ક્રિસ્ટોફર નોલાનની ભારત મુલાકાત બોલિવૂડમાં ‘રીલ’ને રિયલ બનાવશે
ક્રિસ્ટોફરની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સેલ્યુલોઈડ
ગરિમા રાવ
હોલિવૂડના જાણીતા ફિલ્મકાર ક્રિસ્ટ્રોફર નોલાન ભારતની મુલાકાતે આવ્યા હતા. બોલિવૂડ માટે આ સન્માનની વાત હતી કે નોલાન ભારત આવી ગયા છે, પરંતુ જ્યારે નોલાનની મુલાકાતનો હેતુ જાણશો તો ‘વાહ નોલાન’ બોલ્યા વિના નહીં રહેવાય. હકીકતમાં આજના ડિજિટલ યુગમાં નોલાન રીલ એટલે કે સેલ્યુલોઈડ પર બનતી ફિલ્મોનું મહત્ત્વ લોકોને સમજાવી રહ્યા છે.
જો તમે હોલિવૂડ ફિલ્મોના શોખીન છો તો ક્રિસ્ટોફર નોલાનના નામથી બખૂબી પરિચિત હશો જ. જો તમે નોલાનને નથી ઓળખતા તો તેમની માટે ક્રિસ્ટફરનો એટલો જ પરિચય પૂરતો છે કે નોલાને માત્ર દસ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને એમની ગણતરી દુનિયાના સૌથી કામિયાબ ફિલ્મમેકર્સમાં થાય છે. નોલાનની વૉર ફિલ્મ ‘ડંકર્ક’ ૯૦માં એકેડેમી ઍવૉડ્ર્સમાં એકથી વધુ શ્રેણીઓમાં વિજેતા રહી હતી. આ નોલાન જ્યારે ભારત આવવાના છે તેવા સમાચાર વહેતા થયા હતા ત્યારે રીતસર બોલિવૂડ હરખમાં આવી ગયું હતું. નોલન ભારત કેમ આવી રહ્યા છે, કોના આમંત્રણને માન આપીને આવી રહ્યા છે જેવા અનેક સવાલો ઊભા થયા હતા, પરંતુ તેમની મુલાકાત બાદ તેમના આવવાના કારણ પર બોલિવૂડ વિચારમગ્ન બની ગયું. ક્રિસ્ટોફરની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજના ફિલ્મમેકરોને રીલ એટલે કે સેલ્યુલોઈડનું મહત્ત્વ સમજવાનો હતો.
જ્યારે પણ ફિલ્મોને રીલ પર શૂટ કરવાની વાત આવી છે ત્યારે નોલાન હંમેશાં તેના માટે બોલવા તૈયાર રહ્યા છે. ક્રિસ્ટફર ફિલ્મોને સેલ્યુલોઈડ પર શૂટ કરવાના પોતાના વિચારોને રિફ્રેમિંગ ઓફ ધ ફ્યુચર ફિલ્મ્સ દ્વારા રજૂ કરશે અને સાથે જ એ વાત પર પણ પોતાનો મત આપશે કે ડિજિટલ યુગમાં પારંપારિક ફિલ્મી રીલ પોતાની જગ્યા કેવી રીતે બનાવી શકે છે.
ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે હાલના તબક્કે બોલિવૂડમાં એવા કોઈ પણ નિર્દેશક નથી જે રીલ પર ફિલ્મને શૂટ કરતા હોય. પછી તે યશરાજ ફિલ્મ્સ હોય કે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન હોય. આ દરેક નિર્દેશક ફિલ્મ શૂટ કરવા માટે થઈને ડિજિટલ ટેક્નોલોજીનો જ ઉપયોગ કરે છે. મોટા ગણાતા બેનરોએ પણ વર્ષો પહેલાં રીલ પર ફિલ્મ શૂટ કરવાનું બંધ કરી દીધંુ છે. હવે એવા પ્રોજેક્ટર પણ ઘણા ઓછા હશે જેનો ઉપયોગ સિનેમાઘરોમાં થતો હશે. કદાચ આ જ કારણોસર નોલાને રીલને ફરી રિયલ બનાવવાનું બીડું ઝડપ્યું છે. એક સમય એવો હતો જ્યારે નોલાનની ફિલ્મ ‘ડંકર્ક’ની ૭૦ મી.મી.ના પરદા પર સ્ક્રિનિંગની વાત આવી ત્યારે આયોજકોને ખાસી એવી જહેમત ઉઠાવી પડી હતી, પરંતુ તે ફિલ્મ રીલ પર જ રિલીઝ કરવામાં આવી. નોલાને અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મો બનાવી છે તે સેલ્યુલોઈડ પર જ શૂટ કરવામાં આવી છે અને હજુ સુધી ડિજિટલનો રંગ તેમને લાગ્યો નથી.
ફિલ્મમેકર અને આર્કાઈવિસ્ટ શિવેન્દ્ર સિંહ ડુંગરપુરના આમંત્રણને માન આપીને નોલાન પોતાના પરિવાર સાથે ભારત આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હેરિટેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ શિવેન્દ્રસિંહ ફિલ્મોના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે ગંભીરતા પૂર્વક કામ કરી રહ્યા છે. નોલાન પણ તેમના કામથી પ્રભાવિત છે. માટે જ્યારે તેમને આમંત્રણ આપ્યું તો ભારત આવવા તૈયાર થઈ ગયા. નોલાનનું આવવું બોલિવૂડના દરેક કલાકારો માટે ખુશીની વાત છે, કારણ કે ઘણા દિગ્ગજ કલાકારોના વ્યક્તિગત આમંત્રણને નોલાન ઠુકરાવી ચૂક્યા છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, કમલ હસન, કિંગખાન શાહરુખ, ફરહાન અખ્તર, શ્યામ બેનેગલ સહિત બોલિવૂડ અને ફિલ્મ ક્ષેત્રે જોડાયેલા ૩૫ દિગ્ગજોની સાથે સંરક્ષણ વિષયને લઈને ચર્ચા કરી છે. ભારત આવવાના તેમના દરેક કાર્યક્રમને નોલાને ફિલ્મોના સંરક્ષણ, રિસ્ટોરેશન અને સેલ્યુલોઈડ માટે સમર્પિત કર્યા.
મૂવી-ટીવીની વિશેષ વિગતો વાંચવા આજે જ ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો….