તમારા માટે, તમારી સાથે, સતત…

ડિજિટલ યુગમાં મોબાઇલ નેટવર્ક વિહોણું કરલા ગામ

૧૦૮ને બોલાવવી હોય તો પણ નેટવર્ક મેળવવા બે-ત્રણ કિ.મી. દૂર જવું પડે છે

0 415
  • નેટવર્ક – દેવેન્દ્ર જાની

એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની ગાઈ વગાડીને ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે સોેૈરાષ્ટ્રનું એક એવું ગામ છે જ્યાં કોઈ પણ પ્રકારનું ફોન નેટવર્ક મળતું નથી. ‘અભિયાન’ ભાવનગર જિલ્લાના અંતરિયાળ એવા આ સંપર્ક વિહોણા ગામ સુધી પહોંચ્યું અને જાણી ગામ લોકોની વ્યથા.

ગામ હજુ થોડંુ દૂર હતું ત્યાં એક દ્રશ્ય જોવા મળ્યું. સાત-આઠ યુવાનો ડુંગરાઓ ઉપર ચડીને હાથમાં મોબાઇલ ઘુમાવી નેટવર્ક મેળવવા મથતા હતા. ઘડીભર તો નવાઈ લાગે, પણ હજુ થોડા ગામ તરફ આગળ વધ્યા તો કેટલાક વીજળીના થાંભલે ચડેલા દેખાયા, તો કેટલાક અગાશી પર ચડ્યા હતા. તેઓ પણ આકરી ગરમી વચ્ચે મોબાઇલ નેટવર્ક મેળવવા કોશિશ કરતા હતા. બહારથી આવનારા માટે આ દ્રશ્યો અચરજ પમાડનારાં હતાં, પણ ગામ લોકો માટે આ રૃટિન હતું. સરકારની ડિજિટલ ઇન્ડિયાની ઝુંબેશની પોલ ખોલનારાં આ દ્રશ્યો હતાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામનાં. આ ગામ સુધી પહોંચતા જ નાકે દમ આવી જાય તેવો રસ્તો છે. મહુવા અને સાવરકુંડલાની વચ્ચે આવેલા વીજપડીથી આશરે ૧ર કિ.મી. દૂર આવેલા આ ગામે પહોંચનારા બીજી વાર આ ગામમાં આવવાનો વિચાર જ માંડી વાળે તેટલી હદે રસ્તા ખરાબ છે.

જ્યાં અસુવિધાઓનો કોઈ પાર નથી એવા કરલા ગામના લોકોની પીડા વધારતી એક સમસ્યા છે ગામમાં ફોન નેટવર્ક મળતંુ નથી. માત્ર મોબાઇલ જ નહીં, લેન્ડલાઇન ફોનનું નેટવર્ક પણ મળતું નથી. આજે શહેર હોય કે ગામડું, કોઈને મોબાઇલ કે ઇન્ટરનેટ વિના ચાલતું નથી. એમાં પણ યુવાનોની આંગળીઓ તો સતત મોબાઇલ સ્ક્રીન પર જ ફરતી હોય છે ત્યારે મોબાઇલ મૂંગા થઈ જાય તો કેવી હાલત થઈ જાય તે સમજી શકાય તેમ છે. આશરે રપ૦૦ હજારની વસતી ધરાવતા કરલા ગામની જ્યારે અમે મુલાકાત લીધી તો યુવાનોથી માંડી વડીલો સૌ કોઈ એક જ ફરિયાદ કરતા હતા કે અમારા મોબાઇલ માત્ર શૉ-પીસ બની ગયા છે. આજે કોઈની સાથે વાત કરવી હોય અરે ૧૦૮ને બોલાવવી હોય તો પણ નેટવર્ક મેળવવા બે-ત્રણ કિ.મી. દૂર જવું પડે છે ત્યારે માંડ થોડી વાત થાય છે. ગામમાં ર હજારથી વધુ તો મોબાઇલ હશે. મોટા ભાગના લોકો પાસે બબ્બે મોબાઇલ છે. જુદાં-જુદાં સિમ કાર્ડ રાખે છે, ક્યાંક એકાદ કાર્ડમાં ક્યારેક નેટવર્ક આવી જાય. ગામ લોકો મુસીબતને મજાકભરી રીતે વર્ણવતા કહે છે, ‘અમે ગામના કોઈ વ્યક્તિને ફોન કરીએ અને ન લાગે એટલે સમજી જવાનું કે તે ગામની હદમાં આવી ગયો છે!’

Related Posts
1 of 319

કરલા ગામના સરપંચ વલ્લભભાઈ બાંભણિયા લોકોની પરેશાની અંગે કહે છે, ‘અમારા ગામમાં કોઈ પણ કંપનીના મોબાઇલ નેટવર્ક મળતાં નથી. ગામથી ત્રણેક કિ.મી. દૂર જઈએ ત્યારે માંડ નેટવર્ક પકડાય છે. મોબાઇલ નહીં, લેન્ડલાઇન ટેલિફોનનું નેટવર્ક પણ નથી. ક્યારેક નસીબમાં હોય તો બીએસએનએલનું નેટવર્ક પકડાઈ જાય છે, પણ એ પૂરી વાત ન કરીએ ત્યાં તો જતું રહે છે. આ મુદ્દે ગામ લોકોએ સાંસદ, ધારાસભ્ય, મામલતદાર અને ટેલિફોન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે, પણ કોઈ પગલાં લેવાતાં નથી. અધિકારીઓ એવું કારણ આપે છે કે ગામથી ચારેક કિ.મી. દૂર મોદા ગામમાં મોબાઇલનો ટાવર છે તેની ફ્રિક્વન્સી વધારવામાં આવશે ત્યારે આ પ્રશ્ન હલ થશે. સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પણ અમારા ગામમાં મોબાઇલ કવરેજ જ મળતું નથી. સરકારે આ પાયાના પ્રશ્નને ઉકેલવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. હાલ મોટા ભાગની સરકારી સેવાઓ ઓનલાઇન બની ગઈ છે, પણ અમારા માટે આ ઓનલાઇન સેવા સાવ નકામી છે. અરે, ઇમરજન્સીમાં ૧૦૮ બોલાવવી હોય તો પણ બે-ત્રણ કિ.મી. દૂર જઈએ ત્યારે કવરેજ પકડાય છે. એવા દાખલા પણ બન્યા છે કે ૧૦૮ને ફોન કરતા વાર લાગી હોય અને કેસ ફેલ થઈ ગયા હોય.’

કરલા ગ્રામ પંચાયતના સક્રિય સભ્ય રહીમભાઈ સોલંકી કહે છે, ‘ગામના યુવાનો મોબાઇલ કવરેજ મેળવવા વીજળીના થાંભલા કે નજીકમાં ડુંગરા પર ચડે છે. આજના યુગમાં મોબાઇલ જરૃરિયાતનું એક સાધન બની ગયું છે, પણ કરલા ગામની મુશ્કેલી એ છે કે ગામ લોકો પાસે મોબાઇલ છે, પણ નેટવર્ક નથી. ગામ લોકો ખિસ્સામાં બબ્બે મોબાઇલ રાખીને ફરે છે. ક્યાંક બહાર જાય તો કવરેજ મળી જાય. બહારથી કોઈ ફોન આવી શકતા નથી એટલે કોઈ સારા-માઠા પ્રસંગે ગામ લોકોને માહિતી સમયસર પહોંચાડી શકાતી નથી. લેન્ડલાઇન ફોન પણ બંધ છે. આમ આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. બીજું કરલા ગામ ભાવનગર જિલ્લાની હદમાં આવે છે, તાલુકો જેસર આવે છે, પણ સંસદીય મત વિસ્તારની દૃષ્ટિએ ગામ અમરેલી સાંસદના કાર્યક્ષેત્રમાં આવે છે. આમ વહીવટી દૃષ્ટિએ પણ મુશ્કેલી પડે છે.’

ગામના પૂર્વ સરપંચ કાથડભાઈ શીશારા કહે છે, ‘આજે સસ્તા અનાજની દુકાનમાં રાશન લેવા માટે કાર્ડધારકનો અંગૂઠો લગાવવો ફરજિયાત થઈ ગયો છે અને આ સુવિધા ઇન્ટરનેટ આધારિત છે. ગામમાં નેટ કનેક્શન મળતું નથી. એટલે રેશનિંગની દુકાનેથી માલ લેવામાં પણ મોટી મુશ્કેલી ઊભી થાય છે. આ તો ઇન્ટરનેટ આધારિત એક સુવિધાની વાત છે. હાલ તો મોટા ભાગની સરકારી સુવિધાઓ ઓનલાઇન થઈ ગઈ છે. તેનો કોઈ લાભ ગામ લોકો લઈ શકતા નથી. શાળા અને પંચાયતમાં કોમ્પ્યુટર અપાયું છે, પણ નેટ વગરનું કંઈ કામનું નથી. ગામના કેટલાક યુવાનો કહે છે આજે આંગળીના ટેરવે બધી માહિતી મળતી થઈ ગઈ છે, પણ અમારા ગામના યુવાનો માટે અચ્છે દિન હજુ આવ્યા નથી. કવરેજ ન મળવાથી મોબાઇલ અમારે તો ગેઇમ રમવાના કામમાં આવે છે. ગામમાં લોકો ટોળે વળીને મોબાઇલ કવરેજ મેળવવા મથતા જોવા મળતા હોય તેવાં દ્રશ્યો તો સામાન્ય બની ગયાં છે. હાલ લેપટોપનો જમાનો છે ત્યારે કરલા ગામના યુવાનો મોબાઇલમાં નેટ કનેક્ટિવિટી મેળવી શકતા નથી. ગામના કેટલાક યુવાનો તો લેપટોપમાં નેટ કનેક્શન મેળવવા ગામથી દૂર રોડ પર જઈને બાઇક પર લેપટોપ રાખીને મથતા હોય છે.’

કરલા ગામમાં આહીર સમાજની વસતી વધારે છે. ગામ લોકો કહે છે, ભાવનગર જિલ્લાનું આ છેવાડાનું ગામ છે. નેતાઓ ચૂંટણી સમયે ગામમાં આવે છે. સુવિધાનાં વચનો આપીને જતાં રહે છે, પણ પછી કોઈ કાંઈ કરતું નથી. ગામમાં બસ સ્ટેન્ડ પણ ધૂળ ખાતું છે, બસની સુવિધા નથી, રોડ ખરાબ છે,  પાણીના પ્રશ્નો છે. કરલા ગામ ધારાસભ્ય તરીકે ગારિયાધાર-શિહોરની સીટમાં આવે છે. કેશુભાઈ નાકરાણીનો મતવિસ્તાર આવે છે જ્યારે સાંસદ તરીકે અમરેલીના નારણભાઈ કાછડિયાના મત વિસ્તારમાં ગામ આવે છે અને તાલુકો જેસર લાગુ પડે છે. વિકાસની ચારે કોર ચર્ચાઓ થાય છે. શાસકો વિકાસ અને પ્રગતિની વાતો કરે છે, પણ આ ગામની મુલાકાત લઈએ તો વિકાસ ક્યાંય પણ નજરે ચડતો નથી!
———————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »