તમારા માટે, તમારી સાથે, સતત…

વિશ્વનાં ભાવિ શહેરો કેવાં હશે?

ઈ.સ. ૨૦૫૦ સુધીમાં દુનિયાની વસતિ વધીને દસ અબજની આસપાસ પહોંચશે.

0 191

શહેરી આયોજનના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ગણાતી પેઢી સ્કીડમોર, ઓવિંગ્ઝ એન્ડ મેરિલ (એસઓએમ = સોમ)ને નવા પ્રકારનાં શહેરોના નિયોજન બાબતે પૂછવામાં આવ્યું તો સંસ્થાએ કહ્યું કે જૂના અનુભવોને આધારે નવા શહેરની રચના બાબતે દસ મુદ્દાને પ્રાથમિકતા આપવી પડે. પર્યાવરણ, આર્થિક પોસાણ, માળખાકીય સવલતો, પાણી, કચરા નિકાલ, ખોરાક, અવરજવરની સરળતા, સંસ્કૃતિ, ઊર્જા અને શહેરમાં રહેવા માટેની તમામ સાનુકૂળતાને ધ્યાનમાં રાખવા પડે. પ્રસ્તુત છે, નવાં શહેરોની પરિકલ્પના અને આયોજનની ઝલક.

શહેરો અફાટ વિસ્તરી રહ્યાં છે. તેમ પ્રદૂષણનો રાક્ષસ પણ બેમર્યાદ વધી રહ્યો છે. વિજ્ઞાનીઓના મતે કોવિડ-૧૯નું સંકટ વરસ દોઢ વરસમાં ટળી જશે. તેનાથી મોટું અને લાંબું ચાલનારું સંકટ પર્યાવરણને લગતું હશે. પૃથ્વી સરેરાશ કરતાં ૧ ડિગ્રી ઓલરેડી ગરમ થઈ છે. ભવિષ્યની આવનારી સમસ્યા ઉકેલવાની વહીવટકારોને ફરજ પડશે. વિજ્ઞાન આધારિત નવી વ્યવસ્થાઓ વિકસાવવી પડશે અને જૂની વ્યવસ્થાઓ, રીતભાતોને તિલાંજલિ આપવી પડશે. નવી વ્યવસ્થાઓ, નવી શોધખોળો એવી રીતે અમલમાં લાવવી પડશે જેથી પૃથ્વીનું આરોગ્ય સુધરે. વસુંધરા ક્ષેમકુશળ હશે તો જ માનવજાત તંદુરસ્ત રહી શકશે. શરૃઆત નવા યુગનાં નવાં પ્રકારનાં શહેરો વિકસાવીને કરવી પડશે, કારણ કે સૌથી વધુ બીમાર શહેરો છે. આનંદની બાબત તે છે કે દુનિયાનાં ઘણા શહેરોએ પર્યાવરણને માફક આવે તેવા સુધારા કરવા માંડ્યા છે.

ઈ.સ. ૨૦૫૦ સુધીમાં દુનિયાની વસતિ વધીને દસ અબજની આસપાસ પહોંચશે. આમાંના લગભગ ૬૭૦ કરોડ (૬.૭ અબજ) શહેરોમાં વસતાં હશે. મતલબ કે ૬૭ ટકા. ગામડાં અને નાનાં નગરોમાં ૩૩ ટકા આબાદી હશે. વસતિની આ હિજરતે પણ વાહનવ્યવહારને ખૂબ વકરાવ્યો છે. લોકો પોતાનાં મૂળ ગામો સાથે અનુસંધાન જાળવી રાખે છે અને તે માટે વિશાળ પાયે ટ્રાન્સપોર્ટની જરૃર પડે છે. ભારતમાં સુરત, ઇન્દોર, મૈસૂર જેવાં શહેરો ભવિષ્યના પડકારોને જાણી ગયા છે અને તેના વહીવટકારો ભવિષ્યલક્ષી માળખાં બાંધી રહ્યાં છે, પણ એ પગલાં હવે ખૂબ ઓછાં પડશે. મુંબઈનો ટ્રાફિકજામ કે સુરતના વરાછા રોડના ટ્રાફિકનો રોજ સામનો કરવાનો હોય તો શક્ય છે કે અમુક ડાહ્યા માણસો પાગલ બની જાય. પર્યાવરણ ઉપરાંત માનવજાતની સાનુકૂળતાને પણ મહત્ત્વ અપાશે. શહેર આયોજન ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ગણાતી પેઢી સ્કીડમોર, ઓવિંગ્ઝ એન્ડ મેરિલ (એસઓએમ = સોમ)ને નવા પ્રકારનાં શહેરોના નિયોજન બાબતે પૂછવામાં આવ્યું તો સંસ્થાએ કહ્યું કે જૂના અનુભવોને આધારે નવા શહેરની રચના બાબતે દસ મુદ્દાને પ્રાથમિકતા આપવી પડે. પર્યાવરણ, આર્થિક પોસાણ, માળખાકીય સવલતો, પાણી, કચરા નિકાલ, ખોરાક, અવરજવરની સરળતા, સંસ્કૃતિ, ઊર્જા અને શહેરમાં રહેવા માટેની તમામ સાનુકૂળતાને ધ્યાનમાં રાખવા પડે.

સંસ્થાના નિષ્ણાતો માને છે કે એક સાથે લોકો જેટલા વધુ પ્રમાણમાં રહે એટલો જગ્યાનો વધુ કરકસરપૂર્વક અને મહત્તમ ઉપયોગ થઈ શકે. હમણા મુંબઈમાં એક ટ્વિન ટાવર, બહુમાળીય મૉલ ખૂલ્યો ત્યારે જોઈ શકાય છે કે એક નગરમાં હોય એટલી દુકાનો એ એક મૉલમાં આવી જશે. વસતિ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો તેઓને માટે પાણી, ખોરાક, મનોરંજન અને કલાની વધુ સક્ષમ વ્યવસ્થા કરી શકાય. ઊંચી ક્ષમતાની વાહનવ્યવહાર વ્યવસ્થા જેમ કે મેટ્રો ટ્રેન, બસ સર્વિસ વગેરેને કારણે પ્રદૂષણ પણ ઘટે અને લોકો વાજબી ખર્ચમાં આવનજાવન કરી શકે. મુંબઈમાં લાખો લોકો ટ્રેનમાં પ્રવાસ કરે છે, પરંતુ મોટરકારોનો તોટો નથી. ઝડપી વાહનવ્યવહાર વ્યવસ્થાથી આકર્ષાઈને વધુ ને વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે તેવી વ્યવસ્થાઓ કરવી પડશે. વિકસિત દેશોમાં લોકો જાહેર વાહનોમાં પ્રવાસો કરે તે માટેનાં અભિયાનો શરૃ થયાં છે.

સોમ દ્વારા ભવિષ્યનાં શહેરો માટેનું જે આયોજન થયું છે તે મુજબ શહેરોનાં તમામ બગીચા, યુનિવર્સિટીના કેમ્પસો, હાઉસિંગ સોસાયટીઓની ખુલ્લી જમીન, રસ્તા, પાક્ર્સ વગેરેમાં એવી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવશે જેમાં વરસાદનું પાણી સીધું ભૂગર્ભમાં ઊતરી જાય. આપણે ત્યાં થોડા અર્ધદગ્ધ પ્રયત્નો થાય છે, પણ તે દેખાડાના વધુ હોય છે. આ પ્રકારની વ્યવસ્થા ધરાવતાં શહેરોને હવે ‘સ્પન્જ સિટી’ નામ અપાયું છે, જેઓ સ્પન્જની માફક પાણી શોષી લે છે. વિચારો કે આપણા શહેરોમાં ચોમાસામાં કેટલાં પાણી ભરાય છે. તે બધંુ જમીનમાં ઉતારી દેવામાં આવે તો જરૃર પડે ત્યારે કેટલું મદદગાર પુરવાર થાય? ઉદ્ધવ ઠાકરેની સરકાર મુંબઈમાં દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ અબજો રૃપિયાના ખર્ચે નાખવા માગે છે. અહીં રોકડી કરવાનો ઇરાદો વધુ સ્પષ્ટ જણાય છે. બાકી કોંકણ પટ્ટીની સમૃદ્ધ નદીઓનું પાણી અરબી સમુદ્રમાં લખલૂટ માત્રામાં ચાલ્યું જાય છે. ખારા જળમાંથી મીઠા જળ પેદા કરવાના પ્લાન્ટની જરૃર રણવિસ્તારમાં હોય છે. જ્યાં બિલકુલ વરસાદ પડતો નથી. ચીનના શાંઘાઈને ‘સ્પન્જ સિટી’ બનાવવામાં આવી રહ્યું છે.

દુનિયામાં મકાનોની છત પર સોલર પેનલ બેસાડવામાં આવી રહી છે. ટૅરેસ પર અને હાઈરાઈઝ ઇમારતોની દીવાલો પર ઝાડપાનનાં અને શાકભાજીના બગીચા શરૃ કરાયા છે. અમેરિકામાં લોકોનાં નિવાસસ્થાનો ઘણા મોટાં હોય છે. અનેક મકાનોની છતો પર સોલર પેનલો જોવા મળે. હાઈડ્રોપોનિક્સ પદ્ધતિ વડે મકાનોમાં શાકભાજી ઉગાડવાનું ચલણ વધ્યું છે. ગટરોનાં અને વરસાદનાં પાણીનો સંગ્રહ કરી તેને સ્વચ્છ બનાવીને ફરીથી ઉપયોગમાં લેવાની યંત્રણાઓ શરૃ થઈ છે. હાઈ-સ્પીડ સ્થાનિક ટ્રેનોનાં સ્ટેશનોને ધંધાકીય તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો બનાવવામાં આવશે. ઇમારતોના બાંધકામમાં કુદરતી તત્ત્વો (ચીજ વસ્તુ)નો વધુ ઉપયોગ થશે. તેમના નિર્માણ વખતે મટીરિયલનો ખાસ બગાડ ન થાય તે ચીવટ રખાશે. એવી ટૅક્નોલોજી આવી રહી છે જેમાં એક ઇમારતને વધુ ઊંચી કરવી હોય તો મોડ્યુલર એટલે કે તૈયાર દીવાલો વડે ફટાફટ ઊંચી કરી શકાશે. ઉપરના અમુક માળ ઉતારી લેવાના હોય તો ઉતારી શકાશે. આવી ઇમારતોની દીવાલો અને બારીઓ પર પણ સોલર પેનલો લાગી હશે. બાંધકામ એ ઢબે કરાશે કે પ્રકાશ જેવા કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ શક્ય બને. સોલર પેનલો વડે ઇમારતની ઊર્જા જરૃરતને પહોંચી વળાશે. શહેરોની ગલીઓ હરિયાળી બનાવાશે. હરિયાળા પાર્ક્સ બનશે. શહેરોમાં મોટરકારોની સંખ્યા ઘટે તેવાં પગલાં લેવાશે. જેઓ સિંગાપોર ગયા છે તેમને ખ્યાલ છે કે ભારતમાં મારુતિની જે કાર પાંચ લાખ રૃપિયામાં મળે છે તે સિંગાપોરમાં રૃપિયા ચાલીસ લાખમાં મળે. આથી તમને સિંગાપોરના રસ્તાઓ પર બસો વધુ અને કાર ઓછી જોવા મળે. કાર ધરાવવાની માનવીની ભાવનાને અંકુશમાં રાખવા સિંગાપોરની સરકારે મોટરકારોના વેચાણ અને રજિસ્ટ્રેશન પર ધરખમ કરવેરા લાદ્યા છે. શહેરોની એવી રચનાઓને પ્રોત્સાહન અપાશે જેમાં ઘર, ગેલેરી અને ટૅરેસમાં બગીચાઓ વધુ હશે અને રસ્તા પર મોટરકારો ઓછી હશે. જે હશે તે વીજળીથી ચાલતી હશે. આ ગાડીઓ ભલે શહેરોમાં પ્રદૂષણ ન ફેલાવે, પણ જ્યાં વીજળીનું ઉત્પાદન કરે તે સ્થળે ફેલાવે જ છે. સિવાય કે વીજળીનો સ્ત્રોત અણુ ઈંધણ કે સૂર્યશક્તિ હોય. સોમ કંપની દ્વારા જે સોસાયટીઓ કે નિબરહૂડ બાંધવામાં આવશે તેમાં એ તજવીજ ખાસ કરાશે કે ઘરથી દસ મિનિટના ચાલવાના અંતરે તમામ ચીજવસ્તુ અને સેવા ઉપલબ્ધ બની રહે.

એવી પવનચક્કીઓ વિકસાવાઈ છે જે સામાન્ય પવનચક્કીમાં હોય છે તેવી પાંખો ધરાવતી નથી. મકાનની છતો પર ગોઠવી શકાય છે અને ઊંચાઈ પર ખૂબ ઝડપથી હવા વહેતી હોય છે તેનો લાભ લઈને વીજળી ઉત્પન્ન કરશે. શહેરમાં લોકો અવરજવર માટે ડ્રોન દ્વારા પ્રવાસ કરતા થશે. રસ્તા પર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઘટશે. પવનચક્કી અને સોલર પાવર વડે તેની બેટરીઓ ચાર્જ કરી શકાશે. ખૂબ તેજ અને રંગો બદલતી એલઈડી લાઈટો વડે મકાનના ભંડકિયામાં અને ભૂગર્ભમાં જમીન-વગર (સોઈલ-ફ્રી) હાઈડ્રોપોનિક ખેતીવાડી શક્ય બની છે અને તેનો ભવિષ્યમાં સઘન ઉપયોગ થશે. આપણે જોયું છે કે ભારતમાં અગાઉના કૃષિ વિજ્ઞાનીઓ અને વહીવટકારોએ મગજને ગિરવે મૂકીને ગાંડો બાવળ અને ગુલમહોરના ચારે દિશામાં વાવેતરો કરી દીધા. ગુલમહોર છાયા માટે ઠીક છે, પરંતુ તેનો કોઈ અન્ય વપરાશ નથી. બટકણા હોવાથી તૂટી પડે છે અને લોકો તેને બાળીને વધુ પ્રદૂષણ ફેલાવે છે. હવે સમજાયું છે કે જે-તે વિસ્તારમાં અગાઉથી પ્રાકૃતિક રીતે ઊગતાં વૃક્ષો અને છોડ જ તે સ્થળની જમીન અને હવામાન માટે વધુ સૂટ થાય છે. સ્થાનિક

વૃક્ષો અને છોડને વાવવાનું મહત્ત્વ સમજાયું છે. બાગાયતમાં આવાં વૃક્ષો વાવવાની પ્રક્રિયાને ‘ઝેરીસ્કેપિંગ’ કહે છે. ભવિષ્યમાં આ રીતને મહત્ત્વ અપાશે. શહેરોના બગીચાઓમાં પણ દેખાવડા ઝાડને બદલે સ્થાનિક કામનાં ઝાડ પસંદ કરાશે. શાકભાજી, ફળો અને ધાન્ય ઉગાડતાં ખેતરો પણ શહેરોની નજીક હોય એવી વ્યવસ્થા થશે. જેથી હેરફેર માટે વધુ ખર્ચ અને સમય ન લાગે. આમ છતાં પણ શહેરો અને તેના પરાંઓ અને સિટી કેન્દ્રો વચ્ચે કલાકના ૬૦૦  માઈલ (૯૬૫ કિલોમીટર)ની ઝડપે દોડતી ટ્રેનોનું માળખું હશે. તેથી મુખ્ય શહેરનું નેટવર્ક દૂર સુધી ફેલાઈ શકશે.

દિલ્હીની આજુબાજુ શાકભાજી ઊગે છે, પણ તે સીસું, આર્સેનિક અને બીજાં ઝેરી રસાયણોથી યુક્ત ગટરોના પાણીથી ઊગે છે. વિકસિત દેશોમાં શહેરોને આશીર્વાદરૃપ બનાવવાની યોજનાઓ ચાલી રહી છે ત્યારે ‘વિશ્વગુરુ’ ભારતમાં શહેરોને અભિશાપરૃપી બનાવી દેવાયાં છે, પરંતુ નવી ટૅક્નોલોજીઓના વિસ્તાર સાથે મોટાં શહેરોની જરૃર નહીં પડે. કોઈ પણ નાનકડા કેન્દ્રમાં એટલી સુવિધાઓ ઉપલબ્ધ હશે જેટલી વિરાટ નગરમાં હોય છે. અમુક અપવાદ હશે. જેમ કે સ્પેશિયાલિટી હૉસ્પિટલ, પરંતુ દૂરથી ત્યાં પહોંચવાનું સરળ હશે તેથી તે માટે મોટાં શહેરોમાં નિવાસ કરવાની ગરજ રહેશે નહીં. અમુક કારણોસર શહેરોમાં વસવાનું ફાયદાકારક રહેશે અને અમુક કારણોસર નાનાં નગરમાં. આ હતી, આવનારા યુગોનાં શહેરોની વિજ્ઞાન આધારિત પરિકલ્પના. વાસ્તવિકતા એટલા માટે કે આમાંની ઘણી રીતો પ્રાયોગિક ધોરણે અમલમાં મુકાઈ રહી છે અને સફળ બની રહી છે.

જ્યાં લોકો પર્યાવરણના રક્ષણનું મહત્ત્વ સમજે છે ત્યાં સાઇકલિંગનું મહત્ત્વ વધી રહ્યું છે. દાયકાઓ અગાઉ ભારતમાં રસ્તાઓ પર સૌથી વધુ સંખ્યામાં સાઇકલો જ હતી અને સ્વાભાવિકપણે ત્યારે પ્રદૂષણનું સ્તર મામૂલી હતું. ડેન્માર્કના પાટનગર કોપનહેગનના લોકો દર શનિ-રવિમાં ચૌદ લાખ કિલોમીટર સાઇકલો ચલાવે છે. પર્યાવરણનું મહત્ત્વ તો ખરું જ, પણ તેઓએ શહેરમાં વ્યવસ્થા પણ કરી છે કે સાઇકલ ચલાવવાનું સુગમ પડે છે. કોપનહેગન સપાટ જમીન પર આવેલું શહેર છે. સાઇકલિંગના ત્યાં એક સાથે અનેક ફાયદા મળે છે. ઑફિસે પહોંચાય, ખર્ચ બચે, પર્યાવરણ બચે અને વ્યાયામનો લાભ મળે.

Related Posts
1 of 70

કોપનહેગનમાં માત્ર બાઇકો (સાઇકલો અને ઇલેક્ટ્રિક સાઇકલો) માટે ૩૮૦ કિલોમીટરના અબાધિત માર્ગો બાંધવામાં આવ્યા છે. તેના પર સાઇકલ સિવાય કશું જ ચલાવી ન શકાય. અમદાવાદ અને સુરતના બીઆરટીએસમાં અંદર રિક્ષાવાળાઓ ઘૂસી જાય. કોપનહેગનના સાઇકલો માટેના અનામત માર્ગો બે મીટર અને વીસ સેન્ટિમીટર (લગભગ સાત ફૂટ) પહોળા છે. વળી, આવવાનો માર્ગ જુદો અને જવાનો માર્ગ જુદો. કોઈ સામેથી ન આવે. તેના પર કોઈ પગપાળા પણ ન ચાલે. તે માટેની ફૂટપાથ અલગ. સાઇકલ માર્ગની બંને બાજુ નાની પેઢલીઓ બાંધેલી. શહેરનાં ટ્રાફિક સિગ્નલોની સાઇકલની સરેરાશ ઝડપને અનુરૃપ ગોઠવણી કરાઈ છે. જેથી સાઇકલનો ટ્રાફિક લગભગ અવિરત ચાલતો રહે છે. સાઇકલિસ્ટો એક સિગ્નલ પરથી બીજા સિગ્નલ પર પહોંચે ત્યારે તે ખૂલી ગયું હોય. કદાચ થોડી ક્ષણો બંધ મળે તો પણ સિગ્નલો સાઇકલો માટે પાંચ સેકન્ડ વહેલા ખૂલે, મોટરકારો માટે પાંચ સેકન્ડ મોડા ખૂલે, તેથી ટ્રાફિક જંક્શનો પર સાઇકલિસ્ટ હડબટાટમાં આવી ન જાય. અમુક બ્રિજ (ઉડાન પુલ) માત્ર સાઇકલિસ્ટો માટે જ અબાધિત છે, તેમ જ સિટી સેન્ટરથી પરા સુધીના માર્ગમાં સાઇકલો માટે ક્યાંય ટ્રાફિક સિગ્નલો હોતાં નથી. શહેરોમાંથી નીકળીને ઉપનગરમાં ઘરે સડેડાટ પહોંચી જવાય છે.

દુનિયાભરના સિટી પ્લાનરો હવે કોપનહેગન પાસેથી પાઠ શિખી રહ્યા છે. ગીચ રસ્તાઓ અને પ્રદૂષિત હવાના નિવારણ માટે આ જરૃરી છે. ગયા વરસે ન્યુ યૉર્ક શહેરે એક કાનૂન ઘડીને સાઇકલો માટેનો સુરક્ષિત ચારસો કિલોમીટરનો માર્ગ બાંધવાની યોજના અમલમાં મુકી છે. આ બાઇક માર્ગો મુખ્ય ટ્રાફિકથી સદંતર અલગ હશે. પાંચ વરસમાં તેનું બાંધકામ પૂર્ણ થશે. લંડનમાં ૨૦૧૬માં જેટલી લંબાઈના સુરક્ષિત સાઇકલમાર્ગો હતા તેનું પ્રમાણ હવે ડબલ થયું છે. નોર્વેના ઓસ્લો શહેરે પણ કોપનહેગનનો દાખલો લઈ, જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દૂર કરી, કોપનહેગન જેવા જ નવા સાઇકલ માર્ગો બાંધવાની શરૃઆત કરી દીધી છે. આજથી પંદર સત્તર વરસ અગાઉ સ્પેનના શહેર સેવિલમાં સાઇકલો માટે અબાધિત ૮૦ કિલોમીટર રસ્તો બાંધવાનો પ્રારંભ કરાયો. ત્યાર બાદ આજ સુધીમાં તેમાં અગિયાર ગણો વધારો થયો છે. ઠંડા દેશોમાં સાઇકલ ચલાવવાનું વધુ અનુકૂળ પડે છે. ઠંડીમાં ગરમી મળી રહે, પરંતુ ભારત જેવા

વિષુવવૃત્તીય અને આસપાસના પ્રદેશો કે જ્યાં ગરમી વધુ પડે છે ત્યાં સાઇકલિંગ કરવાનું કઠિન હોય છે. થોડા સમયમાં વધુ થાક લાગે અને ક્યારેક ડિહાઇડ્રેશન પણ લાગે. સાથે પાણી રાખવું જરૃરી. મહાનગરોની કાર્બન પ્રદૂષિત હવામાં સાઇકલ ચલાવવી વધુ મુશ્કેલ. પૂરતો પ્રાણવાયુ ન મળે, પરંતુ હવે ઇલેક્ટ્રિકલ બેટરી મદદે આવે છે. પોર્ટુગલના લિસ્બન શહેરે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ટેકરીવાળા, ઊંચા ચઢાણ કે ઢાળવાળા વિસ્તારોમાં પણ હવે ઇલેક્ટ્રિક સાઇકલો વડે આવનજાવન આસાન બન્યું છે.

પેરિસની લોકલ ગવર્નમેન્ટે પ્રશંસનીય દૃષ્ટિકોણ અપનાવ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની ગિરદી અને પ્રદૂષણ ઓછા કરવાના આશયથી પેરિસની ત્રણ મુખ્ય મેટ્રો રેલ લાઈનની સમાંતરે સાઇકલ ટ્રેક બંધાઈ રહ્યા છે. પેરિસમાં સાઇકલ બગડી જાય તો મામૂલી ખર્ચે સમારકામ કરી આપવાની વ્યવસ્થા સરકારે કરી છે. ઇંગ્લેન્ડની સરકાર સમગ્ર ઇંગ્લેન્ડમાં ૨૫ કરોડ પાઉન્ડ (લગભગ ૨૫૦૦ કરોડ રૃપિયા)ના ખર્ચે સુરક્ષિત બાઇક લેન બાંધી રહી છે. પ્રમાણમાં વધુ ઝડપથી દોડતી ઇ-સાઇકલોને પણ ઝડપભેર માન્યતા અપાઈ રહી છે. બેલ્જિયમના બ્રસેલ્સમાં ૪૦ કિલોમીટરના મોટરકાર માર્ગને સાઇકલ લેનમાં ફેરવવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે દુનિયામાં વહેલા કે મોડા, લગભગ તમામે બાઇકો અને ઇ-બાઇકો જ અપનાવવી પડશે.

ઓસ્લો શહેરના હાકેમોની નેમ છે કે અકસ્માતનું પ્રમાણ શૂન્ય પર લાવવું. આમ તો આ શૂન્યથી ખૂબ નજીક ગણાય, કારણ કે કોઈક રાત્રે જાગીને સવારે કાર ચલાવે અને ક્યાંક ઠોકી દે તો તેને કેમ અટકાવવો? શહેરના અધિકારીઓને લાગે છે કે અકસ્માતનું પ્રમાણ શૂન્ય પર લાવવા માટે જરૃરી છે કે રસ્તાઓ પર મોટરકારો અને યાંત્રિક વાહનોની સંખ્યા ઘટાડવામાં આવે. ઓસ્લો શહેરમાં રસ્તાઓ અને શેરીઓના કાંઠે એક હજાર જેટલાં પાર્કિંગ સ્પોટ હતાં તે તેઓએ બંધ કરી દીધાં, જેથી લોકો પરવડે તેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો ઉપયોગ વધુ કરે. પાર્કિંગ એરિયા બંધ કરીને બદલામાં વધુ બાઈક-લેન અને ફૂટપાથો બાંધવામાં આવી. અમુક વિસ્તારો મોટરકારો માટે સદંતર બંધ કરી દેવાયા. પ્રાથમિક શાળાઓની આસપાસ ક્યાંય કાર લઈને ન જઈ શકાય. આ વિસ્તારોને ‘હાર્ટ (હૃદય) ઝોન’ નામ અપાયું છે. શહેર રાહદારીઓ માટે સ્વર્ગ સમાન બનાવવાની ઓસ્લોની મુરાદ નવી નથી, પણ હમણા તેની ઝડપ વધારવામાં આવી છે. એક સમયે શહેર પર મોટરકારોએ માલિકી જમાવી હતી, પરંતુ સત્તાધીશો એ આધિપત્ય તોડવા મક્કમ બન્યા છે. જે લોકો પોતાની કાર વગર ચલાવી શકતા ન હતા તેઓએ ખૂબ વિરોધ પણ કર્યો. એક એવી ખોટી ધારણા પણ છે કે રાહદારીઓને કારણે શહેરના વેપાર વાણિજ્ય, ધંધાપાણીમાં ઓટ આવે છે. ઓસ્લો શહેરની અંદરના રહેણાકનાં મકાનોની કિંમતો ઊંચે ગઈ, કારણ કે પ્રદૂષણ દૂર થવાથી લોકો કામધંધાની નજીક રહેવા આવવા મંડ્યા. વળી, લોકો પિકનિક કે સહેલગાહ માટે વિકએન્ડમાં શહેરથી દૂર જતા હતા તેના બદલે શનિ-રવિ માણવા માટે શહેરના મધ્યમાં આવવા માંડ્યા. યુરોપનાં શહેરોમાં શનિ રવિમાં બજારો પર ખુરશીઓ અને મંડપ ગોઠવવામાં આવે અને લોકો મૌન બેસીને શરાબ કે બીજા પીણાઓ કલાકો સુધી પીતાં રહે. તડકો નીકળે તો વધુ મજા માણે. જર્મનીના કોલન અને કેનેડાના કાલગેરી શહેરોમાં પણ ખાનગી વાહનો માટે શહેરના ઘણા મહત્ત્વના વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના પ્રકોપે આ ક્રિયાને ઉત્તેજન આપ્યું છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૃરી છે. કોલંબિયાના બોગોટા શહેરમાં અગાઉ રવિવારે મોટરકાર સાથે પ્રવેશ કરવાની મનાઈ હતી. આ મનાઈ હવે સપ્તાહના સાતેય દિવસ લાગુ પાડવામાં આવી છે. પેરિસના મશહૂર ‘રૃ દ રિવોલી’ વિસ્તારમાં ખાનગી કારનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. મોટરકારને શહેરના કોઈ પણ વિસ્તાર કે જાહેર ટોઇલેટની નજીક ઘૂસાડવાનો અધિકાર કોઈને હોય તો તે માત્ર ભારતની પ્રજાને છે. લૉકડાઉને આપણને ઘણી નવી અને સારી રીતભાતો શિખવી છે. જેમ કે પેરિસ શહેરના મધ્યમાં કાર લઈ જવા પરનો પ્રતિબંધ લૉકડાઉન ખૂલી ગયા પછી પણ ચાલુ રખાયો છે, કારણ કે તેનાથી અનેક ફાયદા જણાયા છે. મિલાન, ઇટાલીમાં ૩૫ કિલોમીટર માર્ગોને માત્ર રાહદારીઓ માટે ફેરવવામાં આવી રહ્યો છે. સાઇકલિંગ એ કોઈ ઊંચી ટૅક્નોલોજી નથી, પરંતુ સરળ, મફત અને આરોગ્યવર્ધક છે. હવે પછીની ખૂબ અદ્યતન ટૅક્નોલોજીઓ જેવી કે હાઈપરલૂપ, ડ્રાઇવર રહિત કાર, ડ્રોન વિમાન સેવા વગેરે માટે અબજો અને પરાર્ધ રૃપિયાના ખર્ચે માળખાં બંધાય છે. સાઇકલિંગ વધુ લોકોને વધુ ઉપયોગી થઈ શકે છે. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ ખાસ લમણાઝીંક નથી. તે બાંધવાનો ઇરાદો હોય તો ટૂંકા સમયગાળામાં બંધાઈ જાય. માત્ર તેને વધુ ને વધુ સુગમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કદાચ સસ્તી છે એટલે ધ્યાન અપાયું નથી. નિષ્ણાતો કહે છે કે હવે પછીનાં સ્માર્ટ શહેરો તે નહીં હોય જ્યાં સૌથી સ્માર્ટ ટૅક્નોલોજીઓ વપરાશમાં આણી હશે, બલ્કે એ શહેરો સ્માર્ટ ગણાશે જ્યાં તમને મોટરકારની જરૃર જ ન પડે. યુરોપ, અમેરિકાનાં ઘણા શહેરોમાં વ્યવસ્થા કરાઈ છે કે તમે પરાના રેલવે સ્ટેશન પર ઊતરો અને બહારના સાઇકલ લોટમાંથી એક સાઇકલ લઈને જ્યાં જવું હોય ત્યાં જઈ આવો. સાઇકલ સરકારની હોય અને કશી ફી ચૂકવવાની ન હોય.

આગળ જોયું તેમ સાઇકલિંગ સ્માર્ટ બની રહ્યું છે. અત્યાધુનિક, સલામત, ઝડપી અને ઓછો પરિશ્રમ માગતી સાઇકલો સર્વત્ર મળે છે. રસ્તાઓ અને સિગ્નલો તેને અનુરૃપ બનાવાઈ રહ્યાં છે. દક્ષિણ કોરિયાનાં શહેરોમાં સ્માર્ટ રોડ ક્રોસિંગ બંધાયાં છે. તમે એ ક્રોસિંગ પર દાખલ થવાના હો તે પહેલાં જ તમામ વ્યવસ્થાઓ તમારા માટે સજ્જ બની જાય છે. તમે દૂરથી આવતા હો ત્યારે રડાર અને થર્મલ કેમેરા તમારા આગમની નોંધ લે. જે કેન્દ્રીય કન્ટ્રોલ સિસ્ટમ છે તેને જાણ કરે. ત્યાર બાદ એલઈડી લાઈટોની કતારો રાહદારીઓને, મોટરકાર ડ્રાઇવરોને સાવચેત રહેવાના સંકેતો આપવા માંડે. દરેકને એક બીજા પ્રત્યે દૂરથી સજાગ કરવામાં આવે. જ્યારે રાહદારી કે સાઇકલિસ્ટ ક્રોસિંગ પસાર કરતો હોય ત્યારે એક એલાર્મ વાગતું રહે. એટલું જ નહીં, પરંતુ તમે ચાલતા હો કે ગાડી, સાઇકલ લઈને રસ્તો ક્રોસ કરતા હો ત્યારે આગળના રસ્તા પર જ, જાજમની માફક એક ચેતવણી આપતું વીજળીનું ચિત્ર અને લખાણ પથરાઈ જાય છે. તમારા પગની આગળ લખેલું આવે કે સંભાળો, ડાબી બાજુથી કાર આવી રહી છે. કારની આગળ એવું લખાણ છવાઈ જાય કે એક રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યા છે અથવા કરવા માગે છે. આ જોઈને કાર થંભી જાય. વળી રાહદારી, ડ્રાઇવર કે સાઇકલિસ્ટના સ્માર્ટફોનમાં પણ એ ચેતવણી ત્યારે જ ફ્લેશ થાય. કોઈનું ધ્યાન સ્માર્ટફોનમાં હોય તો ઍલર્ટ બની  જાય. ડ્રાઇવરની કાર કે સાઇકલિસ્ટ સિગ્નલથી સો ફૂટની આસપાસ દૂર હોય ત્યારે સ્માર્ટફોન પર સિગ્નલ મળી જાય. સાઇકલના હેન્ડલ પર સ્માર્ટફોન ગોઠવવાની વ્યવસ્થા હોય છે. દક્ષિણ કોરિયામાં પ્રાયોગિક ધોરણે આવાં ત્રણ રોડ ક્રોસિંગ્સ અથવા ચોક તૈયાર કરાયા છે. રાહદારીઓ માર્ગ અકસ્માતોનો વધુ ભોગ બનવા માંડ્યા તેના નિવારણ માટે આ ટૅક્નોલોજી કામે લગાડી છે. જે રાહદારીઓ માર્ગ અકસ્માતનો ભોગ બને છે તેમાંના ૫૩ ટકા અકસ્માતો ક્રોસિંગ પર થાય છે અને પાદચાલક મોતને ભેટે છે. આમાંના ઘણા અકસ્માતો એ કારણથી થાય છે કે લોકો રસ્તો ક્રોસ કરતાં હોય ત્યારે ધ્યાન પોતાના સ્માર્ટફોનમાં હોય. હાઈવે પરના ડ્રાઇવરો પણ આ કારણથી વધુ અકસ્માતો નોતરે છે. સાઉથ કોરિયાના લોકો દુનિયામાં સૌથી વધુ સ્માર્ટફોન ધરાવે છે અને વિકસિત દેશોમાં સ્માર્ટફોનને કારણે જે અકસ્માતો સર્જાય છે તેનું પ્રમાણ પણ દક્ષિણ કોરિયામાં સૌથી વધુ છે. આ નવી સિસ્ટમો બેસાડવામાં આવી ત્યાર બાદ અભ્યાસ થયો, તેમાં જણાયું કે, લગભગ ૮૪ ટકા વાહનોએ પોતાની ઝડપ તત્કાળ વીસ ટકા જેટલી ઘટાડી દીધી હતી. તેનો અર્થ એ કે સલામતીપૂર્વક આગળ વધવા માટે વધુ સમય મળ્યો. સંદેશાવ્યવહારની આ શતરંજીમાં દરેક જણને વાકેફ રખાય છે. ગાફેલિયતમાં ઘટાડો થાય છે. નિષ્ણાતો કહે છે કે, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ) આધારે એક દિવસે તમામ પ્રજા આ પ્રકારના નેટવર્કમાં જોડાશે અને સહકારી વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ બનશે.

અમેરિકામાં ટ્રાફિક સિગ્નલોના થાંભલા સાથે કેડ જેટલી ઊંચાઈએ એક બટન હોય. રાહદારી રસ્તો ક્રોસ કરવા માગે ત્યારે એ બટન દબાવે તો વ્યવસ્થા એ રીતે કામ કરે છે જેમાં દરેકના સમયની બચત થાય. કોઈ રાહદારી ન હોય ત્યારે પણ વ્યવસ્થા એ રીતે કામ કરે છે જેમાં સમય બચે, પણ બટન દબાવ્યા વગર પણ રસ્તો ક્રોસ કરી શકો ત્યારે સમય થોડો વેડફાય છે. ક્રોસિંગ્સ પર વાહનો અટકે એટલે પ્રદૂષણ વધે. ઘણા હેવી વાહનો ફરીવાર આગળ વધે ત્યારે વધુ ધુમાડો છોડે. ઓસ્ટ્રેલિયાના વિયેના શહેરમાં આ તકલીફનું અલગ રીતે નિવારણ લાવવાના પ્રયત્નો શરૃ થયા છે. ત્યાંની ગ્રાઝ યુનિવર્સિટીએ નવી યંત્રણા તૈયાર કરી છે. તેમાં કેમેરા અને ડીપ-લર્નિંગ અલગોરિધમ (કોમ્પ્યુટર)ની મદદ લેવામાં આવી છે. વિયેનામાં ચાર ક્રોસિંગ બેસાડ્યા છે. સિસ્ટમને લાગે કે અમુક વ્યક્તિ ફૂટપાથ પર આવી રહી છે તે રસ્તો ક્રોસ કરશે તો સિસ્ટમ બાકીના ટ્રાફિકને થંભાવી દે છે. એક અથવા વધુ વ્યક્તિઓ હોય અને ધીમી ઝડપે રસ્તો ક્રોસ કરતી હોય તો તેઓને રસ્તો ક્રોસ કરવામાં કેટલો સમય લાગશે તે નક્કી કરી લે અને ત્યાર બાદ બીજા વાહનોને ગ્રીન સિગ્નલ આપે છે. આ વ્યવસ્થાથી ફાયદો એ થાય છે કે સમજદાર વ્યક્તિને સમજાય છે કે પોતે કસમયે ક્રોસિંગ પર દાખલ થયા (ઝેબ્રા સ્ટ્રાઇપ્સ પર) તેથી બધો ટ્રાફિક અટકાવી દેવાયો. માટે આ બરાબર નથી. તેથી તેઓ પણ પાદચારીઓ માટે ગ્રીન સિગ્નલ થાય તેની રાહ જુએ છે. લોકો એકમેકને વધુ અનુકૂળ બનવા પ્રયત્ન કરે છે. ઝેબ્રા પટ્ટીઓ પર લોકોનો ચાલવાનો સમય ગણી લેવાય અને ત્યાર બાદ બીજા વાહનોને લીલી લાઈટ અપાય તેથી વાહનચાલકોનો સમય બરબાદ થતો નથી. લંડનમાં વળી અલગ વ્યવસ્થા છે. ત્યાંનાં સિગ્નલો પાદચારીઓ માટે સતત લીલું સિગ્નલ સતત ચાલુ જ રાખે છે, પરંતુ જેવું કોઈ વાહન દૂરથી આવતું જણાય એટલે સિગ્નલ લાલ બને. વાહન જતું રહે એટલે ફરીથી લીલું બને. વિદેશોમાં ટ્રાફિક જંક્શનો પર એટલાં વાહનો હોતાં નથી જેટલાં આપણે ભારતમાં જોવાને ટેવાઈ ગયાં છીએ. ત્યાં રાહદારીઓનો આટલો ખ્યાલ રખાય છે. આપણે ત્યાં રાહદારીઓ પુષ્કળ છે, પણ હાકેમોનું વલણ છે કે જાય જહન્નમમાં. લંડનમાં પાદચારીઓને અપાતાં લીલા સિગ્નલનો સમય વીસ સેકન્ડ વધારવામાં આવ્યો છે, જેથી વૃદ્ધ અને અશક્તો સલામત રીતે રસ્તો ઓળંગી શકે. ભારતમાં ગુફા યુગની કોઈ વ્યવસ્થા જોવી હોય તો સુરતના વરાછા રોડ પર જવું. કોઈ વ્યવસ્થા નહીં એ જ વ્યવસ્થા. લંડનમાં જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે તે ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન’ (ટીએફએલ) તરીકે ઓળખાય છે. નવાં પ્રકારનાં સિગ્નલો વહીવટ દ્વારા પ્રાયોગિક ધોરણે શરૃ કરાયાં છે. ટીએફએલ દ્વારા આખા લંડનને સાંકળતી, દક્ષિણ કોરિયા જેવી, કેન્દ્રીય વ્યવસ્થા ધરાવતી સિસ્ટમ બાંધવાનું આયોજન છે. આખા શહેરમાં કયાં સિગ્નલો વધુ સમય ખોલવાની જરૃર છે? રાહદારીઓનું પ્રમાણ ક્યાં વધુ છે તે તમામ જરૃરતોને કૃત્રિમ બુદ્ધિ આધારિત સિસ્ટમ રિઅલ ટાઇમ (ચાલુ સમય)માં સમજી જશે અને તે પ્રકારે ગોઠવણ કરશે. ત્રીસેક વરસ અગાઉ દક્ષિણ મુંબઈમાં લંડનની એલન વુરીઝ કંપનીએ, વાહનોના એક જથ્થાને એક સિગ્નલ પરથી બીજા સિગ્નલ સુધી પહોંચાડવામાં જે સમય લાગતો હતો તે દરેક ટુકડાની અલગ-અલગ ગણતરી કરીને નવી સિગ્નલ વ્યવસ્થા બેસાડી હતી. એ સમયે આજે છે તેવા કેમેરા, કોમ્પ્યુટર કે વાહનો ન હતાં. હાથ ગણતરી વડે સિસ્ટમ તૈયાર થઈ હતી. સંપૂર્ણને બદલે આંશિક સફળ રહી હતી. સ્વિત્ઝરલેન્ડના ઝુરિક શહેરમાં એક વધુ સંકલિત સિસ્ટમ કામે લગાડી છે. શહેરના વર્તુળના બહારના પરિઘ અથવા હદ પર લાગેલાં ટ્રાફિક સિગ્નલોને શહેરના મધ્યમાં ટ્રાફિકની સ્થિતિ વિષે સતત માહિતી મળતી રહે છે અને પરિઘ પરના સિગ્નલો તેના આધારે કામ કરે છે. તેના વડે કેટલો ટ્રાફિક શહેરની બહાર જઈ રહ્યો છે અને કેટલો અંદર આવી રહ્યો છે તેની રિઅલ ટાઇમમાં માહિતી મળે છે અને ત્યારે જે રીતની જરૃર હોય તે રીતે સિસ્ટમ આપોઆપ કામ કરતી થાય. કોઈ પણ ચોક્કસ સમયે શું કરવાની જરૃર છે તે જ્ઞાન સિસ્ટમ ધરાવતી હોય તો ટ્રાફિકના પ્રવાહને કાર્યક્ષમ રીતે ચાલુ રાખી શકાય. ટ્રાફિકનું ટાઇમ મૅનેજમૅન્ટ મહત્તમ ચતુરાઈ સાથે થાય તો એટલા જ સમયમાં ઘણા વધુ વાહનોને પસાર કરાવી શકાય, જેટલો સમય ખૂબ ઓછાં વાહનો આજકાલ લેતાં હોય છે. આમ થાય તો વધુ રસ્તાઓ રાહદારીઓને અને સાઇકલિસ્ટોને ફાળવવા સામે જે ફરિયાદો ઊઠે છે તે ન ઊઠે. હમણા બેટરીથી ચાલતી એવી બાઇસિકલો બજારમાં મુકાઈ છે જે ફોલ્ડેબલ છે. મતલબ ગડી વાળીને એક થેલામાં મુકી શકાય. ટ્રેન કે બસમાં સાથે લઈ જઈ શકાય, કારણ કે તેનું વજન માત્ર આઠથી દસ કિલો હોય છે અને સ્ટેશને ઊતરીને ૫૦ માઈલ અથવા ૮૦ કિલોમીટર દૂર સુધી જઈ શકાય. જરૃર પડે તો બેટરી ક્યાંય પણ ચાર્જ કરી શકાય. અમેરિકામાં હમણા ‘ગોસાઇકલ જીએક્સઆઈ’ કંપની દ્વારા આવી સાઇકલ બહાર પડાઈ છે. બે ફૂટ લાંબા અને ૧૪ ઇંચ પહોળા થેલામાં તેને ગોઠવી શકાય. કલાકના ૩૦થી ૩૨ કિલોમીટરની ઝડપે ભાગે. પૈડાંને બાજુમાંથી કાઢી કે ઘાલી શકાય, તેથી ટાયર બદલવાનું ખૂબ આસાન. નાના કદમાં સમાઈ જાય એટલે સમજવું નહીં કે તેની ભાર ઉઠાવીને ભાગવાની ક્ષમતા ઓછી છે. અનફોલ્ડ કરો ત્યારે ઇલેક્ટ્રિક બાઇક જેવડી મોટી બને.

શહેરો પોતાનાં શાકભાજી ઉગાડશે. આજે સિંગાપોરની હજારો બહુમાળી ઇમારતોની ટૅરેસ અને દીવાલો પર શાકભાજી ઉગાડવામાં આવે છે. પ્રદૂષણ ઘટે છે અને શહેર ગ્રીન બને છે. અમુક શહેરોમાં કારખાનાની માફક શાકભાજી ઉગાડવાની વ્યવસ્થા થઈ છે જેને ‘વર્ટિકલ હોર્ટિકલ્ચર’ કહે છે. એક ખાસ્સા ઊંચા ગોડાઉનમાં જમીનથી ભરેલી ચોકી (ટ્રે) એક ઉપર બીજી ગોઠવેલી હોય તેમાં શાકભાજી વાવ્યાં હોય. કૃત્રિમ રંગબેરંગી પ્રકાશનું આયોજન એ રીતે કરવામાં આવે છે કે છોડને જોઈતો પ્રકાશ મળી રહે છે. અલગ-અલગ રંગોની છોડને અલગ-અલગ સમયે જરૃર પડે છે. યુરોપમાં આ રીતે ખેતી કરતાં યુનિટો સ્થપાયાં છે. સિંગાપોરની ઇમારતો ઝાડપાનથી આચ્છાદિત હોવાથી સુંદર દૃશ્યો ખડાં કરે છે. સિંગાપોરનું વિષુવવૃત્તીય વાતાવરણ ઘણાને પસંદ પડતું નથી. વાદળો અને ભેજ છવાયેલા હોય, પરંતુ આ પ્રકારની લીલોતરીને કારણે ઇમારતોની અંદર જે પ્રકાશ પ્રવેશે છે તેમાં સિત્તેર ટકાનો ઘટાડો થાય છે. પરિણામે અંદરનું હવામાન શીતલ બને છે. ઍર કન્ડિશનરો ઓછાં ચલાવવા પડે છે. બહારની હવા ચળાઈને આવે, હરિયાળા પત્તાં કાર્બન શોષે, તેથી પ્રદૂષણની અસર ઘટાડી શકાય છે. અમદાવાદ જેવા શહેરોએ આવા સામૂહિક પ્રયત્નો કરવા જરૃરી છે.

આજકાલ દુનિયામાં સત્તાધીશોનું આ વિષય પર ધ્યાન કેન્દ્રિત થયંુ છે. કુદરતને અગ્રતા અને પ્રાધાન્ય આપીને કોઈ પણ સમસ્યાઓનો નિવેડો લવાય છે. વધી રહેલી વસતિના ક્ષેમકુશળ માટે આ જરૃરી પણ છે. લોકોએ અને નિષ્ણાતોએ કલ્પનાશીલતાને કામે લગાડી છે. અમરેલીમાં એક પટેલ સજ્જન સિમેન્ટની પાઈપમાં કાણા પાડી, તેને ઘરના એક ખૂણામાં ગોઠવી એક કુટુંબને ચાલે એટલાં શાકભાજી ઉગાડે છે. આ રીતને પોપ્યુલર બનાવવાની જરૃર છે. ડેનમાર્કના કોપનહેગન અને બ્રાઝિલના સાઓ પાવલો શહેરમાં જોર્ડનના અમ્માનમાં દીવાલ પર ઊભાં ચડે તેવાં શાકભાજી વાવવામાં આવે છે. પેરિસ શહેરમાં વર્ટિકલ હોર્ટિકલ્ચર ધરાવતી એક આખી કોરિડોર (સ્ટ્રીટ) તૈયાર થઈ રહી છે. ઇટાલીના મિલાનમાં હાઈરાઈઝ ઇમારતો પર વર્ટિકલ જંગલો ઉગાડવામાં આવી રહ્યાં છે. જેમાં પસંદગીનાં વિવિધ ઝાડ-છોડ છે. મુંબઈમાં ગોદરેજ કંપનીના ટૅરેસ પર મોટી બોરડીનાં કદનાં વૃક્ષો વરસોથી છે જે દૂરથી જોઈ શકાય છે, પણ તે માત્ર એક અપવાદ છે. મિલાનમાં ‘બોસ્કો વર્ટિકલ’ નામના બે બહુમાળી મકાનોની નિવાસી સોસાયટી છે જ્યાં વાવેલાં ઝાડ-પાન વરસનો ત્રીસ ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી શોષી લે છે અને હવાને પવિત્ર બનાવે છે. ચીનનાં ઘણા શહેરોમાં આ પ્રકારનાં બાંધકામો થઈ રહ્યાં છે. સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ્સ, મેક્સિકો, ઇજિપ્ત પણ આ વિષયમાં આગળ વધી રહ્યાં છે. ત્યાંનાં મકાનોમાં શાકભાજી અને ફળો ઉગાડવાનું કામકાજ મિલાનની એક કંપની ‘સ્ટેફાનો બોએરી’ સંભાળે છે. આ રીતે તમામ શહેરોનાં તમામ લોકો સાબદાં બને તો પૃથ્વીને ઠંડી પાડવાનું કામ આસાન થઈ જાય. સિંગાપુરના કાંમપુંગ એડમિરલ્ટી વિસ્તારમાં નિવૃત્ત લોકો વસે છે. આ વિશાળ સોસાયટીની ટૅરેસ અને દીવાલો વર્ટિકલ બગીચાઓથી આચ્છાદિત છે. જરૃરી નથી કે મકાન ઊંચા જ હોવા જોઈએ. ૩૦ માળની ઇમારત ટ્રેલિસ ટાવર્સ પણ એ જ રીતે હરિયાળી છે. દુનિયામાં એવી ઇમારતો તૈયાર થવા માંડી છે જે પવનચક્કી, સૂર્યપ્રકાશ વગેરે સ્ત્રોતમાંથી પોતાના ખપ માટેની વીજળી બનાવી લે છે અને વધે તો આસપાસનાં યુનિટોને કે સરકારને વેચાતી આપે છે. આ રીત બધા અપનાવે તો પૃથ્વી ઠંડી પડે. અઘરું નથી, મન એક કરીને મહેનત કરવી પડે.

ભારતનાં મુંબઈ અને અન્ય શહેરોમાં ચોમાસામાં સર્વત્ર ઊંડા ખાડા પડે. તે માટેનાં ગીતો ગાઈને ગોવાની ગાયિકા અને આર.જે. મલિષ્કા ભારતમાં મશહૂર બની ગઈ અને ખાડા ઠેરના ઠેર છે, પરંતુ કલ્પના કરો કે ઘરના દીવાનખંડના ફ્લોર જેવા સપાટ રસ્તાઓ હોય અને ધારીએ ત્યારે એ રસ્તાને રિસાઇકલ કરી શકાતા હોય તો? લોસ એન્જેલસમાં આવો એક માર્ગ ‘ટૅક્નિસોઇલ’ કંપની બાંધી રહી છે. તેના બાંધકામ માટે ડામરને બદલે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ થાય છે, જેની મુંબઈ, દિલ્હી અને બીજાં શહેરોમાં પર્વતમાળાઓ સર્જાઈ છે. આ રોડના બાંધકામ માટે અગાઉ ઉપયોગમાં લેવાયેલા તમામ અસ્ફાલ્ટને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રસ્તાનું આ રીતે રિસાઇકલિંગ પણ થાય. સામાન્ય રીતે રસ્તાને દુરસ્ત કરવા જૂના અસ્ફાલ્ટને ઉખેડીને ફેંકી દેવામાં આવે છે અને તેની જગ્યાએ નવો પથરાય છે. તેમ કરવામાં કાર્બનનો મોટો વ્યય થાય છે જે પૃથ્વીને ગરમ અને પ્રદૂષિત કરે છે. રિસાઇકલિંગ વડે આ દુષ્ટ પ્રક્રિયા અટકે છે. ટૅક્નિસોઇલનો દાવો છે કે તેની નવી ટૅક્નોલોજીથી બનેલો રસ્તો લેબોરેટરીના પ્રયોગોમાં ૧૩ ટકા વધુ ટકાઉ અને મજબૂત પુરવાર થયો છે. વળી, રેગ્યુલર રોડ ટકે તેના કરતાં તે બમણો ટકે છે. દોઢ કિલોમીટરના ટુ-વૅ રોડના બાંધકામમાં કંપની ૨૩૦૦ કિલોગ્રામ રિસઇકલ્ડ પૅટ પ્લાસ્ટિક વાપરે છે. જે લગભગ પાણીની ચાર લાખ બોટલ થાય. કંપનીની ઇચ્છા છે કે ૨૦૨૨ સુધીમાં પ્લાસ્ટિકના વપરાશનું પ્રમાણ ૨૦૨૨ સુધીમાં વધીને બમણુ કરવામાં આવશે. જે બોટલોની કોઈ કિંમત નથી તે આવનજાવન માટે અતિ ઉપયોગી ચીજવસ્તુ બની જશે. જો આ રીત સફળ થઈ તો આગામી આઠ-દસ વરસમાં દુનિયાનો જમા થયેલો તમામ પ્લાસ્ટિક કચરો રસ્તાઓ રૃપે ફેરવાઈ જશે. આ બાબતમાં ભારતના વિજ્ઞાનીઓ કઈ પાછળ નથી. વાસ્તવમાં ‘ટૅક્નિસોઇલ’ જે મેથડનો ઉપયોગ કરી રહી છે તેની શોધ મદ્રાસ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રના પ્રોફેસર વિજ્ઞાની રાજગોપાલન વાસુદેવને વરસ ૨૦૦૧માં કરી હતી. ભારતના દુર્દૈવ એ છે કે ઉર્મિલા માતોંડકરની રાજનીતિની અને મલઇકા અરોરાનાં નગણ્ય કપડાંની મીડિયામાં જે ચર્ચા થાય છે તેના હજારમાં ભાગની ચર્ચા દેશના પ્રતિભાવંત વિજ્ઞાનીઓ વિષે આ ‘જગતગુરુ’ દેશમાં થતી નથી. વાસુદેવને પ્લાસ્ટિકની આપસમાં અને ડામર સાથે ચીટકવાની શક્તિ પારખીને ભારતમાં રસ્તાઓ બાંધવાની હિમાયત કરી હતી. જોકે અમુક અંશે ભારતમાં અને દુનિયામાં બહોળા પ્રમાણમાં તેનો સ્વીકાર થયો છે.

‘શેલ’ અને ‘ટોટલ’ નામની કંપનીએ રસ્તા બાંધકામના હેતુઓ માટે એક નવંુ પોલિમર વિકસાવ્યું છે, પણ દુનિયાના બહુમતી શાસકો ઇચ્છે છે કે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ રસ્તાઓના બાંધકામ માટે થાય. જેથી આ ખતમ નહીં થતા કચરાની ખતમ નહીં થતી સમસ્યાનું નિવારણ આવે. ‘પ્લાસ્ટિક રોડ’ નામક એક ડચ કંપનીએ પૂર્ણપણે પ્લાસ્ટિક વાપરીને બાંધેલા રસ્તાઓ સફળ થયા છે. જોકે રસ્તા ઘસાવાથી પ્લાસ્ટિકનો કચરો (ધૂળ) હવામાં ભળશે એ ડર સતાવે છે, પરંતુ કંપનીનો દાવો છે કે પ્લાસ્ટિક ઓઇલના રૃપમાં જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ તેનું ફરીથી રૃપાંતર થવાનું છે તેથી એ ભય રાખવાની જરૃર નથી. જોકે દરેક નિષ્ણાત આ દાવા સાથે સહમત થતા નથી. જો પ્લાસ્ટિકની ઝીણી રજકણો હવામાં ભળે તો સમસ્યાનું નિવારણ આવવાને બદલે તે વધશે. હાલમાં તો લોસ એન્જેલસમાં રાજગોપાલન વાસુદેવની શોધ વડે જે રસ્તાઓ બંધાઈ રહ્યા છે તેના પર સૌથી વધુ આશા બંધાઈ છે. વાસુદેવન ખરા અર્થમાં જગતગુરુ પુરવાર થશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »