તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છ માગે છે સૌરાષ્ટ્ર સાથે જોડતો સાગરતટીય માર્ગ

વચ્ચે આડી પડે તો ૬૦થી ૭૦ ફૂટનો રસ્તો બંધ થઈ જાય છે, જ્યારે પવનચક્કીના પાંખિયા લઈ જતું ટ્રોલર આડું પડે તો ત્રણ ગણો વધુ રસ્તો રોકે. તેથી વધુ સમય માટે ટ્રાફિક અવરોધાય છે.

0 398

અત્યારે કચ્છને સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારત સાથે જોડતો એક માત્ર માર્ગ સામખિયાળી અને સૂરજબારી પુલ પર થઈને પસાર થાય છે. આ રસ્તા પર વારંવાર થતાં અકસ્માતના કારણે ૫-૬ કલાક સુધી ૬ થી ૧૦ કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. મહામૂલું ઈંધણ, માનવકલાકોનો વેડફાટ થાય છે. જો કંડલાથી નવલખી કે માળિયા મિયાંણાને જોડતો નવો માર્ગ બને તો રસ્તો ૫૦ કિ.મી. ટૂંકો થાય અને ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે.

ભૂકંપ પછી કચ્છનું ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિકકરણ થયું છે. પ્રવાસન પણ એક ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. કંડલા અને મુન્દ્રા બંદરો દેશનાં બે મહાબંદરો તરીકે ઊભરી આવ્યાં છે. દેશમાં થતી આયાત નિકાસમાં આ બંને બંદરોનું પ્રદાન ખૂબ મોટું હોવાના કારણે ટ્રક, ટેન્કર કે ટ્રેલર જેવા વાહનોની ભારે અવરજવર રહે છે. અન્ય ઉદ્યોગોના પરિણામે પણ વાહનવ્યવહાર ખૂબ વધ્યો છે. પ્રવાસન વિકસ્યું હોવાથી પણ કાર જેવાં નાનાં વાહનો અને બસ જેવા પેસેન્જર વાહનો પણ મોટી સંખ્યા કચ્છમાં આવ-જા કરે છે. કચ્છમાં સૌરાષ્ટ્રમાંથી આવવા માટેનો એક માત્ર માર્ગ નેશનલ હાઈવે નં. ૪૧ છે. આ રસ્તા પર વચ્ચે સૂરજબારીનો પુલ છે. રસ્તાની ક્ષમતા કરતાં વધુ વાહનોના આવાગમનના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. જો આ રસ્તાનો વૈકલ્પિક માર્ગ હોય તો કલાકો સુધી વાહનોનો બગડતો સમય બચે અને ઈંધણ ખર્ચમાં મોટી રાહત મળી શકે. છેલ્લા થોડા સમયથી આ રસ્તાનું રિપેરિંગ કામ ચાલુ છે. જેના કારણે માત્ર એક જ બાજુનો રસ્તો ખુલ્લો રહેતો હોવાથી અકસ્માતની ઘટનાઓ પણ ખૂબ વધી છે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લાં પાંચ સાત વર્ષોથી માળિયા – ગાંધીધામ માર્ગનો વૈકલ્પિક માર્ગ બનાવવાની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરાઈ છે. જો કંડલાથી નવલખી કે માળિયા સુધીનો આ માર્ગ દરિયામાં બનાવાય તો અંદાજે ૫૦ કિ.મી.નું અંતર ઘટી જાય અને એકાદ કલાકનો સમય પણ ઘટી જાય. આમ સમય, ઈંધણમાં મોટી રાહત થાય. જોકે આ અંગે હજુ સુધી નેશનલ હાઈવે ઑથોરિટીએ નથી કર્યો કોઈ સરવે કે નથી કરી કોઈ જાતતપાસ.

તાજેતરમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચાલતા રિપેરિંગ કામના કારણે એક જ બાજુનો રસ્તો ખોલાય છે. ત્યાંથી બંને તરફનો ટ્રાફિક એકીસાથે આવ-જા કરતો હોય છે. મોટી મોટી ટ્રકો કે ટ્રોલરો સામસામે આવી જતાં હોય છે. તેવામાં ઉતાવળા બનતા નાની કારવાળાઓ વચ્ચે પોતાનાં વાહનો નાખતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. કલાકોના કલાકો સુધી રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે. જો કોઈ મોટી ટ્રક રસ્તા વચ્ચે આડી પડે તો ૬૦થી ૭૦ ફૂટનો રસ્તો બંધ થઈ જાય છે, જ્યારે પવનચક્કીના પાંખિયા લઈ જતું ટ્રોલર આડું પડે તો ત્રણ ગણો વધુ રસ્તો રોકે. તેથી વધુ સમય માટે ટ્રાફિક અવરોધાય છે.

૧૯૬૫ પહેલાં કચ્છમાં પ્રવેશવા માટે એકમાત્ર આડેસર – રાધનપુરનો માર્ગ જ હતો. સૌરાષ્ટ્રમાંથી જો કચ્છમાં આવવું હોય તો નવલખીથી હોડકાં કે નાની બોટમાં બેસીને કંડલા આવવું પડતું અને ત્યાંથી બસ કે અન્ય વાહનો મારફત કચ્છમાં આગળ પ્રવાસ કરાતો. વર્ષો પછી સૂરજબારીનો પુલ બન્યો તેથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં આવવું સહેલું બન્યું. માળિયા મિયાંણાથી સામખિયાળી, ભચાઉ અને પડાણા થઈને ગાંધીધામ કે કંડલા આવવું શક્ય બન્યું.

કચ્છ સરહદી જિલ્લો હોવાના કારણે સુરક્ષાની દૃષ્ટિએ પણ સરહદ સુધીનું આવાગમન આસાનીથી થઈ શકે તે મહત્ત્વનું છે. સૂરજબારી પુલના કારણે સુરક્ષા દળોને પણ ઘણો ફાયદો થયો. ભૂકંપ પછી આવેલા ઉદ્યોગો અને વિકસેલા કંડલા તથા મુન્દ્રા બે મહાબંદરોના ભારે ટ્રાફિક માટે પણ આ રસ્તો  આશીર્વાદરૃપ સાબિત થયો. ત્યાર પછી તો પ્રવાસન પણ એક ઉદ્યોગની જેમ જ વિકસ્યું. હજારો પ્રવાસીઓ વૅકેશન કે રજાના દિવસોમાં કચ્છમાં આવે છે. કોવિડ-૧૯ના કારણે અત્યારે પ્રવાસન ઉદ્યોગમાં મંદી હોવા છતાં ધીરે ધીરે પ્રવાસીઓ કચ્છમાં આવવાના શરૃ થયા છે. જ્યારે ઉદ્યોગોનો મોટા વાહનોનો ટ્રાફિક તો નિરંતર ચાલુ જ છે.

સૂરજબારી પુલવાળો રસ્તો પચાસેક વર્ષ પહેલાં બન્યો હતો, પરંતુ આજે પણ કચ્છમાં પ્રવેશવાનો તે એક માત્ર માર્ગ છે. અડધી સદી પછી વાહનોની સંખ્યા, આવાગમનમાં ખૂબ વધારો થયો છે. તેથી પણ નવો રસ્તો બનાવવો એ સમયની માગ બની ગઈ છે. આજે આ રસ્તા પર રોજિંદી ટ્રાફિકજામ અને અકસ્માતની સમસ્યા જોવા મળે છે. તેથી માળિયા મિયાંણાથી કંડલા – ગાંધીધામને જોડતો નવો માર્ગ બનાવાય તો સમસ્યા હલ થઈ શકે.

Related Posts
1 of 142

ગાંધીધામ ચેમ્બર દ્વારા નવો માર્ગ ફોર લૅનનો બનાવીને તેની ઉપરથી રેલવે પસાર થાય તેવો પુલ દરિયામાં બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ અનિલ જૈનના જણાવ્યાનુસાર, ‘અત્યારે કંડલાથી માળિયા મિયાણાને જોડાતો માર્ગ વાયા ભચાઉ-સામખિયાળી જાય છે, પરંતુ જો દરિયામાં થઈને નવો માર્ગ બનાવવામાં આવે તો ૫૦ કિ.મી. જેટલું અંતર ઘટી જાય તેમ છે. તેમ જ નવા માર્ગ પર ટ્રાફિક દોડતો થવાના કારણે રોજિંદી ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યાનો અંત આવશે. મહામૂલી માનવ જિંદગી અકાળે આથમતી અટકશે. આ નવા માર્ગની ઉપર જ રેલવે ટ્રેક પણ બિછાવાય તો કચ્છને વધુ ટ્રેનો મળતી થઈ શકે અને કચ્છીઓની અનેક જૂની માગણીઓ પૂર્ણ થાય. આ મુદ્દે વર્ષો વર્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તેના પર ધ્યાન દેવાતું નથી.’

આ અંગે વધુ વિસ્તૃત રીતે વાત કરતાં માજી માનદ્ મંત્રી મુરલીધર જાગાણી જણાવે છે કે, ‘કંડલાની સામે જ નવલખી બંદર છે. વચ્ચે માત્ર ખાડી છે. વચ્ચે સતસેડા નામનો નાનો બેટ છે. જો આ સૂરજબારી ક્રીકમાં થઈને સીધો કંડલાથી નવલખીનો માર્ગ બનાવાય તો કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર લગભગ અડધું થઈ જાય. દરિયાઈ ખાડીમાં મજબૂત પુલ બનાવીને નીચેથી ફોરલૅનનો રોડ અને તેની ઉપર રેલવે લાઇન બિછાવી દેવાય તો મોટા ભાગની સમસ્યા હલ થઈ શકે. ઉપરાંત કચ્છ સુધીની વધારાની રેલવે લાઇનો પણ મળી શકે. આવા પુલ આગ્રા, કોલકાતા, દિલ્હીમાં બનાવેલા છે. કંડલાથી સતસેડા બેટ સુધી એક અને સતસેડાથી નવલખી સુધી બીજો એમ બે ભાગમાં પુલ બનાવવા પડે. હાલના રોડ પરથી કંડલાથી સામખિયાળી, સામખિયાળીથી માળિયા અને ત્યાંથી  ગુજરાત કે સૌરાષ્ટ્ર જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે, પરંતુ નવા માર્ગમાં સામખિયાળી નહીં આવે. કંડલાથી સીધો દરિયા પર જ રસ્તો બનાવી શકાય. પહેલાના જમાનામાં આ રૃટ પરથી જ પેસેન્જર ફેરી જતી હતી. અત્યારે ત્યાં પુલ બનાવીને રસ્તો બનાવી શકાય. હાલનો રસ્તો ૯૦થી ૧૦૦ કિ.મી.નો છે, પરંતુ નવા રસ્તે લગભગ ૫૦ કિ.મી.નું અંતર ઘટી જાય તેમ છે. આમ નવા રસ્તાથી સૌરાષ્ટ્ર અને ગુજરાત નજીક આવી શકે. આ રસ્તાથી ઈંધણની અને જવા આવવાના એક એક કલાકના સમયની બચત થઈ શકે. મુન્દ્રા અને કંડલા બંદરનો મોટા ભાગનો ટ્રાફિક આસાનીથી અહીંથી પસાર થઈ શકે. કાર્ગો હેરફેર સહેલાઈથી

થાય અને તેનો ફાયદો દેશના અર્થતંત્રને મળે.’

આ જ રસ્તો સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર જવા માટે ઉપયોગી બને. હળવદ થઈને આ રસ્તે જ ગુજરાત તરફ જઈ શકાય અને તેવી જ રીતે આ જ રસ્તે આમરણ થઈને જોડિયા, જામનગર અને દ્વારકા તરફ પણ જઈ શકાય. તેનું અંતર પણ ઘટી જાય. આ રસ્તો ભવિષ્યમાં સંરક્ષણ દળોને પણ ઉપયોગી થઈ શકે તેમ છે. અત્યારે બીજા કોઈ રસ્તાના અભાવે ગાંધીધામ – માળિયા રોડ પર રોજ રોજ

૫ાંચથી ૬ કલાક સુધી ૬થી ૧૦

કિ.મી.નો ટ્રાફિક જામ થાય છે. કોવિડ-૧૯ના સમયગાળામાં અનેક વખત એમ્બ્યુલન્સ ફસાતા દર્દીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આખા જાન્યુઆરી માસમાં રોજ રાત્રે રસ્તાનું કામ ચાલુ રાખવાની માહિતી નેશનલ હાઈવે ઑથોરિટીએ આપી છે. તેથી આખી રાત રસ્તો એક જ બાજુએથી ચાલુ રહેશે. ભારે વાહનોનો મોટા ભાગનો ટ્રાફિક રાતના ચાલુ હોય છે. કચ્છ બહાર જતાં ૬૦થી ૭૦ ટકા વાહનો રાતના નીકળતાં હોય છે, જ્યારે કચ્છમાં આવતાં વાહનો વહેલી સવારે ૪થી ૯ વાગ્યા સુધી આ રસ્તા પરથી પસાર થતાં હોય છે. આથી રાતના ચાલતું રસ્તાનું કામ ટ્રાફિકમાં ભારે અવરોધ પેદા કરશે.

આમ લાંબા ગાળાના ફાયદા માટે સૂરજબારીની ક્રીકમાં પુલ બાંધીને ફોરલૅન હાઈવે અને ઉપર રેલવે ટ્રેક બનાવવાથી ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકશે. રોજિંદા પેસેન્જર વાહનવ્યવહાર ઉપરાંત કંડલા, મુન્દ્રા બંદરોનાં વાહનો, વિવિધ ઉદ્યોગોનાં વાહનો, ખાણો માટે દોડતાં વાહનો, પ્રવાસન ઉપરાંત સંરક્ષણ માટે નવો રસ્તો ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે. આ અંગે ગાંધીધામ ચેમ્બરે કેન્દ્ર સરકારમાં ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ૨૦૧૭ અને ૨૦૨૦માં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ બાબતે સરવે જેવી કોઈ જ કામગીરી શરૃ કરાઈ નથી.

Leave A Reply

Your email address will not be published.

Translate »