તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છમાં વોટર રિચાર્જિંગ મોડી પણ શરૃઆત થઈ

જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પાણી વરસતું નથી

0 249

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છમાં ખેડૂતોએ પોતાના ખેતરનું વહી જતું પાણી જમીનમાં ઉતારવાની શરૃઆત કરી છે, પરંતુ આ અંગે લોકોમાં જાગૃતિ હજુ ઓછી છે. જેટલા વધુ ખેડૂતો આ કાર્યમાં જોડાય તેટલો વધુ ફાયદો થઈ શકે તેમ છે. અત્યારે તો કોઈ એક પાણી બચાવે અને બીજા ચાર વાપરે તેવી સ્થિતિ છે. શહેરી વિસ્તારમાં પણ વરસાદી પાણી સંગ્રહવાના કામમાં લોકો રસ બતાવતા નથી, પરંતુ ખેડૂતોએ શરૃઆત કરી છે તે સારી વાત છે.

કચ્છ પહેલેથી જ પાણીની તંગીવાળો વિસ્તાર છે. વરસાદ પડે છે, પરંતુ આખા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પાણી વરસતું નથી. તેથી ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી પડે છે. અહીં એક પણ બારમાસી નદી નથી કે નથી કોઈ મોટા ડેમ, જે છે તે નાના અને મધ્યમ કક્ષાના ડેમ. આથી મોટા ભાગના ખેડૂતોને આકાશી મહેર અને ભૂગર્ભ જળ પર આધાર રાખવો પડે છે. સિંચાઈ માટે નર્મદાના પાણી કચ્છમાં આવવાની શરૃઆત થઈ ગઈ છે, પરંતુ તે પૂર્વ કચ્છના એકાદ – બે તાલુકા પૂરતી જ. પશ્ચિમ અને મધ્ય કચ્છ સુધી હજુ નર્મદાના નીર ઝાંઝવાના નીર સમાન છે. આથી જો ખેડૂત પાણી બાબતે સ્વનિર્ભર બને તો જ તે ખેતીને સારી રીતે વિકસાવી શકે. જે થોડો ઘણો વરસાદ કચ્છમાં પડે છે, તેનું ટીપેટીપું જમીનમાં ઉતારવામાં આવે તો ખરાબ થયેલી ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરી શકે અને જરૃર પડે ત્યારે તાજા, વરસાદી પાણીનો જથ્થો ખેતી માટે કામ આવી શકે.

ખેતરોમાં હયાત બોર કે નવા બોર બનાવીને પાણીને જમીનમાં ઉતારવાના કામની શરૃઆત તો થઈ છે, પરંતુ ખેડૂતોની આ અંગે જાગૃતિ ઓછી હોવાથી હજુ બહુ જૂજ પ્રમાણમાં ખેતરોમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટેનાં કામો થયાં છે. તમામ ખેતરોમાં વૉટર રિચાર્જિંગના કામ થાય તો થોડા વરસાદમાં પણ ખેતરમાં પાક માટે પૂરતું પાણી જ્યારે જરૃર હોય ત્યારે મળી શકે.

કચ્છમાં જમીનની ગુણવત્તા સારી છે, પરંતુ પાણીની તંગી છે આથી વર્ષોથી ખેડૂતો ભૂગર્ભ જળના ઉપયોગથી ખેતી કરે છે. ભૂકંપ પછી આ વિસ્તારમાં ઉદ્યોગો વધ્યા છે. તે પણ મોટી માત્રામાં ભૂગર્ભ જળ ઉલેચે છે આથી જે જમીનમાં થોડાં વર્ષો અગાઉ ૪૦-૫૦ ફૂટે પાણી મળતું હતું ત્યાં આજે સેંકડો ફૂટ નીચે ઊતરી ગયું છે. પાણીની ગુણવત્તા પણ ખરાબ થઈ છે. ૩- ૪ હજાર ટી.ડી.એસ.વાળું મળવું સામાન્ય થઈ ગયું છે. અમુક જગ્યાએ તો ૬-૭ હજાર ટી.ડી.એસ.વાળું પાણી મળે છે. આ પાણીના કારણે પાક ઓછો આવે છે. પાકની ગુણવત્તા ખરાબ થાય છે તેમ જ જમીન પણ ખરાબ થાય છે. ભૂગર્ભ પાણીને બચાવવા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો એ જ એક માત્ર ઇલાજ છે.

વૉટર રિચાર્જિંગ માટે કામ કરતી સંસ્થા એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટૅક્નોલોજીસ (એસીટી)ના ડાયરેક્ટર ડૉ. યોગેશ જાડેજા જણાવે છે, ‘કચ્છમાં બોરવેલથી પાણી રિચાર્જિંગનું કામ થાય છે. વર્ષો પહેલાં તળાવોમાં કૂવા બનાવાતા. આ કૂવા પાણી રિચાર્જ માટેનું કામ કરતા. તળાવનું પાણી સુકાઈ જાય ત્યારે કૂવાનું પાણી વપરાશ માટે કામ આવતું. ભૂગર્ભમાં જળ સંગ્રહવાની કચ્છની પરંપરા હતી, પરંતુ પાઇપલાઇન વાટે ઘરોઘર પાણી પહોંચવાના કારણે લોકો પાણી માટે પરાધીન બન્યા. આજે લોકોને ફરી આ દિશામાં વાળવાની જરૃર છે. અત્યારે અમારી સંસ્થા ખેડૂતોના ફેલ ગયેલા બોરમાં કે અમુક વખતે ચાલુ બોરમાં પણ પાણી રિચાર્જિંગ કરાવે છે. જેનાં પરિણામો દેખાઈ રહ્યાં છે. સારી ગુણવત્તાનું પાણી જમીનમાં ઊતરવાથી ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરવા લાગી છે, ચોમાસુ અને શિયાળુ પાક લઈ શકાય છે અને પાકની ગુણવત્તા પણ સુધરી છે. ઉપરાંત આ આખી પ્રક્રિયામાં ખર્ચ ખૂબ જ ઓછો આવતો હોવાથી ખેડૂતો તે સહેલાઈથી કરી શકે છે. ભૂગર્ભ જળનો ફાયદો એ છે કે, તે દુષ્કાળથી તરત જ પ્રભાવિત થતાં નથી. લાંબો સમય ટકે છે. આથી તેને લાંબા ગાળાનો ટકાઉ સ્ત્રોત મનાય છે.’

Related Posts
1 of 142

એ.સી.ટી. સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર વલુભાઈ કાસોટિયાએ જણાવ્યું હતું કે, ‘સંસ્થા દ્વારા હાલમાં મુન્દ્રા તાલુકાનાં ૧૦ ગામોમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અંગેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ખાનગી ઉદ્યોગોની સામાજિક જવાબદારી માટેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ફંડ અંતર્ગત આ કામ માટે ફંડ મળે છે. ખેડૂતોની ૧૦ ટકા ભાગીદારી હોય છે, જે શ્રમરૃપે કે આર્થિક ફાળારૃપે હોય છે. આમ પાણીને હયાત અથવા બંધ પડેલા બોરમાં વરસાદી પાણી ઉતારવા માટે ખેડૂતોના માથે તો ખૂબ જ ઓછો ખર્ચ આવે છે. એક-એક ખેતરોમાં તો પાણી રિચાર્જ કરવા યોજના હાથ ધરાઈ છે. તો સાથે-સાથે સમૂહમાં પણ આવી યોજના શરૃ કરાઈ છે. જેમાં ૮-૧૦ ખેડૂતોની જગ્યામાં રિચાર્જ બોરવેલ બનાવાય છે. ભૂગર્ભ જળ એ સૌનું સહિયારું છે તેથી તેનું રિચાર્જ પણ સહિયારી રીતે થાય છે. આવી રીતે કરાતા રિચાર્જના કારણે વધુ પાણી જમીનમાં ઊતરે છે. મુન્દ્રા તાલુકામાં ૧૦થી ૧૨ જગ્યાએ આવા સામુદાયિક રિચાર્જના પ્રયોગો હાથ ધરાયા જે સફળ રહ્યા છે.’

રિચાર્જ બોરવેલ બનાવવાનો ખર્ચ તો ખૂબ જ ઓછો આવે છે. સામાન્ય રીતે ૩.૫૦થી ૪ લાખના ખર્ચમાં આ કામ થાય છે તો જ્યાં બોર બનાવેલા છે ત્યાં માત્ર વરસાદી પાણી તેમાં ઉતારવાનું હોય છે. તેવા કામ તો ફક્ત ૧૫થી ૨૦ હજારમાં પણ થઈ જાય છે. આથી મોટા ભાગના ખેડૂતો આ કામ કરાવી શકે તેમ છે, પરંતુ જાગૃતિનો અભાવ હોવાથી અનેક ખેડૂતો વૉટર રિચાર્જિંગની શક્યતા હોવા છતાં કામ કરાવતા નથી. જોકે એે.સી.ટી.ના યોગેશભાઈને આશા છે કે જે કામો થયા છે તેનાં પરિણામો જોઈને વધુને વધુ ખેડૂતો આ તરફ જરૃર વળશે.

ગઢવીઓના ગામ એવા મુન્દ્રા તાલુકાના ઝરપરાના મૂળજીભાઈ ગઢવી જણાવે છે, ‘મારા ખેતરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું કામ છેલ્લાં ૭-૮ વર્ષથી કરી રહ્યો છું. સામાન્ય રીતે આ વિસ્તારમાં વરસાદ પછી જેવું પાણી ઓસરી જાય કે તરત જ ફરી પાણી ખારું, ક્ષારવાળું મળવા લાગે છે, પરંતુ પાણીનું રિચાર્જિંગ કરવાથી વરસાદ પછી ૩-૪ મહિના મીઠું પાણી મળે છે. આ વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે. છેલ્લાં પાંચ વર્ષથી અમારા ગામની નાગમતિ નદીમાં પાણી આવ્યું નથી. તો જમીનમાં પાણી ઊતરે ક્યાંથી? ઉપરથી પાણી જમીનમાં ઊતરે નહીં અને છતાં ભૂગર્ભ જળ ખેંચાયા કરે તો સ્થિતિ કેવી થાય? આથી જ પાણીની ખારાશ વધી ગઈ છે. આવા પાણીના કારણે અમુક પાક તો અમે લઈ જ નથી શકતા. અહીં ખારેક થાય છે, પરંતુ ખારા પાણીના કારણે પાકની ગુણવત્તા નબળી થઈ છે અને ઉત્પાદન પણ અડધું થયું છે. પહેલા એક ખારેકના વૃક્ષ પરથી સિઝનમાં ૧૫૦થી ૨૦૦ કિલો પાક મળતો હતો, પરંતુ હવે માત્ર ૧૦૦ કિલો માંડ મળે છે. મારા ખેતરમાં મેં પાણી જમીનમાં ઉતારવાનું શરૃ કર્યા પછી બોરના પાણીની ગુણવત્તામાં ફરક પડ્યો છે.’

આ જ ગામના અન્ય એક ખેડૂત કરસનભાઈ ગઢવી રિચાર્જિંગ અંગે ખેડૂતોની ઉદાસીનતા વિશે વાત કરતાં કહે છે, ‘મારા પાડોશી એવા મૂળજીભાઈએ ઘણા વર્ષોથી રિચાર્જિંગની વ્યવસ્થા કરાવી છે, મારે પણ કરાવવું હતું, પરંતુ આજે કરું છું, કાલે કરું છું કરતાં પાંચ વર્ષ નીકળી ગયા. આ વરસે મેં કરાવ્યું. એવું નથી કે એટલા પૈસાની વ્યવસ્થા ન હતી, પરંતુ તે બાબત મેં ગંભીરતાથી લીધી ન હતી. પહેલાં આ કામ કરાવ્યું હોત તો તેના ફાયદા મળવા શરૃ થઈ ગયા હોત.’ અત્યારે ઝરપરા વિસ્તારમાં માત્ર ૧૦-૧૨ ટકા ખેડૂતોએ જ રિચાર્જિંગ કરાવ્યું છે. જોકે હવે એ.સી.ટી. પાસે આ અંગેની વધુ માગણીઓ આવી રહી છે. મુંબઈ રહેતા પરંતુ મુન્દ્રા તાલુકાના રતડિયા (ગણેશવાળા)માં ખેતી ધરાવતા જીતેન્દ્ર જાડેજા જણાવે છે કે, ‘અમારા ખેતરમાં પાણીની ગુણવત્તા ખરાબ હતી, પરંતુ જમીન ખૂબ સારી હતી.

આથી પાણીની ગુણવત્તા સુધારવા માટે પ્રયોગો કર્યા. છત પર પડતા પાણીને જમીનમાં ઉતારીને રૅઇનવૉટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ કર્યો. જોકે આ પ્રયોગમાં પણ ઓછા વરસાદના કારણે જમીનમાં ઉતરતા પાણીનો જથ્થો ખૂબ જ ઓછો હતો. આથી આ યોજના અમે પડતી મુકી. ત્યાર બાદ અમે ખેતરમાં વહેતું પાણી જમીનમાં ઉતારવાની યોજના બનાવી, જે ખૂબ જ ઓછા ખર્ચે બની અને વધુ લાભદાયક સાબિત થઈ. જમીનની અંદર આ પાણી ઊતરે અને જરૃર મુજબ તેને બહાર કાઢી શકાય. આ પાણીની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે. ઉપરાંત પાણીનો સંગ્રહ ભૂગર્ભમાં થયો હોવાથી બાષ્પીભવનથી પાણી ઊડી જવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. અમે અમારા બોરની બાજુમાં નાનકડું તળાવ બનાવીને, મોટા- નાના પથ્થરો, રેતી વગેરે વાપરીને કુદરતી ફિલ્ટર બનાવ્યું અને બોરવેલની બાજુમાં જ આ પાણી જમીનમાં ઉતાર્યું. અમે આ યોજના કરી તેને એક વર્ષ થઈ ગયું છે. એક વર્ષનું પાણી જમીનમાં ઊતર્યા પછી તેનું સારું પરિણામ જોવા મળી રહ્યું છે. અમે વર્ષમાં બે વખત પાક લઈએ છીએ. બાગાયતીમાં ખારેક અને રોકડિયા પાકોમાં કપાસ, એરંડા તથા ઘઉં વાવીએ છીએ. પાણીની ગુણવત્તા સુધરી છે.’

ખેતરમાં વરસાદી વહેતાં પાણીને જો જમીનમાં ઉતારાય તો ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરે છે. આ યોજના ઓછા ખર્ચે અમલમાં મુકી શકાય છે. ઉપરાંત અમર્યાદ પાણી ભૂગર્ભમાં સંગ્રહી શકાય છે. આ પાણીની ગુણવત્તા લાંબો સમય સારી રહે છે. શિયાળામાં કે દુકાળના વર્ષમાં આ પાણીનો ઉપયોગ સહેલાઈ કરી શકાય છે. તેમ જ તળાવમાં કે ટાંકામાં સંગ્રહાયેલા પાણીમાં થતી મચ્છર જેવા જીવોની ઉત્પત્તિ ભૂગર્ભમાં સંગ્રહાયેલા પાણીમાં થતી નથી. આમ આ યોજના દરેક અર્થમાં ફાયદાકારક છે. જો કચ્છના ખેડૂતો આ દિશામાં જાગૃતિ કેળવે તો ખેતીના પાણી માટે તેઓ સ્વનિર્ભર બની શકે તેમ છે.
————-

Leave A Reply

Your email address will not be published.

Translate »