તમારા માટે, તમારી સાથે, સતત…

તબિબો માટે પણ આત્મ મંથનનો સમય સ્વસ્થતામાં સ્વ મુખ્ય

હકીકતમાં અમુક ડૉક્ટર્સ પહેલેથી લૉકડાઉનના વિરોધમાં વાત કરતા હતા.

0 168
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ડૉક્ટરની આગવી જગ્યા કોઈ જ ના લઈ શકે એમાં કોઈ શક નથી
વર્તમાન રીતે ડૉક્ટર પોતાની જગ્યા જાળવી શકશે એમાં દમ નથી

સત્ય એટલે જે લગીર અસત્ય નથી તે. અસત્ય એટલે? બહુમત એવું માને છે કે અસત્ય અર્થાત જે સત્ય નથી તે. સારી વ્યાખ્યા છે. છતાં સાચું સમજવું હોય તો અસત્ય અર્થાત જે અધૂરું કે અપૂર્ણ સત્ય છે તે. બેશક આ વ્યાખ્યા મૂળ સંસ્કૃત ‘ને યોગ કે આધ્યાત્મના સંદર્ભમાં છે. જી, એનો અર્થ એ નથી કે અન્ય સંદર્ભમાં એ વ્યાખ્યા અસત્ય જ છે. દાખલા તરીકે હેલ્થ વિષયક વાત કરીએ તો મર્યાદિત માહિતી અસત્ય કહેવાય. સવાલ એ છે કે પૂર્ણ માહિતી કોની પાસે હોય? કોરોનાની મહામારી ચાલુ છે. ભૂતકાળમાં વિજ્ઞાને શોધેલું ‘ને એ થકી મનુષ્યએ જાણેલું આપણને કામમાં લાગ્યું છે. જે મૃત્યુ પામ્યા એમના કામમાં લાગ્યું હતું એ વાત પૂર્ણ સત્ય નથી. વિજ્ઞાન જીવંત છે, આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન ‘ને તેની તાકાત પર મનુષ્ય હજુ સંપૂર્ણ જ્ઞાની નથી બન્યો. ભલે ઘણુ બધું સાચું જ્ઞાન મેળવ્યું હોય, મનુષ્ય હજુ અપૂર્ણ જ્ઞાન ધરાવે છે એટલે અજ્ઞાની છે. પેશન્ટ ‘ને ડૉક્ટર બંને મનુષ્ય છે. પેશન્ટ પુરા અજ્ઞાની ના હોય એવું બને. કોઈ ડૉક્ટર પુરો જ્ઞાની છે એવું નથી.

બાવીસ માર્ચે જનતા કફર્યુ આવેલો. ૨૫ માર્ચે પહેલું લૉકડાઉન. તમને એકવીસ માર્ચે કે એ પહેલાં કોવિડ-૧૯ કે કોરોના નામથી જાણીતો કોઈ ચેપી રોગ છે એવું કદાચ ખબર હશે. તમને એ અંગેની પ્રથમ માહિતી કેવી રીતે મળેલી? યાદ કરો. તમને કોરોના અંગેની એ માહિતીની સચ્ચાઈ ચેક કરવાનું મન થયેલું? તમે એ માહિતી વેરીફાઈ કરવાની કોશિશ કરેલી? કેવી રીતે? એથી વિશેષ મહત્ત્વની બાબત એ છે કે કોરોના મહામારી ભારતમાં પ્રવેશી છે કે મોટા પાયે ફેલાશે તો અમુકતમુક રીતે તમારું ધ્યાન રાખવું ‘ને આવીતેવી પૂર્વતૈયારી કરવી એવી કોઈ સૂચના કે સલાહ તમને મળેલી? ગંભીર રીતે તથા કોઈ નોંધપાત્ર ભૂલ વિનાની. તમને એવી કોઈ વાત એકવીસ માર્ચ કે તેથી પહેલાં કોણે કરેલી? અવગણી શકાય એટલા અપવાદે પોતાની રીતે એવી કોઈ માહિતી મેળવેલી. એથી થોડાક જ વધુ લોકોને વિદેશમાં રહેતાં એમના કોઈ સગાં કે સંબંધીએ ચેતવ્યા હતા ‘ને ત્યાં એ લોકો શું ધ્યાન રાખે છે એ જણાવેલું. નહિવત કે ખૂબ ઓછી શક્યતા છે કે તમને કોઈ ભારતીય ડૉક્ટરનો મેસેજ મળ્યો હોય યા ફોન આવ્યો હોય.

પછી? ચાર લૉકડાઉન આવ્યાં ત્યાં સુધી ભૂવાથી માંડીને ભંગારના દુકાનદારે કોરોના અંગે એક કે બીજી રીતે પોતાને જે માહિતી સાચી લાગી તે ફેલાવવાનું કામ કર્યું. ના, માત્ર ભારતની વાત નથી. આખા જગતમાં એવું ચાલેલું. એમાં થોડા કે ઘણા સંદેશ કામના હતા ‘ને હજુ કામના છે. સરકારે પોતાની રીતે મહેનત કરીને લોકો સુધી વિવિધ રસ્તે સાચી માહિતી પહોંચાડવાની કોશિશ કરેલી જ. કોરોનાકાળમાં અત્યાર સુધી કામ લાગ્યા હોય એવા ઘણા મેસેજ આપણે અંગ્રેજી ભાષામાં મેળવેલા. ગોરા હોય કે કાળા, વિદેશના ઘણા હેલ્થ પ્રોફેશનલ કે ડૉક્ટર્સ લખીને, બોલીને કે વીડિયો બનાવીને લોકોને પોતાનાથી થાય એટલી મદદ કરતા રહ્યા. આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી બોલતાં અમેરિકાને કોરોનામાં સખત માર પડ્યો તોય ત્યાંના નોનમેડિકો લોકો ઉપરાંત મેડિકોઝ પ્રોએક્ટિવ થઈને ગ્લોબલ એવમ જનરલ એટલે કે પોતાને કમાઈ ના આપતા હોય એવા લોકો માટે સકારાત્મક યોગદાન આપ્યું.

આપણે ત્યાં? ખૂબ ઓછા જાગ્યા ‘ને ઘણા મોડા હલ્યા. એમાં કોઈ શક નથી કે ડૉક્ટર શિખા પંવારએ ફોમાઇટ અંગે જે પર્ફેક્ટ વીડિયો ભારતીયોના હિત માટે શેઅર કરેલો એ ઘણાને યોગ્ય સમયે બહુ કામ લાગ્યો, એવાં અન્ય અમુક શેરિંગ પણ થયેલાં, પરંતુ સવાલ એ છે કે કેમ પોતપોતાના ફેમિલી ડૉક્ટર કે ઓળખીતા ડૉક્ટર્સ એક્ટિવ ના થયા ‘ને ઇન ટોટલ બધાંને ફર્સ્ટ લૉકડાઉન ડિક્લેર થયું એ પહેલાં કે તરત જ કામની માહિતી પર્ફેક્ટ રીતે ના આપી શક્યા? કેમ મેડીકોઝની ભારતવ્યાપી કે ગુજરાતવ્યાપી સંસ્થા કે એસોસિયેશન સંભાળનારા હોદ્દાની રૃએ ખરી તાકાતથી લોકોને જાગૃત યા સચેત કરવા માટે બહાર ના આવ્યા? ના, આ તબીબી વ્યવસાય કે ઓર્ગેનાઇઝેશનનો વિરોધ નથી. એમને વંદન, પણ લોકોએ આવા વાવરમાં હેલ્થ બાબતમાં પ્રત્યક્ષ રીતે પોતાના કે ભારતીય ડૉક્ટર્સ છોડીને સરકાર કે પારકા સોર્સ તરફથી અવેર થવાનું હોય એ દુઃખ ‘ને આશ્ચર્યની બાબત છે એમાં કોઈ સંશય નથી. પોતાના લોકોની હેલ્થ સંભાળવી એ પોતાના ડૉક્ટર્સનો પહેલો અધિકાર અને પહેલી ફરજ છે.

પોતાના ફેમિલી ડૉક્ટર, ગુજરાતના ડૉક્ટર કે બહુ બહુ તો ભારતના ડૉક્ટર આમ ભારતીય રોગી ના બને ‘ને તંદુરસ્ત રહે તેનું ધ્યાન રાખવા પ્રયત્ન કરે એવી આશા રાખવી એ ખોટું છે? સિમ્પલ, શોર્ટ ‘ને સ્વીટ વાતના આપણે રસિયા છીએ તો એવી રીતે આ વાત સમજીએ- ઘડીપડી જાહેરાતો કરીને સરકાર કે અન્ય સોર્સ લોકોને જણાવે કે કોરોના માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની સાથે ભારતીય ડૉક્ટર સમાજની એક ઍપ ‘ને વેબસાઇટ હોય જે થકી સામાન્ય ભારતીયને સમજાય એવી રીતે પૂરી સાચી ‘ને કાયદેસર રીતે બંધાય એવી માહિતી મળતી હોય તો લોકો ‘ને દેશને એક્સક્લુઝિવ લાભ થાય કે નહીં? સરકારનું પોતાનું સ્ટેન્ડ હોવું જ જોઈએ, પણ હેલ્થ બાબતમાં સરકાર હેલ્થ પ્રોફેશનલ કહે તેમ કરે એ સાચું કહેવાય એ બધાં સમજે છે. રોગચાળામાં મેડિકલ સમાજે લીડર બનવાનું હોય ‘ને અમુક હદે મેનેજર પણ બનવાનું હોય. સ્વાભાવિક છે હેલ્થ પ્રોફેશનલમાં આયુર્વેદ, હોમિયોપેથી ‘ને યોગ વગેરેના નિષ્ણાત પણ આવી જ જાય. લીડર ‘ને મેનેજર ના બને એ બોસ બને તો?

સોશિયલ મીડિયાને ગાળ આપવાની ફેશન વકરતી જાય છે. વાસ્તવિકતા કહે છે કે સોશિયલ મીડિયાને કારણે કોઈને કોરોના થયો હોય એવી શક્યતા નહિવત છે ‘ને કોરોનાથી બચીને જીવતાં રહ્યા હોય તેમ જ તંદુરસ્તી વધી હોય એવી શક્યતા ઘણી મજબૂત છે. અને કન્વેન્શનલ મીડિયાની અસર? પાણીમાં રહી મગર જોડે વેર ના કરાય. પોતાના કરતાં શક્તિશાળી હોય તેને નમન કરવું અથવા તેમની સામે ના પડવું એવા અર્થના એકથી વધુ સુભાષિત મળી જાય. મીડિયા પણ શું કરે? જ્યાં-ત્યાં જે કશું હેલ્થ સંબંધિત તાજું કે નવું મળે એ પોતાના સમાચારના કોઠામાં સેટ થાય તો જણાવે. ચેનલ મફતમાં નથી ચાલતી ‘ને ટીઆરપી મુજબ જાહેરાતો મળે. એવામાં કોરોના સંબંધિત આંકડાના કોઠાને કાયદેસરના નોલેજ ‘ને ન્યૂઝ તરીકે ફેલાવવાનું કોરોનાકાળમાં બહુ ચાલ્યું. પરંપરાગત મેઇન સ્ટ્રીમ મીડિયામાં આંકડા રજૂ થાય એટલે સૌ કોઈ વધાવે. મેડિકલ સમાજ આંકડાશાસ્ત્રને ઘણુ કામમાં લે. કોઠા બનાવે ‘ને તારણો કાઢે. ના, અંકશાસ્ત્ર પ્યોર કે નક્કર વિજ્ઞાન નથી એ એમને ખબર જ છે. ભલે તેને એ સાયન્ટિફિક રિસર્ચ નામ આપે.

કોરોનાની શરૃઆતમાં ધૂમ્રપાન કરનારને કોરોના થવાની સંભાવના વધુ ‘ને એ જલ્દી સાજા ના થાય એવી ‘રિસર્ચ’ મીડિયાએ ચલાવેલી. હાલમાં એક કોઠો આવ્યો કે ચીન તેમ જ યુરોપમાં ધૂમ્રપાન કરનારની સંખ્યા સામે કોરોના થયો હોય તેવા નોંધપાત્ર રીતે ઓછા છે. ફ્રાન્સમાં વિજ્ઞાનીઓએ એ દાવો કર્યો કે નિકોટિનથી કોરોના સામે રક્ષણ મળી શકે છે. સારું છે ભારતમાં ઓફિશિયલ ન્યૂઝ સેન્ટરો દ્વારા આ ‘રિસર્ચ’ ફેલાવવામાં નથી આવી, પણ મીડિયા એટલે? મીડિયા. કહે કે પાનના ગલ્લા ખૂલ્યા ‘ને દેકારો મચ્યો. બજર માટે મહિલાઓએ લાઇન લગાવી. કોઈએ વાજબી ભાવે બીડી વગેરે આપવાનો કેમ્પ કર્યો. તમાકુના કાળાબજાર ‘ને રેડ. તમાકુ વેચનારને કુટુંબનું ગુજરાન ના કરવાનું હોય? અરે માનવીઓ, બાજારૃ ખોરાકની હોમ ડિલિવરી શરૃ થઈ તેનો કોઈ વાંધો નહીં? શું એ બધું સ્વાસ્થ્યપ્રદ છે? તેલ, ખાંડ ‘ને એકસ્ટ્રા કેમિકલ સાથે ઓવર સોલ્ટ ‘ને સ્પાઇસ થકી રોગ થાય છે ‘ને રોગ વકરે છે એ બધાં જાણે છે છતાં ચકચાર જગાવવાની ‘ને બહુમતી મતને વાપરવાનો?

સિવિઅર અક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રમ કોરોના વાઇરસ ટુ એવું સાચું ટૅક્નિકલ નામ હજુ ઘણાને નથી ખબર. તેથી શું? કોરોના નામ સુદ્ધાં નહોતી ખબર ત્યારે પણ દુનિયામાં કેટલાંય લોકોએ કોઈની વાત સાંભળી કે વાંચીને ઘરની બહાર ના જવાય નહીં તો ચેપી રોગ લાગશે એમ માનેલું અને જીવતાં બચેલાં. સવાલ ટૅક્નિકલી પરફેક્ટ માહિતીનો હોય છે તેથી વધુ લોકોને સીધી રીતે સ્વસ્થતા માટે કામ લાગે એવી માહિતીનો વધુ હોય છે. કોરોના અંગે ગુડ, બેડ ‘ને અગ્લી એમ વિવિધ પ્રકારની વાતોથી ઇન્ટરનેટ ઊભરાયું હતું ‘ને છે. ઘણા તે ઘટનાને ઇન્ફોડેમિક કહે છે. વાસ્તવમાં ડેટાડેમિક કહેવાય. ડેટા શબ્દનો એક મતલબ સમજીએ તો ડેટામાં કામમાં લઈ શકાય તેવી ચીજ એટલે કે માહિતી સાથે બીજી ચીજ પણ હોય. એક વખતે એક સ્થળે આટલા પુરુષ ‘ને આટલાં સ્ત્રી કોરોના પોઝિટિવ આવ્યાં એ જાણીને લોકોને શું કામ? કોરોનાની શરૃઆતમાં યુવાનોને કોરોનાનો ચેપ ખાસ નથી લાગતો તથા ચેપ લાગે તોય યુવાનો મૃત્યુ પામે એ શક્યતા ઓછી છે એવી માહિતીનો પ્રચાર થયેલો અને અંતે પશ્ચિમમાં ઓફિશિયલ માહિતીને આંખ બંધ કરીને માનનારા ઘણા યુવાનો કોરોનામાં લપેટાઈ ગયેલા.

મીડિયા કે સરકાર હેલ્થ બાબતમાં લોકોને સાચી ‘ને પૂરતી માહિતી સમયસર ના આપે વત્તા ખોટી કે અધૂરી માહિતી આપે તો એમનો વાંક કહેવાય જ, પરંતુ તેવું ત્યારે થાય જ્યારે મેડિકલ સમાજ પ્રોએક્ટિવ ના હોય. ભારતમાં કોરોના પોઝિટિવ હોય, કોરોનાથી મૃત્યુ પામ્યા હોય ‘ને કોરોના થયા પહેલાં ‘ને પછી તમાકુ સેવન કરતાં હોય એવા લોકોનો અલગથી અભ્યાસ થયો છે? લગભગ રોજ કેટલા પુરુષ ‘ને સ્ત્રી દર્દી જણાવનાર સત્તાધીશોને ડૉક્ટર લોકોએ કહેવું જોઈએ કે આ માહિતી કરતાં દર્દીઓ અંગેની બીજી કઈ માહિતી લોકોને મળે તો લોકોને કામમાં લાગે. વત્તા ડૉક્ટર સમાજે પોતે એવી લોકોપયોગી માહિતી પોતાના અધિકાર ‘ને ફરજની રૃએ લોકોને શેઅર કરવી જોઈતી હતી. બાકી શું ખાવાથી ઇમ્યુનિટી વધે તો કહે વિટામિન સી એ અત્યારે એક ચોપડી ફેલ શાક વેચનાર ‘સુપરસ્પ્રેડર’ને પણ ખબર હોય. વિટામિન સી શેમાં વધુ ‘ને શેમાં ઓછું? વિટામિન સી પાણીમાં ઓગળી જાય એટલે પરસેવા ‘ને પેશાબ વાટે વહી જાય? વિટામિન સીની ગોળીઓ કેટલી અસરકારક ‘ને કેવી રીતે લેવાય? માહિતી આપવી હોય તો સામાન્ય મુદ્દા પણ ઘણા હોય છે.

વારુ, હકીકતમાં અમુક ડૉક્ટર્સ પહેલેથી લૉકડાઉનના વિરોધમાં વાત કરતા હતા. અમુક આયુષ મંત્રાલય દ્વારા સૂચવેલી હોમિયોપેથી ‘ને આયુર્વેદિક દવાનો વિરોધ કરતા હતા. અમુક હાઇડ્રોક્સી ક્લોરોક્વિનાઇનનો વિરોધ કરતા હતા. કહે કે કોરોના સાથે જીવતાં શીખવું પડશે. ઓકે. બાળકને તમે એમ કહો કે ત્યારે ચાલતા શીખવું પડશે, બોલતા ‘ને વાંચતાં શીખવું પડશે તો? તમારે ત્યાં ઘરકામ કરવા કોઈ આવે તો એને તમે કહો કે તું તારી જાતે કામ શરૃ કરી લેજે, કારણ તને આવડે જ છે તો ચાલે. કદાચ બેચાર વાર એ ભૂલ કરે, પણ ગંભીર નુકસાન ના જાય. ડૉક્ટર લોકોને એવું કહે કે આમતેમ કરજો તો કોરોના સામે સુરક્ષિત રહી શકાય તો સાચું લાગે. હાર્ટના નિષ્ણાત ડૉક્ટરને પેટના દુખાવાની દવા ખબર હોય એવું બને, પણ એ તમને કહેશે કે પેટના રોગના નિષ્ણાતને બતાવો. એપીડેમિક એક્સપર્ટ હોય છે, વાયરોલોજિસ્ટ હોય છે એ કોરોના અંગે જાહેરમાં લોકો માટે પ્રત્યક્ષ રીતે વધુ સક્રિય થાય એ જરૃરી હતું. પણ, એવું ના થયું.

નિઃસંદેહ એલોપથીની કામ કરવાની રીત રોગ દૂર કરવાની છે એટલે એલોપેથીના ડૉક્ટર્સ શ્વસનતંત્ર કેવી રીતે મજબૂત થાય એ અંગે કહે તોય કેટલું અને શું? પ્રાણાયામને દુનિયામાં ઘણાએ આવકાર આપ્યો તોય બહુ બધાં ડૉક્ટર જાહેરમાં બોલ્યા વિના કે બોલીને વિરોધ કરતાં રહ્યા. કોરોના આવ્યો એટલે ચૂપ થયા ‘ને અગાઉના વિરોધીઓમાંથી ઘણા પ્રાણાયામ માટે હકારાત્મક રહ્યા. ડૉક્ટર્સ પ્રાણાયામની ઓફિશિયલ ટ્રેનિંગ લે તો સલાહ સાચી આપી શકે એવું ના હોય? કાર્ડિયાક એક્સરસાઇઝ પણ પોતે કરતા હોય ‘ને વજન ઊંચાઈ ઉંમર મુજબ કેટલા હાર્ટ રેટ પર શું કરવાથી કાર્બોહાઇડ્રેટ, ફેટ ‘ને પ્રોટીન પર અસર પડે એ જાણતા હોય તો ખરું કામનું.  માસ્ક પહેરીને દોડાય? જવાબદારીથી સલાહ આપવા મહેનત કરવી પડે, જો સાચું પરિણામ જોઈતું હોય તો. કસરત સિવાય પોષણ બાબતે ડૉક્ટર્સ પ્રોએક્ટિવ થાય એ સૌના હિતમાં છે. આંખ માટે શું ખાવું સારું ‘ને શું ખાવું ખરાબ? સ્નાયુના વિકાસ માટે? પાચનતંત્ર સારું રહે તે માટે?

Related Posts
1 of 281

વર્ષો સુધી સફેદ રંગની સુગરવાળી પેસ્ટ આપણને ઘસવા માટે કોણે ટેકો આપ્યો? મીઠું, કોલસો ઘસતાં કે દાતણ કરતાં હોય એવાં ગામડાના ઘરડાઓના દાંત જાતે જઈને જુઓ કેવા મજબૂત હોય છે. હવે આયુર્વેદિક પેસ્ટથી બજાર ઊભરાયું. છતાં એલોપથીના ઘણા ફેનેટિક બ્લાઇન્ડ ફોલોઅર્સ સાચું સ્વીકારતા નથી. પેટ સાફ કરવા દિવેલ વપરાતું તો કહેવાતા વિજ્ઞાને મેડિકેટેડ કેસ્ટર ઓઇલનો આગ્રહ શરૃ કર્યો. ઇસબગુલ પણ રસાયણયુક્ત કર્યું. કહે હરડે નહીં કેમિકલ વાળી જૅલ લો. કારણ ‘ને પુરાવા માગો તો પોલીસ કે પ્રિન્સિપાલની જેમ પૂછે કે ડૉક્ટર કોણ છે? કબજિયાત હોય તો કહે ફ્રૂટ્સ ખાવ. ઓકે, પણ સાથે કહો કે ચીકુથી કબજિયાત વધે. ઝાડા થાય તો પપૈયું ના ખવાય.

એસિડિટીવાળો ખાટા ફળ ખાય તો વધુ એસિડિક થાય. ભારત સદીઓથી દેશી ગાયના દૂધમાં માનતું, હવે વિજ્ઞાન કહે છે એટુ ગાયનું દૂધ સારું ત્યારે સારું માનવાનું? આયુર્વેદ પર હસતાં પહેલાં પુરાવા આપવા જોઈએ કે ચ્યવનપ્રાશથી કેમ ઇમ્યુનિટી ના વધે.

ભારતની અભણ, ઓછું ભણેલી ‘ને બોગસ ભણેલી તેમ જ વિજ્ઞાન ના ભણેલી જનતાને હર્ડ ઇમ્યુનિટી અંગે મેડિકલ સમાજ શું જણાવે છે એ અંગે સાવધાન રહે એ ફરજિયાત હતું. રસી શોધાઈ નથી ‘ને માયાવી આશાના ભરોસે લોકોને ભ્રમ ભરેલી હિંમત આપવાનું પરિણામ ભયંકર આવી શકે છે. એ તો સારું હતું કે ઘણા કે મોટા ભાગના લોકોએ સરકારનું માની લૉકડાઉન પાળ્યું. બાકી હૉસ્પિટલો ભરાઈ ગઈ હોત અને પ્રાયવેટમાં પણ જગ્યા ના હોત. મધ્યમ વર્ગ પાસે પ્રાયવેટ ટ્રીટમેન્ટ માટે લાખો રૃપિયા નથી હોતા, ગરીબોનું તો વિચારી પણ ના શકાય. સ્વિડન જેવા ફર્સ્ટ વર્લ્ડના દેશનું ઉદાહરણ લેવાય કે અમેરિકામાં એક લાખથી વધુ મરી ગયા એ ઉપરથી શીખવાનું હોય? ગીચતા અને કોરોના રોગ વચ્ચે સીધો સંબંધ છે અને ભારતમાં ગીચતા ‘ને વસ્તી બંને વધુ એ સૌને ખબર હતી. અમેરિકા હૉસ્પિટલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અતિઆધુનિક છે ‘ને ત્યાંના લોકો હેલ્થ હાઇજિનમાં આપણા કરતાં આગળ છે એવું બધાં માને છે.

વિદેશના આંકડાના કોઠાઓ આપણે આપણા સંદર્ભમાં મૂલવવાના હોય. આંકડાના કોઠાઓ જો હેલ્થ બાબતે નિર્ણાયક હોય તો કોરોના પછીના કાળ માટે અત્યારના આંકડા કામમાં લેવા જોઈએ. જેમ કે પહેલાં કેટલાં હાર્ટનાં ઑપરેશન થતાં હતાં ‘ને લૉકડાઉનમાં કેટલાં ઓછા થયાં ‘ને તેને કારણે કેટલાં મરી ગયાં? સિઝેરિયન કે સામાન્ય ડિલિવરીની સંખ્યાનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. અકસ્માત ઘટે એટલે હાડકાં અંગેનું કે સામાન્ય ઈજા અંગેનું કામ ઘટે એ કોઠો બનાવ્યા વિના સમજી શકાય. અગાઉના દિવસોની સરખામણીમાં બહારનું ના ખાવાથી કે ના બરાબર ખાવાથી પેટ, પ્રેશર ‘ને પિરિયડ અંગેની સમસ્યા વધી કે ઘટી? ડૉક્ટર્સ એ અંગે દર્દીઓને કડક થઈને સૂચના પત્ર આપી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે કોરોના મહામારીનો બીજો તબક્કો આવી રહ્યો છે જે આ તબક્કા કરતાં વધુ ખોફનાક હશે. આ અંગે આપણા ડૉક્ટર્સ આપણને શું કહે છે ‘ને કહેશે?

મોરારજી દેસાઈને યાદ કરીને શિવામ્બુમાં ના માનીએ તો એક કળીના લસણમાં? શાકાહારમાં? કમ સે કમ હજારો વર્ષોથી ભારતના લોકો સારા શરીર સાથે જીવ્યા. એમ જ સદીઓથી વધારે વસ્તી નથી. એક એકથી ચઢે એવાં યોદ્ધા અહીં સફળ આયુષ્ય પૂર્ણ કરી વિજયી બન્યા. ભારત સોનાનું પક્ષી કહેવાતું ત્યારે ભારત તંદુરસ્તીની સિદ્ધિ વિના વિશ્વમાં નંબર વન નહોતું બન્યું. મુઘલ અને અંગ્રજો બહારથી આવી અહીં એમ જ આટલાં વર્ષો રાજ નહોતા કરતાં, ભારતમાં જબરદસ્ત દમ હતો. ભાવાર્થનું કહેવાનું કે ભારતના એ સુવર્ણ કાળમાં એલોપથી નહોતી. ભારતમાં તંદુરસ્તી ‘ને રોગ માટે પોતાની પદ્ધતિ હતી. આયુર્વેદ ‘ને ઘરેલુ ઉપચારો. ઊંટવૈદ્ય ત્યારે પણ હશે એની ના નથી, પરંતુ સત્ય એ છે કે ઉત્ક્રાંતિનાં લાખો વર્ષ દરમિયાન મનુષ્ય જીવ્યો ‘ને જીત્યો તેમાં એલોપથીનો કોઈ ખાસ ફાળો નથી. એલોપથી શબ્દ ૧૮૧૦માં હોમિયોપેથીના શોધક સેમ્યુઅલે આપ્યો. એનાટોમી એટલે શરીરરચના વિષયના

અધિકૃત ખાંટુ હેન્રી ગ્રેનો જન્મ ૧૮૨૭માં થયેલો. બેશક એલોપથી માણસોને ખૂબ કામ આવે છે તથા આપણા માટે ફરજિયાત કહી શકાય તેમ છે, પરંતુ એલોપથીની પોતાની ઉંમર એવી મોટી નથી એ યાદ રહે.

તમે સારા શિક્ષકોને વિદ્યાર્થી પાછળ મહેનત કરતા જુઓ. શિક્ષકોના પગાર સારા કહેવાય છે ‘ને ટ્યુશન થકી એ લોકો ખૂબ કમાય છે એમ કહેવાય છે, પણ એમના ગળા બેસી જાય છે. એમનું પ્રેશર હલબલી જાય છે. એમના સ્વભાવ પર અસર પડે છે. ધીરા, ઢીલા કે બારકસ વિદ્યાર્થીઓને ભણાવતા એમનું લોહી પીવાઈ જાય છે. કોરોનાના કપરા કાળમાં તમે જોયું કે આખો દિવસ ખુલ્લામાં કોરોના સામે ભર તડકામાં પોલીસ કામ કરતી રહી. કોરોના સાથે જીવતા શીખવું પડે એવું કહેનારા જે પોલીસ કર્મચારીઓને કોરોના ભરખી ગયું એમને યાદ નહોતા કરતાં. તમે એવું સાંભળ્યું કે કોરોનાને કારણે પોલીસ રજા પર ઊતરી ગઈ? કોરોનામાં પોલીસ સ્ટાફ ખૂટ્યો એટલે ક્રાઇમ પણ વધી ગયો? ગૃહ મંત્રાલયના બિનપોલીસ અધિકારોને લીધે પોલીસની કામગીરીમાં લોચા પડતા હતા? ગુજરાતમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરતાં પત્રકારોને

રોડ પર કોરોનાનું રિપોર્ટિંગ કરવાથી કોઈ વિશેષ લાભ નહોતા મળતા તોય એ કામ કરતા રહ્યા.

એવું નથી કે ભારતમાં કે ગુજરાતમાં મેડિકલ સમાજ લોકોની તંદુરસ્તી માટે પૈસા લઈને સારવાર આપવા સિવાય કામ નથી કરતો. ગુજરાતી ભાષામાં લોકોની સ્વસ્થતામાં વધારો થાય એવા ઉમદા આશયથી તબીબોએ પુસ્તકો લખ્યા છે. અમુક ડૉક્ટર્સ લોકોના સારા માટે લેખો લખે છે. એવા પ્રશંસનીય પ્રયત્નોથી ઘણાને ફાયદો થયો છે. ભારતમાં  ડૉક્ટર સમાજે પૈસા કમાયા વિના ‘ને બે ડગલાં એકસ્ટ્રા ભરીને લાખો અભણ ‘ને ગરીબ લોકોને હેલ્ધી રાખવાની સફળ કોશિશ કરી છે. વિશ્વભરમાં કોરોનાની ઝપેટમાં આવેલા મનુષ્યને મેડિકલ સમાજે બચાવ્યા છે. તેમનો આભાર માનીએ એટલો ઓછો છે. હિન્દુ ધર્મની કોઈ વિધિ કરવા બેઠેલા યજમાનને કહેવામાં આવે છે કે તમારા માતાપિતા તથા માતૃ પિતૃનો આભાર માનો. ગુરુનો આભાર માનો. કલિયુગમાં કર્મની વ્યાખ્યાનો વ્યાપ બદલાયો છે તે મુજબ જાતકને શિખવાડવું જોઈએ કે મેડિકલ સમાજનો પણ આભાર માનો. ડૉક્ટર, નર્સ સહિત સર્વે કર્મચારી તેમ જ દવા બનાવનાર ‘ને વેચનારનો પણ આભાર માનવો જોઈએ. સર્વે મેડિકલ સમાજનો આભાર, ભૂલચૂક માફ કરજો.

ડૉક્ટર્સ પોતાની જીભથી એવું કહેતાં જ નથી કે એ લોકો ભગવાન છે કે જ્યોતિષ છે કે સિદ્ધ પ્રકારના ગુરુ છે. બિનતબીબ સમાજ એમને એપોઇન્ટેડ દેવ કે ઑથોરાઇઝ્ડ દેવદૂત ગણે છે. એમાંય લોકોએ અમુક ડૉક્ટર્સને વધારે પડતાં મોટા દેવ બનાવી દીધા છે. તમે કોઈને પૂજ્યા જ કરો તો એને પણ થવા લાગે કે હું દેવ છું. અહંકાર બહારથી પ્રવેશે ‘ને પોષણ પામે એ જાણીતી બાબત છે. વેલ, ડૉક્ટર્સ માણસો છે. એમને પણ મનુષ્યની ઘણી મર્યાદા નડે. કોરોનાના ભયંકર સમયમાં સતર્ક રહી સતત જવાબદારીનું કામ કરવું એ ખૂબ અસામાન્ય વાત છે. એય પીપીઈ કિટ પહેરીને. કોરોના સમયમાં કામ કરનારા સૌ વૉરિયર્સ સાથે મેડિકલ ક્ષેત્રમાં કામ કરેલું એ સૌને ડબલ કે ટ્રિપલ પગાર આપવો જ જોઈએ. ફક્ત ફૂલો વરસાવવાથી કામ ના પતે. ફૂલ ખાઈને જીવી ના શકાય ‘ને કોરોનાથી બચી ના શકાય.

ધર્મ જેમ અમુક બાબતો છોડીને વ્યક્તિગત ‘ને અંગત મામલો છે કે હોવો જોઈએ તેમ સ્વસ્થતા પણ દરેક જણની પોતાની બાબત છે. સ્વસ્થતાની જવાબદારી દરેક સ્વની છે. ઘણા કે મોટા ભાગના ડૉક્ટર્સને સામાન્ય માણસો રોગ ‘ને તેના મારણ માટે ઇન્ટરનેટ પર માહિતી શોધે તેવું ગમતું નથી. ડૉક્ટર સમાજે એ અભિગમ બદલવો જોઈએ. નોનમેડિકોએ પણ રોગ ‘ને દવા અંગેની જાતે કરેલી શોધ વગેરેની મર્યાદા ‘ને ભય સમજવા ‘ને સ્વીકારવા જોઈએ. કોરોનાના અનુભવે આપણે સૌ શીખીએ અને પોતાને અપગ્રેડ કરીએ તો આપણા માટે સારું છે, બાકી ભવિષ્યમાં આવનારી મહામારી વખતે આ વખતે જેમ ઘણુ બધું કુદરત કે ભગવાન ભરોસે ચાલ્યું એમ નહીં ચાલે. સમાજ કે લોકો બીજી ઘણી રીતે બદલાયા હશે. અમુક વાતે ડાઉનગ્રેડ પણ થયા હશે. આધુનિક મેડિકલ સાયન્સ રોગને મારવો એટલે તંદુરસ્તીને જીવાડવી એ પ્રકારના રોગની આસપાસના પેથોજિનેટિક હેલ્થ મૉડેલ પર ચાલે છે તેમાં સુધારો કરવો જોઈએ. સ્વસ્થતા એટલે ફક્ત રોગની ગેરહાજરી નથી. સ્વસ્થતા માટે આત્મનિર્ભર થવા સરકારે શું કરવું જોઈએ એ અંગે આપણા મેડિકલ સમાજે પરફેક્ટ પ્લાન આપવો જોઈએ. હિપ્પોક્રેટસને નીચે નમીને સલામ. ધન્વંતરિની જય હો.

બુઝારો

મેડિકલ સાયન્સમાં કોઈ રિસર્ચ બહાર આવે તો એ રિસર્ચ પાછળ કઈ સંસ્થા કે કંપનીનો ટેકો છે એ ચેક કરવું પડે. ૨૦૧૫-૧૬માં ન્યૂ યૉર્ક યુનિ.ના ન્યુટ્રિશનના પ્રોફેસર મેરિઓને ‘૬૦ના દશકના ૧૬૮ રિસર્ચ પેપર શોધી તેના પર રિસર્ચ કરી. તેમાંથી ૧૫૬ રિસર્ચ પેપરે તે રિસર્ચ માટે પૈસા આપનાર ખાંડની કંપનીઓના હિતમાં ભેદભાવ કરી તારણ કાઢેલા કે ખાંડ નહીં ચરબીથી તંદુરસ્તી બગડે ‘ને હૃદય રોગ થાય. ૨૦૦૭માં ૨૦૬ સ્ટડી પર સ્ટડી થયો જેનું દેખીતું તારણ પ્રગટ્યું કે એ ૨૦૬ સ્ટડી દૂધ, સોડા એટલે કે કૉલ્ડ ડ્રિંક તથા ફ્રૂટ જ્યૂસની કંપનીઓ દ્વારા ફંડ કરવામાં આવેલા ‘ને એમના ઉત્પાદન શરીર માટે સારા ‘ને જરૃરી છે એવાં તારણો કાઢવા માટે એ સ્ટડી થયેલાં. ૨૦૧૫માં ડેરી ઉદ્યોગે પૈસા આપી કરાવેલા સંશોધનમાં માત્ર ૧૪ ઓવરવેઇટ વ્યક્તિને પસંદ કરી એમને બે અઠવાડિયા માટે વધુ ચરબીવાળી ચિઝ ‘ને માંસ ખવડાવી તારણ ખેંચી કઢાયું કે ઓછી ચરબીયુક્ત ‘ને કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકની સામે આવી ચિઝ ખાવાથી સારું કોલેસ્ટ્રોલ શરીરમાં વધ્યું જે સારું છે.
——–

Leave A Reply

Your email address will not be published.

Translate »