તમારા માટે, તમારી સાથે, સતત…

અભિષેક દાલમિયાના નેતૃત્વમાં ઇડન ગાર્ડનમાં ફરી રોનક આવશે?

ઇડન ગાર્ડન મૂળ રક્ષા મંત્રાલય હેઠળની જગ્યા છે, જેની લિઝની મુદ્દત પૂરી થઈ ચૂકી છે

0 81
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

એક સમય એવો હતો જ્યારે વિશ્વના ક્રિકેટ રમતાં કોઈ પણ દેશના ખેલાડીને સપનું આવતું કે એકવાર કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમવા મળે, દર્શકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ચાલતી ક્રિકેટ મેચની પ્રતિક્રિયાનો રોમાંચ માણવા મળે!

આજની ક્રિકેટ અને સંચાલનના નિયમોમાં જબરો બદલાવ આવ્યો છે. તાજેતરમાં ક્રિકેટ એસોસિયેશન ઓફ બેન્ગાલ (સીએબી)ની સ્પેશિયલ જનરલ મિટિંગ યોજાઈ જેમાં જગમોહન દાલમિયાના પુત્ર અભિષેક દાલમિયા અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ૩૮ વર્ષના અભિષેક દાલમિયા સીએબીના ૧૮મા અધ્યક્ષ બન્યા. તે સાથે સૌથી નાની ઉંમરે આ પદ પર પહોંચવાનો અનોખો રેકોર્ડ નોંધાવ્યો! અભિષેક દાલમિયા સીએબીના અધ્યક્ષ બન્યા એટલે સ્વાભાવિક છે લોકોને તેમના પિતા જગમોહન દાલમિયા યાદ આવ્યા. તેમણે બંગાળ અને દેશના ક્રિકેટ સંચાલનમાં એક નવો વળાંક આપ્યો હતો. કુશળ વહીવટથી તેમણે સ્થાનિક ક્રિકેટ રમતી સંસ્થાઓ પર પકડ જમાવી હતી, જેને કારણે ઇડન ગાર્ડન અને તેના પેવેલિયન ક્લબ હાઉસને એક અલગ ઓળખ મળી. જગમોહન દાલમિયા ૧૯૯૨-૯૩થી ૨૦૦૬ સુધી અને ૨૦૦૮-૦૯થી તેમણે અંતિમ શ્વાસ લીધા તે દિવસ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ સુધી સીએબીના અધ્યક્ષ રહ્યા. ક્રિકેટના આયોજનને વ્યાવસાયિક ધોરણે પલટાવવામાં પ્રખર ભૂમિકા ભજવી.

Related Posts
1 of 142

દાલમિયા યુગ અભિષેકના પગલે ફરી આવ્યો, પણ હવે સંજોગો ઘણા બદલાઈ ગયા છે. લોઢા કમિટીની નવી ભલામણ પછી અભિષેક દાલમિયા પાસે સત્તાના બાવીસ મહિના છે. તેમની સાથે હોદ્દેદારોમાં ઉપાધ્યક્ષ નરેશ ઓઝા, સચિવ સ્નેહાશિષ ગાંગુલી, સહ સચિવ દેબબ્રત દાસ અને કોષાધ્યક્ષ દેવાશિષ ગાંગુલી છે. સચિવ સ્નેહાશિષ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટા ભાઈ છે. બંગાળ માટે એક દાયકા સુધી દમદાર ક્રિકેટ રમી ચૂક્યા છે.

અભિષેક દાલમિયા માટે વાતાવરણ નવું નથી, પણ સામે જે કસોટી છે તે તદ્દન નવી છે. ઇડન ગાર્ડન મૂળ રક્ષા મંત્રાલય હેઠળની જગ્યા છે, જેની લિઝની મુદ્દત પૂરી થઈ ચૂકી છે, જે રીન્યુ કરાવવાની છે, રણજી ટ્રોફીની મેચોમાં અજવાળું ઓછું હોય ત્યારે ફ્લડ લાઇટ્સમાં રમત ચાલુ રહે તે માટે અનુમતી મેળવવાની છે. વરસાદ આવે તો આખું ગ્રાઉન્ડ ઢાંકી શકાય તે મંજૂરી પણ જોઈશે. આ ઉપરાંત ક્રિકેટ હવે મહાનગર સુધી સીમિત નથી. નવા ઊભરાતાં તરુણો મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવી રહ્યા છે. સ્થાનિક ક્રિકેટમાં આઇપીએલ સ્તરની ટૂર્નામેન્ટ યોજાય તો રમતનું સ્તર સુધરશે, સ્પર્ધાત્મક બનશે. ફક્ત કોલકાતાના મેદાનમાં શનિવાર, રવિવારના બે દિવસોનું આંકલન કરીએ તો જ્યાં એકમાત્ર ગુજરાતી સંસ્થા પોતાનો ટેન્ટ ધરાવે છે તે ફ્રેન્ડ્સ સ્પોર્ટિંગ યુનિયન (એફએસયુ)ના ટેન્ટથી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ સુધી ફક્ત ક્રિકેટરો જ દેખાય! એફએસયુ સીએબી સાથે લીગ ક્રિકેટ રમવા જોડાયેલી સંસ્થા છે. દીપેન શાહ હાલ સીએબીમાં એફએસયુના પ્રતિનિધિ છે. નરેન્દ્ર દલાલ પ્રમુખ છે, મુકેશ સોમૈયા ઉપપ્રમુખ છે. સમિતિમાં રાજેશ રાજા જેઓ એફએસયુ વતી સીએબીની સેકન્ડ ડિવિઝન અને ફર્સ્ટ ડિવિઝન લીગમાં ક્રિકેટ રમીને વહીવટકર્તા બન્યા છે. મુકેશ સોમૈયા ‘અભિયાન’ને કહે છે કે, જગમોહન દાલમિયા ક્રિકેટ એસોસિયેશન ઓફ બેન્ગાલથી જોડાયેલી સંસ્થાઓ/ટીમો સાથે સતત સંપર્ક જાળવતા, ક્રિકેટ અને ઇડન ગાર્ડન પ્રત્યે સમર્પિત ભાવનાને કારણે એક છાપ મૂકી ગયા. હવે તેમના પગલે વિરાટ વર્તુળ સાચવવું બહુ અઘરું કામ છે. જ્યાં સુધી ભાવનાત્મક ખેંચાણ છે એક આશાવાદનો સંચાર થયો છે કે ફરી દાલમિયા યુગનો અભિષેક થયો છે! જોકે કોલકાતામાં એક સમય એવો હતો કે ઇડન ગાર્ડનમાં રણજી ટ્રોફી કે દિલીપ ટ્રોફી માટે દર્શકો છવાઈ જતાં, ચંદ્રશેખર, બેદી અને પ્રસન્ના લંચ પહેલાં વેસ્ટ ઇન્ડીઝને હંફાવી દેતાં તો પણ ક્રિકેટપ્રેમીઓ મેદાનમાં હાજર રહેતાં, મેચ જોતાં સાથે પોકેટ રેડિયો કાન પર લગાડી મજેદાર બંગાળી ભાષામાં કોમેન્ટ્રી સાંભળતા. કોમેન્ટ્રી બોક્સમાં સ્કોર અને રેકોર્ડ કિરણ માવાણી તૈયાર કરતા. અંગ્રેજીમાં કોમેન્ટ્રી કિશોર ભીમાણી આપતાં. ત્યાર બાદ ટીવીનો જમાનો આવ્યો. દર્શકો તો પણ ઇડન ગાર્ડન પર મોહી પડતાં!

૬ નવેમ્બર, ૨૦૨૧ સુધી અભિષેક દાલમિયા અધ્યક્ષની ખુરશી પર બેસી શકશે, સરખામણી તો થશે, કસોટી પણ થશે, તેમનો એક છેડો રાજકારણને પણ અડ઼ે છે. તેમની મોટી બહેન વૈશાલી દાલમિયા ટીએમસીની ચૂંટાયેલી વિધાનસભ્ય છે. બોલ-બેટની રમત કરતાં વધુ સ્કોર કુનેહ સાથે વહીવટમાં દેખાડવો પડશે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »