તમારા માટે, તમારી સાથે, સતત…

કોરોના પછીના સમયમાં મ્યુઝિયમો હશે વર્ચ્યુઅલ

કોરોના વાઇરસના કોપના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે.

0 139
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કોરોના વાઇરસનો પ્રકોપ હળવો થયા પછી પણ સામાન્ય લોકો એક જગ્યાએ એકત્ર થવાનું ટાળશે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા પ્રયત્ન કરશે, ત્યારે સાંસ્કૃતિક ધરોહર સાચવીને બેઠેલાં મ્યુઝિયમોમાં લોકોની આવન-જાવન મર્યાદિત થશે. મ્યુઝિયમ સુધી લોકો પહોંચી શકશે નહીં ત્યારે મ્યુઝિયમો જ લોકો સુધી પહોંચવા પ્રયત્ન કરશે તેવો સમય આવી રહ્યો છે. ઓનલાઈન, વર્ચ્યુઅલ, ડિજિટલ, સાયબર કે વેબ મ્યુઝિયમ તરીકે ભવિષ્યમાં તે ઓળખાશે. વિશ્વમાં અત્યારે વર્ચ્યુઅલ મ્યુઝિયમની કલ્પના જોર પકડી રહી છે ત્યારે ભારતનાં કેટલાંક મ્યુઝિયમો પણ દર્શકોને ઓનલાઈન મ્યુઝિયમની ટૂર કરાવે છે. કચ્છમાં પણ વર્ચ્યુઅલ મ્યુઝિયમની કલ્પના સાકાર થઈ રહી છે. એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ દ્વારા તૈયાર કરાઈ રહ્યું છે વર્ચ્યુઅલ મ્યુઝિયમ. જેના દ્વારા પોતાના ઘરના સુરક્ષિત વાતાવરણમાં બેસીને જ આ મ્યુઝિયમની તમામ ગેલેરીઓને રૃબરૃ જ જોતાં હોય તે રીતે મુલાકાત લઈ શકાશે.

કોરોના વાઇરસના કોપના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે. નાની આદતોમાં પણ બદલાવ આવવાની શરૃઆત થઈ ચૂકી છે. મ્યુઝિયમો કોઈ પણ દેશ, પ્રદેશનો સાંસ્કૃતિક ધબકાર ઝીલતી અમૂલ્ય ધરોહર છે. પુરાતત્ત્વ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સંસ્કૃતિ જેવા વિષયોને સમર્પિત કે કોઈ એક પ્રદેશની વિવિધ લોકકલાઓને વણી લેતાં મ્યુઝિયમોની મહત્તતા પણ આગવી હોય છે. ભુજ ખાતે આવેલું સરકારી મ્યુઝિયમ રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. આ ઉપરાંત કચ્છમાં આયના મહેલ, કચ્છ સંસ્કૃતિ દર્શન અને એલ.એલ.ડી.સી. જેવા ટ્રસ્ટ સંચાલિત મ્યુઝિયમો પણ છે. કચ્છમાં વિકસી રહેલા પ્રવાસનના કારણે મ્યુઝિયમોની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

જોકે અત્યારે કોરોના વાઇરસના કારણે ઊભી થયેલી લૉકડાઉનની પરિસ્થિતિમાં બધાં જ મ્યુઝિયમોની પ્રવૃત્તિ થંભી ગઈ છે. લૉકડાઉન પૂરું થયા પછી પણ મ્યુઝિયમની મુલાકાતે જનારા લોકોની સંખ્યામાં ફરી વધારો થવાની શક્યતા ખૂબ ધૂંધળી લાગી રહી છે. વિશ્વભરનાં મ્યુઝિયમની આ જ સ્થિતિ છે, ત્યારે હવે લોકો મ્યુઝિયમ પાસે જાય તેના બદલે મ્યુઝિયમ જ લોકો પાસે જાય તેવી કલ્પના આકાર પામી રહી છે. ભલે હકીકતમાં નહીં પરંતુ ઓનલાઇન, વર્ચ્યુઅલ સ્વરૃપમાં. વિશ્વનાં અનેક મોટાં મ્યુઝિયમ વીસમી સદીના આખરી દાયકાથી વર્ચ્યુઅલ મ્યુઝિયમ રૃપે દુનિયા આખીમાં પહોંચ્યા છે. ભારતમાં પણ અનેક સંગ્રહાલયોએ આજે પોતાની પાસેની વિરાસત વર્ચ્યુઅલ રૃપે વિશ્વભરમાં પહોંચાડી છે. ગુજરાતમાં આવાં સંગ્રહાલયો છે. કચ્છમાં પણ સૃજન ટ્રસ્ટ સંચાલિત મ્યુઝિયમ એલ.એલ.ડી.સી. (લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર)એ આ દિશામાં પહેલ કરી છે.

વર્ચ્યુઅલ મ્યુઝિયમ એટલે ઘરે બેઠાં, ઓનલાઈન જે-તે મ્યુઝિયમની સાઇટ પર જઈને તે જાણે હકીકતમાં જ, રૃબરૃ જોતાં હાઈએ તેવો અનુભવ કરાવતી વેબસાઇટ.  અનેક મ્યુઝિયમ દ્વારા પોતાની વિશેષ ગેલેરીઓ કે પ્રદર્શનો પણ ઓનલાઈન મુકાય છે. જેથી જે લોકો તેની જાતમુલાકાત ન લઈ શકે તેઓ પણ તેના વિશેની પૂરી જાણકારી મેળવી શકે. ઓનલાઈન મ્યુઝિયમ દ્વારા જે-તે સંગ્રહાલયની વિશિષ્ટતાને અને તેની સામગ્રીની સમૃદ્ધિને વિશાળ વર્ગ સમક્ષ મુકી શકાય છે. તેને સંગ્રહાલયની ડિજિટલ ફૂટપ્રિન્ટ તરીકે પણ ઓળખી શકાય છે. પરંપરાગત સંગ્રહાલયની જેમ જ વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં વિવિધ વિભાગો, તેમાં મુકાયેલા નમૂનાઓ, તેની વિશિષ્ટ માહિતી વગેરે હોય છે. અમુક ચોક્કસ વિષય આધારિત ગેલેરીઓ પણ તેમાં બનાવાય છે. કોઈ શિલ્પકૃતિ કે ચિત્રને નજીકથી વધુ સારી રીતે જોવું હોય તો તે ઝૂમ ઇન પણ કરી શકાય છે. અમુક વખતે પારંપરિક સંગ્રહાલયમાં ભીંત પર ટંગાયેલાં ચિત્રો કે કાચના શૉ-કેસમાં મુકાયેલી વસ્તુઓ બહુ સારી રીતે જોઈ શકાતી નથી. તે વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં ખૂબ બારીકાઈથી જોઈ શકાય છે. જે-તે કલાના કે વિષયના નિષ્ણાતોને તો આ રીતે જોવામાં વધુ રસ પડે જ છે. સાથે-સાથે સામાન્ય લોકો પણ વસ્તુઓ નજીકથી જોઈને તેના વિશેની પોતાની ઉત્સુકતા શમાવી શકે છે.

Related Posts
1 of 319

વિશ્વના અનેક વિખ્યાત મ્યુઝિયમો વર્ચ્યુઅલ મ્યુઝિયમ રૃપે પણ જોઈ શકાય છે. પેરિસના વિખ્યાત લુવ્ર મ્યુઝિયમનું વેબ મ્યુઝિયમ, સિંગાપુરનું લીન શીન શીન આર્ટ મ્યુઝિયમ, ઑક્સફર્ડનું મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રી ઓફ સાયન્સ, જેરૃસલેમનું ઇઝરાયલ મ્યુઝિયમ, એશિયા સોસાયટીની વર્ચ્યુઅલ ગેલેરી, લોસ એન્જેલીસનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ જેવાં અનેક સંગ્રહાલયો ૧૯૯૦ પછી ઓનલાઈન થઈ ગયાં હતાં, જ્યારે ભારતમાં આ શરૃઆત ૨૧મી સદીના બીજા દાયકામાં થઈ હતી. નેશનલ પોર્ટલ એન્ડ ડિજિટલ રિપોઝીટરી ફોર મ્યુઝિયમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૧૪માં પોર્ટલની શરૃઆત કરવામાં આવી હતી. શરૃઆતમાં દેશનાં દસ મ્યુઝિયમોનો સમાવેશ કરાયો હતો. નેશનલ મ્યુઝિયમ દિલ્હી, અલ્હાબાદ મ્યુઝિયમ, વિક્ટોરિયા મેમોરિયલ હૉલ, કોલકાતા, સાલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ, ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતા, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, મુંબઈ, ડૉ. ભાઉ દાજી લાડ મુંબઈ સિટી મ્યુઝિયમ વગેરેનો તેમાં સમાવેશ કરાયો હતો. આજે લૉકડાઉનના સમયમાં આ વર્ચ્યુઅલ મ્યુઝિયમની મુલાકાત લેનારા લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે.

કચ્છમાં સૃજન ટ્રસ્ટ દ્વારા શરૃ કરાયેલા લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (એલ.એલ.ડી.સી.) દ્વારા વર્ચ્યુઅલ મ્યુઝિયમને આકાર અપાઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ આ વર્ચ્યુઅલ મ્યુઝિયમ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે બેઠાં જોઈ શકાશે. એલ.એલ.ડી.સી.ના ગેલેરી પી.આર. અને ઇવેન્ટ્સ હેડ મહેશ ગોસ્વામી વર્ચ્યુઅલ મ્યુઝિયમ અંગે વાત કરતા જણાવે છે કે, ‘સોશિયલ મીડિયા જ્યારથી સામાન્ય લોકો માટે સહેલાઈથી ઉપલબ્ધ બન્યાં છે ત્યારથી જ મ્યુઝિયમ ક્ષેત્રે આ બાબતની થોડી જાગૃકતા જોવા મળી હતી. અનેક સંગ્રહાલયો ઓનલાઈન થઈ રહ્યાં હતાં. જોકે તે સમયે માત્ર પાંચ ટકા જેટલું જ કામ ઓનલાઈન થતું હતું, પરંતુ હવે કોરોનાના કારણે ૫૦ ટકા કરતાં પણ વધુ કામ ઓનલાઈન કરીને સંગ્રહાલયોને લોકો સુધી પહોંચાડવા પડશે. એક વખત કોરોનાની ભીતિ દૂર થાય પછી પણ લોકો આવી શકશે નહીં. દરેક મ્યુઝિયમો એક ધરોહર સમાન છે. તેને જીવંત રાખવા માટે ડિજિટલ મ્યુઝિયમ જ સશક્ત માધ્યમ બની શકે તેમ છે. અત્યાર સુધી વર્ચ્યુઅલ ટૂર ખમતીધર મ્યુઝિયમો જ આપતા હતા, કારણ તે ખૂબ જ ખર્ચાળ છે. અત્યારે મ્યુઝિયમો માટે સૌથી વધુ ઉપયોગી પ્લેટફોર્મ ગૂગલનું આર્ટ એન્ડ કલ્ચર પ્લેટફોર્મ છે. અત્યારે અનેક પ્રવૃત્તિઓ ઓનલાઈન થઈ રહી છે. નિષ્ણાતોનાં પ્રવચનો, ઇવેન્ટ્સ, સેમિનાર, વર્કશોપ હવે વેબીનારથી યોજાઈ રહ્યા છે. ઝૂમ વીડિયો કોન્ફરન્સિંગ, ગ્લોબલ મીટ, વૈબેક્સ, સ્કાઇપ મીટ, જીત્સી મીટ, ફેસબુક લાઇવ, માઇક્રોસોફ્ટ ટીમ વગેરેથી ઓનલાઈન પ્લેટફોર્મ મળી રહ્યાં છે. મ્યુઝિયમને ઓનલાઈન કરવા માટે તેનો ઉપયોગ પણ કરવો રહ્યો.’

વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં ઓડિયો, વીડિયો, ઈ-બુક્સ કે પી.ડી.એફ. ફોર્મેટના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો મ્યુઝિયમની મુલાકાતે આવી ન શકે પરંતુ ઇતિહાસ, કલા, હસ્તકલા, પોટરી કે એવી કોઈ વસ્તુમાં રસ હોય તેવી વ્યક્તિઓ ઓનલાઈન કે વર્ચ્યુઅલ મ્યુઝિયમ દ્વારા સદેહે સંગ્રહાલયમાં ઉપસ્થિત હોય તેવી અનુભૂતિ મેળવી શકે છે. જેમ કે પોટરીના વિભાગમાં જવાથી ત્યાં એક તજજ્ઞ કે ગાઇડ તેનું મહત્ત્વ સમજાવે, ચાકડો ચલાવીને બતાવે, પોટરીના ઇતિહાસની વાત કરે, તેના વિકાસની આડે આવતી સમસ્યાઓની પણ વાત કરે. આમ કોઈ વ્યક્તિ ઓનલાઇન મ્યુઝિયમ જોતી હોય તો તે જે-તે વિષય સંબંધી અતથી ઇતિ સુધીનું બધું જ જાણી શકે, તે પણ પોતાની સહુલિયતના સમયે અને અનુકૂળ સ્થળે.

વર્ચ્યુઅલ ટૂરમાં જે-તે મ્યુઝિયમની વેબસાઇટ ખોલતાં જ કોઈ ગાઇડ દેખાય, તે મ્યુઝિયમમાં લઈ જાય, તેમાં શું-શું છે, તે વિશે ટૂંકમાં સમજાવીને એક પછી એક વિભાગની મુલાકાત કરાવશે, તે સમજાવશે અને જોનાર વ્યક્તિ કોઈ અમુક વસ્તુમાં વધુ રસ બતાવે તો તે વિષયે વધુ માહિતી પણ જણાવશે. આમ જાણે રૃબરૃ મુલાકાત લેતાં હોઈએ તેવી જ અનુભૂતિ વર્ચ્યુઅલ મ્યુઝિયમ જોતાં જ થઈ શકે છે.

એલ.એલ.ડી.સી.ના બની રહેલા વર્ચ્યુઅલ મ્યુઝિયમ અંગે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘અમારું મૂળ મ્યુઝિયમ કચ્છી ભરતકામની કળાને સમર્પિત હોવા છતાં અમારી પાસે અલગ-અલગ કલાઓના નમૂનાઓનો ખૂબ મોટો સંગ્રહ છે. આ સંગ્રહ ઉપરાંત અમારી વેબસાઇટમાં કચ્છી ગીતો, વાદ્યો, લોકકથાઓનું ડોક્યુમેન્ટેશન પણ મુકાશે. કચ્છી ગીત સંભળાવાશે, તેનો અર્થ સમજાવાશે, તેના સબટાઇટલ સાથે પિક્ચરાઇઝેશન પણ મુકાશે. આ વેબસાઇટમાં વિવિધ વિષયોની ઇ-બુક્સ પણ મુકાશે. કચ્છની વિવિધ જાણવા જેવી માહિતીઓ, આર્કિયોલોજી, કારીગરોની મુલાકાતો, તેનું ભાષાંતર, તજજ્ઞોનાં વક્તવ્યો, આર્કિટેક્ટ ઓફ ધ વીક, આર્ટિસ્ટ ઓફ ધ વીક, કચ્છની વિવિધ જ્ઞાતિઓનું ભરતકામ, ટાંકાઓની વિવિધતા, કચ્છની ઇકોલોજી વગેરે વિવિધ વિષયોના નમૂનાઓના સંગ્રહ પણ અમારા વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં મુકાશે. વર્ચ્યુઅલ મ્યુઝિયમ અંતર્ગત વર્કશોપ પણ ઓનલાઈન થઈ શકશે અને તેના માટે વેબસાઇટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવાં માધ્યમો ઉપયોગી બની શકશે.  બહુ જ ટૂંકા ગાળામાં અમારી વેબસાઇટ જરિેદ્ઘટ્ઠહઙ્મઙ્મઙ્ઘષ્ઠ.ર્ખ્તિ વર્ચ્યુઅલ મ્યુઝિયમની ટૂર કરાવશે. અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પહેલા આવશે અને ત્યાર પછી હિન્દી ભાષામાં આવશે.’

કોરોના વાઇરસે માનવજીવનની અનેક વાસ્તવિકતાને બદલાવી નાખી છે. તેવી જ રીતે સંસ્કૃતિની ધરોહર સમા સંગ્રહાલયો અંગેના ખ્યાલમાં પણ ધરમૂળથી ફેરફાર કર્યા છે. હવે જ્ઞાનપિપાસુઓ કે સામાન્ય લોકોએ પોતાની જિજ્ઞાસા સંતોષવા કે નવું-નવું જાણવાની ઇચ્છાથી મ્યુઝિયમો સુધી જવાની જરૃર નહીં રહે. હવે તો મ્યુઝિયમ જ ઓનલાઇન, વર્ચ્યુઅલ સ્વરૃપે લોકો સુધી પહોંચશે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »