તમારા માટે, તમારી સાથે, સતત…

શી ઝિનપિંગની મહેચ્છાઓ અમેરિકા સર કરવાની છેઃ સેનાની તાસીર બદલી નાખી છે

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન મુશ્કેલીમાં છે.

0 203
  • સ્ટ્રેટેજી –  વિનોદ પંડ્યા

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન મુશ્કેલીમાં છે. અમેરિકા અને ગોરા વિશ્વ સાથે ફાવતું નથી. એમની સાથે ધંધો કર્યા વગર મોટું નુકસાન છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી ચીનને નવા નવા પાઠો ભણાવી રહ્યા છે. અમેરિકામાં આયાત થતાં ચીની માલસામાન પર જકાતો વધારી દીધી. હ્યુઆવેઈ જેવી તોતિંગ ચીની (સરકારી) કંપની પર અમેરિકામાં ધંધો કરવા પર પ્રતિબંધ મૂક્યો. તે કોરસમાં કેનેડા અને યુરોપ પણ જોડાયા. ચીનને હમણા હાથે કર્યા હૈયે વાગી રહ્યા છે. કોરોના વાઇરસ બાબતમાં દુનિયાનો ફિટકાર સહન કરી રહેલા ચીનને પોતાની તાકાતનું પ્રદર્શન કરવાનું અનિવાર્ય જણાયું. પડોશમાં ભારત છે. દૂર જવું પડે તેમ નથી. જવાય તેમ પણ નથી. અમેરિકા ખોખરું કરી નાખે. વરસોથી એની જે અટકચાળા કરવાની પ્રવૃત્તિ રહી છે તે આ વખતે લદ્દાખની સરહદ પર અમલમાં મૂકી. ભારતની સરહદે ધોલધપાટ કરીને ચીન દુનિયાને સંદેશ આપે છે કે એશિયામાં અને વિશ્વમાં ચીનની દાદાગીરી જ ચાલશે.

વરસ ૧૯૬૭માં નાથુલા અને ચો લા સરહદ પર, વરસ ૨૦૧૩માં દૌલત બેગ ઓલ્ડી સેક્ટર, ૨૦૧૪માં ડેમચોક ખાતે, ૨૦૧૫માં ઉત્તર લદ્દાખમાં, ૨૦૧૭માં ડોકલામ ખાતે ચીનાઓ ભારતની સરહદમાં ઘૂસીને મહિનાઓ સુધી પડ્યા રહ્યા. દૌલત બેગ ઓલ્ડી અને ડોકલામ પેશકદમી ખૂબ લાંબા સમય સુધી ચાલી. દૌલત બેગ ખાતે તેઓ ભારતની સરહદમાં ૧૯ કિલોમીટર સુધી ઘૂસી ગયા હતા. ચીન દરેક વખતે પાછાં પગલાં ભરે તો પણ છેક જ્યાંથી આવ્યું હતું ત્યાં સુધી પાછું ના જાય. દર વખતે અમુક જમીન પચાવી પાડે. વરસ ૨૦૧૩માં બીબીસીના રિપોર્ટમાં આ હકીકતો સ્પષ્ટપણે જણાવવામાં આવી હતી.

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન મુશ્કેલીમાં છે. અમેરિકા અને ગોરા વિશ્વ સાથે ફાવતું નથી. એમની સાથે ધંધો કર્યા વગર મોટું નુકસાન છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી ચીનને નવા નવા પાઠો ભણાવી રહ્યા છે. અમેરિકામાં આયાત થતાં ચીની માલસામાન પર જકાતો વધારી દીધી. હ્યુઆવેઈ જેવી તોતિંગ ચીની (સરકારી) કંપની પર અમેરિકામાં ધંધો કરવા પર પ્રતિબંધ મૂક્યો. તે કોરસમાં કેનેડા અને યુરોપ પણ જોડાયા. વચ્ચે ઉત્તર કોરિયાના ગાંડા હાકેમ કિમ જોંગ ઉનને ઉશ્કેરીને અમેરિકાને સતાવવાની ચીને કોશિશો કરી. ચીન દક્ષિણ ચીની સમુદ્ર પર પોતાની એકહથ્થુ સત્તા સ્થાપવા માગે છે. આ સમુદ્રના કાંઠે તાઈવાન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, વિયેતનામ જેવા દેશો છે તેના પર આણ ફરકાવવા માગે છે. સમુદ્રમાં કેટલાક ટાપુઓ કબજે કરી નવાં બાંધકામો કર્યાં છે. અમેરિકાને આ મંજૂર નથી. ચીન કિમ જોંગ ઉનને મિસાઇલો અને અણુશસ્ત્રો બનાવવામાં મદદ કરે, દરવાજે બેસાડેલા કૂતરા જેવો કિમનો ઉપયોગ કરે એ તમામ બાબતોથી અમેરિકા ખફા છે. ચીનની ક્ષેત્રીય દાદાગીરીને અમેરિકા બર આવવા દેતું નથી. બંને દેશો વેપાર-ધંધામાં એકબીજા પર આધાર રાખે છે છતાં દુશ્મની બંનેના આત્માઓમાં ઊંડે ઘૂસી ગઈ છે. ખાસ કરીને ચીનના શંકાશીલ સામ્યવાદી આત્મામાં ખૂબ ઊંડે ઘૂસી છે. ચીન પાસે અમેરિકી ડૉલરનું વિશાળ ભંડોળ છે. જેઓ અર્થશાસ્ત્રને ગંભીર વિષય સમજતા નથી તેઓ માને છે કે ચીન આ ભંડોળ છૂટું કરીને અમેરિકાને આર્થિક રીતે પાયમાલ કરી શકે તેમ છે. આ સહેલું નથી. ચીન પોતે પણ તબાહ થઈ જાય. જેમ કોરોનાની બાબતમાં થયું છે. દુનિયાનું અર્થતંત્ર ત્રીસ વરસ પાછળ જાય તો ચીનનનું પણ જશે. કોરોનાના પ્રતાપે. કંઈક થવાની શક્યતાઓ ઘણી છે, તેનો અમલ દુર્લભ કિસ્સાઓમાં દુર્લભ ગાંડાઓ કરતા હોય છે.

હા, તો ચીનને અમેરિકા અને પશ્ચિમ સાથે સારા પણ રહેવું છે અને તેઓને માર પણ મારવો છે. ભારત પણ એ જૂથ સાથે છે. પશ્ચિમની કંપનીઓનું મૂડી રોકાણ ચીનમાં ખૂબ મોટું છે. ચીને કોરોનાનું ઉત્પાદન કરી તેને ફેલાવ્યો જેથી દુનિયાની બીજી સત્તાઓ તૂટી પડે તેવી દૃઢ માન્યતા જગતભરમાં પ્રસરી છે. પશ્ચિમની કંપનીઓ ચીનમાં કામકાજો આટોપી લઈ ભારતમાં મૂડી રોકાણ કરવા માગે છે. બીજા કામના વિકલ્પ તરીકે ભારત વિકસી રહ્યો છે. ખુદ ભારતની પ્રજા પણ ચીની સામાનનો બહિષ્કાર કરી રહી છે. એ વાત અલગ છે કે ચીની કંપનીઓ અને ભારતમાં કામ કરતી અન્ય વિદેશી કંપનીઓ વચ્ચે ફરક ભારતીયો પાડી શકતા નથી. તે માટે અભ્યાસ જોઈએ, જે નથી. સોશિયલ મીડિયામાં ચીની કંપનીઓની યાદીઓ મૂકાઈ, જેમાંની અનેક ભારતીય હતી. ભારત દર વરસે ચીનમાંથી પાંચ લાખ કરોડ રૃપિયાના માલસામાનની આયાત કરે છે અને માત્ર સવા લાખ કરોડ રૃપિયાનો માલ ચીનને મોકલે છે. બંને દેશો વચ્ચેના વેપારમાં ચીન માટે ફાયદાકારક અને ભારત માટે હાનિકારક ખાઈ મોટી છે. આ અસમતુલા ચાલે નહીં. સારા કે નરસા કોઈ પણ દિવસોમાં દેશ માટે આ નુકસાનકારક છે, પરંતુ આ સ્થિતિ નુકસાનકારક છે તે ભારતીય પ્રજાને ત્યારે જ યાદ આવે છે જ્યારે ચીન સરહદ પર છમકલું કરે અથવા મસૂદ અઝહર અને હાફીઝ સૈયદની રક્ષા કરે. કંઈક બને અને દેશભક્તિ ફાટી નીકળે અને વળી પાછી ચીની ફટાકડાની માફક હવાઈ જાય. દેશભક્તિ અવળા પાટે ચડી ગઈ છે. પ્રદર્શનો ખૂબ છે, ધરતી પર દર્શનો થતાં નથી. દેશભક્તિ હોય તો કોઈક કલાકૌશલ્ય વિકસાવો. શિખો. કારખાનામાં કે કંપનીમાં બીજી પંચાત વગર દિવસના આઠ કલાક કામ કરો. દેશમાં બેરોજગારોની સંખ્યા દુનિયામાં ક્યાંય નથી એટલી છે, પણ તેમાં સ્વેચ્છાએ બેરોજગાર રહેતા લોકો, નવરા લોકોનો આંકડો નાનો સૂનો નથી. ચીનને મા’ત કરવું હોય તો કમ સે કમ ચીનાઓ જેવાં કામકાજનાં લક્ષણો અપનાવવાં પડે. દેશમાં એક વર્ગ એ સિદ્ધ કરવામાં મચ્યો રહે છે કે ગાયના ગોબર (મૂત્ર) વડે મોબાઇલની બેટરી ચાર્જ થાય છે, ખુદ મોબાઇલ ચાર્જ થાય છે. બીજો એક વર્ગ એવું સાબિત કરવા મથી રહ્યો છે કે ભેંસના છાણમૂત્રથી મોબાઇલ ચાર્જ થતો નથી. એક તરફ તમે નિર્મળ બાબાનો અને કૂવો ખોદીને સોનું શોધવાના સરકારી ઉપક્રમનો વિરોધ કરો છો. બીજી તરફ કોરોનાને ભગાવવા દીવા પેટાવવાનો અને થાળી વગાડવાનો આગ્રહ રાખો છો. દેશમાં કોઈ પૂછનારો વજનદાર અવાજ પણ રહ્યો નથી કે યે સબ ક્યા હો રહા હૈ?

ચીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે. તે આજે અમેરિકાને ટક્કર આપી રહ્યું છે. ભારતની નવરી પ્રજા પતંગ માંજા, ફટાકડા, રાખડીઓ કે ફર્નિચર પણ બનાવી શકતી નથી. દેવી-દેવતાઓની પ્લાસ્ટિકની મૂર્તિઓ ચીનથી મગાવે છે. ચીનનું જીવનધોરણ ભારતના પ્રમાણમાં ઊંચું છે. મજૂરી વધુ આપવી પડે. છતાં જો તેઓને પોસાય તો ભારતને શા માટે ના પોસાય? ચીને આ સપ્તાહમાં જ એક સૂચક જવાબ આપ્યો છે કે ચીનની ચીજવસ્તુઓ ભારતીય જનજીવનમાં ફેલાઈ ગઈ છે. હવે ભારતીયોને ચીનના સામાન વગર ચાલવાનું નથી. જુઓ કે ભારતીયોના એદીપણા પર ચીન કેટલું મુસ્તાક છે? લોકો ચીનના સેલફોન્સ, ચીની કંપનીઓ ટિક ટૉક, હેલ્લોના ઍપ્સ વાપરીને ચીની સામાનના બહિષ્કારના સંદેશાઓ મોકલે છે. આત્મનિર્ભર બનવું કેટલું જરૃરી છે તે ઊંડાણપૂર્વક સમજાવે છે.

દુનિયાના જે દેશે પ્રગતિ કરી તેણે વિજ્ઞાન અને ટૅક્નોલોજીમાં અનિવાર્યપણે પ્રગતિ હાંસલ કરવી પડી છે. ચીન કરતાં આપણે એક જ બાબતમાં હમણા આગળ નીકળી જવાના છીએ. જનસંખ્યા બાબતમાં. ચીનાઓ આધુનિક મશીનો વડે રાખડીઓ, પતંગો, ફટાકડા વગેરે બનાવે છે તેથી તેઓને સસ્તા પડે છે. ભારતે આત્મનિર્ભર બનવા માટે એ જ અભિગમ અપનાવવો પડશે. બીજો વિકલ્પ પણ છે. સરહદો બંધ કરી દેવી. ઘરઆંગણે નબળો માલ બનાવવો અને ન બને તો તેના વગર ચલાવી લેવું. ઘણાને યાદ હશે કે એચએમટીની સોનટ ઘડિયાળો માટે લાંબી કતારો લાગતી હતી. જાગતીકરણના જમાનામાં એકલા રહેશો તો અફઘાનિસ્તાન બની જશો. ચીનના વાઇરસનો જવાબ વિજ્ઞાન વડે જ આપી શકાશે. સરહદ પર અડિંગો જમાવીને ચીન કોઈ ચાલુ સરકારની આબરૃ ના બગાડે તે માટે વેપારના ક્ષેત્રમાં ચીનની મનમાની ચાલવા દીધી છે. વર્તમાન સરકાર કહે છે કે હવે અગાઉની સ્થિતિ નથી. રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ કહે છે કે, સ્વમાનના ભોગે ચીન સાથે કોઈ સમાધાન નહીં થાય. રાહુલ ગાંધી કહે છે કે, સેંકડો ચોરસ કિલોમીટર વિસ્તાર ચીને પચાવી પાડ્યો છે. ગૂગલના સેટેલાઇટ્સ કહે છે કે, કોઈ પેશકદમી થઈ નથી.

લદ્દાખ સરહદ પરના પેગોન્ગ સરોવરની નજીક ચીને આટલાં વરસોમાં ક્યારેય દાવો કર્યો ન હતો, પણ એ તો એની મરજી. ક્યાંય પણથી ઘૂસે. આ ટેવનો હવે અસરકારક અંત લાવવો પણ જરૃરી છે. ઈજા બંને બાજુએ થઈ શકે છે. યુદ્ધ થાય તો ચીનને વધુ ખરાબ પરિણામો ભોગવવા પડે, કારણ કે તેની મહત્ત્વાકાંક્ષાઓ મોટી છે. સરહદની પેલે પાર આર્થિક પસારો ઘણો કર્યો છે, યુદ્ધકીય માળખાઓ બાંધ્યા છે. દુનિયામાં નંબર વન થવાની મહેચ્છા પાળી રાખી છે. તે તમામને ઈજા પહોંચે, એવું ઘણીવાર બને છે કે કોઈ સામાન્ય માણસ આખરે કંટાળીને ગામના દાદાને બે થપ્પડ લગાવી દે ત્યારે દાદાએ જ નુકસાન સહન કરવાનંુ રહે છે.

ચીનને પાઠ ભણાવવાનો પ્રથમ ઉપાય તો તેના માલસામાનનો બહિષ્કાર કરવાનો છે. અવશ્ય થવો જોઈએ. જાપાનની પ્રજા હોત તો ક્યારનોય બહિષ્કાર કરી દીધો હોત, પણ તે માટે મજબૂત થવું પડે. ઘરઆંગણે કસરત, વ્યાયામ અને રિયાઝ કરવા પડે. ભારત સરકાર ધારે છે કે ચીન પરની નિર્ભરતા ઘટાડી રૃપિયા એક લાખ કરોડની આયાત ઓછી કરવી. શું પ્રજા દેશ માટે ફટાકડા કે પતંગ વગર ચલાવી ના શકે? પથ્થરના દેવતાઓ ઓછા છે કે છબીઓની જરૃર પડે છે? યાદી ખૂબ લાંબી ચાલે તેમ છે. ચીન ભલે કોલર ટાઈટ રાખે કે ભારતના લોકો બહિષ્કાર કરે તો ચીનને કશો ફરક પડવાનો નથી. સામ્યવાદી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં ફૂંક મારતા અને બટકા ભરતાં લેખો ભારત માટે, સામાનના બહિષ્કાર વિષયે લખાય છે. જો અસર પડવાની ના હોય તો આટલું બધું દુઃખ શા માટે લગાડે છે? પ્યાસ સબ કો લગતી હૈ, ગલા સબ કા સૂખતા હૈ! આજના માહોલમાં ચીનને ધોલધપાટ થઈ રહી છે ત્યારે ભારત તેમાં જોડાય તો ઈજા વધુ થાય. જો ચીનને ફરક જ ના પડતો હોય તો વુહાનના વાઇરસ બાબતે શ્વેતપત્ર તૈયાર કરી અમેરિકા અને યુરોપને સાચી કે ખોટી રીતે મનાવવાનો પ્રયત્ન ચીન શા માટે કરી રહ્યું છે? એક તરફ ચીન દુશ્મની રાખે છે, પણ સાથે એવી પણ દરકાર રાખે છે કે તેનાં માઠાં પરિણામો હમણાનાં અમુક વરસો સુધી ના આવવા જોઈએ. ચીનનું લક્ષ્યાંક છે દુનિયાની નંબર વન મહાસત્તા બનવાનું. તેની રૃપરેખા તેણે ઘડી કાઢી છે. ચીનની અસલી દાદાગીરી તો તે સ્થાન મેળવ્યા પછી શરૃ થશે. ત્યાં સુધી ફૂંફાડા મારશે, એકાદ લાત મારશે અને એકાદ સહન પણ કરશે! લાંબા ગાળાની દોડ માટે તૈયાર ચાલી રહી છે.

છેલ્લાં દસ વરસમાં ચીનની સેના અર્થાત પીપલ્સ લિબરેશન આર્મીને ચીનની સરકારે જોઈએ એટલાં શસ્ત્રો અને નાણા પૂરાં પાડ્યાં છે. વરસ ૨૦૦૯થી ૨૦૧૮ વચ્ચે ચીનના લશ્કરી ખર્ચમાં ૮૩ (ત્યાસી) ટકાનો વધારો થયો છે. કોઈ પણ મોટા દેશમાં આટલો માતબર વધારો આજ સુધી ક્યારેય થયો નથી. આ જંગી ખર્ચ વડે ચીન પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના આધિપત્યને પડકારવા સક્ષમ બની ગયું છે. ચીનની પૂર્વમાં અમેરિકા અને ચીન વચ્ચે માત્ર પેસિફિક મહાસાગર જ છે. જાપાનની થોડીઘણી હાજરી સિવાય બીજું કશું નથી અને જાપાન ચીનનું દુશ્મન અને અમેરિકાનું મિત્ર છે. પશ્ચિમ પેસિફિક, અર્થાત ચીનની પૂર્વ દિશામાં ચીને અત્યાધુનિક સચોટ નિશાન તાકતી મિસાઇલો અને ઉપગ્રહો-વિરોધી શસ્ત્રો ગોઠવી દીધાં છે. ચીનના વર્તમાન નેતા શી ઝિનપિંગે એકરાર કર્યો છે કે એમનાં ચાઇનીઝ સ્વપ્નોમાં ચીન પાસે દુનિયાનું સૌથી તાકાતવર સૈન્ય હોય તે સ્વપ્ન પણ રહેલું છે. એમના કહેવા મુજબ એ સ્વપ્નને પાર પાડવા ચીનનાં લશ્કરી દળોનું આધુનિકીકરણ કરવું જરૃરી છે. વરસ ૨૦૩૫ સુધીમાં ચીનની સેનાઓને વર્લ્ડ-ક્લાસ બનાવવાનું શી ઝિનપિંગે પ્રણ લીધું છે. વરસ ૨૦૫૦ આવે ત્યારે ચીનની સેના અમેરિકાને હરાવે તે યોજના છે, પણ શું અમેરિકા ૨૦૫૦ સુધી કોઈ પ્રગતિ નહીં કરે? અવાજ કરતાં પાંચ ગણી ઝડપે ઊડતી મિસાઇલો (મૅક ફાઇવ), માનવ પાઇલટ વગર ઊડતા કાર્ગો પ્લેન્સ અને ઇલેક્ટ્રોમૅગ્નેટિક ઊર્જા વડે કામ કરતી તોપ અને રણગાડીઓનાં ચીને ગયા વરસે પરીક્ષણો કર્યાં હતાં, પરંતુ આ બધાં સંશોધનો અને અખતરાઓ કરવાની જેટલી જરૃર હોય છે એટલી જ જરૃર સેનામાં સંસ્થાકીય સુધારાઓ કરવાની હોય છે. શી ઝિનપિંગને એ સમજાઈ ગયું કે જૂના ઢબની ફોજને નવાં અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવાનો કોઈ અર્થ નથી. શી ઝિનપિંગે નક્કી કર્યું, યુદ્ધો લડવા માટે સશસ્ત્રદળોના માળખામાં ફેરફારો કરવા આવશ્યક હતા. હમણા સુધીનાં ચાર વરસમાં શી ઝિનપિંગે પીએલએમાં જે ફેરફારો કર્યા તે દેંગ શ્યાઓપિંગ બાદ બીજા કોઈ ચાઇનીઝ નેતાએ હાથ ધર્યા ન હતા.

Related Posts
1 of 262

શી ઝિનપિંગનો પ્રમુખ ઉદ્દેશ્ય ચીનનાં વિવિધ દળોમાં એકસૂત્રતા અને સહકાર આણવાનો રહ્યો હતો અને છે. પાયદળ, નૌકા અને વાયુ, તે ત્રણેય દળો લડાઈના મેદાનમાં સમય બરબાદ કર્યા વગર, ઝડપથી એકમેક સાથે હળીમળીને કશી ખલેલ વગર યુદ્ધ લડવાના કાર્યમાં જોડાઈ જાય તેને પશ્ચિમની યુદ્ધકીય ભાષામાં ‘જોઇન્ટનેસ’ કહે છે. શી ઝિનપિંગનો ઉદ્દેશ્ય ચીની સેનાઓમાં ઉચ્ચકક્ષાનું જોઇન્ટનેસ સ્થાપવાનો છે. ખાસ કરીને દૂર વિદેશની ભૂમિ પર યુદ્ધ ફાટી નીકળે તો ત્યાં જઈને લડવા માટે એકસૂત્રતા ખૂબ મહત્ત્વની પુરવાર થાય છે, કારણ કે યુદ્ધ લડાતું હોય ત્યારે સેનાઓના કમાન્ડરો રાષ્ટ્રીય હેડક્વાર્ટરમાં બેઠા હોય છે અને ત્યાં બેસીને, દૂરસુદૂર યુદ્દ લડતા સૈનિકોનું અને યુદ્ધનું દિગ્દર્શન કરવાનું મુશ્કેલ હોય છે. ભૂમિદળના સૈનિકો, નૌકા દળના ખલાસીઓ અને વાયુદળના પાઇલટોને દૂરથી એકીસાથે માર્ગદર્શન આપવાનું મુશ્કેલ હોય. તે તમામને કાર્યક્ષમ રીતે સાથે જોડવાનું શક્ય હોતું નથી. આ સ્થિતિમાં સારી વાત તે ગણાય કે હાકેમો તરફથી સૂચનાઓ કે હુકમો ના મળે તો પણ અલગ-અલગ પાંખોના અને દળોના સૈનિકો પરસ્પર સહકાર સાથે યુદ્ધ લડે.

ચીન પોતાની સેના અને દળોના વિકાસ માટે અમેરિકાને આદર્શ તરીકે રાખે છે. ખુદ અમેરિકાએ ૧૯૮૬નો ગોલ્ડવૉટર નિકોલ્સ કાનૂન સ્વીકારીને પોતાના સંરક્ષણ દળોમાં આમૂલ પરિવર્તનો આણ્યાં હતાં, જેથી જોઇન્ટનેસનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકાય. પેન્ટાગોને સમગ્ર પૃથ્વીના ગોળાને જ યુદ્ધ કમાન્ડમાં ગોઠવી દીધો. ત્યાર બાદ અલગ-અલગ દળો અથવા સર્વિસો હુકમ અને આધિપત્ય માટે અંદરોઅંદર ઝઘડતા બંધ થયા. કોઈ પણ ક્ષેત્રમાં હાજર સોલ્જરો, સેઇલરો અને પાઇલટો તે ક્ષેત્રના કોઈ પણ એક અધિકારીના હુકમોનું પાલન કરતા થયા છે. જેમ કે ઍડમિરલ કે વાઇસ ઍડમિરલના હુકમનું વાયુ દળના પાઇલટે પણ પાલન કરવા તત્પર રહેવું પડે છે. પર્શિયન ગલ્ફ કે પેસિફિક ક્ષેત્રમાં કે અન્યત્ર યુદ્ધ લડાતું હોય ત્યારે જે-તે ક્ષેત્રના કોઈ પણ એક નિયત અધિકારી પાસેથી હુકમો મેળવવા ત્રણેય પાંખના સભ્યો બાધ્ય હોય છે.

પ્રમુખ શી ઝિનપિંગે અમેરિકાએ અપનાવેલી સિસ્ટમનું જ અનુકરણ કર્યું છે, પણ તે જરૃરી હતું, કારણ કે શી ઝિનપિંગે સુધારાઓ હાથ ધર્યા તે અગાઉ સમગ્ર ચીન સેનાના સાત વિભાગોમાં વહેંચાયેલું હતું અને તે-તે વિભાગોના આર્મી કમાન્ડરો આર્મીના હેડક્વાર્ટરને રિપોર્ટ કરતા હતા. નેવીના કમાન્ડરો નેવીના હેડક્વાર્ટરને રિપોર્ટ કરતા હતા, પરંતુ આર્મી, નેવી કે ઍરફોર્સના કમાન્ડરો વચ્ચે કોઈ સંવાદ કે સહકાર રહેતો નહીં. પોતપોતાની રીતે સ્વતંત્ર હતા. ફેબ્રુઆરી ૨૦૧૬માં પ્રમુખ શી ઝિનપિંગે આ સાત પ્રદેશો (રિજન) દૂર કર્યા અને તેની જગ્યાએ કુલ પાંચ કમાન્ડ થિયેટરો ઊભાં કર્યાં. દરેક થિયેટર પર એક કમાન્ડર તેના વડા તરીકે છે. એની નીચે તમામ ત્રણેય દળો આવી જાય. જેમ કે ઇસ્ટર્ન અર્થાત્ પૂર્વીય થિયેટર છે તેનું હેડક્વાર્ટર નાનજિંગ ખાતે છે. જાપાન કે તાઈવાન સાથે યુદ્ધ લડવાનું હોય તો પ્રથમ જવાબદારી આ ઇસ્ટર્ન થિયેટરની રહે છે. તે માટે ઇસ્ટર્ન થિયેટરે ખાસ અને હંમેશાં તૈયાર રહેવાનું હોય છે. ચીનનું પશ્ચિમ થિયેટર ખૂબ વિશાળ જમીનને આવરી લે છે. આ સૌથી મોટું સૈન્ય થિયેટર છે. તેનું વડું મથક ચેંગડૂ ખાતે છે. ખાસ કરીને ભારત તેમ જ સેન્ટ્રલ એશિયાના દેશો સાથે લડવા માટે આ થિયેટર રચવામાં આવ્યું છે. સેન્ટ્રલ એશિયાના દેશો સાથે ચીન ઘર્ષણમાં ઊતરતું નથી તેથી આવડા મોટા થિયેટરનો મકસદ માત્ર ભારત માટેનો જ છે. ભારતની ચીન સાથેની તમામ સરહદ એ પશ્ચિમ થિયેટરમાં આવી જાય છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ કોરિયાની નજીક નોર્ધર્ન કમાન્ડ થિયેટર, ભારત બર્માની પૂર્વ દિશા તરફ સધર્ન કમાન્ડ થિયેટર, બેઇજિંગની આસપાસ સેન્ટ્રલ કમાન્ડ થિયેટર છે. જે સધર્ન કમાન્ડ છે તે દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધ માટે તૈયાર રહે છે.

અમેરિકન સિસ્ટમોને ખાસ નિશાન બનાવવાના ઇરાદાથી પ્રમુખ શીએ બે ખાસ સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ (એસએસએફ)ની રચના કરી છે. આ બંને ફોર્સ અંતરિક્ષ, સાયબર, ઇલેક્ટ્રોનિક્સ અને સાઇકોલોજિકલ (માનસિક) પ્રકારનાં યુદ્ધોની જવાબદારીઓ સંભાળે છે.

હમણા લદ્દાખ સરહદ પરની પેશકદમી દરમિયાન આપણે જોયું કે ચીનનું સરકારી મીડિયા, ગ્લોબલ ટાઇમ્સ વગેરે એક દિવસ ધમકીની અને પોતાની સર્વોપરિતાની ભાષા આલાપે. વળી, એક દિવસ ભારત અને ચીન વચ્ચેની સદીઓ જૂની મિત્રતાની કથાઓ સંભળાવે. ત્રીજા દિવસે આર્થિક સહકારના ફાયદા જણાવે. વળી પાછા યુદ્ધની ધમકી આપે. આ સાઇકોલોજિકલ યુદ્ધનો એક ભાગ છે અને તેમાં પણ પ્લાનિંગ પ્રમાણે આગળ વધવામાં આવે છે. ચીની સેનાની પ્રવૃત્તિઓ પણ અમુક દિવસ ઉગ્ર અને અમુક દિવસ ઠંડી, શાંત અને દોસ્તીભરી જોવા મળે. કુલ પરિણામ એ ઊભું થયું કે ભારત વિચારવા માંડ્યું કે દોસ્તીની ભાષા બોલીને ચીન મોટા યુદ્ધની તૈયારીઓ તો નથી કરતું ને? ચીનનો ઉદ્દેશ્ય પણ આવી અસમંજસ ફેલાવવાનો હોય છે, જેમાં તે સફળ રહ્યું છે. મૂંઝવણ પેદા કરવા પાછળ ઇરાદો એ હોય છે કે સામેનો દેશ ચીનની શરતો સ્વીકારીને વાટાઘાટો કરવા તૈયાર થઈ જાય અને છતાં એવો આભાસ પેદા ના થાય કે ચીન મોટી દુશ્મનાવટ રાખે છે. આર્થિક સંબંધો જળવાઈ રહે તે માટે આવો સ્ટાન્સ (અભિગમ) અપનાવવો જરૃરી હોય છે. પરસ્પર દેશો આ ખંધાઈ જાણતા હોય છે. તે સ્વીકારીને જ આગળ વધતા હોય છે જેથી મંત્રણાઓ કરવાની જરૃર પડે ત્યારે મોટું વૈમનસ્ય પેદા થયેલું ન હોય! દુનિયા સમક્ષ દલીલ કરી શકે કે અમે યુદ્ધખોર નથી. આ વલણના અન્ય ફાયદાઓ પણ હોય છે.

ચીને દોઢેક વરસ અગાઉ, ૨૦૧૮માં પોતાના પીએલએનાં પાંચ યુનિટો જોડે તાંત્રિક યુદ્ધોના (સાયબર, સેટેલાઇટ્સ, ઇલેક્ટ્રોનિક્સ) પ્રયોગો કર્યા હતા જેને અમેરિકાના પેન્ટાગોન દ્વારા ‘કોમ્પલેક્સ ઇલેક્ટ્રોનિક વૉરફેર ઍન્વાયરન્મૅન્ટ’ જેવું નામ અપાયું હતું. અમેરિકાની એશિયા ખાતેની સૈન્ય શક્તિ ખાસ કરીને એશિયા ખાતેનાં અમેરિકી લશ્કરી થાણાઓ તેમ જ વિમાનવાહક યુદ્ધ-જહાજોના કાફલાઓ પર નિર્ભર છે. અમેરિકન સેનાનાં ઘણાં મથકો એશિયામાં છે. શી ઝિનપિંગે ‘પીએલએ રૉકેટ ફોર્સ’ નામની એક નવી સર્વિસની રચના કરીને અમેરિકી થાણાઓ અને યુદ્ધજહાજો સામે પડકાર ઊભો કર્યો છે. અગાઉ આ ફોર્સની જગ્યાએ ‘સેકન્ડ આર્ટિલરી કૉર્પ્સ’ યુનિટ હતું તે એટલું પ્રભાવશાળી ન હતું. હવે તેને અપગ્રેડ કરાયું છે.

ચીન પાસે સૈનિકોની સંખ્યા પણ ખૂબ વધુ હતી. આજે પણ ચીની જવાનોની સંખ્યા વીસ લાખથી વધુ છે છતાં શી ઝિનપિંગે કારભાર સંભાળ્યો ત્યાર બાદ તેમાં ત્રણ લાખનો ઘટાડો કરાયો છે. એક સમયે ચીને દસેક લાખનો ઘટાડો કરવાની ઇચ્છા જાહેર કરી હતી. આ ઘટાડો મોટા પ્રમાણમાં ભૂમિ દળમાં કરાયો છે. અધિકારીઓની મોટી બિનજરૃરી ફોજ ઊભી થઈ હતી. સેનાનું કદ વેતરવામાં આવ્યું તેમાં ઉપરી અધિકારીઓના ૩૩ ટકા જેટલા હોદ્દા અને પદો દૂર કરવામાં આવ્યા. તે અગાઉ ચીનની સેનામાં સિત્તેર ટકા સ્ટાફ હતો તેનું પ્રમાણ પણ ઘટીને ૫૦ ટકા થયું. અનેક બિનજરૃરી ટ્રુપ્સ રદ કરવામાં આવી.

જોકે ચીની સેનાઓ માટે ખુશીની વાત એ રહી કે સેનામાં નૃત્યો કરતી ટ્રુપોને બરકરાર રાખવામાં આવી. અગાઉ જાહેર કરાયું હતું કે સેનામાં નાચ-ગાનની જરૃર નથી, પણ છતાં તે ચાલુ રખાયાં છે. સામે નૌસેનાના સિપાઈઓની સંખ્યા ત્રણ ગણી વધારવામાં આવી છે. નૌકાદળ અને વાયુદળના અધિકારીઓને વધુ શક્તિશાળી પદો આપવામાં આવ્યાં છે. બે કમાન્ડ થિયેટરની લીડરશિપ પણ આ દળોને સોંપાઈ છે. તેનો અર્થ એ થયો કે પીએલએ હવે સમુદ્રી અને અવકાશી તાકાત વધારવા પર જોર આપી રહી છે. જોકે એ કહેવું મુશ્કેલ છે કે આ નવી વ્યવસ્થાઓ પ્રમાણેની પીએલએ યુદ્ધના ખરા મેદાનોમાં વધુ કાર્યક્ષમ અને અસરદાર બની છે કે નહીં. ચીન છેલ્લાં ચાલીસ વરસમાં કોઈ યુદ્ધ લડ્યું નથી. છેલ્લે ચીનના સૈનિકોએ યુદ્ધ કહી શકાય એવું યુદ્ધ ૧૯૭૯માં વિયેતનામ સામે લડ્યું હતું. તે સમયે જે સૈનિકો યુદ્ધ લડ્યા હતા તેમાંના મોટા ભાગના નિવૃત્ત થઈ ગયા છે અને બાકીના હમણા જ નિવૃત્ત થશે. આથી ચીનના સમગ્ર લશ્કરમાં યુદ્ધના અનુભવી સિપાઈઓ ખૂબ જૂજ સંખ્યામાં છે અને હવેના એક-બે વરસ પછી સાવ નહીં હોય. આમ છતાં વિવિધ દળોમાં એકરસતા, જોઇન્ટનેસ લાવવામાં ચીની દળો સફળ રહ્યાં છે તેના અન્ય પુરાવાઓ મળે છે. તાઈવાનની આસપાસ અને દક્ષિણ ચીની સમુદ્રમાં ચીને જે પ્રમાણમાં નાના-નાના અમુક હુમલાઓ કર્યા હતા તેના પરથી ખ્યાલ આવે છે કે ચીનની દરિયાઈ અને હવાઈ ફોર્સિઝ વચ્ચે એકસૂત્રતા અને તાલમેલ વધ્યાં છે. અગાઉ ચીનના યુદ્ધના પ્રયોગ અત્યંત ચુસ્તપણે, નિયમોની પોથી પ્રમાણે હાથ ધરાતા હતા. તેમાં બાંધછોડ થતી નહીં. હવે તેની જગ્યાએ એ બાબત પર ધ્યાન અપાય છે કે કોઈ યુનિટ વાસ્તવિક લડાઈમાં અથવા પ્રયોગમાં કેટલી સફળતા મેળવે છે? પોથીનું પાલન અવશ્ય કરવું જ પડે તેવું નથી. ચીનના મોંગોલિયા પ્રદેશમાં દર વરસે યુદ્ધની કવાયતો યોજાય છે. નવાઈની વાત એ હતી કે ‘બ્લ્યુ ટીમ’ નામનું એક દુશ્મનોનું કાલ્પનિક દળ તૈયાર કરવામાં આવતું હતું અને કવાયત વખતે તે દર વરસે આખરમાં હારી જતું હતું. દુશ્મનોને હારતા દેખાડીને પોતાના લશ્કરનાં માન અને જુસ્સો વધારવાના ઉદ્દેશ્યો હશે, પરંતુ તેના કારણે પોતાના જ લશ્કરની ખરી આકારણી, પોતાની જ તરકીબોની સફળતાઓનું ખરું આકલન શક્ય બનતું ન હતું. હવે એ સ્વપ્રશસ્તિ છોડવામાં આવી છે. અમુક રીતે લડીએ તો દુશ્મનો જીતી જાય તે સંભાવના પણ સ્વીકારવામાં આવે છે. તેનાથી ભૂલો સ્વીકારવાનો અવકાશ મળે છે અને તેને કઈ રીતે દોહરાવવી નહીં તેનું જ્ઞાન મળે છે. શી ઝિનપિંગના આવ્યા બાદ હવે બ્લ્યુ યુનિટ પ્રાયોગિક યુદ્ધોમાં જીતી પણ જાય છે અને વારંવાર જીતે છે. મોંગોલિયામાં વરસમાં એક વખત આ લાર્જ સ્કેલ યુદ્ધ કવાયત યોજવામાં આવે છે.

આ બધું છતાં જટિલ યુદ્ધો લાદવામાં ચીની દળો એટલા ખાસ પારંગત નહીં હોય તેવું માનવામાં આવે છે. અમેરિકાના સેના એસ્ટાબ્લિશમૅન્ટમાં કોઈ અધિકારી બીજા દળો સાથે આસાનીથી કેવી રીતે હળીભળી જાય છે, કેવી રીતે ગોઠવાઈ જાય છે અને કામગીરી આગળ ધપાવે છે તે ગુણોને લક્ષમાં રાખીને ઓફિસરને પ્રમોશન અપાય છે. જ્યારે ચીનમાં એક જ અધિકારી એક જ દળમાં આખી કારકિર્દી પૂરી કરે છે, તે પણ એક જ રિજનમાં રહીને અને જિંદગીભર એકનું એક કામ કરીને પૂરી કરે છે. ચીનની રાજકીય

સંસ્કૃતિ સેના માટે વળી એક બીજી મોટી સમસ્યા છે. ચીન જે એકસૂત્રતાના, જોઇન્ટનેસ અને કૉઑર્ડિનેશનના મૉડેલને લઈ આગળ વધવા માગે છે તેને ખરા અર્થમાં ચરિતાર્થ કરવું હોય તો રાજનીતિ અને સેનાના બિહેવિયરમાં પણ થોડું ખુલ્લાપણુ હોવું જરૃરી છે. દુનિયામાં દરેક દેશોની સેનાઓ ગુપ્તતાઓ તો જાળવવાની જ છે, પરંતુ એ ગુપ્તતાઓ બીજા કોઈ ઉદ્દેશ્ય વગર માત્ર રાજકીય નેતાઓને, તેમના વિચારોને ખુશ રાખવા માટે જાળવવામાં આવતી હોય તો નુકસાનકારક નીવડે છે. માત્ર વાહ વાહનું કલ્ચર બનીને રહી જાય છે. ભૂલો સુધારવાનો કે તેને સ્વીકારવાનો અવકાશ રહેતો નથી. સત્તાના ડેલિગેશન અને સહકાર બાબતમાં ઓપનનેસ હોવી જરૃરી છે. ચીનની વ્યવસ્થામાં તેનો સદંતર અભાવ છે. તેથી જોઇન્ટનેસની થિયરી સફળ થવાની ગુંજાઇશ ઓછી રહે છે. આજનાં યુદ્ધોમાં નિર્ણય લેવાનો અધિકાર માત્ર એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલો ન હોવો જોઈએ, પરંતુ તેનું વિકેન્દ્રીકરણ થયેલું હોવું જોઈએ, કારણ કે સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધોમાં કમાન્ડરો અને યુનિટો વચ્ચે નિખાલસ સંવાદ થાય અને સંદેશાઓની આપ-લે થાય તો જ ગંભીરતાથી લડી શકાય. જે સેનાઓમાં આંતરિક લોકશાહી હોય તે આ પ્રકારનાં યુદ્ધો વધુ સારી રીતે લડી શકે છે.

ચીન કરતાં આ બાબતમાં અમેરિકા ઘણુ આગળ છે. પ્રમુખ શી ઝિનપિંગ પોતે જ એક આપખુદ વિચારધારામાંથી આવે છે. નિર્ણયો લેવાનો અધિકાર તેઓ કેન્દ્રિત, અર્થાત પોતા પૂરતો મર્યાદિત રાખવા માગે છે. તેના કેટલાક ફાયદા છે, પણ તે માટે વધુ જ્ઞાન, સ્પષ્ટ અને પ્રમાણિક બુદ્ધિ હોવાં જોઈએ. શી ઝિનપિંગ શાણા શિયાળ જેવા છે તેથી અત્યારે કોઈ વાંધો નથી, પરંતુ એમના પુરોગામી જીન્તાઓ પીએલએ પર મજબૂત પકડ ધરાવતા ન હતા. તેનું કારણ એ હતું કે જીન્તાઓના પુરોગામી જિયાંગ ઝેમીને ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના વહીવટ માટે એક નહીં, પણ બબ્બે વાઇસ-ચૅરમેનોની નિમણૂક કરી હતી. ચીનની સેનાઓ પર દેખરેખ રાખતું આ સૌથી શક્તિશાળી કમિશન છે. ત્યાર બાદ હુ જિન્તાઓના પ્રમુખ તરીકેના સમગ્ર કાર્યકાળ દરમિયાન આ બે વાઇસ ચૅરમેનો હોદ્દાઓ પર ટકી રહ્યા. પીએલએમાં ભ્રષ્ટાચાર ફેલાયો હતો અને અશિસ્ત પણ વ્યાપી હતી. તેને દૂર કરવાના અને પીએલએમાં સુધારા કરવાનો કોઈ પણ પ્રસ્તાવ હુ જિન્તાઓ લઈ આવતા તો આ બંને વાઇસ ચૅરમેનો તેના પર ઠંડું પાણી રેડી દેતા હતા. પ્રમુખ શી ઝિનપિંગ પોતાની સ્થિતિ હુ જિન્તાઓ જેવી થાય તેવું પ્રથમથી જ ઇચ્છતા ન હતા. સત્તા પર આવ્યા કે કડક હાથે કામ લેવાની શરૃઆત કરી દીધી. સેનામાંથી ભ્રષ્ટાચાર નિરસ્ત કરવાની કામગીરી મોટે પાયે આરંભવામાં આવી. હોદ્દા પરના ત્રણ જનરલો સહિત ૧૩ (તેર) હજાર જેટલા ઓફિસરોને નોકરીમાંથી રૃખસદ અપાઈ. મિલિટરી કમિશનનું કદ ઘટાડવામાં આવ્યું. મેમ્બરોની સંખ્યા ૧૧ (અગિયાર)માંથી ઘટાડીને ૭ (સાત) કરવામાં આવી. કેટલાક સર્વિસ ચીફોને પણ લાતો મારીને ફેંકી દેવાયા. ભ્રષ્ટાચાર નાબૂદી માટે સેનામાં એક મહત્ત્વના કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી. અન્ય સંસ્થાકીય ફેરફારો કર્યા. આ પગલાંઓને કારણે સેનામાં શી ઝિનપિંગ સામે રોષ પણ ફેલાયો છે. અનેક સિનિયર અધિકારીઓના પક્ર્સ અને અન્ય પ્રિવિલેજ છીનવાઈ ગયા છે. અમુક મગજ ગુમાવી બેઠેલા અધિકારીઓએ તો જાહેરમાં વિરોધ નોંધાવ્યો. તે સામે જૂના લશ્કરી જવાનો (વેટેરેન્સ)ની સંભાળ લેવા વરસ ૨૦૧૬માં શી ઝિનપિંગે અલગ મંત્રાલયની સ્થાપના કરવી પડી છે. હવે યુવાનોને તેમની નોકરીનાં વરસો પ્રમાણે નહીં, પરંતુ લાયકાતને આધારે પ્રમોશન અપાય છે. શી ઝિનપિંગના પ્રયત્નોને જાહેર પ્રજા વધાવી રહી છે. ચાઇનીઝ ફિલ્મ ઉદ્યોગમાં પણ સેનાનાં પરાક્રમો અને સેના પ્રત્યેની લોકોની ભાવનાઓને સ્થાન મળી રહ્યું છે. મોટા ભાગે તે વધારી ચડાવીને રજૂ કરાય છે, કારણ ચાલીસ વરસમાં ચીનની સેના કોઈ યુદ્ધો લડી નથી તો પરાક્રમોનાં ઉદાહરણો ક્યાંથી લાવે..?
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »