તમારા માટે, તમારી સાથે, સતત…

કેનેડામાં ઝડપી પ્રવેશ

ગુજરાતમાંથી આજે અનેકો કેનેડાનું પીઆર મેળવવા માટે ફાંફાં મારે છે.

0 189
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

વર્ષ ૨૦૨૦-૨૧માં કેેનેડાની સરકાર ૩,૪૧,૦૦૦ પરદેશીઓને એમને ત્યાં કાયમ રહેવા માટે આવકારવા માગે છે. કેનેડામાં ઝડપી પ્રવેશ માટે ‘એક્સપ્રેસ એન્ટ્રી’ હેઠળ ચાર જુદા જુદા પ્રોગ્રામ છેઃ ‘ફ્રેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ’, ‘ફ્રેડરલ સ્કિલ્ડ ટ્રેડ પ્રોગ્રામ’, ‘કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ’ અને ‘પ્રોવિન્શયલ નોમિની પ્રોગ્રામ’.

આ કટારના લેખક સૌપ્રથમ વાર ટોરેન્ટોમાં કેનેડાની સૌથી મોટી ઇમિગ્રેશનની સલાહ આપતી એટર્નીની ફર્મ ‘ગ્રીન એન્ડ સ્પીગલ’ના પાર્ટનરો જોડે વાતચીત કરવા ગયા હતા. એ ફર્મના એટર્ની જોડે વાતચીત દરમિયાન એમને કહેવામાં આવ્યું કે જે ‘યંગ સ્ટ્રીટ’ ઉપર એમની હોટેલ આવી હતી એ વિશ્વની સૌથી લાંબી, ૧૮૯૬ કિલોમીટરની લંબાઈ ધરાવતી સ્ટ્રીટ હતી, પણ કેનેડાના પરમેનન્ટ રેસિડન્સ બનવું હોય તો એ માટે લાંબી વાટ જોવી નથી પડતી. જો લાયકાત હોય તો ૬-૧૨ મહિનાની અંદર જ કેનેડાની પરમેનન્ટ રેસિડન્સી મળી શકે છે.

જે પરદેશીઓને એમને ત્યાં કાયમ રહેવાની કેનેડા પરવાનગી આપે છે એમને તેઓ એક ‘સ્ટેટસ ડોક્યુમેન્ટ’ આપે છે. પરદેશીઓએ એમને સ્ટેટસ ડોક્યુમેન્ટ મળ્યા હોય ત્યારથી પાંચ વર્ષના સમય દરમિયાન કુલ્લે બે વર્ષથી વધુ કેનેડાની બહાર રહેવું ન જોઈએ.

Related Posts
1 of 319

કેનેડાના ‘એક્સપ્રેસ એન્ટ્રી’ના,  એટલે ઝડપી પ્રવેશ માટેના, જે ચાર પ્રોગ્રામ છે એમાંનો પહેલો પ્રોગ્રામ એટલે કે ‘ફ્રેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ’ હેઠળ કોઈ પણ પરદેશી, જે ૨૦થી ૪૦ વર્ષની વચ્ચેની ઉંમરનો હોય, જેની પાસે કોઈ ખાસ કાર્યનો અનુભવ હોય, અંગ્રેજી યા ફ્રેન્ચ ભાષા સારી રીતે લખી, વાંચી અને બોલી શકતો હોય અને ભણેલો હોય, મૅનેજર તરીકે સ્કિલ્ડ એક્સપિરિયન્સ કેપેસિટી મેળવેલી હોય, પ્રોફેશનલ યા ટૅક્નિકલ તરીકેનો અનુભવ હોય એ પી.આર. માટે અરજી કરી શકે છે. એ પરદેશીએ એની ઉંમર, ભણતર, વર્ક એક્સપિરિયન્સ, કેનેડામાં નોકરીની ઑફર, અંગ્રેજી તેમ જ ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન, કેનેડામાં, ત્યાંની ઠંડીમાં, ત્યાંના વાતાવરણમાં, એ વ્યક્તિ પોતાની જાતને  કેવી રીતે ગોઠવી શકશે, આ બધું જણાવવાનું રહે છે. દરેક લાયકાત માટે પૉઇન્ટ્સ આપવામાં આવે છે. ૧૦૦માંથી ઓછામાં ઓછા ૬૭ પોઇન્ટ્સ મળ્યા હોય એ પરદેશીને ‘એક્સપ્રેસ એન્ટ્રી પુલ’માં દાખલ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવે છે. એ સમયમાં એ પરદેશીએ દસ્તાવેજો આપીને અરજી કરવાની રહે છે. સૌથી વધુ પોઇન્ટ્સ મેળવનારું સિલેક્શન થાય છે. એમનો ઇન્ટરવ્યૂ લઈને અને અન્ય વિગતો તપાસીને પી.આર. આપવામાં આવે છે. આ આખી પ્રક્રિયા ૬-૧૨ મહિનાની અંદર પૂરી થાય છે. જો તમે યોગ્ય ઠરો તો તમને કેનેડામાં કાયમ રહેવા માટેના ‘સ્ટેટસ ડોક્યુમેન્ટ’ આપવામાં આવે છે. એ મળેથી તમારે એક વર્ષની અંદર કેનેડામાં કાયમ રહેવા માટે પ્રવેશવાનું રહે છે. જેમને સ્ટેટસ ડોક્યુમેન્ટ મળ્યા હોય એમની જોડે એમની પત્ની યા પતિ અને બાવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ કેનેડામાં કાયમ રહેવા માટેના ‘સ્ટેટસ ડોક્યુમેન્ટ’ મળી શકે છે.

ગુજરાતમાંથી આજે અનેકો કેનેડાનું પીઆર મેળવવા માટે ફાંફાં મારે છે. વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણવા જાય છે. ભણી રહ્યા બાદ કેનેડાનું પીઆર મેળવવું સહેલું હોય છે. વર્ષ ૨૦૧૬માં ૩૯,૩૪૦ ભારતીયોએ કેનેડાના પી.આર. મેળવ્યા હતા. ગયા વર્ષે એમાં ૧૦૫ ટકાનો વધારો થયો હતો. ૮૦,૬૮૫ ભારતીયોએ કેનેડાના પી.આર. મેળવ્યા હતા.

અનેક ભારતીયોની પી.આર. મેળવવાની અરજીઓ ખોટી સલાહ, ખોટા દસ્તાવેજોના કારણે, અપૂરતી જાણકારી અને સરખી તૈયારીઓના અભાવે રિજેક્ટ થાય છે. કેનેડા હોશિયાર, ભણેલાગણેલા ભારતીયોને પોતાને ત્યાં કાયમ રહેવા માટે આવકારવા ઇચ્છે છે. વિશ્વના અન્ય દેશોના લોકો કરતાં ભારતીયો અંગ્રેજી ભાષા ઉપર પ્રમાણમાં વધુ પ્રભુત્વ ધરાવે છે. વધુ પ્રમાણમાં ભણેલા છે. કમ્પ્યુટર સાયન્સમાં વધુ નિષ્ણાત છે. એન્જિનિયરિંગ અને મિકેનિકલ કામમાં નિપુણ છે. ભારતીયોને કેનેડાના પી.આર. મેળવવા માટે ખૂબ તકો છે. હવેથી કદાચ કેનેડા ચીનાઓને એમના પીઆર આપતાં ખચકાશે. જે કોઈ પણ ભારતીય કેનેડા જવાની ઇચ્છા ધરાવતા હોય એમને આ લેખકની સલાહ છે કે તેઓ અંગ્રેજીનું જ્ઞાન વધારે. અંગ્રેજી લખતાં, વાંચતાં અને બોલતાં સારું આવડે એના પ્રયત્નો આદરી દે. ફ્રેન્ચ ભાષા શીખવાનું શરૃ કરી દે. ભાષા ગમે તે ઉંમરે શીખી શકાય છે. યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરે. એકાદ-બે વર્ષનો કામનો અનુભવ મેળવે. કોઈનું સાંભળીને ખોટું ન કરે. સચ્ચાઈનો જ આગ્રહ રાખે.

‘ફ્રેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ’ હેઠળ કેનેડામાં ઝડપી, હા, ખૂબ ઝડપી પ્રવેશ મળી શકે છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »