તમારા માટે, તમારી સાથે, સતત…

સાબરમતીના સંતનું ‘ચરખાદર્શન’

સાબરમતી આશ્રમમાં ચરખો ક્યાંથી આવ્યો?

0 355

શતાબ્દી – નરેશ મકવાણા

ભારતમાં ચરખાનો ઇતિહાસ ઘણો જૂનો છે, પણ ગાંધીજીને ૧૯૦૮માં તેઓ ઈંગ્લેન્ડ હતા ત્યારે ચરખાનો વિચાર આવેલો. ગાંધીજીની દિનવારીમાં મળતી વિગતો મુજબ ઈ.સ. ૧૯૧૮માં વિધવા ગંગાબહેને ભારે શોધખોળ બાદ વડોદરા સ્ટેટના વીજાપુરમાંથી ચરખો શોધી બાપુને અર્પણ કરેલો. આજથી બરાબર સો વર્ષ પહેલાં બનેલી અને પહેલી નજરે સામાન્ય લાગતી એ ઘટનાએ કેટલી મોટી ક્રાંતિ આણેલી તે જાણવા માટે સાબરમતીના સંતનું ચરખાદર્શનસમજવું પડે.

 ‘…અને મારું દુઃખ મેં તેમની સામે રાખી દીધું. પછી તો દમયંતી જે રીતે નળની શોધમાં ભટકી હતી, એવી જ રીતે ચરખો શોધી કાઢવાની પ્રતિજ્ઞા લઈને તેમણે મારો બોજ હલકો કરી નાખ્યો. ગુજરાતમાં સારુંએવું ભટક્યા પછી ગાયકવાડના વીજાપુર ગામેથી ગંગાબહેનને ચરખો મળ્યો! ત્યાં ઘણા બધા પરિવારો પાસે ચરખા હતા. જેમાંથી એક ઉપાડીને તેમણે મારા માટે છત પર સાચવીને મૂકી દીધો અને મને સમાચાર મોકલ્યા. મારી ખુશીનો પાર ન રહ્યો…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમમાં ચરખો ક્યાંથી અને કેવી રીતે આવ્યો તેનો આછેરો પરિચય ઉપરના સંવાદમાંથી મળે છે. જોકે આખો મામલો જેટલો સરળ લાગે છે તેટલો હતો નહીં.

Related Posts
1 of 319

માંડીને વાત કરીએ તો, ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજી ગુજરાત શૈક્ષણિક સંસ્થાના અધ્યક્ષ ચૂંટાયા હોઈ તેના અધિવેશનમાં હાજરી આપવા માટે ભરૃચ ગયા હતા. દરમિયાન પોતે છેલ્લા કેટલાય સમયથી ચરખો શોધી રહ્યાની વાત તેમણે અહીં પણ કરી. અહીં તેમનો પરિચય ગંગાબહેન મજુમદાર નામના એક કર્મઠ વિધવા મહિલા સાથે થયો. હિંમતવાન ગંગાબહેન જ્ઞાતિજાતિનાં બંધનો તોડીને સમાજ ઉત્થાનનાં કામમાં લાગેલાં હતાં. ગાંધીજીએ ચરખાને લઈને પોતાનું દુઃખ ગંગાબહેન સામે રાખી દીધું અને એ સાથે જ તેઓ ચરખા શોધના કામમાં લાગી ગયાં. લોકોના ઘરના માળિયા સુદ્ધાં તેમણે ફંફોસી નાખ્યાં. અંતે વડોદરા સ્ટેટના વીજાપુર ગામે એક ઘરના છજા પર ધૂળ ખાતો – તૂટેલો પડેલો ચરખો તેમને મળી આવ્યો. પછી એક મુસ્લિમ ગૃહસ્થ પાસે તેને રિપેર કરાવ્યો અને ચલાવતાં શીખ્યાં. બધું બરાબર લાગતાં અંતે બાબા આદમનું એ સાધન લઈને તેઓ જાન્યુઆરી ૧૯૧૮માં ગાંધીઆશ્રમ પહોંચ્યાં. આશ્રમ આખો આ વિચિત્ર સાધન જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ગાંધીજીના ઉત્સાહ અને આનંદનો પાર નહોતો. વસ્ત્રોની તંગીના કારણે ફરજિયાત પડદો પાળતી અનેક ગરીબ મહિલાઓ ઘરકામ અને બાળકો વચ્ચેથી સમય કાઢી ઘરે બેઠાં ચરખો ચલાવીને સ્વતંત્ર રોજગારી મેળવી શકશે અને એ રીતે તેમની દારુણ ગરીબી પણ દૂર થશે એવું તેમનું સપનું હવે હાથવેંતમાં હતું.

ચરખો તો આવી ગયો, પણ પૂણીઓની સમસ્યા ઊભી થઈ. શરૃઆતમાં એક મિલમાલિક પાસેથી રૃની તૈયાર પૂણીઓ લઈને કામ ચલાવાયું, પણ તેમાં ગાંધીજીનું મન માનતું નહોતું. દરમિયાન ગંગાબહેને એક પૂણી બનાવનાર શોધી કાઢ્યો, પણ તેણે ભારે કિંમત માંગી એટલે એ શક્ય ન બન્યું. અંતે યશવંત પ્રસાદ દેસાઈ પાસેથી કપાસ લાવીને બે વિદ્યાર્થીઓને રૃ પીંજવાની તાલીમ લેવા વીજાપુર મોકલાયા. આ બાજુ મગનલાલ ગાંધી આશ્રમમાં ચરખા પર અવનવા પ્રયોગો કરી રહ્યા હતા. તેમણે પહેલી હાથવણાટની ખાદી તૈયાર કરી જે એક ગજે સત્તર આનામાં પડી. એટલામાં તો એ વખતે મિલના કાપડની આખી ધોતી મળી જતી હતી. અંતે ગાંધીજીના કેટલાક મિત્રોએ એ મોંઘી ખાદી હોંશે-હોંશે ખરીદી લીધેલી. આ ચરખો કાંતવાની અને પૂણી તૈયાર કરવાની સમસ્યા છેક રામજીભાઈ વણકર અને તેમનાં પત્ની ગંગાબહેન આશ્રમમાં આવીને વસ્યાં ત્યાં સુધી ચાલેલી. અહીં રમૂજની વાત એ હતી કે શરૃઆતમાં ખાદી એટલી જાડી તૈયાર થઈ હતી કે આશ્રમની મહિલાઓ એમાં પણ યુવતીઓ તે ઓઢીને બહાર નીકળવામાં શરમ અનુભવતી. પુરુષો માટે વળી ખાદીનો ૨૬ ઇંચનો ટૂંકો પનો સમસ્યા બન્યો. આખરે ગાંધીજીએ ગંગાબહેન મજુમદારને સંદેશો મોકલીને લાગણીસભર ધમકી આપી કે, એક મહિનામાં ૫૦ ઇંચ પનાની ખાદી તૈયાર નહીં થાય તો તેઓ ૨૬ ઇંચની ખાદીની લંગોટ જ પહેરી લેશે, પણ ગંગાબહેને એક મહિનામાં એ માગ પૂરી કરી દીધેલી. પછી તો ચરખામાં અનેક સંશોધનો થયાં. તેના સ્પેરપાટ્ર્સ આશ્રમમાં જ બનવા માંડ્યા. આગળ જતાં ગાંધીજીએ અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના કરી અને વિનોબા ભાવેએ નાની તકલીને જ મિની પોર્ટેબલ ચરખો બનાવી દીધેલો.

ગાંધીજીનું ચરખા દર્શન તેમજ ‘ચરખા’ના 100 વર્ષના થયાની વિશેષ નોંધ વાંચવા તેમજ
અતીતના કાલખંડની ઐતિહાસિક હકીકતોની નિયમિત જાણકારી મેળવવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

——————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »