તમારા માટે, તમારી સાથે, સતત…

આખરે ફરિયાદ સ્વીકારાઈ

'કિશુ, આ ડૂબતા સૂરજની સાખે કહું છું...

0 331

‘રાઇટ એન્ગલ’  નવલકથા – કામિની સંઘવી   કરણ- ૦૬

કશિશ તૈયાર થઈને ધ્યેયની ઑફિસે પહોંચી. ધ્યેયએ કશિશનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો. કશિશે પોતાનો નિર્ણય બદલ્યો છે કે નહીં તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કશિશ તેની વાતમાં મક્કમ હતી. તેના અવાજમાં રણકો હતો. તેથી ધ્યેયએ તેની જ ઑફિસમાં કામ કરતાં તેના જુનિયર રાહુલ આચાર્યને બોલાવ્યો અને કશિશ સાથે તેનો પરિચય કરાવ્યો. ધ્યેયએ કશિશને જણાવ્યું કે રાહુલ કશિશનો કેસ સંભાળશે. રાહુલ જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે કશિશને કામ કરવાનું કહ્યું. કશિશને ધ્યેયની આ વાત ગમી નહીં, પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આખરે રાહુલ અને કશિશ રજિસ્ટ્રાર પાસે ગયા. સોગનનામું રજૂ કરીને ફરિયાદ નોંધાવી. પોતાના પિતા અને ભાઈને કોર્ટમાં આરોપી તરીકે જોવામાં તેને કેટલી તકલીફ પડશે એવા વિચારમાત્રથી તે દુઃખી થઈ ગઈ. ધ્યેયએ આગળ વાત વધારતાં રાહુલ અને કશિશને કેસ ડિસ્કસ કરવાનું અને આગળની પ્રક્રિયા હાથ ધરવા કહ્યું. રાહુલે કશિશને મૅજિસ્ટ્રેટની સામે કેવી રીતે રજૂઆત કરવી તે જણાવ્યું. કશિશ અને રાહુલ કોર્ટરૃમમાં ગયાં. કોર્ટરૃમનો માહોલ જોઈને કશિશને આશ્ચર્ય થયું. ફિલ્મોમાં જેવી કોર્ટ બતાવવામાં આવે છે એનાથી તદ્દન વિપરીત માહોલ હતો કોર્ટરૃમનો. ઘણા બધા વકીલો જજની સામે ઊભા હતા. જજ એક પછી એક ઘણા બધા કેસ એકસાથે જોઈ રહ્યા હતા. કશિશના કેસનો નંબર આવ્યો. કશિશે તેની સાથે થયેલી છેતરપિંડીની રજૂઆત કરી. જજે કશિશની ફરિયાદ માન્ય રાખી અને કશિશના પપ્પા અને ભાઈને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું. ઘણી બધી અડચણો બાદ ફરિયાદ સ્વીકારાતા કશિશે રાહતનો શ્વાસ લીધો. ધ્યેય અને રાહુલને મળીને કશિશ ઘરે જવા નીકળી. રસ્તામાં તે કેવી રીતે પપ્પા અને ઉદયભાઈનો સામનો કરશે તેના વિચારો કરવા લાગી.           

હવે આગળ વાંચો…

——————-.

‘શું કરવું કે કૌશલ માની જાય?’ કશિશે પોતાની જાતને સવાલ પૂછ્યો.

અને તે સાથે જ કશિશને સવારે કૌશલ સાથે જે વાતચીત થઈ હતી તે યાદ આવી ગઈ. પોતે પોતાના ભાઈ અને પપ્પા સામે કોર્ટે ચડી છે એટલે કૌશલ ખુદ જ પોતાનાથી નારાજ છે. તો એ ક્યાં સાથ આપવાનો? કોણ જાણે કેમ પણ કશિશને હજુ પણ એની સિક્સથસેન્સ કહેતી હતી કે ભલે કૌશલ અત્યારે નારાજ હોય, પણ લાંબો સમય એનાથી નારાજ નહીં રહે તેવી એને ખાતરી છે. ભલે એ કશી મદદ ન કરે, પણ પોતે જે કરે છે તેમાં મેન્ટલ સપોર્ટ આપે તો પણ ઘણુ છે. કશિશને એને લગ્ન પહેલાંના દિવસો યાદ આવી ગયા.

એક જ ગામમાં રહેતાં હતાં એટલે લગભગ રોજ કૌશલ એને મળવા આવતો. ઍન્ગેજમૅન્ટના એક-બે દિવસમાં જ કૌશલને ખ્યાલ આવી ગયો કે કશિશ ખુશ નથી લાગતી. એ ફોન કરતો તો ય બહુ વાત ન થતી. મોટા ભાગે કૌશલ જ બોલતો. એ પૂછતો એના જવાબ કશિશ આપતી, પણ તેમાં ઉષ્મા અને આનંદનો અભાવ છે તેનો ખ્યાલ કૌશલને આવી ગયો હતો. એકાદ મહિના પછી બંનેનાં લગ્નની તારીખ નક્કી થતી હતી ત્યારે કૌશલે એક દિવસ ક્લિયર કટ કશિશને પૂછી લીધું હતું,

‘ઘરેથી તને લગ્ન માટે ફોર્સ તો નથી ને?’

કશિશ તરત કશો જવાબ આપી ન શકી. પછી એણે કૌશલ સામે જોઈને કહ્યું હતું,

‘હા અને ના!’ કૌશલ એનો જવાબ સાંભળીને કન્ફયુઝ થયો,

‘એટલે?’ કશિશની સાચી વાત હોઠે આવી ગઈ હતી, પણ શું કહેવું? એમ કહે કે એને લગ્ન જ નથી કરવા? કોઈ સામાન્ય સ્ત્રીને હોય તેવા અરમાન એના મનમાં જ નથી? સારો-સુશીલ વર મેળવવો કે શ્રીમંત ઘરમાં લગ્ન કરીને જિંદગીભર જલસા કરવા તેવા કોઈ અરમાન એના દિલમાં છે જ નહીં.  એને તો પાંખો ફેલાવીને ઊંચા આસમાનમાં ઊડવું છે! આ સમાજમાં એણે પોતાની એક ઓળખ ઊભી કરવી છે. નાનું-મોટું કામ કરીને પણ કરિયર બનાવવી છે. કોઈની પત્ની કે મા કે બહેન કે દીકરી તરીકેની ઓળખ નહીં, પણ પોતાની નિજી ઓળખ હોય તેવું સપનું એણે નાનપણથી સેવ્યું છે. પોતાનું એક નામ હોય. લગ્ન તો એક ઇમોશનલ બ્લેકમેઇલના કારણે કરી રહી છે! કશિશના હોઠે આ બધી વાત આવી ગઈ હતી.

એ બોલવા જતી હતી ત્યાં એને ઉદયભાઈના શબ્દો યાદ આવ્યા,

‘એક વાત સાંભળી લેજે. પપ્પાને એક હાર્ટએટેક આવી ચૂક્યો છે. તું આ લગ્ન તોડીશ અને પપ્પાને કશું થયું તો એને માટે તું જિમ્મેદાર હોઈશ.’ એને ઇમોશનલ બ્લેકમેઇલ કરવા પાછળનો ઉદયભાઈનો સ્વાર્થ તે સમજી શકી ન હતી.

કૌશલ એની સામે જવાબની રાહ જોઈ રહ્યો હતો અને કશિશ સાચી વાત કહી શકી ન હતી. કશિશ જવાબ આપવાના બદલે વિચારમાં પડી ગઈ એટલે કૌશલને થયું હતું કે નક્કી કંઈ લોચો છે. એ કોઈ બીજાના પ્રેમમાં હશે. એણે મનોમન વિચારી રાખ્યું હતું કે જો એવું કશું હશે તો એ ખુદ જ સગાઈ ફોક કરી નાંખશે જેથી કરીને કશિશ પર એનું ફેમિલી ગુસ્સો ન કરે.

‘મને હાઈટવાળો છોકરો ગમે!’ કશિશે યુધિષ્ઠિરની જેમ નરો વા કુંજરો વા જેવો જવાબ કૌશલને આપ્યો હતો,

એ સાંભળીને કૌશલ ખડખડાટ હસી પડ્યો હતો. કશિશની નિખાલસતા પર એને કુરબાન થઈ જવાનું મન થઈ આવ્યું! કેટલી નિખાલસ અને નીડર છે. બસ એને માટે બીજું કશું ન કરું, પણ જીવનભર એ એની નિખાલસતા અને નીડરતા જાળવી શકે તેવી રીતે એને સાચવું તો બસ છે.

એણે કશિશનો હાથ પકડીને ચૂમ્યો હતો. પછી બોલ્યો હતો,

‘કિશુ, આ ડૂબતા સૂરજની સાખે કહું છું, હું તારી નિખાલસતા અને નીડરતાને ચાહું છું. તું જીવનભર આવી જ રહેજે. મારી શારીરિક ઊંચાઈ ભલે તને ન ગમતી હોય, પણ મારી માનસિક ઊંચાઈ તને ચોક્કસ ગમશે. હું રાહ જોઈશ કે તને મારા પ્રત્યે સાચો પ્રેમ થાય!’

આ વાત યાદ આવી અને કશિશના મનમાં પડઘો પડ્યો,

Related Posts
1 of 279

‘આજે તને શું થયું કૌશલ? તું તારું જ પ્રોમિસ ભૂલી ગયો? મારી આ નીડરતા તું કેમ સ્વીકારી ન શક્યો?’

મનમાં છવાતા નેગેટિવ વિચારને જાણે અટકાવવા ઇચ્છતી હોય એમ કશિશે પોઝિટિવ મોડમાં વાળવાની કોશિશ કરી. એને લગ્ન પછીના દિવસ યાદ આવ્યા. લગ્ન કરવા માટે ભાઈ બહુ ઉતાવળ કરતો હતો. કારણ કે પપ્પાને બે હાર્ટએટેક આવી ગયા હતા.. પણ કશિશ લગ્ન જલદી કરવા રાજી ન હતી. એનો કૌશલે ઉપાય શોધ્યો હતો.

‘આપણે હાલ લગ્ન કરી લઈએ, પણ આપણે મિત્રો તરીકે રહીશંુ. તને જ્યારે એમ થાય કે હવે તું મને અપનાવવા માટે તૈયાર છે તે દિવસથી આપણે રિયલમાં પતિ-પત્ની તરીકે જીવીશું.’

‘પણ અગર મને તારા માટે પ્રેમ ન થયો તો?’ કશિશે પૂછ્યું હતું. એકવાર લગ્ન થઈ જાય પછી ક્યાં કોઈ રસ્તો બાકી રહે છે. એ વાત એ સમજતી હતી.

‘તો છ મહિના પછી આપણે ડિવોર્સ ફાઈલ કરીશું. હું નથી ઇચ્છતો કે તું પરિસ્થિતિથી લાચાર થઈને મને સ્વીકારે!’

‘તારા પેરેન્ટ્સને પ્રોબ્લેમ નહીં થાય?’ કશિશ હજુ આ વાતનો સ્વીકાર કરતાં અચકાતી હતી.

‘જો કિશુ, જિંદગી તારે અને મારે સાથે ગુજારવાની છે. મારા કે તારા મા-બાપે નહીં. એટલે આપણો નિર્ણય આપણે જાતે કરવાનો છે.’ બસ, આ વાત કશિશને ગમી હતી. રાધર એને પહેલીવાર કૌશલ માટે માનની લાગણી જન્મી હતી.

કૌશલે લગ્ન પહેલાં જે કહ્યું હતું તે ખરેખર એનું પ્રોમિસ પાળ્યું હતું. એણે એટલે જ પોતાનાં મમ્મી-પપ્પા સાથે રહેવાનું ટાળીને અલગ બંગલામાં રહેવાનું પસંદ કર્યું હતું. જેથી એનાં મમ્મી-પપ્પાને કોઈ શક ન જાય.  પોતાના પ્રત્યે કશિશને પ્રેમ થાય એની રાહ કૌશલે જોઈ હતી. રોજ સાંજે કૌશલ ઑફિસ પરથી આવે એટલે બંને હરવા-ફરવા જતાં. સિનેમા કે જિમ જતાં.

બે મિત્રો વચ્ચે જેટલો સ્પર્શ થાય તેટલો જ સ્પર્શ કૌશલ કરતો. લગ્ન પછી પણ એ વર્જિન રહી શકી હતી. કૌશલે એના પર પતિ તરીકેનો હક્ક સ્થાપવા માટે કોઈ શારીરિક જબરજસ્તી કરી નહીં.  કશિશને ધીરે-ધીરે કૌશલ ગમતો જતો હતો. બસ એની હાઈટ ઓછી હતી બાકી એની મેન્ટલ સ્ટ્રેન્થ આસમાનથી પણ ઊંચી હતી.

કશિશને સમજાતું હતું કે પપ્પા અને ભાઈની ઊંચાઈ બહુ આકર્ષક હતી એથી કશિશને પણ હાઈટનું આકર્ષણ હતું. જે ખરેખર વ્યર્થ હતું. કોઈ માણસની હાઈટ ઓછી કે વધુ હોવાથી એ મહાન નથી હોતો, પણ એની માનસિક ઊંચાઈથી એ મહાન બનતો હોય છે.

લગ્નના પચીસ દિવસ પછી એક દિવસ બંને વરંડામાં હીંચકા પર બેઠાં-બેઠાં વાતો કરતાં હતાં ત્યારે કશિશે એક રાતે કૌશલને કહ્યું,

‘આપણે હનીમૂન પર ક્યારે જવું છે?’ કૌશલ ક્ષણ બે ક્ષણ આશ્ચર્યથી એને જોઈ રહ્યો. જે પળની એ પળે પળે રાહ જોતો હતો તે આમ અચાનક આવીને ઊભી રહેશે તેનો અંદાજ એને ન હતો. હીંચકા પરથી એ તરત ઊભો થઈ ગયો અને એ બોલ્યો,

‘વેઈટ!’ અને તરત જ ઘરમાં દોડી ગયો હતો. પાંચ મિનિટમાં પાછો આવ્યો અને એણે ફટાફટ હીંચકા પર એક નાનકડી કેક મૂકી, સાથે એક કેન્ડલ પ્રગટાવી અને ખિસ્સામાંથી એણે નાનકડું બોક્સ કાઢ્યું અને બિલકુલ ફિલ્મી અદામાં એ એક ગોઠણવાળીને એની સામે પ્રપોઝ કરતો હોય તેમ બેસીને બોલ્યો,

‘માય લવ! વિલ યુ મેરી મી?’ કશિશને આ બધું ખૂબ નવાઈ પમાડતું હતું. સાથે-સાથે ખૂબ ગમતું પણ હતું. કેટલા દિવસથી કૌશલ રાહ જોતો હશે જેથી એણે આટલી તૈયારી કરી રાખી હશે!

કશિશે હા પાડી એટલે એણે રિંગ પહેરાવી દીધી અને પછી બોલ્યો હતો,

‘સમજ કે આપણું આજે એન્ગેજમૅન્ટ થયું છે. હનીમૂન માટે યુરોપનું બુકિંગ થાય તેટલા દિવસ આપણે ભરપૂર રોમાન્સ કરવો છે.  લગ્ન પહેલાંનો રોમાન્સ! અને ઍરપોર્ટ પર હાર પહેરીને ફલાઈટમાં એન્ટ્રી કરીશું એટલે તે આપણો વેડિંગ ડે!’

કેટલા રોમેન્ટિક દિવસો હતા એ! બંને પહેલાંની જેમ પોતપોતાના રૃમમાં રહેતાં. એ કૌશલની જ ઇચ્છા હતી, પણ એ ગજબ હતો.

——.

નવલકથાની આગળની કડી વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો…..

 

Leave A Reply

Your email address will not be published.

Translate »