ચોકલેટ આજે ક્યાં ક્યાં નથી પહોંચી? તે સર્વવ્યાપક છે. છેલ્લા ચાર પાંચ દશકમાં ચોકલેટ જગતમાં બધે ફરી વળી છે. દુનિયાની આ સૌથી લોકપ્રિય મીઠાઈ અથવા ગળપણ છે, પણ ઘણાને તેનો કડવો મીઠો સ્વાદ પસંદ છે. કોઈ પણ ચીજનો રંગ પણ ‘ચોકલેટી’ રંગ તરીકે ઓળખવા લાગ્યો છે. યુવા વર્ગની અને વયસ્કોની પણ આ માનીતી ખાવાચીજ છે. માત્ર ચોકલેટ તરીકે જ નહીં, પણ અનેક ચીજોમાં તે ભળી ગઈ છે. જેમ કે ચોકલેટ આઇસક્રીમ, ચોકોબાર, ચોકલેટ કોન, ચોકલેટ બરફી, ચોકલેટ પેંડા, ચોકલેટ ફ્રૂટ-સેલડ, કેક, ટોફીઝ વગેરે. ત્યાં સુધી કે દર વરસે સાતમી જુલાઈના રોજ ‘વિશ્વ ચોકલેટ દિવસ’ મનાવવામાં આવે છે. એટલા માટે કે ઈસવી સન ૧૫૫૦માં આ દિવસે યુરોપમાં દક્ષિણ અમેરિકા ખંડમાંથી સૌ પ્રથમ વખત ચોકલેટ આણવામાં આવી હતી. વરસ ૨૦૦૯થી તેની ઉજવણીની શરૃઆત થઈ છે. આ દિવસે અથવા વૅલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમીઓ પ્રેમની અભિવ્યક્તિ અથવા ઇઝહાર કરવા માટે ચોકલેટ ભેટ આપે છે. શક્ય છે કે આ બધા ચોકલેટ કંપનીઓએ ઊભાં કરેલા તૂત તો તૂત, સફળ ખૂબ થયાં છે. અમેરિકામાં તો નેશનલ (રાષ્ટ્રીય) ચોકલેટ દિવસ પાળવામાં આવે છે. ગયા વરસે ૨૮ ઑક્ટોબરે તે પળાયો હતો.
ચોકલેટ ડેના રોજ ચોકલેટમાંથી બનાવેલ અનેક પ્રકારની ચીજો વેચાય છે. જેમાં ચોકલેટ દૂધ, હોટ ચોકલેટ, ચોકલેટ કેન્ડિબાર, બ્રાઉની, કેક વગેરે છે. ગુજરાતીઓના લગ્નપ્રસંગોમાં ‘વેનિલા આઇસક્રીમ વિથ હોટ ચોકલેટ’ ખૂબ ફેવરિટ ગણાય છે. પ્રોટીનના પાવડર અને અન્ય તથાકથિત શક્તિવર્ધક પીણાઓમાં પણ વધુ લોકો ચોકલેટનો સ્વાદ પસંદ કરે છે. આમ ચોકલેટ પોતે એક ખોરાક છે અને અન્ય ખોરાકની ફ્લેવર તરીકે પણ તેની વધુ પસંદ થાય છે. સ્વાદ પણ છે અને સુગંધ પણ છે. જગતના મોટા ભાગના લોકોને ચોકલેટ અને તેનો સ્વાદ પસંદ છે. સર્વે પ્રમાણે દસમાંથી નવ જણને ચોકલેટ પ્રિય છે. રોજના એક અબજથી વધુ લોકો ચોકલેટ નાનાં મોટાં પ્રમાણમાં આરોગે છે. તેનો સ્વાદ મજાનો હોવા ઉપરાંત તેના કેટલાક આરોગ્ય વિષયક ફાયદા ગણાવવામાં આવે છે, પરંતુ સુરતના એક યુરોલોજિસ્ટ તબીબે આ લખનારને ચોકલેટ ખાવાની ના ફરમાવી છે. સ્ટ્રોબેરી ખાવાની પણ મનાઈ છે. કેલ્શિયમ ઓક્ઝાલેટ પ્રકારની પથરી તેનાથી વધે છે. એક વાત વારંવાર કહેવાય છે કે ડિપ્રેશન અથવા હતાશા, અવસાદની વ્યાધિને દૂર રાખતા અથવા હળવી બનાવતાં, મગજમાં પેદા થતાં ખુશીવર્ધક સેરેટોનિન અને ડોપામાઇન જેવાં રસાયણોનું પ્રમાણ ચોકલેટ ખાવાથી વધે છે અને તેથી દરદી ખુશહાલી અનુભવે છે. ઉદાસ રહેતાં પ્રેમી-પ્રેમિકાઓને આ વાત અસર કરે છે અને તેથી તેઓ વધુ ચોકલેટ આરોગે છે. ડાર્ક એટલે કે વધુ કાળી ચોકલેટ શરીર માટે વધુ લાભપ્રદ બને છે. તે ઍન્ટિ-ઓક્સિડન્ટ અર્થાત શરીરમાંના કચરાના નિકાલમાં મદદરૃપ બને છે. તેનાથી શરીરમાંનો લોહીનો પ્રવાહ પણ સુધરે છે. પરિણામે લોહીનું દબાણ નીચે રહે છે અને હૃદયરોગનું જોખમ ઘટે છે, પરંતુ વધુ પ્રમાણમાં મીઠી ચોકલેટ ખાઓ તો ડાયાબિટીસને આમંત્રણ મળે છે. માટે અમુક મર્યાદામાં સેવન સારું. જોકે સારી કંપનીઓની ચોકલેટની કિંમતો એટલી ઊંચી છે કે મોટા ભાગના લોકોને તે રોજ ખાવાનું પરવડે નહીં.
આજના યુવાનોને ભારતમાં કેટલાં રાજ્યો છે અને તેનાં નામ શું છે તેની ખબર નહીં હોય, પણ ચોકલેટની બ્રાન્ડ અને કંપનીઓનાં નામની જરૃર જાણ હશે. ચોકલેટ ખાવા માટે માત્ર બહાનું જોઈએ. જન્મ દિવસ, લગ્ન દિવસ વૅલેન્ટાઇન ડે, વેવિશાળ, સીમંત, પરીક્ષાનાં પરિણામો, કૉલેજમાં પ્રવેશ, નોકરી મળવી, નોકરીમાં બઢતી મળવી, પ્રેમિકાને ખુશ કરવી તો રાખો હાથમાં ચોકલેટ. આ ઉપરાંત સાત જુલાઈના રોજ ‘ઇન્ટરનેશનલ ચોકલેટ ડે’ના દિવસની ઉજવણી પણ મોટા પાયે ચોકલેટ ભેટ આપીને થાય છે. અમેરિકામાં ‘થેન્ક્સ ગિવિંગ ડે’ના રોજ દરેક ઘરના દરવાજે ચોકલેટનાં તગારાં ભરીને મૂકવામાં આવે. સાંજના સમયે બાળકો ટોળાંમાં આવીને એક એક ચોકલેટ ઉપાડે. તેમાં અનેક પ્રકારની મિક્સ વેરાયટી હોય. ચોકલેટ જેમાંથી બને છે તે કકાવ અથવા કકાઉ વૃક્ષ આફ્રિકાના ઘાનામાં મોટા પ્રમાણમાં ઊગે છે. તેથી ઘાના ૧૪ ફેબ્રુઆરીના રોજ ‘ચોકલેટ ડે’ ઊજવે છે. ભારતના મોટા ભાગના વયસ્કોને અને ગ્રામીણ યુવાનોને ૧૪ ફેબ્રુઆરીએ ઊજવાતા વૅલેન્ટાઇન ડે વિષે ખાસ માહિતી હોતી નથી તો ‘કિસ ડે’ની ખબર ક્યાંથી હોય? શિવસેના, આરએસએસ, હિન્દુ અને મુસ્લિમ સંગઠનો પણ જાહેરમાં ચુંબન કરવાની પ્રથા કબૂલ કરશે નહીં, પરંતુ ‘વૅલેન્ટાઇન ડે’ના આગલા દિવસે ૧૩ (તેરમી) ફેબ્રુઆરીના રોજ અન્ય દેશોનાં યુવાન યુવતીઓ ‘કિસ ડે’ મનાવતા થયા છે. આ દિવસે દીર્ઘચુંબનની હરીફાઈઓ યોજાય છે અને ચોકલેટ્સનો પુરજોશ વપરાશ થાય છે. વાત અહીં અટકતી નથી. ‘વૅલેન્ટાઇન ડે’ શરૃ થાય તેના સાત દિવસ અગાઉ, સાતમી ફેબ્રુઆરીના રોજ ‘રોઝ ડે’ અથવા ‘ગુલાબ દિવસ’ હોય છે અને ‘ગુલાબ દિન’થી સાત દિવસ માટે ‘વૅલેન્ટાઇન વીક’ અથવા સપ્તાહ શરૃ થાય. તેમાં રોઝ ડેના દિવસે ગુલાબ આપીને શુભેચ્છાની અભિવ્યક્તિ થાય અને સારો પ્રતિસાદ મળે તો ‘ચોકલેટ’ આપીને પ્રેમની કબૂલાત થાય. આ બધામાં વચ્ચે ચોકલેટ તો હોય. આ દિવસોની જાણ ન હોય તેને ચોકલેટ અને કપડાં કંપનીઓ ખાસ જાહેરખબરો અને હોર્ડિંગ્સ દ્વારા યાદ અપાવે. બીજા અનેક દિવસો એવા છે કે જેમાં કિશોર-કિશોરીઓ પણ ચોકલેટ્સની આપ લે કરે. જેમ કે ‘હગ ડે’ (આલિંગન દિવસ), ટેડી ડે, પ્રપોઝ ડે, પ્રોમિસ ડે વગેરે. વરસના આવા ૧૫૦૦ જેટલા ખાસ દિવસોમાં ચોકલેટની હાજરી હોય જ.
ચોકલેટનો વપરાશ ત્રણ હજાર વરસથી થઈ રહ્યો છે, પરંતુ અગિયારમી સદીનાં લખાણોમાં તેના પ્રથમ દસ્તાવેજી પુરાવા મળે છે. વિષુવવૃત્તીય પટ્ટામાં કકાવનાં ઝાડ હાલના મેક્સિકો, મધ્ય અમેરિકા, જેમાં લેટિન અમેરિકા ખંડના ઉત્તરના દેશો તેમ જ હાલના યુએસએના દક્ષિણ વિસ્તારનો સમાવેશ થાય છે, ત્યાં ઝાડ ઊગતાં હતાં અને ઊગે છે. કાળક્રમે આ પાક વિશ્વના વિષુવવૃત્તીય પટ્ટામાં ફેલાયો છે. દક્ષિણ મેક્સિકોની ‘ઓલ્મેક્સ’ અને લેટિન અમેરિકાની પ્રાચીન મય સંસ્કૃતિમાં ચોકલેટના ઐતિહાસિક પુરાવા મળે છે. ત્યારે તેનું નામ ચોકલેટ ન હતું અને આજે આપણને બજારમાં મળે છે તેવી એ ચોકલેટ ન હતી. ઇતિહાસમાં ચોકલેટની ચાહના અને કદર ખૂબ જોવા મળે છે. તેનાં મૂળતત્ત્વો તો ચોકલેટમાં છે તે જ હતાં, પરંતુ સ્વરૃપ અલગ હતું.
કકાઉ નામનાં વૃક્ષોના પપૈયાના કદનાં ફળમાંથી નીકળતાં બિયાં અથવા બીનમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. આ પપૈયા જેવાં આકારનાં ફળ પોડ્સ અથવા ‘પડિયા’ તરીકે ઓળખાય છે અને આવા એક પોડમાં કકાવનાં ૪૦ (ચાલીસ) જેટલાં બીન્સ (બિયાં) હોય છે. ખાસ પ્રક્રિયા દ્વારા આ બિયાંને ફરમેન્ટ (આથો) થવા દેવાય છે અને પછી તે બિયાંનો અર્ક ખેંચી કાઢવામાં આવે છે. ઘટ્ટ માખણ જેવો ચીકાશ ધરાવતો આ અર્ક અથવા ગર ‘કોકો બટર’ તરીકે ઓળખાય છે. ગર કાઢતા પહેલાં તેને સૂકવવામાં આને ત્યાર બાદ શેકવામાં આવે છે.
કકાવ અને તેનાં બિયાંમાંથી કોકો બટર મેળવવાની ચોક્કસ કોના દ્વારા અને કોના થકી શરૃઆત થઈ તેની ઇતિહાસમાં વિગતો મળતી નથી, પરંતુ અમેરિકન-ઇન્ડિયન ઇતિહાસ માટેના સ્મિથ સોનિયન નેશનલ મ્યુઝિયમના કલ્ચરલ આટ્ર્સ ક્યુરેટર હેયઝ લેવિસના કહેવા મુજબ આજથી લગભગ ચાર હજાર વરસ પૂર્વેના ઓલ્મેક સંસ્કૃતિના ઘડાઓ અને વાસણો મળી આવ્યાં છે જેમાં ચોકલેટ અને ચામાં હોય છે તેવાં તાજગીદાયક તત્ત્વોના અવશેષો મળી આવ્યા છે. ઓલ્મેક લોકો કકાવનાં બીજનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોમાં પીવાતાં પીણા માટે કરતા હતા. જોકે તેઓ પીણુ બનાવવા માટે માત્ર બીજનો ઉપયોગ કરતા હતા કે પછી આખા ફળનો ઉપયોગ કરતા હતા તે બાબતે ભિન્ન ભિન્ન મત છે. ઓલ્મેક દ્વારા આ જ્ઞાન મધ્ય અમેરિકાના મયન લોકોને પૂરું પડાયું હતું. તેઓ ચોકલેટ આરોગતાં અને તેની પૂજા પણ કરતાં. ત્યાં સુધી કે તેઓ ચોકલેટનાં પીણા પીતા અને કેટલાક આર્થિક સોદાઓની પતાવટ પણ કકાવનાં બી અથવા કોકો બટરના માધ્યમથી કરતા હતા. તેનું મહત્ત્વ ઘણુ હોવા છતાં તેનો વપરાશ માત્ર શ્રીમંતો પૂરતો અબાધિત ન હતો, પણ સમાજનો દરેક વર્ગ તેનો છૂટથી ઉપયોગ કરતો હતો. મયન લોકો તમામ ભોજન વખતે ચોકલેટ આરોગતા. મયન ચોકલેટ ઢીલા ગોળની માફક ઘટ્ટ છતાં પ્રવાહી, ફીણવાળી રહેતી અને ઝાઝે ભાગે લાલ મરચાં, મધ અને પાણી સાથે ભેળવીને તે આરોગવામાં આવતી હતી.
લેટિન અને મધ્ય અમેરિકાની એઝટેક સંસ્કૃતિના એઝટેક લોકો ચોકલેટ પ્રતિ પ્રેમને વધુ ઊંચાઈ પર લઈ ગયા. તેઓ માનતા કે તેઓને કકાવ વૃક્ષોની ભેટ તેઓના દેવતા દ્વારા આપવામાં આવી છે. ચોકલેટના ઠંડા અથવા ગરમ પીણામાંથી તેઓને ચાય, કૉફી દ્વારા મળે એવી તાજગી અથવા કિક મળતી હતી. તે માટેનાં ખાસ કોતરકામ અથવા શિલ્પકાર્ય ધરાવતાં વાસણો તેઓ રાખતાં. કકાવના ઠળિયાઓના સાટામાં તેઓ અન્ય પ્રકારનો ખોરાક કે ચીજવસ્તુઓ ખરીદતાં. એઝટેક સંસ્કૃતિમાં કકાવનાં બિયાંને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણવામાં આવતાં હતાં. જોકે એઝટેક કલ્ચરમાં ચોકલેટ શ્રીમંતોની ચીજ ગણાતી તો પણ ખાસ પ્રસંગોમાં સામાન્યવર્ગ પણ તેની મજા લેતો હતો. કહે છે કે એઝટેક શાસનનો પ્રતાપી રાજા મોન્ટેઝુમા બીજો ચોકલેટ્સનો ખાસ રસિયો હતો. એ શક્તિ, સ્ફૂર્તિ અને વાજીકરણ માટે રોજની અનેક લિટર ચોકલેટ પીતો હતો. એ પોતાના લશ્કરના વપરાશ માટે પણ કકાવના ઠળિયાના ભંડારો ભરી રાખતો હતો.
મૂળ તો કકાવ એ એમેઝોના તટપ્રદેશનું વૃક્ષ છે, પણ વિષુવવૃત્તથી ૧૫ ડિગ્રી અક્ષાંશ ઉત્તર અને પંદર ડિગ્રી દક્ષિણ અક્ષાંશની આબોહવા તેને વધુ સાનુકૂળ પડે છે. તેનો અર્થ એ કે કકાવના પાક માટે દક્ષિણ ભારત સાનુકૂળ છે. આન્ધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળમાં તેની ખેતી શરૃ થઈ છે, પરંતુ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન ઘાના અને અન્ય આફ્રિકી દેશો મળીને કરે છે. દક્ષિણ પૂર્વ એશિયા જેમ કે વિયેતનામ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓ પર પણ તેની ખેતી થાય છે.
કેડબરી કંપની ભારતમાં વરસોથી હતી, પરંતુ ભારતમાં ચોકલેટના ઉત્પાદન માટે સ્થાનિક કૃષિ દ્વારા કકાવનાં બી મળે તે તેને માટે ફાયદાકારક હતું. વરસ ૧૯૬૫માં કેડબરીએ કેરળના વાયનાડ જિલ્લામાં (જે રાહુલ ગાંધીના મતવિસ્તાર તરીકે હવે જાણીતો બન્યો છે.) પ્રદર્શનો અને સેમિનારો યોજીને કકાવની ખેતી કરવાના ખેડૂતોને પ્રોત્સાહનો અને શિક્ષણો આપ્યાં. સિત્તેરના દશકના પ્રારંભથી ભારતમાં વ્યાપારી ધોરણે કકાવની ખેતીની પ્રવૃત્તિ વિકસવા માંડી. અગાઉ કેડબરી ઇન્ડિયા કંપની હતી તેને ‘મોન્ડેલેઝ ઇન્ડિયા ફૂડ્સ, પ્રાઇવેટ લિમિટેડ’ નામ અપાયું. તેઓએ ખેડૂતોને બિયારણના રોપ અને ઉછેરની ટેકનિકો મફતમાં પૂરાં પાડ્યાં. ૧૯૭૨માં ભારત સરકારની ‘સેન્ટ્રલ પ્લાન્ટેશન કોર્પ્સ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કકાવનાં વૃક્ષો વિષે સંશોધનો શરૃ કરવામાં આવ્યાં. ૧૯૭૯માં કેરળ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી તેમાં જોડાઈ. છેલ્લાં ૩૦ વરસથી મોન્ડેલેઝ અને કેરળ કૃષિ યુનિવર્સિટી સાથે મળીને સંશોધનો ચલાવે છે. હાલમાં કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને આન્ધ્રપ્રદેશમાં તેની ખેતી થાય છે.
વરસ ૨૦૦૫ની સરખામણીમાં ભારતમાં ચોકલેટનો વપરાશ ત્રણ ગણો વધી ગયો છે. છેલ્લા ત્રણ દાયકામાં મધ્યમ વર્ગની સંખ્યા અને તેઓની આવકમાં ઘણો વધારો થયો છે તેમ તેમ ચોકલેટની ખપત વધતી ચાલી છે. ૨૦૦૫માં ભારતમાં વ્યક્તિદીઠ વરસની ૪૦ ગ્રામ ચોકલેટ ખવાતી હતી તે વધીને હવે ૧૨૦ ગ્રામ થઈ છે. હજી આ પ્રમાણ ખૂબ વધશે અને તેથી ઘણી કંપનીઓ ચોકલેટ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ આવી છે તેથી સ્પર્ધા પણ વધી છે. ભારતમાં છેલ્લાં ૭૩ વરસથી કેડબરી ક્રાફ્ટ ફૂડ્સ ચોકલેટ કેટેગરીમાં પ્રથમ સ્થાન શોભાવે છે, પણ હવે મહત્ત્વના પ્લેયર તરીકે અમૂલ ડેરી પણ છે. ભારતમાં ૨૦૧૮માં ૧૩૨ અબજ રૃપિયાની ચોકલેટ વેચાઈ હતી. તેમાં કેડબરીના હિસ્સે ૭૦ ટકા, નેસલેના હિસ્સે વીસ ટકા અને બાકીની કંપનીઓના હિસ્સે દસ ટકા આવે છે. જોકે આ આંકડાઓ બાબતે વિવાદ છે. સ્ટેટિસ્ટા ડોટ કોમના જણાવ્યા પ્રમાણે મોન્ડેલેઝ (જૂની કેડબરી)નો હિસ્સો ચોકલેટ કન્ફેક્શનરીમાં ૪૯ ટકા અને નેસલેનો ૧૩ ટકા છે. ઠીક છે, પણ આજે ચોકલેટ પાવડર ખરીદીને લોકો ઘરે પણ ચોકલેટ બનાવતાં થયાં છે. સુંદર પેકિંગમાં ઓર્ડર મુજબ સપ્લાય પણ કરે છે. એક તરફ કેડબરીની ‘ડેરી મિલ્ક’ પોપ્યુલર છે. તેના બાર (લાટા) ચાર પાંચ સાઇઝમાં મળે છે. જેવી જેની ઇચ્છા અને શક્તિ તે મુજબ પાંચ રૃપિયાથી સવાસો રૃપિયાનો બાર ખરીદી શકે. ચોકલેટ ડિઝાઇનરો નામના વ્યવસાયીઓ પણ તૈયાર થયા છે. તેઓ કિસ્મ કિસ્મની ચોકલેટો તૈયાર કરે છે. તેઓનું કહેવું છે કે સ્થાનિક લોકોને માફક આવે તેવી ચોકલેટ તૈયાર કરવાનું ઘણુ મહત્ત્વ છે. ‘ચોકો અ લા કાર્ટ’ નામની કંપનીના માર્કેટિંગ હેડ મહેશ જોશી કહે છે કે, ‘અલગ-અલગ પ્રસંગને અનુરૃપ થાય તે મુજબ અમે ૨૫ પ્રકારની ચોકલેટો અને ફ્લેવરો વિકસાવી છે.’
ભારતમાં હાલમાં ચોકલેટના વ્યવસાય માટે સરકારી તેમ જ અન્ય સંદર્ભોમાં વાતાવરણ ખૂબ સાનુકૂળ છે. વિદેશી કંપનીઓ માટે નાણા રોકવાની છૂટ છે. કુશળ માણસો ઉપલબ્ધ છે અને ગ્રાહકોમાં પણ સારી ડિમાન્ડ છે. આ સ્થિતિમાં દુનિયાની કોઈ કંપનીને ભારતના માર્કેટની અવગણના કરવાનું પાલવે તેમ નથી. ભારતના શ્રીમંતોનો એક મોટો વર્ગ છે જે વિદેશોથી આયાતી ચોકલેટો વધુ પસંદ કરે છે. તમે ન્યૂ યૉર્કના મેનહટ્ટનમાં જાઓ તો અમેરિકાની ‘હર્શી’ અને ‘એમ.એમ.’ ચોકલેટ કંપનીના બે આલીશાન સ્ટોર્સ તમને જોવા મળે. ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટ્રમ્પ બિલ્ડિંગની નજીકમાં આ સ્ટોર્સ છે તેમાં અસંખ્ય લોકો જોવા મળે. કેટલાક ગ્રાહકો અને કેટલાક માત્ર મુલાકાતીઓ હોય. અહીં મકાન ચણવાની એક મોટી ઈંટ જેવડી ચોકલેટ તમને જોવા મળે. અમેરિકાથી જે ભારત આવે તે હર્શીની ચોકલેટ લઈ આવે તેવો એક વણલખ્યો શિરસ્તો પડી ગયો છે. ભારતના શ્રીમંતો લિન્ડટ્ બ્રાન્ડની ચોકલેટો પણ વધુ પસંદ કરે. ભારતમાં વરસોથી ‘ટોબ્લેરોન’ પણ પ્રાપ્ત છે અને હવે મિડલ ક્લાસમાં પણ તેની ખપત વધી છે. લેબેનોનની ‘પાત્ચી’ કંપની જગતમાં ૩૦૦ જેટલા ચોકલેટના ફ્રેન્ચાઇઝ સ્ટોર ધરાવે છે. ૨૦૦૭માં તેણે દિલ્હીમાં શાખા ખોલી હતી. ભારત અને દુનિયામાં અનેક સ્થળોએ ચોકલેટ રાંધવાની કળાઓ શિખવતી શાળાઓ અને સંસ્થાઓ ખૂલી છે. બેરી કોલબોટ નામક સંસ્થા ભારત અને અન્ય દેશોમાં ચોકલેટ બનાવવાની તાલીમ આપે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય ચેઇન ‘સ્ટારબક્સ’ અને અન્ય કંપનીઓના સ્ટોર્સમાં પણ ચોકલેટ એક મહત્ત્વનું અંગ છે.
અગાઉના સમયમાં યુરોપના ખલાસીઓ ચોકલેટના સ્લેબ (લાટો-લગડી)ને ગરમ પાણીમાં ઉકાળીને મીઠું પાણી તૈયાર કરતાં અને પીતાં જેને તેઓ ‘ક્યે’ ના નામથી ઓળખતા હતા. બ્રિટનમાં રોયલ નેવીના નૌકાસૈનિકો કોકો અને ચોકલેટ પીણાનો સૌથી વધુ વપરાશ કરતાં હતાં, કારણ કે તે એક તાજગીદાયક આલ્કોહોલ-રહિત પીણુ હતું. ખાસ કરીને નૌસેનિકો ફરજ પર હોય ત્યારે ચોકલેટ ડ્રિન્ક ખાસ પીતાં. ચોકલેટનાં પીણા અને સૈનિકો વચ્ચેનો સંબંધ એટલો મજબૂત બન્યો કે નૌસેનાનીઓ અને આમ ખલાસીઓ વાયવ્યના ઠંડા પવનોને ‘ચોકલેટ પવનો’ તરીકે ઓળખાવતા થયા હતા. સન ૧૬૪૩માં સ્પેનની રાજકુમારીના લગ્ન ફ્રાન્સના લૂઈ ચૌદમા સાથે થયા ત્યારે સ્પેનિશ રાજકુમારીએ એક કલાત્મક અને અલંકૃત પેટીમાં ચોકલેટ ગોઠવીને પતિને ભેટ આપી હતી. તે અગાઉ સન ૧૫૨૮માં હરનન કોર્ટેસ નામનો સ્પેનિશ મધ્ય અમેરિકામાંથી કકાવના છોડ લઈ આવ્યો હતો અને સ્પેનમાં એણે ત્રણ પ્લાન્ટેશન ઉગાડ્યા હતા. ગરમ ચોકલેટ તૈયાર કરવાની રેસિપી પણ એ સાથે લાવ્યો હતો. વરસો સુધી ઈસાઈ સાધુઓ દ્વારા ચોકલેટ્સ બીન અથવા ઠળિયાને પ્રોસેસ કરવામાં આવતા હતા. આ પ્રોસેસ કરવાની ટેકનિક વરસો સુધી સ્પેનમાં ગુપ્ત રાખવામાં આવી હતી, જેથી યુરોપના બીજા દેશોના લોકો તે જાણી ન જાય. કહે છે કે કોલંબસ ૧૪૯૨માં અમેરિકાના કાંઠે પહોંચ્યો હતો અને તે ભારત છે એવા ખ્યાલ સાથે જ ગુજરી ગયો, પરંતુ અમેરિકાના વસવાટ દરમિયાન તેણે કકાવના ઠળિયા ચાખ્યા હતા કે કેમ, તેનો કોઈ પુરાવો મળતો નથી, પરંતુ એટલું જાણવા મળે છે કે કકાવના ઠળિયાને એ બદામ માનતો હતો. એ જાણવા મળે છે કે પ્રાચીન કાળમાં પણ કકાવનું વૃક્ષ કકાવ તરીકે જ ઓળખાતું હતું. કોલંબસને એ સમજાયું હતું કે સ્થાનિક ‘ઇન્ડિયન’ પ્રજા માટે આ બિયાં મૂલ્યવાન હતાં અને ૧૫૦૨માં એ સ્પેન પાછો ફર્યો ત્યારે સ્પેનના રાજા ફરડીનાન્ડ અને રાણી ઇઝાબેલાને એણે એ ઠળિયા ભેટમાં આપ્યા હતા, પરંતુ સ્વાભાવિકપણે રાજા અને રાણી તેનાથી પ્રભાવિત થયા ન હતાં, કારણ કે યુરોપમાં કોઈના માટે ત્યારે એ ઠળિયાઓની કોઈ ખાસ કિંમત ન હતી.
ત્યાર બાદ સન ૧૭૫૩માં તેનું મૂલ્ય સમજાતું થયું. સ્વીડનના એક વનસ્પતિશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી કાર્લ લીનોઝે કકાવનાં ઝાડ અને ફળોને એક સત્તાવાર અર્થાત ઓફિશિયલ લેટિન નામ આપ્યું. તે નામ છે થીઓબ્રોમા કકાવ. થીઓબ્રોમા લેટિન શબ્દ છે અને તેનો અર્થ થાય છે, ‘પ્રભુ માટેનું ભોજન’ કોઈ તેનો અર્થ ‘પ્રભુએ આપેલું ભોજન અથવા પ્રસાદ’ એવો પણ કરે છે. થીઓ અને દેવ તે બંને એક જ લેટિન-સંસ્કૃત (ઇન્ડો-યુરોપિયન) ભાષાકુળના શબ્દો છે. ગુજરાત સરકારે હમણા ‘થોર કુળ’નાં ફળ ડ્રેગન ફ્રૂટને ‘કમલમ્’ નામ આપ્યું છે. આ ફળ હવે ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં પાકે છે, પણ તેનું ગોત્ર મધ્ય અમેરિકા અને મેક્સિકો જ છે જે રીતે કકાવનું છે. થીઓબ્રોમા કકાવ નામ દર્શાવે છે કે સ્વિડિશ વનસ્પતિશાસ્ત્રીના મતે આ ફળ ઘણુ મૂલ્યવાન હતું.
દરમિયાન વરસ ૧૬૫૭માં લંડનની ‘ધ કૉફી મિલ એન્ડ ટોબેકો રોલ’ કંપનીએ લંડનમાં ચોકલેટ ડ્રિન્ક વેચવાનો પ્રારંભ કરી દીધો હતો. ત્યાર બાદ કોકો પીણા પીવાનો અને વેચવાનો એક ટ્રેન્ડ શરૃ થયો. અનેક ‘ચોકલેટ હાઉસ’ ખૂલ્યાં જ્યાં હોટ કોકો પીણા મળતાં થયાં. પ્રારંભમાં તે મોંઘા હતાં તેથી હાલના હુક્કા બારની માફક શ્રીમંતોને અને તેમના નબીરાઓને જ હોટ ચોકલેટ પરવડતી હતી.
વરસ ૧૮૨૮માં કોનરાડ જ્હોનીસ વાન હોટેન નામના એક ડચ ટેકનિશિયને ચોકલેટ પ્રેસ નામનું એક યંત્ર તૈયાર કર્યું. કોકોના શેકેલાં બીજમાંથી આ મશીન દ્વારા સહેલાઈથી કોકો બહાર કાઢી શકાતું હતું. તેના વડે કોકોનો ખૂબ બારીક પાવડર અથવા લોટ તૈયાર થઈ શકતો હતો. અગાઉ કોકો પાવડર કર્કશ, કરકરો રહેતો હતો. આ રીતે તૈયાર થયેલો કોકો પાવડર ‘ડચ્ડ’ (ડચ્ડ) પાવડર તરીકે ઓળખાતો થયો, કારણ કે મશીનના શોધક કોનરાડ ડચ હતા. આ રીતનો બારીક લોટ ચોકલેટનાં પીણા તેમ જ ચોકલેટના સ્લેબ રાંધવામાં ખૂબ મહત્ત્વનો મદદગાર પુરવાર થયો. ત્યાર બાદ સ્વિત્ઝરલેન્ડના રૃડોલ્ફ લિન્ડટ્ દ્વારા એક ચોકલેટના મિશ્રણ માટે અને ચોકલેટ ઢાળવા માટેનું ખાસ મશીન તૈયાર કરાયું. આ નવા મશીન વડે ચોકલેટને ગરમ કરીને ઢાળી શકાતી હતી. તેના વડે ચોકલેટનો સ્વાદ ખૂબ સ્મૂથ, સ્વાદિષ્ટ અને મલાઈદાર (બટરી) લાગતો હતો અને લિન્ડટ્ની ચોકલેટમાં આજે પણ વપરાય છે. હવે મોંમાં નાખવાથી ચોકલેટ આપમેળે અચૂક ઓગળે છે અને મોંમાં એક ક્રીમી સ્વાદ ફેલાય છે. અગાઉ આ રીતે ચોકલેટ બનાવવાની પ્રક્રિયામાં ૭૨ કલાક લાગતા હતા, હવે બાર (૧૨) કલાક લાગે છે. લિન્ડટ્સની આ ચોકલેટ પ્રોસેસની ટેકનિક તેમ જ તેનાથી જે સ્વાદ મળે તેના પ્રતાપે લિન્ડટ્ની લોકપ્રિયતા જગતભરમાં ફેલાઈ ગઈ.
બીજી તરફ ઇંગ્લેન્ડમાં જે એસ ફ્રાય એન્ડ સન્સ નામની કંપનીના ફ્રાન્સિસ ફ્રાય દ્વારા ૧૮૭૪માં કોકો બટર સાથે પાવડર મેળવીને ચોકલેટની ઢાળી શકાય તેવી પેસ્ટ તૈયાર કરવામાં આવી. તેને સ્લેબ અથવા લગડીનું સ્વરૃપ અપાયું. અન્ય આકારોમાં પણ તે તૈયાર થઈ. આજે વાસણોની દુકાનોમાં ચોકલેટને જુદી જુદી ડિઝાઇનોમાં ઢાળવાના મોલ્ડ મળે છે, પરંતુ તે વખતે આ વાત નિરાળી હતી. ૧૮૪૭થી ઇંગ્લેન્ડમાં ‘ફ્રાયન્સ્ ઇટિંગ ચોકલેટ’ નામની શરૃઆત થઈ અને જાણીતી બની ગઈ. ચોકલેટ તો ઘણા બનાવે છે. બાબા રામદેવની પતંજલિ કંપનીએ પણ ચોકલેટ અને એનર્જી બાર બજારમાં મૂકી જોયા, પણ જે રીતે બાબાના નૂડલ્સ (મેગી) પિટાઈ ગઈ તેમ એ બાર પણ પિટાઈ ગયા છે.
વરસ ૧૯૦૩ એટલે કે આજથી ૧૧૮ વરસ પહેલાં અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યની ડૌફીન કાઉન્ટી ખાતે મિલ્ટન એસ. હર્ષી દ્વારા ચોકલેટનું કારખાનું શરૃ કરાયું અને તે સ્થળને ‘ટાઉન ઓફ હર્ષી’ નામ અપાયું. અમેરિકામાં એક ફેક્ટરી માટે બાંધવામાં આવેલું આ ફર્સ્ટ ટાઉન હતું. કંપની દ્વારા શરૃઆતમાં જે ચોકલેટો બહાર પાડવામાં આવી તેને ‘હર્ષીઝ કિસિઝ’ નામ આપ્યું. એ ચોકલેટો આજે એ જ નામથી ભારતમાં પણ મળે છે. આ કંપનીની વિગતો એટલી છે કે તેના પર એક અલગ લેખ લખી શકાય. વરસ ૧૯૧૩માં જુલેસ સેકોડ નામના ઉત્પાદક દ્વારા ચોકલેટોનાં એવા કવચ અથવા શેલ અથવા વાટડીઓ તૈયાર કરવામાં આવી જેની અંદર સિસ્પ, જેલી વગેરે પૂરી શકાય. તેના કારણે એ પણ શક્ય બન્યું કે વિધવિધ સ્વાદનો અર્ક ધરાવતી વેરાયટીની ચોકલેટો એક બોક્સમાં ભરી શકાય. આવી એસોર્ટેડ ચોકલેટોના ડબ્બા આજે મળે છે. તે અગાઉ ૧૮૭૫માં બેબી ફૂડના ઉત્પાદક હર્મન નેસલેએ ચોકલેટ પાવડરમાં દૂધ મેળવીને ચોકલેટ-મિલ્ક ડ્રિન્ક તૈયાર કર્યું. આ નેસલેની ચોકલેટો પણ ભારતમાં લોકપ્રિય છે તેમ અન્યત્ર પણ છે. ત્યાર બાદ ડેનિયલ પિટર નામના એક શોધકે વીસ વરસની જહેમત બાદ પાસા પાડી શકાય, ઢાળી શકાય તેવી મિલ્ક ચોકલેટ તૈયાર કરવાની રીત શોધી કાઢી. અમૂલ ડેરી દ્વારા બનતી દૂધની ચોકલેટો પણ ભારતમાં લોકપ્રિય છે અને સફેદ રંગની ચોકલેટ પણ ઉપલબ્ધ છે, પરંતુ તે ટેકનિકની શરૃઆત છેક ૧૮૭૫માં થઈ હતી. બ્રિટનમાં એક પિટર્સ બ્રાન્ડની દૂધની ચોકલેટ જાણીતી બની હતી. વરસ ૧૯૦૦માં નવા વર્ષની ઉજવણી નિમિત્તે બ્રિટનનાં રાણી વિક્ટોરિયાએ, દક્ષિણ આફ્રિકામાં બોએર યુદ્ધમાં લડેલા તમામ બ્રિટિશ સૈનિકને ચોકલેટો ભરેલું ટિનનું એક-એક બોક્સ ભેટ મોકલ્યું હતું. કહે છે કે તે માટે જે ખર્ચ થયો તે રાણીએ પોતાની મૂડીમાંથી કર્યો હતો. વરસ ૧૯૦૮માં એમિલ બૌમાન દ્વારા બદામ, પિસ્તા જેવા નટ્સ, મધ વગેરે સાથે મેળવીને દૂધની ચોકલેટો તૈયાર થઈ. એમિલના પિતરાઈ ભાઈ થિયોડોર ટોબલર દ્વારા પ્રથમ વખત ત્રિકોણાકાર ચોકલેટોનો બાર તૈયાર કરવામાં આવ્યો જેનો એક એક ત્રિકોણ તોડીને ખાઈ શકાય. આ ત્રિકોણીય સ્લેબ માટે એમણે ત્રિકોણીય પેકેજની પણ રચના કરી જે આજે ૧૧૨ વરસ બાદ પણ ભારતનાં બજારોમાં સર્વત્ર મળે છે.
તે અગાઉ ૧૮૫૪માં બ્રિટનમાં કેડબરી કંપનીને એક મહત્ત્વનો પરવાનો મળે છે, જે ‘રોયલ વૉરન્ટ’ કહેવાય છે. જેમાં બ્રિટનનાં રાણી વિક્ટોરિયા અને રાણીના કુટુંબને ચોકલેટો અને ચોકલેટની અન્ય બનાવટો પૂરી પાડવાનો એકાધિકાર અથવા ઇજારો કેડબરી કંપનીને આપવામાં આવે છે. કેડબરી સામે સ્પર્ધામાં તે વખતે બ્રિટનની ‘ફ્રાઇઝ્’ કંપની હતી. લગભગ એકસો વરસ બાદ, વરસ ૧૯૫૫માં હાલના બ્રિટનનાં રાણી ઇલિઝાબેથ ટુ દ્વારા એ રોયલ વૉરન્ટ અથવા ઇજારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
અમેરિકાની સેનાને બીજા વિશ્વયુદ્ધ અગાઉ રાશનમાં ચોકલેટો પૂરી પાડવામાં આવતી. તેની સાથે સૂચના મૂકવામાં આવતી કે જરૃર લાગે તો ગરમ પાણીમાં ઉકાળીને તે આપી શકાય. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપમાં ખોરાકની તંગી શરૃ થઈ અને રાશન પદ્ધતિ શરૃ કરવામાં આવી ત્યારે દર સપ્તાહે વ્યક્તિદીઠ ચાર ઔંસ વજનની ચોકલેટ આપવામાં આવતી. વરસ ૧૯૪૦થી ૧૯૪૫ દરમિયાન અમેરિકાની મિલિટરી દ્વારા ચોકલેટના ત્રણ અબજ બાર સૈનિકોને પૂરા પડાયા હતા. એમ માનવામાં આવતું કે ચોકલેટ એ જરૃરી ખોરાક નથી, પણ તેના વડે સૈનિકોનો જુસ્સો જળવાઈ રહે છે.
આ બધામાં પણ ઇંગ્લેન્ડ અને લંડનનો ચોકલેટનાં પીણા અને ચોકલેટનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. સન ૧૬૫૦ની આસપાસ લંડનમાં કૉફી હાઉસો ખૂબ લોકપ્રિય હતાં. ઘણા જૂના લેખકો કૉફી હાઉસમાં કલાકો બેસીને સાહિત્યની ચર્ચા કરતા. અન્ય કલાકારો પણ તેમાં જોડાતાં. ૧૬૫૦ બાદ ભદ્ર, શિક્ષિત અને શ્રીમંત વર્ગ માટેનાં બેસવા-ઠેકાણા તરીકે ચોકલેટ હાઉસો લોકપ્રિય બનવા માંડ્યા અને વધુ ને વધુ સંખ્યામાં ખૂલવા લાગ્યાં. પ્રથમ ચોકલેટ હાઉસ ૧૬૫૭માં ખૂલ્યું અને પછી તેનો દૌર ચાલ્યો. તેમાં જે લોકપ્રિય બન્યાં તેમાંનું એક ‘કોકો ટ્રી’ અને બીજું ‘ઓઝીન્ડા’ હતું. રાજકીય ચર્ચાઓ અને પ્રવચનોના તે ધામા બની ગયાં. જોકે આ ચોકલેટ હાઉસોમાં માત્ર ચોકલેટ્સનાં પીણા જ નહીં, પરંતુ ચા, કૉફી અને કોક એલ (એલ એટલે એવું પીણું જેમાં ફળ, મસાલા અને ચિકનના ટુકડા ઉમેરવામાં આવે) વગેરે પીણા મળતાં, પરંતુ ચોકલેટ પીરસવામાં આવતી તે આજની વેરાયટીથી તદ્દન ભિન્ન હતી. એ દિવસોમાં આજની માફક દૂધ અને બીજા પાવડર ઉમેરવામાં આવતાં ન હતાં, પરંતુ ખાટા ફળોની છાલ, જાસ્મીનનાં ફૂલો અને પત્તાં, વેનિલા (કુદરતી), કસ્તૂરી અને માછલીઓનાં શરીરમાંથી નીકળતો એમ્બરગ્રીસ નામનો સુગંધી પદાર્થ ઉમેરવામાં આવતો હતો. કોકોના બટર અથવા બિયાં સાથે આ પદાર્થો ઉકાળીને ચોકલેટી પીણું તૈયાર થતું હતું.
પરંતુ ત્યાર બાદ ચોકલેટ હાઉસોની આબરૃ નીચે જવા માંડી. ભારતમાં જે રીતે ડાન્સ બાર અને હુક્કા બારની જે પ્રતિષ્ઠા છે તેવી ચોકલેટ હાઉસોની થવા માંડી. તે ગુંડાઓના અડ્ડા અને જુગારધામો બનવા માંડ્યાં. અનેક શ્રીમંત જુગારીઓ અને અસામાજિક શ્રીમંતો અહીં એકઠા થવા માંડ્યા. ત્યાં સુધી કે એક ચોકલેટ હાઉસને લગતી એક ઘટના ત્યારે ઘટી હતી જેની યાદ આજે પણ અપાય છે. એ વખતે ‘વ્હાઈટ ચોકલેટ હાઉસ’ નામનું એક કુખ્યાત ચોકલેટ હાઉસ લંડનમાં હતું. વરસ ૧૭૫૦માં એક ચોકલેટ હાઉસની બહાર રસ્તા પર એક જણને આંચકી ઊપડી અને બેહોશ બની ગયો. તેને અમુક લોકો ઉઠાવીને ચોકલેટ હાઉસમાં લઈ આવ્યા. આટલું વાંચીને આપણને થાય કે તે જણની તાબડતોબ સારવાર માટે લોકોએ દોડાદોડી શરૃ કરી દીધી હશે. ના, એવું કશું ન બન્યું, પણ ઊલટું થયું. જુગારીઓ એ વાત પર દાવ લગાવવા માંડ્યા કે એ મરી જશે કે જીવી જશે? મરી જાય તો હું જીતું અને જીવી જાય તો તું જીતે! કોણ કહે છે કે અગાઉનો જમાનો સારો હતો?
આશ્ચર્યની વાત એ છે કે આજે પણ તેમાંના અમુક હાઉસોએ અસ્તિત્વ અને યુનિક પોઝિશન જાળવી રાખ્યાં છે. કેટલાંક હાઉસો માત્ર ‘જેન્ટલમેન્સ ક્લબ’માં ફેરવાઈ ગયાં છે. ઉપર જે ‘વ્હાઇટ ચોકલેટ હાઉસ’નો ઉલ્લેખ કર્યો છે તે આજે સૌથી જૂનું ચોકલેટ હાઉસ છે અને સૌથી એક્સક્લુઝિવ ગણાય છે. ૧૬૯૩માં તેની શરૃઆત ‘મિસિસ વ્હાઇટ્સ ચોકલેટ હાઉસ’ તરીકે થઈ હતી. આજે એ ક્લબના સભ્યોમાં બ્રિટનના પાટવી કુંવર ચાર્લ્સ અને બ્રિટિશ લેખક ટોમ સ્ટેચી વગેરે છે. આજના નારી સ્વતંત્રતાના યુગમાં પણ આશ્ચર્યજનક રીતે ક્લબનું સભ્યપદ માત્ર પુરુષોને જ અપાય છે. બે વરસ અગાઉ બ્રિટનની નારીવાદી મહિલાઓ સફેદ રંગનાં, પુરુષોનાં કપડાં પહેરી આ ક્લબમાં વિરોધ કરવા માટે ઘૂસી ગઈ હતી. સ્ત્રીઓના આ જૂથનું નામ ‘વિમેન ઇન વ્હાઇટ’ છે. જુગાર અને ‘વ્હાઇટ્સ’ને સાંકળતી ટીવી સિરીઝ પણ બની છે. એ દિવસોમાં પોર્સેલીન અથવા ચાંદીમાંથી ઘડેલા સર્વિંગ પોટ (કીટલી) મોભો ગણાતા. ચોકલેટ હાઉસો ચાંદીની કીટલીથી ચોકલેટી પીણા પીરસતાં. ઓસ્ટ્રિયાનું વિયેના શહેર ચોકલેટ ડ્રિન્ક્સની વેરાયટી અને ગુણવત્તા માટે યુરોપમાં જાણીતું બન્યું હતું. વિયેનાની કીટલીઓની સજાવટ, નકશીકામ અને ડિઝાઇનો પણ ખૂબ વખાણાતી હતી. પડોશના જર્મનીમાં પણ ચીની અસરવાળી ‘ચીનસોરી’ નામની કીટલીઓની ડિઝાઇન લોકપ્રિય બની હતી.
જે રીતે એક બેભાન જણ મરી જશે કે જીવશે તેના પર બેટ (દાવ) લાગતી હતી તેમ બીજી ઘણી ભવિષ્યની અનિશ્ચિત ઘટનાઓ માટે પણ બેટ લાગતી હતી. તેમાંની એક મજેદાર બેટ એ વાત પર લાગી હતી કે અંગ્રેજીના ત્યારના અને આજના પણ મહાન કવિ કોની સાથે લગ્ન કરશે? લૉર્ડ બાયરન અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં જીવી ગયા. એમની લોકપ્રિયતાને કારણે એમનું નામ અનેક સ્ત્રીઓ સાથે જોડવામાં આવતું હતું. એવી શરતો પણ રમાતી હશે કે કોણ મહાપુરુષ કે આમઆદમી કોનાથી વધુ જીવશે? ક્યા અખબારનો તંત્રી બદનક્ષીના દાવાને કારણે જેલમાં જશે? તેના પર પણ જુગાર રમાતો હતો. ચોકલેટ હાઉસોની ગેમ્બલિંગ ડેનમાં આવા અનેક પ્રકારના જુગાર રમાતા હતા. આ હાઉસોને મોંઘી અને સુંદર કલાકૃતિઓ અને તૈલચિત્રોથી શણગારવામાં આવતાં. તેનું ફર્નિચર રાચરચીલું પણ કળાત્મક રહેતું. ઠંડી અને અંધકારની મોસમમાં ગ્રાહકોને રાહત રહે તે માટે ચોકલેટ હાઉસોમાં દીવાલોમાં બાંધેલી મોટી સગડીઓ હતી, જેથી ગરમી અને પ્રકાશ બંને મળે. વ્હાઇટ્સના હાઉસમાં નાલાયક પૈસાદારો અને ગુંડાઓ આવતા તેથી તેને માટે કહેવાતું થયું કે, ‘ધ મોસ્ટ ફેશનેબલ હેલ (નર્ક) ઇન લંડન.’ પરંતુ ત્યાર બાદ ૧૭૭૩માં એ આગમાં સળગી ગયું હતું અને ફરીથી બાંધવામાં આવ્યું. ‘ધ કોકો ટ્રી’ની પણ એ જ દશા થઈ હતી.
લંડન અને બ્રિટનના ઘણા મોંઘા ચોકલેટ હાઉસો કાચની ઊંચી ઊંચી બારીઓ ધરાવતાં હતાં. એ દિવસોમાં બ્રિટનમાં કાચ બહારથી આયાત થતો હતો અને મોંઘી જણસ ગણાતી હતી. મકાનોને કાચની ઊંચી બારીઓ જેટલી વધુ સંખ્યામાં હોય એટલો શ્રીમંત મકાનનો માલિક ગણાતો. વૈભવ અને મોભાનું પ્રતીક આ બારીઓ ગણાતી. પરિણામે વરસ ૧૬૯૬માં ઇંગ્લેન્ડમાં ‘વિન્ડો ટેક્સ’ લાગુ પાડવામાં આવ્યો હતો. મકાનને જેટલી બારીઓ વધુ એટલો વધુ ટેક્સ લાગે. ચોકલેટ હાઉસોમાં ઘણી ઊંચી બારીઓ રખાતી અને તે માટે વિન્ડો ટેક્સ ભરીને પણ જાહોજલાલી જાળવવામાં આવતી. આ વ્હાઇટ્સ ચોકલેટ હાઉસ લંડનની સેન્ટ જેમ્સ સ્ટ્રીટમાં આવેલું છે. ત્યારના બ્રિટનના રાજા ચાર્લ્સ (બીજા)એ જ માર્ગ પર આવેલા ‘ઓઝીન્ડા સ્’ ચોકલેટ હાઉસની અવારનવાર મુલાકાત લેતા. ‘ધ કોકો ટ્રી’ એક સમયે બ્રિટનના પ્રમુખ રાજકીય પક્ષ ટોરી પાર્ટીનું બિનસત્તાવાર હેડક્વાર્ટર બની ગયું હતું. આ રૃઢિચુસ્ત (કોન્ઝર્વેટિવ) પક્ષના નેતાઓ અહીં ભેગા મળતા. આ હાઉસોમાં એક ‘હઝાર્ડ’ નામની રમત ખૂબ રમાતી. ૧૭મી અને ૧૮મી સદીમાં આ ઇન-હાઉસ ગેમ ખૂબ લોકપ્રિય બની હતી અને તમામ ચોકલેટ હાઉસોમાં રમાતી હતી. ચોકલેટ હાઉસો ‘બ્લડ’ તરીકે ઓળખાતાં રાઉડી અને યુવાન લોકોનો પણ અડ્ડો ગણાતાં. તેઓ શરાબ પણ ઢીંચતા અને વારંવાર મારામારી પર ઊતરી આવતાં. હઝાર્ડની રમતના નિયમો જટિલ અને આંટીઘૂંટીવાળા હોય છે. એક રાતે ‘રોયલ ચોકલેટ હાઉસ’માં હઝાર્ડનાં પરિણામ બાબતે ઝઘડો થયો. સામસામી તલવારો ખેંચાઈ અને ત્રણ જણનાં મરણ નીપજ્યાં.
ક્વીન વિક્ટોરિયા પોતો ચોકલેટના ચાહક હતા. એમને ગળપણ ઘણુ ભાવતું. કેક, આઇસક્રીમ અને એક્લેઇર્સ વગેરેમાં ચોકલેટ નાખવાનું પસંદ કરતા. દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ સૈનિકો માટે ચોકલેટો મોકલાવી તેનો ઓર્ડર એમણે બ્રિટનની ત્રણ કંપનીઓ, કેડબરી બ્રધર્સ, રાવુનટ્રી એન્ડ કંપની અને જે એસ ફ્રાય એન્ડ સન્સને આપ્યો હતો. આ ત્રણેય કંપનીઓએ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી પૈસા લીધા ન હતા તેવી પણ એક વાત છે. સ્પેનિશ રાજકુમારી અને પત્ની મારિયા થેરેસાઓ ચોકલેટનો નકશીકામ સાથેનો ડબ્બો ભેટ આપ્યા બાદ ફ્રાન્સના રાજા લૂઈ સોળમાએ ફ્રાન્સના દરબારીઓમાં ચોકલેટને પ્રિય બનાવી હતી. મારિયા થેરેસાનાં ફોઈ મારિયાનાં સાસુ બન્યાં હતાં. ‘એન્ન ઓફ ઓસ્ટ્રિયા’ તરીકે ઓળખાતા સાસુએ લૂઈ તેરમા સાથે ૧૬૧૫માં લગ્ન કર્યાં ત્યારે પણ રાજાને ચોકલેટ આપી હતી. ફ્રાન્સની આ બે રાણીઓ ઉપરાંત મેરી એન્ટોનિયેટે રાજા લૂઈ સોળમા સાથે લગ્ન કર્યાં ત્યારે પોતાની સાથે ચોકલેટ રાંધી આપતો ખાસ રસોઇયો પણ લઈ આવી હતી. લૂઈ પંદરમા પણ પોતાના ખાનગી એપાર્ટમેન્ટમાં જાતે હોટ ચોકલેટ તૈયાર કરતા હતા. મેરી એન્ટોનિયેટ અપ્રતીમ સૌંદર્યનું ઉદાહરણ હતી.
જ્હોન કેડબરીએ ૧૮૨૪માં ઇંગ્લેન્ડના બર્મિગહામની બુલ સ્ટ્રીટમાં ગ્રોસરીની દુકાન શરૃ કરી હતી. એ ચા, કૉફી અને ડ્રિન્કિંગ ચોકલેટ વેચતા હતા. ડ્રિન્કિંગ ચોકલેટ એ જાતે બનાવતા. કોકોમાં એમનો રસ વધ્યો અને ૧૮૪૨માં, એટલે કે શોપ શરૃ કર્યાના સાત વરસ બાદ એમણે હોટ ચોકલેટનું કારખાનું શરૃ કર્યું. કેડબરી દ્વારા ૧૧ પ્રકારના કોકો ઠળિયામાંથી ૧૬ વેરાયટીની ડ્રિન્કિંગ ચોકલેટ્સ તૈયાર કરવામાં આવતી હતી. ચાર વરસ બાદ ભાઈ બેન્ઝામીનને ભાગીદારીમાં જોડ્યો અને વધુ મોટું કારખાનું ખોલ્યું. ૧૮૫૪માં રાણી વિક્ટોરિયા તરફથી ચોકલેટ સપ્લાય કરવાનો એકાધિકાર મળ્યો. જેઓને આ અધિકાર મળે છે તેઓ તેમની પ્રોડક્ટ પર લખતા હોય છે કે, ‘બાય સ્પેશિયલ ઍપૉઇન્ટમૅન્ટ ઓફ હર (ઓર હિઝ) રોયલ મૅજેસ્ટી સો એન્ડ સો.’ વરસ ૧૮૬૧માં કેડબરી નિવૃત્ત થયા, પણ આજે ભારતનાં અને દુનિયાનાં તમામ બાળકો એમનું નામ જાણે છે અને વારંવાર ઉચ્ચારતાં રહે છે. એમના માટે કેડબરી કોઈ વ્યક્તિ નથી, પણ ચોકલેટ છે. નિવૃત્ત થયા બાદ એમણે બિઝનેસ પુત્રો રિચાર્ડ અને જ્યોર્જને સોંપી દીધો.
નેસલે ચોકલેટના જર્મન-સ્વીસ સ્થાપક હેનરી નેસલેની વાત કરીએ તો ૧૮૬૭માં એમણે ઘઉંનો લોટ, ગાયનું દૂધ અને સાકરનું મિશ્રણ કરીને, માતાના દૂધના વિકલ્પ તરીકે ખપ લાગે તેવું બાળકો માટેનું દૂધ તૈયાર કર્યું હતું. તેમના આ કારખાનાની બાજુમાં ડેનિયલ પિટર નામના સ્વીસ કન્ફેક્શનર (મીઠાઈ ઉત્પાદક)નું કારખાનું હતું અને એ ડેનિયલ કોકો અને દૂધનું મિશ્રણ તૈયાર કરવાના પ્રયત્નોમાં લાગ્યા હતા. પિટર અને નેસલેએ હાથ મિલાવ્યા. નેસલેની કન્ડેન્સ્ડ દૂધની પ્રક્રિયા અજમાવીને તેઓ ૧૮૭૫માં પ્રથમ મિલ્ક ચોકલેટ બારનું ઉત્પાદન કરવામાં સફળ થયા. બરાબર એ જ વરસે નેસલેએ નિવૃત્ત થવાનું નક્કી કરી પોતાની કંપની વેચી નાખી, પરંતુ ત્યાર પછીનાં ત્રીસ વરસ બાદ નેસલે કંપનીએ પિટરની ચોકલેટ કંપની સાથે ફરીથી ભાગીદારી કરી અમેરિકાની બજારમાં ચોકલેટ વેચવાનો પ્રારંભ કર્યો.
પશ્ચિમના દેશોમાં અને તેથી ભારતમાં એક સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે કે ચોકલેટની ભેટ પુરુષો દ્વારા સ્ત્રીઓને જ અપાય. જાહેરખબરોએ પણ આવી હવા ફેલાવી છે, પણ આ હંમેશાં સાચું નથી. રોવેન ટ્રી કંપનીની મિલ્ક ચોકલેટ્સની વેરાયટી ‘ડેરી બોક્સ’ નામથી ઓળખાય છે, તેની જાહેરખબરમાં ગોરી સ્ત્રીઓને પ્રધાનતા અપાતી હતી, પરંતુ ૧૯૬૦ બાદ ત્યારની હોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી ઉના સ્ટબને મૉડેલ તરીકે રખાઈ હતી અને એક ફેશનેબલ આધુનિક મહિલા એના જેવી જ એક બીજી મહિલાને ચોકલેટનું બોક્સ ભેટ આપતી હોય તે પ્રકારનું નિરૃપણ થયું હતું.
ગયા વરસે કેડબરી દ્વારા ચોકલેટના ઉત્પાદન માટે થ્રી-ડી પ્રિન્ટિંગ ફેસેલિટી શરૃ કરવામાં આવી. મતલબ કે મુંબઈમાં તૈયાર થઈ રહેલી ચોકલેટો જેવી જ ચોકલેટો જૂના ઝેરોક્સની માફક અમદાવાદની ફેસિલિટીમાં તૈયાર કરી શકાય અને તે માટે ખાસ મેનપાવરની જરૃર ન પડે. થ્રી-ડી પ્રિન્ટિંગ વડે ચોકલેટ્સને વધુ કલાત્મક બનાવી શકાય. મતલબ કે આ ટૅક્નોલોજીના પ્રતાપે ચોકલેટ્સ વધુ વ્યાપક બનશે. આજે કેરળ અને અમુક રાજ્યોમાં કૉલ્ડ ડ્રિન્ક્સની કંપનીઓની માફક હર્ષી, કેડબરી વગેરે છૂટક વેપારીઓ ચોકલેટના પ્રદર્શન અને વેચાણ માટે રૅફ્રિજરેટરો પૂરાં પાડે છે. ભારતમાં તૈયાર ચોકલેટનું બજાર નવ હજાર કરોડ રૃપિયાનું છે. ગયા વરસે કેડબરી દ્વારા ૩૦ ટકા ઓછા ગળપણ (સાકર) સાથેની ડેરી મિલ્ક ચોકલેટ બજારમાં મૂકવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે આ નવી વેરાયટીમાં કૃત્રિમ ગળપણ, રંગ, કે પ્રિઝર્વેટિવ વપરાયાં નથી, પરંતુ વધુ ફાઇબર ઊમેરવામાં આવ્યાં છે.
ભારતમાં હવે તૈયાર ચોકલેટ્સ, યુએસ, બેલ્જિયમ, યુકે, ગલ્ફ અને મડાગાસ્કર જેવા આફ્રિકી પ્રદેશોમાંથી આવે છે. ફૂડહોલ નામના સુપરમાર્કેટ ગયા વરસે ૧૪૬ જાતની ચોકલેટો વેચતા હતા. વેગન (શાકાહારી), ઓર્ગેનિક અને સાકર-મુક્ત વેરાયટીઓ પણ લોકો પસંદ કરે છે તેમ ફૂડહોલના જય ઝવેરી કહે છે, આજે અલગ-અલગ આકૃતિઓ અને ગુણવત્તા સાથે નાના પાયે બનાવાતી ક્રાફ્ટ ચોકલેટ્સનો બિઝનેસ શરૃ થયો છે. અમદાવાદમાં પણ આવી કંપનીઓ શરૃ થઈ છે. ફૂડહોલ સુપર માર્કેટમાં અને ભારતના ઘણા સ્ટાર્સમાં લિન્ડટ્ ચોકલેટની એકસો કરતાં વધુ વેરાઇટી મળે છે. આ ઉપરાંત બેલ્જિયમની ‘ગોડીવા’, સ્વિત્ઝરલેન્ડની ‘મલ્કા’, અમેરિકાની ટોબ્લરોન, હર્ષી, ડીડીઅર એન્ડ ફ્રેન્ક, મડાગાસ્કરની મેનકાવ, ઇક્વાડોરની પાકારી, જાપાનની રોયસ વગેરે છે. દેશના નાના મોટા સ્ટોર્સમાં ફેરેરો રોશર ઉપલબ્ધ છે. ડ્યુક્સ કંપની ‘ વેફી’ બ્રાન્ડની ચોકલેટ સ્ટિક વેચે છે. એક આધારભૂત આંકડાઓ જે વિશ્વની પ્રતિષ્ઠિત માર્કેટ રિસર્સ કંપની દ્વારા જાહેર કરવામાં આવે છે તે મુજબ કેડબરીની કંપની ‘મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ’ ભારતની બજારમાં ૬૫ ટકા હિસ્સો ધરાવે છે અને બાકીનો હિસ્સો નેસલે, ફેરેરો, માર્સ અને અમૂલના ફાળે જાય છે. ૨૦૧૮માં ભારતમાં હર્ષીનું આગમન થયું. ‘હર્ષીઝ કિસિઝ’ લોન્ચ થઈ. ૨૦૧૬માં આઈટીસીએ ‘ફેબલ એક્વિઝિટ’ની ચોકલેટો બજારમાં મુકી. તે ઉપરાંત કંપની દ્વારા ફેબલ ગનાચે અમુક સિલેક્ટેડ આઉટલેટમાં વેચાતી હતી. દોઢેક વરસ પૂર્વે કંપનીએ ‘ફેબલ રૃબી જીઆનદુજા’ નામક રૃબી પ્રકારના કોકો બીન્સમાંથી તૈયાર કરેલી અને આછેરો ગુલાબી રંગ ધરાવતી ચોકલેટ બજારમાં મુકી છે. એલ નીતિન ચોરડિયા ચેન્નઈ ખાતે વસે છે અને પ્રમાણપત્ર ધરાવતાં ભારતના પ્રથમ ચોકલેટ ટેસ્ટર છે. કોચીની પૌલ એન્ડ માઇક કંપની હેઝલનટ, એમેઝોન (પ્રદેશ)નું ગુલાબી મરચું, જાંબુ, સીતાફળ, હાફૂસ કેરી સાથે સંયોજન કરીને ચોકલેટના બાર બજારમાં મૂક્યા છે. અમુક એવી એથિકલ અને હોલિસ્ટિક કંપનીઓ દક્ષિણ ભારતમાં ચોકલેટ્સ બનાવે છે જેમાં કાર્બન વાયુનું ઉત્સર્જન સૌથી ઓછું થાય તેની કાળજી રખાય છે. દક્ષિણ ભારતમાં આજે ઘણી ચોકલેટ કંપનીઓ ખીલી છે. ઉદ્યોગને ઉત્તેજન મળે તો ભારત તેમાં વર્લ્ડ લીડર બની શકે તેમ છે. બ્રાન્ડ એક્સપર્ટ તરીકે બેંગ્લોરના હરીશ બિજુરનું નામ દેશમાં જાણીતું છે. એમના કહેવા પ્રમાણે ક્રેનબેરી, પ્રુન્સ, મેકેડેમિયાનટ્સ સાથે મેળવીને તૈયાર કરેલી ચોકલેટ્સનું માર્કેટ સફળ થવાની ગુંજાઇશ ઘણી છે. આ બધું તો ખરું જ, પણ જો કોઈની સાથે મનમુટાવ થયો હોય અને મનાવવા હોય તો એમને ચોકલેટ મોકલો. સૌ સારાં વાનાં થઈ જશે.
ભારતમાં ચોકલેટની ખેતી
ચોકલેટ અને તેની સંસ્કૃતિ સાથે ભારત અને એશિયા ખંડને ખાસ નાતો રહ્યો નથી, પણ હવે શરૃ થયો છે. ભારતમાં ચોકલેટ માર્કેટ ઝડપભેર વિકસી રહ્યું છે. કહે છે કે અઢારમી સદીના અંત ભાગમાં કોઈ બ્રિટિશ કંપની દક્ષિણ ભારતમાં કકાવના છોડ લાવી હતી. એ સમયે નજીકના શ્રીલંકામાં કોકોની ખેતી ઓલરેડી થતી હતી, પણ ૧૯૬૦ અને સિત્તેરના દશક સુધી ભારતમાં ભારત કોકો (અંગ્રેજો ‘કોકો’ની પાછળ હળવો ‘હ’ જોડે. કોકોહ બોલે)ની હાજરી નગણ્ય હતી. ૧૯૭૦ની આસપાસ કેડબરી દ્વારા ઉત્તેજન અપાયું, બાદમાં કોકોની ખેતી વિસ્તરી. છતાં આજે દુનિયાના કુલ કોકો ઉત્પાદનનું માત્ર એક ટકો જ ભારતમાં થાય છે. ૨૦૧૫ પછી પોષણક્ષમ ભાવ મળતા નથી તેથી વાવેતર ઘટી રહ્યું છે. જોકે ભારતમાં જેટલું ઉત્પાદન થાય છે તેનાથી બમણી ખપત દક્ષિણના એ ચાર રાજ્યોમાં થાય છે. તેઓ આજે પણ કેડબરીને કે પછી સ્થાનિક કેમ્પકો કંપનીને માલ વેચે છે. તામિલનાડુમાં હરીશ મનોજ કુમાર નામના ખેડૂત કોકોના પ્લાન્ટેશન ધરાવે છે અને એમણે ઓર્ગેનિક કોકોની ખેતી આરંભી છે. નારિયેળીના પાક કરતાં કોકોની ખેતી મોંઘી પડે. વધારે મજૂરોની જરૃર પડે છે. પાણીની અછત છે એટલે નારિયેળીઓ ટકી રહે તે માટે ઘણી વખત ખેડૂતો કોકોના ઝાડ કાપીને બલિદાન આપી દે છે. કેરળમાં ગોગ્રાઉન્ડ નામની કોકો કંપની પોતાનાં ખાસ વાહનો મોકલી ખેડૂતો પાસેથી કોકોનાં બીજ ખરીદીને એકઠા કરે છે. સૂકા અને આથો આવવા માટે મૂકેલાં બંને પ્રકારનાં બિયાં આ કંપની ખરીદી લે છે. તેઓ વળતર તુરંત અને વાજબી દામમાં ચૂકવે છે. બીજી તરફ ભારત પોતાની જરૃરિયાતના ૫૦ ટકા જેટલા કોકો વિદેશથી આયાત કરે છે. આજકાલ ઓર્ગેનિક બીન્સની ડિમાન્ડ વધી છે.
ભારતમાં સૌથી લોકપ્રિય ચોકલેટ કેડબરીની ડેરી મિલ્ક છે. જોકે વિદેશી સ્ટાન્ડર્ડની સરખામણીમાં ભારતની ડેરી મિલ્કમાં ગળપણ વધુ હોય છે. તેમાં કોકો કરતાં દૂધ અને સાકરનું પ્રમાણ વધુ હોય છે. ભારતના લોકો દૂધની બનેલી ગળી મીઠાઈઓ પ્રાચીનકાળથી આરોગતાં આવ્યા છે તેથી ચોકલેટમાં પણ તેઓને વધુ સાકર અને દૂધ જોઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના નિયમો મુજબ જે ચીજ પર ‘ચોકલેટ’નું લેબલ મારવામાં આવે તે ચીજમાં કોકો બટર અને દૂધની ફેટ (ચરબી) સિવાય અન્ય કોઈ પ્રકારની ચરબી વાપરી શકાતી નથી, પણ ઘણી નામી કંપનીઓ ચોકલેટ શબ્દનો પ્રયોગ ટાળી માત્ર એટલું જ લખે કે, ‘જો બાઇડન્સ બાર.’ બાર શબ્દ વાંચીને લોકો સમજે કે ચોકલેટ છે. ‘જો બાઇડન્સ સ્પેશિયલ ડાર્ક’ બાર, તેમ પણ લખે. દેશ વિદેશમાં આ રીતે શોર્ટકટ તો અપનાવાય છે, પણ અન્ય કઈ પ્રકારની ચરબી ભેળવે છે તે સંશયનો વિષય છે. ગ્રીન ડોટ એટલે શાકાહારી તેમ ભારતની ચોકલેટો પર સમજી શકાય, પરંતુ યુરોપ-અમેરિકાની ચોકલેટો પર લાલ કે લીલા ડોટ (બિંદી)નો કોઈ કાનૂન કે રીત નથી. વિદેશી ચોકલેટમાં બિનશાકાહારી તત્ત્વો પણ ઉમેરેલાં હોઈ શકે, જે રીતે વિદેશમાં બનેલી ચીઝમાં હોય છે.