તમારા માટે, તમારી સાથે, સતત…

પાંચ પાંચ સદી સુધી ગોરાઓએ કાળાઓને પશુથી બદતર જીવન આપ્યું હતું

જ્યારે અમેરિકામાં ગુલામોની હેરફેર પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો હતો.

0 1,178
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

જ્યોર્જ ફ્લોઈડની ઘટનાના સંદર્ભમાં ગોરા વિશ્વમાં રંગભેદ વિરોધી આંદોલનો બોલકી રીતે ચાલી રહ્યાં છે. ગોરાઓમાં ગોરાઓની સર્વોપરિતા (વ્હાઈટ સુપ્રીમામસી) અને કુ ક્લક્ષ ક્લાન (કેકેકે)ના અનુયાયીઓ છે તો તેનો તેનો વિરોધ કરનારા તેઓથી અનેકગણા છે. ગુલામ વ્યવસ્થાના દિવસોમાં ગોરાઓની આ કરુણા લેખિકા હેરીએટ બીચર સ્ટોવના રૃપમાં દુનિયા સમક્ષ આવી. હબસી ગુલામોને અને તેમના જીવનની યાતનાઓ વણી લઈને હેરીએટ સ્ટોવે વાર્તાના સ્વરૃપમાં અંકલ ટોમ્સ કેબિન ઃ લાઈફ એમન્ગ ધ લૉલીશીર્ષક સ્થાનિક અખબારમાં હપ્તાવાર વાર્તાના સ્વરૃપમાં કાળાઓની યાતનાઓ લખી અને સમગ્ર અમેરિકાના જનમાનસ પર તેની ગંભીર અસર પડી. ઓગણીસમી સદીમાં બાઇબલ પછી બીજા ક્રમે વેચાતંુ આ પુસ્તક બન્યું. ટૂંકા સમયમાં એક આખી જીવનવ્યવસ્થા બદલાવવી અને તે માટે લોકોને તૈયાર કરવા તે બાબતમાં આ પુસ્તકનું જે પ્રદાન છે તે આજ સુધીના ઇતિહાસમાં કોઈ બીજા પુસ્તકનું રહ્યું નથી.

ગયા મે મહિનામાં આ ઘટનાને બરાબર ૧૬૦ વરસ થયાં. મે ૧૮૬૦માં ૧૧૦ જેટલાં યુવાન પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ‘ક્લોટિલ્ડા’ નામક જહાજમાં ચડાવવામાં આવ્યાં હતાં. આ ૧૧૦ કાળાં સ્ત્રી-પુરુષો અને બાળકોને પશ્ચિમ આફ્રિકાના નાઇજિરિયા અને બેનીનના બાંટે, દાહોમે, કેબી, અટાકોરા જેવા પ્રદેશોમાંથી પકડીને બેનીન પ્રદેશના ક્વીદા ખાતે ગુલામો માટેના વાડામાં લાવવામાં આવ્યાં હતાં. આ કાળાઓમાં યોરુબા, ઈશા, ડેંડી, નુપે જેવી અલગ-અલગ જાતિના લોકો હતા. સામાન્ય માન્યતા હતી કે ગુલામોને આફ્રિકાનાં જંગલોમાંથી પકડવામાં આવતા હતા અને તેઓ કશી દુનિયાદારી જાણતા ન હતા, પણ ક્લોટિલ્ડામાં જેમને ચડાવવામાં આવ્યાં હતાં તેમાંનાં કેટલાક વણજારાઓની માફક ધંધો કરનારા હતાં. નમક, તાંબંુ, કપડાં વગેરેનો વેપાર કરનારા હતાં. અમુક લોખંડ ગાળનારા હતાં તો અમુક કપડાં વણનારાં હતાં. કેટલાક રતાળુ, બટાટાની ખેતી કરતા હતાં તો કોઈ પામ(તેલ) ઉગાડનારાં હતાં. કેટલીક સ્ત્રીઓ પરણેલી હતી. તેમનાં બાળકો પણ સાથે હતાં. અમુક લોકોએ એમના ધર્મ પ્રમાણે કાન વિંધાવીને કડીઓ પહેરી હતી. બેનીન અને દાહોમેના રાજ્યમાં કાળા રાજાઓ જ ગુલામોનો વેપાર કરતા હતા. રાજાના માણસો જ લોકોના વાડાઓ પર અચાનક હુમલો કરતા અને પોતાની જ પ્રજાને ગુલામ તરીકે વેચવા માટે પકડતા હતા. આ જૂથમાં કેટલાક આ રીતે પકડાયેલા બંદીવાન લોકો હતાં. કોસોલોના દાદા બાંટેના રજવાડામાં અધિકારી હતા. ૧૪ વરસની ઉંમરે કોસોલાને લડવાની તાલીમ અપાઈ હતી, પણ હવે તેને ગુલામ બનાવીને અમેરિકા મોકલવામાં આવી રહ્યો હતો. ત્યાં તેને નવું લૂઈસ નામ અપાયું હતું. કેહુન્ચોનું અપહરણ કરીને લાવવામાં આવી હતી.

અમેરિકામાં એને લોટી ડેનિસન અને અબાચેને કલેરા ટર્નર નામો અપાયાં હતાં. અપહરણ કરાયેલાં અનેક યુવાન-યુવતીઓ આ જૂથમાં હતાં. ઘણા એકબીજાથી અજાણ્યાં હતાં, પણ સમદુખિયાં હતાં તેથી પરસ્પર ભાઈચારો અને સહાનુભૂતિ જોવા મળતાં હતાં. નિર્દય વેપારીઓ અને દલાલો આ ભાવનાઓને ચકનાચૂર કરવાના હતાં. ભયંકર યાતનાઓ વચ્ચે તેઓમાં એકાત્મતા સધાઈ હતી, પણ ગુલામોના વિદેશી વેપારીઓ આ નવી કુટુંબભાવનાને છિન્નભિન્ન કરી નાખવાના હતા. એ દિવસોમાં ગુલામી પ્રથામાંથી મુક્ત બનેલા લોકોએ અખબારોને અને પુસ્તકોના લેખકો સમક્ષ જીવનની આપવીતીઓ અને વ્યથાઓ વર્ણવી હતી. ઘણી વિગતો પ્રજાના માનસમાં ઇતિહાસ તરીકે ઠસી ગઈ હતી. સિલ્વીઅન ડીઓફ નામના સંશોધન લેખિકાએ ‘ધ સ્લેવશિપ ક્લોટિલ્ડા એન્ડ સ્ટોરી ઓફ ધ લાસ્ટ આફ્રિકન બ્રોટ ટુ અમેરિકા’ શીર્ષકથી સંશોધન પુસ્તક લખ્યું છે. તેમાં જણાવ્યા મુજબ ક્લોટિલ્ડાના કેપ્ટન વિલિયમ ફોસ્ટરે જહાજ લાંગરીને જમીન પર પગ મૂક્યો ત્યારે ગુલામોને દસ દસના ગોળાકાર સમૂહમાં ગોઠવાઈ જવાનું કહેવામાં આવ્યું. કપ્તાન ફોસ્ટરે એ તમામનાં ત્વચા, દાંત, હાથ, પગ, સાથળ, ખભા વગેરેની ઝીણવટભરી તપાસ કરી. ગુલામોના વાડામાંથી પોતાને મનપસંદ એવાં ૧૨૫ જણને એણે અલગ તારવ્યાં. આગલી સાંજે તેઓને જાણ કરવામાં આવી કે જહાજ આવતીકાલે રવાના થશે. આમાંનાં ઘણાએ આખી રાત રડી રડીને પસાર કરી. સ્વજનો અને વતનથી હંમેશના માટે જુદા પડી જવાનું હતું. ભાઈઓ, બહેનો, મા-બાપ, સંતાનો એકમેકથી કાયમને માટે વિખૂટા પડી જવાના હતાં. તેઓને ખબર ન હતી કે ભવિષ્યની ગુફામાં આગળ કઈ કઈ યાતનાઓ વેઠવાની છે? પણ વેઠવાની જરૃર છે તે ખ્યાલ હતો.

