તમારા માટે, તમારી સાથે, સતત…

ભારતીય મહિલાઓનો અમૂલ્ય વિશ્વકોશ…

ભારતીય મહિલા વિશ્વકોશ કરવાની લેખિકાની નેમ

0 420

વુમન્સ ડે સ્પેશિયલ – પરીક્ષિત જોશી

ભારતીય મહિલાઓની રજેરજ વિગતોને પોતાનામાં સમાવી લેતો અમૂલ્ય વિશ્વકોશ…

નામ પરથી સહેજે ખ્યાલ આવે કે આ વિશ્વકોશ ભારતીય મહિલાઓ વિશેની લગભગ બધી જ માહિતી સંગ્રહિત કરીને બેઠો છે. જી હા, પાંચ ભાગમાં તૈયાર થનારા આ વિશ્વકોશની વેદથી મહાભારત સુધીની સ્ત્રીઓની સ્થિતિ દર્શાવતો આ પહેલો ખંડ છે. વલ્લભવિદ્યાનગરના ચારુતર વિદ્યામંડળની સહાયથી તૈયાર થયેલો આ વિશ્વકોશ એક વિશિષ્ટ પ્રકારનું સંશોધન કાર્ય છે. સ્ત્રીની સ્વતંત્રતા, સ્ત્રીની ઓળખ અને એના આગવા વ્યક્તિત્વ અને અસ્તિત્વ વિશેની મથામણના પરિપાકરૃપે આ કોશનો પિંડ રચાયો. સંશોધિકા લેખિકા ટીના દોશીએ પોતાના સ્વપ્તિલ પ્રકલ્પને ગ્રંથ સ્વરૃપે અવતરિત કરવા માટેની પૂર્વતૈયારી તરીકે અનેકોનેક સંદર્ભ ગ્રંથોને વાંચ્યા, તપાસ્યા પછી એક લેખમાળા થઈ અને એ નિમિત્તે આ વિશ્વકોશનું ગૃહકાર્ય પણ. ‘માનુષી’ અને ત્યાર બાદ ‘પ્રાચીન કાળમાં સ્ત્રી’ પુસ્તકો લખાયાં. ભારતીય મહિલા વિશ્વકોશના પાંચ ખંડમાં પહેલા ખંડમાં, વેદકાળથી મહાભારતકાળ સુધીની સ્ત્રીઓની સ્થિતિ, બીજા ખંડમાં, ઐતિહાસિક અને મધ્યકાલીન સ્ત્રીઓની સ્થિતિ, ત્રીજા ખંડમાં, બ્રિટિશકાળમાં સ્ત્રીઓની સ્થિતિ, ચોથા ખંડમાં મુખ્ય ધર્મસંપ્રદાયોમાં સ્ત્રીઓની સ્થિતિ અને પાંચમા તથા છેલ્લા ખંડમાં સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ વિશેની વિગતો સમાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મૂળે સ્ત્રીઓ વિશેની બધી જ માહિતી એક ઠેકાણેથી મળી જાય એવો ભારતીય મહિલા વિશ્વકોશ કરવાની લેખિકાની નેમ હતી. કોઈ પણ ભારતીય ભાષામાં તો આ પ્રકારનો વિશ્વકોશ છે જ નહીં એટલું જ નહીં, અંગ્રેજી ભાષામાં પણ નથી, એટલે આ બાબતે લેખિકાનો રોમાંચ સમજી શકાય એમ છે. અનેક ઠેકાણે સ્વીકાર ન થયા પછી પણ મહિલા વિશ્વકોશ કરવાના દૃઢ નિર્ધાર સાથે લેખિકાએ પોતાનું ૨૫૦૦ પુસ્તકોનું એક વિશિષ્ટ ગ્રંથાલય ઊભું કર્યું. આખરે ૨૦૧૦માં ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ડૉ. સી.એલ. પટેલ દ્વારા આ વિચારને સૈદ્ધાંતિક મંજૂરી મળી. છેવટે ૨૦૧૩માં ૧૧૦૦ પાનાંના પ્રથમ ખંડનું કાર્ય પૂર્ણ થયું અને ૨૦૧૫માં એનું પ્રકાશન થયું.

પાંચ ખંડની યોજના મુજબ તૈયાર થયેલો આ પહેલો ખંડ કુલ સાત પ્રકરણોમાં વિભાજિત છે. સ્ત્રીઓની સ્થિતિ વિશે સાચું અને સ્પષ્ટ ચિત્ર તૈયાર કરવા માટે સ્ત્રીજીવન સાથે જોડાયેલા મુદ્દાઓ જેવા કે કન્યાને જન્મનો અધિકાર, કન્યાનો ઉછેર, કન્યાશિક્ષણ, કન્યાને સ્વતંત્રતા, વિવાહ, એકપત્નીત્વ, સૌંદર્ય, શૃંગાર, વસ્ત્રો અને અલંકારો, પત્નીનું કાર્ય, પત્નીનો દરજ્જો, માતા તરીકે સ્ત્રીનું સ્થાન, વિધવાનો સામાજિક દરજ્જો, પુનઃવિવાહ, સતીપ્રથા, સ્ત્રીસન્માન, સ્ત્રીઓની આર્થિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય સ્થિતિને તબક્કાવાર આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.  વિશ્વકોશને અંતે સમગ્ર ગ્રંથની રચના માટે ઉપયોગમાં લેવાયેલા તમામેતમામ સંદર્ભોની સૂચિ આપવામાં આવી છે. જેના કારણે તીવ્ર સંશોધકવૃત્તિ ધરાવતાં વાચકને મૂળ સુધી પહોંચવું હોય તો સરળતા રહે.

Related Posts
1 of 319

પોતાનાં તારણોમાં લેખિકા નોંધે છે કે, વૈદિક યુગ સ્ત્રીઓ માટે સુવર્ણયુગ હતો. પતંજલિના મતે, નારીને સ્ત્રી એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે એના શરીરમાં ગર્ભની સ્થિતિ, માતૃત્વ ધારણ કરવાની શક્તિ હોય છે. એ યુગમાં કન્યા-ભ્રૂણ હત્યા થતી નહોતી. વૈદિક યુગમાં કન્યા શિક્ષણ ફરજિયાત હતું. કન્યાને લૌકિક અને આધ્યાત્મિક એમ બે પ્રકારનું શિક્ષણ અપાતું. વેદગ્રંથોમાં ૨૬ ઋષિકાઓનો ઉલ્લેખ છે જેમાં લોપામુદ્રા, સ્ત્રી સમાનતા અને સ્ત્રી અધિકારો માટે અવાજ ઉઠાવનારી રોમશા, અદિતિ, વેદકાળની પ્રથમ પુરોહિતા વિશ્વવારા આત્રેયી, ઘોષા, શચી પૌલોમી, વીરાંગનાઓ વિશ્પલા અને મુદ્ગલા મુખ્ય છે.

સ્મૃતિકાળમાં સ્ત્રીશિક્ષણ પર પ્રતિબંધ લદાયો. ઋતુમતી થતાં પહેલાં કન્યાના વિવાહ થવા લાગ્યા. જેના કારણે બાળવિવાહ અને એની સાથોસાથ સતી પ્રથા પણ પ્રચલિત બની. જોકે પુરાણકાળમાં સતી પ્રથા ફરજિયાત નહોતી છતાં સતી થયાંના અગણિત દાખલા પુરાણોમાંથી મળી આવે છે. પુરાણકાળની જેમ રામાયણ-મહાભારત કાળમાં વિધવાવિવાહ પ્રથા નહોતી છતાં રામાયણમાં રાવણપુત્ર મેઘનાદની પત્ની સુલોચના અને મહાભારતમાં પાંડુની પત્ની માદ્રી સતી થઈ હતી. સ્ત્રી પતિવ્રતા હોય એ આ સમયકાળમાં ફરજિયાત હતું અને પતિને બહુપત્નીત્વની છૂટ હતી. જોકે દ્રૌપદી પાંચ પાંડવને, જટિલા સાત ભાઈને અને મારિષા દસ ભાઈને પરણી હતી.

રામાયણ-મહાભારત કાળની જે મહાન સ્ત્રીઓને આપણે નામથી જાણીએ છીએ એમની કેટલીક વિશેષ ઉપલબ્ધિ પણ હતી. જેમ કે, સીતાજી શુકનશાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રમાં પારંગત હતાં. કૌશલ્યા ઔષધિશાસ્ત્ર પારંંગત હતાં. મંથરા રાજનીતિ અને કુટિલનીતિની કળા જાણતી હતી. ત્રિજટા સ્વપ્નશાસ્ત્રમાં નિષ્ણાત હતી. દ્રૌપદી ગણિતજ્ઞ હતાં. સમગ્ર રાજ્યનો હિસાબકિતાબ દ્રૌપદીને હસ્તક હતો. દ્રૌપદી તો રાજનીતિજ્ઞ અને શણગારની કળામાં પણ નિપુણ હતી. કુંતી અથર્વવેદની પંડિતા હતી. કૈકેયી રથવિદ્યા અને રણવિદ્યાની પારંગત હતી. ગાંધારી અર્થશાસ્ત્રી હતી. મંદોદરી ઇતિહાસવિદ્ હતી. બલરામનાં પત્ની રેવતી વૈજ્ઞાનિક હતાં, જેમણે પાણી ખેંચવાના કોસની શોધ કરી હતી. સ્ત્રીઓની આટલી સિદ્ધિઓ હોવા છતાં માત્ર ઋગ્વેદની ત્રણ ઋચાઓમાં પુત્રી કામના કરાઈ છે. બાકી વેદકાળમાં પુત્ર કામનાની જ ઋચાઓ મળે છે. છતાં અથર્વવેદમાં કન્યાને કુલપા એટલે કે પિતા તથા પતિના કુળને તારનારી કહી છે.

વેદોત્તર કાળમાં રચાયેલા વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથોનું સ્થાન મહત્ત્વનું છે. જેમાં વેદ અને એની શાખા મુજબના ગ્રંથો છે, જેમ કે, શુક્લ યજુર્વેદીય શાખામાં માધ્યન્દિન શતપથ બ્રાહ્મણ અને કૃષ્ણ યજુર્વેદીય શાખામાં તૈત્તિરીય બ્રાહ્મણ. બ્રાહ્મણ પછી આરણ્યક રચાયાં, જેમ કે શુક્લ યજુર્વેદીય શાખામાં બૃહદારણ્યક અને માધ્યન્દિન આરણ્યક તથા કૃષ્ણ યજુર્વેદીય શાખામાં તૈત્તિરીય આરણ્યક. આરણ્યક પછી ઉપનિષદો રચાયાં. જેમાં ઈશ, કેન, કઠ, પ્રશ્ન, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્ય, મૈત્રાયણી ઇત્યાદિ મુખ્ય છે. શતપથ બ્રાહ્મણમમાં ઉલ્લેખ છે કે, પત્ની વિનાના પુરુષે આપેલી આહુતિનો દેવતા સ્વીકાર કરતા નથી.

પુરાણો એ ધર્મગ્રંથો છે. કુલ ૧૮ પુરાણોમાં બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, શિવ, ભાગવત, નારદ, માર્કંડેય, અગ્નિ, સ્કંદ, ગરુડ ઇત્યાદિ મહત્ત્વનાં પુરાણ છે. સૌથી પહેલાં રચાયેલા બ્રહ્મ પુરાણમાં તો પુત્ર કરતાં પુત્રીનું માહાત્મ્ય વધુ બતાવ્યું છે. પૌરાણિક કાળમાં કન્યાદાન સૌથી મોટું દાન ગણાતું. વરાહ પુરાણમાં વયને અનુલક્ષીને સ્ત્રીની ઓળખ આપી છે એમાં, સાત વર્ષની વય સુધીની બાળા, આઠ વર્ષની ગૌરી, નવ વર્ષની રોહિણી, દસ વર્ષની કન્યા, સોળની વય સુધી શ્યામા, બત્રીસ વર્ષ સુધી યુવતી, પચાસ સુધી પ્રૌઢા અને તે પછી વૃદ્ધા કહેવાય એમ જણાવ્યું છે. આ વિશ્વકોશ ખરા અર્થમાં ભારતીય સ્ત્રીઓની સ્થિતિ વિશેની તમામેતમામ માહિતી એક જ સ્થળે આપતો ગ્રંથ બની રહ્યો છે. લેખિકાએ વ્યક્ત કરેલી મહેચ્છા મુજબ આ પહેલો ખંડ તો વેદગ્રંથોથી રામાયણ-મહાભારતકાળ સુધીની ભારતીય સ્ત્રીઓ માટેનો એક હાથવગો અમૂલ્ય વિશ્વકોશ બની રહ્યો છે એ વાતમાં કોઈ મીનમેખ નથી. હજુ એના અનુસંધાનમાં બાકીના ચાર ખંડ પણ વહેલી તકે આપણને લેખિકા-સંશોધિકા દ્વારા પ્રાપ્ત થાય એ માટે એમને શુભેચ્છાઓ.
——

નામ    –       ભારતીય મહિલા વિશ્વકોશ
લેખિકા –       ટીના દોશી
પ્રકાશક –       નવભારત સાહિત્ય મંદિર
પ્રથમ આવૃત્તિ  –       ૨૦૧૫
પાનાં   –       ૮૨૦
કિંમત  –       ૧૫૦૦ રૂ.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »