તમારા માટે, તમારી સાથે, સતત…

કોવિડ-૧૯, પ્રેસિડન્ટ ટ્રમ્પ અને અમેરિકન સ્વપ્નું

બધી મુશ્કેલીઓમાંથી અમેરિકાએ હંમેશાં માર્ગ કાઢ્યો છે.

0 609
  • વિઝા વિમર્શ –  ડૉ.સુધીર શાહ

કોલંબસે ઈ.સ. ૧૪૯૨માં અમેરિકા ખંડની શોધ કરી ત્યારથી વિશ્વની વ્યક્તિઓ પોતપોતાનું એક અમેરિકન સ્વપ્નું ધરાવે છે. કોઈનું સ્વપ્નું ન્યૂ યૉર્કમાં આવેલ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કે વૉશિંગ્ટન ડી.સી.માં આવેલ વ્હાઈટ હાઉસ જોવાનું હોય છે. કોઈનું ‘હાર્વર્ડ યુનિવર્સિટી’માં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હોય છે. કોઈ વૉલ સ્ટ્રીટમાં અને કોઈ લાસ વેગાસના કેસીનોમાં નસીબ અજમાવી અજબોપતિ બનવાનું સ્વપ્નું ધરાવે છે. કોઈને અમેરિકામાં વેપાર કરીને એમના રૃપિયાના ડૉલર કરવા છે, કોઈ મિયામી જઈને પાછલી જિંદગી શાંતિથી વ્યતીત કરવાનું સ્વપ્નું સેવે છે. અનેકો એમના દેશમાં પ્રવર્તતી ગરીબીમાંથી ભાગી છૂટવા, અમેરિકા જઈ સારી નોકરી મેળવવાનું સ્વપ્નું સેવે છે. ધર્મના નામે જેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હોય એવા લોકો અમેરિકા જઈને પોતાને મનગમતો ધર્મ પાળવાનું સ્વપ્નું ધરાવતા હોય છે. અનેક યુવાનો અને યુવતીઓ હોલિવૂડ જઈ અભિનેતા યા અભિનેત્રી બની ઓસ્કર મેળવવાની મહેચ્છા ધરાવતાં હોય છે. બાળકોનું સ્વપ્નું ડિઝનીવર્લ્ડ જોવા જવાનું હોય છે. આ સર્વેનાં અમેરિકન સ્વપ્નાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રેસિડન્ટ થયા ત્યારથી ડગુમગુ થવા લાગ્યાં છે. ‘કોવિડ-૧૯’ની મહામારીએ એને વિખેરી નાખ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં ગોરા-કાળા વચ્ચેની જે લડાઈ અમેરિકામાં ફાટી નીકળી છે એને લીધે વિશ્વના લોકોને એમનું અમેરિકન સ્વપ્નું હવે વીસરી જવું જોઈએ એવું લાગવા માંડ્યું છે.

ગોરા-કાળાની લડાઈ તો જ્યારથી આફ્રિકનોને એમની ઇચ્છા વિરુદ્ધ ગુલામ બનાવીને અમેરિકામાં લાવવામાં આવ્યા ત્યારથી ચાલુ છે. આપણે ત્યાં પણ હિન્દુ-મુસ્મિમ, ઊંચ-નીચ, વચ્ચે અવારનવાર છમકલાં તો થયાં જ કરે છે ને? રોગચાળાઓ પણ અમેરિકામાં અત્યાર સુધી અનેક ફાટી નીકળ્યા છે. એના કારણે લાખો અમેરિકનોએ એમના જીવ ખોયા છે. આ બધી મુશ્કેલીઓમાંથી અમેરિકાએ હંમેશાં માર્ગ કાઢ્યો છે. દિવસે-દિવસે એણે પ્રગતિ જ કરી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પની જે ઇમિગ્રેશનની નીતિ છે, ગોરાઓની તરફેણની અને કાળા તેમ જ ઘઉંવર્ણાઓની વિરુદ્ધની આવી પૉલિસી તો અમેરિકામાં વર્ષોથી છે. દરેક જાતિના, દરેક દેશના લોકોએ જ્યારે જ્યારે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એમનો ત્યાંના રહેવાસીઓએ વિરોધ કર્યો છે. આમ છતાં અમેરિકા વિશ્વના બધા દેશોના લોકોના મિલનનો દેશ છે. વિશ્વના દરેકેદરેક દેશના લોકો અમેરિકામાં જઈને વસ્યા છે. ગોરા, કાળા, ઘઉંવર્ણ તેમ જ પીળાશ પડતી ચામડી ધરાવતા લોકો બધા જ અમેરિકા જઈને વસ્યા છે. બધા જ ધર્મના લોકોએ અમેરિકામાં વસવાટ કર્યો છે. અમુક છમકલાં બાદ કરતાં બધા જ હળીમળીને રહે છે. અમેરિકા પ્રગતિની કૂચ કર્યા જ કરે છે. અમેરિકા ઇમિગ્રન્ટોનો દેશ છે.

‘કોવિડ-૧૯’ કે પ્રેસિડન્ટ ટ્રમ્પ, આના કારણે કોઈએ પણ એમનું અમેરિકન સ્વપ્નું ત્યજી દેવું ન જોઈએ. વિદ્યાર્થીઓએ અમેરિકાને બદલે બીજા દેશમાં ભણવા જવાનું વિચારવું ન જોઈએ. વેપારીઓએ, સાયન્ટિસ્ટોએ, ડૉક્ટર અને પ્રોફેસરોએ, નોકરિયાતોએ અમેરિકા જવાનો વિચાર ત્યજી દેવો ન જોઈએ. અમેરિકા હજુ પણ તક અને છતનો દેશ છે. અત્યંત પ્રગતિશીલ દેશ છે. અમેરિકાના દરવાજા વિશ્વના બધા જ લોકો માટે ખુલ્લા છે. અમેરિકાનાં સ્વપ્નાં કોઈએ ત્યજી દેવા ન જોઈએ.

Related Posts
1 of 319

જેઓ અમેરિકામાં કાયમ રહેવા ઇચ્છે છે એમને માટે ઇમિજિયેટ રિલેટિવ, ફૅમિલી પ્રેફરન્સ, ઍમ્પ્લોયમૅન્ટ પ્રેફરન્સ, ઇબી-૫ પ્રોગ્રામ, વિઝા લોટરી, રાજકીય આશરો, રેફ્યુજી સ્ટેટસ, મિલિટરીમાં જોડાઈ, સ્પેશિયલ સ્ટેટસ મેળવી અને અમેરિકા કોઈ એક વ્યક્તિ યા જાતિ કે દેશ માટે કાયદો ઘડે એના થકી આમ ગ્રીનકાર્ડ મેળવવાના જુદા જુદા દસ રસ્તાઓ છે. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન આમાંનો એક રસ્તો જે ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી’ છે એ બંધ કરી દેવા ઇચ્છે છે, પણ તેઓ એવું કરી નહીં શકે. તમારી પાસે જો પૈસાની સગવડ હોય તો તમે આજે પણ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં, નવ લાખ ડૉલરનું રોકાણ કરીને ‘ઇબી-૫ પ્રોગ્રામ’ હેઠળ અમેરિકાનું ગ્રીનકાર્ડ લગભગ ત્રણ વર્ષમાં મેળવી શકો છો. આજે પણ તમે આ દસમાંથી જે માટે તમે લાયક હોવ એની હેઠળ ગ્રીનકાર્ડ મેળવી શકો છો. અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરીને આજે પણ તમે અમેરિકામાં કાયમ રહેવા જઈ શકો છો.

તમે અમેરિકા ફરવા જવા, બિઝનેસને લગતાં કાર્યો કરવા, ભણવા જવા, નોકરી કરવા, પત્રકાર તરીકે, કલાકાર તરીકે, ધર્મગુરુ તરીકે, ખેલાડી તરીકે જવા ઇચ્છતા હો તો બધા માટે જુદા જુદા પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વિઝા આજે પણ ઉપલબ્ધ છે.

જે કોઈ પણ ભારતીય અમેરિકા જવા ઇચ્છતા હોય, ટૂંક સમય માટે યા કાયમ માટે, એમણે મનમાં એવું મુદ્દલે વિચારવું ન જોઈએ કે તેઓ ‘અમેરિકન સ્વપ્નું’ સેવે છે એટલે દેશદ્રોહી છે. અમેરિકા જઈને, એ દેશે પ્રગતિ કેમ કરી એ જાણીને, ત્યાં પ્રાપ્ત થતું ઉચ્ચ શિક્ષણ મેળવીને, બિઝનેસ કરીને, કાયમ રહીને, તમારી જાતને ઊંચી આણીને, તમારા મૂળ દેશને, ભારતને, તમે લાભ આપી શકો છો.
——.

કેનેડામાં ભણતર અને નોકરી
ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીઓ ઉપરાંત લૅન્ગ્વેજ, વૉકેશનલ તેમ જ કરિયર ગાઇડન્સ શાળાઓમાં પ્રવેશ મેળવી કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવી શકે છે. ભણતાં-ભણતાં અઠવાડિયાના વીસ કલાક અને ભણી રહ્યા બાદ ત્રણ વર્ષ કામ કરી શકે છે. એ દરમિયાન ‘પરમેનન્ટ રેસિડન્સી’ (પી.આર.) મેળવી શકે છે. એમની પત્ની/પતિ કેનેડામાં ફુલટાઈમ કામ કરી શકે છે. આવતા અઠવાડિયે ‘વિઝા-વિમર્શ’માં ‘આઈલ્ટસ’ વિશે જાણકારી મેળવો.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »