તમારા માટે, તમારી સાથે, સતત…

માનવીય પ્રવૃત્તિના કારણે વિસ્તરી રહેલું કચ્છનું રણ

કચ્છમાં મીઠાના અગરો, રાસાયણિક કારખાનાઓના કારણે જમીનનું પ્રદૂષણ વધે છે

0 658

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

એક જમાનામાં જ્યાં પાણી લહેરાતા હતા ત્યાં કુદરતી અવકૃપાના કારણે કચ્છનું મીઠાનું રણ સર્જાયું. જેથી કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ તો બદલાઈ જ સાથે-સાથે આર્થિક સ્થિતિ પણ બદતર બની. કુદરત કચ્છનું રણ વિસ્તારતી નથી, પરંતુ વિકાસના નામે વિનાશ વેરતા માનવીના કારણે રણ આસપાસની સારી જમીન પણ ધીરે-ધીરે ખરાબ થઈને રણમાં પરિવર્તિત થઈ રહી છે. 

કચ્છમાં મીઠાના અગરો, રાસાયણિક કારખાનાઓના કારણે જમીનનું પ્રદૂષણ વધે છે. તેમ જ રણની આસપાસની વનસ્પતિનો ચારિયાણ કે બળતણ માટે સોથ વળાયો છે. નવી વનસ્પતિના ખૂબ જ ઓછા વાવેતરના કારણે સારી જમીન આજે ખારી બની રહી છે. જો સમયસર આ માટે પગલાં નહીં ભરાય તો કચ્છના રણ જેવી જમીનનો વ્યાપ વધી જશે, ફળદ્રુપ જમીનનો નાશ થશે. રણ આસપાસની જમીનની ખારાશ ઘટાડવા વૈજ્ઞાનિકો પ્રયોગો કરી રહ્યા છે, પરંતુ તેને જોઈએ તેટલું પ્રોત્સાહન મળતું નથી. સરકાર રણમાં ફેરવાતી જમીનને અટકાવવા મોટા પ્રોજેક્ટ પણ હાથ ધરતી નથી. વનસ્પતિના વાવેતરનું, તળાવ, પાળા બનાવવાનું કામ કરાય છે, પરંતુ તે ખૂબ જ ઓછું છે.

સફેદ રણના નામે ઓળખાતા કચ્છના રણનો પરિચય રણઉત્સવના કારણે સામાન્ય લોકોને થયો છે, પરંતુ સામાન્ય લોકોની કલ્પનામાં જેવું રણ હોય તેવું કચ્છનું રણ નથી. નથી અહીં રેતી કે નથી અહીં ઢૂવા. અહીં સર્વત્ર છે માત્ર બરફ જેવું દેખાતું મીઠું. આથી જ કચ્છના રણને અંગ્રેજીમાં ‘ડેઝર્ટ’ કહેવાના બદલે ‘રણ’ જ કહેવામાં આવે છે. કુદરતી પ્રક્રિયાથી આ રણ વિસ્તરતું નથી ઉલ્ટાનું રણની જમીન નવસાધ્ય બનાવવામાં કુદરતની વિવિધ પ્રક્રિયા મદદરૃપ થાય છે, પરંતુ માનવીય પ્રવૃૃત્તિના કારણે રણ આસપાસની ફળદ્રુપ જમીન પણ ખારી, બિનઉપજાઉ થઈ રહી છે. જેને એક રીતે તો રણ વિસ્તરી રહ્યું છે તેમ કહેવામાં કશું ખોટું નથી. રણના કાંઠે ઊગતી વનસ્પતિનું જતન કરવાના બદલે તેનો આડેધડ કરાયેલો ખાત્મો, મીઠાના અગરો, કેમિકલ કંપનીઓ, અન્ય મોટાં કારખાનાંઓ, વધતું જમીન પ્રદૂષણ અને ભૂતળના પાણીનું પ્રમાણ બહાર ખેંચવું વગેરેના કારણે રણ આસપાસની જમીન ધીરે-ધીરે વધુ ખારી થઈ રહી છે. આ જો અટકાવવામાં નહીં આવે તો જમીનની ગુણવત્તા ખરાબ થવામાં બહુ સમય નહીં લાગે તેવી ભીતિ છે.

૨૩૩૧૦ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું કચ્છનું રણ બે ભાગે વહેંચાયેલું છે. મોટું રણ અને નાનું રણ. કચ્છના રણની ઉત્પત્તિ માટે હજારો વર્ષથી ચાલતી આવતી ભૂસ્તરીય, પર્યાવરણીય ઘટનાઓ જવાબદાર છે. અત્યારે જ્યાં રણ છે ત્યાં સદીઓ પહેલાં સમુદ્રના પાણી લહેરાતા હતા. આ વિસ્તારમાં બંદરો હતા તેવા અવશેષો પણ મળી આવ્યા છે. લંગરોના અવશેષો, દરિયાકિનારે ઊગતી ચેરિયા (મેન્ગ્રુવ્ઝ) જેવી વનસ્પતિના અવશેષો, પથ્થરો પર જામી ગયેલા સામુદ્રિક શંખલાના અવશેષો જોવા મળે છે. એવું મનાય છે કે કચ્છની ઉત્તરે સમુદ્રની પટ્ટી જમીનમાં ઘૂસી આવેલી હશે.

ઋગ્વેદીય કાળમાં અહીં સિંધુ, સરસ્વતી જેવી હિમાલયની નદીઓ વહેતી હતી. આ નદીઓના અશ્મિભૂત અવશેષો પણ મળે છે. આ નદીઓ હાલના કચ્છના રણના વિસ્તારમાંથી વહીને દરિયાને મળતી હતી. દરિયા ઉપરાંત નદીઓએ લાવેલા કાંપથી આ પ્રદેશ બંધાયો હોવાની સંભાવના છે. સિંધુ નદીના પ્રવાહમાં થયેલા ફેરફારો રણની રચના માટે મહત્ત્વના સાબિત થયા છે. સિંધુ અત્યારે છે તેના કરતાં દૂરના ભૂતકાળમાં પૂર્વ તરફ વહેતી હતી અને કચ્છના પ્રદેશને ફળદ્રુપ કરતી હતી, પરંતુ તે ધીરે-ધીરે પશ્ચિમ તરફ ખસતી ગઈ, તેની સાથે સંબંધ ધરાવતી અન્ય નદીઓના વહન માર્ગમાં પણ ફેરફાર થયા. તેના પરિણામે સિંધુ નદીનો એક કોરો ફાંટો જ નહિવત્ પાણી વહન કરતો રહ્યો હતો.

Related Posts
1 of 319

૧૮મી સદીમાં સિંધના અમીર ગુલામશાએ ઝારાની લડાઈ પછી આ પાણી કચ્છમાં આવતું અટકાવવા બંધ બાંધ્યો અને ત્યાર પછી ૧૮૧૯માં આવેલા ભૂકંપના કારણે સિંધુ નદી જ્યાંથી વહેતી હતી તે સિંધડીના પ્રાચીન કિલ્લા અને બંદર પાસેની લગભગ ૩૨૦૦ ચો.કિ.મી. જમીન મૂળ સપાટીથી ૧૨થી ૧૫ ફૂટ ઊંડે ઊતરી ગઈ. ત્યાં દરિયાનું પાણી ફરી વળ્યું, તે સાથે જ રહીમ કી બજારથી લૂણા તરફ અને લખપતથી પચ્છમ તરફ ૧૮ ફૂટ ઊંચા, ૮૦ કિ.મી. લાંબા અને ૧૫થી ૨૫ કિ.મી. પહોળા એવા લગભગ ૯૬૦ ચો.કિ.મી.ના વિસ્તારનો જમીન પટ્ટો ઊંચકાઈ ગયો અને અલ્લાહ બંધ સર્જાયો. તેના કારણે કચ્છને મળતું સિંધુનું પાણી કાયમ માટે બંધ થઈ ગયું. આમ પાણી વિહોણી બની ગયેલી જમીન ધીરે-ધીરે સુકાતા તેનું સપાટ અને શુષ્ક રણમાં રૃપાંતર થયું હોવાની સંભાવના છે. હાલમાં સિંધ અને કચ્છ વચ્ચે રણનો આ પટ્ટો આવેલો છે.

કચ્છના ઇતિહાસવિદ્ સ્વ. રામસંગજી રાઠોડના પુસ્તક ‘કચ્છ સંસ્કૃતિ દર્શન’માં કરાયેલા ઉલ્લેખ મુજબ રણનો સાધારણ ઢાળ પૂર્વથી પશ્ચિમ તરફનો છે. આ ઢાળ ખૂબ જ અલ્પ છે. ચોમાસા દરમિયાન અહીં અંદાજે ૧૨ ઇંચ જેટલું પાણી પડી જાય છે. આ પાણી રણમાં બધે ફરી વળે છે. ઉપરાંત રણમાં ઠલવાતી નદીઓના પાણી પણ ચોમાસામાં આવે છે. ઢોળાવ ખૂબ જ અલ્પ હોવાના કારણે આ પાણી દરિયામાં વહી જતું નથી, પરંતુ ચોમાસા દરમિયાન અહીં ફૂંકાતા નૈઋર્ત્યના પવનના જોરે સમુદ્રના પાણીની સપાટી સહેજ ઊંચી ચડે છે ત્યારે કચ્છના અખાત અને કોરી ક્રિકમાંથી અરબી સમુદ્રનું પાણી રણમાં આવી જાય છે. આ પાણી વરસાદી પાણી સાથે ભળે છે. પાણી સુકાઈ જાય ત્યારે સ્ફટિક જેવા મીઠાના થર બાઝે છે. દર વર્ષે થરમાં ઉમેરો થતો જાય છે. આ પ્રક્રિયા સદીઓ સુધી થતી રહી છે જેથી કચ્છનું મીઠાનું રણ સર્જાયું છે.

સદીઓથી સર્જાયેલું આ રણ પોતાની રીતે વિસ્તરતું નથી, પરંતુ કુદરતી પ્રક્રિયા તો તેનો ઘટાડો કરવામાં મદદરૃપ થાય છે. રણમાં ઠલવાતી નદીઓ, વહેળા અને વોકળાના પાણી સાથે ઢસડાઈ આવતો કાંપ રણમાં પથરાય છે. સામાન્ય નજરે તેની કોઈ વિશેષ અસર જણાતી નથી, પરંતુ કુદરતની આ ક્રિયા વણઅટકી ધીમી ગતિએ ચાલ્યા જ કરે છે. જો આ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે તો આવી રીતે રણમાં રહેલા મીઠાના થર પર કાંપના થર પથરાતા જશે. કાળક્રમે આ ભાગ સમુદ્ર સપાટીથી ઊંચો થતો જશે. નદી, વોકળાના કિનારા બંધાતા જશે. તેથી સમુદ્રનું ખારું પાણી રણમાં આવતું અટકશે. સેંકડો વર્ષોની પ્રક્રિયા પછી નવી બંધાયેલી જમીનની ખારાશ ઘટશે અને તેની ફળદ્રુપતા વધશે.

કુદરતે તો ભૂકંપના કારણે સિંધુનું પાણી કચ્છને મળવું બંધ થવાના કારણે સર્જાયેલું રણ ફરી ફળદ્રુપ કરવા માટે પ્રયત્નો આદર્યા છે, પરંતુ આજનો માનવી વિકાસના નામે વિનાશના પંથે આગળ વધે છે અને કુદરતી પ્રક્રિયા ખોરવી નાખે છે.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ ઍન્વાયરોમૅન્ટ સાયન્સ વિભાગના વડા પ્રો. મહેશ ઠક્કર કહે છે, ‘કચ્છનું રણ દરિયામાંથી ઉપસી આવેલી જમીનનું બન્યું છે. વૈદિક સમયમાં વહેતી સિંધુ અને સરસ્વતી નદી સમુદ્રને જ્યાં મળતી હતી તે ખાડી વિસ્તાર ત્રણ બાજુએથી જમીનથી ઘેરાયેલો હતો. એક બાજુ કોરીક્રીક હતી. નદીઓ આ વિસ્તારમાં કાંપ ઠાલવતી હતી. અહીં ચેરિયાનાં જંગલો હતાં. દરિયામાંથી ઉપસી આવેલી જમીન પાસે દરિયાનું પાણી આવે છે, પરંતુ તે પાછું જવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ. પશ્ચિમ ભાગમાં દરિયાનું પાણી વધુ આવે છે. પૂર્વ ભાગમાં તે નથી આવતું. આ વિસ્તાર એક જમાનામાં નદી અને દરિયાનું સંગમ સ્થાન હતો. વેદમાં તેને સિંધુ સાગર નામથી ઓળખાવાયો છે. અહીં તે સમયે છીછરું પાણી હતું. નાના તરાપા અને બોટ ચાલી શકતી હતી. આજનું નળ સરોવર એ સિંધુ સાગરનો બાકી બચેલો એક ભાગ જ છે. અલ્લાહ બંધ રચાયા પછી સિંધુના પાણી મળતા બંધ થયા બાદ રણની રચના વેગવંતી બની, પરંતુ હવે આ રણ કુદરતી રીતે આગળ વધતું નથી. નાના રણનો અમુક વિસ્તાર ચોબારી, મનફરા, કડોલ, શિકરા કે એકલના રણ અને જમીન તરફનો પટ્ટો આજે પણ ફળદ્રુપ પ્રદેશ છે, પરંતુ આ વિસ્તારમાં વધેલા મીઠાના અગરોના કારણે સારી જમીનની ખારાશ વધે છે. જમીન નીચેનું ખારું પાણી પણ પોતાની અસર કરે છે. તેમ જ જમીનની ઉપરના ભાગમાં પણ અગરોના કારણે જમીનની ગુણવત્તા બગડી રહી છે. મોટા રણમાં પણ બ્રોમીનનાં કારખાનાં છે. કુદરતી રીતે જે જમીન ધીરે-ધીરે સારી બની રહી હતી તે આવા કારખાનાના કારણે વધુ ખારી બની ગઈ છે. જમીનની ખારાશ વધી રહી છે. રણના કિનારાના વિસ્તાર વધુ ખારા થઈ રહ્યા છે. તેને જ રણ વિસ્તરવાની નિશાની ગણી શકાય.’

આ રિપોર્ટિંગની વધુ વિગતો માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો…

Leave A Reply

Your email address will not be published.

Translate »