તમારા માટે, તમારી સાથે, સતત…

સરપંચે ભારે કરી….

'ભાભી અત્યારે લૉકડાઉનમાં બધા પુરુષોના એવા જ હાલ છે.

0 284
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

જૈન દિગંબર સંત તરુણસાગરજી પોતાનાં પ્રવચનોને કડવાં પ્રવચનકહેતા હતા. સનાતન હિન્દુ ધર્મના સંત સ્વામી સચ્ચિદાનંદજીના પણ અમુક વિચારો અમુક લોકોને કડવા લાગે, પરંતુ જૈન અને હિન્દુ ધર્મના બંને સંતની કડવી વાતો લીમડા જેવી છે. લીમડો જે રીતે કડવો લાગે, પણ ગુણકારી હોય છે અનૈ ચૈત્ર માસમાં જો લીમડાનો મ્હોર પી લઈએ અથવા ખાઈ લઈએ તો આખું વરસ માંદા ન પડીએ એવો આ વૃક્ષનો મહિમા છે. એવી જ રીતે આવા કોઈ આખાબોલા પરંતુ સાચાબોલા સંતના વિચારોને ઝીલી લઈએ તો આખી જિંદગી માનસિક રીતે નીરોગી રહી શકાય તેમ છે.

હું ગણેશચતુર્થીની સવારે દીવો કરીને માળા કરતો હતો ત્યાં મારો સેલફોન રાડારાડ કરવા લાગ્યો. હું માળા કરતો હોવાથી શ્રીમતીજીએ ફોન ઉપાડ્યો.

હલ્લો….શ્રીમતીજી ઉવાચ.

હલ્લો… ભાભી… જયશ્રી કૃષ્ણ…સામા છેડેથી ભોગીલાલ બોલ્યો.

જય શ્રીકૃષ્ણ… તમારા ભાઈને ભક્તિ ઉપડી છે.

કેમ… શું કરે છે?’

કોરોના પહેલાં ક્યારેય ભગવાનની સામે જોતા નહોતા એ દરરોજ સવારે ઘીનો દીવો કરીને માળા ફેરવે છે.

એમ જ હોય ભાભી… ચુનીલાલ કોઈ દિવસ જાતે પાણીનો ગ્લાસ ભરતો નહોતો એ લૉકડાઉનમાં ટુવાલ પહેરીને ટાંકો ભરે છે.

કોણ છે?’ મેં માળા ફેરવતાં ફેરવતાં પૂછ્યું.

ભોગીભાઈ છે.પત્નીએ કહ્યું.

ચાલુ રાખજો… માળા પુરી થવામાં જ છે.મેં કહ્યું.

શું કહે છે?’ ભોગીલાલ બોલ્યો.

તમારા ભાઈ એમ કહે છે કે માળા પુરી થવામાં જ છે.

ભાભી અત્યારે લૉકડાઉનમાં બધા પુરુષોના એવા જ હાલ છે. હું દિવસમાં પાંચ વખત ચાની હોટલમાં જઈને એય વેઇટર ફટકા લગાઓ, એય વેઇટર ફટકા લગાઓ.. એવા ફટકાના ઓર્ડર ફટકારતો હતો, પણ અત્યારે બરમૂડો પહેરીને આખા ઘરમાં પોતા કરું છું.

સારુ.. ફાવી જાય તો બે – ચાર ઘરનાં કચરાં- પોતાં બાંધી લેજો.

શ્રીમતીજીએ દીયરની મજાક કરી.

એટલે તમારે આખી જિંદગી અમારી પાસે ઘરકામ જ કરાવવું છે એમ? કંડક્ટરની નોકરી કરવા તમારી બહેન જશે?’

એ શું કામ જાય? રૃપિયા કમાવવાની જવાબદારી તમારી છે.

તો ઘરકામ કરવાની જવાબદારી તમારી છે.

તમને એક પણ રીતે પહોંચાશે નહીં. લ્યો તમારા ભાઈની માળા પુરી થઈ ગઈ છે.શ્રીમતીજીએ ફોન મને આપ્યો.

બોલ ભાઈ… બોલ.મેં કહ્યું.

અલ્યા તું તો ધરમની પૂંછડી થઈ ગયો.ભોગી બોલ્યો.

થવું જ પડે… મોત સામે દેખાય એટલે ઈશ્વર યાદ આવે જ.

દુઃખમેં સુમિરન સબ કરે, સુખમેં કરે ન કોઈ

જો સુખમેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોઈભોગીલાલે કબીરજીનો દોહો સંદર્ભમાં ફટકારી દીધો.

ચુનીયો શું કરે છે?’

ટુવાલ પહેરીને ટાંકો ભરે છે.

અંબાલાલ…?’

લસણ ફોલે છે. શાક સુધારે છે.

આ કોરોનાએ બધાને ઓનલાઈન કરી દીધા.

હું વાઈફાઈ વાપરતો જ નથી, નો વૉટસઍપ, નો ફેસબુક…

Related Posts
1 of 277

એમ નહીં, ઓનલાઈન એટલે લાઈન ઉપર, વરસોથી માણસો સાચી લાઈનથી નીચે ઊતરી ગયા હતા એ બધા ઓનલાઈન થઈ ગયા.

હા.. એ બરાબર…

તારા જેવા જે ક્યારેય ઘરે રહેતા નહોતા એ ચોવીસે કલાક ઘરમાં રહેવા માંડ્યા.

પથુભા અને ચંદુભાને તો ઘરે ઘડીક ગમતું નથી એ પણ આખો દિવસ ઘરમાં જ રહે છે.

બાબુ બંધાણીનો કાલે પથુભા ઉપર ફોન હતો કે ફાકી આપશો?’

પછી?’

પથુભાએ પહેલા તો એક ફરાળી ગાળ સંભળાવી દીધી.

પછી?’

પછી કહે ટણપા, હજુ ચાની હોટલ અનેે પાનના ગલ્લાને છૂટ આપી નથી. તું લેવા નીકળ ફાકી અને તમે સામા મળે ખાખી તો પાન બદલે તારું માન નહીં રહે અને તું ભાન ભૂલી જઈશ. માવા બદલે તારે ઝાવા મારવા પડશે અને ખાસ જગ્યા ઉપર ઢોકળાં થઈ જશે.

વાહ પથુભા વાહ… બાબુડાને બરાબરનું સંભળાવી દીધું. અત્યારે

ઘરની બહાર નીકળવાની મનાઈ છે

ત્યારે પાન-માવા-બીડી અને – શરાબ જેવાં વ્યસન છોડવાની સુવર્ણ તક છે.ભોગીલાલે કહ્યું.

એ તો જેને છોડવું હોય એને… પેલા સંતની વાત સાંભળી છે ને?’

કઈ વાત…?’

એક ગામમાં એક સંત આવ્યા અને ગામના ચોરે વ્યસનમુક્તિનું હૃદયસ્પર્શી પ્રવચન કર્યું. આ પ્રવચન સાંભળીને ગામના સરપંચને એટલું બધું લાગી આવ્યું કે ચોરા ઉપર ચડીને માઈકમાં જાહેરાત કરી દીધી કે આજથી હવે હું દારૃનું એક ટીપું પણ પેટમાં નાખીશ નહીં.

વાહ સરપંચ વાહ…

પેલા સંતને સરપંચ જેવો ચેલો મળી ગયો એટલે એ પણ ગેલમાં આવી ગયા. એમણે સરપંચને હાર પહેરાવ્યો અને લોકોએ તાલીઓનો ગડગડાટ કર્યો.

પછી?’

પછી એક વરસ બાદ એ સંત ફરીથી એ ગામમાં આવ્યા. એમણે ફરીથી ચોરાના ચોકમાં પ્રવચન ગોઠવ્યું. પેલા સરપંચને બોલાવ્યા. સરપંચનું શરીર ગયા વરસ કરતાં ખૂબ સારું થઈ ગયું હતું.

એ વ્યસનમુક્તિનો પ્રતાપ.ભોગીલાલ બોલ્યો.

પેલા સંતે કહ્યું કે, જુઓ વ્યસનમુક્તિથી તમારા ગામના સરપંચને કેટલો બધો ફાયદો થયો છે. એમનું શરીર રાતી રાણ જેવું થઈ ગયું છે. એમનું વજન પણ વધ્યું છે. ગયા વરસે એમના શરીર ઉપર નાનકડી વીંટી પણ નહોતી જ્યારે અત્યારે સોનાની ચેન પહેરી છે, આઠે આંગળીઓમાં વીંટી છે. બંને કાંડામાં પહોંચી છે. વાહ સરપંચ વાહ.

વાહ સરપંચ વાહ…ભોગીલાલ બોલ્યો.

ત્યાર બાદ જે બન્યું તે સાંભળવા જેવું છે. ત્યાર બાદ પેલા સંત બોલ્યા કે દારૃ પીવાનું બંધ કર્યા પછી હવે તમે શું કરો છો?’

બરાબર છે.

સરપંચ સાચાબોલા હતા એમણે ફરીથી જાહેરમાં જ એકરાર કર્યો કે દારૃ પીવાનું બંધ કર્યા પછી મેં દારૃ વેચવાનું ચાલુ કર્યું છે.

સરપંચે તો ભારે કરી…ભોગીલાલને ધ્રાસકો પાડ્યો.

સંત પણ સમજદાર હતા, એમણે સરપંચને એટલું જ કહ્યું કે આ કરતાં તો તમે પીતા હતા એ સારું હતું. તમે પીવાનું બંધ કરી આખા ગામને પીવાનાં રવાડે ચડાવી દીધું.મેં વાત પુરી કરી.

વાહ, લેખક મજા પડી ગઈ. ફોનમાં વાત કરીએ ને આટલી મજા આવે છે તો જ્યારે ચંદુભાની ચાની હોટલ ઉપર કે પથુભાના પાનના ગલ્લા ઉપર રૃબરૃ મળીશું ત્યારે કેટલી મજા આવશે?’

એ દિવસ પણ હવે દૂર નથી. કોરોનાસુરના વધનો સમય થઈ ગયો છે. આખી દુનિયા કોરોનાસુરને મારી શકે એવું તીર શોધવામાં વ્યસ્ત છે અને કોઈકને તો મળી જ જશે.

હું તો પેસેન્જર્સથી ભરેલી બસમાં જલ્દી ટિકિટ આપવા માગું છું. હું માણસોથી ખીચોખીચ એસ.ટી. ડેપો જોવા માગું છું. હું બાળકોને ભરીને શાળાએ જતી રિક્ષા જોવા માગું છું.ભોગીલાલ ગળગળો થઈ ગયો.

એ પણ થશે અને બહુ જલ્દી થશે, કારણ મારનાર કરતાં તારનાર હંમેશાં મોટો હોય છે.મેં કહ્યું.

એ તમારી વાત પતી ગઈ હોય તો શાક સુધારોશ્રીમતીજીએ હુકમ કર્યો અને હું ફોન કટ કરી કામે વળગ્યો.

—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »