તમારા માટે, તમારી સાથે, સતત…

વિક્ષિપ્ત મનઃ  લૉકડાઉનની ઘાતક અસર

લૉકડાઉનને કારણે જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વ્યક્તિ અને પરિવારમાં સર્જાઈ છે

0 199
  • કવર સ્ટોરી – તરુણ દત્તાણી

કોવિડ-૧૯ જેવી એક અસાધ્ય અને અતિ સંક્રમક નાઇલાજ બીમારીના નિયંત્રણના એકમાત્ર અને આખરી ઉપાય રૃપે દેશમાં લૉકડાઉન જાહેર કરાયું તો તેની આડ અસર રૃપે નવી પારિવારિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સર્જાઈ છે. એક પ્રકારે એ માનસિક તનાવની બીમારી જ છે, જેના ઉપચાર માટે જાગૃત અને સતર્ક લોકો મનોચિકિત્સકોની સલાહ લઈ રહ્યા છે. જ્યાં આવી સતર્કતા નથી ત્યાં તેનાં ઘાતક પરિણામો જોવા મળ્યાં છે. સતત ઘરમાં રહેવાને કારણે અવસાદ અને હતાશાનો શિકાર બનેલા લોકોના વ્યવહારમાં વિચિત્ર બદલાવ જોવાયા છે. આ બદલાવને કોઈ સમજે એ પહેલાં જ કોઈ કિસ્સામાં વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હોય એવું પણ બન્યું છે.

લૉકડાઉનનો અત્યારે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને શક્ય છે કે તેના અંત પછી નિયંત્રણોમાં ઘણી છૂટછાટો આપવામાં આવે, પરંતુ એ વખતે પણ કોરોના વાઇરસના સંક્રમણનો ખતરો યથાવત હશે અને તેને કારણે શરતોના પાલન સાથે પ્રવૃત્તિની છૂટછાટ મળશે, પરંતુ લૉકડાઉનને કારણે જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વ્યક્તિ અને પરિવારમાં સર્જાઈ છે એ તો એક અલગ જ અભ્યાસનો વિષય બની રહેશે. આવા અસંખ્ય કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવી છે, પરંતુ લૉકડાઉનમાં જનસંપર્કની પણ મર્યાદાને કારણે બીજા અનેક કિસ્સાઓ અને અનેક પ્રકારની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ લૉકડાઉનના અંત પછીના સમયમાં બહાર આવશે. સ્ત્રી-પુરુષ, બાળક અને વૃદ્ધ તમામનાં મનોવલણોને લૉકડાઉને અસર કરી છે. તેના કેટલાક સારા નિહિતાર્થો હશે તેમ લૉકડાઉનના ઘટનાક્રમે અનેકોના દિમાગમાં વિચાર અને વ્યવહાર પ્રક્રિયાના ધરાતલ પર અનેક નવા ચાસ પાડ્યા હશે. તેને સમજવાનો અવસર અને અવકાશ પણ પછીથી મળશે. શક્ય છે કે એ વ્યાપક સામાજિક વિમર્શનો વિષય પણ બને.

Related Posts
1 of 262

લૉકડાઉનના પ્રથમ તબક્કાના શરૃઆતના દિવસોને બાદ કરતાં પછીના દિવસોમાં મનને શાંત રાખીને પરિવારજનો સાથે સંયમપૂર્વક સમય પસાર કરવો એ પણ એક પડકારરૃપ કાર્ય બની ગયું. વ્યક્તિ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ ક્યારેક તો એવો તબક્કો આવે જ કે જ્યારે તે કંટાળી જાય, ચિંતા અને હતાશામાં ડૂબી જાય. ઘણા પરિવારોમાં એવું બન્યું છે કે દિવસો પસાર થવાની સાથે આર્થિક તંગી સહન કરવાની આવી હોય અને એ વખતે પરિવારમાં કલહનું વાતાવરણ સર્જાયું હોય. મધ્યમ વર્ગના અસંખ્ય પરિવારો માટે આવી સ્થિતિ અત્યંત વિકટ બની રહે એ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં જો કોરોના સંક્રમણની દહેશત કે શંકા જન્મે તો પણ ઘાતક બને. ઉત્તર પ્રદેશમાં સહારનપુરમાં ગન્ના વિકાસ પરિષદના એક ડીટીપી ઓપરેટરે કોરોના સંક્રમણની દહેશતમાં આત્મહત્યા કરી લીધી. અમૃતસરમાં એક નિવૃત્ત શિક્ષિકા અને તેના ફોટોગ્રાફર પતિએ ઝેરી પદાર્થનું સેવન કરીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે ચિઠ્ઠીમાં લખ્યંુ હતું કે, કોરોના થવાની શંકામાં તેઓ મોતને વહાલું કરી રહ્યાં છે. જોકે તપાસમાં બંનેના રિપોર્ટ નેગેટિવ હતા. બાંદા જિલ્લાના ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવી જ કોરોના સંક્રમણના ભયથી એક વ્યક્તિએ પંખા પર લટકી જઈને આત્મહત્યા કરી લીધી હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેને શરદી-તાવ હતો, પરંતુ કોરોનાના ભયને કારણે દવાખાને જવાનું ટાળ્યું અને મોતને વહાલું કર્યું. કોરોના સંક્રમણની આ દહેશત પણ કેટલી જીવલેણ બની રહી છે એ આ ઉદાહરણો પરથી સમજી શકાય છે. કોરોના સંક્રમણની અવસ્થામાં બધાથી અલિપ્ત રહેવાની દહેશતે તેઓને મોતના મુખમાં ધકેલ્યા હોવાના તારણમાં તથ્ય તો છે જ.

-અને હવે એક અનોખી ઘટના જુઓ. બિઝનેસના કામ માટે શ્રીલંકાથી પાછા આવ્યા બાદ ૧૪ દિવસનો હૉમ ક્વોરન્ટાઈનનો સમય પસાર કરનાર મૃદુ સ્વભાવનો એક યુવાન અચાનક આવેશમાં આવી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. પરિવારના સભ્યો દોડીને તેને પકડે એ પહેલાં એ યુવાને એંસી વર્ષની એક વૃદ્ધ મહિલાના ગળામાં જોરથી બચકું ભરી લીધુું. તેનું આ વિચિત્ર વર્તન પરિવારના લોકો માટે પણ સમજવું મુશ્કેલ હતું. વિજ્ઞાનની ભાષામાં તેને ‘કેબિન ફિવર’ કહે છે. દિવસો સુધી એક સીમિત જગ્યામાં રહેવાને કારણે ઉત્પન્ન થતી ચિંતા, લાચારી અને ગુસ્સા જેવી લાગણી ઉત્પન્ન કરે છે. મનોચિકિત્સકો એવું કહે છે કે, સતત ઘરમાં રહેવાની એકરસતા તેમજ કંટાળો માનવ વ્યક્તિના આંતરિક દ્વંદ્વને વધારે છે. આવી ઘટના ભાગ્યે જ બને છે, પરંતુ ઘરમાં કેદ જેવી સ્થિતિ જે લોકો બહારથી સ્વસ્થ દેખાતા હોય પરંતુ દિમાગી સ્તરે પીડિત હોય એવા લોકોને ઉત્તેજિત કરી શકે છે. એવા લોકોમાં અસાધારણ કે વિચિત્ર વર્તનનાં લક્ષણો બહાર આવી શકે છે. જે લોકો પહેલેથી જ પોતાની માનસિક સમસ્યાની સારવાર કરાવી રહ્યા છે તેમને માટે તો આ સમય ખરેખર કઠિન છે જ. સાથોસાથ કોરોના સંક્રમણના જોખમને કારણે જ લાચારી, વિવશતા અને નિરાશા જન્મી છે એ તંદુરસ્ત લોકોમાં પણ ઉદાસી અને વ્યગ્રતા વધારી શકે છે. તેને કારણે વ્યક્તિમાં ચીડિયાપણુ, અનિદ્રા અને સ્મૃતિ તેમ જ એકાગ્રતા સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. દિલ્હીની એમ્સના મનોચિકિત્સક ડૉ. રાજેશ સાગરના કહેવા પ્રમાણે આ સમય એવો છે કે બીમારીમાંથી સાજા થઈ ગયેલા મનોરોગી પણ ફરી બીમાર પડે તેવી સંભાવના રહેલી છે. એથી આ સામાજિક અલગાવ વચ્ચે પણ સારવારના પ્રયાસ ચાલુ રાખવા જોઈએ.

વધુ પડતા અલગ રહીને તનાવપૂર્ણ કામ કરનારા અવકાશયાત્રીઓ પર નાસાએ જે સંશોધન કર્યું છે તે અલગાવની અસરો ઓછી કરવામાં સહાયરૃપ ગણાય છે તેનો ઉપયોગ જોખમી વિસ્તારોમાં રહેતા સૈન્યના જવાનો, નૌકાદળના જવાનોની સાથોસાથ એકલા રહેતા વૃદ્ધો માટે થઈ રહ્યો છે. લાંબા ગાળાના મિશનની સ્થિતિમાં વ્યવહારમાં પરિવર્તન થવાની શક્યતા વધી જાય છે. એથી અવકાશ યાત્રીઓને માનસિક રીતે એટલી હદે પ્રશિક્ષિત કરવામાં આવે છે કે તેઓ લાંબા સમય સુધી એક નાનકડી ટીમ વચ્ચે પોતાને સુરક્ષિત રાખે છે. મનોચિકિત્સકો કહે છે કે એક નાની જગ્યામાં એકલા રહેવાની ભાવના સમયની સાથે લુપ્ત થવા લાગે છે. એટલે આવા લોકો સાથે સંવાદ કરતા રહેવો જરૃરી છે, પછી ભલે એ તમારી સાથે હોય કે ઘરની બહાર હોય.

આઈસોલેશન એ માત્ર શારીરિક અલગાવ છે, સામાજિક અલગાવ નથી. એથી આજના સમયે આપણા સામાજિક મિત્રો સાથે સંપર્કમાં રહેવું જોઈએ. મતલબ, મિત્રોને ફોન કરો, સંદેશાની આપ-લે કરો, સોશિયલ મીડિયા પર સમય પસાર કરો. વાતચીત કરતા રહેવી એ એક ઉત્તમ ઔષધ છે. કમનસીબે તંગદિલી દુર કરવામાં તેની ભૂમિકાને ઓછી આંકવામાં આવે છે, જે ખોટું છે. જો તમે એક નિશ્ચિત દિનચર્યા અપનાવી હશે તો તનાવ અને અનિશ્ચિતતાને અટકાવવાનું સરળ બનશે. આવનારા દિવસો પણ અનિશ્ચિતતાથી ભરપૂર રહેવાના છે. એથી આપણે સૌએ નવી દિનચર્યા અપનાવવાની તૈયારી કરવી જોઈએ. લૉકડાઉનમાં ઘરે રહેવાના પ્રસંગને એક અવસર ગણીને જે લોકો ચાલ્યા છે, તેમનો સમય સારી રીતે વિત્યો છે, તેમાં કોઈ શંકા નથી.
—————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »