તમારા માટે, તમારી સાથે, સતત…

નૈતિકતા સાથે પોતાની ફરજ નિભાવતા શિક્ષકોને એક સલામ..

'અમે ભલે ઘરે રહીએ કે શાળામાં, હંમેશાં અમારા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા જ રહીએ છીએ.

0 92
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

કોરોનાના કહેરથી ક્યારે મુક્તિ મળશે તે કહેવું તો શક્ય નથી, પરંતુ લૉકડાઉનનો સમય હાલ પૂરતો પૂર્ણ થયો છે. જોકે આ સમય ક્યારેય ભૂલી નહીં શકાય. વિશ્વભરમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને સલામી આપી સન્માન આપવામાં આવ્યું, પરંતુ આ લિસ્ટમાં એક નામ શિક્ષકનું પણ હોવું જોઈએ. ખાસ કરીને મહિલા શિક્ષિકાઓ, જે લૉકડાઉનમાં પરિવારની ફરજ સાથે પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે પણ ડ્યૂટી નિભાવી રહ્યાં હતાં.

એ.. આવી બે મિનિટમાં જ આવું છું. બસ, ફટાફટ આ વર્કશીટ વિદ્યાર્થીઓને વૉટ્સઍપ કરું, તેમનો અભ્યાસ તો શરૃ થઈ જાય. મનમાંને મનમાં સુરભી બોલી રહી હતી. વર્કશીટ વૉટ્સઍપ કરી સુરભી ફટાફટ પરિવાર માટે આલૂ-પરાઠા બનાવવા રસોડામાં ચાલી ગઈ. એક બાજુ પરાઠા અને બીજી બાજુ પરિવાર માટે હેલ્ધી દૂધ, સાસુમા માટે ઉકાળો અને પતિદેવ માટે ખાંડ વગરની ચા. સુરભીને ચાર હાથ હોય તેમ તે કામ કરવા લાગી. ચા-નાસ્તો પરવારી ફરી રૃમમાં જઈને ફોન લઈને બેસી ગઈ. કયા વિદ્યાર્થીએ વર્કશીટ કરી છે..? કોણે નથી કરી.? જવાબમાં ક્યાં ક્યાં ભૂલ છે..?  રાઇટિંગ કેવા છે..?  વગેરે ચેક કરતી હતી અને અચાનક જ આયુષે મમ્મા..મમ્મા કરી બૂમ પાડવાનું શરૃ કર્યું. પતિ અનિકેત પણ કહેવા લાગ્યો કે સુરભી, આ આયુષને જો, મને હેરાન કરે છે, મારે ઑફિસમાં જરૃરી મેઈલ કરવાના છે. તે મનમાં બોલી, હું પણ જરૃરી કામ જ કરી રહી છું, પણ મનની વાત મનમાં લઈને દીકરા પાસે દોડી. દીકરાને ચિત્રનું કામ સોંપી, પોતે ઘરનું બાકી કામ અને રસોઈ કરવામાં વ્યસ્ત બની. બધંુ પરવારતાં બપોરના બે થયા હતા. સાસુજી, અનિકેત અને દીકરો આયુષ આરામ કરી રહ્યાં હતાં અને પોતે વિદ્યાર્થીની વર્કશીટ ચેક કરી રહી હતી. એટલું જ નહીં, નવી શીટ બનાવવાનું કાર્ય પણ કરવાનું હતું. ઘડિયાળની ટકટક તેને સંભળાતી હતી અને નજર સમક્ષ સમયની ગણતરી કરી રહી હતી. આખરે ગણિત વિષયનાં શિક્ષિકા હતાં માટે ટાઇમ મૅનેજમૅન્ટનું તો કહેવંુ જ ન પડે. લૉકડાઉનમાં અનિકેત, દીકરો આયુષ અને સાસુમા બધાંય ઘેર, તેમનાં ભોજન માટે નવી-નવી ફરમાઈશ, દીકરાને બિઝી રાખવાનું શિડ્યુલ અને સાસુજી હવે મંદિર અને બહાર બેસવા ન જઈ શકે માટે તેમને પણ ઘરમાં ગમે. આધ્યાત્મિક ચેનલો જોઈ શકે તે તમામ વાતોનું ધ્યાન ઉપરાંત ઘરનાં દરેક કામ કરવાની સંપૂર્ણ ફરજ સુરભીએ નિભાવવાની હતી, પણ.. આ બધાંની વચ્ચે જેમાં સુરભી સતત રચીપચી રહેતી તે હતું તેના વિદ્યાર્થીઓનો અભ્યાસ. ફોન પર વાત થાય તો કોઈ કહે પણ ખરા કે તારે તો મજા છે નહીં, અત્યારે તો તારા કામનું પણ લૉકડાઉન. સુરભી કોઈ જ જવાબ આપતી નહીં, કારણ કે તે કોઈને સમજાવવા ઇચ્છતી જ ન હતી કે મારા વિદ્યાર્થીઓના ભવિષ્યની જવાબદારી મારી છે અને જેમ ઘર, પરિવાર બાળકોની જવાબદારી નિભાવું છું તેવી જ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂર્ણ પાડવાની મારી નૈતિક ફરજ છે.

Related Posts
1 of 55

ખબર નહીં કેમ, પરંતુ શિક્ષકો પ્રત્યે લોકોને રોષ રહે છે. ઘણાને તો લાગે છે કે સૌથી સારી નોકરી જ શિક્ષકોની છે. શાળામાં આવવાનું અને એ..ય મજા કરવાની, પણ વિચારવા જેવી વાત છે કે જો શિક્ષકોએ મજા જ કરી હોત તો આપણા દેશમાં કોઈ ડૉક્ટર, એન્જિનિયર, સીએ, કલેક્ટર, કમિશનર કે ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકો ના હોત. હા, કોઈ અપવાદ હોઈ શકે, પરંતુ તેના કારણે આપણે સમગ્ર શિક્ષકગણ સામે આંગળી ના ચીંધી શકીએ. ખેર જવા દો એ વાત, આપણે તો વાત કરવી છે લૉકડાઉન પિરિયડ અને શિક્ષિકાની ફરજની.

અનિલા રામી શહેરની જાણીતી શાળામાં શિક્ષિકા છે. અંગ્રેજી વિષયનો અભ્યાસ કરાવે છે. ‘અભિયાન’ સાથે વાત કરતાં કહે છે, ‘અમે ભલે ઘરે રહીએ કે શાળામાં, હંમેશાં અમારા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા જ રહીએ છીએ. લૉકડાઉનમાં ઘરની જવાબદારી થોડી વધી જાય છે. સતત ઘરમાં રહેવાના કારણે પરિવારમાં દરેક વ્યક્તિના વિચારો પણ બદલાઈ જાય છે. આવા સમયે પરિવાર અને ઓનલાઈન સ્ટડી, બંને ફરજમાં પોતાનું સો ટકા પરફોર્મન્સ આપવંુ થોડંુ કઠિન હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય ક્ષેત્રની જગ્યાએ શિક્ષણ ક્ષેત્રને પસંદ કરે ત્યારે જ તે નક્કી કરી લે છે કે અમારે એવા પ્રયાસ કરવાના છે જેનાથી આ દેશને સારી વ્યક્તિ આપી શકીએ. અને તેના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ. લૉકડાઉનના સમયમાં બાળકનો રસ અભ્યાસમાંથી ઓછો થઈ ન જાય તે જોવાની જવાબદારી તેમના પરિવારની સાથે અમારી પણ છે. માટે ઓનલાઈન સ્ટડીમાં અમે માત્ર વર્કશીટ જ નહીં, પરંતુ ચિત્રકામ, ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુથી પ્રોજેક્ટ બનાવવાનું કાર્ય પણ સોંપતા હતા. શાળામાં જઈને અભ્યાસ કરાવવો અને ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં મુશ્કેલી તો રહે જ છે, પરંતુ વિદ્યાર્થીઓના ભાવી માટે એટલંુ કરવું તો જરૃરી છે.’

પુરુષ શિક્ષકની તુલનામાં મહિલા શિક્ષકના ફાળે થોડી જવાબદારી વધારે હોય છે એમ કહેતાં માન્યા પટેલ કહે છે, ‘મહિલાઓને ઘરની તમામ જવાબદારી પૂર્ણ કર્યા પછી પોતાની શાળાનું વર્ક કરવાનું હોય છે, જ્યારે પુરુષને માત્ર જોબ કરવાની હોય છે. હું અને મારા પતિ નિસર્ગ બંને શિક્ષક છીએ, તેઓ હિન્દી અને હું ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. અમારી શાળાઓ જુદી-જુદી છે, પણ કામ એક છે, બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવો. મારે ૩-૪ ધોરણના વિદ્યાર્થીઓને સ્ટડી કરાવવાની હોય છે. માટે તેમને મોકલવામાં આવેલી વર્કશીટના જવાબ ઘણી ચીવટ પૂર્વક ચેક કરવા પડે છે. ઘણીવાર નાની નાની ભૂલ હોય છે જે તેમને ઓનલાઈન સમજાવવી પડે છે. જોકે આ મારું ફેવરિટ કામ છે, માટે મને તેમાં ઘણી જ ખુશી મળે છે, પરંતુ ઘરકામ કરતાં-કરતાં સતત ચિંતા રહે છે કે કોઈની વર્કશીટ આવી ગઈ હશે, કોઈને પ્રોબ્લેમ હશે, કોઈ કૉલ કરે અને હું ક્યાંક આઘી-પાછી હોઈશ તો.. પણ એક વાત છે, લૉકડાઉનના દિવસોમાં પણ હું મારા બાળકો (વિદ્યાર્થી) સાથે જોડાઈને રહી શકી તે મારા માટે ઘણી મોટી વાત છે.’

ઘણા બધા શિક્ષકો સાથે વાત કરી, ત્યારે એટલું તો સમજાઈ જ ગયંુ કે જેમ ડૉક્ટર, પોલીસ, મ્યુ.કર્મચારી, સફાઈ કામદારો અને અન્ય કામ કરતાં લોકો પોતાની ફરજ બહાર જઈને નિભાવી રહ્યા છે, એ જ રીતે શિક્ષકો પણ ઘરમાં રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ ઘરમાં છે માટે સુરક્ષિત છે એ વાત યોગ્ય છે, પરંતુ તેમનું યોગદાન અન્ય કર્મચારીની તુલનામાં જરાય ઓછું ન આંકી શકાય. શિક્ષકોને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી રહે છે. અભ્યાસને બિઝનેસ બનાવ્યો છે, ટ્યૂશન ક્લાસીસની હજારો રૃપિયા ફી લઈ રહ્યા છે વગેરે..વગેરે. એ દરેક વાતને ભલે નજરઅંદાજ ન કરીએ, પરંતુ આ સમયમાં તેમની ફરજને પણ નજરઅંદાજ ન કરી શકીએ. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવો ફરજિયાત છે, પરંતુ લગન, સીદ્દત અને નૈતિકતા સાથે અભ્યાસ કરાવવો એ ફરજ ન હતી, છતાં શિક્ષકોએ આ સમયમાં પોતાના વિદ્યાર્થીઓની આંગળી છોડી નથી અને એ માટે તેમને એક સલામ તો બને જ છે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »