તમારા માટે, તમારી સાથે, સતત…

ચામડાંને પકવવાની પ્રક્રિયા બંધ થતાં ચર્મ ઉદ્યોગ સીમિત બન્યા

કચ્છમાં મૃત પશુઓનું ચામડું અહીં સહેલાઈથી મળી રહે છે

0 986

પાંજોકચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છની અન્ય હસ્તકલાની જેમ જ ચર્મ ઉદ્યોગ મશહૂર હતો, પરંતુ સ્થાનિક સ્તરે ચામડું મળવાનું બંધ થતાં હવે કારીગરોને બહારથી મોંઘાભાવનું ચામડું ખરીદવું પડે છે. જેની અસર ચર્મ ઉદ્યોગ પર પડી. સરકારે આ કારીગરોના લાભાર્થે વિવિધ યોજનાઓ ઘડી છે ખરી, પરંતુ વચેટિયા મોટો લાભ ખાટી જાય છે અને લાભાર્થીઓને ફાયદો થતો નથી.

સૂકા વિસ્તાર તરીકે જાણીતા કચ્છમાં પશુધનની સંખ્યા માનવવસતી કરતાં વધુ છે. જેના પરિણામે મૃત પશુઓનું ચામડું અહીં સહેલાઈથી મળી રહે છે. તેથી જ ભૂતકાળમાં અહીં ચામડાની વિવિધ વસ્તુઓ બનતી હતી. તેની દૂર-દૂર માગ રહેતી હતી, પરંતુ આજે દેશી ચામડાંનું સ્થાન કારખાનામાં રસાયણોના ઉપયોગથી ઉત્પાદિત થતાં ચામડાંએ અને રેક્ઝિને લઈ લીધું છે. આજે કચ્છમાં દેશી ચામડાં વસ્તુઓ બને તો છે, પરંતુ તેનું પ્રમાણ ઘટ્યું છે. આવી વસ્તુ બનાવનારા લોકોની સંખ્યા પણ ઘટી છે. થોડા સમય પહેલાં જ ભારતના ટપાલ ખાતાએ દેશના વિવિધ ભાગોમાં બનતા હાથપંખાના ફોટાઓને ટપાલ ટિકિટ પર સ્થાન આપ્યું હતું. આ ટિકિટોમાં કચ્છમાં બનતાં ચામડાંના હાથપંખાને પણ ગૌરવભર્યું સ્થાન આપીને ચર્મ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે નજીકના ભવિષ્યમાં જ દેશી ચામડાંમાંથી વસ્તુઓ બનાવતા કારીગરો ખૂબ ઓછા થઈ જશે અને તેના કારણે કચ્છની પરંપરાગત ચર્મકલાનો મૃત્યુઘંટ વાગશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

કચ્છમાં મેઘવાળ મારવાડા અને સિંઘમાંથી કચ્છમાં વસવાટ કરવા આવેલા સોઢા ગુર્જરો અત્યાર સુધી ચર્મ ઉદ્યોગને જીવંત રાખીને બેઠા છે. આ સમાજના લોકો મૃત પશુઓનું ચામડું પકવીને તેનો વિવિધ ઉપયોગ કરતા, પરંતુ આઝાદીના ૭૦ વર્ષના વહાણા વીતી જવા છતાં છૂતાછૂતનું દૂષણ ઘટ્યું નથી. ચામડું પકવવાની ક્રિયા સાથે સંકળાયેલા લોકો સાથે અન્ય સમાજના લોકો કોઈ જાતનો વ્યવહાર રાખવા રાજી હોતા નથી. તેમની સાથે ભારે ભેદભાવ રખાય છે. આથી જ ચામડું પકવવાનું કામ કરતાં લોકોની નવી પેઢી આ વ્યવસાયમાં પડવા ઇચ્છતી નથી. આમ પણ ચામડું પકવવાની પ્રક્રિયા દરમિયાન ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે. તેથી જ આ કામ કરતાં લોકો આજે ઘટી ગયા છે. તેના કારણે ચામડાંની વસ્તુ બનાવનારાઓ પણ ઘટ્યા છે.

કચ્છની હસ્તકલાના સંવર્ધન માટે કામ કરતી સંસ્થા ‘કસબ’ના કો- ફાઉન્ડર પંકજ શાહના જણાવ્યા મુજબ, ‘ચર્મકામ કરતાં કારીગરો બન્ની, પચ્છમ, સુમરાસર, પ્રાગપર, હોડકો, નિરોણા જેવા થોડા વિસ્તારોમાં જ રહ્યા છે. મેઘવાળ, મારવાડા અને સોઢા ગુર્જર સમાજના લોકો પરંપરાગત રીતે આ કામ સાથે સંકળાયેલા છે. પહેલાના જમાનામાં ગાય, ભેંસ, ઊંટ કે ઘેટાં, બકરાં જેવા પશુઓના મૃતદેહ પરનું ચામડું કાઢીને તે દેશી બાવળની છાલથી સાફ કરીને રોગાન કરીને તે વસ્તુઓ બનાવવા લાયક બનાવાતું. હાલમાં દેશી બાવળ લુપ્તવત્ થઈ ગયો છે. ઉપરાંત હવે જીવનશૈલી બદલાઈ છે. લોકોના ગમા-અણગમા બદલાયા છે. તેથી હવે દેશી ચામડાંનું સ્થાન કારખાનામાં બનાવાતાં ચામડાંએ લીધું છે. તે કારીગરોને મોંઘું પડે છે. સામી બાજુએ કારીગરોને વસ્તુઓના મળવા જોઈતા ભાવ મળતા નથી. લોકો તો એકસરખા દેખાતા પણ સસ્તા એવા રેક્ઝિન પર પસંદગી ઉતારે છે. માત્ર જાણકાર લોકો જ ચામડાંની વસ્તુઓ શોધે છે. તે ઉપરાંત આજે ચામડાંની વસ્તુઓમાં એકવિધતા જોવા મળે છે. તેના કારણે પણ ચામડાંની વસ્તુઓની માગ ઘટી છે. તેની અસરરૃપે કારીગરો પણ ઘટ્યા છે. આજે કચ્છમાં મોટા અને માહિર ગણી શકાય તેવા ૩૦-૪૦ કારીગરો જ છે. બાકીના લોકો તેમના મદદનીશની ભૂમિકા ભજવે છે.’

પહેલાંના જમાનામાં ચામડાંમાંથી અનેક વસ્તુઓ બનતી હતી. કૂવામાંથી પાણી કાઢવા માટે આઠ-આઠ ફૂટ મોટા કોસ, બળદને જોડવાના જોતર, ઘોડાના જીન, તેને દાણા ખવડાવવાની કોથળી જોગણ, પગના પેડ મોયડો, લગામ વગેરે વસ્તુઓ પણ ચામડાંમાંથી બનતી હતી. ઉપરાંત પાણી ભરવા માટેનું બોટલ જેવું કન્ટેનર પણ ચામડાંમાંથી બનતું. માલધારીઓ વાપરે તેવા બૂટ, લગ્ન વખતે પહેરવાની ઝાલાની જૂતી, મોજડી વગેરે બનતી. ઝાલાની જૂતી તો સોના-ચાંદીના તાર ગૂંથીને બનાવાતી અને તેની કિંમત પણ ખૂબ વધુ રહેતી.

Related Posts
1 of 319

વૉલપીસ તરીકે વાપરી શકાય કે પાથરી શકાય તેવી ચામડાના પેચવર્કવાળી ગોદડી બનાવીને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા અને શિલ્પગુરુ પુરસ્કાર વિજેતા બસરભાઈ ભુરાભાઈ જણાવે છે, ‘પહેલાં ચામડાંમાંથી વિવિધ વસ્તુઓ બનતી, પરંતુ આજે તેનું સ્થાન રેક્ઝિને લીધું છે. તેથી અમુક વખતે ચામડાંના નામે રેક્ઝિનની વસ્તુઓ વેચાય છે.’ સુમરાસરના અંચલ પથુભાઈ બિજલાણી પણ આવો જ સૂર વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘આઝાદી પછી ૩૦-૪૦ વર્ષ સુધી કચ્છનો ચર્મ ઉદ્યોગ ખૂબ વિકસ્યો હતો, પરંતુ પછી હવે ધીરે- ધીરે ઓછો થઈ ગયો છે. તેમાં પણ ચામડાંનું કામ કરનારા લોકોને અસ્પૃશ્યતાનો અનુભવ કરવો પડે છે.

તેથી હવે લોકો આવું કામ કરવાનું પસંદ કરતાં નથી. જે લોકોએ ચામડાંનું કામ કરવાનું મુકી દીધું છે તેને સમાજ સ્વીકારવા લાગ્યો છે, પરંતુ ચામડું પકવવાની કામગીરી કરનારાને સમાજ હજુ સ્વીકારતો નથી. સરકાર દ્વારા જે યોજના છે તેનો લાભ કારીગરોને સીધો મળે, બેંકોની લોન સરળતાથી મળી રહે તે માટે વચેટિયા ન રહે તે પણ જરૃરી છે. સરકાર દ્વારા હસ્તકલાને પ્રોત્સાહન આપવા મેળાઓ યોજાય છે, પરંતુ તેમાં અનેક વખત પૂરતું વેચાણ થતું નથી અને કારીગરોને ખોટ થાય છે.’

રુદ્રમાતાના ભોજાભાઈ મારવાડા પણ આવી જ વાત કરે છે. તેઓ જણાવે છે, ‘આજે કાચો માલ મળતો નથી. બહારથી મોંઘા ભાવે કારખાનામાં બનેલું ચામડું મગાવવું પડે છે. કચ્છના લોકો અસ્પૃશ્યતાના ડરના કારણે હવે ચામડું પકવવાની પ્રક્રિયાથી દૂર રહે છે. અમુક સ્વૈચ્છિક સંસ્થાઓ આ કલા અને કારીગરોને મદદરૃપ થાય છે. ચામડાંની વસ્તુઓના ઓર્ડર અમને અપાવે છે, પરંતુ ચામડું ખૂબ મોંઘું થયું છે. નાના કારીગરોને સરકારી યોજના કે બેંકની લોન અંગે કોઈ માહિતી નથી. તેથી વચેટિયા મલાઈ ખાઈ જાય છે. કારીગરોને લાભ મળતા નથી. સરકારે કારીગરોને સીધો લાભ મળે તેવા પગલાં લેવા જોઈએ. કારીગરો સંગઠિત ન હોવાના કારણે તેમની પાસે મોંઘી મશીનરી નથી હોતી. તો ચામડાંની વસ્તુઓ બનાવવા માટે જરૃરી અન્ય વસ્તુઓ સસ્તી છતાં સારી ક્યાં મળશે તે વિશે તેમને ખબર હોતી નથી. તેના કારણે પણ નાના કારીગરોને મોટો આર્થિક ફાયદો થતો નથી.’

ચર્મ ઉદ્યોગના વળતાં પાણી જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ કલા અને કારીગરોને જીવંત રાખવા વિવિધ સ્તરેથી પ્રયત્નો થવા જરૃરી છે. મોટા ભાગના કારીગરો અસંગઠિત છે. તેના કારણે તેમને અમુક ફાયદા મળતાં નથી. ચામડાંની વસ્તુઓના માર્કેટિંગ માટે યોગ્ય પ્લેટફોર્મ પણ જરૃરી છે. ચામડાંની વસ્તુઓમાં લોકોનો રસ જળવાઈ રહે તે માટે નવી ડિઝાઇન અને ચામડાંના નવા ઉપયોગો શોધવા જરૃરી છે.

ચર્મ ઉદ્યોગને પણ જી.એસ.ટી.નું ગ્રહણ
સરકારે ચામડાંને જીએસટીના દાયરામાં સમાવી લીધું છે. શરૃઆતમાં તો ૨૮ ટકા જીએસટી હતો. અત્યારે ઘટીને ૧૮ ટકાએ પહોંચ્યો છે. ચામડાંને લક્ઝરી વસ્તુઓમાં ગણ્યું હોવાના કારણે તેના પર જીએસટીનું મોટું ભારણ થયું છે. ખરેખર તો ૫ ટકા જીએસટી જ લગાવવો જોઈએ. આ કારીગરો અસંગઠિત અને મોટા ભાગના ઓછું ભણેલા હોવાથી નવા ભારણથી તેમની મુશ્કેલીઓ વધી છે. અત્યારે સરકારે ૨૦ લાખ સુધી વેચાણ કરે ત્યાં સુધી જીએસટીમાંથી મુક્તિ આપી છે, પરંતુ આ અંગે બધાને પૂરતી ખબર નથી. બહારના રાજ્યમાં જ્યારે વેચાણ કરવા જાય ત્યારે પણ મુશ્કેલી થાય છે. અગાઉ સેલ્સ ટેક્સ કે વેટમાંથી ચર્મ ઉદ્યોગ સહિતની હસ્તકલાને મુક્તિ હતી, પરંતુ જીએસટીમાંથી મુક્તિ મળી નથી. તેની પ્રક્રિયા પણ આ કારીગરોને ઘણી અઘરી પડે છે. વધુ જીએસટીના કારણે વસ્તુઓ મોંઘી થાય છે. આથી ચર્મ ઉદ્યોગને ટકાવવા જીએસટીમાંથી મુક્તિ આપવી જરૃરી છે.

કચ્છી ચામડાંના પંખાને ટપાલ ટિકિટ પર સ્થાન
ભારત સરકારના ટપાલખાતાએ તાજેતરમાં ભારતીય હાથપંખાની ૧૬ ખાસ ટિકિટોનો સેટ બહાર પાડ્યો છે. જેમાં કચ્છના ચામડાંના હાથપંખાને રૃ. ૧૫ની કિંમતની ટિકિટ પર સ્થાન મળ્યું છે. બન્ની અને નિરોણા વિસ્તારમાં આવા પંખા બનાવાય છે. ચામડાંના અલગ-અલગ આકારોને સીવીને હાથપંખા બનાવાય છે. તેની કિનારીઓને રંગબેરંગી દોરા અને ઊનથી સજાવાય છે. તેના પર હાથભરત પણ કરાય છે. તેના કારણે આ પંખા ખૂબ આકર્ષક લાગે છે.

————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »