તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતમાં ‘મિશન ર૬’ને મોંઘવારીનો બમ્પ નડશે?

ભાજપને મિશન ર૬ને પાર પાડવું એ એક મોટો પડકાર

0 137

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ગોલ સેટ કરવાના પ્રયાસો શરૃ કરી દીધા છે. ભાજપ માટે ગુજરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે. ગત લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ ર૬ સીટ મેળવી હતી, પણ ર૦૧૯માં ભાજપના ‘મિશન ર૬’ને મોંઘવારી સહિતના મુદ્દાઓ નડશે? તેવા સવાલો પૂછાઈ રહ્યા છે.

વર્ષ ર૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વ્યસ્ત બની રહ્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાનમાંથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા એટલે ચૂંટણીનો રંગ જ જુદો હતો. ભાજપે ગુજરાતની તમામ ર૬ બેઠકો કબજે કરીને ઇતિહાસ રચ્યો હતો. જંગ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જામશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ગુજરાત હોમ સ્ટેટ છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં કોઈ કચાશ ન રહે તેવી ચૂંટણી ચોપાટ ગોઠવશે, પણ રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ભાજપને ગુજરાતમાં મિશન ર૬ને પાર પાડવું એ આસાન નહીં હોય. દરેક ગુજરાતી એવું જરૃર ઇચ્છે કે એક ગુજરાતી વડાપ્રધાન પદે યથાવત્ રહે, પણ બેઠકો જાળવી રાખવી એ મોટો પડકાર હશે અને તેનું મુખ્ય કારણ છે મોંઘવારીને નાથવામાં કેન્દ્ર કે રાજ્ય સરકારને ધારણા મુજબની સફળતા મળી નથી.

Related Posts
1 of 37

હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબ્યા છે. આમ આદમીનો સ્પર્શ કરતો આ વિષય છે. કેન્દ્રએ આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ ડેઇલી બેઇઝ પર પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ નક્કી કરવાની ઓઇલ કંપનીઓને છૂટ આપ્યા બાદ ભાવો વધ્યા છે. છેલ્લાં ચાર વર્ષમાં પેટ્રોલમાં ૧૩ અને ડીઝલમાં ૧૧ વખત ભાવો વધ્યા છે. પેટ્રોલનો એક લિટરનો ભાવ રૃ.૭૦ ક્રોસ કરી ચૂક્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે હવે મોટું અંતર રહ્યું નથી. સરકારને ભીડવવા વિપક્ષને આ એક હથિયાર મળી ગયું છે. પેટ્રોલના ભાવના મુદાને વિપક્ષ ઉછાળી રહ્યો છે. રાજ્ય સરકાર પણ વેટના દર ઘટાડીને પેટ્રોલિયમ પેદાશના ભાવ ઘટાડવા એટલા માટે તૈયાર નથી, કારણ કે વેટની આ ચીજો પર હજારો કરોડની આવક છે તે આવક ગુમાવવી પોષાય તેમ નથી. ગુજરાતમાં હાલ પેટ્રોલ – ડીઝલ પર ર૦ ટકા વેટ અને ૪ ટકા સેસ છે. આંકડા જોઈએ તો વર્ષ ર૦૧૬-૧૭માં ગુજરાત સરકારને વેટ અને સેસની મળીને રૃ.૧૧,૧૪૪ કરોડની રકમ મળી છે. વિપક્ષ હાલ આ મુદ્દાને ઉછાળી રહ્યો છે ત્યારે સળગતા પેટ્રોલ – ડીઝલના ભાવ આગામી ચૂંટણીઓમાં કોને દઝાડશે તે તો સમય જ કહેશે.

ગુજરાતમાં લોકોમાં રોષ હોય તેવો બીજો એક મહત્ત્વનો મુદ્દો શાળાઓની ફી વધારાનો છે. શાળાઓમાં ઊંચી ફી લઈને વાલીઓને લૂંટતા હોવાની ફરિયાદો બાદ રાજ્ય સરકારે ફી નિયમન માટે કાયદાઓ બનાવ્યા, પણ આ મામલો કાયદાની આંટીઘૂંટીમાં એવો અટવાયો છે કે તેનો લાભ ખરેખર વાલીઓને મળ્યો નથી. આ મુદ્દો રાજ્યમાં ભારે ચર્ચામાં છે. વિપક્ષ કોંગ્રેસ આ મુદ્દાને પણ ઉછાળીને શાસક પક્ષને ભીડવી રહી છે. વૅકેશનનો સમય છે, સાથે ઍડ્મિશનની પ્રક્રિયાઓ પણ હવે શરૃ થશે ત્યારે રાજ્ય સરકારે આ મામલે વહેલી તકે વ્યવહારુ ઉકેલ લાવીને લોકોનો રોષ હળવો થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગોમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. આ વખતે આકરા ઉનાળાની શરૃઆત થાય તે પહેલાંથી જ કૂવાઓ અને ડેમોનાં તળિયાં દેખાઈ ગયાં હતાં એટલે સ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને

સૌરાષ્ટ્ર-કચ્છનાં ગામડાંઓમાં નર્મદા આધારિત મળતાં પાણીના જથ્થામાં કાપ આવી રહ્યો હોવાથી પાણી સમસ્યા વધુ ઘેરી બની છે. ગ્રામ્ય વિસ્તારમાં રોષ છે ત્યારે તંત્ર માટે પણ આ ઉનાળો પસાર કરવો આકરો છે. આમ જુદી-જુદી સમસ્યાઓની સાથે ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિતના મુદ્દાઓ એવા છે કે ભાજપને મિશન ર૬ને પાર પાડવું એ એક મોટો પડકાર છે. જોકે સાથે હજુ સમય પણ છે, આ પડકારને પહોંચી વળવા માટે.

———–.

Leave A Reply

Your email address will not be published.

Translate »