તમારા માટે, તમારી સાથે, સતત…

બાળ બળાત્કાર માટે ફાંસીની જોગવાઈમાં વિસંગતિ પણ છે

સરકારે વટહુકમ તૈયાર કરવામાં ઉતાવળ કરી છે

0 176

રાજકાજ

માસૂમ બાળકીઓ પર બળાત્કારના વધતા જતા કિસ્સાઓને લક્ષમાં રાખીને અને તેની સામેના વ્યાપક જનાક્રોશના દબાણ હેઠળ કેન્દ્ર સરકારે પોક્સો કાનૂનમાં એક વટહુકમ દ્વારા સુધારો કરીને બાર વર્ષથી નાની વયની બાલિકા પર બળાત્કાર કરનારને મૃત્યુદંડ આપવાની જોગવાઈ કરી છે. આવા સુધારાને જન સામાન્યનો આવકાર મળે એ સ્વાભાવિક છે, પરંતુ આ સુધારા સામે અદાલતે કરેલી ટિપ્પણીને લક્ષમાં લઈએ તો એવું જણાય છે કે સરકારે વટહુકમ તૈયાર કરવામાં ઉતાવળ કરી છે. દિલ્હી હાઈકોર્ટે આ સંદર્ભમાં એવું કહ્યું છે કે સરકારે આ સુધારા અંગે વટહુકમ બહાર પાડતાં પહેલાં કોઈ સંશોધન કે અભ્યાસ કર્યો છે ખરો? સંભવતઃ અદાલત આ સુધારાને કારણે કાયદામાં ઊભી થનાર વિસંગતતા પ્રત્યે ધ્યાન દોરવા ઇચ્છે છે. ખરી વાત એ છે કે આવા કોઈ વટહુકમ બહાર પાડતાં પહેલાં કાનૂન મંત્રાલયે પૂરતા પ્રમાણમાં હોમવર્ક કરવું જોઈએ. આ વટહુકમમાં તેનો અભાવ વર્તાય છે. થોડો ગહન વિચાર કરતાં એવું પ્રતીત થાય છે કે આ વટહુકમ જમ્મુ-કાશ્મીરના કઠુઆ ખાતે આઠ વર્ષની બાલિકા પર થયેલા બળાત્કાર કાંડની આ ઉતાવળી પ્રતિક્રિયા છે. સરકાર કદાચ આવી સતત બનતી રહેતી ઘટનાઓને કારણે સર્જાતા જનાક્રોશને શાંત કરવા કડક સજાની જોગવાઈને એક ઉપાય તરીકે માનતી હશે, પરંતુ કાયદામાં કોઈ પ્રકારની જોગવાઈ કરવામાં આવે ત્યારે એ જોગવાઈ બંધારણ અને અદાલતની કસોટીએ ખરી ઊતરે તેવી હોવી જોઈએ. ૨૦૧૨માં ઘડાયેલા પોક્સો કાનૂનમાં અઢાર વર્ષથી ઓછી વયના કિશોરોને બાળક ગણવામાં આવ્યા છે.

જ્યારે વટહુકમ દ્વારા કરાયેલા સુધારામાં બાળકનું વર્ગીકરણ કરવામાં આવ્યું હોય તેમ ૧૨ વર્ષના બાળક સાથેના બળાત્કાર માટે મોતની સજા નક્કી કરવામાં આવી છે. મુદ્દો એ છે કે કાયદો આવા ભેદનો સ્વીકાર કરશે? ૨૦૧૨ની સાલમાં દિલ્હીમાં નિર્ભયા બળાત્કાર કાંડ બન્યો ત્યારે એવી માગણી થયેલી કે બળાત્કારીઓને મૃત્યુ દંડ અથવા આજીવન કારાવાસની સજા કરવી જોઈએ. સરકારે અત્યારે વટહુકમ દ્વારા ભલે પોક્સો કાનૂનમાં સુધારો કર્યો હોય, પરંતુ આ વટહુકમને જ્યારે સંસદમાં કાયદાનું સ્વરૃપ આપવા માટે પસાર કરવામાં આવશે ત્યારે ચર્ચામાં આ સુધારાની ક્ષતિઓ પણ ઉજાગર થશે અને સરકાર માટે એ ક્ષતિઓને દુરસ્ત કરવાની તક મળશે. દરેક બાબતમાં બનતું હોય છે તેમ આ વટહુકમ અંગે પણ ભિન્ન મત વ્યક્ત કરનારાઓ છે. બાળ અધિકાર કાર્યકરોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સરકારના નિર્ણયથી અપરાધીઓના મનમાં દહેશત તો સર્જાશે, પરંતુ એવું બનવાની સંભાવના પણ છે કે સજાના ભયથી પોલીસમાં ફરિયાદ જ નોંધાશે નહીં.

આવી દહેશત માટેનાં કારણો પણ છે. પહેલી વાત તો એ છે કે નાની બાળકી સાથેના બળાત્કારમાં મોટા ભાગની ઘટનાઓમાં પરિવારના સભ્યો જ સંકળાયેલા હોય છે. એ સ્થિતિમાં પરિવારના લોકો અપરાધીને સજા અપાવવા તત્પર હોય તો પણ મૃત્યુ દંડ આપાવવા તૈયાર થાય કે કેમ એ પ્રશ્ન રહે છે. એ સંજોગોમાં આ જોગવાઈ અસરકારક બનવાને બદલે આરોપીના છૂટકારાની શક્યતા વધારવાનું કામ કરશે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના પૂર્વ સભ્ય વિનોદ ટિક્કુ પણ આ દલીલ સાથે સંમત થાય છે. આમ એક સમસ્યાના નિવારણ માટે કયા પ્રકારના ઉપાય પ્રયોજવા એ નક્કી કરવાનું કામ સહેલું નથી અને એટલે જ આવી બાબતમાં ઉતાવળે કોઈ નિર્ણય લેવાનું પણ યોગ્ય જણાતું નથી. રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યુરોના અહેવાલ અનુસાર માસૂમો પરના બળાત્કાર અથવા યૌન ઉત્પીડનના બનાવોમાં ૯૦ ટકાથી વધુ કિસ્સામાં આરોપી પરિવારના નિકટના કે પરિચિત સંબંધી જ હોય છે. એ જ રીતે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સજાનું પ્રમાણ માત્ર ૨૪ ટકા છે. જ્યારે પોક્સો કાનૂન અંતર્ગત ૨૦ ટકા આરોપી જ દોષી પુરવાર થાય છે. મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે અપરાધને અદાલતમાં પુરવાર કરવાનું કામ પણ કપરું છે.

Related Posts
1 of 269

અલબત્ત, સરકારે એક સારો નિર્ણય એ કર્યો છે કે સેક્સ સંબંધી અપરાધ અંગે ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આવો ડેટાબેઝ કરનાર આઠ દેશોના સમૂહમાં હવે ભારત સામેલ થશે. જોકે કેટલાક લોકો સરકારના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે. આવી બાબતોમાં સરકારે વિરોધી સૂરો વચ્ચે આગળ વધવાની ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે.
———————–.

અધિકારીઓમાં કન્નડનું ઝનૂન
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તેમાં આજકાલ અધિકારીઓની જવાબદારી વધી ગઈ છે. ચૂંટણીને કારણે સરકારના કામકાજના પ્રચાર-પ્રસારની જવાબદારી સંભાળતા અધિકારીઓને હવે કન્નડ ભાષામાં ટ્વિટ કરવા પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે ગયા ત્યારે ત્યાં તેમણે લિંગાયત સંત બસવેશ્વરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં અધિકારીઓની ટીમ રાહ જોઈ રહી હતી કે વડાપ્રધાન પુષ્પાંજલિ અર્પણ કરે અને કન્નડમાં ટ્વિટનો સિલસિલો શરૃ થાય. એ જ પ્રકારે પ્રધાનોની કર્ણાટક સાથે સંકળાયેલી પ્રત્યેક કામગીરીની જાણકારી સોશિયલ મીડિયા પર કન્નડ ભાષામાં આપવામાં આવી રહી છે.
———————–.

એનડીએમાં નીતિશ-પાસવાનનો સમાંતર રાજકીય મોરચો
વર્ષ દરમિયાન કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને ક્યાંક પેટા ચૂંટણીઓનો સિલસિલો ભલે ચાલતો રહે, પરંતુ નાના-મોટા તમામ રાજકીય પક્ષો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખીને બધું આયોજન વિચારી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના રાજકીય ગઠબંધનો ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ સિવાયના ગઠબંધનના પ્રયાસ પણ ચાલે છે. આ બધાને સમાંતર રીતે યુપીએ અને એનડીએ ગઠબંધનના ઘટક પક્ષોમાં પણ આંતરિક સ્તરે કેટલાક પક્ષો પરસ્પર હાથ મિલાવીને લોકસભાની ચૂંટણીમાં તેમના હિસ્સે વધુ બેઠકો આવે એ માટેની વ્યૂહરચના વિચારી રહ્યા છે. જેમ કે નીતિશકુમાર અને રામવિલાસ પાસવાન એનડીએની અંદર જ પોતાનો એક મોરચો રચવાની દિશામાં કામ કરી રહ્યા છે. ઇરાદો એક જ – લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી વખતે ભાજપ સાથે સારી રીતે સોદાબાજી થઈ શકે. બિહારના આ બંને નેતાઓ આ ઉદ્દેશ માટે અત્યાર સુધીમાં ચાર વખત મળી ચૂક્યા છે. ભવિષ્યમાં પણ આ મુલાકાતોનો સિલસિલો ચાલતો રહેશે. બંને નેતાઓ તેમની ચૂંટણી સંભાવનાઓ અંગે ચિંતિત છે. આ બંને નેતાઓની યોજના એવી છે કે બિહારમાં ભાજપ સાથે બેઠકોની વહેંચણી દરમિયાન તેઓ વધુમાં વધુ બેઠકો મેળવી શકે, જેથી ચૂંટણી પછી રચાનારી સરકારમાં પણ તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. આ બંને નેતાઓ તેમની મતબેંકને પણ સંગઠિત કરવાના પ્રયાસમાં વ્યસ્ત બન્યા છે. દરમિયાન પાસવાનને ખુશ કરવા માટે નીતિશકુમારે બિહારમાં એક મહત્ત્વનો નિર્ણય કરીને સામાજિક યોજનાઓનો લાભ મેળવવા માટે બનાવાયેલ મહાદલિત વર્ગનો અંત લાવી દીધો છે. આ વર્ગમાં પાસવાન સમુદાય સામેલ ન હતો. હવે પાસવાન સાથે તમામ દલિતોને બિહાર સરકારની યોજનાઓનો લાભ મળશે.

———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »