તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા પરથી સરકારની પક્કડ કેમ ઢીલી પડી?

એસ.પી. કક્ષાના અધિકારીઓ કૌભાંડમાં સામેલ

0 249

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ બની રહી છે તે સલામત ગુજરાતની ઈમેજને ધક્કો પહોંચાડી રહી છે. કાયદાની રખેવાળીની જવાબદારી હોય છે એ આઈપીએસ અધિકારીઓ જ આરોપીના કઠેડામાં આવી રહ્યા છે. સવા છ કરોડની જનતા સલામત અને શાંત ગુજરાત ઝંખે છે ત્યારે સરકારે તત્કાળ અસરકારક પગલાંઓ લઈ રાજ્યની છબીને થતું નુકસાન અટકાવવું પડશે.

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પોલીસની ધાક ઓસરી રહી હોય તેવી એક પછી એક ઘટનાઓ બની રહી છે. બીટકોઇન જેવા ગંભીર મામલાએ તો પોલીસની આબરૃને લાંછન લગાડ્યું છે. જેના પર આખા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે એવા એસ.પી. કક્ષાના અધિકારીઓ આવા કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવે અને તેની ધરપકડ થાય તે ઘટના પોલીસની આબરૃને ધક્કો પહોંચાડે છે. બીટકોઇન કૌભાંડમાં અમરેલીના એસ.પી. જગદીશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વાત માત્ર આટલેથી અટકતી નથી. જામનગરમાં સરાજાહેર રસ્તા પર એક વકીલની છરીના ઘા ઝીંકીને ક્રૂર રીતે હત્યા કરવામાં આવે છતાં આરોપીઓ પકડાય નહીં. શરમજનક તો એ છે કે મોરબીમાં એક અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરવાની ઘૃણાસ્પદ ઘટના ઘટી છે. થોડા દિવસ પહેલાં દ્વારકામાં ૭ વર્ષની એક બાળા પર બળાત્કારની ઘટના બહાર આવી હતી. લૂંટ, બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, વ્યાજખોરોનો આતંક જેવી ઘટનાઓમાં ચિંતાનજક રીતે વધારો થયો છે. સુરત, અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે તે સલામત ગુજરાતના દાવાને ખોખલો સાબિત કરે છે. ગુજરાતનાં શહેરોની ઇમેજ એવી છે કે રાતે બે વાગ્યે પણ અમદાવાદ, વડોદરા કે રાજકોટમાં મહિલાઓ રોડ પર કોઈ ડર વિના નીકળી શકે છે, પણ આજનો માહોલ હવે આવો રહ્યો નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં રાખવામાં સરકારની પક્કડ  ઢીલી પડી હોવાની જે ઘટનાઓ બની રહી છે તેના પરથી અનુમાન લગાવી શકાય છે. સરકાર બચાવ માટે કારણો આપતી હોય છે, પણ પ્રજાને આવાં કારણોમાં નહીં, નક્કર પરિણામમાં રસ હોય છે. વિપક્ષ પણ આવા મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે.

Related Posts
1 of 269

રાજ્યમાં ૧ લાખની વસતી દીઠ ૧૯૪   પોલીસમેન હોવા જોઈએ, પણ તેની સામે માત્ર ૧ર૦ છે. આમ ૪૯ની ઘટ છે. નાગાલેન્ડ જેવું રાજ્ય આ બાબતમાં ગુજરાત કરતાં સારી સ્થિતિ ધરાવે છે. ભારતમાં પોલીસના સંખ્યાબળમાં ગુજરાતનો ક્રમ ર૧મો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કથળી છે તે ગૃહ વિભાગના આંકડા જ બતાવી રહ્યા છે. રાજ્યમાં રોજ આશરે ત્રણ હત્યા, ત્રણ હત્યાના પ્રયાસ અને ૧૮ આત્મહત્યાના ગુનાઓ બની રહ્યા  છે. છેલ્લાં બે વર્ષમાં રર૧૧ જેટલી હત્યાની ઘટનાઓ અને રર૧પ હત્યાના પ્રયાસોની ઘટનાઓ ચોપડે નોંધાઈ છે. ડાયમન્ડ સિટી સુરત સલામત નથી. સુરત હત્યાના બનાવોમાં મોખરે છે. સુરતમાં છેલ્લા એક વર્ષમાં ર૬૭ ખૂનની ઘટનાઓ બની છે. અમદાવાદની વાત કરીએ તો એક વર્ષમાં ર૪૧ જેટલી હત્યાઓની ઘટનાઓ બની છે. રાજ્યમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓમાં ચિંતાનજક રીતે વધારો થયો છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો એક વર્ષમાં ૪૭૯ દુષ્કર્મની અને એક હજાર જેટલી છેડતીની ઘટનાઓ ઘટી છે. શાંત રાજ્યની ઇમેજ ધરાવતા ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪૮૦૦ બાળકો ગુમ થયાં તેમાંથી ૧પ૦૦ બાળકોનો હજુ પત્તો નથી.

કયા પક્ષની સરકાર છે? અગાઉની સરકારોમાં પણ આવી ઘટનાઓ બનતી હતી, આવા રાજકીય નિવેદનોમાં લોકોને રસ નથી. ગુજરાતની પ્રજા શાંત, સમૃદ્ધ અને સલામત ગુજરાત ઝંખે છે. ગુજરાતને બીજું બિહાર બનતું અટકાવવામાં રસ છે. સત્તાધીશોએ પ્રજાની આ લાગણીને સમજવી પડશે!

—————————.

નિયમિત રીતે સાંપ્રત ગુજરાત રાજ્યની રાજકીય ઘટનાઓ પર ત્વરિત વિશ્લેષણ વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »