તમારા માટે, તમારી સાથે, સતત…

કશિશને ફોન કરવાનો નિર્ણય કરી કૌશલ ફસકી પડ્યો

હાલ મિસિસ કશિશ નાણાવટીની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે

0 375

નવલકથા પ્રકરણ – ૨૦ – કામિની સંઘવી

કશિશનો જવાબ સાંભળી અતુલભાઈ નાણાવટીએ ફોન મુકી દેવાનું મુનાસિબ માન્યું. કશિશ હવે નોર્મલ થઈ ગઈ છે તે જાણી ધ્યેયને રાહત થઈ. ધ્યેયે તેને જોબના બદલે કૉફી હાઉસ ચલાવવાની સલાહ આપી, પરંતુ કૌશલે પૈસાનું રોકાણ કરેલું હોવાથી કશિશને આ આઇડિયા પસંદ ન આવ્યો. નાણાવટી પરિવારની ઓળખમાંથી બહાર આવી પોતાની નવી ઓળખ ઊભી કરવા માગતી હોવાનું કશિશે તેને જણાવ્યું. આ દરમિયાન કશિશને પણ ખુદનું જ કૉફી હાઉસ ખોલવાનો વિચાર આવ્યો. ધ્યેયે તેને સમર્થન આપ્યું. કૉલેજ પાસે એક મૉલમાં ભાડે જગ્યા લઈ કશિશે કામગીરી શરૃ કરી દીધી. સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખી મેન્યુના રેટ નક્કી કર્યા અને કૉફી હાઉસનું ‘મેરાકી’ એવું નામ નક્કી કર્યું. કૉફી હાઉસના ઉદ્ઘાટનમાં શ્વસુર અને પિયરપક્ષમાં કાડ્ર્સ મોકલ્યાં, પણ કોઈ ન આવ્યું. આ તરફ કશિશે મોકલાવેલું કાર્ડ જોઈ કૌશલ વિચારમાં પડ્યો. કશિશે તેનું મનગમતું કામ પસંદ કર્યું છે તેમ વિચારી બેડરૃમમાં લગાવેલા કશિશના ફોટોગ્રાફ્સ જોતો રહ્યો. કશિશને ફોન કરવાનું મન થઈ આવ્યું, પરંતુ તે અટકી ગયો. એક તરફ કશિશની યાદ સતાવતી હતી બીજી બાજુ તેને પુરુષનો અહમ્ અટકાવતો હતો. આ કશ્મકશમાં કશિશને ફોન કે મેસેજ કરશે તેવો નિર્ણય કરી સૂવાનો પ્રયત્ન કરી જોયો, પણ તેને ઊંઘ ન આવી. બીજા દિવસે અતુલભાઈ નાણાવટીએ ફોન કરી કૌશલને ફરી ખખડાવ્યો. કશિશે કૉફી હાઉસ શરૃ કર્યું હતું તે તેમને પસંદ આવ્યું ન હતું, પરંતુ આ વખતે કૌશલે કશિશનો બચાવ કર્યાે. દીકરા-વહુને અલગ રહેવાની મંજૂરી આપીને પોતે ભૂલ કર્યાનો અતુલભાઈને પહેલીવાર અહેસાસ થયો. માતા-પિતાએ પોતાના લીધે કેટલું સહન કરવું પડે છે તેમ વિચારી કૌશલે કશિશનો સંપર્ક કરવાનો નિર્ણય માંડી વાળ્યો. ફરી પુરુષ તરીકેનો અહમ્ તેના પર હાવી થયો અને પ્રેમની હાર થઈ.   હવે આગળ વાંચો…

 

‘આજે એક પણ ગ્રાહક ન આવ્યો.’

‘કશિશની ચિંતાતુર નજર કૉફી હાઉસના એન્ટ્રન્સ પર ફરી વળી. કૉફી હાઉસના ઉદ્ઘાટનના બીજા દિવસે સવારે નવ વાગે કૉફી હાઉસ ખોલ્યું હતું, પણ બપોરનો એક થવા આવ્યો હતો, પણ હજુ સુધી એક પણ ઘરાક આવ્યો ન હતો. સવારથી અત્યાર સુધીમાં કેટલીવાર એની નજર રોડ પર ફરી વળી હતી. કૉલેજ સ્ટુડન્ટ તો અહીં તહીં દેખાતા હતા, પણ કોણ જાણે કેમ આજે કોઈ કૉફી હાઉસમાં આવ્યું નહીં.

સવારની બપોર થઈ અને બપોરની સાંજ થઈ, પણ કોઈ ઘરાક આવ્યું જ નહીં. કશિશ અને એની હેલ્પર બંને આખો દિવસ ઘરાકની રાહમાં ચુપચાપ બેઠાં રહ્યાં. અંતે રાતે નવ વાગે કશિશે કૉફી હાઉસ બંધ કર્યું. ભારે હૈયે ઘરે આવી અને ત્યાં જ રાહુલનો ફોન આવ્યો,

‘મેમ…પરમદિવસે આપણે કોર્ટમાં ડેટ છે. પુરાવા રજૂ કરવાના છે. તમે કાલે આવી જજો. મારે તમને બ્રીફ કરવા પડશે, કારણ કે આરોપીના વકીલ તમારી ઊલટતપાસ લેશે.’

‘હું રાતે આઠેક વાગે આવું? મારું કૉફી હાઉસ હજુ કાલે જ લોન્ચ થયું છે. હું દિવસ દરમિયાન ફ્રી નહીં થઈ શકું.’ કશિશે પોતાની મુશ્કેલી જણાવી.

‘તો આપણે રાતે આઠ વાગે ધ્યેય સરના ઘરે જ મળીએ.’ રાહુલે કહ્યું તે વાત પર કશિશ તરત સહમત થઈ ગઈ.

વધુ વાત કર્યા વિના કશિશે ફોન મૂકી દીધો. પરવારીને એ બેડ પર વિચાર કરતી બેઠી. છેલ્લા પંદર દિવસમાં જીવન જાણે બદલાઈ જ ગયું છે. આજ સુધી કદી એકલી રહી નથી. કૌશલ ટૂર પર જતો ત્યારે ઘરમાં નોકર-ચાકર તો રહેતા જ એટલે આમ જુઓ તો એકલી હોવા છતાં ઘરમાં એકલી ન હતી. ઘર છોડ્યા પછી આ પંદર દિવસ ઝપાટાબંધ જતા રહ્યા. ઘર છોડવાનો જોશ તે ઉપરાંત નવું કૉફી હાઉસ લોન્ચ કરવાની દોડાદોડીમાં રાતે એટલી થાકી જતી કે પથારીમાં પડતાંની સાથે ઊંઘ આવી જતી.

કાલે ઓપનિંગ સરસ રીતે થઈ ગયું, એની ખુશીમાં ઝટપટ ઊંઘ આવી ગઈ હતી, પણ આજે પહેલીવાર એને એકલતા સાલી. માણસ સુખ કે દુઃખમાં કદી એકલો રહી શકતો નથી. બીજાને જણાવે નહીં કે પોતે કેટલો સુખી કે છે કે દુઃખી ત્યાં સુધી એને ચેન પડતું નથી. આજે કશિશ પાસે પોતાની વાત શેઅર કરવા માટે કોઈ ન હતું. એ ચૂપચાપ ક્યાંય સુધી છતને તાકતી રહી.

સવારે સાત વાગ્યાનું એલાર્મ વાગ્યું કે તરત કશિશ ઊઠી ગઈ. કાલે જે થયું તે થયું હવે આજે મોડું કરવું ન પાલવે. રાતે રાહુલને મળવાનું છે અને કૉફી હાઉસનો હજુ ત્રીજો દિવસ જ છે. કશિશે ફટાફટ તૈયાર થઈને આઠ વાગે કૉફી હાઉસ ખોલી નાંખ્યું. એની હેલ્પર પણ હજુ આવી ન હતી. કશિશ આજે ય આશાભરી નજરે કૉફી હાઉસના એન્ટ્રસ તરફ તાકતી બેઠી રહી. સાંજના સાડા સાત થયા, પણ કોઈ આવ્યું નહીં. કશિશે નિઃસાસો નાંખ્યો. આઠ વાગે રાહુલને મળવાનો સમય આપ્યો છે એટલે નીકળી જવું પડશે. એણે હેલ્પરને નવ વાગે કૉફી હાઉસ બંધ કરવાની સૂચના આપી દીધી અને કાલે સવારે સમયસર આવવાની તાકીદ પણ કરી, કારણ કે એને કોર્ટમાં ડેટ છે એટલે સવારે અગિયાર વાગે જવું પડશે તે જણાવી દીધું.

ધ્યેયના ઘરે પહોંચી ત્યારે રાહુલ આવ્યો ન હતો. કૉફી હાઉસના ઉદ્ઘાટન પછી એ પહેલીવાર ધ્યેયને મળતી હતી.

‘કેવું ચાલે છે તારું કૉફી હાઉસ?’ ધ્યેયે પૂછ્યું એટલે કશિશે મ્લાન સ્મિત કર્યું,

‘સારું ચાલે છે…’ કશિશ સહેજ થોભીને બોલી, ‘બે દિવસથી કોઈ ગ્રાહક આવ્યો નથી.’

‘મેં મારા સિનિયરથી અલગ થઈને સ્વત્રંત પ્રેક્ટિસ કરી ત્યારે મને તો બે મહિના કોઈ કેસ નહોતો મળ્યો. અરે, તારે તો હજુ બે દિવસ જ થયા છે. એમાં રડવા શું બેઠી?!’

‘ઓયે હું રડતી નથી વાત કરું છું. સમજ્યો!’

‘આ તારું મોઢું જો…એકદમ રોતલ લાગે છે..’ ધ્યેયે જાણીજોઈને એને ચીડવી.

‘જા…જા….આમ જો, મારી આંખમાં  તને આંસુ દેખાય છે?’ કશિશે એની આંખ પહોળી કરી. ધ્યેયે તે જોઈને કહ્યું,

‘આંસુ તો નથી દેખાતા, પણ ડોળા દેખાય છે!’ અને એ સાંભળીને કશિશ હસી પડી એટલે પછી ધ્યેય પણ હસ્યો. ચાલો, કશિશ ટેન્શનમાંથી જરાક હળવી થઈ. મિત્રનું કામ આ જ હોય છે, સુખ દુઃખમાં સાથે ઊભા રહીને હિંમત આપવી.

ત્યાં રાહુલ આવ્યો. કશિશ અને રાહુલ કામે લાગ્યા. રાહુલ કાલે કોર્ટમાં શું

થશેની પ્રોસેસ સમજાવતો હતો તે બધું ધ્યેયે ધ્યાનથી સાંભળ્યા કર્યું. રાહુલની વાત પૂરી થઈ એટલે કશિશ તરફ ફરીને ધ્યેયે પૂછ્યું,

‘કિશુ… તે કશું જ લીધા વિના ઘર છોડ્યું છે ને?’ ધ્યેયના આ સવાલથી કશિશને નવાઈ લાગી. હવે અત્યારે આ સવાલ કેમ આવ્યો?

‘હા..તને ખબર જ છે ને!’

‘રાહુલ, તારે આ વિશે વિચારવું પડશે, સામેવાળા આ મુદ્દો લાવશે…સમજ્યો?’ રાહુલ સામે જોઈને ધ્યેય બોલ્યો. રાહુલે હકારમાં માથું હલાવીને કહ્યું,

‘યસ સર, હું એ કામ સવારે જ પૂરું કરી દઈશ. થેન્ક્સ ફોર સજેશન્સ.’ કશિશને આ બંનેની વાતમાં કશી ગતાગમ ન પડી. એણે વધુ પૂછવાનું ટાળ્યું. ઓલરેડી અનેક ટેન્શન છે ત્યાં બીજી બબાલમાં ન પડવું.

‘તમારે મારું કામ ન હોય તો હું નીકળું?’ બંનેએ હા કહી એટલે કશિશ ઘરે જવા નીકળી ગઈ. બીજા દિવસે સવારે કશિશ ઊઠીને તૈયાર થતાં વિચારતી હતી,

‘આજે કોર્ટમાં અગિયાર પહેલાં પહોંચવાનું છે તે પહેલાં એકાદ-બે ગ્રાહક આવે તો સારું.’

કશિશ કૉફી હાઉસ પહોંચી તે પહેલાં એની હેલ્પરે હાઉસ ખોલી નાંખ્યું હતું. કશિશે એને કહી દીધું કે એને કોર્ટમાં જવાનું છે એટલે અગિયાર વાગ્યા પછી એણે એકલીએ કૉફી હાઉસ સંભાળવાનું રહેશે. બંને જણા ગ્રાહકની રાહ જોતાં બેસી રહ્યાં. સાડાદસે કશિશ ઊભી થઈ અને હેલ્પરને ત્રણેક વાગે પોતે પાછી આવશે તેમ જણાવીને કોર્ટ પહોંચી.

બાર વાગે કશિશનો કેસ નંબર બોલાયો એટલે રાહુલે પોતાના ભાથામાં રહેલા તીર રૃપી પુરાવા એક પછી એક એમ કોર્ટ પાસે રજૂ કરવા લાગ્યો. બારમા ધોરણની ઓરિજિનલ માર્કશીટ, સ્કૂલ લિવિંગ, મેડિકલ કૉલેજનું ઍડ્મિશન ફોર્મ, ઍડ્મિશન ફોર્મની સર્ટિફાઇડ કોપી, કૉલેજના પ્રિન્સિપાલનું સર્ટિફિકેટ કે ઍડ્મિશન માટે ક્લેમ થયો ન હતો તેથી બીજાને સીટ આપી દેવાની મહેન્દ્રભાઈની લેખિત પરમિશન આપતો લેટર…વગેરે સ્ટેપ બાય સ્ટેપ રાહુલ પોતાનો પક્ષ રજૂ કરતો ગયો અને એને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ રજૂ કરતો ગયો. પુરાવા રજૂ થઈ ગયા એટલે પછી કશિશની સરતપાસ માટે એને કઠેડામાં બોલાવવામાં આવી.

આગલે દિવસે રાહુલ સાથે જે રીતે એને બ્રીફ કરી હતી તે જ રીતે કામ ચાલ્યું. રાહુલે સવાલ પૂછ્યા તે મુજબ કશિશ જવાબ આપતી ગઈ કે કેવી રીતે બારમા ધોરણના રિઝલ્ટ પછી એની સાથે છેતરપિંડી થઈ. બધા પુરાવા સાથે કશિશની સરતપાસ થઈ ગઈ એટલે જજે આરોપીના વકીલ શ્રી નીતિન લાકડાવાલાને ફરિયાદીની ઊલટતપાસ માટે ચાન્સ આપ્યો. નીતિન લાકડાવાળા કઠેડા નજીક આવ્યા એટલે કશિશ ટટ્ટાર થઈ. અત્યાર સુધી રાહુલે સવાલ પૂછ્યા હતા જે એ જાણતી હતી, પણ નીતિન લાકડાવાલા શું પૂછશે તે વિશે માત્ર અંદાજ હતો.

‘હા…તો મિસિસ નાણાવટી…આપ અત્યારે ક્યાં રહો છો?’

‘માય ઓબ્જેક્શન સર…આપણા કેસ સાથે સવાલ લાગતો વળગતો નથી.’ રાહુલે તરત વાંધો ઉઠાવ્યો. એ સમજી ગયો કે નીતિન લાકડાવાલા વાત કંઈ તરફ વાળવા માંગે છે.

‘નામદાર…આપણા કેસ સાથે આ વિગત જરૃરી છે એટલે જ પૂછું છું.’

‘ઓબ્જેક્શન ઓવર રૃલ્ડ!’

જજે ઓબ્જેક્શન રદ્દ કરી નાંખ્યું.

Related Posts
1 of 279

‘હા…તો મિસિસ નાણાવટી, આપ ક્યાં રહો છો?’ નીતિન લાકડાવાલાએ ફરી પૂછ્યું એટલે કશિશે શટલ રીતે રાહુલ સામે જોયું. રાહુલના ચહેરા પર સહજભાવ હતા.

‘જી…હું મારા મિત્રના ફ્લેટમાં ભાડેથી રહું છું.’

‘આપ તો કૌશલ નાણાવટીનાં પત્ની છો…તો નાણાવટી પરિવાર સાથે કેમ રહેતાં નથી?’

‘ઓબ્જેક્શન સર…’ રાહુલે ફરી વાંધો ઉઠાવ્યો. જજ જવાબ આપે તે પહેલાં જ નીતિન લાકડાવાલા બોલ્યા,

‘નામદાર…મને મિસિસ નાણાવટીને સવાલ પૂછતા જાણી જોઈને અટકાવવામાં આવે છે…હું કેસને રિલેટેડ જ સવાલ કરું છું, તો મારા સવાલ પૂરા થશે એટલે કોર્ટને સમજાઈ જશે. મહેરબાની કરીને મને સવાલ પૂછવાની મંજૂરી આપો!’

‘ઓબ્જેક્શન ઓવર રૃલ્ડ!’ બીજીવાર પણ જજે નીતિન લાકડાવાલાની ફેવર કરી. કશિશ ચૂપચાપ બધું સાંભળતી ઊભી રહી. ફિલ્મ્સમાં અનેક વખત આ સીન જોયો હતો. આજે એના જીવનમાં ભજવાઈ રહ્યો હતો.

‘મિસિસ નાણાવટી, મારા સવાલનો જવાબ આપો…તમે કેમ તમારા પરિવાર કે પતિ સાથે નથી રહેતાં?’ નીતિન લાકડાવાલાએ જાણીજોઈને કશિશને નીચું દેખાડવા માટે આ સવાલ પૂછ્યો હતો, પણ કશિશે માથું ટટ્ટાર કરીને જવાબ આપ્યો,

‘મારા પતિ અને મારા સાસરાવાળા નથી ઇચ્છતા કે હું મારા ભાઈ અને પપ્પા સામે કેસ કરું, પણ મને ન્યાય જોઈએ છીએ…એટલે મેં તેમની શરત મુજબ ઘર છોડ્યું છે.’ કશિશના પ્રમાણિક જવાબ સાંભળીને નીતિન લાકડાવાલાના ચહેરા પર લુચ્ચું સ્મિત આવી ગયું.

‘મિસિસ નાણાવટી…આપે ઘર છોડી દીધું છે…તો આપ આપનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવો છો?’

‘જી….મેં એક કૉફી હાઉસ હમણા બે-ચાર દિવસ પહેલાં જ ખોલ્યું છે. જેથી મારો ખરચ નીકળી શકે.’

‘તમે આ જગ્યા ભાડે લીધી છે કે પૈસા ચૂકવીને ખરીદી છે?’

‘માય ઓબ્જેક્શન સર….આરોપીના વકીલ મારા અસીલને અર્થ વિનાના સવાલ પૂછીને નાહક હેરાન કરી રહ્યા છે અને સાથે સાથે કોર્ટનો કિંમતી સમય પણ વેડફી રહ્યા છે.’ રાહુલે ઓબ્જેક્શન લીધું એટલે તરત જ નીતિનભાઈએ પોતાનો બચાવ કર્યો,

‘નામદાર, હું પહેલાં પણ કહી ચૂક્યો  છું કે હું કેસને રિલેટેડ જ સવાલ કરું છું અને મારા વકીલ મિત્ર મને વારંવાર રોકીને કોર્ટનો સમય બરબાદ કરી રહ્યા છે.’

‘ઓબ્જેક્શન ઓવર રૃલ્ડ…તમારે જે પૂછવું હોય ટુ ધ પોઇન્ટ પૂછો. કોર્ટનો સમય બચાવો.’ જજે નીતિનભાઈને સવાલ પૂછવાની પરમિશન આપી, સાથે-સાથે ટકોર પણ કરી.

‘મેં આ જગ્યા ભાડે લીધી છે.’

‘નામદાર, મારે કોર્ટને એટલું જ જણાવવાનું છે કે હાલ મિસિસ કશિશ નાણાવટીની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે અને પોતાને આર્થિક ફાયદો થાય તે માટે તથા પૈતૃક સંપત્તિમાં વારસામાં હક્ક મેળવવા માટે જ એમણે એમના પપ્પા તથા ભાઈ સામે કેસ કર્યો છે. એમની નજર પહેલેથી જ સંપત્તિ પર હતી. હવે એમની સાથે એમના સાસરાવાળા પણ એમની સાથે નથી એટલે એમને પૈસાની ખૂબ જરૃર છે. તે માટે એમણે મારા અસીલને ખોટી ફરિયાદ કરીને ફસાવ્યા છે. એટલે મારી અદાલતને દરખાસ્ત છે કે અદાલત આ મુદ્દા પર ગોર કરે.’

નીતિનભાઈએ બોલવાનું પૂરું કર્યું. ત્યાં બેલિફ એક કવર રાહુલને આપી ગયો. રાહુલે તેના પર નજર ફેરવીને જજ સામે મૂક્યું.

‘નામદાર…અગર મારી અસીલ મિસિસ કશિશ નાણાવટીએ માત્ર પૈસાની લાલચમાં કેસ કર્યો હોત તો એ આમ પહેરેલ કપડે એણે ઘર છોડ્યું ન હોત, કારણ કે કોર્ટ જાણે જ છે કે સાસરા તરફથી મળતા દાગીના પર સ્ત્રીનો હક્ક હોય છે. મારી અસીલ કશિશ નાણાવટીએ સંપત્તિમાં હિસ્સો મેળવવા કેસ નથી કર્યો. તેના પુરાવા રૃપે હું તેમના પતિ કૌશલ નાણાવટીનો આ લેખિત પત્ર રજૂ કરું છું.

જે કોર્ટની સામે જ મને હમણા મળ્યો છે. જેમાં એમણે કબૂલ કર્યું છે કે કશિશ નાણાવટીના દર-દાગીના, બેન્કના ક્રેડિટ/ડિબેટ કાર્ડ વગેરે એમના સાસરાવાળા પાસે જ છે. મારી અસીલે ધાર્યું હોત તો સાસરાવાળાની મિલકત પર તાગડધિન્ના કરી શકી હોત, પણ એમણે પોતાનો રસ્તો જાતે કંડારવાનું નક્કી કર્યું છે. મારી અસીલની આ પ્રમાણિકતા તથા ખુદ્દારી પર કોર્ટને ગર્વ થવો જોઈએ કે આપણી ભારતીય નારી કેટલી હિંમતવાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોર્ટની સમક્ષ કશિશ નાણાવટી રૃપે છે. મારા વકીલ મિત્ર ભારતીય નારીની ખુદ્દારીને બિરદાવવાના બદલે એમના પર લાંછન લગાવીને એમના સ્ત્રીત્વનું અપમાન કરી રહ્યા છે.’

રાહુલને ધ્યાનથી સાંભળતી કશિશને તરત લાઈટ થઈ. કાલે રાતે ધ્યેય અને રાહુલ કદાચ આ વિશે જ વાત કરતા હતા. રાહુલે જ કૌશલ પાસેથી આ પત્ર મેળવ્યો હશે. પોતે ઘર છોડી ગઈ તે છતાં પોતાના વ્યવહારમાં શાલીનતા જાળવી રાખી તેથી કૌશલ પ્રત્યે કશિશને માન થયું. રાહુલની સ્પીચથી કોર્ટમાં પૂરું વાતાવરણ કશિશ તરફી બની ગયું હતું.

જજે બધી નોંધ કરીને બંને પક્ષના વકીલ તરફ જોઈને કહ્યું,

‘બચાવ પક્ષના વકીલે ફરિયાદી પર ખોટા આક્ષેપ કરવાના બદલે આરોપી નિર્દોષ છે તેવા પુરાવા રજૂ કરવા પર ધ્યાન આપવું..નેકસ્ટ ડેટ ટ્વેન્ટી ફોર્થ ઑગસ્ટ…કોર્ટ ઇઝ આડજર્ન ટુ ડે.’ જજનો ઠપકો સાંભળીને નીતિન લાકડાવાલાનું મોઢું પડી ગયું. ઉદય તરફ વિજયી નજર ફેંકતી કશિશ કોર્ટરૃમની બહાર નીકળી.

‘વેલડન રાહુલ…’ બહાર આવીને કશિશે પહેલું કામ રાહુલને બિરદાવવાનું કર્યું. આખરે એણે પાક્કું હોમવર્ક કર્યું હતું. જેને કારણે આજે આટલી સફળતા મળી.

‘થેન્ક્સ મેમ..’ રાહુલ આટલું બોલીને ઑફિસ તરફ જવા લાગ્યો એટલે કશિશે એને અટકાવ્યો.

‘હેય વેઇટ…’ કશિશ એની નજીક આવીને કશું પૂછવા ગઈ, પણ પાછી અટકી ગઈ. એ કોઈ અવઢવમાં છે તે દેખાય આવતું હતું.

‘મેમ તમારે કંઈ પૂછવું છે?’ રાહુલ એના ચહેરા પરની મૂંઝવણ જોઈને બોલ્યો,

‘તું કૌશલને મળ્યો હતો? આ લેટર માટે?’ આખરે કશિશના દિલની વાત હોઠ પર આવી જ ગઈ.

‘જી..મેમ, આજે સવારે જ મેં એમને ફોન પર વાત કરી હતી. એમણે સારો સહકાર આપ્યો. મેં માણસને લેટર લઈને મોકલ્યો હતો. એમણે રાજીખુશીથી સહી કરી આપી.’ આમ તો કશિશ કોર્ટમાં લેટર રજૂ થયો ત્યારે જ બધું જાણી ગઈ હતી તો પણ આ બધું પૂછવામાં એને ખૂબ આનંદ આવતો હતો. પતિ-પત્નીના સંબંધ એમ દૂર રહેવાથી કાપી શકાતા નથી.

કશિશ ગીત ગણગણતી ચાલવા લાગી. એના ચહેરા પર અજીબ સુરખી હતી. એ જ મૂડમાં એ કૉફી હાઉસ પહોંચી તો કૉફી હાઉસમાં ચાર-પાંચ સ્ટુડન્ટ્સ બેઠા હતા. કૉફી હાઉસ એમની વાતો અને હસી મજાકથી ગુંજતું હતું. એ જોઈને કશિશને સુખદ આંચકો લાગ્યો. કશિશની હેલ્પર બધાં ઓર્ડરને પહોંચી વળવા દોડાદોડી કરતી હતી. કશિશ ક્ષણ બે ક્ષણ બધું અચરજથી જોઈ રહી. પછી તરત જ એણે કાઉન્ટર સંભાળી લીધું અને હેલ્પરને મદદ કરવા લાગી. રાતે આઠ સુધી કૉફી હાઉસ ધમધમતું રહ્યું. નવ વાગે બંને ફ્રી થયાં એટલે કશિશે કૉફી હાઉસ સમેટવાનું ચાલુ કરી દીધું. હિસાબ કરીને જોયું તો આજે હજાર રૃપિયાનો વકરો થયો હતો.

કશિશે નિરાંતનો શ્વાસ લીધો. ચાલો, આજે એક ગોલમાં એ સફળ થઈ રહી છે તેવું કહી શકાય. એકલા જીવન જીવવું એટલું પણ આકરું નથી હોતું. બસ, જાતે રસ્તો બનાવતા આવડવું જોઈએ. બસ, ખુદ્દ પર ભરોસો હોવો જોઈએ અને હિંમત અને સાહસ કરવાનું જોખમ ઉઠાવવાની ત્રેવડ હોવી જોઈએ તો આસમાન પણ પોતાનું થઈ શકે છે.

બીજે દિવસે સવારે ઊઠીને કૉફી હાઉસ જવાની તૈયારી કરતી હતી ત્યાં એની નજર પેપર પર પડી. સિટી પેજ પર મોટા અક્ષરે હેડલાઇન છપાઈ હતી…

‘અજીબોગરીબ જાણવા જેવો કેસ…શહેરની નામાંકિત પરિવારની સ્ત્રીએ ન્યાય માટે પતિ અને ઘર છોડ્યા!’

કશિશે ફટાફટ બધા સમાચાર પર નજર ફેરવી તો કાલે જે કોર્ટમાં એના કેસમાં બન્યું હતું તેની સંપૂર્ણ વિગત સાથે ખરેખર કેસ શું છે તે વિશે પણ માહિતી હતી. કશિશની બહાદુરી અને ખુદ્દારીની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. ત્યાં તો કશિશના ફોન નંબર પર રિંગ વાગવા લાગી. એણે જોયું તો નંબર અજાણ્યો હતો. એણે હેલો કહ્યું તે સામેથી તરત જ સંભળાયું,

‘મેમ…તમારી ઍપૉઇન્ટમૅન્ટ જોઈએ છે. અમારા મૅગેઝિન માટે તમારું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જોઈએ છે.’ કશિશ હજુ કશો જવાબ આપે તે પહેલાં તો બીજા નંબરથી ફોન આવવા લાગ્યો. હજુ એ ફોન કટ કરે ત્યાં વળી ત્રીજા નંબર પરથી રિંગ આવવા લાગી. કશિશ સ્તબ્ધ થઈને એના મોબાઇલ પર આવતાં ફોનકોલ્સ સામે તાકી રહી. એના મનમાં સવાલ ઊઠ્યો, આખરે આ કામ કોણે કર્યું?

(ક્રમશઃ)
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »