તમારા માટે, તમારી સાથે, સતત…

લૉકડાઉનના અંતની દિશામાં આગળ વધીએ

ગૃહ પ્રધાન અમિત શાહ સાવ અદ્રશ્ય નથી

0 134
  • રાજકાજ – ચાણક્ય

કોરોના સંક્રમણને કારણે દેશભરમાં અમલી બનેલા લૉકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને સરકાર હવે ચુસ્ત લૉકડાઉનનો અંત લાવીને કેટલીક ગાઈડલાઈન્સના અમલ સાથે લોકોને કામકાજની છૂૂટ આપવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેના વિમર્શ પછી સરકાર હવે જનજીવનને તબક્કાવાર સામાન્ય બનાવવા વિચારે છે. મહારાષ્ટ્ર જેવા કેટલાંક રાજ્યોએ લૉકડાઉન લંબાવવાની હિમાયત કરી હોવા છતાં જે રાજ્યોમાં ગંભીર સ્થિતિ છે એ સિવાયનાં રાજ્યોનાં લોકોને ખોટી રીતે દંડિત કરવા સરકાર ઇચ્છતી નથી. તો તેમાં એક ઉદ્દેશ દેશના અર્થતંત્રની ગાડીને ધીમે-ધીમે પાટા પર ચઢાવીને ગતિશીલ બનાવવાનો પણ છે અને હોવો જ જોઈએ. સરકારી આંકડાઓ અને તથ્યો એવું કહે છે કે, દેશના અડધાથી ઉપરાંત જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. આવા જિલ્લાઓમાં જનજીવનને વધુ સમય સ્થગિત રાખવાનો કોઈ અર્થ નથી. લૉકડાઉનમાં છૂટછાટ મળે એ પહેલાં જ સરકારે વિવિધ રાજ્યોમાં અટવાયેલા શ્રમજીવીઓને તેમના વતન રાજ્યોમાં પહોંચાડવા માટેની કાર્યવાહી પણ શરૃ કરી દીધી છે. અત્યારે ઉનાળો છે અને ખેડૂતોનાં ખેતરોમાં ઉનાળુ પાક પડ્યો છે. આ શ્રમજીવીઓમાંના ઘણા પોતાના વતનમાં કૃષિ ક્ષેત્રમાં કદાચ રોજગાર મેળવી શકે તેની સાથોસાથ ચોમાસા પહેલાં નવા વાવેતર માટે ખેડૂતો તૈયારી પણ કરી શકે.

લૉકડાઉનની હળવાશ સાથે ઉદ્યોગો – કારખાનાંઓ પણ શરૃ થશે, પરંતુ સરકારના નિર્દેશોને અનુસરીને કામ કરવામાં સંપૂર્ણ ક્ષમતા સાથે કોઈ ઉદ્યોગ ઉત્પાદન કરી શકે તેમ લાગતું નથી. એવી સ્થિતિ સુધી પહોંચવામાં લાંબો સમય લાગશે એ નિશ્ચિત છે, પરંતુ લૉકડાઉનમાં લગભગ ૩૯ દિવસથી કેદ લોકો માટે રાહતનો સમય આવી રહ્યો છે. તો લોકોએ કોરોના સંક્રમણથી બચવા માટે કામની સાથે નવી જીવનશૈલીને મહદ્અંશે કાયમી બનાવવી પડશે. માસ્ક પહેરવા અને હાથ ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા ઉપાયોથી ટેવાઈ જવું પડશે. એક જીવલેણ મહામારીથી બચવા માટે આટલી દરકાર રાખવી એ બહુ મોટી ચીજ નથી. દેશના જે વિસ્તારો કે જિલ્લાઓ રેડ ઝોનમાં આવે છે એવા વિસ્તારોમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો વધુ કડક બની રહેશે. આવા વિસ્તારોમાં પરિસ્થિતિને સુધારવી એ એક પડકાર જેવું કામ છે અને લોકોના સહયોગ વિના તેમાં સફળતા મળવાની નથી.
————.

પ્લાઝમા થેરાપી આશાનું કિરણ છે
કોરોના સંક્રમણ સામેના જંગમાં તેના એક કારગર ઉપાય તરીકે પ્લાઝમા થેરાપી પ્રત્યે આશાભરી નજરે જોવામાં આવે છે ત્યારે આ થેરાપીને હજુ સત્તાવાર માન્યતા મળી નથી. તેનો અર્થ એ છે કે આ સારવાર હજુ તેના પ્રાયોગિક તબક્કામાં છે અને તેના તબીબી પરીક્ષણ ચાલુ રહેવા જોઈએ. પ્લાઝમા થેરાપીને અસરકારક ઉપાય સિદ્ધ કરવામાં સમય લાગશે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તેને એટલે જ માન્યતા આપી નથી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થાએ તેને સીમિત સ્વીકૃતિ આપી છે. આ પદ્ધતિ દ્વારા સાજા થનારા દર્દીઓની ટકાવારી એટલી ઊંચી જોઈએ કે જેનાથી ડૉક્ટરો તેને વિશે નિશ્ચિત બની શકે. આ પદ્ધતિ દ્વારા સારવારના સંકેતો સારા છે, પરંતુ તેના પર સફળતાનો સિક્કો લાગવાનો બાકી છે. પ્લાઝમા થેરાપી એ વાસ્તવમાં કોઈ નવી શોધ નથી. છેલ્લા લગભગ સાત દાયકાથી તેનો અનેકવિધ રોગના ઉપચારમાં ઉપયોગ થતો રહ્યો છે. સાર્સ, સ્વાઈન ફ્લુ, ઈબોલા જેવા રોગોમાં પણ તેનો પ્રયોગ થયો છે. કોરોનાના ઇલાજમાં પણ આ પદ્ધતિ જો સફળ થશે તો કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકો જ આ મહામારી સામેના જંગમાં સૌથી વધુ ઉપયોગી પુરવાર થશે. કેમ કે સાજા થનારા લોકોના શરીરમાં મોજૂદ કોરોનાનો અંત લાવનાર ઍન્ટિ-બૉડી તત્ત્વ જ તેની દવાનું કામ કરવા લાગશે. જે પ્લાઝમા પ્રત્યે આપણે આશાભરી નજરે જોઈ રહ્યા છીએ એ આપણા લોહીનો જ એક ભાગ છે. પ્લાઝમાની મુખ્ય ભૂમિકા પોષક તત્ત્વો, હોર્મોન અને પ્રોટીનને શરીરના જે ભાગમાં જરૃર હોય ત્યાં તેને લઈ જવાની છે. એ સ્થિતિમાં કોરોનાના જે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી ગયા છે તેમને બળ આપવામાં પ્લાઝમાની ભૂમિકા હશે જ, પરંતુ કેટલી હશે એ સતત પરીક્ષણો પછી જ જાણી શકાશે.
————.

ગૃહ પ્રધાન અમિત શાહ સાવ અદ્રશ્ય નથી
જાન્યુઆરીના અંત પછીથી અમિત શાહ ક્યાંય બહુ દેખાતા નથી. કેટલાક લોકો એવું માને છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત સમયે પાટનગર દિલ્હીમાં થયેલાં તોફાનોને નિયંત્રણમાં લેવામાં દિલ્હી પોલીસની નિષ્ફળતાએ મોદી સરકાર માટે મૂંઝવણભરી સ્થિતિ ઊભી કરી હતી. તેને કારણે તેઓ પસંદગીના પરિઘની બહાર છે.

Related Posts
1 of 269

જોકે આ વાત માન્યામાં આવે એવી નથી, પરંતુ આ માન્યતાને બળ મળે એવા ઘટનાક્રમમાં ગયા મહિને લૉકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની હેરફેરને સુનિશ્ચિત કરવા રાજ્યો સાથે સંકલન સાધવાના હેતુથી રચાયેલી પંદર સભ્યોની મંત્રીમંડળની ઉચ્ચ સ્તરીય સમિતિના વડા તરીકે અમિત શાહને નહીં, પણ રાજનાથસિંહને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તેની પાછળનું કારણ પણ અલગ છે. અન્યથા હકીકત એ છે કે મોદી-શાહની જોડી સતત એકબીજાના સંપર્કમાં રહે છે. પ્રધાનોની સમિતિના વડા તરીકે વડાપ્રધાને શાહને નિયુક્ત ન કર્યા તેની પાછળનું કારણ એ હતું કે વડાપ્રધાન આ વૈશ્વિક મહામારી દરમિયાન તમામ મુખ્યપ્રધાનોનો સહયોગ ઇચ્છતા હતા. તેઓ જાણતા હતા કે શાહની નિયુક્તિ કેટલાક મુખ્યપ્રધાનોને વિપરીત માર્ગે લઈ જશે. ગૃહપ્રધાન જુદી રીતે તેમની નોંધ લેવડાવવામાં સફળ રહ્યા છે.

ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સહિત કેટલાંક રાજ્યોમાં લૉકડાઉનનાં પગલાંના નિરીક્ષણ માટે ટીમો મોકલી હતી ત્યારે એકમાત્ર મમતા બેનરજીને એ ગમ્યું ન હતું અને તેમણે વાંધો ઉઠાવ્યો હતો.

————.

અસલી-નકલી સરકારી આદેશની આફત
કેન્દ્ર સરકાર આજકાલ કોરોના સંક્રમણના સંકટ સિવાય જો કોઈ બાબતથી પરેશાન હોય તો તે છે સરકારના નામે બહાર પડાતા કહેવાતા આદેશોથી સોશિયલ મીડિયા પર એક પછી એક આવા કહેવાતા આદેશપત્ર યાને એડવાઈઝરી રિલીઝ થઈ રહી છે જે આબેહૂબ સરકારી લાગે છે. સોશિયલ મીડિયા દ્વારા આવા આદેશ ભ્રમ ફેલાવી રહ્યા છે. સરકારનો એક વિભાગ આ કહેવાતા આદેશોની તપાસ અને તેને નકારી કાઢવાના પ્રયાસમાં વ્યસ્ત છે, પરંતુ સરકારી પરિપત્રોના આધારે સમાચાર લખતા પત્રકારોને પણ આવા પ્રત્યેક પરિપત્ર કે આદેશની બારીક તપાસ કરવી પડે છે.

એક તરફ સરકારની આ મુશ્કેલી છે તો બીજી બાજુ સરકાર એવું ઇચ્છે છે કે લોકો સાથે સંબંધિત આદેશ, પરિપત્ર કે એડવાઈઝરીની વિગતો અને માહિતી વધુમાં વધુ લોકો સુધી સરળ અને સ્પષ્ટ રીતે પહોંચે. આવો પરિપત્ર કે આદેશ સામાન્ય માનવીની ભાષામાં હોવા જોઈએ, એવી અપેક્ષા પણ અધિકારીઓ પાસેથી રાખવામાં આવે છે, પરંતુ ટૅક્નિકલ ભાષા અને નિયમાવલીને અનુસરવા ટેવાયેલા અધિકારીઓ એવા જટિલ આદેશ બહાર પાડે છે કે કેટલીક વાર ભ્રમ અને ગેરસમજ ફેલાય છે. તેને કારણે વારંવાર સ્પષ્ટીકરણ, ખુલાસા અને પૂરક માહિતી પ્રસિદ્ધ કરવાનું જરૃરી બની જાય છે. હિન્દીનો વધુ ઉપયોગ કરવાની સૂચના પણ ઉચ્ચ સ્તરેથી આપવામાં આવી છે, પરંતુ અનેક મંત્રાલયો તેમની યાદીના હિન્દી અનુવાદ બીજા દિવસે બહાર પાડે છે. અમલદારશાહી તે આનું નામ..!
————.

પક્ષ પ્રમુખપદે રાહુલની વાપસી માટે તખ્તો તૈયાર થાય છે
કોવિડ-૧૯ યાને કોરોના સંકટના આવરણ હેઠળ રાહુલ ગાંધીની કોંગ્રેસ પ્રમુખ તરીકેની વાપસીને સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે. ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું. એ પછી જ્યાં સુધી તેમને કામ કરવા માટે સંપૂર્ણ છૂટ યાને ફ્રી હેન્ડ આપવામાં ન આવે અને તેમના નિર્ણયોની નિયમિત રીતે ટીકા અથવા અવગણના કરતા રહેલા પક્ષના વરિષ્ઠ નેતાઓને તેમના માર્ગમાંથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધી પક્ષનું પ્રમુખપદ ફરી સંભાળવા આનાકાની કરતા રહ્યા છે. કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ તાજેતરમાં કોરોના સંકટના પડકાર અંગે એક નવી સમિતિની રચના કરી છે અને ઉલ્લેખનીય વાત એ છે કે સામાન્ય રીતે આવી સમિતિમાં કાયમ સુનિશ્ચિત ગણાતા અહમદ પટેલ, ગુલામનબી આઝાદ, એ.કે. એન્ટની અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ કરાયો નથી. તેને બદલે આ સમિતિમાં રાહુલ ગાંધી સાથે નિકટતાથી કામ કરતા યુવા અજાણ્યા ચહેરાઓ -જેવા કે રોહન ગુપ્તા, ગૌરવ વલ્લભ, સુપ્રિયા શ્રીનાતે અને પરવીન ચક્રવતીનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જ રાહુલ ગાંધીના માનીતા ગણાતા કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાને પણ સમિતિમાં લેવાયા છે. જોગાનુજોગ એ છે કે કોરોનાની વૈશ્વિક મહામારી સામેના જંગમાં આર્થિક સાધનસ્ત્રોતો ઊભા કરવા માટે કેન્દ્ર સરકારે ખર્ચમાં કાપ મૂકવા માટે સોનિયા ગાંધીએ સૂચવેલાં પગલાંઓમાં મીડિયાને અપાતી સરકારી જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાની વાતનો પણ સમાવેશ થતો હતો અને આ સૂચન પાછળનું દિમાગ નવી સમિતિના જ એક સભ્યનું હતું.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »