તમારા માટે, તમારી સાથે, સતત…

ડરવાનું હવે શું કામ છે?

કાયા છે સાથે કષ્ટ તો રહેશે, પણ તેની ફિકર કોણ કરે, જે સંકટ આવ્યું છે તે ચોક્કસ જવાનું છે

0 265
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

કોલકાતાની સવારના કેટલાંક દૃશ્યો બિલકુલ બદલાઈ ગયાં છે. પરોઢિયે બગીચા કે સરોવર આસપાસ મોર્નિંગ-વૉક કરતા વરિષ્ઠ નાગરિકો હવે દેખાતાં નથી. તેની બદલે ઝડપથી દૂધ, બ્રેડ, શાકપાન, મમરા અને અનાજ ખરીદવાની રેસ ચાલે છે.

કોલકાતામાં અનેક મોર્નિંગ ક્લબો છે. સવારે યોગ, વૉક, પ્રાર્થના અને શનિવાર, રવિવારના સમજસેવાનો ક્રમ ચાલતો રહે છે. કોરોના વાઇરસ અને તેને કારણે લૉકડાઉન, જીવનમાં ઊથલપાથલ થઈ ગઈ છે. વડીલો દેવદર્શન કરવા જઈ શકતાં નથી. પોતાની ઉંમરના મિત્રો સાથે ગાર્ડનના બાંકડા કે પાળી પર બેસી બે-ચાર દિલની વાતો કરી શકતાં નથી.

નેતાજી ભવન મેટ્રો સ્ટેશન સમીપ એક સાંકડી ગલીમાં મકાનના ગેટ પર જ નિવૃત્ત સરકારી વકીલ નિર્મલ બાસુ મળી ગયા. એંસી પાર કરી ચૂકેલા નિર્મલ બાબુ ‘અભિયાન’ને કહે છે, ‘તર્ક અને દલીલો કર્યા વગર દિવસ કેમ પસાર થાય? અનુભવે ઘડાયા છીએ. બીજા વિશ્વયુદ્ધના સમાચારો વાંચ્યા છે. દેશના ભાગલા પડ્યા તે સમયની નાસભાગ જોઈ, કોમી રમખાણ, રાજકીય અસ્થિરતા, આંદોલન, યુદ્ધ, બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, બ્લેક-આઉટ, કટોકટી અને સભા-સરઘસો વચ્ચે અટવાતી જિંદગી પસાર થઈ ગઈ. ઘણીવાર કલ્પના ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વખતે ફરી મહામારીનું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. તેનો પણ છેડો આવી જશે.’

જેમની ઉંમર વધારે હોય તેમની ચિંતા વધારે થાય. એક કારણ એ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય. બ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવી તકલીફ હોય, પણ તાજેતરમાં જે આંકડા આવ્યા છે તે અનુભવી, નિયમિત અને દ્રઢ મનોબળ ધરાવતાં જૈફ વયના વડીલો માટે સારા છે. કોરોના વાઇરસનો ચેપ આશરે ૮૩ % ૬૦ વરસથી નીચેના લોકોને વધારે વળગ્યો છે!

કપાળમાં કરચલી પડી હોય તેમાં ઘણી સ્મૃતિઓ અને ઘટનાઓની અટપટી રેખા ગૂંથાયેલી હોય છે. દિલીપ કુમાર રોય ૯૯ વસંત જોઈ ચૂક્યા છે. વ્યવસાયે શિક્ષક હતા. સંગીતના અચ્છા જાણકાર છે. તેમના દાદા કવિ રજનીકાન્તની કવિતા હજી પ્રગટ થતી રહે છે. દિલીપ કુમાર રોય રોજ બે બંગાળી અને એક અંગ્રેજી અખબાર મગાવે છે. ધ્યાનથી વાંચે છે. ટીવી પર સમાચાર જોઈ કંટાળી જાય તો રેડિયો પર રવીન્દ્ર સંગીત સાંભળે છે.

Related Posts
1 of 57

સપ્ટેમ્બર ૨૦૨૦માં શતાયુ થશે એવા જોલીમોહન કોલ એકાકી જીવનના અભ્યાસુ છે. દશ વરસ પહેલાં તેમનાં પત્ની અવસાન પામ્યાં. બંને સક્રિય રાજકારણી હતાં. જનસંપર્ક અને લેખનને કારણે લોકો સાથે સતત સંકળાયેલા રહેતાં. હાલ સંજોગ જુદા છે. તેમનું ધ્યાન એક બહેન રાખે છે. નિયમિત સવારે ફરવા જતાં, હવે ઘરમાં જ હરેફરે છે. છાપાંના મોટા અક્ષરે છપાયેલી હેડલાઈન પર નજર ફેરવી લે છે. થોડીવાર ટીવી જોઈ દેશ-દુનિયાના ખબર મેળવી લે છે. યુકે, કેનેડા, દિલ્હી અને નોયડામાં સ્નેહીઓ રહે છે તેમની સાથે ફોન પર વાતો કરે છે.

આવા જ એક મુરબ્બી ૯૮ વરસના હિમેન્દુ બિશ્વાસ ચાલતાં ફરતાં રહે છે. તેમનો એક પુત્ર બેગ્લુરુમાં રહે છે. બીજો અરજિત બિશ્વાસ મુંબઈમાં રહે છે. હિન્દી ફિલ્મ અંધાધૂંનની કથા લખી છે. હિમેન્દુ બિશ્વાસ સાથે એક કૅરટૅકર રહે છે. ઓનલાઈન દરેક ચીજો આવી જાય છે. આંખે ઓછું દેખાય છે. રેડિયો સાંભળી દિલ બહેલાવે છે.

બગીચામાં વિસામો બનાવી રોજ બાવન પાનાંની રમત રમતાં આનંદબાબુ થોડા રિસાયેલા છે. તેમની ઉંમરના સાથીઓ બહુ ઓછા રહ્યા તેમાં વિસામો પણ હાલ ખાલી છે. બગીચા સુધી જાય અને ખાલીપો લઈ પાછા આવી જાય. તેઓ કહે છે, ‘એકલાં હોઈએ તો મનગમતું પુસ્તક વાંચવું ગમે. રમતમાં તો બે જણા હોવા જોઈએ. બાકી કોઈ ચિંતા નથી. થોડું તીખું, થોડું મીઠું અને બે ગોળીઓ ગળી લેવાની, થોડા દિવસ હેલ્થ ચેક થશે નહીં પછી જે થાય તે…’

ચિંતા હોય પણ ઈર્ષા ન હોય તો સારું જીવાય એવી કાળજી રાખીને જીવતાં આઠ કે વધારે દાયકા જોઈ ચૂકેલા લોકોનું માનવું છે. કાયા છે સાથે કષ્ટ તો રહેશે, પણ તેની ફિકર કોણ કરે, જે સંકટ આવ્યું છે તે ચોક્કસ જવાનું છે. સાતમના દિવસે શીતળા માતાના દર્શને આવેલાં દાદી પહેલીવાર દૂરથી હાથ જોડી, કોથમીર અને મરચાં લઈ પાછાં ફરતાં હતાં ત્યારે યાદ આવ્યું કે માસ્ક નથી. રૃમાલથી મોઢું ઢાંકી પોતાના મકાનમાં પ્રવેશ કરી ગયાં.

ભવ અને અનુભવ વચ્ચે સુખ અને દુઃખનાં કેટલાંય પૃષ્ઠો ફેરવી ચૂકેલાં વરિષ્ઠજનો પોતાના આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિના બળે રોગને કળ કેમ વળે તે બરોબર જાણે છે. રામાયણ અને મહાભારતનું ફરીથી દૂરદર્શન પર પ્રસારણ થઈ રહ્યું છે તે તેમને ગમ્યું છે. આ મહાકાવ્યોમાં જ તો બધા સવાલોના જવાબો છે.

સાંવરિયા શેઠની હવેલીમાં દરરોજ મંગળાનાં દર્શન કરવા જતાં મોહનલાલ અગ્રવાલ ઘરે જ બેસી રાધે…રાધે કરે છે. તેઓ કહે છે, ‘જીવન સુકાન હરિને હાથ છે તો ડરવાનું હવે શું કામ…’
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »