તમારા માટે, તમારી સાથે, સતત…

ઘીના ઠામમાં ઘી…

વૉકિંગમાં નીકળવું એ અમીરોનો શોખ પણ છે

0 295

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

એક સવારે અમે ચારે મિત્રો ચાલવા ગયા હતા. મેં સાંભળ્યું છે કે માણસને શ્રેષ્ઠ વિચારો એ જ્યારે ચાલતો હોય ત્યારે આવે છે. તેથી જૈન સાધુ-સાધ્વીજીઓ, બૌદ્ધ ભિખ્ખુઓ વગેરે ખૂબ ચાલે છે. અત્યારે માણસો અત્યંત હેલ્થ કૉન્સિયસ થઈ ગયા છે. આમ તો વેલ્થ મેળવવામાં માણસ હેલ્થ ગુમાવતો જાય છે.

ચૈત્ર મહિનો ચાલતો હોવાથી તડકા પડવા લાગ્યા છે. બપોર ખૂબ ગરમ હોય છે, પરંતુ વહેલી સવારની ટાઢકમાં મેં વાત શરૃ કરી ઃ ‘જુઓ મિત્રો, આપણે તબિયત સારી રાખવા ચાલીએ છીએ એટલે કોઈ હિન્દી કવિની કવિતા યાદ આવી ગઈ…’

ઈર્શાદ… ઈર્શાદ… ત્રણે મિત્રો બોલી ઊઠ્યા.

‘અહીંયા સારું છે કે, તમે ઈર્શાદ બોલ્યા બાકી મુશાયરામાં કોઈ કવિ હિટ જતો હોય ત્યારે અમુક કવિઓ ‘ઈર્ષા… ઈર્ષા…’ બોલીને પોતે જે કરી રહ્યા છે તેનો પુરાવો આપતા હોય છે.’ મેં કહ્યું.

‘અમારા ત્રણમાંથી કોઈ કવિ પણ નથી અને તારો હરીફ પણ નથી એટલે અમે તો ઈર્ષાદ… ઈર્ષાદ… જ બોલીશું.’ અંબાલાલ ઉવાચ.

‘તો પછી ઇર્શાદુ છું…’ મેં રજા લીધી.

‘અમે તને ઇર્શાદવાનું કહી દીધું છે. ભોગીલાલ બોલ્યો.

‘ફૂટપાથ પે સો જાતા હૈ અખબાર બિછાકર

મજદુર કભી નીંદ કી ગોલી નહીં ખાતા,

રોટી કે પીછે દોડતા રહેતા હૈ રાતભર

મજદુર કભી શામ કો ચલને નહીં જાતા.’

‘વાહ… દોસ્ત… વાહ…’ ચુનીલાલે મૌન તોડ્યું.

‘વૉકિંગમાં નીકળવું એ અમીરોનો શોખ પણ છે અને જરૃરિયાત પણ છે, પરંતુ ગરીબોને ક્યારેય વૉક લેવા જવું પડતું નથી. એને ઊંઘવા માટે ઊંઘની ગોળી અને જાગવા માટે ઍલાર્મની પણ જરૃર પડતી નથી.’ મેં કહ્યું.

‘મને એક વખત તમારી ભાભીએ રાત્રે બે વાગે જગાડ્યો.’ અંબાલાલ ઉવાચ.

Related Posts
1 of 277

‘કેમ?’ મને આશ્ચર્ય થયું.

‘હું ઘસઘસાટ સૂતો હતો એટલે સાદ પાડવાથી જાગ્યો નહીં તો મને ઓશીકું મારી મારીને જગાડ્યો.’

‘પણ શા માટે?’ ભોગીલાલની અધીરાઈ વધી ગઈ.

‘મેં ભર ઊંઘમાંથી જાગીને પૂછ્યું કે શા માટે જગાડ્યો? ત્યારે ભાગ્યવાન બોલી કે આજ તમે ઊંઘની ગોળી લેવાનંું ભૂલી ગયા છો.’ અંબાલાલે ધડાકો કર્યો.

અમે ચારે મિત્રોના હાસ્યથી બગીચો પણ રાજી થયો. બગીચામાં અનેક પ્રકારના માણસો આવે છે. કોઈ મર્યાદામાં રહીને પ્રેમ વ્યક્ત કરે તો ફૂલોની ખીલવાની ઝડપ વધે છે. જો કોઈ મર્યાદા ચૂકીને કશું કરે તો ફૂલો શરમાઈ જાય છે અને સાંજ પડે તે પહેલાં જ કરમાઈ જાય છે. જ્યારે કોઈ અમારી માફક ખડખડાટ હસે ત્યારે બગીચો ખૂબ રાજી થાય છે.

‘મને તમારા ભાભીએ એક દિવસ પરોઢિયે પાંચ વાગે જગાડ્યો હતો.’ ભોગીલાલે પોતાની વાત માંડી.

‘પાંચ વાગે ઊંઘની ગોળી યાદ કરાવી?’ અંબાલાલે પૂછ્યું.

‘ના, મારા કિસ્સામાં ઊંઘની ગોળીની વાત નથી, કારણ હું ક્યારેય ઊંઘની ગોળી ખાતો જ નથી. હું બસમાં પ્રવાસ કરી એટલો થાકી ગયો હોઉં છું કે રાત્રે જમીને આડો પડું ત્યાં જ ઘોંટી જઉં છું.’ ભોગીલાલે કહ્યું.

‘જેને પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય એના જેવો ભાગ્યશાળી બીજો કોઈ નહીં.’ ચુનીલાલે ટેકો જાહેર કર્યો.

‘ભોગીલાલ, કહે તો ખરો કે તને પરોઢિયે પાંચ વાગ્યે શા માટે જગાડ્યો હતો ?’ મેં ગાડીને મૂળ પાટા પર ચડાવી.

‘મેં પણ તમારી ભાભીને એજ કહ્યું કે, હું દરરોજ આઠ વાગે જાગું છું. તેં મને પાંચ વાગ્યામાં શા માટે જગાડ્યો? ત્યારે એણે કહ્યું કે બાજુવાળા બાબુકાકાનાં ત્રીજા પત્ની પણ ગુજરી ગયાં. ત્યારે એ કાકીની સ્મશાનયાત્રામાં જવાનું છે એટલે વહેલા જગાડ્યા છે.’

‘તો બરાબર…’ અંબાલાલ બોલ્યો.

‘શું બરાબર? તારું કપાળ? મેં તરત જ આંખો ચોળતાં જવાબ દીધો કે હું બાબુકાકાને ત્યાં બબ્બે વખત જઈ આવ્યો પણ એ મારે ત્યાં એક પણ વખત આવ્યો નથી.’ ભોગીલાલે બોમ્બ ફોડ્યો.

આ હાસ્યલેખને વધુ વાંચવા માટે તેમજ –  હાસ્યલેખક જગદીશ ત્રિવેદીના હાસ્ય લેખ ‘હસતાં રહેજો રાજ’ ના વધુ લેખો વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

——————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »