તમારા માટે, તમારી સાથે, સતત…

ભાષા કોઈની ગુલામ નથી

૧૯૭૨થી અંગ્રેજી ભાષા ઉગારવા પરિશ્રમ કરતી સંસ્થા ક્વિન્સ ઇન્ગ્લિશ સોસાયટીને ચિંતા થાય છે

0 459
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ના ડૂબાડી શકો ના દાટી શકો ના બાળી શકો
તમારા જીવનમાં તમે ભાષા નહીં મારી શકો

ભાષા એટલે કોઈ એક પ્રકારનાં પશુ, પક્ષી કે અન્ય જીવનો એ જ પ્રકારના અન્ય જીવ સમજી શકે તેવો પોતાના માનસિક સ્પંદનને બહાર પ્રકટ કરતો નાદ. કોઈ ભૌગોલિક કે રાજકીય પ્રકારના વિસ્તાર સાથે જોડાયેલા, કોઈ પ્રકારના સમાજ કે અન્ય કોઈ પ્રકારના જૂથના મનુષ્ય પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજા સમક્ષ પ્રકટ કરી શકે તેવો ચોક્કસ નિયમ પર આધારિત નિશ્ચિત વ્યક્તનાદનો સમુદાય. જબાન, વાણી, બ્રાહ્મી, ભારીત, સરસ્વતી, ગિરા તેમજ વચન. લાગણી કે સંવેદન તથા વિચાર બોલીને કે લખીને જણાવાય છે. ભાષાશાસ્ત્ર ભાષા તથા બોલી વચ્ચે ભેદ જુએ છે. અંતઃકરણના વિહાર કે વ્યાપારને ભાષા કહે છે. અંગ્રેજી શબ્દ લેન્ગ્વેજના મૂળમાં વાતચીત, જીભ ‘ને અભિવ્યક્તિ શબ્દ ‘ને અર્થ છે. સ્પર્શ, ગંધ ‘ને ઇશારા જેવા માધ્યમની ભાષા અલગ ‘ને અક્ષરની ભાષા અલગ. જેનો ક્ષર નથી તે અક્ષર. એવા અક્ષર વડે જે ભાષા રચાય તેનો ક્ષર ના થાય એ સીધી વાત છે. માતૃકાચક્ર એવમ માહેશ્વરસૂત્ર મુજબ પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે. શક્તિનો નાશ ના થઈ શકે, શક્તિમાં પરિવર્તન થઈ શકે.

વર્ષોથી એક વિચાર, એક તર્ક તેમ જ એક ઊર્મિલ તરંગ જે જ્ઞાન તરીકે રજૂ થયા કરે છે તે એક વાક્ય રૃપે આપણી માહિતીમાં પણ હશે. ગુજરાતી ભાષા મરી રહી છે. અમુક લોકો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાડે છે. ભારતમાં જે ભાષાનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો હોય કે પછી ખૂબ ઓછા લોકો જે ભાષા કામમાં લેતાં હોય એવી ભાષા આમ ઇન્સાન માટે ગાયબ થઈ ગઈ હોય કે પછી હતી જ નહીં તેવું બન્યું છે. તેથી ગુજરાતી ભાષાના મૃત્યુ અંગે ચિંતા કરવી હોય તો તેના જીવન અંગે ચિંતન કરવું રહ્યું તેમાં કોઈ સંશય નથી. છતાં અત્યારે ‘ને અહીં આપણે એક વાસ્તવિકતા જાણી ‘ને સ્વીકારી લઈએ તો સારું ‘ને સાચું ગણાશે. એ વાસ્તવિકતા માત્ર એટલી જ છે કે ભારત ‘ને વિશ્વની મોટા ભાગની ભાષાઓની તબિયત અંગે જે-તે ભાષાના જાણકારો સીધી કે આડકતરી ફિકર કરે જ છે. લાંબા સમયથી. તેમની પણ અભિલાષા છે કે તેમની ભાષાનું અવસાન ના થાય. બેશક એકથી વધુ દેશમાં વપરાતી કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામમાં આવતી અંગ્રેજી જેવી ભાષા મરણ પથારીમાં છે તેવું અપવાદ રૃપે જ અમુક લોકો માને છે. હા, બહુ મોટો વર્ગ એવું માને છે કે અંગ્રેજી ‘ને અન્ય ભાષાઓ રોગગ્રસ્ત થઈ છે.