આ બદનસીબ લોકોને ગુલામોને પૂરવાના વાડામાંથી કેડસમાણા પાણીમાં ચલાવીને દૂર સમુદ્રકિનારા સુધી લઈ જવામાં આવ્યાં. ત્યાંથી તેઓને નાનકડા અને હાલકડોલક હોડકામાં બેસાડીને ક્લોટિલ્ડા સુધી લઈ જવાયા. ત્યાર બાદ જે વિધિ થતી તેને તેઓ જીવનભર ભૂલી શકતાં નહીં. તેઓ તમામને ઉમ્ર, સગપણ વગેરેની મર્યાદા રાખ્યા વગર ફરજિયાત નગ્ન કરવામાં આવતાં હતાં. આફ્રિકાના તમામ ગુલામોએ સંપૂર્ણ નગ્નાવસ્થામાં જ આફ્રિકાથી અમેરિકા સુધીની મુસાફરી પુરી કરવી પડતી હતી. તેઓને જહાજના ભંડકિયામાં ભાંેયતળિયા પર ઠાંસીને ભરી (પૂરી) દેવામાં આવતાં. ગુલામો કપડાં પહેરે તો શરીરની સ્વચ્છતા ના જળવાય અને કપડાં પણ ગંદા થાય. આ કારણ આપીને તન પરથી કપડાં ઊતારી લેવાતાં હતાં. જોકે નગ્ન રાખવાથી પણ કોઈ સ્વચ્છતા જળવાતી ન હતી. અમેરિકનો તેઓને ‘નાગા રાક્ષસો’ તરીકે બોલાવતા.

ક્લોટિલ્ડા પર ગુલામોને ચડાવવામાં આવી રહ્યા હતા. આ એ વરસ હતું જ્યારે અમેરિકામાં ગુલામોની હેરફેર પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો હતો. આફ્રિકાથી ગુલામોને લઈ જનારી આ આખરી ખેપ પુરવાર થવાની હતી. કવીદાના બંદરે ગુલામો ચડી રહ્યા હતા ત્યારે કપ્તાન ફોસ્ટરે જોયું કે ક્ષિતિજ તરફથી સ્ટીમરો બંદર તરફ આવી રહી હતી. ફોસ્ટર ગભરાઈ ગયો કે એને ગુલામોની હેરફેરના આરોપસર પકડવામાં આવશે. પંદરેક જણ હજી ચડ્યા ન હતા ત્યાં જ લંગર ઉઠાવીને વહાણ હંકારી મૂક્યું. વહાણ પર ૧૧૦ ગુલામો ચડ્યાં હતાં. દરિયાની સફરના પ્રથમ ૧૩ દિવસ સુધી તમામ ગુલામોને નીચે અંધારા ભંડકિયામાં ગોંધી રાખવામાં આવ્યાં હતાં. ઘટનાના ૪૬ વરસ બાદ, ૧૯૦૬માં કલેરા ટર્નરે (અબાચે) હાર્પર્સ મૅગેઝિન સમક્ષ તે મુસાફરીમાં અમાનુષી યાતનો વેઠી હતી તેનું દર્દ રજૂ કર્યું હતું. કલેરાના વર્ણન મુજબ ભંડકિયામાં અંધારું હતું, સખત ગરમી હતી. દરેક ગુલામોને સાંકળોથી બાંધી રાખ્યાં હતાં. પીવા માટે પાણી ન હતું. ડર, ક્રોધ, ભયાવહતા, હતાશા, ગમગીનીએ તમામને જકડી લીધાં હતાં. મા-બાપો એમનાં બાળકોનો ડર અને યાતના દૂર કરી શકતાં ન હતાં. તેથી અસહાય માતા-પિતાઓનું રુદન કમકમાટી ઉપજાવતું હતું. એક ગુલામ મહિલાની સાથે એની ચાર માસૂમ દીકરીઓ હતી. એ સ્ત્રીને અમેરિકામાં ગ્રેસી નામ અપાયું હતું. ગ્રેસીની સૌથી નાની દીકરી મટિલ્ડા લગભગ બે વરસની હતી. તરસને કારણે આ બાળકી રડતી જ રહેતી હતી. તરસની પીડા તો દરેક અનુભવતાં હતાં. ગુલામોને જમવામાં જે અપાતું હતું એ દયાજનક હતું.

ગોળ અને લોટની લૂગદી અપાતાં. તમામ વખતે માત્ર આ જ ભોજન. ગળ્યો ખોરાક ખાવાને કારણે તેઓની પાણીની તરસ ખૂબ વધી જતી. તેનું પ્રમાણ પણ સાવ ઓછું. માત્ર બે કે ત્રણ કોળિયા થાય. તેનો સ્વાદ પણ વિનેગર જેવો, કારણ કે જે ગોળ અપાતો તે સડી ગયેલો પ્રવાહી જેવો અપાતો હતો જે મોલિસિસ હોય છે. જ્યારે વરસાદ આવતો ત્યારે મોં ખુલ્લાં રાખીને હાથમાં ઝીલીને થોડાં ટીપાં પીવાતાં તે નામમાત્રની રાહત હતી. ભંડકિયામાં બીમારીઓ ફરી વળી હતી અને રસ્તામાં જ બે ગુલામનાં મરણ નીપજ્યાં. ક્લોટિલ્ડાની એ સફર દોઢ મહિનો ચાલી. આ યાતનાઓ જેમણે સાથે મળીને સહન કરી તેઓ આજીવન મિત્રો, કુટુંબ અને સમૂહ તરીકે રહ્યાં. તેઓનાં સંતાનો આજે પણ સગાંઓની માફક જીવે છે. કેટલાક બદનસીબ હતાં જેઓને જુદા જુદા માલિકોને વેચી દેવાયાં હતાં તેથી અલગ પડી ગયાં હતાં. હાર્પર્સ મૅગેઝિન સમક્ષ કલેરાએ દર્દભરી દાસ્તાન રજૂ કરી ત્યારે એને આંખોમાં બળતરા અને માથામાં પીડા ઉપજી હતી. જે જહાજોમાં ભરીને ગુલામો લાવતાં હતાં તે અનકથ ત્રાસ અને યાતનાનાં ઠેકાણા બની ગયાં હતાં.

છેક આઠ જુલાઈએ ક્ષિતિજ પર જમીન નાં દર્શન થયાં. ગુલામોને ઘરેરાટીનો અવાજ સંભળાયો. ક્લોટિલ્ડાને બાાંધીને મોબીલના અખાતમાં ખેંચી જતી યાંત્રિક હોડીઓની એ ઘરેરાટી હતી. ત્યાર બાદ તેઓને એક સ્ટીમબોટમાં બેસાડીને નદીના સામા પ્રવાહમાં દૂર જ્હોન ડાબનીના પ્લાન્ટેશનમાં લઈ જવાયાં. બીજી તરફ કેપ્ટન ફોસ્ટર ક્લોટિલ્ડાને ટવેલ્વ માઈલ આઈલેન્ડ (ટાપુ) પર લઈ ગયો. ગુલામોથી ભરેલા જહાજમાં મળમૂત્રના ગંદા અવશેષો રહી ગયા હતા. તેને સત્તાવાળાઓથી બચાવવા જરૃરી હતા. આ શક્યતા ટાળવા ફોસ્ટરે ક્લોટિલ્ડાને તેલ અને લાકડાં વડે સળગાવી દીધું. પાંચ વરસ પહેલાં જ ખાસ મહેનત લઈને ફોસ્ટરે તે બંધાવ્યું હતું તે આગમાં સાવ ખાક થઈ જાય તે પહેલાં જ ડૂબી ગયું.

દક્ષિણ યુએસએમાં પ્લાન્ટેશનોના વિકાસ માટે વરસોથી ગુલામો પર આધાર રખાતો હતો. ચારે તરફ વિશાળ પ્લાન્ટેશનો તૈયાર થઈ રહ્યાં હતાં. આ કામ માટે મધ્ય અને ઉત્તર યુએસએમાંથી ઊંચી કિંમતો ચૂકવીને ગુલામો લઈ આવતાં હતાં. જ્યારે ગુલામોના આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ મુકાયો ત્યારે તેઓને ગેરકાયદે, દાણચોરીથી લાવવાની પ્રવૃત્તિઓ વધી. ફોસ્ટરે ખાસ સાવધાની રાખી તો પણ અલાબામા પ્રદેશમાં ગુલામોને ખાનગીમાં લવાયા તે ચર્ચા ફરી વળી હતી. એક બે દિવસમાં સ્થાનિક અખબારોમાં તેની ચર્ચા શરૃ થઈ. યુવાન આફ્રિકનોને એક મચ્છરોથી ભરેલા, નિર્જન અને હજારો એકરોમાં ફેલાયેલા ક્લાર્ક કાઉન્ટી પ્લાન્ટેશનમાં ઉતારવામાં આવ્યાં હતાં. આ ડાબનીની માલિકીનું જંગલ હતું. ગુલામો પકડાઈ ના જાય તે માટે તેઓને એક સ્થળેથી બીજા સ્થળે વારંવાર ખસેડવામાં આવતા હતા.

તેઓને માંસ અને મકાઈનો ખોરાક અપાતો જેને કારણે તેઓ બીમાર પડી જતા. મકાઈ ભરવા માટેની શણની બોરીઓનાં કપડાં અને પશુઓની ખાલ તેઓને પહેરવા માટે અપાતી. ક્યાંય કોઈ ગુલામો રખાયા હોય તો તેઓને શોધી કાઢવા અમેરિકાની કેન્દ્ર સરકારે પોલીસ સાથેની ટુકડીઓ અલાબામામાં મોકલી હતી. તેનાથી બચવા ગુલામોને બર્ન્સની માલિકીના પ્લાન્ટેશનમાં ખસેડવામાં આવ્યા હતા. આ લુકાછૂપીની રમતમાં ગુલામોની દશા મુડદાલ જેવી બની હતી. અસહ્ય યાતનાઓનો ભોગ બનાવાયા હતા. આ સ્થિતિમાંથી બહાર નીકળવા, ક્લોટિલ્ડાના માલિકો ટિમોથી મીહેર દ્વારા ગુલામોનું લિલામ યોજવામાં આવ્યું. કામ ખાાનગીમાં રખાયું હતું. આ ગુલામો એક કુટુંબની માફક જીવવા માંડ્યાં હતાં તેમાં ફરીથી ભંગાણ પડ્યું. તેઓ એકમેથી છૂટા પડ્યા ત્યારે ફરીવાર ખૂબ રડ્યાં અને વિદાય વેળાનાં આફ્રિકી ગીતો ગાયાં. ગીતોમાં એકમેકને શુભેચ્છા આપવામાં આવી હતી કે હવે પછીના માર્ગમાં તેઓને માટે કોઈ નવો ભય પેદા ના થાય.

ત્યારના એક અખબાર ધ મરક્યુરીમાં ૨૩ જુલાઈ, ૧૮૬૦ના દિવસે છપાયેલા અહેવાલ પ્રમાણે ૮૦ જણને મોબીલ પ્રદેશમાં અને બાકીના લગભગ ૨૫ને બીજા દિવસે રેલવે લાઈન સુધી પહોંચાડાયાં હતાં. આમાંના ઘણા એવા હતા જે જીવનભર અંગ્રેજીમાં બોલવાનું શિખી શક્યા ન હતા. અલાબામાના બ્લેક બેલ્ટ વિસ્તારમાં તેઓએ વેરવિખેરાયેલા રહીને જિંદગી પસાર કરી. ગ્રેસીને એની બે પુત્રીઓ સાથે નવા માલિકને વેચી દેવાઈ હતી. એની બીજી બે પુત્રીઓનું શું થયું તે ગ્રેસી જીવનભર જાણી ન શકી. સ્વભાવિક છે કે તેને પણ કોઈક નવા માલિકને વેચી દેવાઈ હશે. એમની મા ગ્રેસી અને બે બહેનો વિશે તેઓ પણ જિંદગીભર કશું જાણી શકી નહીં હોય. કદાચ પોતે જ કોઈની હવસનો, જુલમનો શિકાર બની ગઈ હશે.

Related Posts
1 of 262

ઘટના જાહેર થઈ ગઈ હતી તેથી ટિમોથી મીહેરની ધરપકડ થઈ. જામીન પર છોડવામાં આવ્યો. અદાલતમાં કેસ ચાલ્યો અને નિર્દોષ છૂટ્યો. એ ગોરો હતો તેથી સજા થવાની કોઈ શક્યતા ન હતી. એ જ રીતે ગોરા માલિકો બર્ન્સ મીહેર અને ડાબની સામે મંડાયેલા કેસો પણ ફગાવી દેવાયા હતા, કારણ કે ‘પેલા નિગ્રો’ ક્યારેય મળી આવ્યા ન હતા. જોકે ફોસ્ટરને ત્યારે એક હજાર ડૉલરનો દંડ કરવામાં આવ્યો હતો, કારણ કે જે ‘માલ’ એ આફ્રિકાથી અમેરિકા લઈ આવ્યો હતો તેના પર જકાત (ડ્યુટી) ભરી ન હતી. હાસ્યાસ્પદ જ કહેવાય. જે નિગ્રો (માલ) મળી આવ્યા ન હતા તેના પર જકાત તો ભરવી પડી. નિગ્રો મળી આવ્યા હોત તો દેહાંતદંડની સજા થઈ હોત, પણ મળી ના આવ્યા તો દંડ કેવી રીતે લાગુ થયો? ત્યાર બાદ ગોરા લોકોએ અંદરોઅંદર ગુલામોની માલિકી વહેંચી લીધી. ટિમોથીએ ૧૬ પુરુષો અને ૧૬ મહિલા રાખી. બર્ન્સે ૨૦ ગુલામો રાખ્યા, તેમાં પેલી કન્યા કેહુન્ચો પણ હતી. જેમ્સ મીહેરે કોસોલા અને એના સાત જોડીદારને રાખ્યા, ફોસ્ટરે ૧૬ જણ રાખ્યાં તેમાં એક અબીલ (સિલિયા લૂઈસ) હતી. ક્વીદા (આફ્રિકા)માં આ એક એક ગુલામ એકસો અમેરિકી ડૉલર ચૂકવીને ખરીદવામાં આવ્યા હતા તેના અમેરિકામાં જણ દીઠ એક હજાર ડૉલરમાં વેચવામાં આવ્યા હતા. એક વખત આ ગુલામો અમેરિકાના વાતાવરણ અને સમાજમાં ટેવાઈને થાળે પડી જાય પછી એક જણના બે હજાર ડૉલર ઉપજતા હતા. ત્યારના બે હજાર ડૉલર એટલે આજના ૬૦ હજાર ડૉલર અર્થાત એક ગુલામ આજના ૪૫થી ૪૬ લાખ રૃપિયામાં પડ્યો ગણાય.

માણસની બગલ જેવો અથવા કાટખૂણા જેવો દેખાતો પશ્ચિમ આફ્રિકાનો જે દરિયાકાંઠો છે ત્યાંનાં બંદરો પરથી ગુલામોને અમેરિકા લઈ જવાયા હતા. યુરોપિયન સોદાગરો આફ્રિકા જઈ કાપડ અને બંદૂકો જેવો સામાન વેચતા હતા અને બદલામાં ગુલામો ખરીદતા. પછી એ ગુલામોને અમેરિકા લઈ જઈ સોનું, ચાંદી, તમાકુ અને સાકરના બદલામાં વેચતા હતા. યુરોપના ઘણા દેશોના વેપારીઓ ગુલામોના વેપારમાં હતા, પરંતુ બ્રિટન અને પોર્ટુગલના વેપારીઓ અને જહાજો તેમાં પ્રમુખ હતાં. સદીઓ સુધી ચાલેલા વેપારમાં યુરોપનાં વહાણોએ આફ્રિકાની ૩૨ હજાર ખેપ મારી હતી અને એક કરોડથી વધુ આફ્રિકીઓને ગુલામ બનાવી અમેરિકા, યુરોપ તેમ જ દક્ષિણ અમેરિકામાં વેચ્યા હતા. આટલી સંખ્યા દસ્તાવેજોના આધારે નક્કી થઈ છે, પણ દસ્તાવેજોમાં ઉલ્લેખ ના હોય તે સંખ્યા અલગ. આજે અમેરિકા, બ્રાઝિલની કાળી પ્રજા, ખાસ કરીને અમેરિકાના કાળાઓ પ્રમાણમાં આર્થિક બાબતોમાં સુખી જીવન જીવે છે. ભારતના મધ્યમ વર્ગ કરતાં પણ તેઓ સુખી છે, પણ તેમના પૂર્વજોએ અમાનુષી અત્યાચારો સહન કર્યા છે અને આજે પણ તેઓ ગોરાઓના હાથે ક્યાંક ક્યાંક અન્યાય સહન કરી રહ્યા છે. જેમાં જ્યોર્જ ફ્લોઈડની ઘટના તાજી છે, પણ કદાચ છેલ્લી નહીં હોય.

વરસ ૧૮૬૫માં પ્રમુખ લિંકને, લાંબી ચાલેલી અમેરિકન સિવિલ વૉરના અંતે ગુલામગીરી પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ અમેરિકાના મુક્ત થયેલા ગુલામો આફ્રિકા પાછા જવા માગતા હોય તો તેઓ માટે આફ્રિકામાં એક ખાસ દેશ રચવામાં આવ્યો હતો જેને લાઇબ્રેરિયા નામ અપાયું. સોળ, સત્તર, અઢાર અને ઓગણીસમી સદી મળીને ચાર સદીઓ સુધી અમેરિકામાં ગુલામોનો વેપાર ચાલ્યો. વરસ ૧૫૦૦થી લઈને ૧૮૬૬ સુધી. આઠ જુલાઈ, ૧૮૬૦ના દિવસે કલોટિલ્ડા જહાજમાંથી ૧૦૮ ગુલામોએ અમેરિકાની ધરતી પર પગ મૂક્યો (બે સફરમાં જ માર્યા ગયા હતા) તે ગુલામોના વેપારની સૌથી છેલ્લી ગેરકાયદે પણ ડોક્યુમેન્ટેડ ખેપ હતી. સોના, ચાંદીની ખાણોમાં, તમાકુ અને  શેરડીનાં ખેતરોમાં અને ગોરાઓનાં મહેલાતો જેવાં મકાનોમાં અને એસ્ટેટોમાં નોકરો તરીકે કામ કરવા માટે કાળાઓની જરૃર હતી. એ વાત અલગ છે કે કેથરીન જ્હોનસન નામની અશ્વેત મહિલા ગણિતજ્ઞ ના હોત તો એપોલો સહિતના નાસાનાં અનેક મિશનો સફળ થયાં ન હોત. કેથેરીનનું ગયા ફેબ્રુઆરીમાં ૧૦૨ વરસની ઉંમરે અવસાન થયું ત્યારે સમગ્ર અમેરિકાએ નતમસ્તકે કેથેરીનના પ્રદાનની નોંધ લેવી પડી હતી. અમેરિકી અવકાશ મિશનો સાથે ત્રણેક અશ્વેત મહિલાઓ ગણિતજ્ઞ તરીકે જોડાયેલી હતી. નાસાની ઑફિસોમાં કામ કરતી હતી છતાં ટોઇલેટથી માંડીને ભોજન વ્યવહાર બાબતમાં આ સ્ત્રીઓ પ્રત્યે ખૂબ ભેદભાવ રખાતો હતો. અમેરિકાના શિક્ષિત વિજ્ઞાન જગતમાં આટલો પૂર્વગ્રહ હોય અને તે પણ આજના સમયમાં, તો પછી ૧૮ અને ઓગણીસમી સદીમાં શી સ્થિતિ હશે, તે પણ કારખાનાં અને ખેતરોમાં, તે સમજી શકાય છે. હોલિવૂડમાં આ વિષય પર ઘણી ફિલ્મો બની છે. નાસાની ત્રણ ગણિતજ્ઞ મહિલાઓ વિષે પણ ત્રણેક વરસ અગાઉ ‘ધ ઓડ્ડ નંબર્સ’ શીર્ષકથી ફિલ્મ બની હતી. તે ઘણી સફળ થઈ અને તેના નામમાં અર્થસૂચક શ્લેષ (પન)નો ઉપયોગ થયો છે.

જ્યોર્જ ફ્લોઈડની ઘટનાના સંદર્ભમાં ગોરા વિશ્વમાં રંગભેદ વિરોધી આંદોલનો બોલકી રીતે ચાલી રહ્યાં છે. ગોરાઓમાં ગોરાઓની સર્વોપરિતા (વ્હાઈટ સુપ્રીમામસી) અને કુ ક્લક્ષ ક્લાન (કેકેકે)ના અનુયાયીઓ છે તો તેનો તેનો વિરોધ કરનારા તેઓથી અનેકગણા છે. ગુલામ વ્યવસ્થાના દિવસોમાં ગોરાઓની આ કરુણા લેખિકા હેરીએટ બીચર સ્ટોવના રૃપમાં દુનિયા સમક્ષ આવી. હબસી ગુલામોને અને તેમના જીવનની યાતનાઓ વણી લઈને હેરીએટ સ્ટોવે વાર્તાના સ્વરૃપમાં ‘અંકલ ટોમ્સ કેબિન ઃ લાઈફ એમન્ગ ધ લૉલી’ શીર્ષક સ્થાનિક અખબારમાં હપ્તાવાર વાર્તાના સ્વરૃપમાં કાળાઓની યાતનાઓ લખી અને સમગ્ર અમેરિકાના જનમાનસ પર તેની ગંભીર અસર પડી. ઓગણીસમી સદીમાં બાઇબલ પછી બીજા ક્રમે વેચાતંુ આ પુસ્તક બન્યું. ટૂંકા સમયમાં એક આખી જીવનવ્યવસ્થા બદલાવવી અને તે માટે લોકોને તૈયાર કરવા તે બાબતમાં આ પુસ્તકનું જે પ્રદાન છે તે આજ સુધીના ઇતિહાસમાં કોઈ બીજા પુસ્તકનું રહ્યું નથી. આ એક એવું પુસ્તક હતું જેણે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને ગુલામોના ધુરંધર હિમાયતીઓ સામે લડવા માટે પ્રેરણા અને મનોબળ પૂરાં પાડ્યાં. અમેરિકામાં ચાલેલી સિવિલ વૉરના મૂળમાં આ વાર્તા હતી તેમ માનવામાં આવે છે. તે મહદ્અંશે સાચું છે. વરસ ૧૮૫૦ સુધીમાં કાળા ગુલામો અમેરિકાના અર્થતંત્રનો મહત્ત્વનો પાયો બની ચૂક્યા હતા. કારખાનાં (ઉત્પાદન ક્ષેત્ર), રેલરોડ્સ અને બેન્કિંગ ક્ષેત્ર મળીને જે મૂડીરોકાણ થયું હતું તેના કરતાં વધુ મૂડીરોકાણ અશ્વેત મજૂરો પાછળ થયું હતું. અમેરિકાની કુલ નિકાસમાં કપાસનો ફાળો ૩૫થી ૪૦ ટકા હતો. અમેરિકા અને જગતભરની બેન્કો અલાબામા, મિસિસિપી અને લુઈઝિયાના પ્રાન્તોમાં પ્લાન્ટેશનોમાં, બેન્કોમાં અને ગુલામો ખરીદવા પાછળ અઢળક નાણા રોકી રહી હતી. ગુલામોની ખરીદી અને વેચાણ ઉપરાંત લોન મેળવવા માટે તેઓને બેન્કોમાં ગિરવે (મોર્ટગેઝ) રાખી શકાતા હતા. ગુલામો એક પ્રકારની, પશુઓ જેવી મિલકત હતી.

વરસ ૧૮૬૫માં અમેરિકામાં ગુલામો રાખવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે અગાઉ સન ૧૮૦૮માં ઍટલાન્ટિકની પેલે પાર અર્થાત આફ્રિકાથી ગુલામો લાવવા પર અમેરિકા અને ગ્રેટ બ્રિટન બંનેમાં પ્રતિબંધો મૂકાયા હતા. ગ્રેટ બ્રિટને ૧૮૩૩માં સંપૂર્ણ વ્યવસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકામાં વ્યવસ્થા ચાલુ હતી. કાળાંઓનાં સંતાનો પણ માલિકોની સંપત્તિ ગણાતાં. છતાં આફ્રિકાથી વધુ ગુલામો આવતા અટકી ગયા અને અમુક ગેરકાયદે લાવતા હતા તેથી ૧૮૫૯ સુધીમાં ઘરઘરાઉ કામ કરતા ગુલામોની કિંમત ખૂબ વધી ગઈ હતી. તેને કારણે પ્લાન્ટેશનના માલિકોના નફામાં મોટો કાપ પડતો હતો. આથી ગુલામોની આયાત ફરીથી શરૃ કરવાની માગણી તેઓના હિમાયતીઓ દ્વારા વધુ જોરથી ઊઠવા માંડી હતી. પ્રથાનો વિરોધ કરનારા અને તેને સદંતર નાબૂદ કરવાની માગણી કરનારા લોકો ‘એબોલિશનિસ્ટ’ તરીકે ઓળખાતા થયા ને હિમાયતો ‘પ્રોપેનેન્ટસ’  તરીકે ઓળખાતા થયા. આ પ્રોપેનેન્ટસમાં એક ટિમોથી મીહેર નામનો આઇરિશ કુળનો ગોરો હતો જેનો ઉલ્લેખ આપણે આગળ કર્યો. ટિમોથી અને તેના ઘણા ભાઈઓ પ્રથમ માઈનેમાં વસ્યા હતા અને ત્યાંથી અલાબામા જઈને વહાણોના બાંધકામમાં, રિવરબોટોના કેપ્ટનો તરીકે અને લાટીલાકડાના ઉદ્યોગોમાં ધનાઢ્યો બન્યા હતા. તેઓએ હજારો એકરો જમીનોમાં પ્લાન્ટેશનો ખડા કર્યા હતા અને તેમાં ગુલામો પાસે કાળી મજૂરી કરાવતા હતા. જે રાજ્યોમાં ગુલામોનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો તે યુએસએના સાવ દક્ષિણના છેડે, મેક્સિકોના અખાતથી નજીક છે. ઉત્તર યુએસએના લોકો વધુ સંખ્યામાં ગુલામી પ્રથાના વિરોધી હતા. અબોલિશનિસ્ટ હતા. ટિમોથીએ પ્રથાની તરફેણ કરવા, પ્રતિબંધ હોવા છતાં આફ્રિકાથી ગુલામો ભરેલું વહાણ પોતે લઈ આવશે તેવી જાહેરાત કરી હતી. તેના આ ગેરકાનૂની સાહસમાં મૂડી રોકનારા પણ એને મળી ગયા હતા. પરિણામે વિલિયમ ફોસ્ટરે ‘ક્લોટિલ્ડા’ જહાજ બાંધ્યું. ટિમોથીએ ૩૫ હજાર ડૉલર ચૂકવીને એ વહાણ ભાડે રાખ્યું અને ફોસ્ટરને જ તેના કપ્તાન તરીકે રાખ્યો. પછી જે કંઈ થયું તે આપણે આગળ જોયું. ફોસ્ટરે પોતે મુસાફરીની રોજબરોજની નોંધ રાખી હતી. ત્યારે જે ગુલામો લવાયા હતા તેમાંના અમુક ૧૯૩૦ના દશકામાં પણ હયાત હતા અને ત્યારની કેટલીક શોર્ટ ફિલ્મોમાં તેઓને રજૂ કરાયા હતા.

હેરીએટ સ્ટોવનો જન્મ ગુલામોના એક હિમાયતી રાજ્ય કનેક્ટિકટના લીત્ચફીલ્ડ ખાતે ૧૪ જૂન, ૧૮૧૧ના રોજ થયો હતો. પિતા લીમેન બીચર ખ્રિસ્તી ધર્મની એક શાખા પ્રેેસ્બાઇટેરિયનના એક ધર્મોપદેશક હતા. હેરિયેટ માત્ર પાંચ વરસના હતા ત્યારે માતા રોક્સાનાનું અવસાન થયું હતું. પિતાએ બીજા લગ્ન કર્યા બાદ હેરિયેટ વગેરે સાવકાં અને સગાં મળીને કુલ બાર બહેન-ભાઈઓ હતાં. આમાંના મોટા ભાગના સમાજ સુધારાવાદીઓ હતાં અને એબોલિશનિસ્ટ મૂવમેન્ટમાં જોડાયાં હતાં. હેરિયેટ પર એમનાં બહેન કેથેરીનનો મોટો પ્રભાવ હતો. કેથેરીને મહિલાઓના શિક્ષણ માટે સંસ્થા સ્થાપી હતી તેમાં હેરિયેટ ભણ્યાં હતાં અને પછી ત્યાં જ શિક્ષિકા તરીકે સેવાઓ આપવા માંડી હતી. હેરિયેટના કુટુંબમાં ઘણામાં લેખનકળા વારસામાં ઊતરી આવી હતી. એના પિતા, ભાઈઓ અને બહેનો કશંુક ને કશુંક લખતાં રહેતાં. સન ૧૮૩૨માં હેરિયેટ એમનાં બહેન કેથેરીન અને પિતા સાથે સિનસિનાટી, ઓહાયો ખાતે રહેવા માટે જતાં રહ્યાં. અહીં પણ કેથેરીને સ્ત્રીઓ માટે શાળા શરૃ કરી હતી. શિક્ષણકાર્ય ઉપરાંત હેરિયટે ટેક્સબુકો અને લેખો લખવાની શરૃઆત કરી. ઓહાયો રાજ્ય અને કેન્ટકી રાજ્ય વચ્ચે માત્ર એક નદી હતી. કેન્ટકી પણ એક ગુલામી પ્રથા ધરાવતું રાજ્ય હતું. હેરિયેટને ઘણા ગુલામ સ્ત્રી-પુરુષો મળતાં અને હેરિયેટ એમના હૃદયવિદારક અનુભવો સાંભળતાં. કેન્ટકીના એક પ્લાન્ટેશનમાં એમણે જાતે અમુક દૃશ્યો જોયાં અને ગુલામી પ્રથા નાબૂદ કરવાની એમની ઇચ્છા ખૂબ પ્રબળ બની. કેન્ટકીમાં એમને લેખકો અને પ્રકાશકોનો પરિચય પણ થયો. અહીં એમને એમના ભાવિ પતિ કાલ્વીનનો પરિચય થયો. કાલ્વીન શ્રીમતી હેરિયેટને પુસ્તકો માટેના ચિત્રો વગેરે દોરી આપતાં. સન ૧૮૫૦ સુધીમાં અમેરિકાનાં અમુક રાજ્યોએ ગુલામી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ એ જ વરસમાં અમેરિકી કોંગ્રેસે એક કાયદો પસાર કરી, ભાગી ગયેલા ગુલામને પકડીને તેના મૂળ માલિકને પાછો સોંપવાની વિધિને કાયદેસર બનાવી હતી. ગુલામો ભાગીને એવાં રાજ્યોમાં જવા માંડ્યા હતા જ્યાં પ્રથા પર પ્રતિબંધ લાદ્યો હતો. માટે આ નવો કાનૂન એવા પ્રતિબંધ ધરાવતાં રાજ્યોમાં પણ લાગુ પડાયો હતો.

વરસ ૧૮૫૧માં મિસિસ હેરિયેટનો પોતાનો દોઢ વરસનો પુત્ર મરણ પામ્યો. હેરિયેટ જોતાં હતાં કે હબસી સ્ત્રીઓની કૂખેથી એનાં બાળકો છીનવી લઈને જાહેરમાં વેચી નાખવામાં આવતાં હતાં. આ માતાઓ કેવી વ્યથા, ગ્લાનિ અને અવસાદથી પીડાતી હશે તે મિસિસ હેરિયેટ પોતાના પુત્રના મરણ બાદ વધુ સારી રીતે સમજી શક્યાં. નવો ફ્યુજિટિવ સ્લેવ કાનૂન અને પુત્રવિયોગની દુઃખદ ઘટનાએ હેરિયેટને એ દુઃખદર્દો વિશે લખવાની ચેતના આપી. પાછળથી એમણે કહ્યું હતું કે, ‘પ્રભુએ મને આ પુસ્તક લખાવ્યું હતું. મારું તેમાં કશું નથી. પ્રભુ બોલતા ગયા તેમ તેમ હું લખતી ગઈ.’

‘અંકલ ટોમ્સ કેબિન’ દુનિયાભરમાં ઘણાએ વાંચી છે. દાયકાઓ અગાઉ ભાવનગરમાં તેની એક નકલ આ લખનારે ફૂટપાથ પરથી ખરીદી હતી. પાઠ્યપુસ્તકોમાં તેનો પાઠ ભણવામાં આવતો. આ વાર્તાના કેન્દ્રમાં ટોમ નામનો નિસ્પૃહી, પ્રેમાળ, વફાદાર અને પરગજુ ગુલામ ટોમ છે. એક વખત એને એની પત્ની અને બાળકોથી જબરદસ્તીથી છૂટો પાડીને વેચવા માટે લિલામમાં લઈ જવાતો હોય છે. જે નદીના વહાણમાં બેસાડીને એને લઈ જવાનો હોય છે તેમાં એક ગોરો ધનાઢ્ય શેઠ એની પુત્રી ઇવા સાથે મુસાફરી કરતા હોય છે. કિશોરી ઇવાને એક અકસ્માત નડે છે જેમાં ટોમ પોતાની જાતની બાજી લગાવી ઇવાને બચાવી લે છે. ઇવાના પિતા ટોમની આ દિલેરી જોઈ ખુશ થાય છે અને ટોમને ગુલામ તરીકે ખરીદી લે છે. નાનકડી ઇવા અને અંકલ ટોમ સારા મિત્રો બને છે.

દરમિયાન ટોમ જ્યાં કામ કરતો હોય છે ત્યાં જ કામ કરતી ઇલિઝા નામની ગુલામ સ્ત્રીના સાંભળવામાં આવે છે કે ઇલિઝાના બાળક જેવડા પુત્ર જ્યોર્જને વેચી નાખવાની વેતરણમાં ઇલિઝાનો શેઠ હોય છે. ઇલિઝાના કાને આ વાત પડે છે અને રાત્રે સખત ઠંડીમાં એ પોતાના પુત્રને ઉઠાવીને કેનેડા તરફ ભાગવા નીકળી પડે છે, કારણ કે કેનેડામાં ગુલામી પ્રથા પર પ્રતિબંધ હોય છે, પરંતુ કેનેડા ઘણુ દૂર છે. જામી ગયેલી નદીઓના બરફ પર ઇલિઝા પુત્રને તેડીને ભાગે છે. ગોરા નિર્દયી શેઠોએ ભાગતા ગુલામોને પકડવા સ્લેવ કેચરોની એક વ્યવસ્થા ઊભી કરી હોય છે. આ કેચરો માતા-પુત્રને પકડી પાડે છે.

બીજી તરફ ગોરી કન્યા ઇવા એટલી હદે બીમાર પડી જાય છે કે એ મરણ પથારીએ પડી પડી એના પિતાને આજીજી કરે છે કે ગુલામોને છોડી મૂકો. ઇવાના પિતા તેમ કરવા સહમત થાય છે, પણ એ તેને અમલમાં મૂકે તે અગાઉ જ એનું મરણ થાય છે. ટોમને એક નવા નિર્દયી શેઠને વેચી મારવામાં આવે છે. આ શેઠ પોતાના ગુલામોને કાબૂમાં રાખવા તેઓને વારંવાર કોરડાઓથી ફટકારતો હોય છે. ટોમ પણ આ કારણ વગરની હિંસાનો વારંવાર ભોગ બને છે. તેમ છતાં દયાળુ ટોમે બે ગુલામોને ભાગી છૂટવામાં મદદ કરી હોય છે. ભાગેલાઓનો પત્તો બતાવવા એને અસહ્ય માર મારવામાં આવે છે, પરંતુ ખ્રિસ્તી ધર્મને વફાદાર રહી એ કશી બાતમી આપતો નથી અને હિંસાને કારણે મરણ પામે છે.

આ પ્રસંગોમાં ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને વણી લઈને શ્રીમતી હેરિયેટ લોકોમાં એ પુરવાર કરવામાં સફળ રહ્યાં કે ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અને ગુલામીની પ્રથા બંને બાબતો એકમેકથી સ્પષ્ટ વિરુદ્ધ છે. ખ્રિસ્તી ધર્મમાં ગુલામીની પ્રથાને સ્થાન જ નથી અને હેરિયેટની નજરમાં ગુલામી પ્રથા એક ચોખ્ખું પાપ હતી. પ્રથમ આ વાર્તા ૧૮૫૧થી ૧૮૫૨ દરમિયાન ‘નેશનલ ઇરા’ નામના અખબારમાં હપ્તાવાર પ્રગટ થઈ. ત્યાર બાદ બે ગ્રંથના સંપુટ તરીકે નવલકથાના રૃપમાં પ્રગટ કરવામાં આવી. પ્રથમ સપ્તાહમાં પુસ્તકની દસ હજાર નકલો વેચાઈ ગઈ અને એક વરસ બાદ અમેરિકામાં ત્રણ લાખ અને બ્રિટનમાં દસ લાખથી વધુ નકલો વેચાઈ. યાદ રહે કે આ એ વરસો હતાં જ્યારે ગાંધીજીનો જન્મ થવાનો હજી બાકી હતો. હેરિયેટ બીચર સ્ટોવનું નામ અમેરિકામાં, બ્રિટનમાં ઘરે-ઘરે અને વિશ્વમાં પણ જાણીતું બની ગયું. હેરિયેટ અને એમના પતિએ અમેરિકા અને બ્રિટનની લેક્ચર ટૂરો ગોઠવી. આ ઘટનાઓએ ગુલામીની પ્રથા પર સમગ્ર દુનિયાનું ધ્યાન અગાઉ ક્યારેય થયું ન હતું એટલું કેન્દ્રિત કર્યું. ઉત્તરનાં રાજ્યો પર તેનો સારો પોઝિટિવ પ્રભાવ પડ્યો, પણ દક્ષિણનાં અમુક રાજ્યોએ આ પુસ્તક પર પ્રતિબંધો જાહેર કર્યા. ગુલામીના હિમાયતીઓએ દલીલો આપી કે અર્થતંત્ર માટે ગુલામીની વ્યવસ્થા અનિવાર્ય જરૃરી છે. ગુલામો નિમ્ન કક્ષાના લોકો છે અને પોતાની સંભાળ કેવી રીતે લેવી તે જ તેઓ જાણતાં નથી, વગેરે વગેરે. પુસ્તક લોકપ્રિય થતું ગયું તેમ તેમ દક્ષિણનાં અને ઉત્તરનાં રાજ્યો વચ્ચેના વિચારભેદની ખાઈ વધુ ઊંડી થતી ગઈ. સન ૧૮૫૦ સુધીમાં રિપબ્લિકન પક્ષે ગુલામી પ્રથાને રોકવા માટે આગળ વધવા નિર્ણય લીધો હતો. ૧૮૬૦માં ચૂંટણીઓ આવી ‘ને અંકલ ટોમ્સ કેબિને જે ચેતના જગાવી હતી તેથી અબ્રાહમ લિંકન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા. બે વરસ બાદ, ૧૮૬૨માં શ્રીમતી હેરિયેટ સ્ટોવ વ્હાઈટ હાઉસની મુલાકાતે ગયાં ત્યારે એમને જોઈને પ્રમુખ લિંંકન બોલી ઊઠ્યા હતા કે, ‘તો તમે એ નાનકડી મહિલા છો જેણે એક પુસ્તક લખીને અને આ મહત્ત્વનું યુદ્ધ (સિવિલ વૉર) જગાવ્યું છે.’

સન ૧૮૬૫માં પ્રમુખ લિંકને ગુલામી પ્રથા સદંતર બંધ કરાવી. બદલામાં પોતાનો જીવ આપી દીધો. ઘટનાને આજે લગભગ ૧૫૫ વરસ થયાં છે ત્યારે લાગે કે સાપ ગયા છતાં લિસોટા હજી રહી ગયા છે. જ્યોર્જ ફ્લોઈડ શ્યામ હોવાને કારણે મિનીઆપોલીસ રાજ્યનો પોલીસ અધિકારી સતત નવ મિનિટ એના ગળા પર પથ્થરદિલ બનીને ઊભો રહ્યો અને ફ્લોઈડને મારી નાખ્યો તે ઘટનાને લોકોના મગજમાં ગુલામીના દિવસોની એ અમાનવીય યાતનાઓને તાજી કરાવી દીધી. ત્યાર બાદ એટલાન્ટામાં પોલીસે હિશાર્ડ બ્રુક્સ શ્યામને ગોળીથી મારી નાખ્યો. જૂના સમયમાં રાચતા આ લોકોને ખ્યાલ નથી રહ્યો કે દુનિયા પહેલાં જેવી ક્યારેય રહેતી નથી. અગાઉ એવા લોકો હતા જેઓએ લાખો આફ્રિકનોને ગુલામો બનાવી વેચ્યા હતા અને અઢળક ધનના માલિક બન્યા હતા. બ્રિટનમાં જઈને યુનિવર્સિટીઓ, કૉલેજોમાં, હૉસ્પિટલોમાં મોટી-મોટી સખાવતો કરી હતી. નાગરિક સન્માનના ઇલકાબો કમાયા હતા. ઇંગ્લેન્ડમાં બ્રિસ્ટોલ ખાતે આવા જ એક પાપી વેપારી એડવર્ડ કોલ્સ્ટનનું જાહેરમાં મૂકાયેલું બાવલું ઉપાડીને લોકોએ નજીકના બંદરની ખાડીમાં પધરાવી દીધું. કેમ્બ્રિજ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીઓની દીવાલોમાં જોડાયેલાં કેટલાંક બાવલાંઓ દૂર કરવાની માગણી બ્રિટનની ગોરી પ્રજાએ ઠેર-ઠેર ઉઠાવી. પોલીસ લાચાર બની જોતી રહી. બેલ્જિયમના રાજા લીઓપોલ્ડ બીજાનું પ્રભાવી પૂતળંુ પણ લોકોએ તોડી પાડ્યું. કોંગો પર રાજ કર્યું ત્યારે આ રાજાએ લાખો ગુલામોનો વેપાર કર્યો હતો અને અખૂટ સંપત્તિ રાખી હતી. પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું મગજ મજબૂત હતું, પણ દિલનો નાદાર હતો. ભારતની પ્રજા સહિત કાળી પ્રજાને એણે સંતાપ જ આપ્યો હતો અને રંગભેદમાં માનતો હતો. હવે એનું પૂતળું પણ સલામત નથી. તેને બ્રિટિશ સરકારે કેનની મદદ વડે સુરક્ષા આપવી પડી છે. અમેરિકામાં પણ ઠેર-ઠેર આવી માગણીઓ ઊઠી છે અને તેમાં મોરચા પર ગોરા સ્ત્રી-પુરુષો આગળ છે. એક સમયે સ્ટાલિન અને લેનિનનાં પ્રચંડ બાવલાંઓ પ્રજાએ તોડી પાડ્યા. હવે દુનિયાને જેઓ ગુલામ બનાવવા ઇચ્છતા હતા તેઓનો વારો આવ્યો છે. તમારા મંતવ્યો, અભિપ્રાયો, સિદ્ધાંતો ભલે ગમે એવા મજબૂત હશે, તમે એક વખત લોકોના મગજમાં પરાણે ઘૂસાડી શકવામાં સફળ થશો, પણ આખરે એ વિચારોના તાર લોકોના હૃદયના તાર સાથે મળતા નહીં હોય તો આવાં પરિણામો અવશ્યંભાવિ છે. માટે દરેક વાતમાં હું જ સાચો તેવો ચીપિયો પછાડવો નહીં. ભવિષ્યનો દેવતા તેનો ન્યાય તેની રીતે કરે છે. કોઈ દિમાગથી નબળા હોય કે વિચારી શકતાં નથી. પોતાના દેશ કે સમાજની યોગ્ય વ્યવસ્થા કરી શકતા નથી તો તેનો ફાયદો ઉઠાવવો એ વાત જ નરી અધમતા છે. હકીકતમાં તેમને સહારો આપવો એ જ માનવીય ફરજ છે. નવી પ્રજા આ સમજી રહી છે.
———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »