તમારા માટે, તમારી સાથે, સતત…

અખંડ ભારતના શિલ્પી ‘સરદાર’ની સાચી જન્મતારીખ કઈ?

૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ને ધ્યાનમાં રાખીએ તો આ વર્ષે સરદારની ૧૪૫મી જન્મજયંતી ગણાય.

0 319

અખંડ ભારતના શિલ્પી, દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતમાં સમાવી લેનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને લઈને આટલાં વર્ષો પછી પણ મતમતાંતરો પ્રવર્તે છે. ઇતિહાસકારો નોંધે છે કે વલ્લભભાઈએ મેટ્રિકમાં દાખલ થવા માટે મોઢે ચડી તે જન્મતારીખ લખાવી દીધેલી. આ મામલામાં કેટલું તથ્ય રહેલું છે તે જાણવા માટે ‘અભિયાન’ તેમના મોસાળ નડિયાદ પહોંચ્યું જ્યાંથી સરદારે મેટ્રિક પાસ કરેલું. અહીં તેમની સાથે જોડાયેલી બીજી પણ અનેક રસપ્રદ માહિતી મળી આવી છે.

૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ને ધ્યાનમાં રાખીએ તો આ વર્ષે સરદારની ૧૪૫મી જન્મજયંતી ગણાય. દેશની વર્તમાન દશા અને દિશા જોતાં સરદારનું સ્મરણ વધારે સુસંગત બની જાય છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે છેક ૧૯૫૯માં પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું હતું કે – જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દી અને સુદ્રઢ વહીવટી કુનેહને ફાળે જાય છે અને છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.

નડિયાદ સાથે સરદારને અનોખો નાતો રહ્યો છે. અહીં મોસાળમાં તેમનો જન્મ થયો અને મેટ્રિક સુધીનું શિક્ષણ લઈને તેઓ વકીલાતમાં જોડાયેલા. નડિયાદમાં સરદારના જીવનના અનેક પ્રસંગો પડેલા છે જેમાં સૌથી રસપ્રદ મુદ્દો તેમની સાચી જન્મતારીખનો છે. આજેય ભારત અને દુનિયા સરદારની ખોટી જન્મતારીખ ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ને જ તેમના જન્મદિવસ તરીકે ઊજવે છે. સ્વયં સરદારે કહ્યું છે કે, મેટ્રિકનું ફોર્મ ભરવા માટે તેઓ જ્યારે શાળાએ ગયા ત્યારે જે તારીખ મનમાં સૂઝી તે લખાવી દીધેલી.

ઝવેરભાઈ અને લાડબાઈને છ સંતાનો ઃ સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, કાશીભાઈ અને સહુથી નાની દીકરી ડાહીબા. પાંચ ભાઈ વચ્ચે એક બહેન. વલ્લભભાઈનો એમની ઉપર વિશેષ પ્રેમ. તેઓ સને ૧૯૧૬માં ગુજરી ગયેલા. સરદારનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં દેસાઈ વગામાં મામાના ઘેર થયેલો, એવું સત્તાવાર જણાવવામાં આવે છે, પણ જન્મતારીખ ખરી છે કે ખોટી તેની ખાતરી નથી. નરહરિ પરીખના જણાવ્યા મુજબ ‘સરદાર તો હસતાં હસતાં કહે છે કે મનમાં આવ્યા પ્રમાણે તારીખ મેં રજિસ્ટરમાં ભરી દીધી હશે.’ રાજમોહન ગાંધીએ વલ્લભભાઈના મોટાભાઈ નરસિંહભાઈના પુત્ર શંભુભાઈ પાસેથી કેટલીક માહિતી લીધી હતી, પણ તેને આધારે પણ સરદારની ચોક્કસ જન્મતારીખ ઠરાવી શકાતી નથી. એક વખત  ૧૯૩૭ની ચૂંટણી વખતે જન્મતારીખની જરૃર પડી, પણ સરદારને તે યાદ નહોતી. કનૈયાલાલ મુન્શી તે વખતે ત્યાં હાજર હતા. તેેમણે એક રૃપિયો ભરીને સરદારનું સર્ટિફિકેટ કઢાવેલું. તેમાં દર્શાવેલી તારીખ હતી ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫. બસ, ત્યારથી લઈને આજની દિન સુધી દેશવાસીઓ આ તારીખે સરદારનો જન્મદિવસ ઊજવે છે.

સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાત વર્ષના હતા ત્યારે શાળામાં દાખલ થઈ ગયેલા, પણ સરદારને નવ વર્ષ સુધી શાળા નસીબ નહોતી થઈ. શાળામાં જ્યારે પહેલીવાર જન્મદિવસની જરૃર ઊભી થઈ ત્યાં સુધી તેમને પણ ખબર નહોતી કે તેમનો જન્મદિવસ ક્યો છે. જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યું ત્યારે તેમણે અચાનક જ સૂઝેલી ૩૧મી ઑક્ટોબર, ૧૮૭૫ની તારીખ લખાવી દીધેલી. સત્ય હંમેશાં આંચકો આપતું હોય છે અને સત્ય એ છે કે સરદારના જન્મ અંગે કોઈ જ નોંધ નથી. એમના પરિવારનાં બાકીનાં ભાઈબહેનોની વિગતો મળે છે, પણ વલ્લભભાઈની નહીં. અન્યાય જાણે તેમની સાથે નાનપણથી જ શરૃ થયેલો જે જાહેર જીવનમાં પણ અનેક જગ્યાએ જોવા મળ્યો.

સરદાર સાહેબે પ્રાથમિક તેમ જ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ વતન કરમસદમાં લીધેલું. એ પછી અંગ્રેજી ચોથું ધોરણ પેટલાદમાં કર્યું અને ત્યાર બાદ નડિયાદની સરકારી શાળામાં દાખલ થયેલા. ૧૮૯૫માં આ શાળામાં સરદારે પ્રવેશ મેળવ્યો તેના બે વર્ષ પહેલાં ૧૮મા વર્ષે ૧૮૯૩માં તેમનાં લગ્ન કરમસદ પાસેના ગાના ગામના ઝવેરબા સાથે થઈ ચૂક્યાં હતાં. ૧૮૯૫થી ૧૮૯૭ સુધી સરદાર નડિયાદની સરકારી શાળામાં ભણ્યા અને ૪ જાન્યુઆરી, ૧૮૯૫ના રોજ ૨૨ વર્ષની વયે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને શાળા છોડેલી.

આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે ‘અભિયાન’ની ટીમ નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી એ શાળામાં પહોંચી જ્યાં સરદાર ભણેલા. અહીં સરદારના શાળાપ્રવેશ વખતનું અસલ રજિસ્ટર આજેય સચવાયેલું છે. રજિસ્ટરમાં તેમની સાથે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું નામ પણ નોંધાયેલું છે. છેક ૧૮૫૭માં સ્થપાયેલી આ શાળા આઝાદી બાદ ૧૯૭૭ સુધી સરકારી સ્કૂલ કહેવાતી હતી અને આજે સરદાર પટેલ (કોમર્સ) હાઈસ્કૂલ કહેવાય છે.

આ શાળાના ભવ્ય ઇતિહાસને યાદ કરતા નડિયાદની સૂરજબા મહિલા કૉલેજના આચાર્ય હસિત મહેતા કહે છે, ‘આ હાઈસ્કૂલ અનેક રીતે ઐતિહાસિક છે કેમ કે નડિયાદના અનેક ધુરંધરો આ શાળામાં ભણ્યા છે. સરદાર અને તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ સિવાય પીઢ સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિક, પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ, ‘સરસ્વતીચંદ્ર’ જેવી ક્લાસિક નવલકથાના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી, ભારતના પ્રથમ આઈસીએસ સી.સી. દેસાઈ અને હાસ્યલેખક તારક મહેતા આ શાળાની જ ઉપજ હતા. આજે અહીં ધોરણ ૧થી ૮ સુધી સૅલ્ફ ફાઇનાન્સ ચાલે છે છતાં ખેડા જિલ્લાની સૌથી ઓછી ફી લેતી શાળા છે. એ વખતે બાબુભાઈ જશભાઈ પટેલને થયું કે સરદારની જન્મભૂમિ અને શાળામાં તેમના નામે કશું નહીં? આથી તેમણે ૧૯૬૫માં વસંત પંચમીના દિવસે ‘સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરેલી. આજે આ શાળા તેના નેજા હેઠળ જ ચાલે છે. છેલ્લે બાબુભાઈ જશભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછી તેમણે સરકારમાં નિર્ણય લેવડાવીને આ શાળા ટ્રસ્ટને સોંપી હતી. આજે કુલીનચંદ્ર યાજ્ઞિક તેના અધ્યક્ષ છે.’

Related Posts
1 of 142

અમે શાળામાં પહોંચ્યા ત્યારે બપોર ચડવા આવ્યો હતો. કોરોનાને કારણે શાળા છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હોઈ વિદ્યાર્થીઓ વિના બધું સૂનુંસૂનું લાગતું હતું. અમે પહોંચ્યા ત્યારે શાળાના વર્તમાન આચાર્ય હેમંતભાઈ ભટ્ટ અને તેમનો સ્ટાફ અમારી રાહ જોઈ રહ્યો હતો. તેમની ઑફિસમાં બેસીને અમે ઔપચારિક વાતો શરૃ કરી ત્યારે સરદાર આ શાળામાં ભણ્યા હતા અને ક્યારેક અહીંથી પણ તેઓ પસાર થયા હશે એ કલ્પનાએ અમારા શરીરમાંથી રોમાંચનું એક મસમોટું લખલખું પસાર થઈ ગયું. આચાર્યશ્રી સાથે થોડી વાતચીત કર્યા બાદ અમારી ઇચ્છા સરદારના શાળાપ્રવેશની વિગતો જાણવાની હતી. એટલે તેમણે એ અસલ રજિસ્ટર મંગાવ્યું જેમાં એ બધી વિગતો નોંધાયેલી હતી. જૂના જમાનાના ગુલાબી રંગના પૂંઠાવાળા એ રજિસ્ટરમાં વર્ષ ૧૮૮૫થી ૧૮૯૯ સુધીનાં વર્ષોના વિદ્યાર્થીઓના પ્રવેશની માહિતી હતી. ૯૪૦ થી ૩૩૫૯ સુધીના જી.આર. નંબરો તેમાં સામેલ હતા. સવાસો વરસ કરતાં વધુ જૂના એ રજિસ્ટરનાં પાનાં ધીમે-ધીમે ખવાતા જઈ રહ્યાં હોઈ બહુ કાળજીપૂર્વક તેને પકડવું પડતું હતું. આચાર્ય હેમંતભાઈએ તેને જતનપૂર્વક ખોલીને તેમાંથી એક પછી એક વિગતો અમને જણાવવા માંડી.

એ મુજબ શાળાના રજિસ્ટરમાં સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનો જી.આર. નંબર ૧૧૩૮ હતો અને તેમની જન્મતારીખ ૨૭-૧૦-૧૮૭૫ હતી. એ પછી થોડાં પાનાં ફેરવીએ એટલે એક પાના પર સાવ છેલ્લે સરદાર સાહેબના શાળાપ્રવેશની વિગતો નોંધાયેલી જોવા મળે છે. શાળાના રજિસ્ટર મુજબ સરદારનો જી.આર. નંબર ૨૪૬૦ હતો. એ પછી તરત અંગ્રેજીમાં તેમનું નામ ‘વલ્લભભાઈ ઝવેરભાઈ’ અને પછી તેમની જન્મતારીખના ખાનામાં ‘૩૧-૧૦-૭૫’ લખેલું છે. એટલે કે વિઠ્ઠલભાઈ અને સરદારની જન્મતારીખ વચ્ચે માત્ર ચાર દિવસનો ફરક હતો! જે કોઈ કાળે શક્ય બને નહીં. અહીં ન માત્ર સરદાર પરંતુ વિઠ્ઠલભાઈની જન્મતારીખ પણ ખોટી લખાયેલી છે. વિકિપીડિયા મુજબ વિઠ્ઠલભાઈનો જન્મ ૨૭ સપ્ટેમ્બર, ૧૮૭૩ના રોજ થયો હતો જ્યારે શાળાના રજિસ્ટરમાં તેમની જન્મતારીખ ૨૭ ઑક્ટોબર, લખાયેલી છે. એટલે ન માત્ર સરદાર, પરંતુ બંને ભાઈઓની જન્મતારીખ શાળાના રજિસ્ટરમાં ખોટી નોંધાયેલી છે. સરદાર વિશે સૌથી વિશ્વસનીય પુસ્તક લખનાર ઇતિહાસકાર રાજમોહન ગાંધીનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કહે છે કે સરદારની સાચી જન્મતારીખ ૩૦ એપ્રિલ, ૧૮૭૬ અથવા તો ૭ મે, ૧૮૭૬ હશે. છતાં આ મામલે હજુ સુધી કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી.

નડિયાદની આ શાળા સાથે સરદારનાં અનેક સંસ્મરણો જોડાયેલાં છે. ખાસ કરીને નેતૃત્વશક્તિના તેમના ગુણોનો પરિચય આ શાળાને સૌથી પહેલાં થયો તેમ કહીશું તો અતિશયોક્તિ નહીં ગણાય. અનેક એવા પ્રસંગો અહીં બન્યા હતા જેમાં સરદારના

નેતૃત્વનો પરિચય મળે છે. આ શાળાના આચાર્ય હેમંતભાઈ ભટ્ટ એક પ્રસંગ યાદ કરતા કહે છે, ‘એકવાર નડિયાદ મ્યુનિસિપલની ચૂંટણીમાં આ શાળાના એક શિક્ષક મહાનંદ માસ્તરે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે નડિયાદના વગદાર દેસાઈ કુટુંબના એક ભાઈ હતા. તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જગ્યાએ બોલી ગયેલા કે માસ્તરની સામે હું હારું તો મૂંછ મૂંડાવી નાંખું. આ વાત સરદારના કાને પડી. એટલે તેમણે મહાનંદ માસ્તરના પક્ષે કામ કરવા શાળાના વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. રાતદિવસ જોયા વિના તેમણે પ્રચાર કર્યો. છેલ્લે સરદારે વિદ્યાર્થીઓની મદદથી એવું મજબૂત કામ કર્યું કે મહાનંદ માસ્તર જંગી લીડથી ચૂંટણી જીતી ગયા. તરત સરદાર પચાસ જેટલાં છોકરાનાં ટોળાં અને ઢોલનગારાં સાથે હજામને લઈને પેલા હારેલા ઉમેદવાર દેસાઈના ઘેર મૂંછ મૂંડાવવા પહોંચી ગયેલા. પોતાની શાળાના શિક્ષકને તુચ્છ સમજનાર સાધનસંપન્ન દેસાઈએ અભિમાન અને અતિઆત્મવિશ્વાસથી જે પડકાર ફેંક્યો તેનો મુકાબલો સરદારે વિદ્યાર્થીઓને સંગઠિત કરીને કર્યો હતો.’

અન્ય એક પ્રસંગમાં તેમણે વિદ્યાર્થીઓ પાસે હડતાળ પડાવીને ખોટી રીતે સજા નહીં થાય તેની ખાતરી લીધેલી. શાળામાં એક પારસી શિક્ષક બહુ કડક હતા. નેતરની સોટીનો તેઓ વિદ્યાર્થીઓ પર છૂટથી ઉપયોગ કરતાં. એકવાર એક વિદ્યાર્થીને તેમણે દંડ કર્યો અને દંડ ના લાવ્યો એટલે તેને વર્ગમાંથી બહાર કાઢ્યો. સરદારને આની જાણ થઈ એટલે તેમણે બપોરની રજામાં છોકરાંઓને ભેગાં કરીને હડતાળ પડાવી. એકેય છોકરો શાળામાં ન જાય તે માટે ચોકી ગોઠવી દીધી. નજીકની ધર્મશાળામાં સૌ માટે બેસવાની વ્યવસ્થા કરાવી અને એ રીતે ત્રણ દિવસ હડતાળ ચાલી. આખરે હેડમાસ્તરે સરદારને બોલાવીને સમજાવ્યા અને ખોટી રીતે વધારે પડતી સજા નહીં થાય તેની ખાતરી આપી એ પછી જ સમાધાન થયું.

આજે તો અહીં સરદાર જે રૃમમાં બેસીને ભણ્યા હતા તે મ્યુઝિયમમાં પરિવર્તિત થઈ ગયો છે. સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓ જે રૃમમાં બેસીને ભણ્યા હતા ત્યાં તેમના જીવનની ઝાંખી કરાવતું ફોટો પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. સરદાર જે બેન્ચ પર બેસીને ભણ્યા હતા તે બેન્ચ તથા ઓરડો પણ યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવ્યો છે. જોકે ખટકે તેવી બાબત એ છે કે સરકાર દ્વારા તેને આજેય ગ્રાન્ટેડ કરવામાં નથી આવી. સરદાર જ્યાં ભણ્યા હોય તે શાળામાં બાળકે ભણવા માટે ફી ભરવી પડે તે કેટલી કમનસીબ ઘટના ગણાય? ટ્રસ્ટીમંડળ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને એકથી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

આવી જ કંઈક સ્થિતિ નડિયાદના દેસાઈ વગા વિસ્તારમાં આવેલા સરદારના જન્મસ્થળની છે. અહીં મામાના ઘેર તેમનો જન્મ થયો હતો એ મકાન આજે જાળવણીના અભાવે જર્જરિત અવસ્થામાં છે. અહીં તેમના ઘોડિયા સહિતની અનેક ચીજવસ્તુઓ યાદગીરીરૃપે સાચવી રાખવામાં આવી છે. જોકે તેમના પડોશમાં આવેલું ઘર હાલ તોડી પાડવામાં આવ્યું હોવાથી સરદારના જન્મસ્થાનના ઘરને પણ તેની અસર પડી છે. એકતરફની દીવાલ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે. એક બાજુ કેવડિયા ખાતે કરોડોના ખર્ચે સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઓફ યુનિટી સ્થાપિત કરવામાં આવેલી છે, બીજી બાજુ સરદારનું જન્મસ્થળ જર્જરિત હાલતમાં હોવા છતાં કોઈ પગલાં લેવાતાં નથી. આસપાસમાં રહેતાં લોકો પણ આ બાબતે ચિંતિત છે અને સરકારી તંત્ર દ્વારા જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ મૂકે છે.

સરદારના ઘરની ચાવી જેમની પાસે રહે છે તે દર્પિકાબહેન કહે છે, ‘આટલા મોટાં ઐતિહાસિક સ્મારકની જાળવણી બાબતે સ્થાનિક તંત્ર જરાય ચિંતિત નથી. સરદાર સાહેબના ઘરની એક બાજુની દીવાલ ગમે ત્યારે પડી જાય તેમ છે. તેમના મોસાળના લોકો વિદેશમાં જઈને વસ્યા છે. તેમનાં માતાના દીકરાના દીકરાઓ પણ પરદેશમાં છે એટલે અહીં કોઈ વ્યક્તિ મુલાકાતે આવે ત્યારે તેમના માટે ઘરની ચાવી અમારી પાસે રાખીએ છીએ. સરદારનો જન્મ આ ઘરમાં થયો હતો, અહીં જ તેમનું બાળપણ વિત્યું હતું અને આ વિસ્તારની ગલીઓમાં રમીને તેઓ મોટા થયા હતા. અનેક પ્રસંગોનું આ ઘર સાક્ષી છે, પણ તેની યોગ્ય જાળવણી નહીં થાય તો ગમે ત્યારે તે તૂટી પડે તેવી ભીતિ છે. લાકડાનું ઘર હોવાથી ઊધઈનો ઉપદ્રવ પણ રહે છે.’

Leave A Reply

Your email address will not be published.

Translate »