તમારા માટે, તમારી સાથે, સતત…

સદા સર્વદા રાષ્ટ્રહિતને સમર્પિત

મને એવું લાગ્યું હતું કે જાણે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે

0 231

કવર સ્ટોરીતરુણ દત્તાણી

નિયતિને ટાળી શકાતી નથી. અટલબિહારી વાજપેયી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. એ જીવિત હતા ત્યાં સુધી ભાજપના લોકો એમ માનતા કે વાજપેયી અમારા નેતા છે, સંઘ પરિવારના સ્વયંસેવકો ગૌરવ લેતા કે વાજપેયી સંઘના સ્વયંસેવક છે. આજે હવે તેમના દેહાવસાન પછી એવું અનુભવાય છે કે પ્રત્યેક દેશવાસીના પોતાના અટલજી છે. સૌની જબાન પર વાજપેયીના વ્યક્તિત્વનું કોઈ ને કોઈ સ્વરૃપ પ્રગટી રહ્યું છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવનાર વાજપેયીને તેમના જીવનકાળ દરમિયાન જાહેરજીવનના અગ્રણીઓ અને મીડિયાના દિગ્ગજો દ્વારા પોતપોતાની રીતે મૂલવવાના પ્રયાસ થતા રહ્યા. એ બધા પ્રયાસ આખરે તો આંશિક હકીકત જ પ્રગટ કરતા હતા. વાજપેયીને તેમની સમગ્રતામાં મૂલવવાના કોઈ એકલ-દોકલ વ્યક્તિના પ્રયાસ સફળ થઈ શકે નહીં. તેમના વ્યક્તિત્વનો વ્યાપ અને ઊંચાઈ એટલાં અમાપ અને અગાધ હતાં અને એટલે જ ‘ખરાબ પાર્ટીમાં સારો માણસ’ હોવાની ટિપ્પણી પણ તેમણે સહન કરી નહીં. તેનો એવો જ જવાબ આપ્યો. વાજપેયીના ગુણાનુરાગ કરતી વખતે જે સંગઠનમાં તેઓ શિક્ષિત અને દીક્ષિત થયા તેની ટીકાને તેઓ સાંખી શકતા ન હતા.

વાજપેયી ઉદાર અને નિખાલસ હતા. તેમના વ્યક્તિત્વનું એ એક વિશિષ્ટ પાસું હતું, પરંતુ માત્ર વાજપેયી જ નહીં તો જનસંઘ – ભાજપ અને સંઘ પરિવારમાં અસંખ્ય ઉદાર ચરિત લોકો છે. આખરે તો એ બાબત સ્વભાવ અને વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. અન્યથા હિન્દુત્વનો વિચાર જીવનભર પથદર્શક રહ્યો એ વાત ભૂલવા જેવી નથી. ‘હિન્દુ તન-મન, હિન્દુ જીવન, રગ-રગ હિન્દુ મેરા પરિચય’ એ સમગ્ર કવિતાનું પઠન અને મનન કરવા જેવું છે. આખરે તો એ જ વિચાર સંઘની વિચારધારાનો છે. જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય કર્યા પછી જ્યારે જનસંઘના લોકો વહેલા-મોડા પાર્ટી પર કબજો કરી લેશે એવી દહેશતના આધારે માત્ર મુઠ્ઠીભર નેતાઓના જોરે પક્ષ ચલાવનારાઓએ જનસંઘના લોકોને આરએસએસ સાથેના સંબંધો તોડી નાખવા કહ્યું ત્યારે એ વખતની જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં વાજપેયી ઊકળી ઊઠ્યા હતા અને સ્પષ્ટ કહી દીધું હતું કે, ‘અમે જનતા પાર્ટીમાં માત્ર ત્રણ વર્ષ પહેલાં આવ્યા છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનો અમારો સંબંધ નાનપણથી છે અને તમે ઇચ્છો છો કે અમે સંઘ સાથેનો સંબંધ કાપી નાખીએ ! તમને ખબર છે કે તમે શું કહી રહ્યા છો?’ સંઘ અને તેના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથેનું તેમનું સમર્પણ હંમેશ અતૂટ રહ્યું.

વાજપેયીની વક્તૃત્વ કળા પર તો સૌ કોઈ આફરીન હતા. તેમના અભિન્ન મિત્ર એન. એમ. ઘટાટેએ નોંધ્યું છે કે સંસદમાં તેઓ ચૂંટાયા ત્યારે ત્યાં પણ તેમની વક્તૃત્વ શૈલીએ ધૂમ મચાવી. એક વખત લોકસભાના તત્કાલીન અધ્યક્ષ આયંગરને ઘટાટેએ પૂછ્યું કે, લોકસભામાં સર્વશ્રેષ્ઠ વક્તા કોણ છે? તેમણે તુરંત કહેલું – હિન્દીમાં અટલબિહારી વાજપેયી અને અંગ્રેજીમાં હીરેન મુખરજી. ઘટાટેએ આ વાત અટલજીને જણાવી તો તેમણે કહ્યું કે વાસ્તવમાં તેઓ (અધ્યક્ષ) બહાર તો મારી પ્રશંસા કરે છે, પરંતુ ગૃહમાં બોલવાની તક જ આપતા નથી અને હું હંમેશ ધ્યાન આકર્ષિત કરવા માટે વૉક-આઉટનો માર્ગ અપનાવું છું. તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ રાજનેતાઓને સંસદમાં તેમણે આપેલી શ્રદ્ધાંજલિઓ પણ અદ્ભુત છે. તેમાં યે ખાસ કરીને જવાહરલાલ નહેરુને આપેલી શ્રદ્ધાંજલિ એક કવિતા સમાન જ છે. તેમને જ્યારે આ વાત જણાવવામાં આવી ત્યારે વાજપેયીએ કહ્યું કે હું આશા રાખું કે કોઈ મને પણ આવી જ કાવ્યાત્મક રીતે શ્રદ્ધાંજલિ આપશે.

૧૯૬૭માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રુપના કેટલાક લોકો વાજપેયીને મળવા આવ્યા અને કહ્યું કે અમે તમારા જીવન વિશે એક ન્યૂઝ સ્ટોરી બનાવવા ઇચ્છીએ છીએ તો આપના સહયોગની અપેક્ષા છે. ત્યારે વાજપેયીએ મક્કમતા સાથે કહ્યું કે સ્ટોરી જ કરવી હોય તો પંડિત દીનદયાલજી પાસે જાવ, તેમના ચરણોમાં બેસીને જ અમે થોડું ઘણુ શીખ્યા છીએ. વિરોધપક્ષે બેસીને વર્ષો સુધી રાજકીય સંઘર્ષ રૃપે તપસ્યા કર્યા પછી જ્યારે પહેલીવાર વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે દેશમાં સંઘના અસંખ્ય સ્વયંસેવકોની આંખમાં હર્ષનાં આંસુ છલકાયા હતા. આપણા અટલજી આખરે વડાપ્રધાન બન્યા. એ સમયનો એક પ્રસંગ ગોવાના વર્તમાન રાજ્યપાલ મૃદુલા સિંહાએ વર્ણવ્યો છે. તેમણે લખ્યું છે કે વાજપેયીએ વડાપ્રધાનપદના શપથગ્રહણ કર્યા પછી એક મહિલાએ તેમને બિહારથી પત્ર લખીને જણાવ્યું કે દૂરદર્શન પર અટલજીને શપથ ગ્રહણ કરતા જોઈ રહી હતી. મને એવું લાગ્યું હતું કે જાણે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે અને હું કૌશલ્યા છું. એ શિક્ષિત મહિલા એક કૉલેજમાં અધ્યાપિકા છે. પાંત્રીસ વર્ષની મહિલાને ૭૨ વર્ષના વાજપેયી પુત્રવત્ દેખાય છે. શું કારણ હોઈ શકે ? મૃદુલા સિંહા નોંધે છે કે જો એ મહિલાની અનુભૂતિને સત્ય માનીને ચાલીએ તો એ માત્ર તેમની એકની અનુભૂતિ નથી, હજારો ભારતીય મહિલાઓની એવી જ અનુભૂતિ રહી હશે.

Related Posts
1 of 319

એકમતે વાજપેયીની એ પ્રથમ સરકાર માત્ર તેર દિવસ પછી તૂટી પડી ત્યારે વાજપેયીના મતવિસ્તાર લખનૌમાં હજારો પરિવારોમાં રાત્રે રસોઈ બની ન હતી. એ દિવસે અસંખ્ય લોકો રડ્યા હતા. એ વડાપ્રધાન વાજપેયી પ્રત્યેની લાગણી ન હતી, એ પોતાના અટલજી પ્રત્યેનો સ્નેહ હતો. આ બાબતનો ઉલ્લેખ કરતાં યાદવરાવ દેશમુખે તેમનાં સંસ્મરણોમાં કહ્યું છે કે, એ સાંજે કાશી નાગરી પ્રચારિણી સભામાં એક કોંગ્રેસી નેતાએ કહ્યું કે, આ બહુ ખોટું થયું છે. એ નેતાએ ત્યારે કહેલું કે હું ખાતરીપૂર્વક કહું છું કે એ દિવસે ગૃહમાં કોંગ્રેસીઓએ ભલે વિરોધમાં હાથ ઊંચા કર્યા હોય, પરંતુ મોટા ભાગના કોંગ્રેસીઓ માતમ મનાવતા હશે. રાષ્ટ્રધર્મ માસિકના સંપાદક વચનેશ ત્રિપાઠી તેમની સાથેના કાર્યકાળને યાદ કરતા પત્રકાર વાજપેયીની વાત કરે છે. વાજપેયીએ રાષ્ટ્રધર્મ ઉપરાંત સાપ્તાહિક પાંચજન્ય અને દૈનિક ‘સ્વદેશ’નું તંત્રીપદ સંભાળ્યું હતું. મિશનરી પત્રકારત્વનું આદર્શ ઉદાહરણ વાજપેયી હતા. જેવી ઓજસ્વી વાણી, એવી જ તેમની કલમ હતી.

ગુજરાતના પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીનો એક સમયે રાજકારણમાં પણ ભારે દબદબો હતો. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તેમનાં પત્ની લીલાવતી મુનશીને મળવા માટે વાજપેયી અને વચનેશ ત્રિપાઠી લખનૌના રાજભવનમાં પહોંચી ગયા હતા. લગભગ દોઢ કલાક સુધી તેમની સાથે સાહિત્ય વિશે ચર્ચા કરી એ દરમિયાન લીલાવતીને તેમના લેખન કાર્ય વિશે પૂછ્યું ત્યારે તેમણે કહેલું કે, મારું એક સ્વપ્નલોક હતું, એ લગ્ન પછી તૂટી ગયું. મતલબ, લગ્ન પછી લખવાનું બંધ થઈ ગયું હતું. વાજપેયી-ત્રિપાઠીએ લીલાવતીજીને પૂછ્યું હતું કે આજકાલ તમે શું લખો છો? તેના જવાબમાં તેમણે સ્વપ્નલોકના ભંગની વાત જણાવી હતી. એ વખતે આ બંને પત્રકારોને એવું લાગ્યું હતું કે આ જવાબ માત્ર લીલાવતી મુનશી માટે જ નહીં, દેશની અનેક પ્રતિભાસંપન્ન મહિલાઓના કિસ્સામાં આવું બને છે. અલબત્ત, આજે સામાજિક પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે, એ સ્વીકારવું જોઈએ.

માત્ર વાજપેયીની સરકાર જ નહીં તો દેશની અનેક સરકારો પર અમેરિકાના દબાણને વશ થઈને કેટલાક નિર્ણયો લેવાયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. એવા તમામ આક્ષેપોમાં તથ્ય હોવાની વાત માની શકાય તેવી નથી. પત્રકાર દીનાનાથ મિશ્રએ કારગિલ યુદ્ધ વખતની એક ઘટનાનું સ્મરણ કર્યું છે, તેમના કહેવા પ્રમાણે એ વખતે તેઓ બિહારના ગયા જિલ્લામાં ટિકરી નામના સ્થળે હતા. એકાદ ડઝન લોકો બેઠા હતા. તેમાં ભાજપના સમર્થકો અને વિરોધીઓ પણ હતા, પરંતુ એ બધા રાજકીય રીતે જાગૃત લોકો હતા. બે દિવસ પહેલાં જ અમેરિકાના પ્રમુખ બિલ ક્લીન્ટને વડાપ્રધાન વાજપેયીને તત્કાલ વૉશિંગ્ટન આવવાનો આગ્રહ કર્યો હતો. ક્લીન્ટન કારગિલ યુદ્ધ અંગે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળી ચૂક્યા હતા. નવાઝ શરીફ ચીનથી પાછા ફરીને અને ટાઇગર હિલ્સ પર પાકિસ્તાની સૈન્યના નિર્ણાયક પરાજય પછી અમેરિકાના શરણે ગયા હતા. આ પશ્ચાદભૂમિકામાં ક્લીન્ટને વાજપેયીને અમેરિકા બોલાવ્યા હતા. વાજપેયીએ સખ્તાઈુપૂર્વક એ નિમંત્રણ ઠુકરાવી દીધું હતું. ટિકરીની એ બેઠકમાં વિરોધીઓએ પણ વાજપેયીના એ હિંમતભર્યા નિર્ણયની પ્રશંસા કરી હતી. અમેરિકાનો ઇરાદો એ વખતે વાજપેયી સાથે ચર્ચા કરીને કાશ્મીરમાં અવિધિસર રીતે મધ્યસ્થીની ભૂમિકા તરફ આગળ વધવાનો હતો. વાજપેયીએ એ ઇરાદો નિષ્ફળ બનાવ્યો.

વાજપેયીએ પક્ષ અને સંગઠન કરતાં દેશ અને રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપવાના સંઘ-સંસ્કારને રાજકારણમાં પણ અમલમાં મૂકી બતાવ્યું હતું. ઘટના છે મોરારજી દેસાઈની સરકારના પતન સમયની. દેસાઈની જનતા સરકારના આખરી શ્વાસ ગણાતા હતા. એ સરકારને બચાવવા માટે એ સમયે વિદેશપ્રધાન રહેલા વાજપેયીએ એક સાહસિક નિર્ણય લીધો હતો. એ વિશે આજ સુધી કોઈ જાણતું નથી. વાજપેયીએ મોરારજી દેસાઈ સાથે ચર્ચા કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યશવંતરાવ ચવાણના નિવાસ પર જઈને તેમને અનુરોધ કર્યો કે જો તેમને જનસંઘના લોકો સામે વાંધો હોય તો જનસંઘના પ્રધાનો મોરારજી સરકારમાંથી રાજીનામા આપીને સરકારને બહારથી ટેકો આપશે, પરંતુ તમે (ચવાણ) સરકારમાં સામેલ થઈ જાવ તો સરકાર બચી જાય. ચવાણે વાજપેયીની આ વાત પણ સ્વીકારી નહીં અને જનતા સરકાર પદભ્રષ્ટ થઈ હતી. આ ઘટના સ્વયં વાજપેયીએ પત્રકાર એન.બી. લેલેને જણાવી હતી અને કહ્યું હતું કે દેશનું દુર્ભાગ્ય કે ચવાણ માન્યા નહીં.

જીવનભર રાષ્ટ્રહિતને સમર્પિત વાજપેયી હવે આપણી વચ્ચે નથી. એમનું જીવન રાષ્ટ્રહિતમાં પ્રવૃત્ત રહેવા આપણને દેશવાસીઓને પ્રેરણા આપતું રહેશે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »