મહાભારત શ્રેણીના મર્મી પટકથા-સંવાદ લેખક ડૉ. રાહી માસુમ રઝા
મહાભારત સિરિયલની પટકથા-સંવાદનું આલેખન એક મુસ્લિમે કર્યું
- મૂવીટીવી – હેતલ રાવ
ફિલ્મ નિર્માતા બી.આર. ચોપરાની મહાભારત શ્રેણી હાલ દુરદર્શન પર ફરી શરૃ થઈ છે ત્યારે તેની વિષેની એક મહત્ત્વની વાતનું સ્મરણ થાય છે. વાત છે મહાભારત સિરિયલની પટકથાની, બી.આર. ચોપરા જેવા ફિલ્મકાર અને નિર્માતાએ જ્યારે મહાભારત જેવી મહાગાથાની વાતનું આલેખન કરવાનું એક મુસ્લિમ વ્યક્તિને સોંપ્યું ત્યારે લોકોને લાગ્યું કે આમનું ચસકી ગયું છે. ડૉ. રાહી માસૂમ રઝાએ પણ મહાભારતની સ્ક્રીપ્ટ લખવાની ના કહી. આ ન્યૂઝ સમાચારપત્રોમાં છપાયા અને બી.આર. ચોપરાના ત્યાં પત્રોનો વરસાદ વરસ્યો. કોઈએ ના લખવાના શબ્દો લખ્યા તો કોઈએ કહ્યું કે, તમને શરમ નથી આવતી મહાભારત લખવાનું કામ એક મુસ્લિમ વ્યક્તિને સોંપો છો. રાહી માસૂમ જ્યારે ચોપરાને મળવા આવ્યા ત્યારે તેમણે પત્રો બતાવ્યા, જેમાં આવી બધી વાતો લખાઈ હતી, બસ, પછી તો રાહીએ નક્કી કર્યું કે મહાભારત હું જ લખીશ, કારણ કે હું ગંગા પુત્ર છું અને આજે પણ આપણે આપણી મહાગાથાને જોઈને શત ઃ શત નમન કરીએ છીએ, પરંતુ વાત ત્યાં અટકતી નથી, કારણ કે જેમ બી. આર.ચોપરાને પત્રો મળ્યા તેવા જ પત્રો રાહીને પણ મળ્યા. જેમાં તેમના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા. તેમને દુઆઓ પણ આપવામાં આવી હતી. તેમના ઘરે પત્રોનો ઢગ બની ગયો હતો. ઘરનો એક ખૂણો એવો પણ હતો જ્યાં અન્ય પત્રો પણ પડ્યા હતા. જયારે તેમને પૂછવામાં આવ્યું કે, એક બાજુ આટલા બધા પત્રો અને બીજી બાજુ આ થોડા પત્ર, કંઈ ખબર ના પડી. ત્યારે રાહીએ જવાબ આપ્યો કે, તમે જે આ પત્રોનો નાનો ઢગ જોવો છો તેમાં મને મનભરીને અપશબ્દો લખવામાં આવ્યા છે, કોઈએ લખ્યું છે કે તારી હિંમત કેવી રીતે થઈ અમારા ગ્રંથની સ્ક્રિપ્ટ લખવાની, તો કોઈએ લખ્યું છે કે, તંુ મુસલમાન છે તે મહાભારત લખ્યું જ કેમ. જ્યારે કહેવાતા મુસ્લિમોએ પણ પત્ર લખી પોતાનો રોષ ઠાલવ્યો છે. તે કહે છે, તે મુસ્લિમ થઈને હિન્દુની કથા લખી, પરંતુ મારું ધ્યાન તો માત્ર વધારે પત્રોના ઢગ પર છે, જેમાં સારી વાત લખવામાં આવી છે, જેમને કોઈ જ ફરક નથી પડતો કે હું કોણ છું. તેમને તો બસ મારા હાથે લખાયેલી સ્ક્રિપ્ટ પસંદ આવી છે. ડૉ.રાહી કહેતા કે, પત્રોનો નાનો ઢગ મારો જુસ્સો વધારે છે કે, દેશમાં ખરાબ વ્યક્તિઓ કેટલા ઓછા છે.
——————————