તમારા માટે, તમારી સાથે, સતત…

લોકો આમ કેમ વર્તે છે? મુખડા દેખો દર્પણ મેં…!

ભાષાની ગરિમા તો ભાષા સાંભળીને નક્કી થઈ શકે

0 206
  • મનોવિજ્ઞાન – વિનોદ પંડ્યા

અપેક્ષા, વાણી, વર્તનનું એક વિશ્વ છે. જેને સમાજમાં ન રહેવું હોય તેને માટે એ વિશ્વમાં રહેવું જરૃરી નથી, પણ જેમને રહેવું હોય એમણે વાણી, વર્તનની કળા વિકસાવવી પડે છે. મૅનેજમૅન્ટની ભાષામાં તેને સોશિયલ સ્કિલ્સ કહે છે. વાણી-વર્તનની એ આંતરારાષ્ટ્રીય ગરિમા નક્કી થઈ છે. મને લાગે છે કે જેઓ ફોરિન, રાજદૂતાવાસીય સેવાઓમાં જોડાય છે તેમને તેનું ખાસ શિક્ષણ અપાતું હશે. માનવીને અમુક બાબતો પર આપોઆપ ગુસ્સો આવે છે અને અમુક બાબતો પર તેને ગુસ્સે થવાનું શિખવાડવામાં આવે છે પછી તે ગુસ્સે થતો થાય છે. બીજા પ્રકારનો ગુસ્સો વૈજ્ઞાનિક રીતે નકલી હોઈ શકે.

ઘણા લોકોની ફરિયાદ અને સતત ફરિયાદ હોય છે કે એમનું કોઈ નથી. તેમનું કોઈ નથી તે માટે આ રોજની ફરિયાદ અને તેની આગળ પાછળનું વર્તન જવાબદાર હોઈ શકે. ફરિયાદનો અભિગમ માત્ર પોતાને કેન્દ્રમાં રાખવાનો રહ્યો હોય તો લોકો એમનાથી ડરીને સામે કિનારે જતા રહે તે સહજ છે. ફરિયાદો વધે તેમ વધુ એકલો પડી જાય તેમ વળી ફરિયાદો વધે. એક વિષચક્ર પેદા થાય. માણસ પોતાને સમજી શકતો નથી. બીજાને સમજી શકતો નથી. બીજાઓ આવીને તમારું કેટલું કરે? એમને એમની પોતાની સમસ્યાઓ ઊકેલવાની હોય છે.

અપેક્ષા, વાણી, વર્તનનું એક વિશ્વ છે. જેને સમાજમાં ન રહેવું હોય તેને માટે એ વિશ્વમાં રહેવું જરૃરી નથી, પણ જેમને રહેવું હોય એમણે વાણી, વર્તનની કળા વિકસાવવી પડે છે. મૅનેજમૅન્ટની ભાષામાં તેને સોશિયલ સ્કિલ્સ કહે છે. વાણી-વર્તનની એ આંતરારાષ્ટ્રીય ગરિમા નક્કી થઈ છે. મને લાગે છે કે જેઓ ફોરિન, રાજદૂતાવાસીય સેવાઓમાં જોડાય છે તેમને તેનું ખાસ શિક્ષણ અપાતું હશે.

ભાષાની ગરિમા તો ભાષા સાંભળીને નક્કી થઈ શકે, પણ આવું વર્તન જ સંસ્કારી અથવા ગરિમાપૂર્ણ ગણાય તે કોણે નક્કી કર્યું? તેનો આધાર શો? કેટલાક વર્તનો માત્ર ટ્રેડિશન અથવા રિવાજથી પેદા થયા હોય. કોઈની સાદડીમાં સફેદ કપડાં પહેરીને જાઓ કે અન્ય રંગના પહેરો. જો સાચી લાગણીથી ગયા હો તો કપડાંના રંગોથી કશો ફરક ના પડે, પણ તમારી આસપાસના લોકો ફાટેલાં, માગેલાં બનિયાન પહેરતાં હોય ત્યારે તમે વારંવાર નવાં કપડાં પહેરતાં ફરો અને એ ગરીબોની વચ્ચે જ એ નિતનવાં ફ્લોરોસેન્ટ વાઘા અને આભૂષણોનું પ્રદર્શન કરતા રહો તો તે માનવીય વર્તન નથી. દુનિયામાં લિંગભેદ, જાતીભેદ, વર્ણભેદ, ધર્મભેદ બાબતમાં કેટલીક સરસ પ્રગતિઓ થઈ છે. ક્યાંક અધોગતિ પણ થઈ છે. આ પ્રગતિઓ સાથે સુસંગત હોય તે વ્યવહાર, વર્તનને સ્વીકૃત ગણવામાં આવે છે. ભારતથી જે વિદ્યાર્થીઓ, વર્કરો, પ્રવાસીઓ વિદેશોમાં જાય અથવા ત્યાંના લોકો ભારતમાં આવે ત્યારે તેઓ જે નવાઈ, આઘાત, વિમાસણ અનુભવે તે કલ્ચર શોક તરીકે ઓળખાય છે. પોતાના જ દેશની દૂરની ધરતી પર જઈએ તો પણ તે અનુભવવવા મળે. ઘણા લોકો તે શોક અનુભવવા ખાસ ગોવા જાય છે. આ વર્તન તેના તમામ અર્થો સ્પષ્ટ કરે છે. જે પ્રજા ઑફિસોમાં, સમારંભોમાં હાજર રહેવા માટે ડ્રેસ કોડ અપનાવે, ઑફિસોમાં ટાઈ, સૂટ, શર્ટ, શૂઝ અમુક પ્રકારના હોવા જોઈએ. કફલિન્ક્સનાં બટન સુધ્ધાં બંધ રાખવા જોઈએ તેવો ચીકણો આગ્રહ રાખે અને દરિયાકિનારે જઈને નગ્ન બની જાય! બંને સ્થિતિ પાછળના વિચારો ગળે ન ઊતરે! આવી સ્થિતિમાં પ્રવાસી નક્કી ના કરી શકે કે ક્યાં વર્તનને અપનાવવું? સાચું ગણવું? જેઓ સાવ અજાણી ભૂમિ પર જાય તેઓને એવા અમુક પ્રોટોકોલ અને રિવાજની જરા પણ જાણ નથી હોતી. ત્યાં તેઓ એવું વર્તન કરી બેસે જ્યાં તેઓનો તિરસ્કાર થાય. જો તમારે આંતરરાષ્ટ્રીય (અને રાષ્ટ્રીય પણ) સમાજ સાથે તાલ મેળવવો હોય તો અમુક સોશિયલ સ્કિલ્સ જરૃર અપનાવવા પડે. અન્યથા વારંવાર ઉપહાસપાત્ર બનવાની સંભાવના રહે છે. નિષ્ફળતા પ્રાપ્ત થાય અને પ્રગતિ રૃંધાઈ શકે છે. બીજા કોઈ કરતાં બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને પ્રોફેશનલ્સ માટે તે સ્વીકારવા જરૃરી છે, પણ સાચા અને ખોટાનો ભેદ કેમ પાડવો? કઈ કળાઓ જરૃરી છે? અને કઈ કળાઓની અવગણના કરો તો ચાલે?

આજકાલ અભ્યાસક્રમોમાં, ગ્રુમિંગ કલાસીસમાં ટ્યૂટરો (અલબત્ત, પાન માવો ચગળાવતાં ચગળાવતાં) આ શિક્ષણ આપે છે. કેટલુંક શિક્ષણ પ્રવાસીએ જાતે નિરીક્ષણ કરીને મેળવવું પડે. ‘વ્હેન ઈન રોમ, ડૂ વ્હોટ રોમન્સ ડૂ.’ અગાઉ ગામડાંના લોકો શહેરમાં જતા ત્યારે તેઓને કલ્ચર શોક લાગતો. પતિપત્ની રસ્તા પર સાથે ચાલ્યાં જાય તેની પણ નવાઈ લાગતી. શહેરોના લોકો પણ સ્નોબિશ, વાયડા હતા. ગામડાના લોકોને તેઓ ગંવાર અને હાંસીનું પાત્ર સમજતાં. ગંવારનો અર્થ જ ગ્રામીણ થાય છે. શું શહેરીજનો આવંુ વર્તન કરતા તેથી તેને સામાજિક કળા તરીકે સ્વીકારવું જરૃરી છે? ના બિલકુલ નહીં. તેમાં માનવા નથી. દૂર કે વિદેશોમાં જતા લોકોને ના સમજાય કે કઈ વાત સ્વીકારવી? ક્યા પ્રકારનું વર્તન કરવું ઘટે? તો જવાબ એ છે કે જે વર્તન માનવીય છે તેનો દરેક જગ્યાએ સ્વીકાર થશે. ઘણી વખત સ્થળ પર વિવેક વાપરીને, ભાવના અને સંવેદનાના આધારે નિર્ણય લેવાનો હોય, જે આજુબાજુની દુનિયાની માન્યતાથી વિરુદ્ધ હોય, પણ સંવેદનાને આધારે લેવાયો હોય તો તેનો સ્વીકાર થશે.

આ મુદ્દા પર પહોંચવા માટે લાંબી પૂર્વભૂમિકા બાંધવી પડી, વિષયના એન્જિનનું ખૂબ શન્ટિંગ કરાવવું પડ્યું તેનું એક કારણ એ છે કે સમાજનો એક મોટો વર્ગ આવી બાબતોને વેવલી ગણે છે. અમને ફાવે તેમ વરતીએ, તેમાં લોકો શું કામ નક્કી કરે? તેવી મનોવૃત્તિ ધરાવતા હોય છે. ફ્રાન્સની એક પરફ્યુમ કંપનીને ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરવી હતી. સરવે કરાવ્યો. અહેવાલ તૈયાર થયો. તેમાં જણાવ્યું હતું કે સરેરાશ ભારતીયોને સુગંધ કે દુર્ગંધથી કોઈ ફરક પડતો નથી. દુર્ગંધથી ટેવાઈ ગયા છે તેથી પરફ્યુમ્સની તેઓને ખાસ જરૃર જણાતી નથી. દસેક વરસ પહેલાંની આ વાત છે. એક ટીવી ન્યૂઝ ચેનલના પત્રકારને આ રિપોર્ટનું તથાકથિત ‘સ્કૂપ’ હાથ લાગી ગયું. બસ પતી ગયું. ભારતના લોકોનું અપમાન કરવામાં આવ્યું છે તેવી એક ઝુંબેશ એ ચેનલે આરંભી દીધી. સારું છે કે લોકોને તેમાં કશું અપમાનજનક ના લાગ્યું છતાં મોટાં ભૂતને કેટલાંક નાનાં ભૂતો મળી રહે છે. કોંગ્રેસના જયરામ રમેશ ૨૦૧૧માં બોલ્યા હતા કે, ભારત દુનિયાનો સૌથી ગંદો દેશ છે અને જો ગંદકી કરવા માટેનો નોબેલ પારિતોષિક અપાતો હોય તો તે ભારતને મળે અને દર વરસે મળે. રમેશની પણ ઘણાએ ટીકા કરી, પરંતુ જેમને દેશની ચિંતા હોય તે જ આવી સાચી વાણી બોલી શકે.

માનવીને અમુક બાબતો પર આપોઆપ ગુસ્સો આવે છે અને અમુક બાબતો પર તેને ગુસ્સે થવાનું શિખવાડવામાં આવે છે પછી તે ગુસ્સે થતો થાય છે. બીજા પ્રકારનો ગુસ્સો વૈજ્ઞાનિક રીતે નકલી હોઈ શકે. પ્રથમ પ્રકારનો, અંદરથી આવતો ગુસ્સો પ્રાકૃતિક હોય છે અને તે પ્રકાર દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. ગુસ્સાને અહીં સંકીર્ણ અર્થમાં લેવાનો નથી. તે કંટાળો કે અણગમો હોઈ શકે. ગામના રસ્તા પર દલિત યુવક ઘોડે ચડીને નીકળે તેની સામેનો રોષ અપાકૃતિક છે, શિખડાવેલો છે તેથી તે જગતમાં સર્વવ્યાપકપણે જોવા મળતો નથી. માત્ર ભારતમાં જ જોવા મળે અને વાજબી ગણવામાં આવતો નથી.

જોકે દુનિયામાં લોકો એકબીજા સાથે, મહેનત કરીને પણ ભેદ ઊભા પાડતા હોય છે અને પૂર્વગ્રહો બાાંધી લડતા હોય છે. ભારતમાં દલિતો સાથેના અત્યાચારો પૂર્વાગ્રહની એક ચરમસીમા હતા.

કાઠિયાવાડથી મુંબઈ એક ભાઈ વારંવાર આવતા. પાન એમનો મુખ્ય ખોરાક. એ ચાવવા તે એમનો મુખ્ય વ્યાયામ. ગાલોમાંથી પિચકારીઓ નહીં, પણ લાલ પ્રવાહીના કોગળા દૂરથી વૉશબેઝિન પર વરસાવતા રહે. વાતોના શોખીન એટલે વૉશબેઝિન સુધી બરાબર પહોંચ્યા વગર દૂરથી ઠાલવીને પાછા રૃમમાં આવી જાય. સફેદ વૉશબેઝિન અને દીવાલો લાલ લાલ. એ જતા રહેતા પછી એમની માનેલી બહેન કહેતી કે આવા લોકો શા માટે મહેમાન તરીકે આવતાં હશે? ઘણા ચપ્પલો પહેરીને આવે. પગના તળિયાઓમાં દાયકાઓનો મેલ જમા થયો હોય તે યજમાનના સોફા પર, પગનું તળિયું ગોઠવી, હાથના આંગળા વડે ઘસી ઘસીને ખાલી કરે. યજમાને તે સાફ કરવા પડે, આગલા દિવસે ઓલરેડી સાફ કર્યા હોય, છતાં મેલા દાગ રહી જાય, સોફા માટે ઊંચી કિંમતો ચૂકવવી પડતી હોય એવું કશું જ મહેમાનને પલ્લે ના પડે.

આવા મહેમાન યજમાનને ક્યાંથી ગમવાના? યજમાનનો રોષ, અણગમો ક્યાંક વક્ત થઈ જાય તો મહેમાન વાતો કરતો ફરે કે, ‘એને અભિમાન આવી ગયંુ છે. એને કોઈ મહેમાન આવે તે ગમતું નથી.’ તો શું મહેમાનોની ગંદકી સહન કરવી તે નમ્રતા છે? હું એવા અનેક લોકોને ઓળખું છું કે અમુક મહેમાનો ઘેર આવીને મનફાવે તેમ રહે એ વાતથી જ તેઓને મહેમાનો ગમતાં નથી. મહેમાનોને સાચવવામાં ખર્ચ થઈ જાય તે મોટો સવાલ નથી. હશે કોઈક એવા કે જેમને અન્ય કારણોથી મહેમાનો ગમતાં નથી. શહેરોના લોકોને નોકરી ધંધામાં તકલીફો પડતી હોય છે, પરંતુ મહેમાનોને મહેમાન થતાં પણ આવડવું જોઈએ. એક ભાઈ જન્મ્યા પછી સતત કલાક સુધી, સોફા પર બેસીને વાત કરે અને સાથે સાથે સળી વડે દાંતોનું ખનનકામ પણ કરે. બે હોઠ સુધી આવેલા પદાર્થને હાથથી પકડી સોફાના આર્મરેસ્ટ પર મલમની જેમ ચોપડે. આ વિધિ એમનું નાનું મગજ કરતું હોય, ટેવને કારણે, તેથી સારું કામ કરી રહ્યા છે કે ખરાબ તેની મોટું મગજ કોઈ નોંધ જ ના લે. દાંતને સળી કરતા હોય ત્યારે ચોખાનો દાણો બહાર ઊછળીને યજમાનના શર્ટ પર કે દીવાલ પર જઈ પડે. જેવા મહેમાન હોય એવા જ યજમાન હોય (મુખ્યત્વે આવું જ છે) તો ખાસ વાંધો નથી આવતો. નહીંતર બેમાંથી એકનું આવી બને. મહેમાન થવાનું તો ટાળી શકાય. યજમાન અનિચ્છાએ પણ બનવું પડતું હોય છે.

મહેમાનો સમજે કે આપણી ગંદકી આપણને પ્રિય હોઈ શકે, યજમાનો માટે ત્રાસ બની જાય તો તકલીફનો ઉકેલ આવે. જે આપણને જ પ્રિય ન હોય તે યજમાનને શા માટે પ્રિય હોઈ શકે? બીજાની રૃબરૃમાં જાહેરમાં દાંત ખોતરવા, કાન સાફ કરવા, વારંવાર ઉધરસ ખાવી, ટિસ્યુ પેપર મોં આડે ન ધરવા, મોંમાં આંગળી નાખવી, ટોઇલેટ ફ્લશ કરવાનું ભૂલી જવું, ખાતાં ખાતાં શર્ટ પર પાડવું, મોટરસાઇકલના વ્રુમ.. વ્રુમ…ની માફક દુનિયા સાંભળે તે રીતે નાક સાફ કરવું, ટિસ્યુ રસ્તા પર ગમે ત્યાં ફેંકવા તે અસંસ્કાર ગણાય છે અને કેટલીક બાબત કાયદેસર ગુનો બને છે. ગુજરાતી બહેનો અને ભાઈઓ અમેરિકા, યુરોપમાં વેફર ખાઈને થેલી કારની બારીમાંથી બહાર ફેંકી દે છે અને પછી દંડ થયો હોવાનાં પુષ્કળ ઉદાહરણો છે. અમેરિકા-યુરોપમાં તે પણ જરૃરી શિષ્ટાચાર ગણાય છે કે યજમાનનાં બાળકો માટે ચોકલેટ્સ, નટ્સ જેવી કોઈ ખાદ્યચીજો લઈ ગયાં હો તો એમનાં બાળકોને તેની એલર્જી તો નથી ને તે મા-બાપને પૂછ્યા પછી જ બાળકોને એ ચીજ આપવાની હોય. ટેલિફોન પર ઘાંટાઓ પાડીને વાત કરવી, બીજાની રૃબરૃમાં લાંબી વાતો કરવી વગેરે વર્જ્ય ગણાય છે.

Related Posts
1 of 319

કોઈના ફોનમાં ડોકિયા કરવાના હોતાં નથી, કોઈની ટપાલો વાંચવાની હોતી નથી. પછી ભલે ફોનનો માલિક કે એડ્રેસી હાજર ના હોય! ટ્રેનમાં કે બસમાં ધીમે વાત કરવાની હોય. ઘોંઘાટ ત્યાં વધુ અપ્રિય છે. ઇમરજન્સી હોય તો જ કારનું હોર્ન વગાડવાનું. યજમાનને એમના અંગત જીવનની વાતો પૂછવાની ના હોય. યજમાન પોતાની રીતે બતાવે તો ઠીક. આપણા દેશમાં લોકો હિતેચ્છુ હોવાનો દાવો કરી આપણી તકલીફોમાં ઊંડા ઊતરે, પણ ભાગ્યે જ કોઈ કોઈની મદદ કરે. વાતોની જાણી તેમાં પોતાની રીતે વઘાર ઉમેરીને પોતાની રીતે યથાશક્તિ આગળ વધારે. અમને ભાવનગરનો એક હસમુખ ગાધકડા ગાંડો (અરે! સૂક્ષ્મ હિંસા થઈ ગઈ.’ પણ ના નામ ખોટું છે) એકે પ્રસંગમાં મળી ગયો. અમારા જીવનમાં જે કોઈ તકલીફ ના હતી તે પણ શોધી કાઢીને તેના નિદાન અને સારવાર એણે જણાવ્યા. આ માણસ ઉચ્ચ વ્યવસાયમાં હતો. આપણે કહીએ છીએ કે સ્ત્રીઓને પંચાત કરવાની ટેવ હોય, પણ આ તો દેખાવથી તો પુરુષ હતો. ત્યાં ઊભેલા મારા મિત્ર તુરંત જ બોલી ઊઠ્યા કે જુઓ આ માણસ, શિક્ષણના વ્યવસાયમાં હતો!

જે મળે તેને પૂછતા ન ફરો કે તમારા દીકરા દીકરીએ લગ્ન કર્યાં કે નહીં? કર્યાં તો કોની સાથે કર્યા? તમારી જ્ઞાતિમાં કેમ ના કર્યાં? તમારી જ્ઞાતિ કંઈ? દીકરાઓ સાથે સંબંધ કેવા છે? આવું પૂછીને ક્યારેક તમે કોઈકની દુઃખતી નસ દબાવી દેતાં હશો અને તમને ખ્યાલ પણ નહીં હોય! આવું પૂછ્યા પછી કે ક્યારેક તમારી હાજરીમાં તમારી આબરૃ ઓછી થશે. હવેની પેઢી તો જવાબ પણ આપી શકે છે કે આવો કોઈ અધિકાર અમે તમને આપ્યો જ નથી. તમે મહેમાન તરીકે ગયા હો ત્યારે યજમાનની નમ્રતાને સાચો પ્રેમ ના માની લેવો. એ કદાચ સજ્જનતા નિભાવતા હોય, પણ તમે એક હદથી આગળ વધો તો અપમાનની પણ તૈયારી રાખવી. યજમાન આટલા પૈસા ક્યાંથી કમાયા? એવી પૂછપરછ કરવી તે પણ અવિવેક છે. યજમાન વાત છેડે અને તમે આગળ વધો તો વાત અલગ છે. સૌરાષ્ટ્રમાંથી એક દાદા મુંબઈમાં એમના પુત્રને ત્યાં આવતા અને પછી બિલ્ડિંગના ફ્લેટોમાં વગર આમંત્રણે જાય. ફ્લેટના રહેવાસીને કહે કે, ‘આ હા હા, મુંબઈમાં રહેવાની જગ્યાના ભાવ તો ભાઈ માની ના શકાય! તમે તમારો આ ફ્લેટ વેચો તો કેટલા રૃપિયા આવે?’

એક ભાઈએ વળતો જવાબ આપ્યો કે, ‘દાદા તમે શા માટે અમારું ઘર વેચી નખાવવા માગો છો?’ દાદાના દીકરાને આ વાતની જાણ થઈ તો ગુસ્સે થઈને કહ્યું કે, ‘ઘરે બેસતા હો તો? શા માટે ફરફર કરો છો?’ દાદાએ પોતાના ગામ જઈને ત્યાંની શૈલી પ્રમાણે દરેકને કહેવા માંડ્યંુ કે દીકરો હવે બાયડીના કહ્યામાં રહે છે. ટૂંકમાં, કારણ વગરની બબાલ ઊભી કરો અને દીકરા-દીકરીને તેમાં વ્યસ્ત બનાવો તેની જરૃર શી છે? જીવો અને જીવવા દોની નીતિ અપનાવીએ તો ઘણી સમસ્યાઓ ઊભી જ ના થાય અને આજકાલ સમસ્યાઓનો કોઈ પાર છે? ફ્લેટની પસંદગી, ખરીદી, લોન, રજિસ્ટ્રેશન, ક્રેડિટ કાર્ડ, મેન્ટેનન્સ, કારના હપ્તા, વીજળીનું બિલ, રિનોવેશન, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કેબલવાળા, ટાટા-સ્કાય, વાઈ-ફાઈ અને મોબાઇલ ફોન, સ્કૂલ-કૉલેજની ફી, એમ કોઈકના બિલ અને કોઈકના ખર્ચા ઊભા જ હોય. લગ્ન અને શિક્ષણના ખર્ચા. સાથે નોકરી ધંધા સંભાળવાના. અગાઉ આવું ક્યાં હતું? ત્યારે પારકી પંચાત મનોરંજન હતી. અત્યારે કરો તો દરેકને માટે ત્રાસદાયક છે. લોકો એમનાં એ કામો બરાબર કરી શકે તે માટે તેઓને હળવા અને તાણમુક્ત રહેવા દો. જો અત્યંત જરૃરી ના હોય તો કોઈના મહેમાન પણ ન બનવું. યજમાનને વ્યથિત જ કરવાના હો તો તે ટાળવું. ઘણી વખત એવું બને કે યજમાન પતિને પસંદ હોય તો પણ યજમાન પત્નીને મહેમાન પસંદ ના હોય. કાં તે મળતાવડી ના હોય, ઘરમાં સગવડતા ન હોય, વધારે કામ આવે તે પસંદ ન હોય. ઉપરાંત ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે જે ખાતરીપૂર્વકનો કંજૂસ માણસ હોય તેના મહેમાન ભૂલથી પણ ના બનવું.

નવી મિત્રતામાં વિવેક જાળવવો પડે. તમારા કોઈ વિશેષ ગુણ કે સંજોગોને કારણે કોઈ શ્રીમંત માણસ તમારો મિત્ર હોય તો એની પાસેથી ઉછીના પૈસા કે બીજી મદદો માગતા ન રહો. એ સામેથી આપે અને જરૃર ના હોય તો તેને સ્વીકારવી નહીં. દુનિયામાં દરેક સ્થળે અને આપણે ત્યાં વિશેષ જોવા મળે છે કે લોકો પૈસાદાર મિત્રો શોધે છે. તેઓની અપેક્ષાઓ કંઈક જુદી જ હોય છે. શ્રીમંતો આ જાણતા હોય છે તેથી તેઓ અમુક લોકોને મિત્રો બનાવતા ડરે છે. તેઓને ત્યાં અપેક્ષાધારી લોકોની લંગર લાગેલી હોય છે. યાદ રાખો કે શ્રીમંત બધાને આપ્યા કર્યા હોત તો એ ક્યારેય શ્રીમંત થયા જ ના હોત. શ્રીમંત હોવા ઉપરાંત એ જ્ઞાની, સમજદાર, લાગણીશીલ અને અનુભવી હોઈ શકે છે. તેની પાસેથી એ મેળવો. એમને પણ અનુભવ થશે કે બધા જ લોકો પૈસાની અપેક્ષા સાથે મિત્રતા રાખતા હોતા નથી. પૈસાની મદદ (ઉછીના કે વ્યાજે) માગવાથી તેઓને ચીડ ચડે છે, કારણ કે તેઓ સતત આવી માગણીઓનો જ સામનો કરતા હોય છે.

ચીડ ચડવાના લોકો અને સમય, સંજોગો પ્રમાણે કારણો બદલાતાં હોય છે. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો માખીઓનો ત્રાસ અસહ્ય લાગે. ત્યાંના લોકો હાથ હલાવી હલાવી થાકી જાય. શહેરના લોકો બપોરના સૂઈ જ ના શકે. સ્થાનિક માણસ ટેવાઈ ગયો હોય. તેને માખીઓથી વધુ ચીડ ના ચડે. શહેરવાસી બીજા ત્રીજા દિવસે રવાના થઈ જાય, પણ સ્થાનિકે તો ત્યાં રહેવાનું જ છે. અમેરિકન આદમીને મોઢા ફરતે એક પણ માખી બણબણે તો ક્રોધ ચડે છે. ઘણા લોકોને બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓનો ફોબિયા અથવા ભય હોય છે જે જર્માફોબિયા તરીકે ઓળખાય છે. તેઓ માખી, મચ્છરોના ત્રાસથી ગુસ્સે તો ભરાય, દુઃખી અને વ્યથિત પણ થાય. આવી એક વ્યક્તિને હું ઓળખું છું. ભારતના ગામડામાં મોટા થયા હોય તેઓને એવો ફોબિયા કદાચ લાગુ જ ના પડે. આપણે ત્યાં શિંગદાણા (નટ્સ)ની એલર્જી ભાગ્યે જ જોવા મળે. અમેરિકનો તેનાથી દૂર રહે તેથી તેઓમાં એલર્જી વધુ જોવા મળે. પાણીનો ડર (હાઇડ્રોફોબિયા) દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય પાણીમાં પડવાનો છે તેમ એક વર્ગ માને છે. ઘણાને લિફ્ટમાં જવાનો ફોબિયા હોય, ઘણાને મેદાનોની પહોળાઈનો અને ઘણાને સંકડાશમાં રહેવાનો ફોબિયા હોય. આ ફોબિયાને ઉશ્કેરે એવી સ્થિતિ પેદા થાય ત્યારે તેઓ દુઃખી થઈ જાય. ઘણાને ઘોંઘાટ ન ફાવે, બદબૂ ન ફાવે. દરેક ફોબિયાનો ઉપાય કાયદાથી ના નીકળે છતાં ઘણાનો કાનૂની ઉકેલ શોધવામાં આવ્યો છે. જેમ કે ઘોંઘાટ, બદબૂ, અતિશય રોશની ફેલાવી ના શકાય, પણ લિફ્ટમાં કે પહોળા મેદાનમાં માફક ના આવે તેનો શો કાનૂની ઉપાય થઈ શકે.

મુંબઈમાં એક પારસી સન્નારી ૨૩ માળ ચડીને ક્યારેક ઑફિસે જતાં. એમને લિફ્ટમાં અસહ્ય મૂંઝવણ થતી. આમાં કેટલીક દુઃખી કરનારી બાબતો વ્યક્તિગત છે. ઘોંઘાટ, બદબૂ યુનિવર્સલ અથવા સાર્વત્રિક છે. ઘણી બાબતોમાં મોટા ભાગના લોકોને ત્રાસ થાય, ખીજ ચડે, કંટાળો આવે અને માથું દુઃખે. જો માનવી દ્વારા સીધી કે આડકતરી રીતે આવી ઉશ્કેરણી થાય તો તેને અસામાજિક વૃત્તિ ગણવામાં આવે છે. જોકે માનવીને થનારા ત્રાસ બાબતમાં ખાસ સંશોધનો થયાં નથી. કદાચ તેની વધારે જરૃર પણ નથી, કારણ કે જે ત્રાસ થતો હોય તે એમ જ સમજી શકાય છે. તો પણ દસ વરસ અગાઉ પત્રકારો ફ્લોરા લીચમેન અને જો પાલ્કાએ ‘એનોઇંગ ઃ ધ સાયન્સ ઓફ વ્હોટ બગ્સ અસ’ શીર્ષકથી પુસ્તક લખ્યું હતું.ત્યાર બાદના દસ વરસમાં માણસને ત્રાસ આપે, ક્રોધ ચડાવે તેવા પરિબળો વધ્યાં છે. જેમ કે ટ્વિટર, ફેસબુક અને સોશિયલ મિડિયાના ઉશ્કેરીજનક, મોટા ભાગે જૂઠાં, એકતરફી, પક્ષપાતપૂર્ણ લખાણો ઘણાને દિવસો સુધી અકારણ માનસિક પરિતાપમાં જકડી રાખે છે. પોપ-અપ થતી જાહેરખબરો અને વારંવારની સૂચનાઓ માણસને ચીડ ચડાવે છે. હમણા રાજકોટમાં એક બાપુની એક જીપકાર રસ્તામાં બંધ પડી ગઈ તો એમણે સળગાવી દીધી. સોશિયલ મીડિયામાં પરોવાઈ રહીને જરૃરી કામ બાકી રહી જાય તે બાબત પણ ચીડ અને માનસિક ત્રાસમાં ઉમેરો કરે છે. સોશિયલ મીડિયાની ગેરહાજરી હોત તો વ્યક્તિને જે મુદ્દામાં બિલકુલ રસ ન પડ્યો હોત તે મુદ્દામાં એ આજે ઘૂસી જાય છે. વચ્ચે વચ્ચે બિનજરૃરી ફોન કૉલ્સનો ત્રાસ ખૂબ વધ્યો હતો. તે આજે હળવો કરવો પડ્યો છે, પરંતુ નવા ત્રાસ વધી ગયા છે. વલસાડ શહેરમાં અમુક બેન્કોની સામે સ્કૂટરો એવી રીતે પાર્ક કરી દેવાય છે કે તમે બેન્કમાં જલ્દીથી પ્રવેશી જ ના શકો. ટ્રાફિક સિગ્નલો પર હોર્ન વગાડવાથી કશો જ ફાયદો થવાનો નથી તે જાણતા હોવા છતાં નગરો અને મહાનગરોમાં અભણ પ્રજા માથું પકવી દે. તેઓને કોઈક જાતનો પિશાચી આનંદ જરૃર મળતો હશે! નેશનલ જિયોગ્રાફિકના એક સર્વેક્ષણ પ્રમાણે કંપનીઓનાં કોમ્પ્યૂટરો દ્વારા વારંવાર આવતાં રૉબોકૉલ્સ, પોપ–અપ જાહેરખબરો, સેલ્ફી, બીજા લોકોના ફોન કૉલ્સ, સ્કૂટરો, અલેક્સા, ઈકો, સિરિ અને તેવી બીજી ટૅક્નોલોજી ચીડ ઉપજાવનારી છે. આપણને ટ્રાફિક સિગ્નલો પર (અને અમસ્થા ય રસ્તાઓ પર) હોર્નનો અવાજ ત્રાસદાયક લાગે છે.

અમેરિકામાં આ તકલીફ નથી, પરંતુ ત્યાં વનરાજી વચ્ચે વસેલી સોસાયટીઓમાં તમરાનો અવાજ શાંતિમાં ખલેલ પહોંચાડે છે. ત્યાંના તમરાઓ પણ કોરસમાં તાર સપ્તકથી જ ઉપાડ કરે. સૌરાષ્ટ્રમાં વતનમાં ચોમાસાની સિઝનમાં નદીના દેડકા ઊંઘવા દેતાં નથી. શ્રાવણ મહિનામાં કૂતરા ભસે તે ત્રાસ. અમેરિકનોને પણ આ ત્રાસ સતાવે છે, પણ તે પોતાના કે પડોશના પાળીતા કૂતરાનો હોય છે. આપણને ખાસ ત્રાસ ન લાગે, પણ અમેરિકનોને ખૂબ લાગે. અમેરિકનોને જે ઘોંઘાટ ત્રાસદાયક લાગે તેમાં પાનખરમાં પાંદડા એકઠા કરતાં મશીનોનો અવાજ છે. વાસ્તવમાં પંખાઓવાળાં વાહનો દ્વારા સૂકાં પાંદડાઓને ફૂંકીને એક જગ્યાએ એકઠા કરાય અને પછી મોટા હોઝપાઈપ દ્વારા તેને સક કરી (શોષી) લેવાય છે. અમેરિકનોને આ ઘોંઘાટ માફક નથી આવતો. કારના હોર્ન વાગતાં નથી પણ રિવર્સના એલાર્મ વગેરે વાગે તે પણ અણેરિકનોને ત્રાસ આપે. કોઈ મોઢું ખુલ્લું રાખીને અવાજ સાથે ચાવે કોઈને ગાતાં આવડતું ના હોય અને ગાય, મકાન બાંધકામનો અવાજ, અધિકારી લોકો બુમબરાડા પાડે તે, હાથ પગના ઢચાકા ફોડવા તેનો અવાજ, કોઈ પણ જાતનો ઊંચો અવાજ, ઊંચા અવાજે બોલતા પાડોશીઓનો અવાજ ત્રાસદાયક લાગે છે. તમરાંના અવાજની વાત નીકળી છે તો જણાવું કે આ લખનારને પાંચેક વરસથી ‘ટિનિટસ’  નામની એક કન્ડીશન (સ્થિતિ) સતાવી રહી છે. તેમાં ૨૪ બાય ૭, કાનમાં તમરાનો સતત અવાજ સંભળાય. પ્લીઝ, કોઈ સારવાર સજેસ્ટ કરશો નહીં. તેનો કઈ ઈલાજ નથી. પરંતુ તેના તરફ ધ્યાન ન આપો તો તે કોઈ તકલીફ પણ નથી.

લખવાનો આશાય છે કે ઘોંઘાટની નાછૂટકે ટેવી પડી જાય છે. ભૂલથી ઉદગાર નીકળી જાય કે મનેએસીડીટી થઈ છે તો બાજડુમાંથી એક જણ તો કહે જ છે કે ઠંડુ દુધ પીઓ. ચાલીસ વરસથી હું આ સલાાહ સાંભળતો આવું છું. દુધથી બધાને સારૃં ના થાય. તો એ બોલશે કે અમને તો સારૃં થઈ જાય છે. હવે ફરી લમણાઝીક અને માથાનો દુઃખાવો અને પુનરાવર્તનની ચીડ. માત્ર ઘોંઘાડિયા ટૅક્નોલોજી, ટૅક્નોલોજિકલ ખલેલ કે ટાચકા ફોડવાની ટેવ જ બીજા માણસોને ત્રાસ નથી આપતી. ઘણા લોકો પોતે ત્રાસદાયક હોય છે. ખાસ કરીને પોતાની વાણી અને વલણને કારણે. કેટલાક નમૂના આપણે આગળ જોયા. હું તમને કહું કે બ્રસેલ્સ, બેલ્જિયમ ખાતે યુરોપિયન યુનિયન (ઈ.યુ.)ના પ્રમુખ ચાર્લ્સ માઇકલનો મેં ઇન્ટરવ્યૂ લીધો હતો અને મેં (નાના મગજ વડે) ટાતકા ફોડિયા ત્યારે પ્રમુખે મને હસીને તેમ કરવાની ના પાડી હતી. બીજાના નામ વડે પોતાને ચમકાવવાની આ

વૃત્તિને નેઇમડ્રોપિંગ કહે છે. વાસ્તવમાં થયું હતું જુદું. બ્રસેલ્સમાં અમે એક ગ્રુપમાં રેસ્ટોરાંમાં ગયા ત્યારે સાથે એક સ્થાનિક ગોરી સ્ત્રી હતી. ટેબલ પર મેં આદતવશ ટાચકા ફોડી નાખ્યા જે એ સ્ત્રીને પસંદ ના પડ્યું. એ અમારી સાથે જ હતી તેથી આમ ન કરવાની રિકવેસ્ટ કરી. કોઈ અજાણી હોત તો વધુ નારાજ થાત. મને પ્રથમ વખત ખ્યાલ આવે કે આ ક્રિયા પણ અવિવેક ગણાય છે, પણ તમે અવિવેકનું સ્ટાન્ડર્ડ જેમ જેમ ઊંચે લઈ જાઓ તેમ તેમ સ્નોબરી અથવા મિથ્યાવૈભવ અને દંભ બની જાય. ઇંગ્લેન્ડ, અમેરિકામાં મહેમાનોના ભોજન માટે સાતથી આઠ છરી, કાંટા, ચમચા, ચમચી ગોઠવવાના હોય તેમાં પ્રથમ ક્રમે, બીજા ક્રમે શું મૂકવું? કેમ મૂકવાં? તેનું પણ શાસ્ત્ર છે. ગ્લાસમાં વાઈન કેમ ભરવો? કઈ રીતે કઈ આંગળીઓ વડે ગ્લાસને ઊંચકવો તેની પણ પ્રમાણિત મેથડ છે. હવે આપણને તેનો કેવી રીતે ખ્યાલ આવે. શું દરેક શાસ્ત્રો ભણીને ત્યાં જવું? પણ ભારતમાં એવા ઘણા મિસ્ટર અને મિસિસ સારાભાઈ છે જેઓ આ સ્નોબરી ખાસ શિખે છે. મારુંં માનવું છે કે તેમ નહીં કરવાની કોઈને માનસિક કે શારીરિક તકલીફ આપતાં નથી. કદાચ કોઈને ખરાબ લાગે તો લાગે. તો પણ એ સત્ય હકીકત છે કે ખાસ કરીને ઇંગ્લેન્ડમાં ટેબલ મેનર્સના મુદ્દે પતિ-પત્નીઓ વચ્ચે ઝઘડા થાય છે અને છૂટાઝેડા પણ લેવાય છે.

પોતાની સિદ્ધિઓને (સાચી કે ખોટી) પ્રસિદ્ધિ આપતા રહે. પોતાના રૃપ અને ગુણ સાંભળે અને સંભળાવીને ખુશ રહે તેવા અહો રૃપમ અહો ધ્વનિ પ્રકારના લોકો નાર્સિસ્ટિક શ્રેણીમાં આવે છે. આ પ્રકારના ઘણા રંગ અને શેડ છે, પણ એકંદરે તેઓથી લોકો ખુશ રહેતા નથી. અમેરિકન પ્રજાને સેલિબ્રિટિઝ લોકો ત્રાસદાયક લાગે છે. ભારતમાં મલ્લઈકા અરોરા ત્રાસદાયક જેને લાગતી હશે તેઓને વધુ ત્રાસદાયક તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની સાઈટ લાગતી હશે જે રોજ એની તસવીરો છાપે છે. કટ્ટર, ધર્માન્ધ અને પક્ષપાતી લોકો તરફ પણ અમેરિકનોએ સરવેમાં ઘૃણા દર્શાવી હતી.

ફ્લાઈટ મોડી પડે તે બાબત અમેરિકનોને ગુસ્સો આપે છે. ફ્લાઈટ ઊપડવાનો સમય વીતી ગયા પછી પણ ઇન્ડિકેટરમાં ‘ઓન ટાઇમ’ લખેલું હોય તે વધુ ગુસ્સે કરે છે અને સૂચના હોય કે ‘એક કલાક મોડી પડશે’ તો થોડો ગુસ્સો આવે, પણ જો સદંતર કોઈ સૂચના કે કોમ્યુનિકેશન ના હોય તો સૌથી વધુ ગુસ્સો આવે છે. ભારતમાં પણ આવું જ છે, પણ વારંવારની દેરીને કારણે લોકો પ્રમાણમાં થોડા વધુ ટેવાયેલા હોય છે.

એ જ પ્રમાણે નેતાઓ પણ લોકોને ત્રાસદાયી લાગે છે. જે નેતાઓ ખોટું બોલતા રહે તે મોટા ત્રાસદાયી બને છે. સતત મૌન જાળવે કે સતત બોલતા રહે અને જમીન પર કશું પરિણામ ના દેખાય તેવા નેતાઓ જગતભરના લોકોને પસંદ નથી. દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી માત્ર ભોજપુરી ગાયક તરીકે જાણીતા હતા ત્યારે યુરોપના કોઈક દેશમાં ગયા હતા. યાદ છે ત્યાં સુધી તે પોલેન્ડ હતું કે નોર્વેમાંથી કોઈક દેશ હતો. ભારત આવીને એમણે જાહેરાત કરી કે એ યુરોપિયન દેશની સરકાર અને પોસ્ટ-ઑફિસે મનોજ તિવારીના પ્રદાનની કદરરૃપે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે. એ સમાચારો પહેલા પાને ચમક્યા. બીજા દિવસે પત્રકારોએ ફોલો-અપ તપાસ કરી તો ખબર પડી કે ત્યાં અમુક પર્યટન સ્થળની આસપાસ એવા લોકો બેસે છે જેમને તમે તમારી તસવીર આપો તો તેને ટપાલ ટિકિટના સ્વરૃપમાં ફેરવી આપે છે. તે સુવેનિયરના રૃપમાં હોય. તિવારીએ તેને સત્તાવાર સન્માન ગણાવ્યું. પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના પગ બારણામાંથી. રાજકારણમાં જશે અને જૂઠાણા ચલાવશે તે ત્યારે જ નક્કી થઈ ગયું હતું. સરવે કહે છે કે લોકોને આવા લોકો પસંદ નથી.

એક સંશોધન કહે છે કે, સેલફોન પર માણસ મોટે મોટેથી વાતો કરતો હોય તે લોકોને ત્રાસદાયક એટલા માટે જણાય છે કે લોકો બે પક્ષમાંથી માત્ર એકની વાત, અધૂરી વાત સાંભળી શકે છે, પણ મારા જેવાને તો બે લોકો રૃબરૃમાં મોટે મોટેથી વાતો કરતા હોય તો પણ ત્રાસ થાય છે. શું કરીશું? કેટલાયની કેટલી રીતભાતો, વર્તનો, વિચારો, શૈલીઓ આપણને પસંદ નથી. તેઓને આપણુ કંઈ પસંદ નથી. તો શું કરવું? મરી જવું? કે તેઓને મારવા? તેનો કોઈ ફાયદો નથી. હમણા મરવામાં નુકસાન છે. ખોટ જાય તેમ છે. હજી હમણા તો સ્ટેન્ટ બેસાડ્યા છે. ફાયદો શો? અને મારવા જઈએ તો સામે વાગશે. માટે સહનશક્તિ કેળવો. સમજાવો. ન ફાવે તો દૂર જઈને ડેરા-તંબુ તાણો. આ પણ સોશિયલ સ્કિલ્સ છે, જે ન્યાયવ્યવસ્થાના અભાવમાં ખાસ ભારત માટે આપોઆપ ડેવલપ થઈ છે.
————.

Leave A Reply

Your email address will not be published.

Translate »