તમારા માટે, તમારી સાથે, સતત…

લૉકડાઉનને ભુલાવે છે ઓનલાઇન રમતો

ઓનલાઇન મ્યુઝિકલ હાઉસીનું આયોજન

0 160
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

વિશ્વભરમાં વસતા નાગર જ્ઞાતિના લોકો લૉકડાઉનમાં કંટાળે નહીં, ઘરમાં જ રહે તે હેતુથી ભુજ વડનગરા નાગર જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા વૉટ્સઍપ, ફેસબુક કે યુટ્યૂબના માધ્યમથી સંગીતનો જલસો, હાઉસી, નાગર આઇડોલ જેવા કાર્યક્રમો યોજાય છે.

લૉકડાઉનના લંબાઈ રહેલા ગાળામાં લોકો ઘરમાં બેસીને કંટાળી જાય છે, કંટાળેલા લોકો ઘરની બહાર નિકળીને કોરોના વાઇરસને આમંત્રી શકે છે. લોકો ઘરમાં કંટાળે નહીં, તેમને સતત નવું નવું, ઉત્તેજનાત્મક કામ મળ્યા કરે તેમ જ વિશ્વભરમાં ફેલાયેલા જ્ઞાતિજનો એક તાંતણે બંધાય તેવા હેતુથી કચ્છમાં વસતા નાગર અગ્રણીઓ દ્વારા તદ્દન નવતર પ્રયોગ કરાયો છે અને તેને અકલ્પનીય પ્રતિભાવ પણ મળી રહ્યા છે. લોકોને ઓનલાઇન હાઉસી જેવી લોકપ્રિય રમત રમાડીને કે નાગર આઇડોલ જેવી સ્પર્ધા યોજીને લોકોને ઘરમાં જ મનોરંજન મળી રહે તેવા પ્રયત્નો કરાય છે. આવા કાર્યક્રમો થકી જ્ઞાતિજનો પોતાની કલા પ્રદર્શિત કરી શકે અને સમયનો રચનાત્મક ઉપયોગ પણ કરી શકે છે.

કચ્છમાં વૉટ્સઍપથી હાઉસી, ફેસબુકથી સંગીતનો જલસો અને યુ-ટ્યૂબના માધ્યમથી નાગર આઇડોલ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવા કાર્યક્રમોમાં કચ્છ ઉપરાંત ગુજરાત, અન્ય રાજ્યો અને અન્ય દેશોમાં વસતા જ્ઞાતિજનો પણ જોડાય છે. આમ દૂર દૂર વસેલા લોકો પણ એકબીજાના સંપર્કમાં આવીને વાતાવરણને જીવંત બનાવી શકે છે.

Related Posts
1 of 319

કચ્છમાં વૉટ્સઍપના માધ્યમથી ઓનલાઇન મ્યુઝિકલ હાઉસીનું આયોજન કરનારા ભુજના ઍડ્વોકેટ મલ્હાર બુચના જણાવ્યા પ્રમાણે, ‘મારા મિત્ર લય અંતાણી લાઇવ મ્યુઝિકલ હાઉસી રમાડે છે. તેમની સાથે વાતચીત દરમિયાન મને ઓનલાઇન હાઉસીનો વિચાર આવ્યો. કોમ્પ્યુટરના સાદા સોફ્ટવેરનો ઉપયોગ કરીને હાઉસી માટે ટિકિટ બનાવી, ગીતોને કટ કર્યા. શરૃઆતમાં મેં મારા ૩૦થી ૩૨ સભ્યોવાળા ફેમિલી ગ્રૂપમાં આ રમત રમાડી, સૌને મજા આવી તેથી ફેમિલી- ફ્રેન્ડના ૪૦-૪૫ સભ્યોવાળા ગ્રૂપમાં અમે રમ્યા, તેમાં સફળતા મળ્યા પછી મોટાપાયે રમાડવાનું આયોજન કર્યું. સંપૂર્ણ રમત નિઃશુલ્ક જ છે. ઓનલાઇન મ્યુઝિકલ હાઉસીમાં કચ્છ, ગુજરાત ઉપરાંત, બેંગ્લુરુ, હૈદરાબાદ, દુબઈમાં વસતા નાગરો પણ જોડાયા. લગભગ ૩૮૦થી વધુ વ્યક્તિઓ જોડાઈ હતી. દાતાઓની સહાયથી વિજેતાઓને ઇનામ પણ આપ્યા હતા. સાંજે ૪ વાગે ચાલુ કરાયેલી ગેમ સળંગ દોઢ કલાક ચાલી હતી. અમારું જોઈને હવે તો બીજા ગ્રૂપમાં પણ આવી રમત ચાલુ થઈ છે. આ રમતના કારણે લોકો દિવસ આખો ઉત્તેજના અનુભવે છે, કંટાળાનો ભાવ નિકળી જાય છે. અમે માત્ર ગીતો આધારિત હાઉસી રમાડી હતી હવે ફિલ્મોના ગીત ઉપરાંત પોસ્ટર, ચિત્રો વગેરેના આધારે રમત રમાય છે. હવે આ ગેમ વકીલોના ગ્રૂપમાં રમાડવાનો વિચાર છે અને જો બીજી જ્ઞાતિવાળા રસ બતાવશે તો તેમને પણ આ ગેમ જરૃર રમાડશું.’

ફેસબુકના માધ્યમથી સંગીતનો જલસો કરાવનારા કચ્છી વડનગરા નાગર મંડળ, અમદાવાદના સી.એ. જલધિ વોરા જણાવે છે કે, ‘અમે ૩૦મી માર્ચથી જ આ કાર્યક્રમની શરૃઆત કરી હતી. આ એક એવું પ્લેટફોર્મ છે કે અલગ-અલગ સ્થળ પર રહેતા લોકો બહુ સહેલાઈથી એકત્ર થઈ શકે છે. લૉકડાઉનનો તણાવ દૂર થાય અને વિશ્વભરમાં વસતા નાગર લોકો એક તાંતણે જોડાય, પોતાની કલાનું પ્રદર્શન કરે તે હેતુથી અમે આ કાર્યક્રમ શરૃ કર્યો છે. કચ્છ, અમદાવાદ, પૂના, બેંગ્લુર, ન્યુ કેલિફોર્નિયા, મસ્કત વગેરે સ્થળોએ વસતા લોકો પણ જોડાયા છે. ૮૦થી વધુ લોકો રજૂઆત કરી ચૂક્યા છે. ૧૦૦૦ મિનિટથી વધુનો કાર્યક્રમ થઈ ચૂક્યો છે. રોજ એક કલાકનો કાર્યક્રમ હોય છે. જેમાં ૧૫-૧૫ મિનિટના સ્લોટ ૪ કલાકારોને ફાળવાય છે. કાર્યક્રમમાં કોઈ ગાય, કોઈ વાદ્ય વગાડે. ૮-૯ વર્ષના નાના બાળકથી માંડીને ૮૦-૮૫ વર્ષના વડીલો પણ અમારા કાર્યક્રમમાં જોડાયા છે. અત્યારે ૧૨૦૦થી વધુ મેમ્બર્સ છે. આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર, પોલીસ, સફાઈ કામદાર વગેરેની વાતો, તેમના સન્માનની વાતો પણ કરાય છે. યોગ, કસરત વગેરે માટે પણ લોકોને પ્રેરિત કરાય છે. આ કાર્યક્રમનું સંચાલન હું અને મારા મિત્ર અંશુ ધોળકિયા કરીએ છીએ. લૉકડાઉન પછી પણ અમે આ ગ્રૂપ ચાલુ જ રાખવાના છીએ. પોતાની કલા પીરસતા કલાકારો આવેલી ફરમાઇશને પણ ન્યાય આપે છે. સાહિત્ય, કવિતા, નૃત્ય, વાદ્ય વગેરે આ કાર્યક્રમમાં રજૂ કરાય છે.’

નાગર આઇડોલ યોજવા જઈ રહેલા ભુજ વડનગરા નાગર મંડળના મંત્રી ભાવિન વોરાએ પોતાના કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, ‘આ સ્પર્ધા માટે ગાયન, વાદન, નૃત્ય અને મોનોએક્ટિંગની કેટેગરી રાખવામાં આવી હતી. ૫થી ૧૫ અને ૧૫ વર્ષથી મોટા એમ બે ગ્રૂપ રખાયા હતા. તા. ૨૦મી સુધીમાં અમને ૨૮૬ જેટલી એન્ટ્રી મળી હતી. તમામ પરફોર્મન્સ યુ-ટ્યૂબ પર અપલૉડ પણ કરાયા હતા. વિજેતા કલાકાર માત્ર લાઇક નહીં, પરંતુ વ્યુઅરની સંખ્યા અને સરેરાશ વ્યુઇંગ ટાઇમના આધારે નક્કી કરાયા હતા. અમારો કાર્યક્રમ વૈશ્વિક ફલક પર બધા જ્ઞાતિજનોને ડિજિટલી અને ઓનલાઇન ભેગા કરવા ઉપરાંત કલાનું સંવર્ધન કરી રહ્યો છે. આ ઉપરાંત અમારા મંડળ દ્વારા મ્યુઝિકલ હાઉસી પણ રમાડાઈ હતી, જેમાં ૫૦૦થી ૬૦૦ મોબાઇલ જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન આદિપુરથી, ઇન્ટરનેટ સર્વિસ ભુજથી પ્રોવાઇડ કરાઈ હતી. આમ સંપૂર્ણ ઓનલાઇન હાઉસી પણ લોકોને ઘરમાં રહેવા મજબૂર કરી રહી છે.’

કલાને વરેલી નાગર જ્ઞાતિ દ્વારા લોકો ઘરમાં જ રહે તે માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેને અન્ય જ્ઞાતિ અને મંડળોએ પણ અનુસરીને લૉકડાઉનમાં ઘરમાં બેસીને કંટાળી જતા લોકોને ઘરમાં રહેવાનું આકર્ષણ થાય તેવા પ્રયત્ન કરવા પ્રેરે છે.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »