તમારા માટે, તમારી સાથે, સતત…

કથા દેશપ્રેમના ખળભળતા સમુદ્રની…

ગાંધીજીની નજરે તેઓ 'લૂંટફાટ કરનારા પથભ્રષ્ટ યુવકો' હતા

0 294

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

કાકોરી! કાકોરી!!
દેશ આખાને આ ઘટનાએ હલબલાવી મુક્યો હતો. ૯મી ઑગસ્ટ, ૧૯રપની સાંજે કાકોરીથી આલમબાગ લખનૌ તરફ જતી ટ્રેનને અધવચ્ચે રોકીને, ‘રેલવેનો ખજાનો’ લૂંટવામાં આવ્યો. મુસાફરોને કહેવામાં આવ્યું કે, ‘તમે બધા સુરક્ષિત છો, અમે તો બ્રિટિશરોએ આપણા લોહીને ચૂસીને જે પૈસા બનાવ્યા છે તે દેશભક્તિના કામમાં વાપરવામાં આવે એ હેતુથી ધાડ પાડવા આવ્યા છીએ!’ લોકો પોતાના ડબ્બામાં, બારીઓ બંધ કરીને બેઠા રહ્યા. બહાર હથોડાના ઘા સંભળાતા હતા. એ જ સમયે બાજુના પાટા પરથી લખનૌ-શાહજહાંપુર ગાડી નીકળી. રપ મિનિટમાં તખતો સંકેલાયો. રેલવેની તિજોરી લૂંટી લેવામાં આવી હતી. ગાડી લખનૌ પહોંચી ત્યારે જ બધાને ખબર પડી.

અરે, બંદૂકધારી અંગ્રેજ સૈનિકો પણ આ ગાડીમાં સફર કરી રહ્યા હતા! છાપાંઓમાં આવ્યું, રપ-૩૦ લોકો નકાબ બાંધીને આવ્યા હતા, ખાખી પોશાક હતો અને ટ્રેન રોકી, લૂંટી. મુસાફરોએ કહ્યું, ‘બંગાળી દેશભક્તોનું આ સાહસ છે!’

આ કાંઈ ઉતાવળે આવેશમાં ઘટના નહોતી બની. અસહકાર આંદોલન નિષ્ફળ ગયા પછી પ્રજામાં ફેલાયેલી હતાશાને નિવારવા દેશ વ્યાપી સંગઠનો શરૃ થયાં. તેમાં અનુશીલન સમિતિ બંગાળે આપી. બીજું ‘યુગાન્તર’ અને ત્રીજું ‘ભારતીય પ્રજાતંત્ર સંઘ.’ તેની એક કેન્દ્રીય સમિતિ હતી. ચંદ્રશેખર આઝાદ સેનાપતિ બન્યા. ગુપ્ત છાપખાનું ખૂલ્યું. તાલીમ શરૃ કરવામાં આવી. હથિયારો એકઠા કરવા માટે નાણાની જરૃરત હતી. વિપ્લવીઓને નાણાની મદદ કોણ કરે? એટલે સરકારી ખજાના લૂંટવાનું નક્કી થયું. એક પંથ, દો કાજ. નાણા મળે અને દેશ આખામાં ખબર પડે કે ક્રાંતિ

પ્રવૃત્તિ ખલાસ થઈ નથી, અવિરત ચાલુ છે. દરેક કાર્યકર્તાએ અધ્યયન કરવું અનિવાર્ય હતું. સંગઠન માટે નાનકડા ગામ સુધી જઈને લોકસંગ્રહ કરવાનો આગ્રહ રહેતો. ગામનો નકશો તેણે પૂરેપૂરો જાણી લેવાની સૂચના હતી.

પહેલી બેઠક ૩ ઑક્ટોબર, ૧૯ર૪ના મળી, કાનપુરમાં. પછી વિસ્તાર નક્કી થયા. બનારસ, મિરઝાપુર, ગાજીપુર, બલિયા, આઝમગઢ, બસ્તી, ગોરખપુર, ઝાંસી, બાંદા, કાનપુર, રાયબરેલી, ઉન્નાવ, અલીગઢ, અનુપશહર, મેરઠ, અલમોડા, દહેરાદૂન, બિજનૌર, બદાયુ, મુરાદાબાદ, નૈનીતાલ, અલમોડા, લખીમપુર, સીતાપુર, હરદોઈ, ફૈઝાબાદ, ગઢવાલ, બહરાઈચ, બારાબંકી, ગોંડા, સુલતાનપુર એમ સર્વત્ર સંગઠનની જાળ બિછાવવામાં આવી. વિજયકુમારની સહીથી એક દીર્ઘ અપીલ બહાર પાડી.

કોણ હતા આ ધાડપાડુઓ? પોલીસ વિભાગ માટે અને ગાંધીજીની નજરે તેઓ ‘લૂંટફાટ કરનારા પથભ્રષ્ટ યુવકો’ હતા, શાહજહાંપુરથી રેલમાં ૮ ડાઉન પેસેન્જર ગાડીમાં શચીન્દ્રનાથ બક્ષી, રાજેન્દ્રનાથ લાહિડી અને અશફાકઉલ્લા ચઢ્યા. બીજા વર્ગની ટિકિટ લીધી અને બીેજા સાથીદારો વ્યૂહરચના પ્રમાણે- તૃતીય વર્ગના મુસાફરો બન્યા. કરન્સીની તિજોરી અને હથિયારબંધ સૈનિકો તેમાં હતા. ગાડી આગળ ચાલી, સાંકળ ખેંચતા રોકાઈ અને… એક યુવકે ગાર્ડને પિસ્તોલ તાકી. પેલો શરણે થયો. બીજાએ એન્જિન ડ્રાઇવરને પકડ્યો. બે લોકોએ બ્રેકવાનમાં જઈને લોખંડનો પટારો ઉપાડ્યો, બહાર લાવ્યા, મજબૂત શસ્ત્રોથી તોડ્યો, બાકી બધા જુદા-જુદા ડબ્બાની આસપાસ બંદૂક તાકીને ફરતા રહ્યા.

સમગ્ર ‘ઑપરેશન’ના નેતા હતા પંડિત રામપ્રસાદ બિસ્મીલ્લ. મુકુન્દીલાલ અને અશફાકે હથોડા મારીને પટારો તોડ્યો. થેલાઓમાં નાણા લઈને નીકળ્યા. વ્હીસલ થઈ. ટ્રેન આગળ ચાલી. ક્રાંતિકારો નીચે થેલા લઈને નદી કિનારે. નાણા એકઠા કરીને થેલાઓને નદીમાં વહેતા કરી દીધા; જાઓ તમારું કામ પૂરું થયું!

કાકોરીને દેશ જાણતો નહોતો, નામ જગજાણીતું થઈ ગયું.

સપ્ટેમ્બરમાં ગુપ્તચર તંત્રે દોડધામ મચાવી દીધી. શાહજહાંપુરથી રામપ્રસાદ બિસ્મિલ, બનારસીદાસ કોકાશ, હરગોવિંદ, પ્રેમકૃષ્ણ ખન્ના, ઇન્દુભૂષણ મિત્રા, મદનલાલ, રોશનસિંહ પકડાયા. બનારસમાં સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય, દામોદરસ્વરૃપ શેઠ, રામનાથ પાંડે, મન્મથનાથ ગુપ્તા, ડી.ડી. ભટ્ટાચાર્ય, ઇન્દ્રવિક્રમ સિંહ.

કેવાં કેવાં પાત્રો આ સાહસકથામાં સામેલ હતા? માત્ર સાહસિક નહીં, સમર્પિત પણ. શચીન્દ્રનાથ વિશ્વાસ, ગોવિંદચરણ કોર, વીરભદ્ર તિવારી, રામદુલારે ત્રિવેદી, શિતલાસહાય, ચંદ્રધર જૌહરી, બાબુરામ વર્મા, જ્યોતિશંકર દીક્ષિત, હરનામસુંદર, મોહનલાલ ગૌતમ, શરદચંદ્ર ગુહા, કાલિદાસ બોઝ, રાજકુમાર સિંહા, રામકૃષ્ણ ખત્રી, પ્રણયેશ ચેટરજી, ભૂપેન્દ્રનાથ સાન્યાલ, મુકુન્દીલાલ, બનવારીલાલ.

યાદી તો અધૂરી જ છે. કંઈ કેટલા ગુમનામ. અનસંગ હીરો. કાકોરી કેસ શરૃ થયો ૪ જાન્યુઆરી, ૧૯ર૬ના દિવસે. મુખ્ય- સ્પેશિયલ જજ- ન્યાયાધીશ હતા સૈયદ અઈનુદીન. સરકારે જગતનારાયણ મુલ્લાને અને હરિશ્ચંદ્ર ગુપ્તને સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા. આનંદનારાયણ મોટા વકીલ હતા, પહેલાં ક્રાંતિકારો માટે લડવાના હતા, પણ નાણા વધારે મળ્યા એટલે સરકારી વકીલ બન્યા. નહેરુ-પરિવારના મિત્ર હતા, તેમના વારસદાર આનંદનારાયણ મુલ્લા તો કેન્દ્રની સાહિત્ય અકાદમીના પ્રમુખ બન્યા હતા અને હોંશ-હોંશે આપણા ભારતીય લેખકો તેમના વરદ હસ્તે પારિતોષિક લઈ આવ્યા હતા. ગુજરાતી સાહિત્યકાર તેમાં બાકાત નહોતા. સરકારી વકીલમાં પિતા-પુત્ર (આનંદનારાયણ અને જગતનારાયણ તેમજ હરિશ્ચંદ્ર ગુપ્ત) ત્રણેને ૭પ૦ રૃપિયા રોજના મળતા હતા. વિપ્લવીઓના વકીલો હતા, ગોવિંદવલ્લભ પંત, મોહનલાલ સક્સેના, ચંદ્રભાણ ગુપ્ત, અજિતપ્રસાદ જૈન, બી.કે. ચૌધરી… બધા સમર્પિત ધારાશાસ્ત્રીઓ, જેલમાં અખાડો ખોદ્યો, કોર્ટમાં ગીતો ગાયાં, બેડી બાંધી તો તેનો ખણખણાટ સંભળાવ્યો, બિસ્મિલને જેલમાંથી ફરાર કરાવવાની યોજના થઈ, તાશ-શેતરંજ-હાર્મોનિયમ- સિતારની મહેફિલ. ફાંસી તો મળે ત્યારે, જેલ પોલીસના જુલમ સામે ઝઝૂમ્યા, ધોલધપાટ લગાવી, માર ખાધો, ઉપવાસ કર્યા, એમાં જ વસંત ઋતુ આવી તો રાતોરાત ગીત તૈયાર કરવામાં આવ્યું ઃ

મેરા રંગ દે બસંતી ચોલા! માઈ, મેરા રંગ દે બસંતી ચોલા!
ઈસી રંગ મેં રંગ કે, શિવને મા કા બંધન

Related Posts
1 of 142

યહી રંગ હલ્દીઘાટી મેં ખૂલ કર કે થા ખેલા,
નવ વસંત મેં ભારત કે હિત વીરો કા યે મેલા!

(આ ગીતનાંયે આજ દિવસ લગી કેટલાં રૃપાંતર થયાં… ખરું મૂળ ગીત આ હતું, રચાયું હતું જેલની બેરેકમાં.)

બધાંને ખબર હતી આ આપણી છેલ્લી વસંત છે… એક નાટક પણ ભજવવામાં આવ્યું, ‘અછૂતોદ્વાર.’ તેમાં રામપ્રસાદે કલ્લુ ચમારની ભૂમિકા ભજવી હતી. ૬, એપ્રિલ, ૧૯ર૭ના દિવસે કાકોરી કેસનો ચુકાદો આવ્યો. સ્થાન લખનૌ રિંગ થિયેટર. ૧૯૯૦માં ડૉક્ટર રામ મનોહર લોહિયાની ૯૦મી જન્મ જયંતી ઊજવવા માટે જ્યોર્જ ફર્નાન્ડિઝે રાષ્ટ્રીય સમિતિ બનાવી તેમાં હું રાષ્ટ્રીય મંત્રી હતો, સાથે જયા જેટલી. અકબરપુરમાં રાષ્ટ્રીય સંમેલન હતું તે પહેલાં અમે લખનૌ રોકાયા. ખ્યાતનામ લેખક મુદ્રારાક્ષસે અવધનો ઇતિહાસ નજરે બતાવ્યો તેમાં આ રિંગ થિયેટર જે કામચલાઉ અદાલત હતી- તે સ્થાન પણ હતું. ફેંસલા પૂર્વે જ ફાંસી ખોલી સાફ કરી લેવામાં આવેલી. બધાંએ સાથે ભોજન કર્યું, એકબીજાના મોંમાં પ્રેમપૂર્વક કોળિયા મુક્યા. વોર્ડરો રડી પડ્યા. શચીન્દ્રનાથે ચંદનની વાટકી લઈને બધાને તિલક કર્યું. રામદુલારે ત્રિવેદીએ અત્તરથી બેરેકને સુગંધિત કરી.

બેરેકથી અદાલત. રામપ્રસાદ બિસ્મિલ્લે પહાડી અવાજમાં સૂત્ર પોકાર્યું ઃ વન્દે માતરમ્! સૌએ તે ઉપાડી લીધું. સહસ્ત્રઘોષનો અહેસાસ જાણે! પછી ‘ભારત માતા કી જય!’ ફળ-ફૂલ-ફૂલમાળા-તિલક-ચંદન અને રામપ્રસાદના કંઠે ગીત ઃ

અપના ખૂન અપને હી હાથોં સે બહાના હૈ હમે
માદરે હિન્દ કો સર ભેટ ચઢાના હૈ હમે!

જેલ ફાટકે હજારો લોકો આ મસ્તીલાઓને નવાજવા એકઠા થયા હતા. પોલીસવાન તૈયાર હતી. સિપાહીઓએ પણ નમસ્કાર કર્યા. જેલથી અદાલત સુધીનો રસ્તો દેશપ્રીતિનાં ગીતોથી ગાજતો રહ્યો. રિંગ થિયેટરની સામે હઝરત ગંજ પર પોલીસવાન રોકાઈ. વાનમાંથી ઉતરતાવેંત બિસ્મિલનો કંઠ ગહેકવા માંડ્યો ઃ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલમેં હૈ!

રહબરે-રાહે મુહબ્બત રહ ન જાના રાહમેં
લજ્જતે-સેહરાને-વર્દી દૂરિ-એ-મંઝિલમેં હૈ,

આજ મક્તલમેં યહ કાતિલ કહ રહા હૈ બારબાર
ક્યા તમન્નાએ- શહાદત ભી કિસી કે દિલમેં હૈ!

અબ ન અગલે વલવલે હૈં ઔર ન અરમાનોંકી ભીડ
સિર્ફ મિટ જાનેકી હસરત અબ દિલે ‘બિસ્મિલ’મેં હૈ.

વક્ત આને પર બતા દેંગે તુઝે ઓ આસમાં,
હમ અભી સે ક્યા બતાયેં ક્યા હમારે દિલ મેં હૈ!

અદાલતમાં તમામ એક મોટા પીંજરામાં. કેટલાક નિસ્તબ્ધ. કેટલાક ખામોશ. કેટલાક બેકરાર, પણ ચહેરા પર દુઃખની લકીર નહીં. અદાલતના ખંડ પાસે ન્યાયાધીશની ગાડી આવી. જજનો તમામ સામાન બપોરે ઝાંસી જતી ટ્રેનમાં મોકલી દેવાયો હતો. ચુકાદો આપીને સીધા ઝાંસી-એકસપ્રેસમાં અને ત્યાંથી વિલાયત-ગમન કરશે. ન્યાયપીઠ પર આવ્યા, બેઠા અને દીર્ઘ ચુકાદો સંભળાવ્યો. કલમ ૧ર૧ અ, ૧ર૦ બ, ૩૯૬.

(ક્રમશઃ)

——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »