તમારા માટે, તમારી સાથે, સતત…

કોરોના વાઇરસના ભયથી અનેક સમસ્યા સર્જાય છે

અધિકતર લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે

0 295
  • ફેમિલી ઝોન –  હેતલ રાવ

કોરોના વાઇરસની અસર વ્યક્તિના માનસપટ પર થઈ રહી છે. ખાસ કરીને કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેવું સંશોધન કરતા લોકો, તેનાથી બચવાના ઉપાયો શોધવાની ઉતાવળમાં પેનિક એટેકનો ભોગ બની રહ્યાં છે. અનિદ્રા, બેચેની, ગભરામણ જેવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. વિચારવા જેવી વાત એ છે કે, પેનિક એટેકનો ભોગ બનનારા સૌથી વધારે શિક્ષિત લોકો છે.

એમબીએનો અભ્યાસ કરીને એક સારી બેન્કમાં જોબ કરતી તૃપ્તિ જાની છેલ્લા એક વીકથી ઘરમાં જુદા જ રીતનો વ્યવહાર કરે છે. પહેલા તો માતાપિતાને લાગ્યું કે લૉકડાઉન થવાના કારણે સતત ઘરમાં રહે છે, તેના કારણે જ તૃપ્તિની આવી સ્થિતિ છે, પરંતુ દીકરી વધારે ને વધારે વિચારવા લાગી, તેને ડર લાગતો કે મને કઈ થઈ જશે તો મારાં માતાપિતાને કોણ સાચવશે. તેમની ઉંમર થઈ ગઈ છે, કદાચ કોરોનાની ઝપેટમાં તો નહીં આવી જાયને. સરકાર વારંવાર કોરોનાથી સાવચેતી રાખવાની જાણકારી આપતી રહે છે, છતાં પણ તૃપ્તિ  સોશિયલ મીડિયાના માધ્યમથી તેનાં નિત-નવા નુસખા શોધે છે. એટલું જ નહીં, પરિવારમાં પણ આમ ન કરો, તેમ ન કરો જેવી વગર કારણની વાતો પણ કરે છે. ઘણીવાર તેની આ આદતના કારણે માતાપિતા ટેન્શનમાં આવી જાય છે, પણ તૃપ્તિ દિવસે ને દિવસે વધુ ને વધુ ચીડચીડી બની રહી છે. જ્યારે પિતા અશોકભાઈ જાનીએ પોતાના અંગત મિત્ર ફેમિલી ડૉક્ટરને આ વિશે જણાવ્યંુ ત્યારે તેમને જાણ થઈ થઈ કે તૃપ્તિ પેનિક એટેકનો ભોગ બની છે. ઉચ્ચ અભ્યાસ અને કોરોનાથી બચવાના ઉપાયો અને તેના નિયમોનું પાલન કરવા છતાં, તેનો ડર તેના પર હાવી થઈ ગયો છે. પરિવારની, ભવિષ્યની અને પોતાને કોરોના વાઇરસ થશે તો.. જેવા વગર કારણના પ્રશ્નો અને તેના માટે કરવામાં આવતંુ રિસર્ચ તેના મગજ પર અંકુશ કરે છે. જેના કારણે તે બીમાર ન હોવા છતાં કોરોનાથી બચવા સરકારે, ડૉક્ટરે કહેલા દરેક નિયમનું પાલન કરવા છતાં પણ તે જુદી જ દુનિયાના ભયમાં જીવે છે. ડૉક્ટરો આવી સમસ્યાને પેનિક એટેક કહે છે, જેનો સૌથી વધુ ભોગ બનનાર શિક્ષિત વર્ગ છે.

સામાન્ય રીતે લૉકડાઉનની સ્થિતિમાં વ્યક્તિ પોતાના હોદ્દા અને વર્કના આધારે ઘરે બેસીને કામ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ ઑફિસ વર્ક કરે તે શક્ય નથી, કારણ કે ઘણા લોકો એવા છે જેમણે આ દિવસોમાં કામ કરવાની જગ્યાએ માત્ર ઘરે રહીને સમય પસાર કરવાનો હોય છે. આવા લોકોમાં શિક્ષિત વ્યક્તિ સમય પસાર કરવા કોઈને કોઈ રીત અપનાવતા હોય છે. જેમાં ૯૫ ટકા લોકો એવા છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જેના કારણે સહેલાઈથી સમય પસાર થાય છે, સાથે જ અપડેટ થતાં ન્યૂઝની પણ જાણકારી મળી રહે છે, પરંતુ સમસ્યા ત્યારે શરૃ થાય છે, જ્યારે કોરોનાના ડરથી વ્યક્તિ પોતાનો પરનો કાબૂ ગુમાવે છે. એટલે કે ધીમે-ધીમે તેને લાગે છે કે મારા ઘરમાંથી પણ કોઈને કોરોનાનો ચેપ લાગી જશે તો..? ઘરની બહાર દવા, દૂધ, શાકભાજી જેવી વસ્તુ લેવા જનારી વ્યક્તિના કારણે ઘરમાં કોરોના આવી જશે અને બધા તેની ઝપેટમાં આવી જઈશું તો? નાનાં બાળકો અને વૃદ્ધ લોકોને આ વાઇરસની અસર વધુ થાય છે, જો મારા બાળક કે માતાપિતાને પણ કોરોનાની અસર થશે તો..? આવા ખોટા વિચારોના કારણે તે કોરોનાથી બચવા માટે ખોટું ખોટું રિસર્ચ કરે છે. પરિણામમાં માત્ર શૂન્ય જ આવે છે, કારણ કે તે વ્યક્તિના માનસપટ પર કોરોના એટલો હાવી થઈ જાય છે કે તેને બીજું કંઈ જ ભાન નથી રહેતું.

Related Posts
1 of 289

આવી સમસ્યા વિશે ‘અભિયાન’ સાથે વાત કરતા માનસિક આરોગ્ય હૉસ્પિટલના એમ.ડી. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રમાશંકર યાદવ કહે છે,  ‘વ્યક્તિના નેગેટિવ વિચારો તેની પર હાવી થાય ત્યારે પેનિક એટેકનાં લક્ષણ જોવા મળે છે. ઉંમર પ્રમાણે વ્યક્તિના વિચારો અને ચિંતા જુદી-જુદી હોય છે, જેમ કે વૃદ્ધ લોકોને બાળકોની ચિંતા પોતાની હેલ્થની ચિંતા, પત્ની કે અન્ય કોઈ ફેમિલી મેમ્બર બહાર જાય છે તો તેના કારણે કોરોના થશે તો.. તેવા વિચારો, અમુક લોકોને એમ લાગે કે મને કંઈ થશે તો ફેમિલીનું શું.. એક છે બીમારી સાથે જોડાયેલા વિચારો અને મોત સાથે જોડાયેલા નેગેટિવ વિચારો. બીજી વસ્તુ છે ભવિષ્ય સાથે જોડાયેલા નેગેટિવ વિચારો. જેવા કે જોબ બંધ છે, ઘર કેવી રીતે ચાલશે, લૉકડાઉન કેટલા દિવસ રહેશે, બહાર નીકળાતું નથી ખાવાનું શંુ.. આવા અનેક પ્રકારના નેગેટિવ વિચારોની અસર થાય છે. જોકે નેગેટિવ વિચારોનું લિસ્ટ ઘણુ લાંબું છે. ઘણા નેગેટિવ વિચારો થોડી ક્ષણના હોય છે, જે આવે છે અને જતા રહે છે. પરિવારની વચ્ચે છો માટે કોઈ સ્ટ્રેસ પણ થતો નથી, પરંતુ જો આ નેગેટિવ વિચારો સતત ચાલુ રહે ત્યારે પેનિક એટેકના સીમટન્સ ચાલુ થાય છે.’

અમદાવાદના માલતી પટેલ (નામ બદલ્યું છે) કહે છે, ‘મારા પતિ સુનિલ લૉકડાઉનના શરૃઆતના દિવસોમાં તો બરાબર હતા. તેમને સરકારનો નિર્ણય સારો પણ લાગ્યો, પરંતુ હવે તેમને ડર લાગે છે કે તેમને કે ઘરમાં કોઈને કોરોનાનો ચેપ લાગશે તો.. તેમના મિત્ર ડૉક્ટર છે, વારંવાર ફોન કરીને તે કોરોના વિશે જુદા-જુદા પ્રશ્નો પૂછ્યા કરે છે. મારો મોટો દીકરો કૉલેજમાં છે, તેને કહે છે, મને કશું થાય તો તારી બહેન અને મમ્મીને સાચવજે. બે દિવસ પહેલાં તો ઝડપી પાણી પીવાના કારણે ખાંસી આવી તો રૃમમાં ભરાઈ ગયા અને કહેવા લાગ્યા મને કોરોના થયો છે, ડૉક્ટરને ફોન કરો મારી નજીક કોઈ આવશો નહીં. અમારા પાડોશીએ તેમને ફોન કરી કોરોના વાઇરસ વિશે ફરી બધી વાત કરી ત્યારે તેમને શાંતિ થઈ. સરકારે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી માહિતી લીધી પછી તેમને રાહત મળી. હવે અમે ઘરમાં માત્ર પોઝિટિવ વાતો કરીએ છીએ અને સાથે ડૉક્ટરના કહ્યા પ્રમાણે તેમને સાચવીએ છીએ.’

પેનિક એટેકના કારણે પીડાતા લોકોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ સરકારે સલાહ-સૂચનો માટે વ્યવસ્થા કરી છે. કોરોના સામે લડત આપવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો પડશે. જેમાં શિક્ષિત વર્ગે તો સમાજને પ્રતિબિંબ બતાવવાનું કાર્ય કરવાનું છે. દેશની સેવા કરવાની આ તક છે, જેમાં પેનિક થવાની જરૃર નથી. કોઈ પણ મુશ્કેલી હોય તો ડૉક્ટરની સલાહ લઈ તેને દૂર કરો. કોરોનાના ભયને પોતાના પર હાવી થવા દેશો નહીં.

—-.

પેનિક એટેકનો ડર છે અહીં મળશે ફ્રી સલાહ
સરકારી વિભાગમાં આ વિશે કોઈ પણ માહિતી માટે તમે કૉલ કરો તો તમારો કૉલ મેન્ટલ હૉસ્પિટલના સરકારી વિભાગના સાઇકિયાટ્રિસ્ટને ફોરવર્ડ કરાય છે, પરંતુ ત્યાં તમારે વેઇટિંગ પણ કરવું પડે ત્યારે એ જ ડૉક્ટર સાથે સીધો સંપર્ક કરી શકો તે હેતુસર તેમના નામ અને નંબર નીચે આપવામાં આવ્યા છે. જેમની પાસેથી તમે ફ્રીમાં માહિતી મેળવી શકો છો.
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »