તમારા માટે, તમારી સાથે, સતત…

હવે તો માસ્ક પણ ફેશનેબલ જોઈએ!

હવે કોરોના સાથે જ જીવવાનું છે ત્યારે તેમાં પણ મોજ-મસ્તી શું કામ નહીં,

0 180
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

સામાન્ય લોકો એન – ૯૫ માસ્કની બદલે સાદા કપડાંના માસ્ક પણ પહેરી શકાય છે, તેવી ગાઇડલાઇન જાહેર થઈ છે ત્યારથી અનેક લોકો ઘરે બનાવેલા સાદા માસ્ક પહેરે છે, પરંતુ નાનાં બાળકોને તે પહેરવાનો ભારે કંટાળો આવે છે, તેથી તેમને આકર્ષણ થાય તે માટે કાર્ટૂનવાળા માસ્ક હવે બનવા લાગ્યાં છે.

કોરોના વાઇરસનો પ્રકોપ થોડા સમયમાં શમવાનું નામ લેવાનો નથી. હવે તો આ વણજોઈતા મહેમાન સાથે જીવવાનું શીખવું પડવાનું છે. આ વાઇરસથી બચવા માટે સામાજિક દૂરી રાખવાનું અને ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત થઈ ગયું છે. નાના – મોટા સૌ કોઈને ઓછામાં ઓછી આટલી તકેદારી તો રાખવી પડે છે. સામાન્ય લોકો એન – ૯૫ માસ્કની બદલે સાદા કપડાંના માસ્ક પણ પહેરી શકાય છે, તેવી ગાઇડલાઇન જાહેર થઈ છે ત્યારથી અનેક લોકો ઘરે બનાવેલા સાદા માસ્ક પહેરે છે, પરંતુ નાનાં બાળકોને તે પહેરવાનો ભારે કંટાળો આવે છે, તેથી તેમને આકર્ષણ થાય તે માટે કાર્ટૂનવાળા માસ્ક હવે બનવા લાગ્યાં છે. તેવી જ રીતે યુવાનો પોતે માસ્ક પહેર્યો છે, તે બીજા જાણે નહીં તેવા ચહેરાની હાફપ્રિન્ટવાળા માસ્ક પસંદ કરે છે, તો યુવતીઓને પોતાના ડ્રેસને મેચિંગ થાય તેવા માસ્ક વધુ ગમે છે. આથી લૉકડાઉનમાં નવરા થઈ ગયેલા દરજીઓ અને વેપારીઓને આવા ફેશનેબલ માસ્કના કારણે રોજગારીની નવી તક દેખાઈ રહી છે.

ભુજમાં એથેનિકવૅર, નાઇટવૅર અને હોઝિયરીની વસ્તુઓનો વેપાર કરતા ભૂમિત મહેતા નામના વેપારી ફેશનેબલ માસ્ક અંગે વાત કરતા જણાવે છે કે, ‘હવે જ્યારે માસ્ક પહેરવા ફરજિયાત બન્યાં છે ત્યારે લોકો મનપસંદ માસ્ક પહેરવાનું પસંદ કરવા લાગ્યા છે. નાનાં બાળકો માસ્ક પહેરવા રાજી હોતાં નથી. તેમને મહાપરાણે માસ્ક પહેરાવવા પડે છે ત્યારે તેઓ રાજીખુશીથી માસ્ક પહેરે તેવા હેતુથી વાલીઓ બાળકોને મનપસંદ એવા કાર્ટૂનવાળા માસ્ક પર પસંદગી ઉતારી રહ્યા છે. અમે કોટન કે સ્પોટ્ર્સ ફેબ્રિકમાંથી આવા માસ્ક બનાવરાવીએ છીએ. છોટા ભીમ, ડોરેમોન, બાર્બી, સિંચેન, એવેન્જર્સ, સ્પાઇડર મેન, બેન ટેન, મોટૂં- પતલું, ટૉમ એન્ડ જૅરી જેવા કાર્ટૂનવાળા માસ્ક બાળકોની પહેલી પસંદ બની રહે છે. કાર્ટૂનવાળા માસ્ક ખૂબ વેચાય છે. એક બાળક માટે એકસાથે બેથી ૩ પીસ ખરીદાય છે, જ્યારે યુવતીઓ કસ્ટમાઇઝ્ડ માસ્ક પસંદ કરે છે. કોરોના વાઇરસના કારણે હજુ લગ્નની સિઝન જામી નથી. છતાં થોડી યુવતીઓએ તેમનાં લગ્ન નિમિત્તે પોતાના ચણિયાચોળી કે સાડીને મેચિંગ માસ્ક બનાવરાવ્યા છે. યુવાનો ચહેરાની હાફપ્રિન્ટવાળા માસ્ક બનાવરાવે છે. આવા માસ્ક પહેરવાથી કોઈએ માસ્ક પહેર્યો છે કે નહીં, તેની ખબર જ નથી પડતી.’

Related Posts
1 of 142

આવા માસ્ક બનાવવા માટે તેઓ મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ કહે છે, ‘અમે કાપડ પર સ્ક્રિન કે ડિજિટલ પ્રિન્ટિંગથી ડિઝાઇન છાપીએ છીએ. તેને સિલાઈ માટે મહિલાઓને આપીએ છીએ. એક મહિલા પોતાના ઘરના કામ ઉપરાંત રોજના ૬૦થી ૭૦ પીસ તૈયાર કરે છે. અમારી સાથે ૧૨થી ૧૫ મહિલાઓ આ કામ માટે જોડાયેલી છે. તેઓને એક પીસ બનાવવા માટે ૩ રૃપિયા મળે છે. આમ તે રોજના રૃ. ૨૦૦ની આસપાસ કમાઈ શકે છે. અમે રૃ. ૧૧થી ૩૫ની કિંમતના માસ્ક વેચીએ છીએ. આ ઉપરાંત અમુક યુવતીઓ પોતાના ડ્રેસને મેચિંગ માસ્ક પણ બનાવરાવે છે. ખાસ તો ચણિયાચોળી કે લગ્ન માટેની સાડીને મેચિંગ માસ્કની માગણી કરવામાં આવે છે. જેમ જેમ લગ્ન જેવા પ્રસંગો વધશે, તેમ તેમ સ્પેશિયલ માસ્ક બનાવવાની માગ પણ વધશે. તેમ જ યુવતીઓ માટે સ્કાર્ફ જેવો કે યુવાનો માટે રૃમાલ જેવો, માત્ર આંખો જ દેખાય અને આખો ચહેરો ઢંકાઈ જાય તેવા માસ્ક પણ બનાવાય છે.’

કંઈક આવી જ વાત કરતા ભુજના હૅન્ડિક્રાફ્ટના વેપારી કરન સંજોટ કહે છે, ‘અત્યારે ભુજની માર્કેટમાં ઘણા પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે, પરંતુ કચ્છી કલાના શોખીનો અમારી પાસે કચ્છી કપડાંમાંથી બનેલા ડબલ લેયર માસ્કની માગ કરે છે. અમે હાથવણાટના કાપડના, ઓર્ગેનિક એટલે કે કોઈ પણ પ્રકારના કેમિકલ ન વપરાયા હોય તેવા, કચ્છી બ્લોક પ્રિન્ટના કોટનના માસ્ક બનાવીએ છીએ. જે સામાન્ય રીતે ગોલ્ડન, રસ્ટ, ઇન્ડિગો બ્લૂ જેવા રંગોમાં ઉપલબ્ધ હોય છે. જેની કિંમત રૃ. ૨૫ છે. અમે જે માસ્ક બનાવીએ છીએ તેના કારણે બ્લોક પ્રિન્ટ કરનારા, સિલાઈ કરનારા વગેરેને રોજી મળવા લાગી છે. આ ઉપરાંત ખાદીનાં કપડાંમાં પણ માસ્ક બનાવીએ છીએ. હવે પછી શરૃ થનારા લગ્નગાળામાં મેચિંગ માસ્કની ડિમાન્ડ વધશે. આવા પ્રસંગ માટે બનનારા માસ્કમાં હાથભરત પણ કરી અપાશે અને અન્ય રીતે પણ તેને વધુ ડેકોરેટિવ બનાવાશે. તેથી સ્વાભાવિક જ છે તેની કિંમત વધુ હશે. આવા માસ્ક વધુ કલરફૂલ પણ બનશે.’

સામાન્ય લોકો તો માસ્ક ખરીદે જ છે, પરંતુ હવે કોર્પોરેટ માસ્ક પણ બનવા લાગ્યા છે. કોઈ કંપની કે દુકાનની જાહેરાત થાય તેવા માસ્ક કંપની બનાવરાવીને લોકોને પોતાના તરફથી નિઃશુલ્ક આપે છે. અમુક કંપની કે દુકાનવાળાઓ પોતાના સ્ટાફ માટે પણ ખાસ પ્રકારના માસ્ક બનાવરાવે છે. રોટરી ક્લબ જેવી સંસ્થા કે અમુક કૉલેજો પણ પોતાના લોગો વાળા માસ્ક બનાવરાવે છે. ભુજમાં બનેલા માસ્ક તામિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ પહોંચ્યા હોવાનું ભૂમિત મહેતા જણાવે છે.

હવે કોરોના સાથે જ જીવવાનું છે ત્યારે તેમાં પણ મોજ-મસ્તી શું કામ નહીં, તેવું વિચારનારા લોકો પોતાની પસંદગી પ્રમાણે માસ્ક તૈયાર કરાવે છે. આમ કોરોનાના કારણે ફેશનનો નવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે, જે દિવસોદિવસ વધુ વિકસશે તેવું લાગી રહ્યું છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »