તમારા માટે, તમારી સાથે, સતત…

ટ્રમ્પની મુલાકાત  નવા રેકોર્ડ સ્થાપિત કરશે

અમેરિકાને સમજાઈ રહ્યું છે તાકાત, ક્ષમતા અને ઇચ્છા જો કોઈ રાષ્ટ્રમાં હોય તો તે ભારત છે

0 234
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પકાર્યક્રમ યોજાય તો અમદાવાદમાં આવીને અમેરિકાની ચૂંટણી પ્રવાસ કરવાનો મહત્ત્વનો મોકો ગણાય. એટલે ટ્રમ્પે આ આમંત્રણ સ્વાભાવિકપણે સહર્ષ સ્વીકારી લીધું. ભારતમાં આજ સુધી છ અમેરિકી રાષ્ટ્રપતિઓ સત્તાવાર મુલાકાતે આવ્યા છે. ટ્રમ્પ સાતમા હશે. ઓબામા એમના આઠ વરસના કાર્યકાળમાં બે વખત આવ્યા હતા. મુંબઈ ખાતે ૨૦૧૦ ને નવી દિલ્હી ખાતે ૨૦૧૫માં ઓબામા સાથે ટાઉન હૉલ પ્રકારના બે ભવ્ય જલસા યોજાયા હતા. ક્લીન્ટન મુંબઈ આવ્યા ત્યારે કોલાબાની એક પ્રમાણમાં નાની રેસ્ટોરાંમાં ભારતીય શાક આરોગવા ગયા હતા. ઘટના નાની હતી છતાં તેને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી હતી. અમદાવાદ સ્ટેડિયમનો કાર્યક્રમ અમેરિકી રાષ્ટ્રપતિઓ માટેના અગાઉના તમામ આતિથ્ય કાર્યક્રમોને ઝાંખા પાડી દેશે. અમદાવાદમાં ઘટના છે તેનો ખાસ ફાયદો ટ્રમ્પને એ મળશે કે અમેરિકામાં વસતા ભારતીયોમાં પણ ગુજરાતીઓનું પ્રમાણ ખાસ્સું મોટું છે.

અમેરિકાને સમજાઈ રહ્યું છે કે એશિયામાં અમેરિકાના ઓલ-વેધર ફ્રેન્ડ બનવાની તાકાત, ક્ષમતા અને ઇચ્છા જો કોઈ રાષ્ટ્રમાં હોય તો તે ભારત છે. ચાર ચાર દાયકા પાકિસ્તાનને અબજો ડૉલરની મદદ કરી તો બદલામાં શું મળ્યું? ત્રાસવાદ, ગદ્દારી, છળકપટ અને છેતરપિંડી. પ્રમુખ ટ્રમ્પે પોતાના એક ટ્વિટર મેસેજમાં આ હકીકત સ્વીકારી છે. પાકિસ્તાનને માઠું લાગ્યું તો ભલે લાગ્યું. અમેરિકાને હમણા થોડા સમય અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જવા માટે પાકિસ્તાનની મધ્યસ્થીની જરૃર છે, પણ તે અનિવાર્ય નથી. તાલિબાન પર પાકિસ્તાનનો પણ એવો કોઈ પ્રભાવ નથી જેવો રજૂ કરાયો હતો. અફઘાન પ્રજા પાકિસ્તાનને બદલે ભારતને વધુ મિત્ર માને છે અને તાલિબાનો સાથેની ચર્ચા લાંબા સમયથી બે ડગલા આગળ પાંચ ડગલા પાછળ ચાલે છે. છતાં વચ્ચે ઈમરાન ખાન ટ્રેનમાં બેસીને વોશિંગ્ટનમાં પ્રમુખ ટ્રમ્પને મળવા ગયા કે બીજે ક્યાંય વિદેશમાં મળ્યા ત્યારે કાશ્મીરની બાબતમાં ભારતની ઇચ્છા હશે તો અમેરિકા મધ્યસ્થી કરશે એવું ગાયન ગાયું હતું. ભારતે સોઈ ઝાટકીને એકથી વધુ વખત જાહેર કર્યું કે ભારતની આવી કોઈ ઇચ્છા નથી. પ્રમુખ ટ્રમ્પ પણ જાણે છે, પરંતુ રાજયકીય મંચ પર ક્યારેક અમુક વિધાનો આપવા પડતાં હોય છે અને હવે છેલ્લે છેલ્લે શ્રીમાન ટ્રમ્પે ટ્વિટર પર મેસેજ આપ્યો છે કે કાશ્મીર મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે અને તે માટે કોઈ હલ કાઢવાનો હોય તો તે ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા કાઢવો પડે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે તેમાં દરમિયાનગીરી કરવાની અમેરિકાની કોઈ મંશા નથી.

અમેરિકામાં ભારતતરફી ઘણા રાષ્ટ્રપતિઓ આવી ગયા. કેનેડી, જીમ્મી કાર્ટર, ક્લીન્ટન, ઓબામા વગેરે ડેમોક્રેટ્સ હતા. રિપબ્લિકન નેતાઓ ભારત પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા હતા અથવા ખાસ સહાનુભૂતિ ધરાવતા ન હતા, પરંતુ તેમાં બે અપવાદરૃપ છે. એક જ્યોર્જ બુશ જુનિયર અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રમ્પે પોતે જાહેર કર્યું છે તેમ પોતાના માટે સૌથી અગત્યનું અમેરિકા છે. અમેરિકા ફર્સ્ટ. તમામ અમેરિકી કે કોંગોના નેતાઓ પોતપોતાના દેશ માટે આવો ભાવ ધરાવતા હોય, પણ ડોનાલ્ડ તે જાહેર કરતા રહે છે. અમેરિકાને ભોગે કંઈ પણ જતું કરતા નથી અને તે પ્રક્રિયામાં મિત્ર રાષ્ટ્રની પણ પરવા કરતા નથી. આ એમનું વલણ ઘરઆંગણે લોકપ્રિય થઈ રહ્યું છે. વળી, ડોનાલ્ડ માટે આ ચૂંટણીનું વરસ છે. નવેમ્બરમાં નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીઓ યોજાશે. પ્રિલિમિનરી અને ડિબેટોનો આરંભ થઈ ચૂક્યો છે. ડેમોક્રેટ્સના રાષ્ટ્રપતિપદ માટેના ફાઇનલ ઉમેદવાર હજી નક્કી થયા નથી. પીટ બુટીગીજ, બર્ની સેન્ડર્સ, માઈકલ બ્લુમબર્ગ અને જો બિડેન વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાની સ્પર્ધા ચાલુ છે. બુટીગીજ અને બર્ની સેન્ડર્સ બંને સરખી માત્રામાં આગળ છે. બંનેમાંથી કોઈક પસંદ થાય તે શક્યતા વધુ છે. જ્યારે રિપબ્લિકનોમાં ટ્રમ્પની ઉમેદવારી લગભગ નક્કી છે.

અગાઉ રિપબ્લિકન ડે (પ્રજાસત્તાક દિન)ના સમારોહમાં હાજર રહેવાનું ભારત સરકારનું આમંત્રણ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું ન હતું, પરંતુ ગયા વરસે ટેક્સાસના હ્યુસ્ટન ખાતે ‘હાઉડી મોદી’ નામક પ્રસિદ્ધ જલસો યોજીને વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો હતો કે, ‘હ્યુસ્ટન, આઈ એમ હીયર.’ મતલબ કે અમેરિકા અને ટ્રમ્પને તે મેસેજ આપ્યો. પ્રમુખ ટ્રમ્પ પણ માનવમહેરામણનો, મુખ્યત્વે ભારતીયોની હાજરીનો આંકડો જાણી તેમાં કૂદી પડ્યા. ગઈ ચૂંટણીમાં કહેવાય છે એટલા ભારતીય – અમેરિકનો ટ્રમ્પની સાથે ન હતા. એચવન-બી વિઝા અને ઇમિગ્રેશન પૉલિસી માટેની ટ્રમ્પની કડક યોજનાઓથી તેઓ ડરી ગયા હતા, પણ વાસ્તવમાં એ ડર સાચો પડ્યો નથી. ઉપરાંત ટ્રમ્પની ઓવરઓલ ભારત અને ભારતીયો પ્રત્યેની ફેવરેબલ નીતિઓને કારણે ટ્રમ્પ ભારત અને અમેરિકી ભારતીઓમાં વધુ લોકપ્રિય થયા છે. અમેરિકામાં બેરોજગારીનું પ્રમાણ શૂન્ય છે. ઓબામાના શાસન વખતે ઘણા ભારતીય અમેરિકનો બેકાર હતા અથવા કામ પ્રમાણે વળતર ન હતું. લાયકાત પ્રમાણેની નોકરીઓ મળતી ન હતી. આજે સ્થિતિ ઘણી સુધરી છે. પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ આજે ત્રણ ગણો વધી ગયો છે અને અગાઉ ન હતા એટલા લોકપ્રિય છે. જોકે સમગ્ર મીડિયા ટ્રમ્પનું વિરોધી છે. માત્ર ફોકસ ન્યૂઝ ચેનલ તેની સાથે છે. પ્રમુખ ટ્રમ્પ હમણા ઇમ્પિચમૅન્ટ (પ્રમુખ પદેથી બરતરફી)ના મહાભિયોગમાં નિર્દોષ પુરવાર થયા છે. અર્થાત બચી ગયા છે. દરમિયાન મીડિયાએ ટ્રમ્પની વાજબી ગેરવાજબી ટીકા કરવામાં કશું બાકી રાખ્યું ન હતું. પ્રમુખ તે દરેક બાબતોને ‘ફૅક’ ગણાવી લડતા રહ્યા. ત્યાં સુધી મીડિયાની ઇમેજમાં ઘસારો પહોંચાડવામાં એ સફળ રહ્યા. ગમે તે સ્થિતિ સામેની મક્કમતાથી એ હતા તે કરતાં વધુ લોકપ્રિય થયા છે. દુનિયામાં આજે મંદી ચાલી રહી છે ત્યારે અમેરિકામાં તેજી ધમધમી રહી છે. પ્રમુખ ટ્રમ્પે ગઈ ચૂંટણીમાં અર્થતંત્રમાં તેજી લાવવાની પોતાની બિઝનેસમેન તરીકેની શક્તિની ખાસ વકીલાત કરી હતી, જેમાં એ સફળ થયા છે. એમની કેટલીક ગંભીર ઊણપો, ખામીઓ લોકો ભૂલી ગયા છે.

આ વરસ ચૂંટણીનું હોવાથી ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાય તો અમદાવાદમાં આવીને અમેરિકાની ચૂંટણી પ્રવાસ કરવાનો મહત્ત્વનો મોકો ગણાય. આ આમંત્રણ સ્વાભાવિકપણે સહર્ષ સ્વીકારી લીધું. ભારતમાં આજ સુધી છ અમેરિકી રાષ્ટ્રપતિઓ સત્તાવાર મુલાકાતે આવ્યા છે. ટ્રમ્પ સાતમા હશે. ઓબામા એમના આઠ વરસના કાર્યકાળમાં બે વખત આવ્યા હતા. મુંબઈ ખાતે ૨૦૧૦ અને નવી દિલ્હી ખાતે ૨૦૧૫માં ઓબામા સાથે ટાઉન હૉલ પ્રકારના બે ભવ્ય જલસા યોજાયા હતા. ક્લીન્ટન મુંબઈ આવ્યા ત્યારે કોલાબાની એક પ્રમાણમાં નાની રેસ્ટોરાંમાં ભારતીય શાક આરોગવા ગયા હતા. ઘટના નાની હતી છતાં તેને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી હતી. અમદાવાદ સ્ટેડિયમનો કાર્યક્રમ અમેરિકી રાષ્ટ્રપતિઓ માટેના અગાઉના તમામ આતિથ્ય કાર્યક્રમોને ઝાંખા પાડી દેશે. અમદાવાદમાં ઘટના છે તેનો ખાસ ફાયદો ટ્રમ્પને એ મળશે કે અમેરિકામાં વસતા ભારતીયોમાં પણ ગુજરાતીઓનું પ્રમાણ ખાસ્સું મોટું છે.

જોકે અમેરિકાના ભારતીયો તમામને ઇક્વલ અમેરિકનો જ માને છે, પણ પોતપોતાના વતનને પણ પ્રેમ કરે છે. ગુજરાતી કાર્યક્રમો ઉપરાંત અન્ય પ્રાન્તોની રચનાઓ હશે જેથી ગુજરાતીઓ ખાસ ગૌરવ અનુભવશે. હ્યુસ્ટનમાં પણ ‘હાઉ ડી મોદી’ના આયોજકોમાં ગુજરાતીઓ હતા. ભારતના વિપક્ષના નેતાઓએ બુમરાણ શરૃ કરી છે કે દેશમાં જે કોઈ ધુરંધર વિદેશી મહેમાન આવે તેને મોદી અમદાવાદ જ લઈ જાય છે. શી ઝિનપિંગને ગયા વખતે મહાબલિપુરમ, તામિલનાડુ લઈ જવાયા હતા. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં તો અમેરિકન ગુજરાતીઓનો હિસ્સો છે અને તેઓ મોટેરામાં કાર્યક્રમ યોજવા માગતા હતા. ઉદ્ધવ ઠાકરેએ ટીકા કરી કે ગરીબીને ઢાંકી દેવા દીવાલ ચણવામાં આવી. મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ, જેને મહારાજા શિવાજીનું નામ અપાયું છે, ત્યાંથી વિમાન ઊડે કે ઊતરે ત્યારે હજારો એકરોમાં ઝૂંપડપટ્ટી ફેલાયેલી જોવા મળે. ટીનનાં પતરાં, રોડ, તેના પર ટાયરો, બ્લૂ પ્લાસ્ટિક અને પથ્થરો ગોઠવેલા જોવા મળે. આ દૃશ્યો દાયકાઓથી યથાવત છે. તે સ્થિતિ દૂર કરવી જોઈએ તેવી ઉદ્ધવને ક્યારેય ઇચ્છા ન થઈ? ખરી વાત એ છે કે ઝૂંપડપટ્ટીઓ ના હોવી જોઈએ. લોકો પાસે રહેવાનું મકાન હોવું જોઈએ, પણ જેઓએ ઝૂંપડપટ્ટીઓ બાંધી ભાડાં ઉઘરાવ્યા છે તેઓ તો આજે સરકારમાં બેઠા છે. દિલમાં કાંઈ દાઝ ન હોય અને માત્ર ટીકા કરવા ખાતર કરવી તે બંને છેડે સળગતી શારીરિક મીણબત્તીની નિશાની છે. એ વાત ખરી છે કે હવે પછી મોદી સરકારે એ ખાસ જોવું જોઈએ કે ભારતમાં અમદાવાદ સિવાયની પણ એક ઘણી મોટી દુનિયા છે. સિઝરની પત્ની પવિત્ર હોય એટલું જ નહીં, પવિત્ર દેખાવી પણ જોઈએ.

અમેરિકાના દુનિયાના નકશામાં ભારતનું સ્થાન જોઈએ તો ચીન અમેરિકાના વેપારધંધા, રાજકીય વિચારશૈલી તેમ જ વિજ્ઞાન-ટૅક્નોલોજી સામે નંબર એક ખતરો છે. ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ ચીનની શેહમાં છે અને અમેરિકા સામે યુદ્ધકીય ખતરો છે. ઈરાનને ચીન મદદ કરે છે. ભારત પણ કરે છે તે જૂની દોસ્તી કાજે અને અમેરિકાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કરતું નથી. ચીન સિવાય એશિયામાં જાપાન છે જે અમેરિકાનું મિત્ર તો છે પણ ચીન સામે એવડી લડત ના આપી શકે જેટલી ભારત આપી શકે. વળી, પૂર્વ એશિયામાં જાપાન અમેરિકાનું કદાચ સામર્થ્યવાન મિત્ર બને તો પણ મધ્ય, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એશિયા સુધીના દુનિયાના અરધા પટ સુધી અમેરિકાનું કોઈ મહત્ત્વનો સાથી દેશ ના હોય તો અમેરિકી પ્રભાવનો મોટો શૂન્યવકાશ સર્જાય. છેક પશ્ચિમમાં ઇઝરાયલ અને છેક પૂર્વમાં જાપાન. વચ્ચે કોઈ શક્તિશાળી દેશ જોઈએ તો તે ભારત જ છે. પાકિસ્તાનનું આર્થિક, સામાજિક કોઈ ગજું નથી જે પાકિસ્તાન માટે મદદરૃપ નીવડી શકે. પાકિસ્તાન પોતે અમેરિકાની ભીખ પર નભતું હતંુ ને મદદ શું કરે? આમેય તે ચીનના ખોળામાં બેઠું છે. વિયેતનામ, બર્મા, બાંગ્લાદેશની પણ એવી સ્થિતિ નથી. ભારત એક અબજ ૩૦ કરોડની આબાદી ધરાવતું મોટું બજાર છે જે હજી હમણા હમણા ઉપભોગવાદના તબક્કામાં પ્રવેશ્યું છે. ભારતને સૈનિક સંસાધનો ખરીદવાની પણ ખૂબ મોટી જરૃર પડે છે. ભારતના લગભગ ૩૦ લાખથી વધુ લોકો અમેરિકા વસે છે તેથી વૈચારિક અને સાંસ્કૃતિક તાલમેળ ખૂબ વધી ગયો છે. અમેરિકાની ફ્લાઈટોની ટિકિટો વૅકેશનમાં બંને તરફની આસાનીથી મળતી નથી. વધુ મોંઘી થઈ જાય. વલસાડથી અમેરિકા કોઈ ખાધાચીજ મોકલીએ તો ન્યુ યૉર્કમાં ત્રીજા દિવસે પહોંચી જાય. પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ વૉરનો આરંભ કર્યો ત્યારે ભારતમાં ઉદ્યોગધંધાઓ માટે વધુ સાનુકૂળ હવામાન જણાયું હતું, પણ તે ફરક રાતોરાત દેખાવા ના માંડે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને યુરોપના નેતાઓને ચીનથી દૂર રાખવામાં ટ્રમ્પ સફળ થયા છે. તેમાં વળી વર્તમાન કોરોના વાઇરસ સંકટ ચીનને વધુ પરેશાન કરશે. ટ્રમ્પે ઈરાનના કાસિમ સુલેમાનીની હત્યા કરાવીને આક્રમકતાનો પરિચય આપ્યો છે. ઓબામાના સમયથી એશિયામાં અમેરિકાની વગ દર્શાવતી નવી ધરીમાં ભારત પણ છે. જાપાન, ભારત, સાઉદી અરેબિયા અને ઇઝરાયલની બનેલી આ ધરી છે. ભારત માટે ચીન અને અમેરિકાને ખાળવા ખૂબ જરૃરી છે. ભારત પોતે ઇચ્છે છે કે અમેરિકા મજબૂત છે તો વધુ મજબૂત બને. અમેરિકનો મિત્રતા જાળવવામાં નબળા નથી. પાકિસ્તાનની ખૂટલાઈ, છેતરપિંડી, ગદ્દારી અને નોન્સેન્સ સહન કરીને પણ ચાર ચાર દાયકા સંબંધો જાળવ્યા છે. પાકિસ્તાન સંબંધ જાળવી ના શકે તેમાં અમેરિકાનો દોષ નથી. ભારત વોશિંગ્ટનમાં સધાતી સહમતી પ્રમાણે વર્તન કરે છે. ભારતની ઇચ્છા પણ વ્યૂહાત્મક, આર્થિક મોરચે જેની નોંધ લેવાય તેવા રાષ્ટ્ર બનવાની છે. ભારત અમેરિકન ટૅક્નોલોજીને આવકારે છે. મોદી સરકાર અમેરિકાથી આવતા ભારતીય બિઝનેસમાં મૂડી નિવેશને આવકારે છે. રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે અમેરિકાથી ભારતમાં આવતા ફોરીન ડિરેક્ટ ઇન્વેસ્ટમૅન્ટ (એફડીઆઈ) અર્થાત અમેરિકી રોકાણમાં દર વરસે દસ દસ ટકાનો વધારો થતો જાય છે. જોકે ટ્રમ્પની વૃત્તિ અમેરિકા માટે વધુ પૈસા રળવાની છે. તેથી ઘણા નિર્ણયો એવા કરવા પડે છે જેમાં ભારતના ઉદ્યોગો કે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચે છે. જેમ કે હાર્લે ડેવિડસનની બાઈકો પરની જકાત અરધી કરી નાખી. ટ્રમ્પને તેનાથી પણ સંતોષ થયો ન હતો. અમેરિકાના ટ્રેડ ડીલ ભારતને નુકસાનકર્તા બને છે.

Related Posts
1 of 262

ડોનાલ્ડ ટ્રમ્પની આ ભારત યાત્રા દરમિયાન ભારત સાથે મિનિ-ટ્રેડ ડીલ અર્થાત વેપાર કરારો પર સહીસિક્કા થશે. સંપૂર્ણ કક્ષાના ઓલ-ઇન્ક્લુડિંગ ટ્રેડ ડીલ કરતાં તે પ્રમાણમાં નાનું હશે તેથી તેને ‘મિનિ’ કહેવાયું છે. ટ્રમ્પની ભારત આવવાની શક્યતા વિશે અનુમાનો થઈ રહ્યા હતા ત્યારે કહેવાયું હતું કે જો ભારત કોઈ ટ્રેડ-ડીલ કરવા તૈયાર ન હોય તો ટ્રમ્પ ભારત આવવા માટે રાજી થશે નહીં. ચૂંટણીના વરસમાં દુનિયાની વધુ ને વધુ નોંધપાત્ર ઇકોનોમીએ (દેશો) સાથે કરારો કરીને ટ્રમ્પ ઘરઆંગણે વધુ લોકપ્રિય બનવા ધારે છે, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે ટ્રેડ ડીલ બાબતમાં કોઈ ખાસ સ્પષ્ટતા મળતી નથી. કહે છે કે વડાપ્રધાનનો આ ડીલને સંપૂર્ણ ટેકો છે. વિદેશ મંત્રી, વાણિજ્ય મંત્રી અને ગૃહ મંત્રીનો પણ સ્પષ્ટ ટેકો છે. આવું ધીંગું સમર્થન ધરાવતો હોવા છતાં ટ્રેડ ડીલ પાસ ન થાય તેવી પણ શક્યતા છે. આ અનુમાન પાછળનું એક કારણ એ છે કે આ ડીલ પર સહીસિક્કા કરવા માટે યુ.એસ. ટ્રેડ પ્રતિનિધિ રોબર્ટ લાઈથીઝર ભારત આવવાના હતા તે આવી રહ્યા નથી.

ભારતના ખાસ પ્રકારના આગ્રહને કારણે ટ્રેડ ડીલ સાધવામાં ઢીલ થઈ શકે છે. ભારત અમેરિકામાંથી ડેરી પ્રોડક્ટ્સની આયાતને ફેવરેબલ છૂટ આપશે, પણ ભારતનો આગ્રહ છે કે જે ગાયના દૂધમાંથી બનેલી ખાદ્યસામગ્રીઓ આયાત થાય તે શાકાહારી ગાયોના દૂધમાંથી બનેલી હોવી જોઈએ. એવી ગાયોના દૂધમાંથી બનેલી ના હોવી જોઈએ જેના ખોરાકમાં બિનશાકાહારી, પ્રાણી જ તત્ત્વનું મિશ્રણ કરેલું હોય. ભારતનો આગ્રહ છે કે અમેરિકાના સત્તાવાળાએ એ દૂધ શાકાહારી ગાયનું છે તેવું સર્ટિફિકેટ આપવું પડે. બીજી બાજુ ભારત બોવાઈન અર્થાત બળદ અને ભેંસનું માંસ અમેરિકાને નિકાસ કરવા માગે છે, પરંતુ અમેરિકા તે આયાત કરવા માગતું નથી. અમેરિકનોને ડર છે કે ભારતના બળદોના માંસ ‘ફૂટ એન્ડ માઉથ’ રોગથી મુક્ત નથી. જોેકે ભારત દુનિયાના સિત્તેર દેશોને ‘ફૂટ એન્ડ માઉથ ડિસીઝ’થી મુક્ત માંસ વેચે છે. તેમાં એફએમડીના જીવાણુ હોતાં નથી, કારણ કે તે બળદ ભેંસોના શરીરમાંથી તમામ ગ્રંથિઓ અને તમામ હાડકાં દૂર કરી દેવાયાં હોય છે. ભારત અમેરિકાના બજારમાં ‘પિન્ક રિવોલ્યુશન’ પહોંચાડવા માગે છે, પણ ત્યાંની સ્થાનિક પ્રજામાં આ ચર્ચા ફેલાય તો બંને દેશો માટે હિતકારક નથી.

અમેરિકા ઇચ્છે છે કે બ્લુ બેરી અને ચેરીનાં અમેરિકી ફળો માટે ભારત પોતાના બજારના દરવાજા ખોલે. ભારત તે સામે અમેરિકાને દ્રાક્ષ વેચવા માગે છે, તે પણ અમેરિકાને જોઈતી નથી. અમેરિકા ભારતમાં પિત્ઝા ચીઝ વેચવા માગે છે. આ જાણીને ભારતના શહેરી યુવાનો ખુશ થશે. કસરતબાજો માટેનું વ્હે પ્રોટિન્સ દારૃ ગાળવા માટેનું ધાન્ય અને અનાજ, મરઘાં બતકાંનો ખોરાક વગેરે પણ અમેરિકા ભારતને વેચવા ધારે છે. જે દારૃ ગાળવા માટેના ધાન્ય, ઓટ્સ, બાર્લી વગેરે આવે તે જીએમ અર્થાત જિનેટિકલી મોડ્યુલેટેડ ના હોય તેવો ભારતનો આગ્રહ છે. ટ્રમ્પ બીજા દેશોને વધુ રાહતો આપવા માગતા નથી. અમેરિકા અને ભારત વચ્ચેના વેપારમાં ભારત થોડું નફામાં રહે છે. હળવી ટ્રેડ સરપ્લસ છે. મોદી સરકાર માને છે કે વધુ અમેરિકી ઍરક્રાફ્ટ્સ (વિમાનો) અને ઊર્જા ખરીદીને બંને વચ્ચેનો વેપાર સમતોલ બનશે. વેપાર કરાર બાબતમાં હમણા અડચણો છે તેથી વેપાર કરારને બાજુએ રાખી ભારત-અમેરિકા સંરક્ષણ બાબતે આગળ વધે તેવી શક્યતા છે. જોકે વેપારમાંના અવરોધો દૂર કરવા બંને પક્ષો તરફથી ખાસ મંત્રણાઓ થઈ રહી છે. પ્રમુખ ટ્રમ્પ ભારત આવે એ વેપાર-કરાર ના થાય તો આનંદ અધૂરો નિવડે. આ મિનિ ટ્રેડ ડીલમાં પ્રગતિ થાય તો ભવિષ્યનું સર્વગ્રાહી મોટું ડીલ શક્ય બનશે. ટ્રમ્પ અને મોદી બંને ઉતાવળિયા છે અને કંઈક રજૂ કરી શકાય એવી ફલશ્રુતિ પ્રાપ્ત કરવાનું અને તેની રજૂઆત કરવાનું બંનેને ગમશે. તેથી એક અપેક્ષા છે કે વેપાર મંત્રણાનું કંઈક પરિણામ જરૃર આવશે અને મોટેરામાં પ્રગટ થશે. ઘણી વખત વેપારી વાટાઘાટો અને કરારો થવામાં અને તેને અમલમાં આપતા દાયકો વીતી જતો હોય છે, પરંતુ ભારત અને અમેરિકા એકબીજાના મહત્ત્વ સમજે છે. એકમેકની જરૃરિયાતો અને મજબૂરીઓ પણ જાણે છે અને તેની કદર કરે છે. આથી વાટાઘાટો વખતે બંને પક્ષો ઢીલું મૂકે છે. સમધાન સાધે છે અને જતું કરવા તૈયાર રહે છે. પ્રયત્નો ચાલુ જ છે. બંનેમાંથી કોઈમાં નિરાશા નથી. ‘યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ના પ્રમુખ અને અમેરિકાના વિદેશ વિભાગના દક્ષિણ અને મધ્ય એશિયા વિભાગના પૂર્વ સેક્રેટરી નિશા બિસવાલ કહે છે કે, ‘આજથી વીસ વરસ અગાઉ ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક કરારોને જાગતિક અર્થતંત્રમાં મહત્ત્વની ઘટના ગણવામાં આવતી ન હતી, તેથી તેનાથી કોઈ ચિંતા કરતું નહીં કે તેની નોંધ લેતું નહીં. આજે પાકિસ્તાન ચિંતામાં ડૂબી જાય છે અને ચીને પણ ગંભીર નોંધ લેવી પડે છે.’ બિસવાલના કહેવા મુજબ આજે બંને દેશો વચ્ચે વેપાર અનેક ગણો વધી ગયો છે અને સંબંધોએ ઊંડાં મૂળ નાખ્યાં છે ત્યારે વિચારભેદ અને હિતભેદ અથવા વિવાદના પ્રસંગો વધે તે પણ સહજ છે. સંબંધો વધુ સહજ, ઘટ્ટ બને ત્યારે મનભેદ પણ વધુ આકાર લે છે?

ભારત સરકાર તે પણ ઇચ્છે છે કે સારવાર માટેનાં તબીબી સાધનો જેવાં કે લોહીની નળીઓ માટેના અર્થાત હૃદયરોગની સારવાર માટેના સ્ટેન્ટ્સ, ગોઠણની ઢાંકણીઓ વગેરેની કિંમતો અમેરિકા ઘટાડે. અમેરિકાની દલીલ છે કે કિફાયતી દાયરામાં તમામ ઔષધો અને ઉપકરણોને મૂકવામાં આવશે તો તેનાથી નવી અને ગ્રાહકોને માટે વધુ ઉપયુક્ત અને વધુ સસ્તી પડે તેવી ટૅક્નોલોજીની શોધખોળ થંભી જશે, કારણ કે દવા કે સાધનના સંશોધન અને વિકાસ પ્રક્રિયા ખૂબ મોટું મૂડીરોકાણ માગે છે. કંપનીઓને પોતાના મૂડીરોકાણનું વળતર મળે તો જ તેઓ મૂડી રોકશે. દાખલા તરીકે બધા સ્ટેન્ટ્સ કે ઇમ્પ્લાન્ટ્સ (જેમ કે ગોઠણની ઢાંકણી) એકસરખાં હોતાં નથી. કેટલીક પ્રોડક્ટ ખૂબ અદ્યતન હોય અને કેટલીક ઓછી અદ્યતન હોય. કિંમત પર તેનો ફરક પડે છે. આ બાબતમાં અનેક વિકલ્પો અને નવા પ્રકારના સહયોગો માટે મંત્રણાઓ ચાલી રહી છે.

કહે છે કે પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ઘનિષ્ટ સંબંધો છે, સૌહાર્દ છે, પણ રાજનીતિ કે વિદેશનીતિમાં તે માટે ભાવનાશીલ કે ઘેલા ન થઈ જવાય. દોસ્તી કરતાં પણ પોતપોતાનાં હિતો મહત્ત્વનાં હોય છે. પ્રમુખ ઓબામા સાથે વડાપ્રધાનને ખાસ મિત્રતા હતી. રોજ સવારે ‘બરાક’ને ફોન કરતા હતા. હવે બરાક પ્રમુખ નથી ત્યારે કોણ કોને ક્યારે ફોન કરતું હશે તે તેઓ જ જાણે. ઓબામા ભારતના મિત્ર હતા તો પણ પાકિસ્તાનને પંપાળ્યા કરતા હતા. મદદ આપતા રહેતા હતા. વ્યક્તિગત દોસ્તી દર્શન માટે ઠીક છે. તેનાથી દેશો વચ્ચેના સંબંધો કાયમી ના બને. તે ખૂબ લાંબા સમયની પ્રોસેસ છે.

ભારત અને અમેરિકા ટ્રેડ ડીલમાં મંથર ગતિએ આગળ વધશે તો પણ સંરક્ષણ કરારોનું મેદાન બચે છે. આ ક્ષેત્રમાં ઘણા સમયથી બંને દેશો વચ્ચેનો સહયોગ વધતો જાય છે. અમેરિકી સેના, નૌસેના અને વાયુદળે ભારતનાં દળો સાથે અનેક વખત સંયુક્ત કવાયતો યોજી છે. પ્રમુખ ટ્રમ્પની પ્રમુખ તરીકેની ભારતની આ પ્રથમ મુલાકાત છે જે એમના પ્રથમ શાસનના છેલ્લા અને ચોથા વરસે આકાર લઈ રહી છે. ત્યારે આ મુલાકાતમાં તે વિષયમાં પણ ખાસ પ્રગતિની સંભાવના છે. આમેય અમેરિકા અને ભારત વચ્ચે મિનિસ્ટિરિયલ લેવલ પર સંરક્ષણ અને વિદેશી બાબતોની ચર્ચા કરવા માટે ‘યુએસ-ઇન્ડિયા ટુ પ્લસ ટુ મિનિસ્ટિરિયલ ડાયલોગ’ શીર્ષકની યંત્રણા અથવા વ્યવસ્થા રચવામાં આવી છે. ટ્રમ્પની મુલાકાતથી તેમાં વધુ જોશ આવશે. બંને દેશો સંરક્ષણ અને સલામતી બાબતમાં વધુ ગાઢ અને વિસ્તૃત સંબંધો ઇચ્છે છે. ભારત અને અમેરિકા ચીનને અડતા પેસિફિક અને હિન્દ મહાસાગરને દાદાગીરીથી મુક્ત અને સલામત રાખવા માગે છે. આ સામરિક (સલામતી માટે) અર્થાત સૈન્ય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે આર્થિક અને વેપારિક સમન્વય અને સહયોગ હોવા અનિવાર્ય છે. ભારત અને અમેરિકા આર્થિક વિકાસ માટેનાં જુદા માપદંડો, મૂલ્યો અને સિદ્ધાંતો સ્વીકારે છે તેથી આર્થિક સંબંધોમાં અને તેને વિકસાવવામાં પેચીદગી આવી જાય છે. ટ્રમ્પ માને છે કે જે દેશો અમેરિકાથી જે શરતોએ આયાત કરે છે તેઓએ પણ તે શરતો અપનાવી અમેરિકાને નિકાસ કરવી જોઈએ. અગાઉ અમેરિકાની વગદાર સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ બંને દેશો વચ્ચે મુક્ત-વેપાર શરૃ કરવાની હિમાયત કરતા હતા. કોઈ ટેરિફ કે એક્સાઈઝ નહીં. ત્યારે કોઈ ટેન્શન ન હતા. કરારો બાબતે હમણાથી જ ટેન્શનો શરૃ થયા છે. છતાં સંરક્ષણની બાબતમાં પ્રમુખ કશીક મહત્ત્વની જાહેરાત કરીને જશે તેવી અપેક્ષા છે. અમેરિકા ભારતને શસ્ત્રસરંજામ પૂરા પાડનારા દેશ તરીકે સંબંધોમાં પ્રગતિ કરી રહ્યો છે અને ભારતને અમેરિકાની ડિફેન્સ સપ્લાયર તરીકેની ટેવ પડવા માંડી છે, પરંતુ ભારતની શસ્ત્ર ખરીદીની દુનિયા અને જટિલતા, ભૂલભુલામણીમાં રસ્તો કાઢતા અમેરિકનોને આવડતું ન હતું તે કળા હવે તેઓ શિખી રહ્યા છે. ભારત ઈરાન, રશિયા અને અફઘાનિસ્તાન સાથે સંબંધો જાળવીને સમતુલા રાખે છે, પરંતુ એસ-૪૦૦ નામની રશિયન ઍન્ટિ-બેલિસ્ટિક સિસ્ટમ ભારતે એક અબજ નેવું કરોડ ડૉલરથી ખરીદી છે તે અમેરિકાને ગમ્યું નથી, છતાં અમેરિકા વિશેષ માત્રામાં નારાજી બતાવતું નથી. તેનો હવે પછીનો ઉદ્દેશ્ય મિસાઇલ વિરોધી એક વધુ રિંગ અથવા કવચ ભારતને વેચવાનો હશે. હિન્દ અને પેસિફિક મહાસાગરોમાં ચીનને ખાળવા માટે ભારત સારી પોઝિશનમાં છે તે ગણતરી મુજબ નેવીના સંદર્ભમાં પ્રમુખ કોઈક મહત્ત્વની જાહેરાત કરે તેવું બને. પ્રમુખની ભારતની મુલાકાતના ટાંકણે, થોડા દિવસો અગાઉ રૃપિયા તેર હજાર કરોડ (લગભગ) અર્થાત ૧૮૬ કરોડ ડૉલરની ઍન્ટિ મિસાઇલ સિસ્ટમ ભારતને વેચવાનું અમેરિકાએ મંજૂર રાખ્યું છે. દિલ્હીમાં ભારત અને અમેરિકાના ડેલિગેશનો વચ્ચે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીની મુલાકાત વખતે વધુ મંત્રણાઓ થશે અને નવા શસ્ત્રસરંજામો વેચવા-લેવાના વધુ કરારો થાય તેવી ધારણા છે. જે વેપાર કરાર થવાના છે તે પણ સિત્તેર હજાર કરોડ રૃપિયાની રેન્જ પર થશે, જેથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપારની વર્તમાન ગેપ પુરાઈ શકે. અગાઉ ‘જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીઝ’ (જીએસપી) ભારત સાથે લાગુ હતી. તેમાં ભારત નિર્મિત ચીજવસ્તુઓને વધારાનો ટેરિફ ભર્યા વગર અમેરિકાના બજારોમાં વેચી શકાતી હતી. અમેરિકાએ તે સિસ્ટમ રદ કરી છે. ભારતની માગણી છે કે તેને ફરી ચાલુ કરવામાં આવે.

પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે; ભારતમાં (અમદાવાદમાં) સ્ટેડિયમ અને માર્ગ પર સાત લાખ લોકો હાજર રહેશે. તેઓને જોઈને મને સારું એટલા માટે નહીં લાગે કે અમારે ત્યાં (હ્યુસ્ટનમાં) માત્ર ૫૦ હજાર લોકો જ હતા. અગાઉ ચીનના શી ઝિનપિંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, ઇઝરાયલના બેન્જામીન નેતન્યાહુ વગેરેએ ભારતની તેમની પ્રથમ મુલાકાતના શ્રીગણેશ અમદાવાદથી કર્યા હતા, પણ ટ્રમ્પની મુલાકાત નવા રેકોર્ડ સ્થાપિત કરશે. અગાઉના વડાઓની મુલાકાતો ઝાંખી પાડી દેશે. સાથે મિલાનિયા ટ્રમ્પ આવવાના છે. તાજ મહાલ જોવા જશે કે કેમ તે નક્કી નથી, પણ સાબરમતી આશ્રમ જશે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડેલિગેશન સાથે બીજા છ ભારતીય (વંશના) અમેરિકન ઉચ્ચ અધિકારીઓ પણ હશે. તેમાં ‘એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ એડવાઈઝરી કમિશન’ના મેમ્બર પાર્થ પરમેશ્વરન, ‘ટ્રેઝરી ફોર ફિનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ’ના આસિસ્ટન્ટ સેક્રેટરી બિમલ પટેલ, ‘ધ બ્યુરો ઓફ ઇકોનોમિક એન્ડ બિઝનેસ અફેર્સ’ના આસિસ્ટન્ટ સેક્રેટરી મનીષા સિંહ, ‘ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન’ના ચૅરમેન અજિત પાઈ, સેન્ટર્સ ફોર મેડિકૅર એન્ડ મેડિકેઈડ સર્વિસીઝ’ના ઍડ્મિનિસ્ટ્રેટર સીમા વર્મા, ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા બાબતના મહત્ત્વના સલાહકાર કાશ પટેલ, રિપબ્લિકન પક્ષ માટે ભંડોળ મેળવવાનું કામ કરતા અને ‘મેન્ટલ હેલ્થ સર્વિસીઝ નેશનલ એડવાઇઝરી કમિટી’ના મેમ્બર સંપત શિવાંગી વગેરે હશે. પ્રમુખ ટ્રમ્પ ચૂંટણીના સમયમાં ભારતીય અમેરિકન મતદારોનું દિલ જીતવા પણ ભારતીય વંશના અધિકારીઓની મોટી ફોજ લાવશે. હ્યુસ્ટનમાં મોટો મેળાવડો યોજ્યા બાદ માત્ર પાંચ મહિનામાં અમેરિકી પ્રમુખ ફરીવાર ભારતના વડાપ્રધાન સાથે અમદાવાદમાં આવી દોસ્તીનો જાહેર ઇજહાર એક વધુ મોટા મેળાવડામાં કરે તે ઘટના જ અભૂતપૂર્વ છે. પ્રમુખ પોતાના મતદારો વધારવા આ ઘટનાનો વિસ્તૃત સદુપયોગ કરશે તે નક્કી અને અનિવાર્ય છે. છેલ્લી ચૂંટણીઓ સુધી ભારતીય-અમેરિકનો વધુ માત્રામાં ડેમોક્રેટિક પક્ષના ટેકેદારો અને મતદારો રહ્યા છે. ગઈ રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ૭૭ ટકા ઇન્ડિયન-અમેરિકનોએ ડેમોક્રેટ હિલેરી ક્લીન્ટનને મત આપ્યો હતો જ્યારે માત્ર ૧૬ ટકાએ ટ્રમ્પને આપ્યો હતો. ટ્રમ્પના સમયમાં ગોરાઓ અને બિન-ગોરાઓ વચ્ચે ખાસ્સું મોટું પોલરાઇઝેશન (ધ્રુવીકરણ) થયું છે અને હવેની ચૂંટણીઓમાં ભારતીય વંશના મતદારો તે સ્વીકારશે કે કેમ તે હજી સવાલ છે. આમ છતાં મોદી-ટ્રમ્પના સમીકરણ બાદ એક મોટી ટકાવારી ટ્રમ્પની ફેવરમાં ઢળશે. મતો ઉપરાંત ભારતીય વંશના બિઝનેસમેન રિપબ્લિકન પક્ષને વધુ ચૂંટણી ફાળો પણ આપશે. વળી, છેલ્લે છેલ્લે ગોરા-કાળાનું રાજકારણ વાચાળ નથી રહ્યું તેથી ભારતીયોનો ડર દૂર થશે. અમદાવાદીઓ અને ગુજરાતીઓ અને ભારતના નાગરિકો ટ્રમ્પને અનેક ગણો ફાયદો પાછો વાળી રહ્યા છે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »