તમારા માટે, તમારી સાથે, સતત…

વાસ્કો દ ગામાથી જૂનો પ્રવાસી

સાહસ વેપાર 'ને યાત્રા ત્રણ બાબતનો સંયોગ અઘરો રશિયન 'ને ભારતીય વચ્ચેની મૈત્રીનો પ્રયોગ નવલો

0 502

સમયની યાત્રા આગળ વધે તે સાથે માણસની યાત્રા આગળ વધે છે ‘ને અગાઉની ઘટના ભૂલાય છે કે બહુ સમય પછી યાદ આવે છે. મુરલીધર રામચંદ્ર આચરેકરને ‘૬૮માં પદ્મશ્રી મળે છે. એ પહેલાં એમને ‘૬૨માં ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ માટે ફિલ્મફેર બેસ્ટ આર્ટ ડાયરેક્શનનો ઍવૉર્ડ મળેલો. એ પહેલાં ‘૬૦માં ‘કાગજ કે ફૂલ’ માટે ‘ને એ પહેલાં ‘પરદેશી’ માટે. સવાલ એ છે કે ‘પરદેશી’ ફિલ્મ તમે જોઈ છે કે તેના વિષે સાંભળ્યું છે? જે ઘટનાને આ વર્ષે ૫૫૦ વર્ષ પૂરાં થયાં ‘ને દિલ્હીમાં એ ઘટના મંચ પરથી વાગોળવામાં આવેલી એ ઘટના આપણને ખબર ના હોય એવું બને કેમ કે આપણે ઇતિહાસમાં વર્ષો સુધી અમુક-તમુક ગળણીમાં ગળાયેલું જ ભણી ખાધું છે ‘ને આપણું ઇતર વાંચન તો મોટે ભાગે આપણા પ્રવાસ જેવું મનોરંજનથી ભરચક રહેતું. ઇબ્ન બતુતા, માર્કો પોલો ‘ને બાર્બોસાના પ્રવાસ વિષે થોડું સ્મરણ હશે. એમના ભારતના પ્રવાસ વિષે જરા, પરંતુ કહો નિકોલો, ડોમિનિગો ‘ને લુડવિગો કોણ હતા? એ વાતો ફરી ક્યારેક, આજે વાત કરીશું અફનાસી નીકીટિનની જેમની આત્મકથની પરથી ‘પરદેશી’ ફિલ્મ બની હતી.

રિપબ્લિક ઓફ કલમિક્યા નામનો રશિયાનો જ ભાગ એવો એક દેશ છે. ત્રણ લાખની વસ્તી માંડ હશે. યુરોપમાં આવેલો આ રશિયન દેશ એક માત્ર એવો દેશ છે જેમાં બુદ્ધ ધર્મનું ચલણ હોય. ત્યાંની રાજધાની એલિસ્તામાં આંતરરાષ્ટ્રીય શતરંજ સ્પર્ધા યોજાતી હોય છે. આ પાંચ ઑગસ્ટે યુ-ટ્યૂબ પર ઇવગેનિ કૂટુઝોવ નામના રશિયન શખ્સે એક વીડિયો અપલૉડ કરેલો. વીડિયો ટૂંકો ‘ને સુંદર છે. કોરોના ‘ને લૉકડાઉન ના હોત તો મોટે ભાગે ઇવગેનિ કૂટુઝોવ આ તારીખ પર કલમિક્યાના રણમાં ના હોત, તેથી ઘણો આગળ વધી ગયો હોત. આ માણસ રશિયાના સેન્ટ પિટર્સબર્ગથી ચાલતો નીકળ્યો છે ‘ને છ હજાર કિલોમીટર ચાલીને મુંબઈથી ૧૨૫ કિલોમીટર દૂર આવેલા નાના ગામ રેવદંડા પહોંચવા માગે છે. કેમ? એ ગામમાં પોર્ટુગીઝના સમયનું ચેપલ છે એટલે? સાતસો વર્ષ પહેલાં ભારતના શરણે આવેલી યહૂદી કોમ અહીં રહેલી એટલે? દત્તાત્રેયનું ‘ને શીતળા માતાનું મંદિર છે એટલે? ના, અહીં અફનાસી નીકીટિનના પ્રવાસને બિરદાવતું સ્મારક છે એટલે.

રેવદંડામાં એ મોન્યુમેન્ટ ત્રેવીસ નવેમ્બર, ૨૦૦૦ની સાલમાં જ ઊભું કરવામાં આવ્યું છે એ આશ્ચર્યની વાત છે. આપણા મિત્ર એવા રશિયાના સાહસિક માણસ ‘ને પ્રવાસને બિરદાવવાનો આપણો સ્વભાવ છે કે નથી એ વિચારી શકાય. રશિયાના ઘણા ઉચ્ચ પદાધિકારીઓ એ સ્મૃતિચિહ્ન ખુલ્લું મુકાયું ત્યારે હાજર રહેલા, શક્ય છે કે એમના આગ્રહને લીધે એ આખી ઘટનાએ આકાર લીધો હોય. આપણને તો ઇવગેનિ કૂટુઝોવ નામનો ત્રીસેક વર્ષનો અનુભવી પ્રવાસી ચાલતા ભારત આવવા નીકળ્યો છે એય ભાન નથી. એ ભારત આવી પહોંચશે ત્યારે રશિયાની ગણીને ચાર ફૂડ આઇટમ ભારતમાં ફેમસ થાય તોય બહુ છે. ઇવગેનિનો આશય અફનાસી જે રસ્તે ભારત આવેલો તેનો મહિમા કરી જે બાળકોને અત્યંત મોંઘી સારવારની જરૃર હોય છે તેમના માટે દાન એકઠું કરવાનો છે. રશિયાના ત્વેર શહેરથી વોલ્ગા નદીના કિનારે ચાલીને કલમિક્યા ‘ને ડેગિસ્તાન થઈને આઝારબૈજાન તથા ઈરાન જશે ‘ને એ પછી બોટમાં દુબઈ પહોંચી ત્યાંથી બીજી બોટમાં ભારત આવશે.

૧૪૬૯માં અફનાસી નીકીટિન ઓલમોસ્ટ આ જ રૃટ પર ભારતમાં પ્રવેશેલો. વિશ્વભરમાં પ્રવાસ કરનારા કહો કે રખડનારા, ગ્લોબ-ટ્રોટર્સ ઓછા છે, માણસની વસ્તી ‘ને માણસ જાતના લાંબા ઇતિહાસની સામે. માણસ જ્યારથી સિવિલાઇઝ્ડ થયો છે ત્યારથી તેનું રોજનું ફરવાનું ઘટતું ગયું છે. તેમાંય ભારતના માણસની તો વાત જ નોખી. ઓફ કોર્સ, ૨૦૧૯ની સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ સેન્ટ પિટર્સબર્ગમાં ભારતીય બનાવટની કાર લઈને ભારતના ડ્રાઇવર ‘ને એની ટીમ એન્ટર થયેલ. સુડતાળીસ વર્ષની મીનાક્ષી સાંઇ અરવિંદ એકવીસ હજાર સાત સો કિલોમીટર કાર ચલાવી કોઇમ્બતુરથી નેપાળ, તિબેટ ‘ને ચીન થઈને રશિયા ફરતી-ફરતી આગળ વધી બાવન દિવસે પહોંચેલી. બેશક રશિયામાં તો પહેલેથી પ્રવાસી, આંતરરાષ્ટ્રીય પ્રવાસી ‘ને સાહસિક પ્રવાસી ચમકતા રહ્યા છે. ફયોડોર કોન્યુખોવ, વ્લાદિમિર નેસીન, વ્લાદિમિર લાયસેન્કો, વ્લાદિસ્લેવ કિટોવ ‘ને નિકોલાય લિટાઉ જેવા સાહસિક આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ તો ઇવગેનિ કૂટુઝોવ જ્યારે અફનાસી નીકીટિનનાં પગલાં પર ચાલી નીકળ્યો ત્યારે રશિયામાં જીવતા હતાં ‘ને છેલ્લી જાણકારી મુજબ હજુ જીવે છે.

પ્રેક્ષણીય સ્થળો જોવા માટે દેશવિદેશોમાં ફરનારો આજનો મુસાફર મોટે ભાગે પ્લેનમાં ફરે, પણ અફનાસી નીકીટિન ઘોડે ચઢીને નીકળ્યા હતા. તેઓ વિચક્ષણ કહો કે ઉસ્તાદ, પાક્કા વેપારી હતા. એમણે રશિયામાં હતા ત્યારે એવું જાણ્યું ‘ને માન્યું હતું કે ભારતમાં ઊંચી ઓલાદના ઘોડા ઉછેરવામાં નથી આવતાં એટલે તેઓ ઉમદા ઘોડો લઈને નીકળેલા જેને વેચીને પોતે શ્રીમંત થઈ શકશે તેવી ગણતરી સાથે. મધ્યયુગનો જમાનો હતો, માણસનું જીવન અત્યારના જીવનની સામે ઘણુ અલગ હતું. એટલી લાંબી એવમ અજાણી સફર કરવા નીકળેલો માણસ કશું પણ એવું સાથે રાખે જે બજારમાં કિંમતી કહી શકાય તો માર્ગમાં લૂંટાઈ જવા સિવાય તેના જીવને પણ જોખમ થાય. તેમ છતાં રસ્તામાં ખોવાઈ જવાનું, ભૂખે મરવાનું ‘ને માંદા પાડવાનું જોખમ હતું. ભારત પહોંચતા પહેલાં ઘોડો પણ લૂંટાઈ શકત ‘ને ઘોડા માટે નહીં તો કોઈ પણ ફાલતુ કારણ સર અફનાસી નીકીટિન જાનથી હાથ ધોઈ બેસત તેવું પણ બને તેવી સંભાવના હતી જ.

પરંતુ, એ સમયે દુનિયામાં ભારતનું મહત્ત્વ ‘ને આકર્ષણ ગજબનું હતું. ભારત આવવા, ભારત સાથે વેપાર કરવા ‘ને ભારત સુધીનો રસ્તો શોધી એ વેપાર થકી ગંજાવર સફળતા પ્રાપ્ત કરવા અફનાસી નીકીટિન જાનની બાજી લગાવવા તૈયાર હતો. મસાલા, સિલ્ક, રત્ન જેવી ભૌતિક ચીજ સિવાય ભારતમાં આવવાનું સ્વપ્ન સંસારમાં લાખો લોકો જોતાં કેમ કે એ જાણતા હતા કે ભારતમાં એમને જે તત્ત્વજ્ઞાન મળશે એ બીજે કશે નહીં મળે ‘ને એ વડે તેમની આગામી પેઢીઓ તરી જશે. આપણે ગ્રીસના મેગેસ્થનિસ, ચીનના હ્યુએન સાંગ ‘ને પર્શિયાના અલ બરૃની વિષે થોડું ભણ્યા છીએ. અફનાસી નીકીટિનનું સફરનામું આપણે ભણ્યા નથી, પણ એ ઘણુ કામનું છે. ભારત ‘ને રશિયાના પાંચસો વર્ષ જૂના પ્રજાકીય સંબંધનો એ પુરાવો છે ‘ને સાથે એ કાળના ભારત વિષે તેમાંથી અમુક અંશે મહત્ત્વની માહિતી મળે છે. નિઃસંદેહ છેક પંદરમી સદીની વાત હોય એટલે આજના માણસનું મગજ ત્યારે ભારત કેવું હશે એ કલ્પના પણ માંડ કરી શકે.

મુંબઈ પાસેના લોકપ્રિય પ્રવાસન સ્થળ અલીબાગથી સત્તર કિલોમીટર દૂર ચૌલ ‘ને રેવદંડા જોડિયા નગર છે. ચૌલ પોર્ટુગીઝ સત્તાના હાથમાં આવ્યું એ પહેલાંની આ વાત છે. ગુજરાતમાં મહમદ બેગડાનું શાસન હતું. મહારાષ્ટ્ર કે ભારતમાં બહામની સલ્તનતનું રાજ હતું. પાંચસો વર્ષ પહેલાં રશિયાનું ત્વેર શહેર પોતાના સાહસિક વેપારીઓ માટે જાણીતું હતું જે યુરોપ ‘ને મધ્યપૂર્વના દેશોમાં વેપાર અર્થે સાહસ કરી જતા હતા. રશિયાના ઝારના બાપદાદા એવા ડ્યૂકે ત્યારના મોસ્કો તરફથી કૌકેસસ ખાતે પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી કરેલું. તેવા એક આયોજનના ભાગ રૃપે અફનાસી નીકીટિન તથા અન્ય વેપારીઓ ત્વેરથી નીકળી પડેલા. વોલ્ગા નદીના કિનારે થઈને આજનું આઝારબૈજાન એટલે ત્યારનું શિર્વાન પહોંચેલો. પછી એ આગળ વધ્યો બાકુ ‘ને ઈરાન જ્યાં એક વર્ષ વસવાટ કર્યો. એ પછી એણે ભારત તરફ પગ ઉપાડ્યો, એ સમયમાં જ્યારે રશિયામાં ભારત વિષે બહુ ઓછા લોકોને જાણકારી હતી

‘ને જેટલી જાણકારી હતી એય બહુ ઓછી હતી.

હા, ભારતની ચમત્કારિક કે આશ્ચર્યજનક દેશ તરીકેની ખ્યાતિ એ સમયના ધબકતા ટ્રેડિંગ સેન્ટર ત્વેરમાં વહેતી હતી, પરંતુ એ શક્યતા પણ ભારોભાર છે કે કાળા સમુદ્ર ‘ને કાસ્પિયન સમુદ્રને પાર ઈરાન તથા ઓમાન પહોંચ્યા બાદ અફનાસી નીકીટિનને ભારત વિષે એવી વાતો સાંભળવા મળી હોય કે જેના પરિણામે તેમને થયું હોય કે ભારત સાથે વેપાર કરવાથી ખૂબ અમીર બની શકાય છે. આખરે તેઓ સમગ્ર રશિયન પ્રાંતમાંથી પહેલી વાર ભારત જનાર વેપારી બનવાનું સાહસ ખેડવા તૈયાર થયા હોય. બાકી આવી કોઈ માહિતી નથી કે અફનાસી નીકીટિન નવરા હતા યા બેકાર હતા યા વેપારી નહોતા. હા, તેઓ સાહિત્યકાર કે લેખક નહોતા. છતાં તેમની ભારત યાત્રા અંગેની ડાયરી ‘જર્ની બિયોન્ડ થ્રી સીઝ’ બિનવેપારી ઊંડાણથી લખાયેલું એવું રસપ્રદ પુસ્તક છે કે વાચકને એવું ના થાય કે કોઈ સાધારણ માણસે ‘કે કોઈ આવડત યા સમજ વગરના સામાન્ય વેપારીએ લખ્યું છે.

૧૪૬૯માં ભારતમાં કયા સ્થાને અફનાસી નીકીટિને પહેલો પગ મૂક્યો હશે? જાણીને તમે અચંબામાં પડી જશો કે તેઓએ તેમના ભારતના અનુભવનો પ્રારંભ ગુજરાતમાંથી કરેલો. ખંભાત એ જમાનામાં ખૂબ મહત્ત્વનું ‘ને પૈસાદાર બંદર હતું. ભંગાર વહાણમાં અરબી સમુદ્ર પસાર કરીને છ મહિને ભારત પહોંચેલા અફનાસી નીકીટિનનું વેપારી દિમાગ ઠંડું નહોતું પડી ગયું. ત્યારે ગળી મોટા પાયે ભારતમાંથી એક્સપોર્ટ થતી. સ્વાભાવિક છે ઉત્તમ ગુણવત્તા સિવાય ગળીનો ઓછો ભાવ અફનાસી નીકીટિનને આકર્ષી ગયો હશે. એ પછી તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ચૌલ મુકામે પહોંચેલા. તેઓ કોઈ પંડિત, શિક્ષક કે દાર્શનિક નહોતા, પણ તેમને અવલોકન કરવામાં રસ હતો. એ સમયના ભારતીયો વિષે જે ઊંડાણ ‘ને મહેનતથી એમણે લખ્યું છે તેના પરથી આપણને ખ્યાલ આવે કે એ જેમની સાથે વેપાર કરવા ઇચ્છતા તેમનું કેવું અવલોકન કરતા હતા.

અફનાસી નીકીટિને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ભારતના એટલે કે ચૌલ એવમ રેવદંડાના લોકો શા કારણે ખુલ્લી છાતી સાથે લગભગ નગ્ન સમાન વિહરતા હશે? કેમ એ લોકો માથું ખુલ્લુ રાખતા હશે એટલે કે માથા પર હેટ નહીં પહેરતા હોય? તેઓને અહીંના માણસોની કાળી ચામડી જોઈને આઘાત લાગ્યો હતો. એમને થતું કે કેમ આ લોકો કેડ ઢંકાય એવું કપડું વીંટાળે છે ‘ને એક હાથમાં ભાલો તથા બીજા હાથમાં ચામડાની બનેલી ઢાલ રાખે છે? જી, તેઓ ગોરા હશે એટલે હાલના ગોરા માણસોને વ્હાઇટ-સુપ્રિમસીનો ભાવ છે એવો કોઈક ભાવ એમનામાં હશે ‘ને એમણે રાક્ષસો કાળા હોય એવું વાંચ્યું કે સાંભળ્યું હશે. તેમણે જ્યારે દક્ષિણમાં સ્થાનિક રાજદરબારમાં રાજ્ય સહિત ત્રણેક હજાર ભારતીયો જે એમની ભાષામાં નગ્ન જેવા હતા તેમની હાજરીમાં ભેટ આપી તો કોઈને ખાસ આનંદ કે આશ્ચર્ય ના થયું. જી, એમણે ભેટ આપી ત્યારે એમને એમ હશે કે અહીંના રાજવીઓ માટે હું આપું છું એ બહુ મોટી ચીજ હશે.

Related Posts
1 of 142

એમણે નોંધ્યું છે કે બહામની સલ્તનતના સમયમાં કાળા રંગના માણસોની લેવેચ થતી હતી. વેશ્યાવાડની નોંધ પણ કરી છે. હાથીનો ઉપયોગ ગુનેગારનું માથું કચડવા થતો. અમુક લોકો હાથીનો શિકાર કરવા મહિના સુધી જંગલમાં રહેતાં. આખા ભારતમાં કહે છે કે દાળ, ચોખા ‘ને માખણ વડે બનતી આઇટમ ખવાય છે. વારુ, એ અર્ધા ભારતમાં પણ નહોતા ફર્યા, પણ એ સાચું કે એ ભારતીય વ્યંજન ખીચડીની વાત કરતા હતા. વિજયનગર માટે એ લખે છે કે કાને કદી ના સાંભળ્યું હોય ‘ને બુદ્ધિએ કદી કલ્પ્યું ના હોય તેવું ગજબનું શહેર છે. બિદારમાં કહે છે કે સિલ્કનું ભરતકામવાળું કે જરીની બુટ્ટીવાળું કાપડ વેચાય છે, ઘોડા વેચાય છે. એણે તેનો જાતવાન ઘોડો સારી એવી કિંમત પર ત્યાં વેચી અને જે પૈસા મળ્યા તેમાંથી બાકીનો પ્રવાસ કર્યો હતો. બિદારના મહેલનું વર્ણન કરે છે, કેટલા સૈનિક ક્યાં શું કામ કરે છે તથા તેમને કેટલા પૈસાનું કેવી રીતે વેતન મળે છે એ પણ એણે લખ્યું છે. વિચારો આ વેપારી કેટલો શાતિર હશે. કે પછી એ જાસૂસ હતો? કોણ જાણે!

સુલતાન ઈદને દિવસે કેવા રાજવી ઠાઠથી યાત્રા કાઢે છે તેનું વર્ણન છે. ત્રણસો હાથીથી વધારેના રસાલામાં સોને મઢેલા ઘોડા પણ હતા. રાણીઓની પાલખીઓ ‘ને નર્તકીઓની હારમાળા. પિપૂડા થકી સંગીત વગાડનારા. બહામની સલ્તનત ‘ને વિજયનગર વચ્ચેના યુદ્ધની વાત પણ એણે આલેખી છે. એણે લખ્યું છે કે ઉચ્ચ વર્ગના લોકો સિલ્ક પહેરતા ‘ને આમ લોકો બહુ ઓછા તેમ જ સામાન્ય કપડાં પહેરતાં. વેલ, મધ્યયુગમાં આખું જગત આ દશામાં હતું. મરી ‘ને ગળી બહુ સસ્તા છે છતાં માલસામાનની હેરાફેરી માટે ખર્ચો ખૂબ થાય ‘ને તેમ કરવું ચાંચિયાઓને કારણે પણ ખૂબ જોખમ ભરેલું છે તેવું અફનાસી નીકીટિન લખે છે. એણે નોંધ્યું છે કે લોકો ઘોડાને સવારમાં ખીચડી ખવડાવે છે. એને આશ્ચર્ય હતું કે બકરીના ચામડાની કોથળીમાં કેમ દારૃ ભરવામાં આવે છે? હા, એ વાત મુસ્લિમોની હતી.

તેઓએ નોંધ્યું છે કે લોકો મટન, ઈંડાં, મરઘાં, ભૂંડ બધું ખાય છે, પણ ગાયનું માંસ નથી ખવાતું. રસોઈ કરવાના બળતણ માટે છાણા વપરાય છે. તેઓ જણાવે છે કે છાણાની રખ્યાથી લોકો પોતાનો ચહેરો ‘ને શરીર રંગે છે. અફનાસી નીકીટિન લખે છે કે તેઓ પર્વત નામના પવિત્ર શહેરમાં ગયેલા. ત્યાં જોરદાર મંદિર છે. વિશેષજ્ઞ શંકા કરે છે કે શાયદ તેઓ આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુનની વાત કરે છે. એ કહે છે કે મંદિરનું પરિસર તેના વતનના શહેર કરતાં અર્ધી સાઇઝનું છે. ભારતના માણસોની ભક્તિ જોઈને એ ઇમ્પ્રેસ થાય છે. કહે છે કે યાત્રાળુઓ બળદ-ગાડામાં ‘ને ચાલતા હજારોની સંખ્યામાં રોજ આવે છે. અફનાસી નીકીટિનના મતે ત્યારે ભારતમાં બધાં જ આસ્તિક હોય છે. દરેક માણસ કોઈ ને કોઈ ભગવાનમાં માને છે. કુલે ચોર્યાસી પ્રકારના ધર્મ છે. દરેક માણસ કોઈ ને કોઈ પ્રકારની મૂર્તિની પૂજા કરે છે. અલગ-અલગ ધર્મના લોકો જોડે આનંદ-પ્રમોદ નથી કરતાં ‘ને લગ્ન નથી કરતાં.

 

ગણેશને તેમણે હાથી-માનવ પ્રકારના ઈશ્વર ‘ને હનુમાનજીને વાનર-માનવ પ્રકારના ઈશ્વર જણાવ્યા છે. કર્ણાટકના રાયચુરની હીરાની ખાણોની મુલાકાત તેમણે લીધેલી. તેઓ ગોલકોન્ડાની ખાણો જોવા ગયેલા, ત્યારે પણ હીરાના વિશ્વના બજારમાં ભારતનું સ્થાન અવ્વલ હતું. લખે છે કે કાજુ, આદું, તજ વગેરે મસાલા કાલિકટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાય છે. અફનાસી નીકીટિન રશિયાના ઓર્થોડોક્સ ખ્રિસ્તી હોય છે. એ સમયના ભારતના હિન્દુ જેમના માટે એમણે હિન્દુ શબ્દ નથી વાપર્યો તેમની ‘ને રશિયાના ઓર્થોડોક્સ ખ્રિસ્તી વચ્ચે અમુક સમાનતા છે તેવું એમણે કીધું છે. દાખલા તરીકે બંને પૂર્વ તરફ જોઈને પ્રાર્થના કરે છે. તેઓ કહે છે કે મુસ્લિમ કરતાં હિન્દુઓ તેમની સાથે વધુ સાહજિકતા કે મોકળાશથી વર્તન કરતાં. હિન્દુઓ તેમની હાજરીમાં બધી વાત કરતાં, ખાતાપીતા ‘ને તેમની પત્નીઓ પણ તેઓ છૂપાવીને નહોતા રાખતા. એમણે માર્ક કરેલું કે હિન્દુ સ્ત્રીઓ એક તરફ મોંઘા અલંકાર પહેરે છે તો બીજી તરફ યાત્રા પર સામાન્ય ધોતી જેવું કપડું પહેરી શકે છે.

‘જર્ની બિયોન્ડ ધ થ્રી સીઝ’ ફિલ્મ ૧૯૫૭માં બનેલી. ક્યાંક એ ફિલ્મ પુસ્તકના નામ ‘ટ્રાવેલ ની બિયોન્ડ ધ થ્રી સીઝ’ તરીકે પણ ઓળખાઈ છે, દાખલા તરીકે યુ-ટ્યૂબ પર રશિયન ભાષામાં એ ફિલ્મ બે ભાગમાં છે જ્યાં તેનું અંગ્રેજી નામ એ રાખવામાં આવ્યું છે. રશિયન વાસિલી પ્રોનીન ‘ને ભારતીય ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા જોડાણમાં દિગ્દર્શિત એ ફિલ્મ અહીં લોકોમાં ખાસ આવકાર નહોતી પામી. કે અબ્બાસ એટલે રાજ કપૂરની બોબી, હિના ‘ને સામ્યવાદી લગાવવાળી ફિલ્મ આવારા ‘ને શ્રી ચારસો વીસના લેખક. યુ-ટ્યૂબ પર હિન્દી વર્ઝન ‘પરદેશી’ પણ છે જેના વ્યૂઅર્સની સંખ્યા રશિયન કરતાં ઘણી ઓછી એટલે કે એકવીસ હજાર પણ નથી. ખૂશ્ચેવ ‘ને નહેરુના જમાનામાં ‘ને એમની અસર હેઠળ બનેલી ફિલ્મ. એ સમયે ખરેખર ભારત ‘ને રશિયાની સરકારો નહીં, પ્રજા એકબીજાની નજીક આવે એવી કોશિશ થઈ હોત તો મામલો નોખો હોત એ સમજનારા સમજી શકે છે.

અનિલ વિશ્વાસનું સંગીત, નરગિસ ‘ને બલરાજ સાહની જેવા કલાકાર સાથે

પૃથ્વીરાજ કપૂર, પદ્મિની, મનમોહન ‘ને ભારત ભૂષણ. સંગીતમાં બોરિસ ચેકોવસ્કી, અલી સરદાર જાફરી ‘ને પ્રેમ ધવન પણ ખરા. આઠેક ગીત હતાં. ગાયક હતાં લતા મંગેશકર, મન્ના ડે ‘ને મીના કપૂર જે અનિલ વિશ્વાસના ૧૯૫૯માં પત્ની બને છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એ સમયે હાર્વર્ડ થોમ્પસને આ ફિલ્મનાં વખાણ કર્યા હતા. ખેર, આપણે ફિલ્મ કરતાં વધુ મૂળ પુસ્તક ‘ને તેનાથી થોડી વધારે સાહસિક પ્રવાસી ‘ને પ્રવાસની વાત કરી. બંગાળમાં સામ્યવાદનો નશો કરવાનો ધર્મ પહેલેથી કાયદેસર તેમ જ કોમર્સસર બજાવવામાં આવે છે એટલે ત્યાં અફનાસી નીકીટિનની આત્મકથા એવમ પ્રવાસ કથા બંગાળીમાં ભાષાંતર પામી ‘તીન સમુદ્ર પારેર કથા’ તરીકે પ્રસિદ્ધ થયેલી. ભારતમાં આવી સાચી સાહસ કથાનો હવે પ્રસાર થાય તો સારું, આજનો યુવાન અગાઉના યુવાન કરતાં અમુક રીતે વધુ સાધનસંપન્ન ‘ને સક્ષમ છે.

અફનાસી નીકીટિન મૂળે ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન હતા, પણ ભારતમાં ધર્મયાત્રા પર નહોતા આવ્યા. છતાં તેમના પર આખરે ધર્મની અસર પડી હતી. કહે છે એમનું ધર્મ પરિવર્તન કરવાની બહામની સલ્તનતમાં ઘણી કોશિશ થયેલી. તેઓએ ઘણા સંઘર્ષ બાદ આખરે ઇસ્લામનો સ્વીકાર કરેલો. અમુક રશિયન લેખકો જોકે ના પાડે છે કે એવું નહોતું થયું. અફનાસી નીકીટિનનું નામ બદલાઈને ખોજા યુસુફ ખોરસાની થયેલું હતું. તેઓએ અન્ય મુસ્લિમ સાથે રોજા પણ રાખેલા અને એમને ખ્રિસ્તીમાંથી ધર્માંતર કરવા માટે અપરાધ ભાવ પણ થયેલો. આકાશ તરફ જોઈને તેઓ ઈસ્ટર દરમિયાન તેમના વતનમાં નથી તેનું દુઃખ વ્યક્ત કરતાં ‘ને તેમને એવું લાગ્યું હતું કે તેમને એ મુદ્દે ઈશ્વરની માફી પણ મળી છે. તેઓ મૂળે જગતપિતાના માતા મેરી જેને રશિયન ઓર્થોડોક્સ ચર્ચ થિઓટોકોસ કહે છે તેમાં માનતા હતા. એ ખ્રિસ્તીઓ આખી દુનિયાના ખ્રિસ્તી કરતાં અલગ, ઘણા જૂના ‘ને એમની મૂળ વાતોને વળગીને રહેનારા છે. ઉદાહરણ તરીકે લઈએ તો એમની નાતાલ દર વર્ષે જુલિયસ કેલેન્ડર મુજબ આવે છે, આવતા વર્ષે ૭ જાન્યુઆરીએ આવશે.

સાહસિક પરંતુ વેપારી અફનાસી નીકીટિને લખ્યું છે કે જુન્નાર ગામ એટલે કે આજના પૂના પાસે ખાને મારો ઘોડો આંચકી લીધો, પણ જ્યારે તેને ખબર પડી કે હું રશિયન છું એટલે કે મુસ્લિમ નથી ત્યારે તેણે મને કહ્યું કે, હું તને તારો ઘોડો પાછો આપી દઉં તથા ઉપરથી તને એક હજાર સોનામહોર આપું, પણ એક શરત પર. તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો પડે. તેની પાસે ચાર દિવસની મહોલત હતી, એ તારીખ હતી ૧૮ ઑગસ્ટ. અહીં અફનાસી નીકીટિનની આજીજી પર તેમના દોસ્ત ખોરસાનના ખોજા મોહમ્મદે તેને મદદ કરી હતી. એ દિવસ એમના મૂળ ધર્મ મુજબ ઉપવાસનો ‘ને એમની માતાજીનો તારણહાર દિન હતો. લખે છે કે ઈશ્વરે એમની પ્રાર્થના સાંભળી ‘ને તેઓ ત્યારે તો બચી ગયા હતા. ભારતમાં ત્રણ વર્ષ રહીને તેઓ અંતે રશિયા પરત પહોંચેલા. જોકે એમના વતન ત્વેર સુધી એ નહોતા પહોંચી શક્યા. ૧૪૭૨ની પાનખરમાં ત્વેરથી ૪૦૦ કિલોમીટર દૂર સ્મોલેન્સ્ક ખાતે એમણે દેહ છોડી દીધેલો.

બુઝારો

હે ઈશ્વરના પુત્ર માલિક ઈસુ ખ્રિસ્ત, અમારા પવિત્ર પિતાઓની પ્રાર્થના થકી તમારા પાપી નોકર નિકિતાના પુત્ર એથનેસિયસ એટલે કે મારા પર દયા દાખવો. આ કાસ્પિયન, કાળા ‘ને હિન્દ એમ ત્રણ દરિયા પારની મારી પાપી રખડપટ્ટી વિષે છે. આપણા પવિત્ર તારણહાર ઝલાટોવેર્ખના ચર્ચથી મહાશાસક માઇકલ બોરિસોવિચ તથા ત્વેરના પાદરી ગેનેડીઅસની પરવાનગીથી મેં પ્રારંભ કર્યો હતો.

અફનાસી નીકીટિનની ભારત યાત્રા પરની આત્મકથા ‘જર્ની બિયોન્ડ થ્રી સીઝ’.

Leave A Reply

Your email address will not be published.

Translate »