અંગ્રેજી જેમની માતૃભાષા હોય એવા ભાષાશાસ્ત્રી કે લેખક અવારનવાર અંગ્રેજી ભાષા બચાવવા વિષે લેખ લખતાં હોય છે, જેમાં મૂંઝવણ, દર્દ ‘ને ક્રોધ સ્પષ્ટ દેખાય. જો મોબાઇલ ફોનનું નેટવર્ક ખોરવાઈ જાય તો? જો શરદી ‘ને તાવની દવા પૈસા આપતા પણ ના મળે તો? જો હિમાલયનો બરફ અચાનક જ ઓગળી જાય તો? જો વિશ્વનું ઇન્ટરનેટ ઠપ થઈ જાય તો? આવા સવાલ પૂછીને થરથર ધ્રૂજનારા પણ છે. આવા પરિસંસાર થકી પેટિયું રળનારા પણ છે અને મારી, તમારી ‘ને આપણી ભાષાની સાચી કદર કરી આવનારી પેઢીઓના સારા માટે ભાષાની સ્વસ્થતા કાજે મહેનત કરનારા પણ છે. ભારે, અટપટી ‘ને ગેરમાર્ગે દોરી શકે તેવી ભાષાના વિરોધમાં વર્ષોથી કાર્યરત પ્લેઅન ઇંગ્લિશ લેન્ગ્વેજ કેમ્પેનના મેરી ક્લેર માને છે કે ભાષાનું અધઃપતન થઈ રહ્યું છે. આજકાલના અંગ્રેજી ભાષા વાપરનારાના નીચલી કક્ષાના માનદંડને લીધે અંગ્રેજી ભાષા તેનાં મૂળિયાં છોડી ગમે તે દિશામાં ડાળ ફેલાવવા જાય છે.

૧૯૭૨થી અંગ્રેજી ભાષા ઉગારવા પરિશ્રમ કરતી સંસ્થા ક્વિન્સ ઇન્ગ્લિશ સોસાયટીને ચિંતા થાય છે કે બગડેલી ભાષાને લીધે કોમ્યુનિકેશન લગીર અસરકારક નહીં રહે. જોકે તેમનું માનવું છે કે કોઈ પણ ભાષા બદલ્યા વગર જીવંત ના રાખી શકાય, પરંતુ અમુક બદલાવ જે ગૂંચવાડો જણે તેવા છે તે પૂર્ણ રીતે અસ્વીકાર્ય છે, કારણ કે તેને લીધે ભાષાનો મૂળ હેતુ જ માર્યો જાય. ૫૯ વર્ષના અમેરિકન લેખક ડગ્લાસ રશકોફે ૨૦૧૩માં ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લખ્યું હતું કે, વ્યાકરણ ભાષા ચકાસવા માટેનું પ્રમાણભૂત સાધન છે જેના વગર શેનો મતલબ શું થાય તે માટેની સર્વસંમતિ આપણે ખોઈ બેસીશું. જ્યારે સામસામી વાતચીત નહીં કરવાની હોય ત્યારે કમ્યુનિકેટ કરવું દુષ્કર થઈ જશે. વ્યાકરણ વિના લેખનમાં સહેતુક તેમ જ પરિણામકારક રહેવા માટે જે ચોકસાઈ જોઈએ તે આપણે ગુમાવી દઈશું. આપણે અહીં કક્કો નથી આવડતો ‘ને માથે ટપકાં બરાબર નથી મૂકતાંનો કકળાટ કરીએ છીએ ત્યારે ત્યાં અંગ્રેજી ભાષાના પાયા હચમચી રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ટ્રમ્પ અમદાવાદ આવ્યા તેની જીવંત રજૂઆત કરતા એક ગુજરાતી ટીવી ચેનલની મહિલા પ્રસ્તુતકારે હસ્તધૂનન શબ્દના સ્થાને ભૂલથી અન્ય ખોટો શબ્દ વાપર્યો તેને કારણે સોશિયલ મીડિયામાં લોકોએ તેમની મશ્કરી ‘ને ટીકા કરી. અડીઘડી અમુક બુદ્ધિ, ભણતર ‘ને સુરક્ષિત જીવન ધારી ગુજરાતીઓ કોઈ દુકાનના પાટિયા પરની ખોટી ગુજરાતી ભાષા પર હાહાહીહી કરે છે કે પછી કોઈ રિક્ષા પાછળ લખેલી લીટી પર ખિખિયાટાં બોલાવે છે. ગુજરાતી ભાષાને માતા ગણતાં હોય તેમની વાત નથી. એ ઠઠ્ઠાબાજો અંગ્રેજી ભાષાને લઈને જે ફારસ સર્જાય તેના વિષે અપવાદ રૃપે માંડ વાત કરશે. ઇન્ટરનેટ પર સર્ચ કરો તો તમને પચાસ વીડિયો મળી શકે જેમાં ટીવી હોસ્ટ કે એન્કરે લાઇવ બફાટ કર્યો હોય અને ટ્રેજેડી કે કોમેડી સર્જાઈ હોય. એનિવેઝ, ભારતીય શબ્દનો સાચો ઉચ્ચાર કરતા ના આવડે એવા બંગાળીને ભારતીય શબ્દોના ટ્રમ્પે કરેલા ઉચ્ચારની પટ્ટી પાડતા વીડિયો જોઈ હસનારા ગુજરાતીને ટોટોલોજી એટલે શું એ ના ભાન હોય.

આપણે ત્યાં ગુજરાતી વાચકોને મૂર્ખ ગણનાર કે બનાવનાર ઘણા લેખકો એકની એક વાત માવાની જેમ મસળે જાય છે ‘ને સમાનાર્થી શબ્દ વડે એકની એક વાત અલગ રીતે કહે છે. ખૂબ સુંદર, સોહામણુ ‘ને સરસ છે. આવું બકવાસ વંચાય કે સંભળાય? બ્રિટનમાં સમાચાર વગેરે કાર્યક્રમના અનુભવી પ્રસારક જ્હોન હમ્ફ્રી કટાક્ષ કરતા કહે છે કે સમાન અર્થ કે ભાવ જુદા જુદા શબ્દોમાં વારંવાર વ્યક્ત કરવાની પદ્ધતિ ટોટોલોજી એટલે ભાતની સાથે બટાકાની કાતરી ખાવી. એમણે બીજી એક ઊંડી કે ઊંચી વાત કરી છે. ઘણા અંગ્રેજી લોકો આળસ ‘ને અશુદ્ધિ જેવા પરિબળોના પ્રભાવમાં બનાવટી પુષ્ટતા પામેલી ભાષા વાપરે છે તેના માટે તેમણે ‘ભાષાનું મેદસ્વીપણુ’ વાક્યાંશ ચલણમાં મૂક્યો છે. તેમનું માનવું છે કે કચરો હોય તેવા શબ્દ પર નભવાના પરિણામે ભાષા બેડોળ બને છે. અમેરિકાના જાણીતા કલાકાર જ્યોર્જ કાર્લીન અંગ્રેજી ભાષામાં એ જમાનમાં આવતા બદલાવ વિષે પેટ પકડીને હસવું પડે એવી રીતે આકરી ટીકા કરતા હતા.

જ્યોર્જ કાર્લીનને સીધી વાતને આડી રીતે રજૂ કરતાં શબ્દ સમૂહ પર ખૂબ ગુસ્સો હતો. અંગ્રેજીમાં તેને જારગોન કહે છે. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં આનંદ ગિરિધરદાસ ૨૦૧૦ના એક આર્ટિકલમાં જણાવે છે કે હવે લોકો ભાષાની કળામાંથી બહાર આવી અને સીધી રીતે વાતચીત કરે છે. એમણે ભાષાને ડિજિટલ યુગનું બૂઠું ઓજાર કહ્યું છે. આનંદ માને છે કે ભવિષ્યમાં ભાષા નુકસાન વેઠશે જ, કારણ કે દરેક વ્યક્તિએ બહુ બધાંને સંબોધીને વાત કરવાની છે ‘ને સમય ખૂબ મર્યાદિત થઈ ગયો છે. ભારતની આઝાદીના આગલા વર્ષે ૧૯૪૬માં અમેરિકન જ્યોર્જ ઓરવેલે કહેલું કે ઢોંગી એવમ બડાઈખોર શબ્દોનો ઉપયોગ રાજકારણનું ખવાણ કરી રહ્યા છે. અર્થ વિનાના શબ્દોનો ઉપયોગ કરવાની કુટેવ રાજકારણને ખાઈ રહી છે. છતાં તેમણે કહેલું કે ભાષાના દુરુપયોગ સામે સંઘર્ષ કરવો એટલે કાલગ્રસ્ત થતી ચીજના વપરાશ માટે દુરાગ્રહ રાખવો. જેમ કે વીજળીથી પ્રકાશિત થતાં ગોળા સામે મીણબત્તીનો આગ્રહ રાખવો. ભવિષ્ય અંગે વિચારતા અંગ્રેજી ભાષાના ખાંટુઓ ગભરાઈ જાય છે. આજે જો અંગ્રેજીની આવી હાલત છે તો ભવિષ્યમાં કેવી હાલત હશે?

Related Posts
1 of 281

અંગ્રેજી ભાષાની તબિયત ખરાબ છે ‘ને ભવિષ્યમાં તેને લકવો મારી જાય કે એ અપંગ થઈ જાય કે એ મોતને ભેટે એવા એકતરફી દાવા પર ત્યાં ઘણા લોકો તટસ્થ રીતે વિચારે છે. શું આપણે ભૂતકાળમાં વધુ હોશિયાર હતા? ભાષા અંગે શું યુવા પેઢી ખરેખર મૂર્ખ કે નાલાયક છે? સાતેક દશક અગાઉ લોકો વ્યાકરણમાં ક્ષતિહીન કાબેલિયત ધરાવતાં હતાં, તો શું ત્યારના લોકો બાકીના કામકાજમાં વધુ પ્રવીણ હતાં? જોવાની ખૂબી એ છે કે ૧૭૮૫માં કવિ ‘ને દાર્શનિક જેમ્સ બિટીએ કહેલું કે આપણી ભાષા ખૂબ જલ્દી ભ્રષ્ટ થઈ રહી છે. તેનાથી સાત દાયકા અગાઉ જોનાથન સ્વિફ્ટે જાહેર કરેલું કે આપણી ભાષામાં આજકાલ જે પ્રસિદ્ધ થઈ રહ્યું છે તે ભ્રષ્ટતાથી ભરેલું છે. આજે અંગ્રેજી ભાષાની વર્તમાન સ્થિતિ પર તટસ્થતાથી વિચારનારને થતું હશે કે જો જેમ્સ ‘ને જોનાથન આજનું અંગ્રેજી વાંચે કે સાંભળે તો સમજી શકે ખરા?

ગુજરાતી ભાષા લગભગ ૭૦૦ વર્ષ જૂની છે. પચાસ કે સો વર્ષ જૂની ગુજરાતી ખૂબ શિષ્ટ, પરિપૂર્ણ ‘ને ગુણકારક લાગે. શક્ય છે અમુક ભાગ આપણને ના સમજાય. પણ, ગુજરાતી ભાષામાં જેમ-જેમ આપણે ભૂતકાળમાં ધસીએ તેમ-તેમ ભાષા વિચિત્ર લાગતી જાય. ગુજરાતી કાચી તેમ જ નબળી લાગતી જાય. જ્યારે અંગ્રેજીમાં એવું છે કે જેમ જેમ જૂની અંગ્રેજી વાંચો તો વધુ ‘ને વધુ સક્ષમ ભાષા દેખાતી જાય. બસ, તમને જેમ-જેમ પાછળ જાઓ તેમ-તેમ સમજ ઓછી પડતી જાય. અગ્નિરથ, અગ્નિરથવિરામસ્થળ ‘ને અગ્નિરથઆગમનનિર્ગમનસૂચકવર્ણિનલોહતામ્રપટ્ટિકા જેવા ભદ્રંભદ્રિય શબ્દ ગુજરાતી વાંચનના વ્યસનીને પણ સમજતા વાર લાગે. હમણા ડિજિટાઇઝેશનના સ્થાને વિજાણુકરણ શબ્દ વાંચ્યો. ભાષા બચાવો કહીને અમને જે ભાષા ગમે ‘ને આવડે છે તે ભાષા બચાવો કહેતાં મુરબ્બીઓના દબાણમાં જ પેલા ટીવી કાર્યક્રમ રજૂ કરનાર બહેન જેવા ઘણા લોકો ગંભીર ભૂલ કરી બેસે છે. હેન્ડશેક બોલવાની જગ્યાએ ગુજરાતીમાં જ બોલવું એવી જીદને કારણે કોઈ યુવાન હસ્તમેળાપ કે હસ્તમૈથુન બોલી જાય તો વાંક વડીલોનો છે. યુવાનને નમસ્તે બોલતાં ના આવડે તો તેનો વાંક છે. બાય ધ વે અંગ્રેજી શબ્દ બ્લૂપર માટે કોઈ ગુજરાતી શબ્દ છે?

ખેર, ભાષા બગડતી જાય છે, ભાષા મરતી જાય છે એ વાત વિશ્વની ઘણી ભાષામાં થાય છે. લેબેનોનમાં અરબી ભાષા મરતી જાય છે તેવું મનાય છે. અરબી ભાષામાં લખાયેલા પત્રનું ખૂન થયું છે ‘ને ગુનાના સ્થળે પોલીસ આવી છે જેણે પુરાવા આરક્ષિત કરવા સ્થળને ફરતે પીળા રંગની ટેપ લગાડી હોય છે જેના પર લખ્યું હોય છે કે તમારી ભાષાને મારી ના નાંખો. સ્વાભાવિક છે લેબેનોન ‘ને આસપાસના દેશમાં જૂની અરબી વાંચી ‘ને સમજી શકનાર ઓછા હશે. જર્મનીમાં દર અઠવાડિયે કોઈનું કોઈ બોલે છે યા લખે છે કે જર્મન ભાષાનું ભવિષ્ય ખતરામાં છે. ભાષાવિદ રુડી કેલર જણાવે છે કે ૨૦૦૦ વર્ષથી ભાષામાં પેસેલા સડા અંગેની ફરિયાદો શબ્દોમાં નોંધાયેલી છે. છતાં કોઈ પણ વ્યક્તિ કોઈ એક ભાષાને સડેલી ભાષા તરીકે ઓળખાવી શક્યા નથી. વારુ, એમની વાતમાં દમ છે. કોઈ પણ ભાષાને સડેલી ભાષા છે એમ સાબિત કરવું લગભગ અશક્ય છે. માણસ સાથે ભાષા ઉત્ક્રાંતિ પામે એમાં કશું ખોટું નથી. ભાષા કોઈની નોકરડી કે રખાત નથી.

નવી પેઢી નવું કામ કરે. કળાના ક્ષેત્રમાં નવું જે કશું પણ થાય તેમાં નવી પેઢીનો મહત્ત્વનો રોલ હોય. બજાર, ખરીદી ‘ને અર્થતંત્ર બાળકો ‘ને યુવાનો પર કેટલું આધારિત છે એ સૌને સમજાય તેવી બાબત છે. ખેલકૂદની દુનિયા હોય કે શિક્ષણનું મહાકાય ક્ષેત્ર, જેમને જૂની ભાષા નથી આવડતી કે જેમણે જૂની ભાષા શીખવાની બાકી છે તેમની સંખ્યા ‘ને તેમનું સમાજમાં સ્થાન સ્પષ્ટ છે. એક યુવાનને પોતાની માતૃભાષા જેટલી આવડે છે તેમાં મોટો ફાળો આગલી પેઢીનો છે અને જેટલી નથી આવડતી તેમાં પણ મોટો ફાળો આગલી પેઢીનો છે. કશું જ સ્થાયી ના રહે. કુટુંબની ટેવ, પરંપરા કે સ્થિતિ બદલાય જ. ભાષામાં ઘસારો આવે જ ‘ને ઉમેરો થાય જ. ભાષા ચાવીવાળું રમકડું નથી. ભાષા કોઈ ઍપ નથી. ભાષા જીવંત શક્તિ ના હોય તો ભાષાનું હોવું જ અર્થહીન થઈ જાય. ભાષાની એવી કોઈ ફિક્સ્ડ એજ ના હોય કે જ્યારે તેનો વિકાસ થવાનું બંધ થાય ‘ને તેનો ઘરડાપો શરૃ થાય.

‘ડોન્ટ બિલિવ એ વર્ડ ઃ ધ સરપ્રાઇઝિંગ ટ્રુથ અબાઉટ લેન્ગ્વેજ’ પુસ્તકમાં ડેવિડ શરિઆતમદરીએ અંગ્રેજીના ઘણા શબ્દ સાથે વ્યાકરણના ઉદાહરણ વડે સમજાવ્યું છે કે મનુષ્યનું શરીર ‘ને મગજ જ એવાં છે જે ભાષામાં ઉત્તરોઉત્તર પરિવર્તન લાવે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે લેખક ડગ્લાસ આદમ્સ એક રસપ્રદ વાત કરી ગયા છે. એમણે ટૅક્નોલોજી માટે કહેલું કે તમે જન્મ્યા હો ત્યારે જે સર્વસામાન્ય હોય તે દુનિયાના કુદરતી સંચાલન માટેનો એક ભાગ હોય. તમે જ્યારે ૧૫થી ૩૫ વર્ષની આયુના હો ત્યારે જે શોધાયું હોય તે નવીન, ઉત્તેજક ‘ને ક્રાંતિકારી હોય. જે કશું પણ તમારી ૩૫ વર્ષની ઉંમર પછી શોધાય તે તમારા મન માટે કુદરતી વ્યવસ્થાની વિરુદ્ધનું હોય. તીખું હાસ્ય આવી જાય એવી આ કડવી વાત ભાષા માટે પણ સાચી છે. ભાવાર્થનું કહેવાનું એ કે જાતકે પચીસ કે ત્રીસ વર્ષ સુધી જે માતૃભાષા કામમાં લીધી હોય તે જ માતૃભાષા તે પછીની ઉંમરે તેને નવા સ્વરૃપમાં જોવા મળવાની.

વિશ્વની ૬૦૦૦ ભાષામાંથી જે આઠ કે જે ટોપની અઠ્યાવીસ ભાષા ભવિષ્યમાં વપરાશમાંથી ગાયબ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે તે ભાષાના નામ માત્ર અપવાદ રૃપે જ તમારામાંથી કોઈએ સાંભળ્યા હશે. ગુજરાતી બોલનારની સંખ્યા ખૂબ મોટી છે. ગુજરાતી જાણનાર વિશ્વમાં દસથી વધુ દેશમાં પથરાયેલા છે. મુદ્દો ભાષાને મજબૂત કરવાનો હોવો જોઈએ. ફ્રાંસમાં નવો શબ્દ પસંદ કરવા, તેની જોડણી ‘ને વપરાશ અંગેના નિયમ ઘડવા ‘ને તેની અધિકૃત જાહેરાત કરવા માટે સંસ્થા છે. ફ્રાંસમાં વાઈફાઈને વિફી જ કહેવાનું એવું એમણે નક્કી કરેલું અને આપણે ડૉક્ટર ‘ને ડોક્ટર વચ્ચે લડીએ છીએ અને ડોટ કોમ ઉર્ફે ડૉટ કૉમનો જમાનો પુખ્તતાએ પહોંચ્યો, પણ કોના માથે ટપકું મૂકવું કે ના મૂકવું તેને પાપ પુણ્યનો ખેલ બનાવીએ છીએ. સાહિત્ય જગતમાં અંગ્રેજી શબ્દ ગુજરાતીમાં ના વાપરવાના મુદ્દે વ્યક્તિગત વેર બાંધનાર પડ્યા છે. ભાષાનું સંવર્ધન ભાષાના સર્જકોની ક્રિએટિવિટી પર નભે. સંસ્કૃતિ ‘ને સમાજમાં આવતાં ‘ને જતાં બદલાવ પર નભે. ધંધા નોકરી પર વપરાતી ભાષા પર નભે.

સંસ્કૃતમાંથી અન્ય ભાષામાં ભાષાંતર ના થયાં હોત તો સંસ્કૃતમાં લખાયેલાં સાહિત્ય ‘ને ધર્મના ઘણા પ્રચલિત પુસ્તકો અન્ય અનેક પુસ્તકોની જેમ ગુમ થઈ ગયા હોત. મોટા ભાગના હિન્દુ શાસ્ત્ર પર વ્યાખ્યાન, પારાયણ ‘ને ચર્ચા ના હોત તો? ભાષાંતર કરનાર સાધારણ ભાષાંતરકાર ‘ને જ્ઞાની બંને જાણતા હોય છે કે ભાષાંતર કરવાની પ્રક્રિયામાં મૂળ વાતને ઘસારો પહોંચે. છતાં એક નક્કર વાસ્તવિકતા એ પણ છે કે જે-તે વાત સાથે મૂળ ભાષા તેમ જ વાત જીવિત ‘ને જાણીતી રહી તેમાં એ ઘસારાની ક્રિયાનો રોલ છે. એ જ રીતે ગુજરાતી કે કોઈ પણ ભાષા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે તેમાં જે ઘસારો પહોંચે તે કામનો રહેવો જોઈએ. ફાધર વાલેસે કહેલું કે ભાષા જાય તો સાથે સંસ્કૃતિ જાય એ સાચું, પરંતુ કપડાં, ખાવાપીવાનું ‘ને રહેવા ફરવાનું બદલીએ એમ ભાષા બદલાય જ. જીવનમાં ઓનલાઇન નામનું તત્ત્વ ઉમેરાયું હોય ત્યારે ભાષા ઓફલાઇન રાખીએ તો આપણા જીવનનો અમુક ભાગ ઓફ થઈ જાય.

યુવાનો અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ થયેલ કૃતિઓ વાંચે છે. આપણે ગુજરાતીમાં જ એવી કૃતિઓનું સર્જન કેમ નથી કરતાં? કેમ ‘હું જીવી રહ્યો છું’ ‘ને ‘મારે સદૈવ જીવતા રહેવું છે’ પ્રકારના લેખકો એ નાના હતા કે એ યુવાન હતા એ સમયનું લખાણ જ વધાવ્યા કરે છે? ગુજરાતી સાહિત્યમાં એક તરફ જાતિ, વિસ્તાર ‘ને જૂથ પ્રમાણે પોતાના ‘ને પારકા જુદા થાય છે તો બીજી તરફ કમ સે કમ પચ્ચીસ વર્ષ જૂનું લાગે એવું લખાણ જોઈએ એવી હઠના આધારે સારું ‘ને ખરાબ અળગુ થાય છે. પત્રકારત્વમાં પક્ષ કે ડાબા જમણાને આધારે સરહદ પડે છે તો દેશી વિદેશીના આધારે વાડ બંધાય છે. હિચકારી વાત તો એ છે કે ભાષા સાથે સંકળાયેલા કે ગુજરાતી ભાષા થકી ભોજન મેળવતાં એ તમામ માનવીઓમાં બહુમત એવા છે જેમને સ્વતંત્ર સર્જનાત્મકતા સાથે બાપે માર્યું વેર હોય. આ બધાં વચ્ચે વાંચનારો ‘ને કેવળ ગુજરાતી વાંચનારો વર્ગ સૌથી વધુ ભોગવે છે ‘ને તેને કારણે આપણી ગુજરાતી ભાષાનું સ્વાસ્થ્ય બગડે છે.

બુઝારો  – ગુજરાતી ભાષામાં પૂર્ણ વિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન ને ઉદ્ગાર કે આશ્ચર્ય ચિહ્ન આપણે અંગ્રેજી ભાષામાંથી લીધાં છે. આપણને હિંસકતા, બીભત્સતા ને નીતિભ્રષ્ટતા જેવી મહત્ત્વની સ્પષ્ટતા કરતાં કે પછી ઉત્તરદર્શી, આદેશસૂચક ને ભિક્ષાવાચી પ્રકારના કોઈ ચિહ્નની જરૃરિયાત જ ના પડી અને તે સાથે ગુજરાતી ભાષા તેમ જ આપણા જીવનને કોઈ નુકસાન નથી ગયું, ગયું હોય તો આપણને તેની કલ્પના પણ નથી.
————————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »