તમારા માટે, તમારી સાથે, સતત…

સમ્રાટ અશોકનું ધર્મચક્ર પરિવર્તનઃ એક દંતકથા?

અશોક બૌદ્ધ ધર્મી તો બન્યો, પણ 'અહિંસક રાજવી' નહીં.

0 469
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેવો અનુભવ ઘણાને થતો હોય છે.

અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ કરવું તે મોટો નિર્ણય બની જાય એવા અનુભવ મળેલા એક પુસ્તક વિશે વાત કરવા માગું છું, જેણે ઇતિહાસ અને દંતકથાની ભેદરેખા જ ભૂંસી નાખી છે!

કેટકેટલાં અને કેવાં ઐતિહાસિક પાત્રોની પ્રતિમા પાસે જઈએ અને સંશોધનના તરાજવે તરાશીએ ત્યારે આઘાત અને આશ્ચર્ય થાય કે અરે, આમને તો આપણી વચ્ચે ઇતિહાસકારોએ કેવા ‘મહાન’ ચીતર્યા હતા, પણ આ તો…

પ્રતિમાખંડન અને પ્રતિમાભંજનનો આવો સિલસિલો ચાલતો જ રહ્યો છે, તો આજે ‘પ્રિયદર્શી અશોક’ ચક્રવર્તીની જ વાત કરીએ.

થોડાક સમય પૂર્વે જૂનાગઢના એક પરિસંવાદમાં કહ્યું હતું કે, ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ છે એ વાત તો છેક બચપણથી આપણે શીખતાં આવ્યા છીએ, પણ તેની પાછળ ખરા અર્થમાં પ્રજાપ્રેમી રુદ્રદામનનો શિલાલેખ છે તેના વિષે ભાગ્યે જ જાણીએ છીએ. એ રાજવીએ – અશોકની જેમ બડીબડી વાતો; દયાની, કરુણાની, અહિંસાની – નહોતી કરી, પણ નગરજનો પર નદીના પ્રચંડ પૂર આવ્યાં અને આખો બંધ તૂટી ગયો ત્યારે કેવી મદદ કરી તેની વિગતો આપી છે – અને અશોક?

કથા તો એવી છે કે કલિંગ – વિજય પછી પશ્ચાતાપ કરીને તે મનુષ્ય અને માનવતા-પ્રેમી બન્યો, જીવહિંસાનો ત્યાગ કર્યાે, કરાવ્યો, પ્રાણીમાત્ર પ્રત્યે દયા-માયા-કરુણા રાખવી એવો ‘આદેશ’ કર્યો… સમ્રાટ અશોક કરુણાવતાર ભગવાન બુદ્ધનો પરમ અનુગામી બની રહ્યો. ખરેખર એવું બન્યું હતું?

વાત તો સાચી કે કલિંગ-યુદ્ધ થયું હતું. ઇતિહાસકારો તિથિ પણ નોંધે છે કે ઈસવીસન પૂર્વે ૨૬૨૦ અશોકની વિશાળ મૌર્ય સેનાએ કલિંગ તરફ કૂચ ભુવનેશ્વરની પાસે ધોલીમાં દયા નદીના મેદાનમાં બે સૈન્ય ટકરાયાં. નજીકનું મેરૃડા ગામ પણ તેવું રણમેદાન બન્યું. આ યુદ્ધમાં એક લાખ લોકો મર્યાં. (બિચારા અજાણ – અનામ સૈનિકો, તેના વળી સ્મારક શાનાં હોય?) એટલા જ લોકો ભૂખમરામાં મર્યાં અને દોઢ લાખ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા.

Related Posts
1 of 142

…. અને પછી, બૌદ્ધ ગ્રાંથો પ્રમાણે અશોકને આ લોહીલુહાણ ઘટનાનો પારવાર પશ્ચાતાપ થયો, તે ‘બૌદ્ધ’ ધર્મી બની ગયો અને હિંસાચાર વિનાનું શાાસન કર્યું.

બસ, આ જ મોટી દંતકથા! અશોક બૌદ્ધ ધર્મી તો બન્યો, પણ ‘અહિંસક રાજવી’ નહીં. કલિંગ-વિજય પછી પણ તેણે કેટલાંયે યુદ્ધો કર્યાં, લોહી રેડાયું અને ‘ચક્રવર્તિત્વ’ને આંચ આવી નહીં.

મજાની વાત એ છે કે, કલિંગ-વિજય પછી તેને પશ્ચાતાપ થયો હતો તેવું અશોકના શિલાલેખોમાં અને બીજે ક્યાંય લખાયું નથી અને જ્યાં લખાયું છે ત્યાં એ સમયના લોકોને સમજાયું નથી એ રીતે લખાયું છે. અર્થ એટલો કે અશોકને ‘મહાન’ બતાવવા માટે પછીથી આવા શિલાલેખો ઊભા કરી દેવાયા.

તો આ અશોકનું ચરિત્ર હતું કેવું? એક આધિકારિક પુસ્તક છે, ‘ધ ઑશન ઓફ ચર્નઃ હાઉ ધ ઇન્ડિયન ઑશન શેપ્ડ ઇન્ડિયન હિસ્ટરી’ લેખક સંજીવ સાન્યાલ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય નામના ધરાવે છે. લૅન્ડ ઓફ સેવન સિસ્ટર્સ’ ‘ઇન્ડિયન રેનેસા’ તેમનાં બીજાં ખ્યાત પુસ્તકો છે. રૉયલ જોગ્રોફિકલ સોસાયટી, લંડન, ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૉલિસી સ્ટડીઝ વગેરેમાં  કામ કરે છે. તેમનો રસનો વિષય તો આંતરરાષ્ટ્રીય બજાર છે, પણ તેમનો બીજો પ્રિય વિષય ઇતિહાસ છે. મંથનનો સમુદ્ર અર્થાત્ હિન્દ મહાસાગરના કારણે મનુષ્યજીવન, સામ્રાજ્યો, વેપારવાણિજ્ય, આક્રમણ અને પ્રતિ આક્રમણનાં કેવાં પરિવર્તનો આવ્યાં તેની સંશોધનાત્મક અને રસપ્રદ કહાણી આ પુસ્તકમાં આપી છે ઃ સમગ્ર સંશોધન તો અનેક નવા નિષ્કર્ષો સુધી આપણે પહોંચાડે છે, તેમાંનો જ એક ભાગ રાજવી અશોક વિષેનો પણ છે. આ રાજાએ શ્રીલંકા અને અન્યત્ર બૌદ્ધ ધર્મની ધજાપતાકા લહેરાવી, પણ એ ધ્વજારોહણના પડછાયે બીજું શું શું બન્યું?

પહેલાં ચંદ્રગુપ્ત આવ્યો. પછી તેનો પુત્ર બિન્દુસાર. એક વિશાળ સામ્રાજ્ય – અને મા ભારત વિશેની પરિકલ્પના વિષ્ણુગુપ્ત કૌટિલ્યે ઉમેરી. બિન્દુસાર ૨૭૪ ઈસવીસન પૂર્વે બીમાર પડ્યો એ પછી રાષ્ટ્રમાં સત્તાનો વિસ્તાર થયો તેને અશોકે ગુમાવી દીધો. ત્યાં પિતા-મૃત્યુના ખબર મળતા પાટલીપુત્ર આવ્યો. તેના સોતેલા ભાઈ અશોકે યુનાની સૈનિકોની મદદ લઈને શહેર પર કબજો કરી લીધો હતો. સુશીમ પૂર્વના દરવાજે આવીને પ્રવેશ કરે તે પહેલાં જ અશોકે તેને મારી નાખ્યો. ચાર વર્ષ સુધી ખૂની ગૃહયુદ્ધ ચાલુ રહ્યું. અશોકે પોતાના પરિવારમાં જેટલા હરીફ લાગે તેનો ખાત્મો કરાવ્યો; ૯૯ સૌતેલા – સાવકા – ભાઈઓ પણ તેેવી જ રીતે મરાયા. એક તિસ્સા નામે ભાઈ બચી ગયો! કહાણી તો એ પણ છે કે ખુદ અશોકે ૫૦૦ લોકોની હત્યા કરી. છેવટે ઈસવી પૂર્વે ૨૭૦માં તેને રાજગાદી હાથ લાગી.

પછી કલિંગ વિજયે તેને ‘પશ્ચાતાપ’ કરાવ્યો, ને બૌદ્ધ બન્યો, પણ દંતકથા જ છે! ખરેખર તો કલિંગ વિજયના બે વર્ષ પહેલાં જ તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો હતો. છેક દસેક વર્ષથી બૌદ્ધ બનવા પાછળ યુદ્ધમાં હૃદયપરિવર્તન નહીં, રાજકારણ અધિક હતું!

બૌદ્ધ ગ્રંથ ‘અશોકાવદાન’માં પણ નોંધાયું છે કે શાંતિપ્રિય અશોકના, કલિંગ વિજય પછી પણ તેણે ઘણા રક્તરંજિત યુદ્ધો કર્યાં. ૧૮૦૦૦ ‘આજીવક’ સંપ્રદાયના લોકોને મારી નાંખવામાં આવ્યા.

અશોક સફળ રાજવી હતો જ નહીં. લગાતાર બીમાર રહ્યો. નજરની સામે આંતરિક ઝઘડા અને આર્થિક પ્રશ્નો રહ્યા. ચંદ્રગુપ્તે જે સાહસપૂર્વક મેળવ્યું હતું તે ગુમાવ્યું. ૨૩૨ ઈસવી પૂર્વે તેનું મૃત્યુ થયું. સાન્યાલ કહે છે કે સ્વતંત્રતા પછી જવાહરલાલ નહેરુ એક પ્રકારનું ગણતંત્ર ઇચ્છતા હતા તેને માટે અશોકના ધર્મચક્ર ચિહ્નને પસંદ કરવામાં આવ્યું.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »