તમારા માટે, તમારી સાથે, સતત…

વાત કોરોના સામે આગોતરું આયોજન કરનાર એકમાત્ર ગામની

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામનું આગોતરૂં આયોજન

0 186
  • દૂરંદેશી – નરેશ મકવાણા

કોરોના સામેનો જંગ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. કટોકટીના આ સમયમાં જ્યાં સ્થાનિક વહીવટી તંત્ર પણ અનેક મોરચે ઊંઘતું ઝડપાયું હોય છે ત્યારે અહીં એક એવા ગામની વાત કરવી છે જેણે કોરોના સામેની લડાઈમાં સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે સ્વયં આગોતરું આયોજન હાથ ધર્યું હતું. ગ્રામપંચાયતની કોઠાસૂઝને કારણે આજે આ ગામ કોરોના સામેની લડાઈમાં સ્થાનિક તંત્ર કરતાં પણ એડવાન્સ સાબિત થયું છે.

ચીનથી વાયા કેરળ થઈને ભારતમાં પ્રવેશેલા કોરોના વાઇરસ સામેની લડાઈ હવે તેની ચરમસીમાએ પહોંચવા આવી છે. વડાપ્રધાનની એક હાકલ પર સમગ્ર દેશે સળંગ એકવીસ દિવસ સુધી ઘરોમાં જ રહેવાનું સ્વીકારી લીધું એ સાથે જ સરકારી તંત્રની કસોટી શરૃ થઈ ગઈ હતી. લૉકડાઉનની અણધારી જાહેરાતે ગુજરાત સહિત સમગ્ર દેશના સ્થાનિક તંત્રને દોડતું કરી દીધેલું. ૨૪મી માર્ચે સાંજે આઠ વાગ્યે જેવો વડાપ્રધાને દેશવાસીઓને સળંગ ત્રણ અઠવાડિયાં સુધી પોતાનાં ઘરોમાં જ રહેવાનો આદેશ કર્યો એ સાથે જ લોકો જીવનજરૃરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા દુકાનો, શોપિંગ મૉલ પર ઊમટી પડ્યાં હતાં. ૨૫મી માર્ચની સવારે દેશભરમાં દૂધ અને શાકભાજીની તંગી સર્જાઈ. બીજા દિવસે પણ એવું જ બન્યું. ખાનગી વાહનો પર પ્રતિબંધ હોઈ શરૃઆતના દિવસોમાં શાકભાજી, ફળો અને દૂધમાં લોકોએ બહુ વેઠવાનું આવ્યું. એ પછી અનાજ, કઠોળ વગેરે ચીજોની તંગી વર્તાવા માંડી. ગ્રામ્ય વિસ્તારોમાં તો સસ્તા અનાજથી દુકાનો પર અનાજ જ ન મળતાં ગરીબવર્ગ ભૂખ્યે ટળવળવા માંડ્યો. રોજનું લાવીને રોજ ખાનાર વર્ગનો તો મરો થઈ ગયો. કેમ કે બહાર કામ માટે જઈ શકાતું નહોતું અને ઘરમાં ખાવા માટે કશું હતું નહીં. એવામાં કોરોનાને લઈને સરવે થઈ ગયો હોવાના આંકડાઓ જાહેર થયા ત્યારે અનેક લોકોએ પોતાને ત્યાં કોઈ સરવે માટે આવ્યું જ ન હોવાનો બળાપો કાઢ્યો. આ બાજુ સતત ઘરમાં રહેવાને કારણે લોકો માનસિક રીતે અસ્વસ્થ થવા માંડ્યા હતા. જેની સામે કેવી રીતે લડવું તેનું પણ તંત્ર પાસે કોઈ આયોજન નહોતું. ટૂંકમાં, પોલીસ અને આરોગ્ય વિભાગને બાદ કરતાં અનેક મોરચે અરાજકતા ઊભી થઈ ગઈ.

આ સમસ્યાઓ દેશનાં અનેક શહેરો અને ગામડાંઓમાં વત્તાઓછાં અંશે જોવા મળી, પણ એમની વચ્ચે ગુજરાતમાં એક એવું ગામ પણ હતું જ્યાં આ પૈકી એકેય સમસ્યા એ વખતે પણ નહોતી નડી કે આજેય નથી નડી રહી! જી હા, વડાપ્રધાને સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી એ પછી પણ અહીં કોઈ બાબતને લઈને અરાજકતા નથી ફેલાઈ! વાત છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામની. જ્યાંની ગ્રામપંચાયતના દૂરંદેશી અને આગોતરા આયોજનને કારણે ગ્રામજનોએ સંપૂર્ણ લૉકડાઉનની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જરાય અગવડતા વેઠવી નથી પડી. જોકે આટલી મોટી સફળતા પાછળ ગ્રામપંચાયતનાં મહિલા સરપંચ અને તેમનું બહુ પહેલાંનું આયોજન જવાબદાર છે.

શહેરોમાં પણ અનેક મોરચે કટોકટી સર્જાઈ ચૂકી છે ત્યારે સાવ ગ્રામીણ સ્તરે તમે કેવી રીતે ટકી ગયા? આ સવાલનો જવાબ આપતાં ગામનાં મહિલા સરપંચ અંંબાબહેન પરમાર કહે છે, ‘કોરોના વાઇરસને લઈને બધે જીવનજરૃરી ચીજોની તંગી ઊભી થઈ છે, પણ અમારે ત્યાં એવું કશું થયું નથી તેની પાછળનું કારણ અમારું આગોતરું આયોજન છે. અમે ૧૯મી માર્ચે વડાપ્રધાને જ્યારે દેશને પહેલીવાર કોરોના વાઇરસને લઈને સંબોધન કર્યું હતું ત્યારથી તૈયારીઓ શરૃ કરી દીધી હતી. પંચાયતમાં અમે સૌ મળ્યાં ત્યારે એક સભ્યે અન્ય દેશોમાં લૉકડાઉન જાહેર થયાની વાત કરી હતી. સાથે જ તેમાં લોકોએ કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે તેની પણ વાત કરેલી. આથી અમને લાગ્યું કે જો ભવિષ્યમાં આપણે ત્યાં પણ આવી પરિસ્થિતિ આવી પડે તો તેના માટે અત્યારથી તૈયાર રહેવું. આથી અમે ૧૯મી પછી તરત પગલાં લેવા શરૃ કરી દીધાં હતાં. જેમાં કોરોના સામે કેવી રીતે ગામલોકોને જાગૃત કરવા, કેવી સાવચેતી રાખવીથી લઈને જીવનજરૃરી ચીજવસ્તુઓની તંગી ન સર્જાય તેનું આયોજન કર્યું. આ માટે પહેલાં તો અમે ગામનાં શાકભાજી, અનાજ, કઠોળ પકવતા ખેડૂતોને ગામની ઉપજ બહાર ન લઈ જવા સમજાવ્યા. એ પછી પશુપાલકોને ગામલોકોના વપરાશ જેટલો દૂધ-ઘીનો પુરવઠો જાળવી રાખવા મનાવ્યા. કરિયાણાની દુકાનોવાળાને ૨૨મી માર્ચના લૉકડાઉન પહેલાં જરૃરી સામાન ભરી દેવા કહ્યું. ગામલોકોને ચેપ ન લાગે એ માટે મુખ્ય બંને પ્રવેશદ્વારો પર કામચલાઉ ચેકપોસ્ટ બનાવી. અમારી આ મહેનત રંગ લાવી. કેમ કે, લૉકડાઉનના શરૃઆતના દિવસોમાં જ આસપાસનાં અનેક ગામોમાં જીવનજરૃરી ચીજો ખૂટી પડી હતી, ત્યારે અમારે ત્યાં આજની તારીખે પણ બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે.’

Related Posts
1 of 262

કોરોના સામેની લડતમાં આ નાનકડું ગામ સરકારી તંત્ર કરતાં પણ બે કદમ આગળ રહ્યું છે. તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો કે, જ્યારે શહેરોના મોટા રસ્તાઓ પર પોલીસે બૅરિકેડ પણ નહોતાં ગોઠવ્યાં ત્યારે અહીં ગામલોકોએ લાકડાં ગોઠવીને કામચલાઉ ચોકી ઊભી કરી આવતાજતાં લોકો પર નજર રાખવા ચોકીદારો પણ ગોઠવી દીધા હતા. દરેક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતી. બહારની વ્યક્તિ હોય તો કોને ક્યાં જવાનું છેથી લઈને તેમની તમામ વિગતો પણ લેવામાં આવતી. ગામની દરેક દુકાનો પર તે કેટલા વાગ્યે ખોલવી અને બંધ કરવી તેની નોટિસ પણ પંચાયતે લગાવી દીધી હતી. રાજ્યના તંત્રે જ્યારે ગ્રામપંચાયતોને શાકભાજી લોકો સુધી પહોંચાડવાનો આદેશ કર્યો એના અઠવાડિયા પહેલાં જ આ ગામની પંચાયતે ગામનાં ખેતરોમાંથી તાજું શાકભાજી વાજબી ભાવે વેચવાનું શરૃ કરી દીધું હતું.

વડસર ગ્રામપંચાયતના આગેવાન ચીમનભાઈ પરમાર આ મામલે ગ્રામ પંચાયતના યુવા સભ્યોને શ્રેય આપતાં કહે છે, ‘અમારા ગામની ગ્રામપંચાયત કોઈ પણ નવા વિચારને આયોજનપૂર્વક અમલમાં મૂકવામાં માને છે. કોરોના વાઇરસને લઈને વડાપ્રધાને પહેલીવાર સંબોધન કર્યું ત્યારે કેટલાક ભણેલા યુવાનોએ દુનિયાભરમાં તેની ગંભીર પરિસ્થિતિ વિશે અમને જણાવ્યું હતું. એટલે ત્યારથી અમે કોરોના વાઇરસની ગંભીરતા સમજી ગયા હતા અને એ રીતે આવનારા પડકારોને પહોંચી વળવા આયોજન હાથ ધર્યું હતું. તેના કારણે જ આજે લૉકડાઉન છતાં અમારા ગામને કોઈ તકલીફ નથી. ઉલટાનું ઘણા એવા નિર્ણયો છે જે અમે પહેલાં જ લઈ લીધા હતા, જેને સરકારે એ પછી આખા રાજ્યની ગ્રામપંચાયતોને અમલમાં મૂકવા કહ્યું હતું.’

અહીંના તલાટી આશિષભાઈ દેસાઈએ હવે ગામલોકોના માનસિક આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેની પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે, ‘લાંંબા સમયથી ઘરમાં બેસી રહેવાથી લોકો હવે કંટાળ્યા છે. તેમને બહાર જવું છે, પણ કોરોના નડી રહ્યો છે. અમે તેમને કોરોનાના ચેપની ગંભીરતા સમજાવીને તેમને ઘરમાં રહેવા અપીલ કરી છે. સાથે જ તેમનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે વિવિધ ઉપાયો સૂચવ્યા છે. લોકોને ઘરમાં પરિવાર સાથે બેસીને રમી શકાય તેવી રમતોની માહિતી પહોંચાડી છે. આ સિવાય યોગ, હળવી કસરત, વાંચન, ફિલ્મો જોવાનું પણ કહીએ છીએ. મિત્રોને ફોન કરો, સગાંસંબંધીઓ સાથે સંબંધો સુધારો, ધ્યાન કરો એમ અનેક ઉપાયો સૂચવ્યા છે. જેથી તેઓ માનસિક અસ્વસ્થ ન થાય અને લૉકડાઉનનો ભંગ ન થાય.’

ગ્રામપંચાયતના કમ્પ્યુટર ઓપરેટર રાજુભાઈ રાવળ કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ ગામલોકોને તકલીફ ન પડે તે હેતુથી નિયમિત હાજરી આપે છે. તેઓ જરૃરી તમામ દાખલા, સર્ટિફિકેટ, ઉતારા, બિલ વગેરે ઓનલાઈન જ કરી દે છે જેથી કોઈને ગ્રામ પંચાયતનો ધક્કો ન ખાવો પડે. ગામલોકોએ માત્ર તેમને ફોન કરીને જરૃરી માહિતી જ આપવાની રહે છે, એ પછીનું બધું જ કામ તેઓ પંચાયતમાં બેઠાં બેઠાં જ કરી આપે છે.

ટૂંકમાં, ગામલોકોમાં એકતા હોય, આગોતરું આયોજન કર્યું હોય અને સમાજ પ્રત્યેની નિષ્ઠા હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ટકી જવાય છે તેનો દાખલો આ ગામે પુરો પાડ્યો છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »