તમારા માટે, તમારી સાથે, સતત…

સૌથી નાની ઉંમરની ગુજરાતી મહિલા પાઇલટ બંસરી શાહ

એણે એની મમ્મી મીરાબહેનને કહ્યું, 'મમ્મી, મારે વિમાનના ડ્રાઇવર બનવું છે!'

0 1,194

માત્ર ઓગણીસ વર્ષની બંસરી શૈલેષભાઈ શાહ, સૌથી નાની વયની પ્રથમ ગુજરાતી મહિલા પાઇલટ બની એ સિદ્ધિ માત્ર બંસરી કે તેના પરિવાર માટે જ નહીં, સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. મધ્યમ વર્ગના એક જૈન પરિવારમાં જન્મેલી બંસરી શાહે વધુ એક વખત પુરવાર કરી બતાવ્યું કે મહિલાઓ પણ ભરપૂર સાહસ અને દ્રઢ મનોબળ દ્વારા મનગમતી સફળતા પામી શકે છે.

ઊડતા વિમાનનો અવાજ સાંભળીને ઘરમાંથી બહાર દોડી આવતી નાનકડી બંસરી… અને પછી એ વિમાન દૂર-દૂર ક્ષિતિજોમાં ઓગળી જાય ત્યાં સુધી સતત ટગર-ટગર જોયા કરતી બંસરીના બાળદિમાગમાં એક ખ્વાબ રોપાઈ ગયું ઃ ‘મારે પણ આ રીતે વિમાન ઉડાડવું છે…!’

એણે એની મમ્મી મીરાબહેનને કહ્યું, ‘મમ્મી, મારે વિમાનના ડ્રાઇવર બનવું છે!’

મીરાબહેને કહ્યું, ‘બંસરી, તું હજી ઘણી નાની છે, પણ મોટી થઈને તું વિમાનની પાઇલટ જરૃર બનીશ!’

આ બંસરી નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે, એની મમ્મીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૫માં (એ વખતના ગુજરાતના સી.એમ.) નરેન્દ્ર મોદીને ઈ-મેઇલ દ્વારા મેસેજ મોકલ્યો હતો કે, ‘મારે પાઇલટ બનવું છે. એટલું જ નહીં, તમે પી.એમ. બનો ત્યારે તમારું પ્લેન એક વખત મારે ઉડાડવું છે!’ નરેન્દ્ર મોદીએ બંસરીના સ્ટ્રોન્ગ ડિટર્મિનેશન માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

શૈલેષભાઈને લાગ્યું કે, પાઇલટ બનવાનું બંસરીનું ખ્વાબ સાચું પુરવાર કરવું હોય તો એના શૈક્ષણિક વિકાસ માટે હવે અમદાવાદ શિફ્ટ થવું જ પડશે! અમદાવાદ શિફ્ટ થઈને કઈ રીતે બધું મેનેજ કરી શકાશે એની ચિંતા કર્યા વગર, પાઇલટ બનવાના બંસરીના ખ્વાબની આંગળી પકડીને એમણે અમદાવાદ સ્થળાંતર કરી લીધું. અમદાવાદ આવીને બંસરી તથા મીરાબહેને પાઇલટ બનવા માટે કેવી-કેવી તૈયારી કરવી પડે અને કેવા પ્રકારનું કેટલું શિક્ષણ લેવું પડે એનો અભ્યાસ કર્યો. તેમને જાણવા મળ્યું કે પાઇલટ બનવું હોય તો એ અંગેના શિક્ષણ માટે તેમ જ એની તાલીમ વગેરે પાછળ લાખો રૃપિયા ખર્ચવા પડે. મીરાબહેનને થતું કે બંસરીનું ખ્વાબ સાર્થક કરવા માટે હવે જે કેસરિયાં કરવા પડે એ કરીશું, પણ બંસરીને પાઇલટના યુનિફોર્મમાં એક વખત જોવી છે! એ વિમાન ઉડાડતી હોય એની પાછળ બેસીને પ્રવાસ પણ કરવો છે. શૈલેષભાઈએ એમને ધરપત આપતા અને ‘બધું થઈ જશે’ એવું આશ્વાસન આપતા. એમ કરતાં-કરતાં મમ્મીએ દીકરીને પાઇલટ બનાવવા માટેના પ્રયત્ન શરૃ કરી દીધા.

Related Posts
1 of 55

બંસરીએ ઈ.સ. ૨૦૧૪માં ગુજ. યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી. પાસ કર્યું પછી એવિએશન લૉ એન્ડ ઍર ટ્રાન્સપોર્ટ મૅનેજમૅન્ટ હૈદરાબાદ નલસાર યુનિવર્સિટીથી કરી રહી છે. એને કર્નલ વી.કે. નાગર પાસેથી માર્ગદર્શન મળ્યું. ૨૦૦૮થી એણે અઢી વર્ષ સુધી મહેસાણા, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જઈને ટ્રેનિંગ લીધી. ૨૦૧૧માં એને પાઇલટ તરીકેનું લાઇસન્સ મળી ગયું. એ વખતે એ ૧૯મા વર્ષમાં પ્રવેશી ચૂકેલી હતી. આ અગાઉ આટલી નાની ઉંમરે અન્ય કોઈ ગુજરાતી મહિલા પાઇલટ બની નહોતી! બંસરી શાહને આ રીતે સૌથી નાની ઉંમરની ગુજરાતી પાઇલટ તરીકેનું ગૌરવ મળ્યું. જોકે ૨૦૧૧માં પાઇલટ તરીકે લાઇસન્સ મેળવ્યા પછી, એને ૨૦૧૪ સુધી પાઇલટ તરીકેની જોબ મળી નહોતી. એ દરમિયાન ઇન્સ્ટ્રક્ટર તરીકે બંસરી શાહ નવા પાઇલટ બનવા ઇચ્છતા ઉમેદવારોને થિયરી ભણાવતી હતી. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ સુધી એણે નાનું પ્લેન કેરેવન ૨૦૮મ્ ફ્લાય કર્યું. ૨૦૧૮માં એને ગો-ઍર ઍરલાઇન્સમાં પાઇલટ તરીકે જોબ મળી ગઈ. ભારતમાં અત્યારે લગભગ ૧૦,૦૦૦ પાઇલટ છે, એમાં ૩૦૦થી ૪૦૦ મહિલા પાઇલટ છે.

કરાટેમાં ઇન્ટરનેશનલ તેમ જ પિસ્તોલ શૂટિંગમાં નેશનલ લેવલ પર પરફોર્મ કરીને વિજેતા બનેલી બંસરી શાહને ગો-ઍર કંપનીમાં જોબ મળ્યા પછી એની ફર્સ્ટ ફ્લાઈટ દિલ્હીથી બાગદોગરાની હતી. એણે વિવિધ પ્રકારની ફ્લાઈટ ફ્લાય કરી છે. ૨૦૦ પેસેન્જર્સને સમાવતી ઍરબસ ૩૨૦ ટાઇપ રેટિંગ કરીને હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને પ્રકારની ફ્લાઈટ ઉડાડીને મિડલ ઇસ્ટના દેશ ઘૂમી ચૂકી છે. એ જ રીતે બેંગ્લુરુથી સિંગાપુર નોનસ્ટોપ છ કલાક ફ્લાય કરી ચૂકી છે. હાઈએસ્ટ ૩૯,૦૦૦ ફીટની ઊંચાઈ પર એણે વિમાન ઉડાડ્યું છે.

મેં બંસરીને એના પાઇલટ તરીકેના વિવિધ અનુભવો વિશે પૂછ્યું, ત્યારે એણે કહ્યું કે, ‘પાઇલટ તરીકે તો હજી મારી કરિયરની આ શરૃઆત છે, એટલે એટલા બધા વિશિષ્ટ અનુભવો નથી થયા, પરંતુ એકાદ-બે નાનકડી ઘટનાઓ તમારી સાથે શેઅર કરીશ.

‘એક વખત મારે અમદાવાદથી હૈદરાબાદની ફ્લાઈટ લઈ જવાની હતી. એ ફ્લાઇટમાં મારાં મમ્મી મીરાબહેન પણ પ્રવાસ કરી રહ્યાં હતાં. હજી તો મેં રનવે પર ફ્લાઈટ દોડાવવાનું શરૃ કર્યું હતું… એટલામાં આધેડ વયના એક પેસેન્જરે જોરજોરથી બૂમો પાડવા માંડી. એ કહેતો હતો કે વિમાનનાં બધાં બારી-બારણાં બંધ ન કરશો. એના દરવાજા ખુલ્લા રાખીને વિમાન ચલાવો. વિમાનના સ્ટાફે સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ સમજતો નહોતો… ઊલટાની વધુ જોરજોરથી બૂમો મારતો હતો. એણે કહ્યું કે વિમાનના દરવાજા ખુલ્લા કરી શકાય એમ ન હોય તો કોકપિટનો દરવાજો ખુલ્લો રાખો! મને ભારે ગૂંગળામણ થાય છે.

‘એની આવી જીદ અને બૂમ-બરાડાને કારણે આખરે મારે ટૅક-ઓફ કરવાને બદલે ફ્લાઈટ પાછી વાળવી પડી. એ પેસેન્જરને નીચે ઉતાર્યો. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બને ત્યારે ટૅક-ઓફ પહેલાં ફ્લાઈટનું ફરીથી ચેકિંગ કરવું પડતું હોય છે. નીચે ઊતરેલો એ પેસેન્જર આતંકવાદી પણ હોઈ શકે અને ફ્લાઈટમાં કોઈક જોખમી સામગ્રી મૂકીને તો નથી ઊતર્યો ને એની તપાસ કરવી પડે! ઇનશોર્ટ, એ દિવસે મારી ફ્લાઈટ ખાસ્સી ડીલે થઈ હતી!’

એક બીજી ઘટના વિશે વાત કરતાં બંસરીએ કહ્યું કે, ‘એક વખત હંુ કોચીનથી હૈદરાબાદ ફ્લાઈટ લઈને આવતી હતી. ઍરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ બની હતી. એ કારણે ઍરપોર્ટ પર લેન્ડિંગ માટે કોઈ જગા ખાલી નહોતી. તેથી મારે ઍરપોર્ટ પર હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. દરમિયાન મને લાગ્યું કે હવે ફ્યુઅલ ઓછું થઈ રહ્યું છે. મેં એ બાબતે ઍરપોર્ટ ઑથોરિટીને જાણ કરી. ઑથોરિટીએ મને કહ્યું કે તમને લેન્ડિંગ માટે પરમિશન આપવામાં કેટલો સમય લાગશે એ કહી શકાય એમ નથી. તમે જાતે યોગ્ય નિર્ણય લઈ શકો છો. એ વખતે મેં મારા સાથી પાઇલટ સાથે વાતચીત કરીને ફ્લાઈટને બેંગ્લુરુ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લુરુથી ફ્યુઅલ ભરાવીને ફરી પાછા હૈદરાબાદ આવીને લેન્ડિંગ કર્યું  હતું…!’

બંસરીએ કહ્યું કે, સામાન્ય રીતે પાઇલટને એક અઠવાડિયામાં વધુમાં વધુ પાંત્રીસ કલાક ફ્લાઈટ ઉડાવવાની હોય છે. એટલું જ નહીં, કયા પાઇલટે ક્યારે, કયા રૃટની ફ્લાઈટ લઈને જવું પડશે એ અગાઉથી નિશ્ચિત નથી હોતું. બંસરી શાહની એક વિશેષતા છે કે પોતે જૈન હોવાને કારણે ખાણીપીણીમાં જૈન આચારસંહિતાનો સંપૂર્ણ આદર જાળવે છે. જીવદયા અને જિનાલય- જીર્ણોદ્ધારનાં કાર્યો માટે સમગ્ર જૈન સમાજના આદરણીય કુમારપાળભાઈ વી. શાહે બંસરીને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, તું દુનિયાના જે દેશમાં જાય તેના સમય પ્રમાણે સાંજે ચૌવિહાર કરી લેજે. બંસરી એ નિયમને આજે પણ ચુસ્તપણે અમલમાં મૂકી રહી છે. કોઈ વખત એની ફ્લાઈટ વહેલી-મોડી થાય તો સાંજનું જમવાનું છોડી દઈને ચૌવિહાર કરે છે! બંસરી કહે છે કે, મારી કરિયરમાં મારા પેરેન્ટ્સનું યોગદાન જેટલું મહત્ત્વનું છે એટલું જ કુમારપાળદાદાના આશીર્વાદનું પણ છે. દેશ-વિદેશમાં સતત ફરવાનું રહેતું હોવા છતાં ક્યારેય કંદમૂળ કે નોનવેજનો અજાણતા પણ ઉપયોગ ન થઈ જાય એ બાબતે બંસરી સતર્ક રહે છે. એનાં મમ્મી મીરાબહેન પણ પાઇલટ દીકરીને ખાવાપીવામાં તકલીફ ન પડે એ માટે જ્યારે તે ડ્યુટી પર જાય ત્યારે એને કોરા જૈન નાસ્તાની ભરપૂર સામગ્રી આપે છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »