તમારા માટે, તમારી સાથે, સતત…

અમેરિકન સ્વપ્નું હજુ એવું ને એવું જ છે

પ્રેસિડન્ટ ટ્રમ્પે જાતજાતનાં નિયંત્રણો લાદવાનાં શરૃ કર્યાં છે

0 135
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

કોલંબસે ૧૪૯૨માં અમેરિકા ખંડની શોધ કરી અને વિશ્વના લોકો એ તક અને છતના દેશ પ્રત્યે આકર્ષાયા. બધા એક અમેરિકન સ્વપ્નું સેવવા લાગ્યા. ‘હાર્વર્ડ’ ને ‘સ્ટેનફર્ડ’ના સ્નાતક બનવાનું, ઉત્તમ શિક્ષણ મેળવવાનું, રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ, એટલે કે શોધખોળ કરવાનું, ગુલામીમાંથી છુટકારો મેળવી પ્રગતિ કરવાનું, કામ અને કમાણી કરવાનું, મનગમતી રીતે રહેવાનું, મનગમતો ધર્મ પાળવાનું, ધર્મમાં શ્રદ્ધા ન હોય તો નાસ્તિક બનીને રહેવાનું, સ્વપ્નું સેવવા લાગ્યા. ભારતીયો રૃપિયાના ડૉલર કરવાનું સ્વપ્નું સેવવા લાગ્યા.

અમેરિકામાં ભયંકર ઊથલપાથલો થઈ છે. ભયાનક રોગચાળા ફેલાયા છે. આર્થિક મુશ્કેલીઓ આવી છે. તોયે એ દેશ શોધાયો ત્યારથી વિશ્વના લોકો અમેરિકન સ્વપ્નું સેવે છે. આર્થિક મુશ્કેલીઓ યા રોગચાળાઓને કારણે એ સ્વપ્નું રગદોળાઈ નથી ગયું. અમેરિકાના પ્રેસિડન્ટોની ઇમિગ્રેશનની નીતિને કારણે એ છિન્નભિન્ન નથી થઈ ગયું. આજે પણ જે લોકો પ્રગતિ ઇચ્છે છે, જ્ઞાનમાં વૃદ્ધિ કરવા ચાહે છે, કરોડપતિ નહીં, અબજોપતિ બનવા ઇચ્છે છે, સ્વચ્છંદી નહીં, પણ સ્વતંત્ર બનવા ઇચ્છે છે, એ સર્વેનું એક અમેરિકન સ્વપ્નું હોય છે.

પરદેશીઓ એમના દેશમાં આવીને લાભ ખાટી ન જાય એ માટે પ્રેસિડન્ટ ટ્રમ્પે જાતજાતનાં નિયંત્રણો લાદવાનાં શરૃ કર્યાં છે. મોટા ભાગનાં નિયંત્રણોને અમેરિકાની કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યાં છે. હાલમાં જ્યારે વિશ્વ આખું ‘કોવિડ-૧૯’ના ભરડામાં ભેરવાયું છે, ત્યારે ટ્રમ્પે ૨૨ એપ્રિલ, ૨૦૨૦ના એક ઢંઢેરો બહાર પાડીને અમુક લોકોને અમેરિકામાં આવતા હંગામી ધોરણે અટકાવ્યા છે. આ કારણોને લીધે અનેકો, જેઓ અમેરિકા ફરવા, ભણવા, નોકરી કરવા, બિઝનેસ કરવા કે અન્ય કાર્યો માટે જવા ઇચ્છતા હતા, જેઓ ત્યાં કાયમ રહેવા જવાની ઇચ્છા ધરાવતા હતા, જેઓ નવ લાખ ડૉલર અમેરિકાના રિજનલ સેન્ટરમાં રોકીને ત્યાં કાયમ રહી શકાય એ માટેના ગ્રીનકાર્ડ મેળવા ઇચ્છતા હતા, એમાંના ઘણાના વિચારો ઢચુપચુ થઈ ગયા છે. આનો લાભ લઈને અન્ય દેશો ‘અમેરિકા જવું હવે હિતાવહ નથી. અમારા દેશમાં આવો’ એવો પ્રચાર કરી રહ્યા છે.

Related Posts
1 of 319

‘કોવિડ-૧૯’ ફક્ત અમેરિકામાં જ નથી ફેલાયો. કેનેડા, યુકે, યુરોપ, ઑસ્ટ્રેલિયા, ભારત, વિશ્વના બધા જ દેશોમાં એ ફેલાયો છે. અમેરિકા ખંડ જ્યારથી શોધાયો ત્યારથી આજ સુધીમાં એ દેશમાં અનેક ભયાનક રોગચાળાઓ ફેલાયા છે.

ઈ.સ. ૧૬૩૩માં યુરોપમાંથી અમેરિકા ગયેલા લોકો એમની સાથે ‘સ્મોલ પોકસ’ લઈને ગયા અને સિત્તેર ટકા રેડ ઇન્ડિયનો એને કારણે મૃત્યુ પામ્યાં. ૧૭૯૩માં ‘યલો ફીવરે’ ૫૦૦૦ અમેરિકનોનો ભોગ લીધો. ૧૮૪૨થી ૧૮૬૬ દરમિયાન ત્યાં ‘કોલેરા’ ફાટી નીકળ્યો અને રોજના પથી ૬ અમેરિકનો એનો ભોગ બન્યા. ૧૯૦૬માં ‘ટાઇફૉઇડે’ ૧૧,૦૦૦ અમેરિકનોને મોતને ઘાટ ઉતારી દીધા. ૧૯૧૮માં ‘સ્પેનિશ ફ્લૂ’એ ૬૭,૫૦૦ અમેરિકનોના જીવ લીધા. ૧૯૨૧માં ‘ડિપ્થેરિયા’એ ૧૫,૫૨૦ અમેરિકનોને માર્યા. ૧૯૧૬થી ૧૯૫૫ દરમિયાન ‘પોલિયો’માં ૩૦૦૦ અમેરિકનોએ જાન ખોયા. ૧૯૫૮માં ‘સ્કારલેટ ફીવર’ને કારણે અનેક અમેરિકનો મૃત્યુ પામ્યાં. ૧૯૮૦માં ‘એડ્સ’નો રોગ અમેરિકામાં પ્રવેશ્યો. આજે ૧૨,૦૦,૦૦૦ અમેરિકનો આ રોગથી પીડાય છે. ૧૯૮૧માં ‘મિઝલ્સ’નો રોગચાળો પ્રસર્યો. દસ વર્ષ સુધી દર વર્ષે એણે ૧૦,૦૦૦ અમેરિકનોનો એટલે કે ૧,૦૦,૦૦૦ અમેરિકનોનો ભોગ લીધો. ૧૯૯૩માં ડહોળાયેલા પાણીને કારણે ૪,૦૩,૦૦૦ અમેરિકનો મરી ગયા. ૨૦૧૦ અને ૨૦૧૪માં ૧૦,૦૦૦ અમેરિકનોને ખાંસી અને ઉધરસનો જીવલેણ રોગ લાગુ પડ્યો. આમ છતાં અમેરિકામાં જઈને વસેલા લોકો ભાગીને બીજા દેશમાં નથી ગયા. અમેરિકાએ આ સમય દરમિયાન ઉત્તરોત્તર પ્રગતિ જ કરી. દિવસે દિવસે વધુ ને વધુ લોકો અમેરિકા જવા લાગ્યા. અમેરિકન સ્વપ્નું સેવવા લાગ્યા.

રોગચાળા ઉપરાંત અમેરિકાએ અત્યાર સુધીમાં જુદી-જુદી ૪૭ જબરજસ્ત આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ‘ગ્રેટ ડિપ્રેન્શને’ તો અડધા ઉપરાંત અમેરિકનોને ઘરબાર વગરના કરી નાખ્યા હતા. ૫૦૦૦ બેંકોને ઉઠમણુ થયું હતું. છતાં લોકો અટક્યા નથી. ડૉલરનો ભાવ ૧૯૮૦માં નવ રૃપિયા હતો એ આજે વધીને ૭૫ રૃપિયા થઈ ગયો છે. આજે પણ વિશ્વના દરેક દેશના લોકો અમેરિકન સ્વપ્નું સેવે છે, અમેરિકા જવા ઇચ્છે છે. આજે પણ સ્વદેશ છોડીને પરદેશમાં સ્થળાંતર કરતા યા પરદેશમાં અન્ય કોઈ પણ કારણસર જવા ઇચ્છતા લોકોની સૌપ્રથમ પસંદગી હોય છે અમેરિકા.

આ કટારના લેખક બાળપણમાં ‘ટોમ ઍન્ડ જેરી’ના કાર્ટૂન જોઈને ડિઝનીવર્લ્ડના સ્વપ્ના સેવતા હતા. મોટા થતાં કાઉબૉયની ફિલ્મો જોઈને ટેક્સાસમાં આવેલ ડલાસ અને ફોર્ટવર્થ, આ શહેરોના સ્વપ્ના ધરાવતા હતા. યુવાનીમાં એલિઝાબેથ ટેલર અને માર્લિન મોનરોની ફિલ્મો જોઈને હોલિવૂડના સ્વપ્ના જોતા હતા. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ અને વૉલ સ્ટ્રીટ એમના સ્વપ્નામાં દેખાતી હતી. અમેરિકા તેઓ ૬૦થી વધુ વખત જઈ આવ્યા છે. તો પણ હજુય એમને અમેરિકાના સ્વપ્ના આવે છે. હાર્વર્ડમાં આઠ અઠવાડિયાનો કાયદાના અભ્યાસનો ટૂંકો કોર્સ કરવાનું હવે એમનું સ્વપ્નું છે.

જે કોઈ પણ ભારતીય અમેરિકન સ્વપ્નું સેવતો હોય, અમેરિકા જવાની ઇચ્છા હોય, તો કોઈ પણ કારણસર એમણે એમનું અમેરિકન સ્વપ્નું વિખેરી નાખવું ન જોઈએ. અમેરિકા, તમારે કોઈ પણ કારણસર ત્યાં જવું હોય, એ માટે વિઝા ધરાવે છે. જરૃર છે ફક્ત એ મેળવવાની લાયકાતો શું છે એની જાણકારી મેળવવાની. એ લાયકાતો ખૂટતી હોય તો પ્રયત્ન કરીને એ ખોટ પૂરવાની. ત્યાર બાદ સચ્ચાઈપૂર્વક વિઝાની અરજી કરવાની. વિશ્વના લોકોનું અમેરિકન સ્વપ્નું વિખેરાઈ ગયું કે રગદોળાઈ નથી ગયું. અમેરિકન સ્વપ્નું હજુ પણ હતું એવું ને એવું જ છે.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »