તમારા માટે, તમારી સાથે, સતત…

અતિકુપોષિત બાળકોને પોષિત કરવાની નેમ

સમગ્ર દેશમાં કુપોષિતથી પીડાતાં હોય તેવાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે

0 127
  • પહેલ – હેતલ રાવ

રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકારે આ સમસ્યા સામે લડવાના અનેક પ્રયત્ન હાથ ધર્યા છે. બાળકોને પૂરતંુ પોષણ મળી રહે તેના માટે પ્રોગ્રામો પણ શરૃ કરવામાં આવ્યા છે, ત્યારે એક અધિકારીએ અતિકુપોષિત પાંચ બાળકોને દત્તક લઈને નવી પહેલ શરૃ કરી છે.

સમગ્ર દેશમાં કુપોષિતથી પીડાતાં હોય તેવાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે. તેમાં પણ જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ રાજ્ય કુપોષિત બાળકોનું ઘર બની રહ્યંુ છે. સરકાર કોઈ પ્રયત્ન નથી કરતી અથવા તો સરકારને આવાં બાળકો વિશે વિચારવાનો સમય જ નથી. બસ, માત્ર વાતો કરવામાં આવે છે. નક્કર પગલાં ભરવામાં નથી આવતાં. આ તો માત્ર એક-બે આક્ષેપ છે, પરંતુ આવા અનેક આક્ષેપો સરકાર સામે અને આ પ્રોજેક્ટ પર કામ કરતા અધિકારીથી લઈને કર્મચારીઓ પર કરવામાં આવતા હોય છે. જોકે આપણી વાત આ મુદ્દાથી થોડી જુદી છે. અહીં વાત કરવી છે એવા અધિકારીની જેમણે નાના ગામના અતિકુપોષિત બાળકોને પૂર્ણ પોષિત કરવાની નેમ લીધી છે. એમ પણ કહી શકાય કે તેમણે આ બાળકોને દત્તક લીધાં છે. ખેડા જિલ્લાના એસડીએમ ઉમંગ પટેલે સાંખેજ ગામના પાંચ એવાં બાળકોને દત્તક લીધાં છે જે કુપોષિતના લિસ્ટમાંથી પણ બહાર છે. એટલે કે અતિકુપોષિત છે. સ્વખર્ચે આ બાળકોને નોર્મલ બનાવવાના વિચારો સાથે તેમણે આ પ્રયાસ કર્યો છે.

સાંખેજ ગામનાં પાંચ બાળકોને નિયમિત રીતે તેઓ સ્વખર્ચે પોષણક્ષમ આહાર આપશે. એટલંુ જ નહીં, તેમની દેખરેખ, સારવાર સહિતની તમામ બાબતનું વીકએન્ડમાં ફીડબૅક પણ મેળવશે. શરૃઆતના સમયમાં એક વર્ષ સુધી આ બાળકો પર તે સતત વૉચ રાખી તેમને કુપોષણમાંથી બહાર લાવવા માટેના દરેક પ્રયાસ કરશે. બાળકોને રોજિંદા ફળ, દૂધ ઉપરાંત અન્ય પ્રકારના પોષણયુક્ત ખોરાક આપવામાં આવશે. જેનો ખર્ચ પ્રાંત અધિકારી ઉમંગ પટેલ કરશે.

Related Posts
1 of 142

ગામની આંગણવાડીમાં જઈને આ બાળકોની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં બાળક વર્તમાન સમયમાં કેટલું વજન ધરાવે છે, તેની ઊંચાઈ કેટલી છે, જેવી માહિતી મેળવવામાં આવી. બાળકોનાં માતાપિતા સાથે પણ વાત કરી. આવનારા દિવસોમાં તેમને પૂરતંુ પોષણ આપવા માટેનો ચાર્ટ તૈયાર કરાયો. જેમાં બાળકને અઠવાડિયામાં એક દિવસ દૂધ, બીજા દિવસે ફળ એ રીતે પૌષ્ટિક આહાર આપવામાં આવશે. દર પંદર દિવસે બાળકોની મુલાકાત લઈને તેમના શારીરિક વિકાસની ચકાસણી કરવામાં આવશે.

આ વિશે વાત કરતા ઉમંગ પટેલ કહે છે, ‘ગુજરાત સરકારનું પોષણ અભિયાન ચાલે છે, જેમાં ત્રણ કેટેગરી છે. ગામના અતિકુપોષિત બાળકો છે તે રેડ કૅટેગરીમાં આવે છે. કુપોષિત બાળકો છે તે યલો કૅટેગરી અને નોર્મલ બાળકો એ ગ્રીન કૅટેગરીમાં આવી જાય. આ ત્રણ લેવલનાં બાળકોમાં અતિકુપોષિત બાળકો પર ધ્યાન આપીને તેમને યલો અને તેમાંથી ગ્રીન કૅટેગરીમાં લઈ જવા માટે સરકારે આ અભિયાન શરૃ કર્યું છે. જેમાં સરકારે એવી પણ રજૂઆત કરી છે કે આજુબાજુના કોઈ પણ વ્યક્તિ એટલે કે સરપંચ, તાલુકા અધિકારી કે અગ્રણી લોકો ગામનાં બાળકોને દત્તક લે, જેમાંથી મને પ્રેરણા મળી. ૨૬ જાન્યુઆરીએ સાંખેજ ગામમાં આ પ્રોગ્રામ હતો. ગામમાં કેટલાં બાળકો છે તેની વિગતો મગાવી અને તેમાંથી આ અતિ કુપોષિત બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો.’ વધુમાં તેમણે કહ્યું કે, સરકાર તમને પ્રોત્સાહિત કરે છે આવાં બાળકોને પોષિત બનાવવા માટે. તેમના તરફથી કોઈ પ્રકારનું દબાણ નથી. આ મારો સ્વતંત્ર નિર્ણય છે, જેના દ્વારા બાળકોનું ધ્યાન રાખવાનું ઉમદા કામ કરી શકાય અને મારા આ વિચાર સાથે અન્ય લોકો સહમત થાય તો તે પણ આવા અતિકુપોષિત બાળકોને દત્તક લઈને તેમની મદદ કરી શકે.’

સરકાર પોતાના રીતે અનેક પ્રયત્ન કરે છે, ત્યારે આ દ્રષ્ટાંત સમાજ માટે પ્રેરણારૃપ બની રહે છે. કુપોષિત બાળકોને ગ્રીન કૅટેગરીમાં લાવી નોર્મલ બનાવવાનો આ પ્રયત્ન ઉમદા છે.

અતિકુપોષિત બાળકો
સાંખેજ ગામના અતિકુપોષિત બાળકોમાં આદિત અશ્વિનભાઈ, પ્રીતિ ગણપતભાઈ ઝાલા, અર્જુન વિઠ્ઠલભાઈ ઝાલા, કિંજલ દશરથભાઈ ગોહેલ અને યુવરાજ ગણપતભાઈ ઝાલા છે. આ બાળકો અતિકુપોષિત એટલે કે રેડ કૅટેગરીમાં આવે છે. આ બાળકોને ગ્રીન ઝોનમાં લઈ જવા માટેનો આ પ્રયાસ છે. બાળકોનાં માતાપિતાને પણ હવે આશા છે કે તેમનાં બાળકો અન્ય બાળકોની જેમ નોર્મલ બનશે સાથે જ ભણી-ગણી આગળ પણ વધશે.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »