇવેટ શાળા અને કૉલેજના દરવાજા હંમેશાં તમારા માટે ખુલ્લા રહે છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »